િની વશ
આપણામાં જૂની અને જાણીતી કહેવત છે કે તીન તિગડે કામ બીગડે. પરંતુ આ કહેવત બૉલીવુડ ને માટે કેટલી શુકનિયાળ સાબિત થાય છે તેની આજે આપણે અહીં ચર્ચા કરીશું.
આજે આપણે અહીં એ ફિલ્મો ની વાત કરવાના છે જેમાં તીન તિગડે અર્થાત ત્રણ હીરો છે અને તે ફિલ્મ હિટ જ નહીં પરંતુ સુપરહિટ ગઈ હોય. આ ફિલ્મો ની યાદી તો ઘણી લાંબી છે તેમછતાં અહીં આપણે પ્રખ્યાત અને સુપરહિટ ગઈ હોય એવી જૂજ ફિલ્મોની ચર્ચા કરીશું. તો ચાલો સસ્પેન્સ ને વધુ ખેંચવાને બદલે તીન તિગડે ફિલ્મો ની વાતો શરૂ કરીએ.
ત્રણ હીરો ધરાવતી ફિલ્મ ની વાત થતી હોય ત્યારે હોઠ ઉપર સૌથી પહેલું નામ મધર ઇન્ડિયા નું આવી જાય છે અને કેમ નહિ આવે નરગીસ ની સાથે રાજેન્દ્ર કુમાર, રાજકુમાર અને સુનિલ દત્તની હાજરી હોય અને તેમાં જોરદાર વાર્તાની સાથે સુપર ક્વોલિટી ની પ્રતિભાનો સમન્વય હોય તો પછી એ ફિલ્મ સુપર ડુપર હિટ તો થશે. આ ફિલ્મ નું ટાઈટલ પ્રખ્યાત ઈંગ્લીશ બુક મધર ઈંડિયા નામ પરથી રાખવામાં આવ્યું હતું. જોકે આ ફિલ્મ હિટ થવા પાછળનું મૂળ કારણ તો નરગીસ જ હતી પરંતુ તેને આ ત્રિપુટી નો સાથ મળી રહેતાં ફિલ્મ ને ૧૯૫૮ ની સાલમાં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મો માટેના એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવી હતી. જોકે માત્ર એક વૉટ ના ફરક ના લીધે મધર ઇન્ડિયા એવોર્ડ ચુકી ગઈ હતી. આ ફિલ્મે બોક્સ ઑફિસમાં અંદાજે ₹ ૪ કરોડ નો વકરો કર્યો હતો. નરગીસ ને બેસ્ટ એક્ટરસ નો અને મધર ઇન્ડિયા ફિલ્મ ને અને તેના ડિરેક્ટર ને અનુક્રમે બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડિરેક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
જૂની ફિલ્મો ની વાત નીકળી હોય ત્યારે ઓલ્ડ એન્ડ ગોલ્ડ ફિલ્મ શોલે યાદ નહિ આવે એવું ન બની શકે. રમેશ સિપ્પી ની આ ફિલ્મ ૭૦ ના દાયકાના લોકોને તો ઠીક પરંતુ આજ ના યુવાનો ને પણ આ એટલી જ પ્રિય છે. એગ્રી યંગ મેન અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને સંજીવ કુમાર નો ઉમદા અભિનય આ ફિલ્મને ઇતિહાસ ના પાનાં પર હમેશાં જીવંત રાખશે. ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે તેને જોઇએ તેટલો રિસ્પોન્સ મળ્યો નહતો પરંતુ થોડા સમય બાદ આ ફિલ્મને જોવા માટે રીતસર ની પડાપડી થવા લાગી હતી. જય અને વિરુ ની દોસ્તી એ તે સમયે ફ્રેન્ડશીપ ના સંબંધને નવો રંગ આપ્યો હતો. ફિલ્મ ના ટ્રેડ માર્ક બની ગયેલા 'તુમરા નામ ક્યાં હે બસન્તિ' 'કિતને આદમી થે' અને 'કબ હે હોલી' જેવા સંખ્યાબંધ સલીમ-જાવેદ ની જોડી દ્વારા લખવામાં આવેલા ડાયલોગ આજે પણ ફિલ્મો અને સિરિયલો માં વપરાય છે. આ ત્રિપુટીઓ ની સ્ક્રિન પર એન્ટ્રી, ડાયલોગ, હાવ ભાવ અને બોલવાની છટા એ ફિલ્મને સુપર હિટ જ નહીં પરંતુ બોક્સ ઓફીસ પર અધધ્ધ કમાણી પણ કરી આપી હતી. અત્યારસુધીમાં બનેલી હિન્દી ફિલ્મોમાંથી તૈયાર કરવામાં આવેલી શ્રેષ્ઠ ફિલ્મો ની યાદીમાં શોલે ફિલ્મ ને ટોચની ફિલ્મો માં સ્થાન મળ્યું છે.
અમિતાભ બચ્ચન ની વાત નીકળી છે તો તેની ફિલ્મ અમર અકબર એન્થની ને કેમ ભુલાય. તે સમયના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના અને રિષી કપૂર ની સાથેની આ મનમોહન દેસાઈ ની ફિલ્મ આજે પણ તેના સંગીત અને બિગ બી ના પેલા ડાઈલોગ જે તેણે એક સીનમાં કાચ ની સામે ઊભા રહીને બોલ્યા હતા તે હજી પણ એટલા જ લોકપ્રિય છે. આ ફિલ્મ એટલી હિટ થઈ હતી લોકો સામાન્ય બોલાચાલી માં પણ કોઈ ત્રણ વ્યક્તિ ને એક સાથે સંબોધવા માટે અમર અકબર એન્થની નામ નો ઉપયોગ કરવા લાગ્યા હતા. આવી જ વધુ એક ફિલ્મ હતી ત્રિશુલ જેમાં અમિતાભ અને સંજીવ કુમાર ની જોડી રિપીટ થઈ હતી અને સાથે હતા શશીકપુર. આ ત્રણે ની ડાયલોગ ડિલિવરી, એકટીંગ અને તેમાં ફિલ્મના સંગીતે સોના માં સુગંધનું કામ કર્યું હતું. આ સિવાય અમિતજી ની કભીકભી અને હમ ફિલ્મ ને પણ આ યાદીમાંથી બાકાત રખાય એમ નથી.
હવે વાત કરીએ નવી ફિલ્મોની એટલે કે ૨૦૦૦ પછીની સાલ ની તો તેમાં સૌ પ્રથમ દિલ ચાહતા હે ના ત્રણ શહેરી મસ્તીખોર, મોજીલા અને મોર્ડન વિચાર ધરાવતાં યુવાનો બનેલા આમિર ખાન, સૈફ અલી ખાન અને અક્ષય ખન્ના નો ચહેરો નજર સામે આવી જાય છે. આ ફિલમે પ્રેક્ષકોને કૉલેજના દિવસો તાજા કરાવી દીધા હતા. એટલું જ નહીં પરંતુ તે સમયે નવા કહી શકાય તેવા લવ એન્ડ રિલેશનશિપ, સ્ત્રી અને પુરુષ ની વચ્ચે ઉંમર ના મોટો ફરક જેવા વિષયો ને પણ તેમાં આવરી લીધા હતા. આ ફિલ્મે ૨૦૦૧ માં નેશનલ ફિલ્મ એવોર્ડ મેળવવામાં સફળતા મેળવી હતી. તેમજ બોક્સ ઑફિસમાં પણ પુષ્કળ કમાણી કરી શકી હતી.
આમિર ખાનની વધુ એક ફિલ્મ થ્રિ ઇડિયટ એ તો તે સમયે લગભગ બધાં જ રેકોર્ડ તોડી દીધા હતાં. ચેતન ભગત ની બેસ્ટ સેંલીગ બુક ફાઈવ પોઇન્ટ સ્મવન પરથી આ ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં દેશની એજ્યુકેશન સિસ્ટમ અને સંતાનો પ્રત્યે માતાપિતા ની ભણતર અને ભવિષ્ય ને લઈને જોવા મળી રહેલી ચિંતા અને દબાણ ને ફિલ્મમાં સરસ રીતે આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત આમિર ખાન નું પરફેક્શન, ઓલ ઇઝ વેલ ની પંચલાઈન અને ઓમી વૈદ્ય ના કૉલેજ ફક્શન વખત ના ડાયલોગ હજી એ ભુલાતા નથી. ફિલ્મે ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ તગડી કમાણી કરી હતી. તે સમયે આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. ફિલ્મે છ ફિલ્મફેર એવોર્ડ મેળવવા ઉપરાંત ત્રણ નેશનલ એવોર્ડ પણ જીત્યા હતા. ફ્રેન્ડશિપ ની આવી જ વધુ એક ફિલ્મ ઝીંદગી મિલગી ના દોબારા આવી હતી. રિતિક રોશન, ફરહાન અખ્તર અને અભય દેઓલ ને ચમકાવતી આ ફિલ્મ બેચલર ટ્રીપ પર નીકળેલા ત્રણ યુવાનોની વાત કરવામાં આવી છે. જેઓ તેમની સ્પેનની ટુર તમામ એડવેન્ચર સ્પોર્ટ્સ માં ભાગ લેઈ ને જિંદગી ને મોજ થી માણી લેવા માંગે છે. આ ફિલ્મે ૧.૫૩ અબજ ની કમાણી કરી હતી. નેશનલ એવોર્ડ ની સાથે અનેક બીજા એવોર્ડ પણ મેળવ્યા હતા.
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ફિલ્મ કભી ખુશી કભી ગમ. ૨૦૦૧ માં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને રિતિક રોશન જેવા દિગગજ કલાકારો એ આ ફિલ્મમાં પ્રેક્ષકોને હસાવ્યા પણ અને રડાવ્યા પણ. ખાનની હેલિકોપ્ટરથી એન્ટ્રી, અમિતાભ બચ્ચન ની ડાયલોગ ડિલિવરી અને રિતિક રોશનનો ડાન્સ ખરેખર ફિલ્મ જોવાની મજા આવી ગઈ હતી. આ ફિલ્મ તમામ લોકો ના હ્ર્દય ને સ્પર્શવામાં સફળ રહી હતી. બોક્સ ઓફીસ પર ₹ ૧.૩૫ અબજ નો વકરો કર્યો હતો. તેમજ છ ફિલ્મ ફેર એવોર્ડ મેળવ્યા હતા.
આ સિવાય ત્રિદેવ, વિશ્ર્વાત્મા, ત્રીશૂલ, પ્યાર કા પંચનામાં, શાન પણ હિટ ફિલ્મોની યાદીમાં સ્થાન પામે છે. તો સામે નિષ્ફળ ગયેલી આમદની અઠઠની ખર્ચા રુપયા, ત્રીમૂર્તિ, ઓમ જય જગદીશ સહિત ની અમુક ફિલ્મોનો સમાવેશ પણ થાય છે.