રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 4
શિવગઢ આવ્યાં ની બીજી રાત પણ કબીરે વિચિત્ર અનુભવો સાથે પસાર કરી હતી..બીજાં દિવસે તો રાતે એને જે કંઈપણ અવાજો સાંભળ્યાં એમાં સાફ-સાફ કોઈનાં પગરવનો અવાજ સંભળાયો હતો.સવારે કબીરની આંખો ખુલી ત્યારે સૂરજની કિરણો બે બારીની તિરાડમાંથી ઓરડામાં ઝાંકી રહી હતી..કબીરે ઘડિયાળ તરફ નજર કરી તો સાડા આઠ થવાં આવ્યાં હતાં.રાતે પોતાની સાથે જે કંઈપણ બન્યું એની ચર્ચા જીવકાકા જોડે કરવી જોઈએ એમ વિચારી કબીરે જ્યારે નાસ્તો કરતો હતો ત્યારે જીવકાકા ને ઉદ્દેશીને કહ્યું.
"કાકા,કાલે રાતે મને એવું લાગ્યું કે મકાનની આજુબાજુ કોઈક હતું.."
કબીરને હતું કે એની આ વાત સાંભળી જીવકાકા કંઈક પ્રતિભાવ આપશે પણ એનાંથી વિપરીત જીવકાકા એ આ વાતને કોઈ વધુ મહત્વ આપ્યાં વગર કહ્યું.
"સાહેબ,મેં તમને કહ્યું હતું કે માં રેવાની કોતરોમાંથી ઘણીવાર જંગલી રીંછ,કૂતરાં કે વરૂ શિવગઢ તરફ આવી ચડે છે..અને આ વુડહાઉસ તો પાછળ આવેલ ઝાડીઓથી નજીક છે એટલે રાત પડે કોઈ જનાવર અહીં આવી ચડ્યું હશે.."
જીવકાકાની વાત સાંભળી કબીરે એમની વાત પર વિચારી જોયું.એકરીતે એમની વાતમાં કબીરને તથ્ય લાગી રહ્યું હતું..કેમકે અવાજ વુડહાઉસની પાછળ આવેલી વેરાન ઝાડીઓ તરફથી આવી રહ્યો હતો..અને પોતે જ્યારે કોણ છે એવું પૂછ્યું ત્યારે કોઈ પ્રતિભાવ પણ ના મળ્યો એટલે રાતે જેનો પણ પગરવનો અવાજ સાંભળ્યો એ કોઈ રાની પશુ જ હતું એ વિચારી કબીરે વાત અહીં જ પડતી મુકી.
"જીવકાકા મારે બપોરે આવતાં થોડું મોડું થઈ જશે..લગભગ બે વાગી જશે કેમકે શિવગઢમાં તો કોઈ ઝેરોક્ષની દુકાન હશે નહીં તો હું થોડી પ્રિન્ટ કઢાવવા બાજુનાં શહેરમાં જવાનો છું.તમે બપોરનું જમવાનું બનાવતાં જ નહીં.અને બીજું કંઈ લાવવાનું હોય તો બોલો હું આવતાં લેતો આવીશ."કબીરે કહ્યું.
"સાહેબ તમે જો શહેરમાં જતાં હોય તો બ્રેડ અને પનીર લેતાં આવજો..બાકી તો બધું પડ્યું છે.."જીવકાકા એ ફ્રીઝ ખોલીને અંદર પડેલી વસ્તુઓ જોયાં બાદ જણાવ્યું.
"સારું..તો હું નાહીને નીકળું છું.."આટલું કહી કબીર પુનઃ પોતાનાં રૂમમાં ગયો.
સ્નાન કરીને ટીશર્ટ અને જીન્સ પહેરી કબીર પોતાની ફોર્ચ્યુનર લઈને શિવગઢથી ત્રીસેક કિલોમીટર દૂર આવેલાં દોલતપુર નામનાં શહેરમાં જવા માટે નીકળી પડ્યો.દોલતપુર માં જઈને કબીર એક સાયબર કાફે માં ગયો અને પોતાની નોવેલ માટે જરૂરી પ્રીન્ટ કઢાવી.આ કામ કર્યું ત્યાં સુધીમાં બપોરનાં દોઢ વાગી ગયાં હતાં એટલે કબીરને ભૂખ પણ કકડીને લાગી હતી.
કબીરે સાયબર કાફેનાં માલિકને દોલતપુરની સૌથી સારી કાઠિયાવાડી ભોજનની રેસ્ટોરેન્ટ વિશે પૂછ્યું તો એને જાણવાં મળ્યું કે શહેરની મધ્યમાં ગિરનાર કરીને એક હોટલ છે જ્યાંનું કાઠિયાવાડી ભોજન ખૂબ ફેમસ છે.કબીરે એમનો આભાર માન્યો અને ગાડી લઈને હોટલ ગિરનાર પહોંચી ગયો.
વેઈટર કબીરનાં બેસતાં જ આવીને જમવાનો ઓર્ડર લઈ લીધો..કબીરે પોતાનાં ભાવતાં વ્યંજન રીંગણાં નો ઓળો,કોબી-ગાજર નું કચુંબર,ગોળ-ઘી,આથેલા મરચાં,બાજરીનો રોટલો અને છાશ નો ઓર્ડર આપ્યો હતો.થોડીવારમાં તો બધું જમવાનું વેઈટર રાખી ગયો એટલે કબીરે ફટાફટ જમવાનું શરૂ કરી દીધું..કબીર હજુ જમતો જ હતો ત્યાં એનાં કાને કોઈનાં ઊંચેથી બરડવાનો અવાજ પડ્યો.
"એ ડોશી,નિકળ અહીંથી..રોજ રોજ શું માંગવા આવી જાય છે.."
કબીરને લાગ્યું કે કોઈ ભીખારણ સ્ત્રી હશે જે રોજ-રોજ ભીખ માંગવા આવી ચડતી હશે એટલે હોટલનો મેનેજર બગડ્યો હશે..માટે કબીરે એ તરફ વધુ ધ્યાન ના આપ્યું અને જમવાનું ચાલુ રાખ્યું..પણ જ્યારે એ સ્ત્રીનો રડમસ અવાજ કબીરનાં કાને પડ્યો જેમાં એ હોટલ મેનેજર ને થોડું બચ્યું કુચ્યું જમવાનું વધ્યું હોય તો આપવાની વિનંતી કરી રહી હતી ત્યારે કબીરથી રહેવાયું નહીં.. એની માનવતા અને કરુણા જાગી ઉઠી અને એ ઉભો થઈને બહાર આવ્યો.
કબીરે જોયું તો એક લઘરવઘર કપડાં પહેરેલી સ્ત્રી હોટલ મેનેજર ની સામે હાથ જોડીને ઉભી હતી.મેનેજર ગુસ્સામાં એ વૃદ્ધ સ્ત્રી ને ધક્કો મારવા જતો હતો ત્યાં કબીરે આવીને એને રોકી લીધો અને કહ્યું.
"ઉભા રહો..કોઈ આ વૃદ્ધા ને હાથ નહીં લગાડે.."
કબીર જેવાં જેન્ટલમેન પર્સનાલિટી ધરાવતાં વ્યક્તિની વાત ની અસર થઈ અને મેનેજર તથા એની જોડે આવેલાં બીજાં બે વેઈટરો પોતાની જગ્યાએ ઉભાં રહી ગયાં.
"સાહેબ,આ ડોશી રોજ રોજ અહીં આવી જાય છે.જમવાનું આપવામાં કોઈ વાંધો નથી પણ એનાં લીધે બીજાં કસ્ટમરોને ક્ષોભ લાગે છે.."મેનેજરે કબીરને કહ્યું.
કબીર મેનેજર ની વાત સાંભળી એ વૃદ્ધ સ્ત્રી તરફ ગયો અને એમનાં ખભે હાથ મૂકીને કહ્યું.
"ચાલો માજી હું તમને જમાડું.."
"દીકરા તું બહુ ભલો માણસ લાગે છે..મારો દીકરો કાનો પાછો આવશે ત્યારે હું છે ને એને કહીશ કે તારાં જેવો માણસ પણ આ દુનિયામાં મોજુદ છે..તારું નામ શું છે બેટા..?"કબીરનાં માથે એ મહિલાએ હાથ મૂકીને કહ્યું.
એમની વાત સાંભળી કબીર સમજી ગયો કે આ વૃદ્ધ મહિલાનો કોઈ દીકરો હતો કાનો જે એમને મુકીને ક્યાંક ચાલ્યો ગયો છે એટલે બિચારાં આમ ખરાબ હાલતમાં રઝળપાટ કરે છે..કબીરે એમનો માથે મુકેલો હાથ પ્રેમથી ચુમતા કહ્યું.
"મારુ નામ કબીર છે..પણ હું તમારાં કાનો જેવો જ છું એવું સમજો.."
કબીરનું પોતાની તરફનું પ્રેમાળ વર્તન જોઈ એ વૃદ્ધ સ્ત્રીની આંખો ઉભરાઈ આવી અને એ કબીરની પાછળ પાછળ હોટલમાં પ્રવેશ્યાં..કબીરની સાથે એ ગરીબ ભિખારી જેવી સ્ત્રીને જોઈ ઘણાં હોટલમાં બેસેલાં લોકોનાં મોં ચડી ગયાં.. એ બધાં નું આવું વર્તન જોઈ કબીર ગુસ્સામાં બોલ્યો.
"જે લોકો ને આ માજીની અહીં હાજરી થી ક્ષોભ થતો હોય કે ગીન આવતી હોય એ લોકોની જાણ ખાતર કહી દઉં કે આ એક ગરીબ હોવાની સાથે એક મનુષ્ય પણ છે..અને જરૂરિયાત હોય એવાં દરેક મનુષ્યની મદદ કરવી એ મારો માનવ ધર્મ છે..તો તમે તમારાં જમવામાં ધ્યાન આપી મને મારો ધર્મ નિભાવવા દો તો સારું છે."
કબીરની વાત ચાબખાં ની માફક લોકોને વાગી હતી..કોઈ કંઈપણ બોલવા સક્ષમ નહોતું એટલે કબીરે માન પૂર્વક એ માજીને ખુરશીમાં બેસાડયાં અને વેઈટર જોડે એ વૃદ્ધ સ્ત્રી માટે જમવાનું મંગાવીને પોતાનાં હાથથી એમને જમાડયું.કબીર નું આવું વ્હાલ અને સ્નેહ જોઈને એ વૃદ્ધ મહિલાની આંખોમાંથી શ્રાવણ-ભાદરવાનાં મેઘની માફક અશ્રુધારા રહી હતી.આમ પણ તમારી અપેક્ષાથી વધુ માન મળે ત્યારે દિલ ભરાઈ જરૂર આવે.
એ વૃદ્ધ મહિલાને જમાડયાં બાદ કબીરે જમવાનું બિલ ચુકવ્યું અને મેનેજર નાં હાથમાં પાંચ હજાર રૂપિયા અને પોતાનું વિઝીટિંગ કાર્ડ આપતાં કહ્યું.
"લો આ પૈસા અને આ માજી જ્યારે પણ આવે ત્યારે આમાંથી જમાડી દેજો..જો આપેલ પૈસા જેટલું માજી ને જમાડી દો ત્યારે મારાં વિઝીટિંગ કાર્ડ પર આપેલાં નંબર પર કોલ કરજો હું તમને બીજાં પૈસા મોકલાવી દઈશ.."
"સાહેબ આટલાં રૂપિયા બહુ છે..હવે આ માજી જ્યારે પણ આવશે એમને ભરપેટ જમાડવાની જવાબદારી મારી..જે રીતે તમે એક અજાણ્યાં વ્યક્તિ હોવાં છતાં માણસાઈ ની મિસાલ કાયમ કરી એ જોઈ મને મારી જાતને મનુષ્ય કહેતાં પણ શરમ આવે છે..ધન્ય છે તમારાં જેવાં લોકોને જેમનાં લીધે આજે પણ પૃથ્વી પર ભગવાન ની મોજુદગી નો અહેસાસ થતો રહે છે.."કબીરની સામે હાથ જોડી હોટલનો મેનેજર બોલ્યો.
કબીરે જે કંઈપણ કર્યું એ દરેકે કરવું જોઈએ એવી લાગણી ત્યાં હાજર દરેકને હવે થઈ રહી હતી..મોં નીચું કરીને હોટલમાં હાજર દરેક વ્યક્તિ અત્યારે પોતાની જાતને નાની સમજી રહી હતી કેમકે એમનામાં માનવતા મરી પરવરી હતી..અને માનવતા ના હોય એવો માનવી તુચ્છ છે.
હોટલમાંથી નીકળી કબીર એ વૃદ્ધ મહિલાને એક સાડીની દુકાનમાં લઈ ગયો અને ત્યાંથી બે સુંદર સાડી એમને લઈ આપી..આ બધાં પછી કબીર એ વૃધ્ધા એ કહ્યું એ જગ્યાએ એમને ગાડીમાં મુકી આવ્યો અને જતાં જતાં એમનાં હાથમાં ત્રણેક હજાર રૂપિયા મુકતાં કહ્યું.
"માજી આ નાનકડી રકમ છે..જે જરૂર પડે તમારાં કામ આવશે.."
"અરે ના દીકરા..તે મારાં માટે જે કર્યું છે એતો સગો દીકરો પણ આજ-કાલ તો નથી કરતો..હવે આ વધારા નો ઉપકાર કરી મને વધુ શરમમાં ના મુક.."
"એક તો દીકરો કહો છો અને ઉપરથી મારી મદદ ને ઉપકાર કહો છો..તમે આ રકમ સ્વીકારી લો અને આ કાર્ડ રાખો એમાં મારો નંબર છે જ્યારે પણ જરૂર પડે ત્યારે મને કોલ કરજો.."પોતાનું વિઝીટિંગ કાર્ડ અને રોકડ રૂપિયા એ વૃદ્ધ સ્ત્રીનાં હાથમાં મુકતાં કહ્યું.
"શતાયુ થજો..અને જીવનમાં દરેક સફળતા મેળવજો.."કબીરને માથે હાથ મૂકી એ વૃદ્ધ મહિલાએ કહ્યું.
"માજી તમારું નામ તો મેં પૂછ્યું જ નહીં..ફરીવાર ક્યાંક દોલતપુર આવું તો તમને શોધી શકું ને.."કબીર ગાડીમાં બેસવા જતો જ હતો ત્યાં અચાનક કંઈક યાદ આવતાં એ વૃદ્ધા જોડે આવીને બોલ્યો.
"મારું નામ જશોદા બેન છે.."પોતાનું નામ યાદ કરવામાં પણ એ વૃદ્ધ મહિલાને તકલીફ પડી રહી હતી.
"સારું ત્યારે હું નીકળું..મારે હજુ થોડું કામ પતાવીને શિવગઢ જવાનું છે.."આટલું કહી કબીર ત્યાંથી પોતાની ગાડી લઈને નીકળી ગયો.
કબીરનાં મગજમાં અત્યારે એ વૃદ્ધ સ્ત્રી અને જશોદાબેન તથા કાનો આ ત્રણ વસ્તુઓ ચાલી રહી હતી..પોતે ક્યાંક તો આ ત્રણેયનાં સંપર્કમાં રહેલો હોવો જોઈએ એવી લાગણી એને થઈ રહી હતી..પણ પછી એ વૃદ્ધ મહિલા તરફ પોતાનાં હૃદયમાં આવેલ દયા નાં ભાવનાં લીધે પોતે એવું મહેસુસ કરી રહ્યો હોવો જોઈએ એમ વિચારી કબીરે પોતાનો વિચાર ખંખેરી દીધો.
આ તરફ કબીરનાં જતાં જ જશોદાબેન બબડવા લાગ્યાં.
"હે ભગવાન આ છોકરાંની રક્ષા કરજો..શિવગઢ માં માણસ નથી વસતાં પણ શૈતાન વસે છે..આ ભલાં છોકરાને બધી બુરાઈઓથી બચાવજે."
દોલતપુર પોતાને જરૂરી ઝેરોક્ષ કઢાવી અને જશોદાબેન ને એમને કહેલી જગ્યાએ મૂક્યાં ત્યાં સુધીમાં ચાર વાગવા આવ્યાં હતાં..જીવકાકા એ કહ્યાં મુજબ બ્રેડ અને પનીર ની ખરીદી કરી લીધાં બાદ કબીરે અમદાવાદમાં શીલાને વીડિયો કોલ કર્યો.
"Hi કબીર..કેમ છે..અને વીડિયો કોલ..?"કબીરનો આમ અચાનક વીડિયો કોલ આવતાં સુખદ આંચકા સાથે શીલાએ પૂછ્યું.
"હા શીલા,આજે થોડું કામ હતું તો શિવગઢની બાજુમાં આવેલાં દોલતપુર આવ્યો છું..અહીં નેટવર્ક હતું તો થયું કે મારી વ્હાલી વાઈફ નો ચહેરો જોઈ લઉં.."કબીરે કહ્યું.
"મતલબ કે તમને અમારી યાદ આવે છે એમ ને..બાકી તમારાં જેવાં મોટાં લેખકને તો પહેલી પત્ની એનું લખાણ હોય અને પછી સાચી પત્ની નો વિચાર આવે.."હસીને શીલા બોલી.
"હા હવે..તું જે સમજે એ ખરું.બોલ બીજું કેવું ચાલે..તારાં NGO નું કામ કેવું ચાલે..?"કબીરે પુછ્યું.
"ચકાચક..બસ થોડાં હિસાબો બાકી છે એ થઈ જશે એટલે શાંતિ..બાકી બોલ તારે લખવાનું કેટલે પહોંચ્યું..?"શીલાએ સામો સવાલ કર્યો.
"પ્લોટ લખવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું..રાતે પ્લોટ આખો લખાઈ જાય એટલે કાલથી નોવેલ નું કામ ચાલુ કરું.."કબીરે જણાવ્યું.
"Good.. and best of luck.."શીલા બોલી.
"Thanks and by.. હું હવે નીકળું શિવગઢ જવા.."કબીરે કહ્યું.
"Ok dear.. by.. take care... love you..."સામે શીલા એ કહ્યું.
"Love u too.."આટલું કહી કબીરે સંબંધ વિચ્છેદ કરી દીધો.
ત્યારબાદ કબીર પોતાની ફોર્ચ્યુનર લઈને નીકળી પડ્યો શિવગઢ ની તરફ જ્યાં એની નવી મંજીલ એની રાહ જોઈ રહી હતી.
★★★★★
વધુ આવતાં અંકમાં.
કબીર ની જીંદગી જોડે જોડાયેલ સચ્ચાઈ અને શિવગઢમાં શું થવાનું હતું એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.
જો તમે રેટિંગ ઓછું આપો તો એનો કોઈ વાંધો મને નથી પણ જોડે જોડે એમ કરવા પાછળનું કારણ લખો તો હું આગળ જઈને વધુ સારું લખવાનો પ્રયત્ન કરી શકું.અમુક વાંચકો સતત બધી નોવેલ વાંચ્યા બાદ પણ બીજાં વાંચકોથી વિપરીત ઉતરતી કક્ષાનું રેટિંગ આપે ત્યારે મનોબળ ને ધક્કો જરૂર લાગે છે..છતાં એમનો પણ આભાર કેમકે એ લોકો વાંચે તો છે.
માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક
ડણક
અનામિકા
The haunted picture
સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.
-દિશા.આર.પટેલ