નાતરું-૩
એક દિવસ રિશેષના વખતે દીપક એના ભેરૂ ભેગો રમતો હતો. એવામાં એક અજાણી સ્ત્રી એના તરફ આવતી દેખાઈ. દીપકે ઓળખવા કોશિશ કરી. દાદીએ વર્ણવેલી જ સ્ત્રી સમી લાગી. દીપકે સીધા જ પોબારા ગણ્યા, ઘર ભણી. ગભરામણથી હાંફળો ફાંફળો થઈને એણે દોટ મૂકી.
'ફટ રે ભૂંડી ડાકણ....!' દાદીના મુખે આવું સાંભળીને દીપકને ખાતરી થઈ કે આંગણે ઊભેલી એ એના પિતાની હત્યારી જ છે. પારાવાર ગુસ્સો ઉપડ્યો. ઊભી ને ઊભી ચીરી નાખવાને મન થયું. કિન્તું કશું કરી શક્યો નહી. હજું બાળક હતો. નિ:સહાય હતો. કંઈક કરવાને એનામાં હિંમત જ ક્યાં હતી!
સગા બાપને મોતને ઘાટ ઉતારનારને ક્યો પુત્ર માફ કરી શકે? ભલે પછી એ માં હોય કે અન્ય વ્યક્તિ! વળી, પેટે પાટા બાંધીને ઉછરેલા એકના એક દીકરાને રહેંસી નાખનાર આંખ સામે આવીને ઊભી રહી જાય તો કંઈ માતા એને સહી શકે?
ચંપાબાએ હતું એટલું જોર કરીને સ્ત્રીના માથા પર ઘા કર્યો. માથું ચૂકી ગયું ને પીઠ પર ધડામ કરતો ઘા બેઠો. સ્ત્રી તમ્મર ખાઈને ભોય ભેગી થઈ.
એ સ્ત્રી એટલે ચંપાબાના એકના એક દીકરાની વહું. એમની માજીવહું! અને એ જ દીકરાને અકાળ હત્યારી, એક પુત્રને ત્યાગનારી કઠોર સ્ત્રી. નામે હીરલ.
ચંપાબા જેટલી ઉમંગથી હીરલને વહું બનાવી લાવ્યા હતાં એટલાં જ ઉમળકાથી હીરલ સાસરે આવી હતી.
પરણ્યાની પહેલી જ રાત્રે હીરલે પતિને કહ્યું હતું:'તમો નાહક ચંત્યા કરશો નહી. આપણે બેય ભેગા મળી મજુરી કરશું. આ ઝુંપડી પાડીને માટીનું સુંદર ખોરડું બનાવશું. જેમાં નહી વરસાદ કે નહી વાવાઝોડાનો ડર. આપણે માં ને અને આવનાર બાળકને સુખી સંસારના દીદાર કરાવીશું.'
પતિને પહેલી જ રાતે હીરલમાં ભરોસો બેઠો. ઊજળું ભવિષ્ય દીઠું.
દિવસો બાદ બંને મજુરીએ જવા લાગ્યા. એકાદ વરસે એમને પારણું બંધાયું. સરસ દીકરો અવતર્યો. એ દીકરો દાદી જોડે ઉછરતો ગયો. એ બેય પતિ-પત્ની મજુરીએ જવા લાગ્યા.
એમ કરતા એક દિવસ પડોશના ગામે મજુરીએ ગયા. પખવાડિયા સુધીનું વાઢવાનું હતું. બાજરાનો પાક વાઢવાનું કામ હતું. ચાર દિવસ બાદ ખેતરવાળાની નજર હીરલ પર પડી. પડી એવી જ બેઠી. હીરલ ગમી. આંખે ઊતરી. પખવાડિયામાં એમના અંતર એક થયા. હજી ગઈકાલે જ પતિની થઈ હતી એ પળમાં જ પરાયાની થઈ બેઠી.
માણસને પ્રેમનો પારો ચડતા અને ઊતરતા વાર નથી લાગતી.
પડખે જ બેઠું મીઠું માણસ ક્યારે દુશમન બની જાય એની કોઈ ખાતરી ખરી?
બે વરસ સુધી છૂપો સ્નેહ ચાલ્યો. કોઈને ગંધ આવી નહી. ફરી ઉનાળો આવ્યો. બાજરી લણવાનો વખત થયો. હીરલ હવે પતિની જરાય રહી નહોતી. પહેલી રાતે પરમેશ્વર માનેલો પતિ હવે પ્રેત લાગ્યો. પોતાના આશક ભેગા મળીને હીરલે ઝટ કરતું પતિનું કાસળ કાઢી નાખ્યું!
ન પુત્રનો વિચાર ન પતિનો ખયાલ! ન લજ્જા ન આબરું!
પરાયાના મોહમાં પડેલી હીરલે પતિહત્યાનું ભારે પાપ આચર્યું.
પુત્રદ્રોહ કર્યો. ને ભરબપોરેે નાતરું કર્યું.
ચંપાબાએ સમાજમાં વાત નાખી. કિન્તું કંઈ ઉપજ્યું નહી. વળી, થાણેદાર પણ ધનના ઢગલામાં આળોટ્યો અને ફરજ ચૂક્યો. ચંપાબાને ન્યાય મળ્યો નહી.
ચંપાબા ફરી નોંધારા થયા. નજરાયેલું સુખ જાણે છંછેડાયું. ને ડંખી ગયું! ગરીબી ફરી કોટે વળગી. લીલાછમ્મ બેમાંથી પાછા સૂકાભઠ્ઠ એક પાંદડે થયા. ઘરડેઘડપણ કમાવાની અને પૌત્રને ઉછેરવાની બેવડી જવાબદારી આવી.
લાકડીના જીવલેણ ઘા થી બેભાન બનેલી હીરલ પળવારે ભાનમાં આવી. કળ વળતા જ એણે કહેવા માંડ્યું:'માં.....'
'માં ની હમણા કહું એ..! નીકળ અહીંથી! નહી તો ઊભી ને ઊભી ચીરી નાખીશ, ડાકણ!' કહીને ચંપબાએ દીપક જોડે ઘરમાંથી બુઠ્ઠી કુહાડી મંગાવી.
હીરલે પોક મૂકી. આંખ વાટે આંસુઓના દરિયા ઉલેચ્યા. ચંપાબાનું હૈયું પીગળ્યું. કિન્તું કાળજું કઠણ રાખ્યું. હીરલે વ્યથાની વેદનાભરી વીતકકથાના પોટલા ખોલવા માંડ્યા.
'માં, હવે મને મોતને ઘાટ ઉતારો કે નરક સમી જંજાળમાંથી ઉગારો. હું મરી તો ત્યારની ગઈ છું જ્યારથી નાતરે ગઈ છું. હવે આશરો આપીને જીવાડો ઠીક નહી તો મરણ તો છે જ! હું એ ઘર, ગામ હંમેશ માટે ત્યજીને આવી છું. ત્યા ગઈ એ મારી મોટી ભૂલ હતી. હું ધનના ઢગલાના મોહમાં અટવાઈ. અને પારાવાર પાપ કરી બેઠી. મારા એ પાપનું બૂરું ફળ મને મળી ગયું છે. ત્યાં હું પત્ની તરીકે નહી, એક ગણિકાની માફક રહી છું, આપના જેવા માનવોના મહામહેરામણમાં નહી! કાતિલ દાનવોની ખતરનાક દુનિયામાં ગઈ હતી. અહીંથી ગઈ એ દિનથી પાશવી જુલમ સહેતી રહી છું. આજે લાગ જોઈને ભાગી આવી છું. હવે તમે જે કરો એ જ સત્ય ન્યાય. પરંતું મને આશરો આપો.
ચંપાબાની નજરો દીપકના ચહેરાને તાકી રહી ને હીજરાયેલું હૈયું ઘમાસાણે ચડ્યું હતું.
'તું એ લાગની જ હતી. તને તો નકરું ઝેર આપી દેવું જોઈતું હતું.' મન બબડ્યું.
ને એ જ ક્ષણે પાવન દિલમાં ધરબાયેલો દયાનો દેદિપ્યમાન દરિયો હિલ્લોળે ચડ્યો.
બોલ્યા:'તારા પાપની સજા ઈશ્વરને ખબર. હું તને સજા દેનારી કોણ? કિન્તું, એક સ્ત્રી, લાચાર અબળા, વિવશ વિધવા, નોંધારી નારીની દશામાં મે જે સહન કર્યું છે એ તને સહન કરવા નહી દઉં! તને લાચાર, નોંધારી અબળા માનીને આશરો જરુર આપીશ પરંતું માફ તો ક્યારેય નહી કરું!!'
ને ચંબાબાની દયા પર ફિદા થઈને દીપક હીરલની વેદનાભરી આંખોના અકળ્ય ભાવો જોઈ રહ્યો.
* * * *