Pratiksha - 23 in Gujarati Fiction Stories by Darshita Jani books and stories PDF | પ્રતિક્ષા - ૨૩

Featured Books
Categories
Share

પ્રતિક્ષા - ૨૩

અમદાવાદના IT હબ કહેવાતા સૌથી પોશ એરિયા પ્રહલાદ નગર ક્રોસ રોડની બિલકુલ સામે જ ‘અધિષ્ઠાન રેસીડન્સી’માં રેવાનો ફ્લેટ હતો. ફક્ત પાંચ માળનું આ બિલ્ડીંગ દુરથી જ બહુ સુંદર લાગતું હતું. ઉર્વિલ પોતે પણ બહુ સારું કમાતો હતો પણ આ એરિયામાં આવો ફ્લેટ લેવા માટે તેને પણ બહુ લાંબા પ્લાનિંગ કરવા પડે એમ હતા અને રેવાએ અમદાવાદમાં ફ્લેટ એમજ લઇ લીધો?? શું કામ?? ઉર્વિલને ફ્લેટ સામે જોઇને સતત એકજ વિચાર આવી રહ્યો હતો.
કેબમાંથી ઉતરીને તે છોલાયેલા પગે બિલ્ડીંગમાં દાખલ થયો. ત્યાં અંદર એન્ટર થતા જ તેના હાલ જોઈ વોચમેને તેને રોક્યો
“ક્યાં જવાનું છે?” તે ઉર્વિલને પૂછી રહ્યો
“રેવા દીક્ષિત, પાંચમાં માળે” ઉર્વિલ અસહજતાથી બોલ્યો
“પાંચમાં માળ વાળા મેડમતો બહુ ટાઈમથી નહિ આવ્યા...” વોચમેનના પ્રશ્નો હજી શરુ જ હતા
“હા એ મને ખબર છે, એ મારો જ ફ્લેટ છે હવે... એની ચાવી પણ મારી પાસે જ છે. હું જાઉં હવે?” ઉર્વિલ ચાવી બતાવીને ચીડાતા બોલ્યો.
વોચમેનને પણ આગળ કંઈ પૂછવું યોગ્ય ના લાગ્યું તેને પણ ઉર્વિલને ચુપચાપ જવા દીધો અંદર

***

દક્ષીયનમાં કોર્ન ઢોંસા ઓર્ડર કરીને ઉર્વા મોકો શોધતી હતી કહેવાનો રચિતને કે તે આગળ શું વિચારે છે. તે મુંબઈ હવે ક્યારેય પાછી નથી જવા માંગતી. પણ ત્યાં જ રચિતનો ફોન વાગ્યો. રચિત ફોન લઈને સાઈડમાં તો જતો રહ્યો હતો પણ તેના એકાક્ષરી જવાબોની લીપ મોમેન્ટ અને સતત બદલાઈ રહેલા હાવભાવ પરથી ઉર્વા સમજી ગઈ કે નક્કી કંઇક ગરબડ થઇ છે.

“હેય સોરી ફોન આવી ગયો હતો.” રચિતના ચેહરા પર સ્મિત અકબંધ હતું પણ તે કેટલું બનાવટી હતું તે ઉર્વા બહુ સરી રીતે સમજી શકતી હતી
“કંઈ થયું છે?” ઉર્વા બીજી કોઈ વાતમાં ટાઈમ વેસ્ટ નહોતી કરવા માંગતી
“ના...” રચિતને હજુ સમજાતું નહોતું કે ઉર્વાને શું બહાનું આપે. એમ તો સીધું ના જ કહી દેવાય ને કે એના બોયફ્રેન્ડના પપ્પાનો ફોન હતો. તને અહિયાં મુકીને મારે તને કેમ ખોટું બોલીને પાછી મુંબઈ લઇ જવી એના પ્લાનિંગ માટે મારે જવાનું છે... રચિત પોતાના જ વિચાર પર હસી પડ્યો
“શું હસે છે?” ઉર્વાને તેના આ અસંગત હાસ્યથી કોણજાણે કેમ પણ અકળામણ થઇ રહી
“અરે કંઈ નહિ.” રચિતે વાત ઉડાડી દીધી અને પછી બહુ સિફતથી ઉર્વાની નજીક સરકતા તેણે ઉમેર્યું,
“તું પૂછતી હતી ને કે કંઇક થયું છે? હા એક અરજન્ટ કામ આવી ગયું છે.”
“ઓકે કોઈ વાંધો નહિ, તું જઈ આવ.” ઉર્વા ખુબ શાંતિથી બોલી. રચિત જોઈ રહ્યો તેના ચેહરા સામે કે તેના વિધાનમાં કોઈ બીજો અર્થ તો નથી ને પણ તેને તેમાં ઉર્વાની સંમતી સિવાય કંઇજ ના દેખાયું એટલે તેણે વાત આગળ ચલાવી
“ઉર્વા મારે મુંબઈ જવું પડશે પણ હું પરમદિવસે પાકું આવી જઈશ પાછો. તું શ્યોર છે ને હું જાઉં?”
“હા રચિત તું જઈ આવ, આઈ એમ શ્યોર. હું અહિયાં કોઈ હોટલમાં ચેકઇન કરી લઈશ” ઉર્વાના ચેહરા પર હજી પણ કોઈ ફેરફાર નહોતો પણ હોટલની વાત સાંભળી રચિત ફરી વિચારમાં પડી ગયો
આ વાતનો વિચાર તેને પહેલા કેમ ના આવ્યો, ઉર્વાને કોઈ હોટલમાં થોડીને રાખી શકાય!! તેણે ફટાફટ પોતાનો મોબાઈલ કાઢ્યો અને કોન્ટેક્ટ લીસ્ટ જોવા લાગ્યો. એક નામ પર આવીને તેની નજર સ્થિર થઇ અને પછી તરત ઉર્વા સામે જોઈ તે બોલ્યો
“આઈ એમ સોરી હું તને હોટલમાં નહી રેહવા દઈ શકું. મારા મમ્મીની બેસ્ટ ફ્રેન્ડ અહીં રહે છે. પ્લીઝ...” રચિત જાણતો હતો કે ઉર્વાને આમ કોઈના ઘરે રહેવું ના ગમે એટલે જ તે વિનંતીના સ્વરમાં બોલ્યો
“રચિત, યુ નો મને નહિ ફાવે...” ઉર્વાએ તેનો તૈયાર રાખેલો જ જવાબ આપ્યો
“ઉર્વા, તું મારા ભરોસે જ અહીં આવી છે ને!! પ્લીઝ ૨ દિવસ ખાલી મારા આંટી સાથે રહી લે પ્લીઝ પ્લીઝ” રચિતના અવાજમાં ભારોભાર લાગણી હતી
“પણ રચિત...” ઉર્વા ના ચેહરા પર સાફ ઇનકાર લખેલો હતો
“ઉર્વા તું મારી જવાબદારી છે અત્યારે... પ્લીઝ મારી આટલી વાત માન. બાકી હું મુંબઈ રહીને પણ અમદાવાદથી દુર નહિ જઈ શકું. મારું કોઈ જ કામ નહિ કરી શકું. તું ઈચ્છે છે કે હું ત્યાં જઈને પણ તારા વિષે જ વિચારતો રહું??” રચિતની વિવશતા તેના અવાજમાં દેખાતી હતી જે ઉર્વા પણ સમજાતી હતી
“ઓકે હું તારા આંટીના ઘરે રહી લઈશ. બટ પ્રોમિસ કર તું પરમદિવસે આવી જઈશ.” ઉર્વા નમતું જોખતાં બોલી
“થેંક્યું થેંક્યું થેંક્યું સો મચ...” રચિતે ઉત્સાહમાં આવીને ઉર્વાના બન્ને ગાલ ખેંચી લીધા. અને તરત જ આજુબાજુ જોતા તેણે હાથ હટાવી લીધા.

***

મનસ્વીનું મન ઉર્વિલ સાથે વાત થઇ ત્યારથી વલોવાઈ રહ્યું હતું. તે સમજવાની સતત કોશિશ કરી રહી હતી કે તેની ભૂલ શું છે? ઉર્વિલ કેમ આટલું ખરાબ વર્તન કરી રહ્યા હતા તેની સાથે. અત્યાર સુધી બધું જ ઠીક હતું પણ અચાનક એકાદ અઠવાડિયાથી કેમ બધું જ બદલાયેલું લાગતું હતું.
તે પોતાના બેડરૂમથી નીકળી બહાર હોલમાંથી થઇને બગીચામાં આવી ગઈ. તેનો જીવ ક્યારનો મૂંઝાઈ રહ્યો હતો. એક અજીબ અકળામણ તે અનુભવતી હતી પણ ખુલ્લી ઠંડી હવા સ્પર્શતા જ તે સારું અનુભવવા લાગી. આ એ જ બગીચો હતો જે મકાન બનાવતી વખતે તેણે જીદ કરીને બનાવડાવ્યો હતો. બહુ નાનો હતો બગીચો પણ બહુ માવજતથી સાચવેલો હતો. આખા ઘરમાં બધી જ વસ્તુઓ ઉર્વિલની પસંદની અને માલિકીની હતી પણ આ બગીચો ખાલી મનસ્વીનો હતો. તે બેસી પડી તે બગીચામાં ત્યાં જ નીચે ઘાસ પર અને સ્પર્શી રહી લાગણીથી તે ઘાસને.
“કેમ ઉર્વિલ??? કેમ આવું કરો છો દર વખતે મારી સાથે? શું કામ આટલી રુક્ષતા મારી સાથે? મારા જ ઘરમાં હું અજાણ્યું ફિલ કરું છું હંમેશા... કેમ? કઈ કમી રહી જાય છે મારામાં? મારા પ્રેમમાં? મારા સમર્પણમાં? ક્યાં ઓછી પડું છું હું તમને ક્યાં?” મનસ્વી સાવ નંખાયેલા અવાજે ઘાસ પર હાથ ફેરવતા પોતાની વેદના ઠાલવી રહી હતી. તેની આંખોમાંથી આંસુ રેલાઈ રહ્યા. તેની સાડીનો પાલવ એકબાજુ ફેંકાઈ રહ્યો ને તે છત તરફ નિહાળતી સુઈ રહી ત્યાં જ... તેની અંદર ચુંથાતું હતું કંઇક બહુ ખરાબ રીતે પણ કોને કહેવા જાય તે પણ...

તે હજી વિચારી જ રહી હતી કે આ બધું કે તેના કાનમાં ડોરબેલ રણકી. ફટાફટ ઉભા થઇ સાડી સરખી કરતા તે હોલમાં આવી ને તેનાથી એક નજર અરીસા પર નંખાઈ ગઈ. તેના છુટ્ટા બરછટ વાળ, અસ્તવ્યસ્ત સાડી, ચેહરા પર રેલાઈ ગયેલું આંજણ ને આંખોમાં નરી વેદના તેને ધ્રુજાવી ગઈ તેણે ત્યાં ઉભા ઉભા જ અવાજ કર્યો,
“૨ મિનીટ આવુંછું...” કહી તે સીધી બેઝીન તરફ ભાગી. મોઢા પર વારાફરતી પાણી છાંટી તેણે ચેહરા પરની બધી જ વેદના પણ ધોઈ નાખી. સાડી વ્યવસ્થિત પહેરી તે ઉતાવળે જ બહાર આવી અને એક ઊંડો શ્વાસ લઇ દરવાજો ખોલ્યો.

સામે ઉભેલો છોકરો મનસ્વીને જોયેલો તો લાગ્યો પણ ક્યાં જોયો હતો તે તેને યાદ ના આવ્યું, તે હજી એ જ વિચાર કરતી દરવાજો હાથમાં પકડી ઉભી હતી
“માસી, હું રચિત... તમારી ફ્રેન્ડ આરતીનો સન...” રચિતે ઓળખાણ આપતા કહ્યું. મનસ્વીને તે પણ ૮ વર્ષ પછી મળી રહ્યો હતો એટલે તેને પણ અજુગતું લાગતું હતું ડાયરેક્ટ આવી જવું.
“અરે રચિત, તું... ફોન તો કરાય... આવ આવ અંદર આવ” મનસ્વી રચિતનું નામ સાંભળી તેને તરત જ ઓળખી ગઈ
“અરે આટલા વર્ષે તને જોયો એટલે ઓળખવામાં વાર લાગી, બોલ બોલ જમ્યો કે નહી? અને આરતી કેમ છે? એ નથી આવી ભેગી?” મનસ્વીનો ઉત્સાહ સમાતો નહોતો. તે એકધારા પ્રશ્નો પૂછી રહી. તેના અવાજના રણકાને જોઇને કોઈ કહી જ ના શકે કે આ એ જ મનસ્વી હતી જે થોડી વાર પહેલા પોતાના જ અસ્તિત્વના ટુકડાઓ સમેટી રહી હતી...
“અરે જમીને જ આવ્યો છું, મમ્મી મુંબઈ જ છે. બહુ જલ્દી આવશે તમને મળવા...” રચિત પ્રશ્નોના ઉત્તર આપી રહ્યો અને પછી સહેજ ખચકાટ સાથે ઉમેર્યું
“માસી એક કામ હતું થોડું...”
“હં બોલને...”
“મારી ફ્રેન્ડ છે, મારી સાથે મુંબઈથી જ આવી છે. પણ મારે એક અરજન્ટ કામ છે તો પાછુ જવું પડે એમ છે. સો ૨ દિવસ એ અહિયાં રહી શકે. અમદાવાદમાં એ કોઈને નથી ઓળખતી એટલે...” રચિતે સીધી જ વાત કરી
“અરે પૂછવાનું હોય કંઈ, ચોક્કસ રહી શકે.” મનસ્વીએ પણ વધુ વિચાર્યા વિના હા કહી દીધી
“હેલ્લો...” દરવાજેથી અંદર એન્ટર થતા ઉર્વા સ્મિત સાથે બોલી

***

(ક્રમશઃ)