Bewafa - 5 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બેવફા - 5

Featured Books
Categories
Share

બેવફા - 5

બેવફા

કનુ ભગદેવ

પ્રકરણ - 5

કિશોરનો ખુલાસો

કિશોર અને અનવર એકદમ ભીંજાઇ ગયા હતા. પણ તેમ છતાંય તેઓ સ્ફૂર્તિમાં હતા.

અત્યારે બંને લખપતિદાસનાં રૂમની બારી નીચે ઊભા હતા.

અનવરનાં હાથમાં છૂરી તથા કિશોરના હાથમાં જૂની કટાર જકડાયેલી હતી.

વરસાદનો વેગ વધતો જ હતો.

બંને બારીની નીચે દીવાલ સરસા ઊભા હતા. બારી તેમના માથાથી ત્રણેક ફૂટ જેટલી ઊંચી હતી. થોડી વાર પહેલાં જ તેમને બંગલાના આગળના ભાગમાંથી કૂતરાના કાન ફફડાવાનો અવાજ સંભળાયો હતો. રૂમમાં સળગતી લાઇટનો પ્રકાશ બારીમાંથી બહાર રેલાતો હતો.

અનવરે છૂરીને બંને દંતપક્તિઓ વચ્ચે દબાવી. કિશોર બારીની નીચે કમ્મર નમાવીને ઊભો રહી ગયો. અનવર તેની પીઠ પર ચડી ગયો. એણે બારીની બારસાખ પકડીને અંદર નજર દોડાવી.

થોડી પળો બાદ તે નીચે કૂદી પડ્યો.

‘બધું બરાબર છે ને ?’કિશોરે ટટ્ટાર થતાં પૂછ્યું.

‘ના...’અનવરે નકારાત્મક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો.

‘એટલે...?’કિશોરે પૂછ્યું, ‘અંદર લખપતિદાસ નથી ?’

‘ના...રૂમમાં કોઇ જ નથી.’

‘આશા પણ નથી ?’

‘ના...મેં કહ્યું તો ખરું કે કોઇ કરતાં કોઇ જ નથી. રૂમ ખાલીખમ છે. અલબત્ત, અંદર લાઇટ ચાલું છે’અનવર બોલ્યો, ‘ડબલ બેડ પર સફેદ ચાદર પાથરેલી છે. ચાદર પર એક પણ કરચલી પડેલી નથી.’

‘પણ લખપતિદાસનો રૂમ તો આ જ છે !’

‘હા, એ તો છે. પણ આ રૂમમાં તો કોઇ જ નથી.’

‘તેં બરાબર, ધ્યાનથી જોયું છે ને ?’

‘મારી આંખો અલ્લાહની મહેરબાનીથી હજુ સહીસલામત છે સમજ્યો ?’અનવર સ્હેજ ધૂંધવાઇને બોલ્યો, ‘એમા ધ્યાનથી જોવા જેવું શું છે ? લખપતિદાસ અને આશા કંઇ નાનાં રમકડાં થોડાં જ છે કે મને ન દેખાય !’

‘તો પછી તેઓ કોઇક બીજા રૂમમાં હશે ‘

‘એમ જ હોવું જોઇએ. ચાલ તપાસ કરી લઇએ.’

બંને દીવાલની ઓથે ચાલતાં ચાલતાં બીજી રૂમની બારી પાસે પહોંચ્યા.

‘એ બંને કદાચ આ રૂમમાં હશે ‘કિશોરે બારીમાંથી રેલાતા નઇટ બલ્બનો પ્રકાશ જોઇને કહ્યું, ‘તું ધ્યાનથી જોજે.’કહીને તે નીચો નમી ગયો.

અનવર ફરીથી ચપ્પલ સહિત તેની પીઠ પર ચડી ગયો. એણે બારીના કાચમાંથી અંદર રૂમમાં નજર દોડાવી. વળતી જ પળે તેના ધબકારા એકદમ વધી ગયા.

એની નજર પલંગ પર સ્થિર થઇ ગઇ. પલંગ પર સાધના સૂતી હતી. એની નાઇટી સાથળ સુધી ઊંચી ચડી ગયેલી હતી.

નાઇટ બલ્બના અજવાળામાં તેના સુડોળ પગ ચમકતા હતા.

અનવરે પોતાના હોઠ પર જીભ ફેરવી. એની નસોમાં વહેતું લોહી એકદમ ગરમ થઇ ગયું હતું. એની આંખોમાં વાસનાની ચમક પથરાઇ ગઇ. એણે આજ સુધી ક્યારેય આવું યૌવન નહોતું જોયું.

એ સારાસારનું ભાન ભૂલી ગયો હતો. એની કામુક નજર સાધનાના દેહ પર ફરતી હતી.

પોતાની નીચે પીઠ વાળીને ઊભેલો કિશોર હવે તેનો ભાર સહન કરી શકે તેમ નથી એ વાત પણ તે જાણે સાવ ભૂલી ગયો.

કિશોર કંઇ બોલી શકે તેમ નહોતો. અનવરને લાગેલી વારનો અર્થ એણે એવો ઘટાવ્યો કે કદાચ રૂમમાં લખપતિદાસ હશે. એની કમ્મર દુ:ખતી હતી.

એણે ધીમેથી કમ્મર હલાવી.

વળતી જ પળે અનવર તેની પીઠ પરથી ઊથલી પડ્યો.

‘આ શું અનવર ? મેં તો માત્ર સંકેત જ કર્યો હતો. શું તે બારી પણ નહોતી પકડી રાખી ?’

‘બારી...?’અનવર ઊભો થઇને બોલ્યો, ‘જો તું બારીમાંથી અંદર નજર કરીશ તો તું પણ તારી જાતને તથા બારીને ભૂલી જઇશ.’

‘શું બંને સૂતા છે ?’કિશોરની આંખમાં ચમક પથરાઇ ગઇ.

‘ના...એક જ...!’

‘કોણ આશા સૂતી છે ?’

‘ના...અંદર તો લખપતિદાસની પુત્રી સૂતી છે. એકદમ એકલી...શું યૌવન છે એનું ?’

‘કેમ...? એ વસ્ત્રો પહેર્યા વગર જ સૂતી છે. શું ?’કિશોર કટાક્ષભર્યા અવાજે કહ્યું. ‘આપણે અહી લખપતિદાસની છોકરી માટે નથી આવ્યા સમજ્યો. ?’

‘હા, એ તો હું પણ જાણું છું.’અનવર બોલ્યો, ‘હું તારો મિત્ર છું. હું એકલો જ એ બંનેને ઠેકાણે પાડી દઇશ. પણ પહેલાં તું એક વખત આ રૂમમાં નજર કરી લે.’

કિશોરે અનવરની પીઠ પર ચડીને અંદર નજર કરી. પછી તેની હાલત પણ અનવર જેવી થઇ ગઇ. તે નીચે કૂદી પડ્યો.

‘જોયું...?’અનવરે ટટ્ટાર થઇને જાણે તેને મોટો ખજાનો બતાવ્યો હોય એવા અવાજે કહ્યું, ‘બોલ, કેમ છે...? તારે લખપતિદાસ સાથે બદલો જ લેવો છે ને ? એણે પૈસાની જોરે તારી આશાને આંચકી લીધી છે ને ? ચાલ, આપણે તેની દિકરીને આંચકી લઇએ’

‘પણ...’

‘પણ શું...?’

‘એ બૂમો પાડશે તો...?’

‘આપણે બે જણ છીએ. તેનાં મોંએ ડૂચો મારી દેશું તું શું છોકરી જેવી વાતો કરે છે.’

‘ઠીક છે... તો બારી ઉઘાડી નાંખ.’

અનવર ફરીથી કિશોરની પીઠ પર ચડી ગયો. એણે ગજવામાંથી હીરાકણી કાઢીને બારીનો કાચ કાપી નાંખ્યો. ત્યારબાદ એણે હાથ અંદર નાખીને સ્ટોપર ઉઘાડી નાખી. આ બધું કામ એણે ખૂબ જ સાવચેતીથી જરા પણ અવાજ ન થાય એ રીતે કર્યું હતું.

બારીમાં ગ્રીલ નહોતી.

અનવરે બારીના બંને પટ ઊઘાડી નાખ્યા.

પછી ઊંચો થઇને બારી પર ચડી ગયો. એની નજર સાધના પર જ હતી.

ત્યારબાદ એણે નીચે ઊભેલા કિશોરને ઉપર ચડી જવાનો સંકેત કર્યો. પછી એની રાહ જોયા વગર રૂમમાં ઊતરી ગયો.

પરંતુ કિશોરનું ધ્યાન તેના તરફ નહોતું. એ ફાટી આંખે, થોડે દૂર ઊભેલી એક આકૃતિ સામે તાકી રહ્યો હતો. એ આકૃતિએ પોતાના હાથમાં જકડાયેલી ટોર્ચનો પ્રકાશ તેના પર ફેંક્યો હતો. કિશોરની જીભ તાળવે ચોંટી ગઇ. એ બૂમ પાડીને અનવરને સાવચેત કરવા માંગતો હતો પણ તેનો અવાજ ગળામાં જ ઘૂંટાઇ ગયો.

પેલી આકૃતિ ધીમે ધીને નજીક આવતી જતી હતી.

વળતી જ પળે કિશોર મુઠ્ઠીઓ વાળીને બંગલાની પાછલી દીવાલ તરફ નાસી છૂટ્યો.

વરસાદ અટકી ગયો હતો.

હવે દરિયાંના ઉછળતાં મોજાંનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાતો હતો.

આનંદ તથા આશા દરિયાકિનારે તાડનાં વૃક્ષ નીચે એકબીજાને વળગીને બેઠાં હતાં. છેલ્લાં દોઢ કલાકમાં તેમણે જ માનસિક મહેનત કરી હતી, એનાથી તેમને ખૂબ જ થાક લાગ્યો હતો. પરિણામે બંને અત્યારે થાક ઉતારવા માટે બેઠા હતા.

‘આશા...’ સહસા આનંદ બોલ્યો, ‘આપણાથી કોઇ ભૂલ તો નથી થઇ ગઇ ને ?’

‘તારે કશીયે ફિકર કરવાની જરૂર નથી. કોઇ આપણે વાળ પણ વાંકો નહીં કરી શકે, નસીબ આપણને આ રીતે સાથ આપશે એવું તો મેં ધાર્યું જ નહોતું. ‘

‘આપણને કંઇ જ નહીં થાય એની તને પૂરી ખાતરી છે ને ?’

‘હા...તું મને નાની બાળકી સમજે છે કે શું ?’

‘ના...તારે કારણે જ તો હું આટલી હિંમત રાખી શકયો હતો. તું મારી સાથે ન હોત તો હું બેભાન જ થઇ જાત. મને તો અંકલનો મૃતદેહ જોઇને જ ચક્કર આવી ગયા હતા.’કહેતાં કહેતાં આનંદની નજર સમક્ષ લખપતિદાસનો મૃતદેહ તરવરી ઊઠ્યો. એ મનોમન ધ્રુજી ઊઠ્યો, ‘આપણે મતૃદેહ સાથે આખી રાત કોણ જાણે કયાં ભાટકવું પડશે એનો વિચાર કરતો હતો.’

‘એટલે જ તો હું કહું છું કે આપણું નસીબ ચડિયાતું નીકળ્યું.’

‘તને નંબર તો બરાબર યાદ છે ?’

‘હા...બરાબર યાદ છે. કિશોરની ટેક્સીનો નંબર તો હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. એ મને પોતાની ટેક્સીમાં બેસાડીને ફરવા લઇ જતો હતો. હું શરૂઆતમાં તેને ચોરીછૂપેથી મળતી હતી. અવારનવાર હું તેને મળવા માટે ચોપાટી પર જતી હતી. એ મને કહેતો કે તું ફલાણી જગ્યાએ આવી જજે. ત્યાં મારી ટેક્સી ઊભી હશે. તું સીધી ટેક્સીમાં જ બેસી જજે. તને મારી ટેક્સીનો નંબર યાદ ન હોય તો સાંભળી લે. મારી ટેક્સીનો નંબર વી.એમ.એલ. 3031 છે. આનંદ,આ નંબર મને બરાબર યાદ છે. કિશોરની ટેક્સી બાજુના ખાલી પ્લોટમાં પડી હશે એની તો મેં કલ્પના પણ નહોતી કરી.’

‘એ ટેક્સીને છૂપાવીને ઊભી રાખવામાં આવી હતી.’આનંદ બોલ્યો, ‘અત્યારે રાતના સમયે તેની ટેક્સી અહીં શા માટે ઊભી હશે ? બસ, આ એક જ સવાલ મને ગભરાવે છે.’

‘તેં વળી પાછી ગભરાવાની વાત કરી ? એ ગમે તેમ ઊભી હોય ! આપણે તેની સાથે શું નિસ્બત છે ? કદાચ ટેક્સીમાં કોઇક ગરબડ ઊભી થવાને કારણે તે એને ત્યાં જ મૂકીને વર્કશોપમાં સ્પેરપાર્ટ લેવા માટે ગયો હશે એમ હું માનું છું.’

‘બરાબર છે...પણ એની ટેક્સી તારા બંગલા પાસે જ આવીને બગડી ? આશા, આ જોગાનુજોગ મને વિચિત્ર લાગે છે.’

‘આ જોગાનુજોગને જ નસીબ કહેવાય છે. આપણું નસીબ ચડિયાતું કે આપણી નજર એ ટેક્સી પર પડી ગઇ. આપણે દરિયામાં મૃતદેહને ફેંકી શકીએ તેમ નહોતા કારણ કે સવારે એ મૃતદેહ કિનારા પરથી મળત અને મામલો ગુંચવાઇ જાત. હવે જ્યારે સૌ કોઇ જાણે છે કે કિશોર મારો પ્રેમી હતો અને પ્રેમમાં નિષ્ફળ થવાથી તે લખપતિદાસનાં લોહીનો તરસ્યો બની ગયો હતો, ત્યારે બધા એમ જ માનશે કે એણે લખપતિદાસ પર કાબૂ મેળવી, તેનું ખૂન કરીને તેનાં મૃતદેહનો નિકાલ કરવા માટે પોતાની ટેક્સીમાં લઇ જતો હતો. આપણે લખપતિદાસનું ખૂન કરીને તેનાં મૃતદેહને એની ટેક્સીની ડીકીમાં છૂપાવી દીધો છે એવી ગંધ તો કોઇનેય નહીં આવે લખપતિદાસના ખૂનના આરોપસર કિશોર ફાંસીના માંચડે લટકી જશે. અને લખપતિદાસની વિધવા બનીને હું તારી સાથે મારું જીવન પસાર કરી નાંખીશ.’

‘પણ સાધના...?’

‘સાધનાનો વિચાર કરીને મગજને તકલીફ આપવાથી શું વળશે ? તારે એની સાથે લગ્ન કરવાં હોય તો ખુશીથી કરી લેજે. મારા તરફથી તને પૂરી છૂટ છે. લગ્ન પછી તે અવારનવાર બીમાર રહેશે. કોઇ પણ જાતનું સ્લો પોઇઝન એક વર્ષમાં જ સાધનાને સ્વધામ પહોંચાડી દેશે. હું સાધનાના લગ્ન વખતે દેહજમાં રૂપમાં તને મારા ધંધામાં ભાગીદાર બનાવી લઇશ. આપણાં બંનેની જિંદગી એકબીજાની અમાનત હશે. આપણો પ્રેમ આ રીતે જ ચાલુ રહેશે.’

‘આશા...!’આનંદ ભાવવિભોર અવાજે બોલ્યો, ‘તારો પ્રેમ અને આ રીતે મળશે એવી તો મેં કલ્પના પણ નહોતી કરી. મેં જે દિવસે તને પહેલી વાર જોઇ હતી, ત્યારથી મને તારા જ વિચારો આવે છે. હું હંમેશા તારી કલ્પનામાં જ ડૂબેલો રહું છું.’

‘હવે તારે કંઇ વિચારવાની જરૂર જ નથી. આપણાં બંનેની વચ્ચે પહેલી મુલાકાતમાં જ મૂક પ્રેમની આપ-લે થઇ ગઇ હતી.હવે જ્યાં સુધી કિશોર ફાંસીના માંચડે ન લકટી જાય, ત્યાં સુધી આપણે સાવચેત રહેવાનું છે. હવે તું જા...અને હા, પોલીસને ફોન કરવાનું ભૂલતો નહીં.’

‘એ તો મને યાદ છે.વી.એમ.એલ.3031 નંબરની ટેક્સીમાં એક મૃતદેહ પડ્યો છે. એટલું જ એક શુભેચ્છક બનીને મારે પોલીસને જણાવવાનું છે ખરું ને ?’

‘હા...’

‘ઓ.કે...તો હું જઉં છું.’કહીને આનંદ ચાલ્યો ગયો.

આશા દબાતે પગલે બંગલાના પાછળના ભાગના બારણા તરફ આગળ વધી ગઇ.

બંગલામાં ચારે તરફ ભેંકાર ચુપકીદી છવાયેલી હતી.

એ ધીમેથી બારણું ઉઘાડીને બંગલામાં દાખલ થઇ ગઇ. પછી બારણું બંધ કરીને દબાતે પગલે અંધકારમાં જ લોબીમાં આગળ વધી.

સાધનાની રૂમ પાસે પહોંચીને તે એકાદ પળ માટે થોભી. પછી કંઇક વિચારીને પુન:આગળ વધી ગઇ.

એ પોતાની રૂમમાં પહોંચી. તે ખૂબ જ થાકી ગઇ હતી. રૂમમાં ડબલ બેડ પર સ્વચ્છ ચાદર પાથરેલી હતી. થોડીવાર પહેલાં આ પલંગ પર જ એણે લખપતિદાસનું ખૂન કર્યા પછી ચાદર બદલી હતી.

તે લથડતી ચાલે પલંગ તરફ આગળ વધી.

પછી અચાનક તેને પોતાનાં વસ્ત્રોનું ભાન થયું. એનો ગાઉન વરસાદને કારણે પલળી ગયો.

એ સીધી બાથરૂમમાં ચાલી ગઇ.

બે મિનિટ પછી તે બહાર નીકળી ત્યારે એના શરીર પર ટુવાલ વીંટળાયેલો હતો.

એણે બીજો ગાઉન કાઢવા માટે વોર્ડરોબનું બારણું. ઉઘાડ્યું.

પછી વળતી જ પળે તેના મોંમાંથી એક કારમી ચીસ નીકળીને બંગલામાં એક છેડાથી બીજા છેડા સુધી ફેલાઇ ગઇ.

બારણું ઉઘડતાં જ લોહીથી ખરડાયેલો એક મૃતદેહ જાણે તેને પોતાના બાહુપાશમાં જકડતો હોય એ રીતે તેના ખભા પર આવી પડ્યો.

એણે ચીસો નાંખતા મૃતદેહને એક તરફ ધકેલ્યો.

વળતી જ પળે તે બેભાન થઇને પગલે પર ઢળી પડી.

ત્યાર પછીની પળે બંગલામાં કૂતરાના ભસવાના અવાજ સાથે બંગલાનો ચોકીદાર તથા અન્ય નોકર તેની રૂમ તરફ દોડતા હતા.

અત્યારે રાતના ત્રણ વાગ્યા હતા.

બંદર રોડ પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ ઇન્સપેક્ટર વામનરાવ એક ફાઇલ ઉથલાવવામાં મશગુલ હતો. તેની ડ્યુટિ પૂરી થવાને હજુ એક કલાકની વાર હતી. એની સામે ટેબલ પર ચાનો કપ પડ્યો હતો. ચા ઠંડી પડી ગઇ હતી.

‘સાહેબ...!’

વામનરાવે માથું ઊંચુ કરીને જોયું તો તેની સામે વાઘજી પટેલ નામનો સિપાહી ઊભો હતો.

‘શું છે ?’

‘આપ હજુ સુધી ચા નથી પીધી ?’

‘ ઓહ...’વામનરાવે ચાના કપને સ્પર્શ કર્યો, ‘હું ભૈરવવાળા કેસની ફાઇલ વાંચવામાં મશગુલ થઇ ગયો હતો. આ ચા તો ઠંડી થઇ ગઇ છે.’

‘લાવો...હું ગરમ કરી લાવું !’વાઘજી બોલ્યો.

‘ના, એની કંઇ જરૂર નથી. ઠંડી ચાલશે.’વામનરાવે કપ ઊંચકીને તેમાંથી એક ઘૂંટડો ભરતાં કહ્યું, ‘વાઘજી, ભૈરવને બે વર્ષ માટે હદપાર કરવામાં આવ્યો હતો એ તો તું જાણે જ છે. મેં ગઇ કાલે તેને ગાંધી રોડ પર એક બારની સામે ઊભેલો જોયો હતો. અત્યારે ફાઇલ જોઇને મને જાણવા મળ્યું છે કે તેની સજાના બે વરસ હજુ પૂરા નથી થયા. ખેર, એ વિશાળગઢમાં જ છે તેની આપણને ખબર પડી ગઇ છે. બચીને એ ક્યાં જવાનો છે ?’

વાઘજીએ હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

વામનરાવની ઉંમર આશરે ચાલીસેક વર્ષની હતી. એની શરીરનો બાંધો ખૂબ જ મજબૂત હતો. સ્ફૂર્તિ અને ચપળતા તેના દેહમાં જાણે કે ઠાંસી ઠાંસીને ભરી હતી. એના વાળ કાન પાસેથી સફેદ થઇ ગયા હતા. થોભીયાવાળી મૂછો અને આકર્ષક વ્યક્તિત્વમાં વધારો કરતી હતી. એનો દેખાવ ખૂબ જ રૂઆબદાર હતો. વિશાળગઢના પોલીસ બેડામાં વામનરાવની ગણના એક ખૂબ જ ઇમાનદાર, કર્તવ્યનિષ્ઠ અને સફળ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે થતી હતી જ્યારે ગુનેગારોની દુનિયામાં તે શયતાનના નામથી ઓળખાતો હતો. કોઇ પણ ગુનેગાર વામનરાવનાં નામ માત્રથી જ કંપતો હતો. કોઇપણ કેસની તપાસ માટે વામનરાવની જુદી જ પદ્ધતિ હતી અને આ પદ્ધતિથી દરેક વખતે આશ્ચર્ચજનક રીતે તેને સફળતા મળતી હતી.

એની પાસે જે કેસ આવે તેમાં તે પૂરેપૂરા ખંતથી કામે લાગી જતો. કેસ પર કામ કરતી વખતે તે રાત-દિવસ, તડકો-છાંયો ઠંડી-ગરની કે વરસાદ સામે નહોતો જોતો.

ટૂંક સમયમાં જ એની ગણતરી એક કાબેલ, ચપળ અને હોંશિયાર ઇન્સ્પેક્ટર તરીકે થવા લાગી હતી.

સેન્ટ્રલ ઇન્ટેલિજેન્સ ડીપાર્ટમેન્ટના ચીફ ઇન્સપેક્ટર નાગપાલને તે પોતાનો આદર્શ માનતો હતો. એટલું જ નહીં, જરૂર પડ્યે એની સલાહ લેવા માટે પણ તે દોડી જતો હતો અને આ સલાહ લેવામાં તે જરા પણ નાનપ નહોતો અનુભવતો.

નાગપાલને પણ તેનાં પ્રત્યે માન હતું. બલ્કે એના જેવા દરેક કર્તવ્યનિષ્ઠ ર્ઓફિસર પ્રત્યે તેને માન હતું.

વાઘજીએ વામનરાવે ખાલી કરેલો કપ ઊંચકીને બીજા ટેબલ પર મૂકી દીધો.

સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

વામનરાવે હાથ લંબાવીને રિસિવર ઊંચક્યું.

થોડી પળો સુધી તે સામે છેડેથી કહેવાતી વાતો સાંભળતો રહ્યો.

વાત સાંભળતા સાંભળતા જ તેનો ચહેરો કમાનની જેમ ખેંચાઇને લાલઘૂમ થઇ ગયો હતો.

વાઘજી તેના ચહેરા પર છવાયેલા હાવભાવ જોઇ ચૂક્યો હતો. જ્યારે કયાંક કોઇક ભંયકર બનાવ બને ત્યારે જ વામનરાવનાં ચહેરા પર આવા હાવભાવ છવાતા હતા, એ વાત તે જાણતો હતો.

‘વાઘજી...’વામનરાવે રિસિવર મૂકીને સ્ફૂર્તિથી ઊભા થતાં કહ્યું, ‘મારી જીપ બહાર કાઢ અને વાયરલેસથી હેટક્વાર્ટર જાણ કરી દે કે વી.એમ.એલ. 3031 નંબરની એક ટેક્સીમાં શેઠ લખપતિદાસનો મૃતદેહ કબજે કરી લેવામાં આવે ! ટેક્સીના ડ્રાયવરનું નામ કિશોર છે.’

‘શેઠ લખપતિદાસ...?’

‘હા...હું ભૈરવચોકમાં નૂર મહેલ નામનો કાપડનો ભવ્ય શો રૂમ છે, તેના માલિક લખપતિદાસ વિશે જ કહું છું.’વામનરાવ બોલ્યો, ‘જો કે આ સમાચાર ખોટા પણ હોઇ શકે છે. પરંતુ ટેક્સીનો નંબર અને ડ્રાયવરના નામથી આ વાતમાં જરૂર કંઇક તથ્ય હોય એવું મને લાગે છે.’

સહસા ફરીથી ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

‘હલ્લો...બંદર રોડ પોલીસ સ્ટેશન...ઇન્સ્પેકટર વામનરાવ સ્પીકીંગ !’રિસિવર ઊંચકી, કાને મૂકીને એણે કહ્યું.

ત્યારબાદ સામે છેડેથી કહેવાયેલી વાત સાંભળીને તે આશ્ચર્યથી બોલ્યો, ‘શું...? મૃતદેહ...? લખપતિદાસનાં બંગલામાં...? પણ… ઓહ… ઠીક છે… હું હમણાં જ ત્યાં પહોંચુ છું. હું ન આવું ત્યાં સુધી રૂમને એ જ હાલતમાં રહેવા દેજો. રૂમની એકેય વસ્તુ સાથે કોઇ જાતની છેડછાડ કરશો નહીં.’

વાઘજી ઉત્સુકતાથી ત્યાં જ ઊભો રહીને, વામનરાવ પર બીજા ફોનની શું અસર થઇ છે તે જોતો હતો.

વામનરાવે રિસિવર મૂકી દીધું.

‘સબ. ઇનસ્પેક્ટર અમરજીને મોકલ !’એણે વાઘજી સામે જોતાં કહ્યું.

વાઘજી તરત જ સબ. ઇન્સ્પેક્ટર અમરજીની કેબિન તરફ આગળ વધી ગયો.

બે મિનિટ પછી ત્રીસેક વર્ષનો સબ. ઇન્સ્પેક્ટર અમરજી વામનરાવ સામે ઊભો હતો.

‘અમરજી...!’વામનરાવ ઝડપથી બોલ્યો, ‘હમણાં થોડીવાર પહેલાં જ કોઇ કે અહીં ફોન કરીને વી.એમ.એલ. 3031 નંબરની ટેક્સીમાં શેઠ લખપતિદાસનો મૃતદેહ પડ્યો છે તથા તેના ડ્રાયવરનું નામ કિશોર છે. એવા સમાચાર આપ્યા છે અને બે મિનિટ પહેલાં બીજો ફોન લખપતિદાસનાં બંગલેથી આવ્યો છે ફોન કરનારનાં કહેવા પ્રમાણે તેનાં બંગલામાં કોઇકનો મૃતદેહ પડ્યો છે. શેઠ લખપતિદાસની પત્ની તથા પુત્રી બેભાન હાલતમાં છે. મૃતદેહ લખપતિદાસની પત્નીના રૂમમાંથી મળી આવ્યો છે.’

‘શું એ મૃતદેહ લખપતિદાસનો છે સાહેબ ?’અમરજીએ પૂછ્યું.

‘ના, એ મૃતદેહ કોઇક અજાણ્યા માણસનો છે. આપણે પહેલાં તેમનાં બંગલે જવાનું છે. હેડક્વાર્ટરને ટેક્સીનો નંબર જણાવીને તેનાં ચાલકની જેમ બંને તેમ જલ્દીથી શોધ કરવવાની છે. તું હેડક્વાર્ટર સાથે સપર્ક જાળવી રાખીને વાયરલેસ જીપમાં નહેરૂ પાર્ક તરફ જા. કારણ કે એ તરફ જંગલ છે. અને જો ટેક્સીમાં મૃતદેહ હોવાની વાત સાચી હશે તો એ મૃતદેહને જંગલમાં જ ક્યાંક ઠેકાણે પાડવાનો પ્રયાસ કરવામાં આવશે સમજ્યો.?’

અમરજી માથું હલાવીને સ્ફૂર્તિથી બહાર નીકળી ગયો.

બે મિનિટ પછી વામનરાવ પાંચ સિપાહીઓ સાથે જીપમાં બેસીને લખપતિદાસના બંગલા તરફ આગળ વધતો હતો.

સડક પર ટ્રાફિક નહીંવત્ હતો. એટલે તેની જીપ જાણે કે હવા સાથે વાતો કરતી હતી.

પાંચ મિનિટમાં જ જીપ લખપતિદાસના બંગલા સામે પહોંચીને ઊભી રહી.

બંગલાના ફાટક પાસે ચોકીદાર જાણે કે તેમની જ રાહ જોતો હતો. એના ચહેરા પર ભય અને ગભરાટનાં હાવભાવ છવાયેલા હતા.

જીપ જોઇને એણે ફાટક ઉઘાડી નાખ્યું.

જીપ ફાટકમાંથી પસાર થઇ, પોર્ચમાં પહોંચીને ઊભી રહી.

ચોકીદાર એટલે કે બહાદૂર ફાટક બંધ કરીને જીપ પાસે પહોંચ્યો.

ઇન્સ્પેક્ટર વામનરાવની સાથે બધાં સિપાહીઓ જીપમાંથી નીચે ઊતર્યાં.

‘કયાં છે...?’વામનરાવે બહાદૂર સામે જોતાં પૂછ્યું, ‘કયાં છે એ રૂમ અને તારી શેઠાણી ?’

‘મેમસા’બ તો ભાનમાં આવી ગઇ છે સાહેબ !’બહાદૂરે જવાબ આપ્યો, ‘અત્યારે તે સાધનાની રૂમમાં છે !’

‘ઠીક છે...પહેલાં અમને મૃતદેહવાળા રૂમમાં લઇ જા.’

બહાદૂર હકારમાં માથું હલાવીને આગળ વધ્યો.

વામનરાવ તથા સિપાહીઓ તેની પાછળ જ હતા.

વરંડો વટાવીને તેઓ વિશાળ લોબીમાં પહોંચ્યા. ત્યાં ડાબી તરફ ડ્રોઇંગરૂમ હતો. ત્યારબાદ ડાયનીંગ રૂમ હતો. ડાયનીંગરૂમનું બારણું બંધ હતું. લોબીમાં સાધનાની રૂમ પાસે એક વૃદ્ધ નોકર ધ્રુજતી હાલતમાં ઊભો હતો. ડાયનીંગરૂમથી થોડે દૂર જમણી તરફ લખપતિદાસનો બેડરૂમ હતો. તેનાં બારણાં ઉઘાડા હતા. રૂમમાં સળગતી ટ્યુબલાઇટનો પ્રકાશ ઉઘાડા બારણાંમાં થઇને બહાર લોબીમાં રેલાતો હતો.

‘આજ મારા સાહેબનો રૂમ છે.’બહાદૂરે એ રૂમ પાસે પહોંચીને કહ્યું, ‘આ રૂમમાં જ મૃતદેહ પડ્યો છે.’

‘હૂં...’વામનરાવ ગળામાંથી હૂંકાર નીકળ્યો. પછી એણે પોતાની પાછળ ઊભેલા સિપાહીઓને ઉદ્દેશીને કહ્યું, ‘તમારામાંથી ગમે તે બે જણ ફાટક પાસે જાઓ અનેબાકીનાં અહીં જ ઊભા રહો. ફીંગર પ્રીન્ટ વિભાગનાં માણસો ન આવી જાય ત્યાં સુધી કોઇ પણ ચીજને અડકશો નહીં.’

સિપાહીઓએ હકારાત્મક ઢબે માથું હલાવ્યું. બે સિપાહી તરત જ ફાટક પાસે જવા માટે રવાના થઇ ગયા. બાકીનાં ત્રણે ય રૂમની બહાર જ નોકર સાથે ઊભા રહી ગયા.

વામનરાવ સાવચેતીથી રૂમમાં પ્રવેશ્યો. એણે ચારે તરફ નજર દોડાવી. પછી ફરતી ફરતી તેની નજર પલંગ પર પહોંચીને સ્થિર થઇ ગઇ.

ત્યારબાદ તે ફરીને પલંગની બીજી તરફ પહોંચ્યો. ત્યાં એક મૃતદેહ જમણાં પડખાં ભેર પડ્યો હતો. દીવાલમાં જડાયેલા વોર્ડરોબ બંધ હતો. મૃતદેહના પગ વોર્ડરોબને સ્પર્શતા હતા. એનો જમણો હાથ પલંગ સુધી ફેલાયેલો હતો. પડખાંભેર પડ્યો હોવાને કારણે તેનો અડધો જ ચહેરો દેખાતો હતો. ચહેરા પર લોહી સૂકાઇ ગયું હતું. એનાં અડધાં ઉઘાડા હોઠમાંથી દાંત ચમકતા હતા.

વામનરાવ સાવચેતીથી મૃતદેહ પાસે બેસી ગયો. એની નજર મૃતદેહનાં ચહેરા પર જડાયેલી હતી. પછી તેને મૃતદેહનાં કાન પાસે એક છેદ દેખાયું. એ છેદ ગોળી લાગવાનું હતું. કાનનો એ ભાગ નીચે જમીન તરફ હોવા છતાં પણ એ છેદ દેખાતું હતું. મૃતદેહના શરીર પર કાળુ પેન્ટ અને લાલ ટી શર્ટ હતું. એ કોઇક ટેક્સી કે રીક્ષા ડ્રાઇવર જેવો દેખાતો હતો.

મૃતદેહનું બારીકાઇથી નિરીક્ષણ કર્યા પછી વામનરાવે ફરીથી, જાણે કોઇક મહત્તવની વાત જોતો હોય એ રીતે પલંગ પર પાથરેલી ચાદર સામે જોયું. ત્યારબાદ એણે બારીઓ તરફ નજર કરી. બધી બારીઓ બંધ હતી અને તેનાં પર પડદાં લટકતા હતા. એની નજર રૂમનાં એક એક ખૂણામાં ફરવા લાગી. રૂમનો બધો સામાન પોતપોતાને સ્થાને સહીસલામત હતો. પછી અચાનક જ તેની નજર પલંગ નીચે પડેલી કોઇક ચીજ પર સ્થિર થઇ ગઇ. તે ઊભો હોવાને કારણે એ ચીજનો બે-ત્રણ ઇંચ જેટલો જ ભાગ તેને દેખાતો હતો. એણે ઘૂંટણભેર નમીને પલંગ નીચે જોયુ. વળતી જ પળે તેની આંખોમાં ચમક પથરાઇ ગઇ.

પલંગ નીચે એક રિવોલ્વર પડી હતી. રિર્વોલ્વરની મૂઠ પર ચાંદીથી લખાયેલો અંગ્રેજીનો ‘એલ’મૂળાક્ષર ચમકતો હતો.

વામનરાવે ગજવામાંથી રૂમાલ કાઢીને તેની મદદથી રિર્વોલ્વર ઊંચકીને રૂમાલ સહિત જ પુન: તેને ગજવામાં મૂકી દીધી.

ત્યારબાદ ફરીથી એકવાર રૂમમાં ચારે તરફ નજર દોડાવીને તે બહાર નીકળી ગયો. એનાં ચહેરા પર ગંભીરતાના હાવભાવ છવાયેલા હતા.

એ જ વખતે ફીંગર પ્રિન્ટ વિભાગનાં માણસો તથા પોલીસ ફોટોગ્રાફર આવી પહોંચ્યા.

વામનરાવે તેમને રૂમમાં લઇ જઇને જરૂરી સૂચના આપવા લાગ્યો.

સહસા એક સિપાહી ઝડપભેર આવીને રૂમમાં બારણાં પાસે ઊભો રહ્યો. એણે સંકેતથી વામનરાવને બોલાવીને કંઇક કહ્યું. વામનરાવ ચૂપચાપ તેની સાથે જીપ પાસે પહોંચ્યો.

એ વાયરલેસ સેટનું રિસિવર ઊંચકીને વાતો કરવા લાગ્યો.

‘સાહેબ...’સામે છેડેથી સબ. ઇન્સ્પેક્ટર અમરજીનો અવાજ તેને સંભળાયો, ‘અમે ટેક્સી ડ્રાયવરને નેશનલ પાર્ક પાસેથી ઝડપી લીધો છે. ઓવર...!’

‘અને મૃતદેહ...? મૃતદેહ મળ્યો ? ઓવર...!’

‘હા, સાહેબ...! ટેકસીની ડીકીમાંથી મૃતદેહ કબજે કરી લેવામાં આવ્યો છે. ઓવર !’

‘ઠીક છે...તું મૃતદેહને પોલીસ હેડક્વાર્ટર પર લઇ જા. ઓવર !’

‘ઓ.કે...ઓવર એન્ડ ઓલ !’કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.

વામનરાવ રિસિવર મૂકીને પુન:બંગલા તરફ આગળ વધી ગયો.

કિશોરની આંકો એકદમ અંજાતી હતી. એના મોમાંથી ચિત્કારો નીકળતા હતા. તે અત્યારે ટોર્ચર ચેર પર બંધાયેલો હતો. એનાં વીખરાયેલા વાળ વામનરાવની મુઠ્ઠીમાં જકડાયેલા હતા.

વામનરાવની આંખો લાલઘૂમ હતી. ચહેરો કમાનની જેમ ખેંચાઇને એકદમ કઠોર થઇ ગયો હતો. અત્યારે તે સાક્ષાત્ શયતાન જેવો દેખાતો હતો.

‘હું તારા હાડકાં-પાંસળો એક કરી નાખીશ...! બોલ...!’વામનરાવ તેનાં ચહેરા પર નમીને ક્રૂર અવાજે બોલ્યો, ‘બોલ...અત્યાર સુધી તું નથી બોલ્યો એ બોલ ! જે હોય તે સાચેસાચું કહી નાખ, નહીં તો હું તારી ચામડી ઉતરડી નાખીશ.’

‘સાહેબ...!’કિશોરની અંજાયેલી આંખોમાંથી આંસુ વહેતાં હતા, ‘હું સાચું જ કહું છું. મેં જે સાચું હતું, એ જ કહ્યું છે, મેં કોઇનું ય ખૂન નથી કર્યું સાહેબ!’

વળતી જ પળે વામનરાવના રાઠોડી હાથનો એક જોરદાર તમાચો સ્ટીમ રોલરના તોતિંગ ફટકાંની માફક કિશોરના ગાલ પર ઝીંકાયો.

કિશોરના મોંમાંથી ચીસ નીકળી ગઇ. એનો હોઠ ચીરાઇ ગયો અને તેમાંથી લોહીની પાતળી ધાર વહેલા લાગી.

ટોર્ચર રૂમના ખૂણામાં ઊભેલો સબ ઇન્સ્પેક્ટર અમરજી આગળ વધ્યો. પછી એણે વામનરાવ સામે જોયું.

બંને વચ્ચે આંખોની ભાષામાં જ કંઇક વાત થઇ.

વામનરાવ રૂમાલ વડે હાથ લૂછનો લૂછતો બહાર નીકળી ગયો.

અમરજીએ ખુરશીના હાથા પર હથેળી ટેકવીને લાગણીભરી નજરે કિશોર સામે જોયું.

પછી એણે ગજવામાંથી રૂમાલ કાઢીને કિશોરના હોઠ પરથી વહેતું લોહી લૂંછી નાખ્યું.

કિશોરને તેના આવા વર્તનથી ખૂબ જ આશ્ચર્ય થતું હતું. અમરજીની સહાનુભૂતિ જોઇને એણે ગળાગળા અવાજે કહ્યું, ‘સાહેબ...મને ન મારો...હું નિર્દોષ છું. મારો કંઇક જ વાંક નથી. મેં કોઇનું ય ખૂન નથી કર્યું.’

‘ભાઇ કિશોર...!’અમરજી સહાનુભૂતિભર્યા અવાજે બોલ્યો, ‘વામનરાવ નામનો આ ઇન્સ્પેક્ટર સાક્ષાત યમરાજ જેવો છે. મારે પણ તેની સાથે કેટલીયે વાર ઝગડો થયો છે. એ પોતાની જાતને પોલીસ ઇન્સ્પેક્ટર નહીં પણ કમિશનર કે, ડી.આઇ.જી.જ માને છે. મને મારા પ્રત્યે પૂરી લાગણી છે કિશોર !’

‘સાહેબ... આપ ખૂબ જ ભલા માણસ છે !’

‘વામનરાવ તને મારી નાખશે કિશોર ! થોડા દિવસ પહેલાં જ એણે એક ગુનેગારને આ રીતે જ યાતનાઓ આપીને મારી નાખ્યો હતો. જો કિશોર ! મારો હોદ્દો વામનરાવ કરતાં નીચો છે એટલે હું તારે માટે વધુ તો કંઇ કરી શકું તેમ નથી. હા...તરી ઇચ્છા હોય તો હું તને અહીંથી નાસી છૂટવામાં મદદ કરી શકું તેમ છું. પણ એનાથી યે તને કંઇ લાભ નથી થવાનો ! પોલીસ ફરીથી તને પકડી લેશે. મારે મારી નોકરી ગુમાવીને જેલમાં જવું પડશે.’

‘ના, સાહેબ ! આપને એવું કંઇ જ કરવાની જરૂર નથી. હું આપની સાથે એવું નહીં થવા દઉં. મારે ક્યાંય નથી નાસી જવું. મેં કોઇ ગુનો નથી કર્યો તો પછી મારે શા માટે નાસવાની જરૂર પડે ?’

‘જો ભાઇ...!’અમરજી કોમળ અવાજે બોલ્યો, ‘માણસાઇને નાતે મને તારા પ્રત્યે પૂરેપૂરી સહાનુભૂતિ છે. હું ભલે સબ ઇન્સ્પેક્ટર. કટર હોઉં, પણ તમ છતાંય મારી હેસિયત કંઇ ઓછી નથી. હું પણ કાયદો જાણું છું. તને આ રીતે થતી મારકુટ ગેરકાયદેસર છે. પણ છતાં ય હું ચૂપચાપ જોયે રાખું છું. હું શા માટે ચૂપચાપ આ બધું જોયે રાખું છું એની તને ખબર છે ?’

કિશોરે નકારાત્મક ઢબે માથું હલાવ્યું.

‘મને શા માટે તારા પ્રત્યે આટલી સહાનુભૂતિ થઇ ગઇ છે. એ હું પોતે પણ નથી જાણતો. ગમે તેમ તો યે હું કાયદાનો રખેવાળ છું. એટલે કાયદા સાથે...પોલીસ સાથે દગો કરી શકું તેમ નથી. ઉપરાંત તારો મિત્ર સાચું કહે છે અને તું ખોટું બોલે છે. આ સંજોગોમાંથી મારી ઇચ્છા હોવા છતાંય હું તારે માટે કંઇ જ કરી શકું તેમ નથી.’

‘મારો મિત્ર...?’

‘હા...હું તારા મિત્ર અનવરની વાત કરું છું.’

‘એ...એ ક્યાં છે ?’

‘બાજુની રૂમમાં...?’

‘એ શું કહે છે ?’

‘એણે બધી જ વાતો કબૂલી લીધી છે. બસ, આ કારણસર જ તું ખોટું બોલતો હોય એવું લાગે છે.’

‘કઇ વાતો સાહેબ ?’

‘શેઠ લખપતિદાસના ખૂનની વાતો...!’

‘અમે ખૂન કર્યું છે એમ તે કહે છે ?’

‘હા...!’અમરજી બોલ્યો, ‘એણે અમને બધું જ જણાવી દીધું છે અને સાંભળ, આ વાત મેં તને જણાવી છે એની વામનરાવે ખબર ન પડવી જોઇએ. અનવર બધું જ કબૂલી ચૂક્યો છે. તું નાહક જ તારા હાડકાં ભંગાવે છે તેં પણ બધું કબૂલી લીધું હોત તો તારે આટલો માર ન ખાવો પડત ! હજુ પણ કંઇ નથી બગડયું. જે હોય તે સાચેસાચું કહી નાખ !’

કિશોર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

‘તારે જરા પણ ગભરાવાની જરૂર નથી.’અમરજીએ તેના ખભા પર હાથ મૂકતા લાગણીભર્યા અવાજે કહ્યું, ‘હું તારી સાથે જ છું. જે હોય તે સાચે સાચું જણાવી દે. એમાં જ તારું હિત છે. તારાથી ભૂલ થઇ ગઇ છે એ હું જાણું છું. તને લખપતિદાસના ખૂનના આરોપસર જરા પણ સજા ન થાય એવા દાવપેચ શીખવવા માટે હું તૈયાર છું. તારો મિત્ર અનવર માત્ર સાચું બોલવાને કારણે જ અત્યારે આરામથી બાજુની રૂમમાં બેસીને ચા-નાસ્તો કરે છે. !’

‘સાહેબ...!’કિશોર સ્વસ્થ થતાં બોલ્યો, ‘સાહેબ, એ ખોટું બોલે છે.’

‘એ, કોણ ?’

‘અનવર...! મારો મિત્ર...! હું આપને બધું જ જણાવું છું. સાંભળો...અમે બંને લખપતિદાસનું ખૂન કરવાના હેતુથી તેના બંગલે જરૂર ગયા હતા. અનવર લખપતિદાસની પુત્રીના રૂમમાં દાખલ થયો. હું બારીની નીચે ઊભો હતો. એ જ વખતે કોઇક મારા પર ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. હું એકદમ ગભરાઇ, પાછળની દીવાલ કુદીને મારી ટેક્સીમાં નાસી છૂટ્યો. પછી તમે મને પકડીને મારી ટેક્સીની ડીકીમાંથી લખપતિદાસનો મૃતદેહ કબજે કર્યો. પણ સાહેબ, એ મૃતદેહ વિશે હું કંઇ જ જાણતો નહોતો. મારી ટેક્સીમાં મૃતદેહ ક્યાંથી આવ્યો તેની મને ખબર નથી. હું નિર્દોષ છું. સાહેબ !’

‘ આ વાત તો તું હમણાં થોડીવાર પહેલાં વામનરાવને પણ જણાવી ચૂક્યો છો. આમાં તે નવું શું કહ્યું છે ?’

‘સાહેબ...મેં જે સાચું હતું એ જ કહ્યું છે. મારે શા માટે ખોટું બોલવું જોઇએ ? આપ જેમ કહેશો તેમ કહેવા માટે પણ હું તૈયાર છું. આપ કહેશો તો લખપતિદાસ તો શું, બીજા પણ બે-ચાર ખૂનના આરોપો હું મારા માથા પર લેવા માટે તૈયાર છું. પણ સાહેબ, મેં કોઇનું ય ખૂન નથી કર્યું. તેમ લખપતિદાસનો મૃતદેહ મારી ટેક્સીમાં કેવી રીતે આવ્યો એ પણ હું નથી જાણતો. હું એકદમ મૂંઝાઇ ગયો હતો સાહેબ...હું ગભરાઇ ગયો હતો. અનવર પકડાઇ જશે એવા ભયથી હું એકદમ વ્યાકુળ થઇ ગયો હતો. હું સ્લમ કવાર્ટરમાં રહું છું. પણ તેમ છતાંય મારે ઘેર જવાને બદલે હું નેશનલ પાર્ક તરફ ગયો. હું ત્યાં શંકરના બારમાં દેશી શરાબ પીવા માટે ગયો હતો. મને ખૂબ જ ભય લાગતો હતો. અડધી રાતે શંકરના બાર સિવાય બીજે ક્યાંયથી શરાબ મળી શકે તેમ નહોતો એટલા માટે જ હું એ તરફ ગયો હતો. જો અનવરે કંઇ કર્યું હોય તો એ જાણે...પણ એક વાત તો હું પૂરી ખાતરીથી કહું છું સાહેબ, કે અનવરે લખપતિદાસનું ખૂન નથી કર્યું. જો એણે ખૂન કર્યું હોય તો લખપતિદાસનો મૃતદેહ મારી ટેક્સીની ડીકીમાં કેવી રીતે પહોંચે ? હું ટેકસી લઇને નાસી છૂટ્યો ત્યારે તો એ હજુ લખપતિદાસની પુત્રીના રૂમમાં હજુ દાખલ જ થયો હતો. હવે જો તે એમ કહેતો હોય કે એણે લખપતિદાસનું ખૂન કર્યું છે, તો એ ખોટું બોલે છે.’કહીને તે ફરીથી રડી પડ્યો.

કિશોરની વાત સાંભળીને અમરજીની આંખો સંકોચાઇ.

‘તું હજુ પણ એકવાર વિચારી લે !’એ ઊભો થતાં બોલ્યો, ‘અનવર શા માટે ખોટું બોલે ? જો એની વાત સાચી નીકળશે તો ? જો તું સાચું કહે તો હું હજુ પણ તારે માટે કંઇક કરી શકું તેમ છું. હું હમણાં જ અનવરને તારી પાસે લઇ આવું છું.’

‘જરૂર લઇ આવો સાહેબ ! જો મારી એક પણ વાત ખોટી છે એમ અનવર કહે તો પછી તમે બેધડક મને ફાંસીના માંચડે લટકાવી દેજો. મને સજાનો જરા પણ ભય નથી. હું આશા સાથે બદલો નથી લઇ શક્યો એ એક જ વાતનો મને અફસોસ છે. ઉલ્ટું હું લખપતિદાસના ખૂનના આરોપમાં સંડોવાઇ ગયો. મને માત્ર મારા કમનસીબ પર જ દુ:ખ છે. સાહેબ ! આપ અનવરને મારી પાસે લઇ આવો. એ મારી વાતને જ સાચી કહેશે તેની મને પૂરી ખાતરી છે. અલબત્ત, મારા નાસી છૂટ્યા પછી જો એણે કંઇ ખોટું કર્યું હોય તો એ બાબતમાં હું કંઇ કહી શકું તેમ નથી. બાકી મેં જે કંઇ કહ્યું છે. તે સાચું જ કહ્યું છે.’

‘અને જો અનવર મૃત્યુ પામ્યો હોય તો તું શું કરીશ ?’

‘એટલે...? હુ સમજ્યો નહીં સાહેબ !’

‘અનવર મૃત્યુ પામ્યો છે...!’

‘શું...?’કિશોરે નર્યા-નિતર્યા અચરજથી પૂછ્યું., ‘કેવી રીતે’

‘કોઇક એનું ખૂન કરી નાખ્યું છે. એનો મૃતદેહ લખપતિદાસના બંગલામાંથી જ મળી આવ્યો છે.’કહીને અમરજી બહાર નીકળી ગયો.

કિશોરે ફાટી આંખો તેની પાછળ બંધ થઇ ગયેલા બારણાં સામે તાકી રહ્યો.

***