Ruh sathe ishq return - 5 in Gujarati Horror Stories by Disha books and stories PDF | રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 5

The Author
Featured Books
Categories
Share

રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 5

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 5

દોલતપુરથી નીકળી કબીર કલાકમાં તો શિવગઢ પોતે જ્યાં રોકાયો હતો એ વુડહાઉસ પહોંચી ગયો..નર્મદા નદીનો સુંદર કિનારો અને ઢળતો સૂરજ બંને અત્યારે એક નયનરમ્ય નજારો સર્જી રહ્યાં હતાં..કબીરનું લેખક હૃદય આ દ્રશ્ય ને પોતાનાં હૃદયમાં કેદ કરીને સંઘરી લેવાની કોશિશમાં હતું.

"લો કાકા..આ બ્રેડ અને પનીર.અને આ રમકડાં અને ચોકલેટ તમારાં બંસી નાં દીકરા માટે.."વુડહાઉસ માં રસોડામાં કામ કરેલાં જીવાકાકાની જોડે પોતે લાવેલી વસ્તુઓ મુકતાં કબીર બોલ્યો.

"અરે સાહેબ આ રમકડાં અને ચોકલેટની શું જરૂર હતી.."કબીરે લાવેલી વસ્તુઓ જોતાં જીવાકાકા એ કહ્યું.

"અરે કાકા તમે મારાં ભાવતાં ભોજન બનાવી આપો છો અને મારી જરૂરી દરેક નાની-મોટી જરૂરિયાત નો ખ્યાલ રાખો છો એનાં બદલામાં આ બધું તો કંઈપણ નથી."કબીરે આત્મીયતા સાથે કહ્યું.

"સારું તો સાહેબ તમે ફ્રેશ થઈને આવો એટલે જમવાનું પીરસી દઉં.."જીવાકાકા બોલ્યાં.

"સારું..હું અડધાં કલાકમાં આવું છું.."આટલું કહી કબીર પોતાની બેગ લઈને ઉપરનાં રૂમ તરફ જતાં દાદર તરફ આગળ વધ્યો.પ્રથમ માળે આવેલાં પોતાનાં રૂમનો દરવાજો ખોલતાં કબીરની નજર અનાયાસે જ એનાં રૂમની સામેની લોબીમાં આવેલાં રૂમ તરફ પડી.આ રૂમ કબીર જ્યારથી આવ્યો ત્યારથી તાળું જ જોઈ રહ્યો હતો.

કબીર પોતાનાં રૂમમાં ગયો અને જોડે લાવેલ ઝેરોક્ષ બેગમાંથી કાઢી એને લેપટોપ જોડે ટેબલ પર મુકી અને પછી ફ્રેશ થવા માટે બાથરૂમમાં પ્રવેશ્યો..કબીર ફ્રેશ થઈને નીચે આવ્યો એટલે જીવાકાકા એ ગરમાગરમ મિક્ષ ભજીયાં અને કઢી ડીશમાં કાઢી કબીરને પીરસી.ભરેલાં મરચાં, ડુંગળી,બટાટા અને કારેલાં નાં ભજીયાં આરોગવાની કબીરને મજા પડી ગઈ.

"તમારાં હાથમાં તો જાદુ છે..આવું જમવાનું તો મારી પત્ની પણ નથી બનાવતી.."જમ્યાં બાદ હાથ ધોતી વખતે કબીરે જમવાનાં વખાણ કરતાં જીવાકાકા ને ઉદ્દેશીને કહ્યું.

"સાહેબ,તમને ભાવ્યું એટલું બહુ છે મારાં માટે.."જીવાકાકા એ સામેથી કહ્યું.

"કાકા થોડું વધારે ખવાઈ ગયું છે તો બહાર જઈને થોડું ફરતો આવું..તમારે હજુ નીકળવાની પોણો કલાક જેવી વાર છે તો હું એ પહેલાં તો આવી જઈશ.."કબીર બોલ્યો.

"સારું સાહેબ..પણ થોડું ધ્યાન રાખજો.. રસ્તો ખાડા ટેકરાં વાળો છે.."જીવાકાકા એ કબીરને સૂચન કર્યું.

વુડહાઉસમાંથી નીકળી કબીર બહાર આવ્યો અને વુડહાઉસની ફરતે આમ તેમ ચક્કર લગાવવા લાગ્યો.ધીરે ધીરે રાત ઘેરી બની રહી હતી જેમાં ચંદ્ર ની આછેરી રોશની આજુબાજુનું વાતાવરણ નયનરમ્ય બનાવી રહી હતી.અહીં આવ્યાં બાદ કબીરને કુદરતની ભેટ સમાન જગ્યાને પોતાનો પ્લોટ લખવા માટે પસંદ કરવા બદલ આનંદ થઈ રહ્યો હતો.કબીરે મનોમન આ જગ્યા પોતાને સજેસ્ટ કરવા માટે પોતાનાં મિત્ર મનિષ નો અને આ વુડહાઉસ પર પોતાની રહેવાની સગવડ પુરી કરવા બદલ ઠાકુર પ્રતાપસિંહ નો આભાર માની લીધો.

અડધો કલાક જેટલી ચહલ કદમી બાદ કબીર પોતાની જાતને રિલેક્સ ફિલ કરી રહ્યો હતો..નર્મદા નદી પરથી આવતો શીતળ પવન કબીર નાં તન અને મન ને ભીંજવી ચુક્યો હતો.આ પવન કબીર ને રિફ્રેશનર જેવો લાગી રહ્યો હતો.જીવાકાકા નાં ઘરે જવાનો સમય થઈ ગયો હશે એવું વિચારી કબીર પાછો વુડહાઉસ પહોંચી ગયો.

"આવી ગયાં સાહેબ તમે..?"કબીરનાં અંદર પ્રવેશતાં જ જીવાકાકા એ કહ્યું.

"હા કાકા..હવે તમે જઈ શકો છો.."કબીર બોલ્યો.

"હું નીકળું છું ત્યારે..તમે પૂછતાં હતાં કે ઠાકુર સાહેબ ક્યારે આવવાનાં છે..તો તમને જણાવું કે એ કાલ સુધીમાં આવી જશે."જીવાકાકા એ કહ્યું.

"સારું તો હું કાલે જઈને એ સજ્જનને મળી લઈશ.."કબીરે કહ્યું.

ત્યારબાદ જીવાકાકા કબીરે આપેલી વસ્તુઓ લઈને પોતાનાં ઘર તરફ જવા પોતાની સાઇકલ લઈને નીકળી ગયાં..રોજની માફક એમને વુડહાઉસ ને બહારથી તાળું મારી દીધું હતું.એમનાં જતાં જ કબીરે ઘરનાં બધાં બારી-બારણાં સરખી રીતે બંધ છે કે નહીં એ ચેક કરી જોયું.બધું ચેક કર્યાં બાદ કબીર ઠંડા પાણીની બોટલ લઈને પોતાનાં રૂમમાં પહોંચી ગયો.

************

રૂમમાં પહોંચીને કબીરે સૌપ્રથમ તો લેપટોપ ઓન કરી એમાંથી પોતાની મનપસંદ ગઝલની પ્લેલિસ્ટ ચાલુ કરી અને એમાં મોજુદ પોતાનું પસંદગી તુમ બિન મુવીનું જગજીત સિંહ નાં અવાજમાં સ્વરબદ્ધ એક ગીત વગાડવાનું શરૂ કરું.

कोई फ़रियाद तेरे दिल में दबी हो जैसे

कोई फ़रियाद तेरे दिल में दबी हो जैसे

तूने आँखों से कोई बात कही हो जैसे

जागते जागते इक उम्र कटी हो जैसे

जागते जागते इक उम्र कटी हो जैसे

जान बाकी है मगर साँस रूकी हो जैसे

हर मुलाक़ात पे महसूस यही होता है

हर मुलाक़ात पे महसूस यही होता है

मुझसे कुछ तेरी नज़र पूछ रही हो जैसे

एक लम्हे में सिमट आया है सदियों का सफ़र

एक लम्हे में सिमट आया है सदियों का सफ़र

ज़िंदगी तेज़ बहुत तेज़ चली हो जैसे

ज़िंदगी तेज़ बहुत तेज़ चली हो जैसे

દિલ અને દિમાગને સુકુન આપતી આ સુંદર ગઝલને સાંભળતાં સાંભળતાં કબીરે પોતાની લાવેલી ઝેરોક્ષની કોપીઓમાંથી અમુક મુદ્દા હાઈલાઈટર વડે હાઈલાઈટ કરીને પોતાનાં લેપટોપ માં પોતાની નવી નોવેલ અમાસ:the revange of saul નો અધુરો મુકેલો પ્લોટ લખવાનું શરૂ કર્યું.

કબીર બહુ સમજી વિચારીને પ્લોટ લખી રહ્યો હતો કેમકે આ નોવેલ ફક્ત સારી લખાય એવું જરૂરી નહોતું પણ આ બુક અતિ ઉત્તમ લખાય એ કબીર માટે બેહદ જરૂરી હતું.પોતે જે કંઈપણ ધારતો હતો એ બધું આ બુકથી કબીર મેળવવાં માંગતો હતો.છેલ્લાં ચાર વર્ષોથી કબીર જે એવોર્ડની દિવસ-રાત ઝંખના કરતો હતો એ આ બુક થકી કબીર મેળવવા માંગતો હતો માટે જરા સરખી પણ ભૂલ આ બુક લખવામાં રહી જાય એવું કબીર નહોતો ઈચ્છતો.જે રીતે કોઈ મકાનની મજબૂતાઈ એનાં પાયામાં ટકી હોય એમ કોઈ નોવેલ ત્યારે જ ચમત્કાર સર્જી શકે જ્યારે એનો પ્લોટ અદ્ભૂત લખાયો હોય.

રાત નાં લગભગ બાર વાગ્યાં સુધી કબીર પુરી લગનથી પોતાની નવી નોવેલનો પ્લોટ તૈયાર કરતો રહ્યો.બાર નાં ટકોરાં સાથે કબીરે પોતાનું લેપટોપ શટ ડાઉન કર્યો અને એક રાહતની શ્વાસ લેતાં બોલ્યો.

"આખરે પ્લોટ લખાઈ ગયો..હવે આ અમાસ જ તને બેસ્ટ writer નો એવોર્ડ અપાવશે કબીર.."

ત્યારબાદ કબીર નીચે રસોડામાં ગયો અને ફ્રીઝમાંથી દૂધ ની તપેલી કાઢી એમાંથી એક દુધનો ગ્લાસ ભર્યાં બાદ દૂધ પીને પુનઃ પોતાનાં રૂમમાં આવ્યો.પોતાનાં રૂમની ટ્યુબલાઈટ બંધ કરીને કબીરે પલંગની જોડે મોજુદ નાઈટ લેમ્પ ચાલુ કર્યો અને પછી સુઈ ગયો.જ્યારે તમે કોઈ કામ પૂર્ણ કરી રહો તો એ પૂરું થવાનો આનંદ એ દિવસ પૂરતાં તમારી નીંદરને વધુ ગાઢ બનાવે છે એ મુજબ કબીરને આજે ચેન ની ઊંઘ આવવાની હતી એ નક્કી હતું.

*********

રાત નાં અઢી વાગ્યાનો ટકોરો પડ્યો એ સાથે જ છેલ્લાં બે દિવસની જેવો જ અવાજ વાતાવરણમાં પડઘાયો..ભર નિંદ્રામાં હોવાં છતાં કબીરે એ અવાજ તો સાંભળ્યો હતો પણ જીવાકાકા એ સવારે કહ્યાં મુજબ અહીં આજુબાજુ રાની પશુઓ આંટા ફેરા મારતાં જ હોય છે એટલે એ તરફ લક્ષ આપવાનાં બદલે કબીર પલંગમાં સુતો જ રહ્યો.

કબીરે હજુ પડખું ફેરવ્યું ત્યાં તો એનાં કાને ફરીથી કોઈ વિચિત્ર અવાજ કાને પડ્યો..આ વખતે પણ કોઈનાં પગરવનો અવાજ કબીર સ્પષ્ટ સાંભળી રહ્યો હતો.આવો જ અવાજ કબીરે ગત રાતે પણ સાંભળ્યો હતો અને તપાસ કરવા છતાં એની નજરે કોઈ ચડ્યું નહોતું એટલે આજે તો પોતે કોઈ કાળે ઉભો નહીં જ થાય એવું મનોમન નક્કી કરી કબીર પલંગમાં જ પડ્યો રહ્યો.

અચાનક કબીરે પગરવની સાથે ઝાંઝરનો અવાજ સાંભળ્યો..કોઈ ની પાયલ ખનકતી હોય એવો સ્પષ્ટ અવાજ કબીરનાં કાન ને અથડાઈ રહ્યો હતો.આ અવાજ વધતાં સમયની સાથે ધીરે-ધીરે વધુ તીવ્ર બની રહ્યો હતો.ઝાંઝરનો અવાજ સાંભળી કબીર ચમકીને પોતાના પલંગમાં સફાળો બેઠો થઈ ગયો.કબીર નો હાથ અનાયાસે જ પોતાની રિવોલ્વર તરફ ચાલ્યો ગયો..કબીર રિવોલ્વર લઈને ઉભો થયો અને અવાજ ક્યાંથી આવી રહ્યો હતો એ તપાસ કરવા અવાજની દિશામાં આગળ વધ્યો.

"આ અવાજ તો પાછળની તરફથી આવી રહ્યો છે.."બારી તરફ આગળ વધતાં કબીર મનોમન બોલ્યો.

કબીરે અવાજ ના થાય એ રીતે બારી ને હળવેકથી ખોલી અને બહારની તરફ નજર કરી..બહાર ગાઢ અંધારું હતું એટલે પહેલાં તો કબીરને કંઈપણ સ્પષ્ટ દેખાયું નહીં.કબીર ને થયું કે પોતે સાંભળેલો ઝાંઝરનો અવાજ શાયદ એનાં મન નો કોઈ ભ્રમ હશે કેમકે એની નવી નોવેલનો પ્લોટ પણ થોડો ઘણો આજ પ્રકારનો હતો.

"શાયદ મને કોઈ ભ્રમ થયો જ લાગે છે.."આટલું બોલી કબીર પુનઃ પોતાનાં પલંગની તરફ અગ્રેસર થયો..ટેબલની જોડે પડેલ પાણીની બોટલમાંથી પાણી પીધાં બાદ કબીર પલંગમાં સુવા માટે જ જતો હતો ત્યાં એને ફરીવાર ઝાંઝરનો અને કોઈનાં પગરવનો અવાજ સાંભળ્યો.

અવાજ સાંભળતાં જ કબીર પાછો બેઠો થઈ ગયો અને અવાજ આવી રહ્યો હતો એ તરફ આગળ વધતાં વધતાં મનોમન બોલ્યો.

"મતલબ આ કોઈ મનનો વહેમ નથી પણ સાચેમાં પાછળનાં ભાગમાં કોઈને કોઈ તો મોજુદ છે."

આ વખતે કબીરે એક ધડાકે જ બારી ખોલી અને પોતાની રિવોલ્વર બારીની બહાર નીકાળી ને અવાજની દિશામાં નજર કરી..પહેલાં તો કબીર કંઈપણ જોઈ ના શક્યો પણ અચાનક કબીર ની આંખે કોઈક નજરે પડ્યું.એક લાલ રંગની સાડીમાં કોઈ યુવતી ઝાડીઓની પાછળ મોજુદ હતી.

"કોણ છે ત્યાં..આટલી મોડી રાતે આવી વેરાન જગ્યાએ ફરવામાં જાન નું જોખમ છે.."કબીરે મોટેથી સાદ પાડીને એ યુવતીને ઉદ્દેશીને કહ્યું.

કબીરનાં સુચન બાદ પણ એ યુવતીએ સામો કોઈ પ્રતિભાવ ના આપ્યો..ઉલ્ટાનું એ આમ તેમ દોડવા લાગી.

"નક્કી આ કોઈ મગજ વગરની લાગે છે.."મનોમન આટલું બોલી કબીરે એ યુવતીને ઉદ્દેશીને પુનઃ કહ્યું.

"તમે જે કોઈપણ હોય મારી તમને વિનંતી છે કે આટલી મોડી રાતે આવી ભયાનક જગ્યાએ આમ ફરવામાં જાન નું જોખમ છે તો તમે અહીંથી ચાલ્યાં જાઓ.."

આ વખતે કબીરની વાત ની અસર થઈ અને એ યુવતી દોડતાં દોડતાં અટકી ગઈ.એ સાથે જ એની ઝાંઝરનો અવાજ આવતો અટકી ગયો..એ પછી ધીરે ધીરે એ યુવતી કબીરની નજરોથી દુર જવા લાગી..ટેકરી તરફ આગળ વધતાં વધતાં એ યુવતી કબીરની નજરોથી ઓઝલ થઈ ગઈ અને એ સાથે જ એની પાયલનો અવાજ પણ સાવ બંધ થઈ ગયો.

એ યુવતીનાં જતાં જ તમરાં અને નિશાચર પક્ષીઓનાં અવાજની સાથે વાતાવરણમાં સ્મશાનવત શાંતિ પ્રસરી ગઈ.કબીરે ફટાફટ બારી બંધ કરી અને પાછો પોતાનાં બેડ પર આવ્યો અને રિવોલ્વર ઓશીકા ની બાજુમાં રાખીને સુઈ ગયો.

સળંગ ત્રીજા દિવસે પણ પોતાનાં જોડે થયેલો વિચિત્ર અનુભવ કબીરનાં મતે એક સામાન્ય બાબત હતી..પણ શું હકીકતમાં એવું હતું કે પછી પોતે જે વાત ને સામાન્ય માનતો હતો એ ઘટનાઓ આવનારી કોઈ નવી મુસીબતની એંધાણી છે એ વાતથી બેખબર કબીર ચીર નિંદ્રામાં પોઢી ગયો.!

********

વધુ આવતાં અંકમાં.

કબીર ની જીંદગી જોડે જોડાયેલ સચ્ચાઈ અને શિવગઢમાં શું થવાનું હતું એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.

જો તમે રેટિંગ ઓછું આપો તો એનો કોઈ વાંધો મને નથી પણ જોડે જોડે એમ કરવા પાછળનું કારણ લખો તો હું આગળ જઈને વધુ સારું લખવાનો પ્રયત્ન કરી શકું.અમુક વાંચકો સતત બધી નોવેલ વાંચ્યા બાદ પણ બીજાં વાંચકોથી વિપરીત ઉતરતી કક્ષાનું રેટિંગ આપે ત્યારે મનોબળ ને ધક્કો જરૂર લાગે છે..છતાં એમનો પણ આભાર કેમકે એ લોકો વાંચે તો છે.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ