Aghor Aatma - 11 Pret no Padchhayo in Gujarati Horror Stories by DHARMESH GANDHI (DG) books and stories PDF | અઘોર આત્મા - ૧૧ પ્રેતનો પડછાયો

Featured Books
Categories
Share

અઘોર આત્મા - ૧૧ પ્રેતનો પડછાયો

અઘોર આત્મા

(હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા)

(ભાગ-૧૧ : પ્રેતનો પડછાયો)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

---------------------

(ભાગ-૧૦માં આપણે જોયું કે...

ઉઘાડી પીઠવાળી ચૂડેલ નાગલોકના યુવક નાગેશ તથા તિમિરના અકસ્માત અને મૃત્યુની ચોંકાવનારી વિગતો આપે છે. એમના મૃતદેહોને કયા કારણસર કબરમાં દફનાવી દેવાયા હતા એનું પણ ભય પમાડી દે એવું વર્ણન કરે છે. મારું મૃત્યુ મારા બાળપણમાં જ થયું હોવાનું અને મને મૃતાત્માલોક પાસેથી એક સોદો કરીને ફરીથી જીવિત કરાઈ હોવાનું જણાવે છે. અગોચર વિશ્વનો પ્રતિનિધિ કોણ હશે? મારી દુનિયામાં કયા આશયથી એ પ્રવેશશે? -એવા અનેક પ્રશ્નાર્થો મૂકીને એ ચૂડેલ પીપળાના વૃક્ષ ઉપરથી આકાશ ભણી ઉડી ગઈ હતી.

હવે આગળ...)

--------------

અઘોરી અંગારક્ષતિએ પોતાની લાલચોળ આંખો ખોલીને કાળી બિલાડી ઉપર ત્રાટક કર્યું. બિલાડીની આંખો ચમકી રહી હતી. એના પેટમાં જાણે કે ચૂંક આવી રહી હોય એમ એ તીણા અવાજે કારમું રુદન કરી રહી હતી. પૂંછડીને બે પગ વચ્ચે દબાવીને ટૂંટિયું વાળીને ખાખરાના પાંદડાના ઢગલા વચ્ચે લપાઈ ગઈ હતી. અંગારક્ષતિના ત્રાટકથી દૂર ભાગી છૂટવા માટે ધમપછાડા કરીને આખરે હાંફી ગઈ હતી.

આખરે અંગારક્ષતિએ સંપૂર્ણ નગ્નાવસ્થામાં એ બિલાડી પાસે જઈને એને ગરદનમાંથી પકડીને ઊંચકી. બિલાડી એક તીવ્ર ચીસ પાડી ઊઠી. પોતાના આખા શરીરે ચોળેલી તાજી ચિતાની ભસ્મ સાથે એ બિલાડીનું મોઢું રગદોળવા માંડ્યો જાણે કે બિલાડીની જીભથી એના શરીરની રાખ ચટાવા માંગતો હોય. બિલાડીનું બંધ મોં ખોલાવવા માટે અઘોરીએ ગરદન પરની એની પકડ સખત કરવા માંડી. આખરે ગૂંગળાઈ જઈને બિલાડીએ લાંબી જીભ બહાર કાઢી. એ સાથે જ અંગારક્ષતિ ઉત્તેજિત થઈ ઊઠ્યો. બિલાડીનું મોં પોતાના ગુપ્તાંગ સાથે રગડવા માંડ્યો. ધીરે ધીરે બિલાડીએ જયારે એના આખા શરીરેથી સંપૂર્ણ રાખ ચાટી લીધી કે બીજી જ ક્ષણે અઘોરીએ બિલાડીની લબડતી લાંબી જીભ પોતાના તીક્ષ્ણ દાંતો વડે કરડી લીધી. બિલાડી કંપારી છૂટી જાય એવી કારમી ચીસ પાડી ઊઠી. બિલાડીના મોંમાંથી વહેતી લોહીની તાજી ધાર અઘોરીએ પોતાના મોંમાં કાળજીપૂર્વક લઈ લીધી કે જેથી એક બૂંદ પણ જમીન પર પડીને બરબાદ ન થાય! અને કરડેલી જીભને ચાવીને એક હાશકારા સાથે પોતાના ગળા નીચે ઉતારી દીધી. એના સંતોષનો અંત તો ત્યારે આવ્યો જયારે એણે બિલાડીની એક આંખમાં પણ પોતાના ધારદાર દાંત ખૂંપાવી દીધા. અને મોટું બચકું ભરી લઈને આંખનો આખો ડોળો ખેંચી કાઢ્યો. પોતાના લોહિયાળ મોંમાં એ બિલાડીની આંખ એવી રીતે ચાવી રહ્યો હતો જાણે કે અખરોટ..! બિલાડીના આક્રંદથી આખું વાતાવરણ ખોફનાક બની ગયું હતું!

અંગારક્ષતિએ ઘાયલ અને આક્રંદ કરતી બિલાડીને દૂર બેઠેલી ઉઘાડી પીઠવાળી ચૂડેલ તરફ ફંગોળી દીધી. ચૂડેલે પોતાનો કાળો લાંબો ચોટલો લંબાવીને એને ઝીલી લીધી અને સાથે એક ધીમું હાસ્ય વહેતું મૂક્યું. અઘોરીએ ઘાંટો પાડ્યો, ‘મારી આ ‘બિલ્લી-વિધિ’થી જ્યાં સુધી આ બિલાડી જીવિત રહેશે ત્યાં સુધી તારા દીકરાનો વર્ષોથી પ્રેતયોનિમાં ભટકતો આત્મા એક કાળા પડછાયાનું રૂપ ધારણ કરી શકશે, અને તપસ્યાને ભોગવવાની એની લાલસા પૂરી કરી શકશે, જા...’

ચૂડેલ ધીમા અવાજે ગીત ગણગણતી અને ચોટલો રમાડતી ઉંધા પગલે ચાલવા માંડી.

‘પણ યાદ રહે... આ વિધિ બદલ તારે મને એની દક્ષિણા પૂરી પાડવાની રહેશે.’ અઘોરીએ એને જતા ટોકી.

‘યાદ છે, અઘોરી, યાદ છે... તને એક જુવાન છોકરીનું શરીર મળી જશે! પછી તું તારે નિરાંતે એને ભોગવીને તારી અઘોર-શક્તિમાં વધારો કરજે!’ ચૂડેલે જવાબ આપ્યો અને આંખ-જીભ વગરની બિલાડીને કાંખમાં ઘાલીને આકાશ ભણી ઉડી ગઈ. પાછળ ફક્ત કાળો ગંધાતો ધૂમાડો રહી ગયો.

***

‘તું મૃતકોની દુનિયામાં દસ્તક દઈને પાછી વળી છે, તપસ્યા! એ અગોચર વિશ્વનો કોઈક પ્રતિનિધિ તારી દુનિયામાં પ્રવેશ કરશે!’ એ ઉઘાડી પીઠવાળી ચૂડેલના શબ્દો મારા દિલોદિમાગમાં ખળભળાટ મચાવી રહ્યા હતા – ‘એ આયા હું જ છું. તને જીવિત કરવા માટે મારો જ પાંચ વર્ષનો જીવતો-જાગતો દીકરો હોમી દેવામાં આવ્યો હતો!’ એટલું બોલીને એ ચૂડેલ પીપળાના વૃક્ષ ઉપરથી આકાશ ભણી તીવ્ર ગતિએ ઉડી ગઈ હતી. એની પાછળ ફક્ત કાળો ગંધાતો ધૂમાડો રહી ગયો હતો...

એ ચૂડેલના જણાવ્યા મુજબ જે દિવસે હું કાલી ખાડી પસાર કરી જઈશ તે દિવસે એ અગોચર વિશ્વનો પ્રતિનિધિ મારી આ દુનિયામાં પ્રવેશશે... મતલબ કે આજે હું કાલી ખાડી પાર કરીને બીજા તટ પર આવી પહોંચી છું તો શું હવે એ આવશે? હું ડરતા ડરતા વિચારી રહી... મૃતકોની દુનિયાનો કોઈક પ્રતિનિધિ મારી દુનિયામાં હવે પ્રવેશશે? એનો શો આશય હશે? મારા ઘણાં પ્રશ્નો વણઉકેલ્યા અટવાઈ રહ્યા હતા. ઘણાં પ્રશ્નો રહસ્યમય હતા, બિહામણા હતા!

અચાનક સૂસવાટા મારતો પવન ફૂંકાઈ ઊઠ્યો. ઝાડના ખરી પડેલાં સૂકાં પાંદડાં ધૂળ સાથે ભળી જઈને ગોળગોળ ઘૂમી વળ્યા. વંટોળ જેવો જોરદાર પવન ઘૂમરી લેતો ઉંચે આકાશમાં ચઢવા માંડ્યો. ને ફરી એ જ વાસ... કુમળા માંસની અસહ્ય થઈ પડે તેવી બળતી દુર્ગંધ. મારા વાળ વીખરાઈને મારા મોં ઉપર ફેલાઈ ચૂક્યા હતા. મને કોઈકના દુર્ગંધ ભરેલા શ્વાસનો ધીમો છતાં સ્પષ્ટ અવાજ તથા અકળાવનારી વાસ અનુભવાઈ રહ્યા હતા. મેં મારી વિહ્વળ નજર આસપાસ ફેલાવી તો કાલી ખાડીના વમળ લેતા પાણીના તળિયેથી એક કાળો પડછાયો સપાટી ઉપર તરી આવતો દેખાયો. ધીમે ધીમે એ પાણીમાંથી બહાર નીકળી મારી નજીક સરકી રહ્યો હતો. હવામાં એક તીણી ચીસ ગૂંજી ઊઠી. પછી ડરાવનારું એક અટ્ટહાસ્ય રેલાયું. મને સમજતા વાત નહિ લાગી કે એ પેલી ચૂડેલ જ હશે. જાણે કે એ કહી રહી હતી - ‘એ આવી ગયો છે, તપ્પુ... મૃતકોની દુનિયાનો પ્રતિનિધિ, તારી દુનિયામાં હાહાકાર મચાવવા આવી ચૂક્યો છે!’

મારા માથામાં સણકા ઉપડી રહ્યા હતા. મારી આખી દુનિયા જાણે કે ચકરાવો લઈ રહી હતી. હું મારા હોશ ગુમાવી રહી હતી. બેશુદ્ધ થવા પહેલા મેં અનુભવ્યું કે કોઈક પુરુષનો ભારેભરખમ હાથ મારા શરીરે ફરી રહ્યો હતો. મારી છાતી ઉપર સ્થિર થઈને એના હાથના પંજાની ભીંસ વધારી રહ્યો હતો. પછી મેં મારા શરીરેથી આવરણ ઉતરતા અનુભવ્યાં. મારા અંગેઅંગમાં હવાની એક ઠંડી લહેરખી ધ્રૂજારી પેદા કરી ગઈ. મારા આખા શરીરે બાઝેલાં પરસેવાના ટીપાં એક બર્ફીલો અહેસાસ આપીને અલોપ થઈ રહ્યાં હતાં.

થાકથી ભારે થઈ ગયેલાં મારી આંખોના પોપચાં કદાચ કલાકો વીતી ગયા પછી ઉઘડ્યાં હશે! જયારે મેં કોઈક અવાવરુ જગ્યાએ મને ભાળી ત્યારે ત્યારે મેં ચારે તરફ નજર દોડાવીને એ જાણવાનો પ્રયાસ કર્યો કે હું ક્યાં અને કેવી રીતે આવી પડી છું!

આસપાસ લાકડાના પાટીયાઓથી બનેલી દીવાલો જોઈ મને જાણ થઈ કે હું કોઈક નાનકડા કોટેજમાં આવી પડી છું. દુખતા અને તૂટતાં શરીર સાથે મેં ઊઠવાનો પ્રયાસ કર્યો. હું એક મુલાયમ ચાદર પાથરેલા બેડ ઉપર સૂતેલી અવસ્થામાં પડી હતી. સામેની લાકડાની દીવાલ ઉપર એક મહાકાય આયનો લાગેલો હતો. એમાં નજર પડતાં જ હું તીવ્રતાથી ચોંકી ઊઠી. મારા ગળામાંથી એક રુંધાયેલી ચીસ નીકળી ગઈ. મારા શરીર ઉપરના વસ્ત્રો સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યા હતા. મારું શરીર સિલ્કના ગાઉનને બદલે દુલ્હનના પરિધાનમાં સજી રહ્યું હતું. જાણે કે મારા લગ્ન હોઈ અને મને ચાંદી જેવા ચળકતા સફેદ-લાંબા પરિવેશમાં સુશોભિત કરવામાં આવી હોય. મારા ચહેરા ઉપર આછો અને મનમોહક શણગાર સજવામાં આવ્યો હતો. મારી ધડકનો તેજ થઈ ઊઠી. બાજુની દીવાલ ઉપર લાગેલી ઘડિયાળ મધરાતનો સમય બતાવી રહી હતી. અને અધખૂલી બારીઓમાંથી અંદર તરફ ધસી આવતો કાળો અંધકાર તેમજ તમરાંનો તીણો અવાજ રાતના સન્નાટાનો ખ્યાલ આપી રહ્યા હતા.

ઓચિંતો જ એક કાળો-ઘેરો પડછાયો ખડખડાટ હાસ્ય વેરતો લાકડાની છત ઉપરથી પ્રગટ થયો. ‘તારું માદક જિસ્મ, ત...પ...સ્યા...’

મને સમજતા વાર નહિ લાગી કે આ એ જ પ્રેતાત્માનો પડછાયો હતો જે કાલી ખાડીના તળિયેથી ઉત્પન્ન થયો હતો. એ જ ભયાનક પડછાયાએ મને બેહોશ કરી હશે! એ જ પ્રેત-પડછાયો મને અહીં આ નિર્જન કોટેજમાં ઉપાડી લાવ્યો હશે! અને એ જ પડછાયાએ મને નિર્વસ્ત્ર... હું નખશિખ ધ્રૂજી ઊઠી. હું પોતાનામાં જ સંકેલાવા માંડી. જાણે કે મડદું બળતું હોય એવી તીખી તીખી વાસથી આખું કોટેજ ગૂંગળાઈ ઊઠ્યું હતું.

‘મ..મ..મને જવા દો, પ્લી...ઝ...’ મેં ચિત્કાર કર્યો.

જવાબમાં માત્ર એક ગંદુ અટ્ટહાસ્ય રેલાયું.

‘ક..ક..કોણ છે તું?’ મેં ગળામાંથી બળજબરીપૂર્વક શબ્દો ખેંચ્યા.

‘હું એ જ છું, ત..પ...સ્યા... જેની વર્ષો પહેલાં બલિ ચઢાવીને તને જીવિત કરવામાં આવી હતી!’ જેમજેમ પડછાયો વધુ ને વધુ ઘેરો બનતો જતો હતો, તેમતેમ તેના અવાજમાં રુક્ષતા ભળતી જતી હતી. ‘મૃત્યુ પામી ચૂકેલી તને મૃતાત્માઓ પાસેથી એક જીવલેણ સોદો કરીને જીવાડવામાં આવી હતી, અને એ સોદો એટલે મારી બલિ..! જીવના બદલામાં જીવ..!’

‘પણ... એમાં મારો શું વાંક..?’ મેં મારા બચાવ માટેની ભરપૂર કોશિશ આદરી. ‘હું તો ત્યારે માંડ ત્રણ વર્ષની... અને અકસ્માતમાં અવસાન પામેલી..!’

ખોફનાક થતા જતા એ પડછાયાનો ઘોઘરો અવાજ ગૂંજયો, ‘...અને હું પાંચ વર્ષનો! મને તો ત્યારે જ રહેંસી નાખવામાં આવ્યો હતો. અને પ્રેતયોનિમાં તો મૃતાત્માઓની ઉંમર પણ આગળ વધતી અટકી જાય છે. પણ...’

‘પણ..?’ હું એક અજાણ્યા ભયથી થરથરી ઊઠી.

‘હું તારી જ વય મુજબ વીસ-બાવીસની ઉત્તેજના લઈને આવ્યો છું, ત...પ...સ્યા... તને પામવા માટે! તને ભોગવવા માટે! તારી આ ખૂબસૂરત કાયાની હું નિરાંતે મઝા માણીશ!’

‘ન..નહીં...’ હું ચીસ પાડી ઊઠી.

‘તારી સાથેના મારા સંભોગથી તારા પેટમાં એક મૃતાત્માનો ગર્ભ વિકસે એ જ તારી સજા, ત...પ...સ્યા...’ પડછાયો વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો હતો, તેમતેમ એનું ખુન્નસ પણ જોર પકડતું જતું હતું. ‘...અને એ ગર્ભમાંથી અવતરેલા બાળકની બલિ ચઢાવીને હું મૃતાત્માલોકમાંથી જીવાત્માલોકમાં પાછો ફરીશ! હા...હા...હા...’

***

(ક્રમશઃ) દર મંગળવારે...

(અઘોર આત્મા : ભાગ-૧૨ વાંચવાનું ચૂકશો નહિ.)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------