Generation Gap in Gujarati Magazine by Ravi bhatt books and stories PDF | નવી પેઢી, નવા વિચાર, નવા સંઘર્ષ

Featured Books
Categories
Share

નવી પેઢી, નવા વિચાર, નવા સંઘર્ષ

નવી પેઢી, નવા વિચાર, નવા સંઘર્ષ

નવી પેઢીને તર્ક ગમે છે. તર્કના આધારે થતા અનુભવ ગમે છે. તેમને સંઘર્ષ ગમે છે. તેમને તમારી ભલામણ કરતાં બે ધક્કા વધારે ખાવામાં રસ છે. આધેડ થયેલી પેઢી માને છે કે, આજની આધુનિક પેઢી ‘ગમે તેમ’ જીવતી થઈ ગઈ છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે, આજની પેઢીને તો પોતાને ‘ગમે’ ‘તેમ’ જીવવું છે. (પેટા)

અમારી પાડોશમાં રહેતો વિકાસ અમારા ઘરે ઈન્વિટેશન કાર્ડ આપવા માટે આવ્યો. અંદર વાંચ્યું તો ખ્યાલ આવ્યો કે તે પોતાનું નવું સલોન શરૂ કરતો હતો. મેં તેને અભિનંદન આપ્યા ત્યાં જ તેના પિતા ઘરની બહાર આવ્યા અને મેં તેમની સામે જોયું. તેમની આંખોમાં ભારોભાર ઉત્સાહ અને સંતોષ હતા. તેમને ખુશ જોઈને મને આનંદ થયો પણ મને ત્રણ વર્ષ પહેલાંની વાત યાદ આવી જ્યારે અમે લોકો એક રાત્રે ડિનરમાં સાથે બેઠા હતા.

વિકાસ ત્યારે બે વર્ષ મુંબઈ રહીને પરત આવી ગયો હતો. મેં તેને પૂછ્યું કે, તારું ભણવાનું પૂરું થયું કે નહીં. તેણે કહ્યું ભણવાનું તો ઠીક છે પણ મેં હેરસ્ટાઈલિસ્ટ તરીકે કેરિયર બનાવવાનું નક્કી કર્યું છે. મારું પોતાનું સલોન ખોલવાનો વિચાર છે. મેં તેના વિચારને વધાવી લીધો. ત્યારે તેના પિતા અમારા બંને ઉપર ગુસ્સે થયા. મને કહેવા લાગ્યા શું યાર તુંય વાંદરાને નિસરણી આપે છે. મેં કહ્યું કેમ, એ સરસ શરૂઆત કરી રહ્યો છે, પોતાની કારકિર્દી સેટ કરી રહ્યો છે.

મેં કહ્યું કે, અંકલ તેમાં ખોટું શું છે. તેના પિતાની એક જ દલિલ હતી કે, યાર હું સરકારી ક્લાસ ટૂ ઓફિસર અને મારો દીકરો સલોન ખોલશે. લોકોના વાળ-દાઢી કરશે. તેણે નાત-જાત, અમારું સ્ટેટસ વગેરે વિશે વિચાર તો કરવો જોઈએને. મેં તેને એમબીએ કરવા મોકલ્યો હતો જેથી તે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકે. તેણે લોકોના વાળ કાપવાનું અને દાઢી છોલવાનું સ્ટાર્ટઅપ વિચાર્યું છે. તું પાછો એને પ્રોત્સાહન આપે છે. અહીંયા મારા મનમાં ઘંટડીઓ વાગી. મારા અને વિકાસ વચ્ચે પાંચ જ વર્ષનો તફાવત છે. તે મારા કરતા પાંચ વર્ષ નાનો છે. આમ તો અમારી પેઢી એક સરખી જ ગણાય છતાં તે મારા કરતા થોડો વધારે આધુનિક કહેવાય.

મને તરત જ મારા ઘરનો વિચાર આવ્યો. મારા ઘરમાં પણ શિક્ષક બનવા ઉપર વધારે ભાર મૂકવામાં આવતો. પત્રકાર થવું, અડધી રાત સુધી ઉજાગરા કરવાના, રજાઓ મળે નહીં, તહેવારો હોય નહીં જેવી રૂઢિગત માન્યતા હતી. તેનાથી હું પણ થોડો ઉપરવટ ગયો હતો. મૂળ વાત એવી છે કે, આજે જિંદગીના 50 કે 60 વર્ષ વિતાવી ચૂકેલી પેઢીને આજની પેઢી નકામી અને આળસુ લાગે છે. તેમને જિંદગીમાં કોઈ લક્ષ્ય, ધ્યેય, આયોજન છે જ નહીં તેવું સતત લાગ્યા કરે છે. ઘરમાં ટેલિફોનના ડબલા અને પેજર રાખતી પેઢી એ નથી જાણતી કે આ આધુનિક અને સ્માર્ટફોન તથા ગેજેટ્સ ધરાવતી પેઢી છે. આ પેઢી જરા જુદી છે. તેને સમાજની સેન્સ કરતા તેના સેન્સરમાં વધારે રસ છે. સતત સેલ્ફિ લેનારી આ પેઢીને કહેવાતા વડીલો અને આદરણિય વ્યક્તિઓની ઈમેજમાં વધારે રસ છે. તમે કહો એટલે ગમે-તેને પગે લાગવું કે તેના પ્રત્યે આદર વ્યક્ત કરવો તેને પસંદ નથી. સામેની વ્યક્તિ ખરેખર તેને યોગ્ય છે કે નહીં તે જાણવામાં તેને રસ છે. પ્રસંગોએ પરાણે ટ્રેડિશનલ પહેરતી આ પેઢી રસ્તા ઉપરથી પણ ખરીદી કરે છે અને જરૂર પડ્યે ઓનલાઈન શોપિંગ પણ કરી લેતી હોય છે.

તેમને બચત કરવા કરતા જીવી જાણવામાં વધારે રસ છે. તેઓ ભવિષ્યના ભય કરતા વર્તમાનની ઈચ્છાઓને વધારે મહત્વ આપે છે. એક સમય હતો જ્યારે વિદેશ ભણવા જતી એક આખી પેઢીએ મેકડોનાલ્ડ, પિઝા હટ, યુએસ પીઝા કે તે જે દેશની હોટેલ, મોટેલ અને ગેસ સ્ટેશન ઉપર કામ કર્યું હતું. હવેની પેઢીને માતા-પિતાની ભલામણથી ઓશિયાળી નોકરી લેવા કરતાં પોતાનો બિઝનેસ શરૂ કરવામાં વધારે રસ છે. તેનો પિતાના વ્યવસાયમાં જોડાવા કે દુકાને બેસવા કરતા તેનું પોતાનું સાહસ કરીને કંઈક અલગ કરવામાં વધારે રસ છે. તે કેબ કંપનીઓ સાથે ટાઈઅપ કરીને આરામથી મહિને પચ્ચીસ-ત્રીસ હજાર કમાઈ શકે છે. ધારે ત્યારે ગાડી ઘરે રાખીને પોતાના ફેમિલિ સાથે સમય પસાર કરી શકે છે. તેને સાહેબોની, અધિકારીઓની (** ગુલામી) કરવી પસંદ નથી. રજા માટે કાલાવાલ કરવા તેમને ફાવતા નથી.

જીવનના મધ્યાને પહોંચેલી પેઢીને, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, શિક્ષક, એન્જિનિયર, ડોક્ટર અને સીએ જેવી બે-ચાર ડિગ્રી કે નોકરીમાં રસ હતો. વધારેમાં વધારે સરકારી નોકરી કરવી અને કરાવવી હતી. હવેની પેઢીને તેમ નથી કરવું. મા-બાપ કહે છે કે, અમારું તો સાંભળતા જ નથી કે, સાંભળતી જ નથી તો એ વાત ખોટી છે. આપણે નથી કહેતા કે તેઓ શું નથી સાંભળતા. તેઓ તમારી જેમ એડજસ્ટ થવાનું નથી સાંભળતા, તેમને તમારી જેમ ગુલામી કરવી પસંદ નથી, તેમને સ્વીકારી લેવું પસંદ નથી. નવી પેઢીને તર્ક ગમે છે. તર્કના આધારે થતા અનુભવ ગમે છે. તેમને સંઘર્ષ ગમે છે. તેમને તમારી ભલામણ કરતાં બે ધક્કા વધારે ખાવામાં રસ છે. આધેડ થયેલી પેઢી માને છે કે, આજની આધુનિક પેઢી ‘ગમે તેમ’ જીવતી થઈ ગઈ છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે, આજની પેઢીને તો પોતાને ‘ગમે’ ‘તેમ’ જીવવું છે. સંતાનોને કંઈ સુઝ નથી પડતી, પોતાનો રૂમ ગંદો રાખે છે, કપડાં ગોઠવેલા નથી, વસ્તુઓ આડી અવળી પડી છે જેવી ઘણી ફરિયાદો આજના માતા-પિતાને છે. બીજી તરફ સંતાનો માટે આ તેમની પોતાની સ્પેસ છે. તે પોતાના રૂમમાં ગયા પછી આ અવ્યવસ્થા વચ્ચે પણ આનંદથી ઉંઘી શકે છે, ટીવી જોઈ શકે છે, મોબાઈલ મચેડી શકે છે. દુનિયાના તમામ સવાલોના જવાબ અને માહિતીને આંગળીના ટેરવે લઈને ફરતી આ પેઢી પાસે ગુગલ જેવો જીની છે. ફોનમાં અંગુઠો દબાવતાની સાથે હાજર થઈ જાય છે.

તમે પાંચ-સાત કિ.મી ચાલીને જતા હતા તેવું સહન કરવાની તેને જરૂર જણાતી નથી. તેની પાસે કેબની વ્યવસ્થા છે. તે કેબ બોલાવી શકે છે. વ્યવસ્થા હોવા છતાં ચલાવી લેવાની ભાવના તેને નથી. તે માત્ર એટલું જ માને છે કે, ભોગવે એ ભાગ્યશાળી. તેમાંય અત્યારની દસથી વીસ વર્ષની પ્રજાને તો બધું જ ક્રિસ્ટલ ક્લિયર જોઈએ છે. તમારા તમામ આદેશોનું સચોટ કારણ જોઈએ છે. મારો આદેશ છે એટલે માનવું પડશે તેમ આ પેઢી ચલાવી લેતી નથી. તેની પાસે તર્ક અને સત્યનું હથિયાર છે. તેને પ્રામાણિકતામાં વધારે રસ છે. તેઓ એ વાત સ્વીકારવા તૈયાર જ નથી કે, શિક્ષકના સંતાનોએ શિક્ષક થવું અને ડોક્ટરના સંતાનોએ ડોક્ટર. બિઝનેસમેનના સંતાનો બિઝનેસ કરે તે ક્યાંય લખેલું નથી તેવો તર્ક તેમની પાસે છે. તેઓ સ્પોર્ટ્સમેન બનવા માગે છે તો ક્યારેક સિંગર થવા માગે છે, કોઈકને શેફ થવું છે તો કોઈને પોતાનું સલોન ખોલવું છે. ડ્રામા અથવા તો ફિલ્મમાં કરિયર બનાવવી છે, રાઈટર થવું છે, કવિ થવું છે. તેમને એવી કારકિર્દી પસંદ છે જેમાં પોતાની રીતે ઉડી શકાય, પછડાઈ શકાય અને છતાં સફળ થઈ શકાય. આ સંઘર્ષ દરેક તબક્કે અને દરેક પેઢી વચ્ચે ચાલતો જ રહેવાનો છે. એક સમય હતો જ્યારે એક અથવા તો દોઢ દાયકા બાદ નવી પેઢી આવતી હતી. હવે સમય બદલાઈ ગયો છે. દર મહિને એક જ મોબાઈલ ફોનના અપગ્રેડ વર્ઝન આવતા હોય તેવા જમાનામાં પેઢી પણ દર બે-પાંચ વર્ષે બદલાઈ રહી છે. તેના કારણે જ નવી પેઢી, નવા વિચારો અને નવા સંઘર્ષ સતત ચાલ્યા જ કરવાના છે.

- ravi.writer7@gmail.com