વિશ્વ મહિલા દિવસ નાં દિવસે અમારી કોલેજ દ્વારા આયોજિત nss camp માં પીપલાણા ની પવિત્ર ભૂમિ પર જવાનું થયું. સ્વામિનારાયણ સંપ્રદાય નાં સ્વામી સહજાનંદ ની પવિત્ર દીક્ષા ભૂમિ નું સાન્નિધ્ય મળતાં આનંદ થયો. મારા તો એક તીરે બે કામ થઈ ગયા. પવિત્ર ભૂમિ નું સાન્નિધ્ય પણ મળ્યું ને મારી ડ્યૂટી પણ થઈ ગઈ. આખો દિવસ સરસ રીતે પસાર થયો. શાળા આરોગ્ય તપાસ અને વ્યસન મુક્તિ પર બાળકો ને વક્તવ્ય આપતી વખતે મારી મેડિકલ ઓફિસર તરીકે ની કારકિર્દી યાદ આવી ગઈ.
સાંજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વક્તવ્ય પણ આપવાનું હતું. મહિલા વિષયક નાં મારા વિચારો થોડા ક્રાંતિકારી છે. થોડા અંશે આદરણીય કુંદનિકા કાપડિયા નાં વિચારો નો પ્રભાવ. જે મહિલાઓ પણ ઘણી વાર નથી પચાવી શકતી. એટલે મોટા ભાગે જાહેર માં હું મારા વિચારો રજુ કરવાનું ટાળુ છું. સામાન્ય રીતે હું લોકો સાથે આસાની થી ભળી કે વાત ન કરી શકું પણ એક વાર માઈક કે સ્ટેજ હાથ માં આવે પછી હું મારા નિયંત્રણ માં નથી હોતી ને ત્યારે હું કંઈ પણ બોલી શકું. એટલે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પ્રથમ વાર માઈક હાથ માં આવતું હતું ત્યારે મારા વિચારો રજુ કરવા કે નહીં એ બાબત માં અવઢવ માં હતી.
સાંજ ની સભા શરૂ થઈ. મારી સાથે વક્તવ્ય આપનારા બીજા એક સુધારાવાદી અને કઈંક અંશે રાજકારણી સદસ્ય ને જોઈ ને મેં આખરે મારા વિચારો રજૂ કરવાનું ટાળ્યું. અને શ્રી અરૂણિમા સિંહા અને અન્ય એક પરિચિત મહિલા નાં ઉદાહરણ દ્વારા સ્ત્રી સશક્તિકરણ ની જ વાતો કરી મારુ વક્તવ્ય સમાપ્ત કર્યું. મારા પછી એ બીજા મહાનુભાવ કે જેને સાંભળવા ભીડ જમા થાય છે એવું સાંભળ્યું હતું એમનું વક્તવ્ય હતું. હું પણ એમને સાંભળવા આતુર હતી. એમણે વિશ્વ મહિલા દિવસ નાં બદલે રાષ્ટ્રવાદ ની વાતો વધુ રજુ કરી. પણ એ પણ સારા જ અને જરૂરી જ મુદ્દાઓ હતા. તો અમે સૌ પણ શાંતિ થી સાંભળતા હતા. પણ એમના વક્તવ્ય માં એમણે મહિલા વિષયક એમનાં થોડાં એવા વિચારો રજુ કર્યા કે જેણે આ લેખ લખવા મને મજબૂર કરી. એમનાં દોઢ કલાક ચાલેલા વક્તવ્ય ને શબ્દ:શ રજૂ કરવું તો શક્ય નથી અને અત્રે પ્રસ્તુત પણ નથી. પણ એમનાં વક્તવ્ય નાં સ્ત્રી વિષયક વિચારો નાં થોડા અંશો ને અહીં રજૂ કરવા પસંદ કરીશ.
"ભારત માં સ્ત્રીઓ પૂજાય છે. અહીં વિશ્વ મહિલા દિવસ ઉજવવાની કોઈ જરૂર નથી. એ તો વિદેશીઓ નો દિવસ છે. જ્યાં એમની સંસ્કૃતિ માં એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓમાં આત્મા હોતી નથી અને એ તો માત્ર ભોગ નું સાધન છે. આપણી સંસ્કૃતિ માં તો સ્ત્રી ને માતા સમાન અને પૂજ્ય ગણવામાં આવી છે." સત્યવાન સાવિત્રી ના ઉદાહરણો પણ આપ્યા. આપણે ત્યાં સાત જન્મો નાં સાથ નિભાવવા નો રિવાજ જ્યારે વિદેશો માં સંબંધો ટકતા નથી એ વિષયક એમણે વાત કરી.
અહીં સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું. જો કે મને મૂળભૂત રીતે આવી વાતો ની સૂગ કે એ બધા દિવસો વિદેશો નાં અને આપણે એને ઉજવવાની જરૂર નથી. કારણકે મને એમાં કશું ખોટું નથી લાગતું. માન્યું કે આપણી એ સંસ્કૃતિ નથી. અને આપણી સંસ્કૃતિમાં તો તમામ સંબંધો નું મૂલ્ય ખૂબ ગહન છે. પછી અત્યારે એ નિભાવાતા હોય કે નહીં.. પણ એમ છતાં એ દિવસો ને ઉજવી ને એક દિવસ આપણે માતા-પિતા- ભાઈ- બહેન કે મહિલા ઓ પ્રત્યે વિશેષ લાગણી વ્યક્ત કરીએ એમાં ખોટું શું છે એ મને ક્યારેય સમજાયું નથી. લાગણીઓ હોવી સારી જ વાત છે પણ ઘણી વાર એની અભિવ્યક્તિ પણ એટલી જરૂરી હોય છે અને આવા દિવસો નિમિત્તે આપણે લાગણીઓ અભિવ્યક્ત કરીએ છીએ એનાથી આપણો ધર્મ ભ્રષ્ટ કઈ રીતે થઈ જાય એ મને ક્યારેય સમજાયું નથી. ઉલ્ટું આપણી સંસ્કૃતિ અને હિન્દૂ ધર્મ તો એમ જ શીખવાડે છે કે જે દિશામાં થી જેટલું કંઈ સારું મળે છે એનો સ્વીકાર કરવો.. પણ તેમ છતાં આવા વિચારો ધરાવનારા લોકો ને પણ હું સન્માન જ આપું છું. કેમેકે એ એમનું અંગત મંતવ્ય છે. જ્યાં સુધી એ બીજા લોકો ને ઉજવતા રોકે નહીં ત્યાં સુધી એ લોકો પણ ખોટા નથી.
એમણે બીજી વાત કરી કે બીજા ધર્મ માં સ્ત્રીમાં આત્મા નથી એવી વાત છે. મને ખબર નથી કે કોઈ ધર્મ માં સ્ત્રી માં આત્મા નથી એવું કહેવાયું છે કે નહીં. મેં બીજા ધર્મનો ઉંડો અભ્યાસ નથી કર્યો એટલે આ વિષય માં પણ મારે વધુ કશું કહેવાનું નહોતું. અને એમનો વાત કરવાનો ઉદ્દેશ ખોટો નહોતો એટલે મને એમાં વધુ કંઈ વાંધાજનક ન લાગ્યું.
પણ પછી એમણે કેટલીક વાતો એવી કરી કે જેનાથી મારી અંદર ની સ્ત્રીનો આત્મા જરૂર દુઃખી થઈ ગયો. ગુસ્સો પણ ખૂબ આવ્યો. એમને ત્યાં ને ત્યાં સ્ટેજ પર જ જવાબ આપવાનું મન પણ થઈ ગયું. પણ મારી નબળાઈ એ કે માઈક હાથ માં હોય તો હું બોલી શકું. પણ હું શ્રોતા હતી. અને શ્રોતા તરીકે વિરોધ કરી ન શકી. મન માં ક્યાંક થોડો કહેવાતા મોટા માણસો નો ડર, આનંદ કરવા આવેલ વિદ્યાર્થીઓ ની મજા બગડે એવો ડર વગેરે કારણો થી ચૂપ રહી. પણ મારી અંદર નો ઉભરો ઠલવાય નહીં ત્યાં સુધી ચેન ક્યાં પડવાનું હતું. એટલે થોડા લોકો ને વાત કરી મેં સંતોષ માન્યો. પણ તેમ છતાં મને થઇ આવ્યું કે કંઇક ખોટું થઈ ગયું. જ્યાં અમારા આટલા વિદ્યાર્થીઓ બેઠા હતા અને જેમાં મહિલાઓ પણ હતી એમની હાજરી માં જાહેર માં આવી વાતો થાય અને ત્યાં હું મહિલા શિક્ષક તરીકે હાજર હોઉં અને વિરોધ પણ ન નોંધાવું એ બરાબર નથી. મારુ મૌન એ સમયે યોગ્ય નહોતું જ. અને અંતે મેં આ લેખ લખવા ને ખુલ્લો મુકવાનું નક્કી કર્યું ત્યારે શાંતિ થઇ. હવે જ્યારે લખું જ છું તો મારા ક્રાંતિકારી વિચારો ને રજુ કરવાની તક પણ નહીં ગુમાવું. મને ખબર છે કે મારા વિચારો ને ઘણા લોકો પસંદ નહીં કરે. વિરોધ પણ થઈ શકે. પણ જો આવા મોટા માણસો એમનાં વિચારો જાહેર માં રજુ કરી શકતા હોય તો વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એક મહિલા તરીકે હું મારા વિચારો વ્યક્ત કરી શકું એટલી સ્વતંત્રતા મને આ ફેસ બુક ની વોલ તો આપે જ છે.
પ્રથમ હું એ સુધારાવાદી નાં વિચારો ને રજૂ કરીશ. એ પછી હું એ વિષય માં મારુ અને કેવળ મારુ સ્વતંત્ર મંતવ્ય રજુ કરીશ. કોઈ જાત ની સ્વીકાર ની અપેક્ષા વિના.
એ ભાઈ ની વાત એમનાં જ શબ્દો માં.. એમણે વક્તવ્ય આપતી વખતે એક જગ્યાએ મારી માફી માંગી વિવેક પૂર્ણ રીતે એમની વાત સામે રાખી. "હું એમ માનું છું અને ઘણી જગ્યા એ આ કહેતો પણ હોઉં છું કે સ્ત્રીઓ જ્યારથી નોકરી કરતી થઈ ત્યારથી બધી સમસ્યાઓ શરૂ થઈ. એક નિયમ છે કે પુરુષો એ બહારનું કામ કરવાનું હોય અને સ્ત્રીઓ એ ઘરની અંદર સંભાળવાનું હોય. સ્ત્રીઓ નોકરી કરે એટલે ઘર સારી રીતે ન સંભાળી શકે અને બાળકો ને સંસ્કાર પણ ન આપી શકે. એ નોકરી કરી ને જેટલા પૈસા ઘર માં લાવે એનાં કરતાં વધારે પૈસા તો બાળકો પ્રત્યે ધ્યાન ન આપવાનાં લીધે એ માંદા પડે એટલે એમનાં ઈલાજ માં જ ખર્ચાય જાય. એનાં કરતાં જેનું કામ જે હોય એ જ એનું કામ કરે એ જ યોગ્ય છે." અને બીજી એક વાત કરી કે "સ્ત્રીઓ એ કપડાં પહેરવાની બાબત માં ધ્યાન આપવું જોઈએ. શરીર નાં વળાંકો દેખાય અને પુરૂષો નું મન લલચાય એવા કપડાં ન પહેરવા જોઈએ.અને પુરૂષો એ પણ પોતાનાં મન ને કાબુ માં રાખવું જોઈએ. કારણકે મન બહુ ચંચળ છે. તમારો વાંક નથી. ગીતા માં પણ કહ્યું છે કે મન બહુ ચંચળ છે તો એને કાબુ માં રાખવું અને એ માટે દરેક સ્ત્રી માં માતા ને જોવાનો પ્રયત્ન કરવો." શબ્દો આગળ પાછળ થયા હોઈ શકે પરંતુ એની પાછળ છુપાયેલો ભાવ આ જ હતો. એ મહોદયે કરેલી વાતો બાદ હવે હું મારા વિચારો ને વ્યક્ત કરતા રોકી શકું એમ નથી. તો એક પછી એક મુદ્દા પર ચર્ચા કરીશું.
1. એવું ક્યા શાસ્ત્રમાં લખાયેલું છે કે પુરુષોએ બહારનું કામ કરવું અને સ્ત્રીઓએ ઘરનું કામ કરવું? વચ્ચે એક ખુબ જ સરસ movie આવ્યું હતું kee & kaa.. તેમાં આ વાતને ખુબ જ સરસ રીતે વણી લેવામાં આવી હતી કે ઘરકામ કે નોકરી તે બંને ફક્ત કામના પ્રકાર છે અને ક્યુ કામ કોણે કરવું એના કોઈ નિયમો ન હોઈ શકે. પુરુષો ઈચ્છે તો ઘર નું કામ કરી શકે અને સ્ત્રી પણ ઈચ્છે તો બહાર નું કામ કરી શકે. એ સંપૂર્ણપણે સ્ત્રી કે પુરુષ ની ઈચ્છા, ઘર ની જરૂરિયાત અને જવાબદારી ની વહેંચણી પર છે. પણ અફસોસ.. ભારતીય માનસિકતા સાથે આ movie બંધ બેસતું નહોતું એટલે સદંતર ફ્લોપ નીવડ્યું..
પહેલા નાં સમય માં મહિલાઓ એમની શારીરિક ક્ષમતા નાં આધારે ઘર નું કામ કરવું અને પુરૂષો બહારનું કામ કરવું પસંદ કરતાં. પણ હવે યુગ બદલાયો છે. સ્ત્રીઓ ભણતર માં પુરુષો કરતાં ઘણી આગળ નીકળી ગઈ છે ત્યારે એ રસોડા ની બહાર નીકળી પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છે છે ત્યારે જરૂરી નથી કે એ હંમેશા આર્થિક ઉપાર્જન માટે જ હોય.. સ્ત્રી સમાજ માં પોતાની એક આગવી ઓળખ ઉભી કરવા કોશિશ કરતી હોય છે અને સ્વ નિર્ભર બનવાની કોશિશ કરતી હોય છે. આવા સંજોગો માં ઘર સંભાળવાની જવાબદારી સ્ત્રી અને પુરુષ બંને ની સમાન ભાગે હોવી જોઈએ. ઘર અને બાળકો એકલી સ્ત્રી ની જવાબદારી નથી. ઘર નાં કામ અને બાળકો ની જવાબદારી સમાન ભાગે વહેંચી લેવામાં આવે તો આવા પ્રશ્નો જ ઉપસ્થિત ન થાય.
2. આજે જ્યારે એજ્યુકેશન થી લઈને બધી જ બાબતમાં મોંઘવારી એ માજા મૂકી છે ત્યારે ઘણી વાર મહિલાઓ અનિચ્છાએ પણ આર્થિક ઉપાર્જન દ્વારા ઘર નો ટેકો પણ બનતી હોય છે. એવા સંજોગો માં જ્યાં મહિલા પણ પુરુષ સમાન અને એટલો જ સમય ઘર ની બહાર કામ કરે છે છતાં ઘર ની બધી જ જવાબદારી એનાં પર જ હોય છે. પુરુષ જ્યારે થાકી ને ઘરે આવે છે ત્યારે સ્ત્રી પાણી આપવા થી લઇ ને પગ દબાવવા સુધી ને સેવા કરે છે. પણ સ્ત્રી માટે ઘરમાંથી આવી કોઈ જ અપેક્ષા નથી હોતી. આજ સુધી માં એક પણ પુરુષ એવો નથી જોયો કે જે થાકેલી સ્ત્રી નાં પગ દબાવી આપે. અને આવું થાય તો પણ એ હાસ્યાસ્પદ બને છે. સ્ત્રી પોતે જ આ વાત ને નથી સ્વીકારી શકતી. ત્યાં સુધી કે કોઈ ઘર માં પુરુષ ઘરનાં કામ ની અંદર સ્ત્રી ની મદદ કરતો હશે તો સમાજ એને બાયલો કહેશે અને બૈરી નો ગુલામ કહેશે. એથી ઉલ્ટી રીતે વિદેશો માં કે જ્યાં પેલા માનનીય મહોદય નાં કહેવા મુજબ સ્ત્રી માં આત્મા જ નથી એવી માન્યતા છે ત્યાં સ્ત્રી અને પુરુષ બન્ને સમાન રીતે બધા જ કામ ની જવાબદારી સાંભળે છે. ભારત માં આ નથી થઈ શકતું એમાં તો ક્યાંક સ્ત્રીનો પણ વાંક ગણી શકાશે. સ્ત્રી પોતે જ પોતાનાં પતિ ને ઘર નું કામ નથી કરાવવા માંગતી. આપણે ફક્ત એટલું યાદ રાખીએ કે ઘર નું કામ પણ એક જાત નો કામ નો જ પ્રકાર છે તો જેમ બહાર નું કે આર્થિક ઉપાર્જનનું કામ સ્ત્રી અને પુરુષે સમાન ભાગે વહેંચી લીધું છે એ જ રીતે ઘર નું પણ વહેંચી જ શકાય. અને ઘણા પરિવાર માં આ વસ્તુ શક્ય ન બને તો પણ સ્ત્રીઓ એટલું કરતી થાય કે એમનાં બાળકો નો ઉછેર કરતી વખતે બાળકો ને આ ભેદભાવ થી દૂર રાખે કારણકે હવે ની પેઢી આ સહન નહીં કરી લે. બાળકો ને સંસ્કાર આપતી વખતે આ પણ સંસ્કાર નો એક ભાગ હોવો જોઈએ અને બાળક છોકરી હોય કે છોકરો, બંને નો ઉછેર અને ઘડતર સમાન રીતે થવું જોઈએ. છોકરી ની સાથે છોકરા ને પણ ઘર નું કામ શિખાડવા થી લઇ ને કરવા ની આદત પાડવી જોઈએ જેથી આગળ જતાં એ પણ એની પત્ની ને મદદરૂપ થઇ શકે. ને હવે પછી ની પેઢી માં સ્ત્રીઓ કારકિર્દી લક્ષી થતી જાય છે તો પુરુષો ઘર નું કામ કરતાં નહીં થાય તો કદાચ એવો પણ સમય આવી શકે કે સ્ત્રીઓ લગ્ન જ ન કરે.આજે ભ્રુણ હત્યા ને લઇ ને સ્ત્રીઓ નું સરેરાશ પ્રમાણ ઘટ્યું જ છે. સાથે સાથે હાયર એજ્યુકેશન નું પ્રમાણ પણ પુરુષો કરતા સ્ત્રીઓ માં વધુ છે. ત્યારે સ્ત્રીઓ મનગમતા જીવન સાથી નાં અભાવે લગ્ન જીવન થી જ દૂર થતી જશે તો એવો સમય આવી શકે કે પુરુષો ને જીવન સંગીની જ ન મળે. અને દહેજ પુરુષો એ આપવો પડે તો પણ નવાઈ નહીં. અને આમ પણ સ્ત્રીઓ એ પુરુષ સમોવડી થઇ ને દેખાડી જ દીધું છે. અત્યારે એક પણ ક્ષેત્ર એવું નથી જ્યાં સ્ત્રી આગળ ન આવી હોય એટલે હવે વારો પુરુષો નો છે. તેઓ પણ સ્ત્રી સમોવડા થઇ ને દેખાડે.. સ્ત્રીઓ નાં બધા જ કામ એટલી જ લાગણી ને લગન થી કરી બતાવે..
3. વર્કિંગ વુમન વિશે બીજી પણ એક વાત કરવાની હતી કે વર્કિંગ વુમન વિશે એમનાં નોકરી નાં સ્થળો એ પણ ફરિયાદ હોય છે. ખાસ કરી ને પુરુષ સહ કર્મચારીઓ ની ફરિયાદ હોય છે કે સ્ત્રીઓ પુરુષ સમોવડા ની ખાલી વાતો જ કરે છે પણ કામ કરવાનું આવે ત્યારે મારુ બાળક બીમાર છે ને સ્કૂલ થી લેવા જવાનું છે, ગેસ્ટ છે, પ્રસંગ છે જેવા વિવિધ બહાનાઓ દ્વારા રજા માંગતી હોય છે કે કામ છટકાવતી હોય છે. તો મારે આ પુરુષ કર્મચારીઓ ને પણ એટલું જ કહેવાનું કે તમારે પણ ઘરે પત્ની છે જ. અને આ બધા જ કામો કરે છે. તમે સૌ પ્રથમ આ બધા કામો માટે પત્ની પાસે થી અપેક્ષા રાખવાનું બંધ કરી તમે જાતે જ એ કામો કરતાં જાઓ. કારણકે સમાજ આવા જ પુરુષો નો બનેલો છે. સૌથી પહેલાં તો તમારાં જે મિત્રો ઘર કામ માં મદદ કરે છે એની મજાક કરવાનું બંધ કરી ને એમનાં પ્રયત્નો ની પ્રશંસા કરતાં થઇ જાઓ.. કારણકે એક પુરુષ આ પ્રયત્ન કરશે એટલે સ્ત્રીઓ કર્મચારી નાં પતિઓ પણ આ કરતાં થઇ જશે પછી તમને ફરિયાદ નહીં રહે. અને બીજી એક મહત્વ ની વાત કે પુરુષો એમને આવતાં મળ મૂત્રનાં વેગો ને સહજ રીતે જાહેર માં પણ મુક્ત કરી શકે છે. જ્યારે સ્ત્રીઓ માટે આ સ્વીકાર્ય નથી હોતું. એટલે પુરુષો તો એ સમજી પણ નહીં શકે કે મળ મુત્રો નાં વેગો ધારણ કરવા થી કેવી વેદના થઇ શકે અને ઘણી બધી સરકારી કચેરીઓ માં તો આ પ્રાથમિક સુવિધાઓ નો પણ અભાવ હોય છે. અને સ્ત્રી ઓ ને તો એ સિવાય પણ માસિક સંબંધી અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. એટલે આ બધા કારણો ને લઇ ને સ્ત્રી કદાચ એનાં નોકરી નાં સમય કે કામ ની બાબત માં ક્યાંક છૂટછાટ લેતી હોય તો એ ક્ષમ્ય છે.
4. બીજી એક વાત જે એ મહાનુભાવે કરી એ સ્ત્રીઓ નાં કપડાં ને લઇ ને.. જેનાં પર વર્ષો થી દલીલો થતી આવી છે. હું અંગત રીતે અંગ પ્રદર્શન કરતાં કપડાંઓ પસંદ નથી કરતી પરંતુ બળાત્કાર ની ઘટનાઓ માટે સ્ત્રીઓ નાં કપડાં ને જ્યાં જવાબદાર મનાતા હોય એ સમાજ ની માનસિકતા પ્રત્યે ઘૃણા થાય છે... પેલા મહાશય નાં કહેવા મુજબ ભારત દેશ માં તો સ્ત્રીઓ માં આત્મા છે એમ કહેવામાં આવે છે. ને ગીતા માં કહ્યું છે કે મન ચંચળ છે તો એ હિસાબે પુરુષો નાં જ મન ચંચળ હોય એવું તો ન હોય શકે.. સ્ત્રીઓ માં આત્મા હોય તો સ્ત્રી નું પણ મન ચંચળ હોવાનું જ.. પણ આજ સુધી માં મને એવો એક પણ દાખલો યાદ નથી કે પુરુષોને અંગ પ્રદર્શન કરતાં કપડાં પહેરતાં રોકવામાં આવ્યા હોય! અથવા તો પુરુષો એ શર્ટ કાઢ્યું હોય ત્યારે સ્ત્રી એ પુરુષ પર બળાત્કાર કર્યો હોય...!
આત્મા બન્ને માં સરખો હોય તો મન ની ચંચળતા પણ સરખી જ હોવાની.. ને એમ છતાં એ સમાજ ની માનસિકતા વિશે શું કહેવું કે જ્યાં બળાત્કાર જેવી અત્યન્ત ધૃણાસ્પદ ઘટનાઓ માટે પણ સ્ત્રીઓ અને સ્ત્રીઓ નાં કપડાં ને જવાબદાર માનવામાં આવતાં હોય.. અને ત્યાં સુધી કે સમાજ બળાત્કાર નો વિરોધ કરતો હોવા છતાં જે સ્ત્રી પોલીસ ફરિયાદ કરી પોતાની સાથે થયેલી ઘટના ને જાહેર કરે ને કદાચ ગુનેગાર ને સજા થઈ જાય તો પણ જે ગુનો પોતે કર્યો જ નથી એની સજા આખી જિંદગી સ્ત્રી જ ભોગવે છે અને એનાં લગ્ન થતાં નથી કે સમાજ નાં મહેણાં ટોણા થી સ્ત્રી મોટા ભાગે આત્મ હત્યા નો જ રસ્તો અપનાવે છે. અને બળાત્કારી પુરુષ ને મોટા ભાગે તો સજા થતી જ નથી એમ છતાં સજા થઈ તો પણ જેલ માં થી છૂટ્યા બાદ એ લગ્ન પણ કરે છે અને સામાજિક જિંદગી પણ સહેલાઇ થી જીવી શકે છે.
5. હવે એક અત્યંત મહત્વ ની વાત કે વિશ્વ મહિલા દિવસ આવે એટલે સ્ત્રીઓ ની મહાનતા નાં ગુણો ગાવાનું શરૂ થઈ જાય છે. એ સિવાય પણ સ્ત્રી જ્યારે બાળક હોય છે ત્યારે થી જ તેમનાં પર સંસ્કારો નો ઓવર ડોઝ શરૂ થઈ જાય છે. આમ નહીં આવડે તો સાસરે શું કરીશ? અને સ્ત્રી એટલે એનામાં અમુક ગુણો તો હોવા જ જોઈએ. જે સ્ત્રી માં ક્ષમા, સહનશીલતા, લજ્જા, સેવા ની ભાવના, ઘરકામ ની આવડત આ બધું હોતું નથી એને તો સમાજ સ્ત્રી તરીકે જ સ્વીકારવા તૈયાર નથી. આને લઇને સ્ત્રી ઉપર આ બધા ગુણો નું એક પ્રેસર પણ ઉભું થાય છે. કે આ બધું જ સ્ત્રી માં હોવું જોઈશે.. સ્ત્રીઓ ને એમનાં આ બધા ગુણો માટે આભાર માનો છો, આદર આપો છો એ તો બરાબર છે. પણ સ્ત્રી ને આ આદર અને આ આભાર કરતાં પણ વધારે જરૂર છે મદદ ની કે સ્વીકાર ની. કદાચ કોઈ સ્ત્રી માં આમાંથી કોઈ ગુણ નો અભાવ હશે તો એ સ્ત્રી લઘુતા ગ્રંથી અનુભવતી થઇ જાય છે આ પ્રેસર નાં લીધે. ને આ બધા ગુણો પુરુષો પાસે થી સ્હેજ પણ અપેક્ષિત નથી. પુરુષો માટે ક્યા ગુણો જરૂરી એનું કોઈ તો લીસ્ટ બનાવો...
6. પુરુષોનાં બધા દુષણો પણ સ્વીકાર્ય છે. પુરુષ વ્યસન કરે તો પણ એ તો મહેનત વાળું કે ટેંશન વાળું કામ કરતાં હોય એટલે એ એમનાં માટે જરૂરી થઇ જાય છે. અને સ્ત્રીઓ ને તો આવા મહેનત વાળા કામ જાણે હોતા જ નથી. અને કદાચ સ્ત્રી માં આવું દુષણ હોય તો પણ હાહાકાર થાય છે કે પુરૂષોનું તો સમજી શકાય પણ એક સ્ત્રી થઇ ને આવાં વ્યસનો? ત્યાં સુધી કે પુરુષ નાં કોઈ અનૈતિક સંબંધો ને પણ સમાજ ભૂલ સમજી ને સ્વીકારી લે છે. જ્યારે સ્ત્રી માટે તો આ જાહેર થાય તો ગંભીર અપરાધ માનવામાં આવે છે. હકીકતે તો પુરુષ નો અનૈતિક સંબંધ હશે તો એ પણ કોઈ સ્ત્રી સાથે જ હશે ને!પણ એ માટે પણ પુરુષ ને તો ભોળો અથવા તો ચંચળ માની ને એની ભૂલો ને સમાજ ક્ષમ્ય ગણે છે જ્યારે આવી સ્ત્રી ને તો ડાકણ થી લઇ ને વેશ્યા સુધી ની ઉપમા ઓ અપાય છે. ત્યાં સુધી કે વેશ્યા ઘરો કે કોલ ગર્લ નું અસ્તિત્વ ત્યારે જ છે કે ત્યાં પુરુષો જાય છે. પણ ત્યાં જતાં પુરુષો બદનામ નથી થતા. પણ એમાં પણ બદનામી નો વારો કોલ ગર્લ નો જ આવે છે. કોઈ પણ સ્ત્રી ને એ પૂછવામાં નથી આવતું કે કોલ ગર્લ બનવા પાછળ ની એની મજબૂરી શું હતી? કારણકે મોટાં ભાગ ની સ્ત્રીઓ આ વ્યવસાય માં કોઈ ને કોઈ મજબૂરી થી જ જોડાઈ હોય છે.
અહીં ખાસ ઉલ્લેખ કરવાનો કે આ મુદ્દા પાછળ ક્યાંય પણ કોઈ પણ જાત નાં દુષણો ને હું અંગત રીતે સમર્થન આપતી જ નથી. પણ આવા દુષણો પાછળ પણ સમાજ નાં મૂલ્યાંકન નો દ્રષ્ટિકોણ સ્ત્રી અને પુરુષ માટે અલગ હોય છે એનો વિરોધ છે.
7. અંતે એક વાત કે આ બધા જ મુદ્દાઓ ને લઇને કે બીજા કોઈ પણ અંગત કારણ ને લઇ ને સ્ત્રી એકલી રહેવાનું પસંદ કરે કે ડિવોર્સ લે કે વિધવા થાય તો પણ એમાં પણ સ્ત્રીને એ સ્વતંત્રતા અપાતી જ નથી અને આવી એકલી રહેતી સ્ત્રીઓ પ્રતિ પણ સમાજ નો દ્રષ્ટિકોણ કેવો હોય છે એ પણ બધા જાણીએ જ છીએ.
અંતે એટલું જ કહીશ કે હું કોઈ સમાજ સુધારક નથી કે ના તો કોઈ રાજકારણી. અંગત રીતે ના તો કોઈ પક્ષ સાથે દુર્ભાવ થી આ વાત રજુ કરું છું. અને આ બધી સમસ્યા ઓ માં થી હું પણ પસાર થઇ હોય એ જરૂરી નથી. એટલે મારાં આ મુદ્દાઓ ને સુધારાવાદી, રાજકારણ કે મારાં અંગત જીવન સાથે ન જોડવા. હું ફક્ત એક સ્ત્રી છું. અને બધી સ્ત્રી વતી મારી વેદના વ્યક્ત કરું છું. હું જાણું છું કે પુરુષો ને મારાં આ મુદ્દાઓ નો ઘણો વિરોધ હોઈ શકે. પણ હું એવી સૂફીયાણી વાતો થી દુર છું કે સ્ત્રી અને પુરુષ બંન્ને ગાડીનાં પૈડાં છે. અને બંન્ને નું પોતાનું અસ્તિત્વ છે અને એક બીજાની સરખામણી એક બીજા સાથે ન હોય.. સ્ત્રી ઓ એ પુરુષ સમોવડી થવાનું બંધ કરી ને બંન્ને એ સાથે ચાલવું જોઈશે વગેરે.. કારણકે હું જે સમાજ માં રહું છું ત્યાં જ્યાં સુધી સ્ત્રી ની હાલત આ જ છે ત્યાં સુધી ચોક્કસ મને વિરોધ છે અને રહેશે.. પુરુષો ને પણ એમની અંગત વેદનાઓ હશે તો એ પણ વ્યક્ત કરી શકે છે. મારે એ લોકો સાથે કોઈ વિરોધ નથી. મારો વિરોધ ફક્ત પુરુષો સાથે નથી પણ પુરુષ વાદી પરંપરાઓ ને સ્વીકારી ને રહેનાર સ્ત્રી સામે પણ છે. અને સમાજ ની આ વૃત્તિ સામે છે. એટલે કોઈ એ મારાં લેખ ને અંગત રીતે લેવો નહીં.
ડો. આરતી રૂપાણી