Tunkivartao in Gujarati Moral Stories by Hetal Chaudhari books and stories PDF | ટૂંકીવાર્તાઓ

Featured Books
Categories
Share

ટૂંકીવાર્તાઓ

        ( એક નવીન પ્રકારની વાર્તા  લખવાનો પ્રયત્ન કર્યો છે તો વાંચીને આપનો અભિપ્રાય આપશો, પ્રથમ વાર્તા નો અંત વાચકો જાતે નક્કી  કરશે) 

      (૧) અંશ

         શહેર ની એક મોટી ગાયનેક હોસ્પિટલના સ્પેશિયલ વોડૅમાં ખાટલે પડેલી જશુની બૈચેની અને અકળામણ ની સાથે સાથે પીડા અને તરફડાટ પણ વઘતા જતા હતા.
         સામે સ્વચ્છ સફેદ કપડામાં ઉભેલ ડૉક્ટર અને નસૅ,
જાણે જમદૂત,,,!
      શારિરીક વેદના કરતા પણ તેની માનસિક વેદના વધુ ને વધુ પ્રબળ બનતી જતી હતી.
ધેન નાં ઈન્જેક્શનની અસરથી તેની આંખો મિંચાવા લાગી.
આંખો ખૂલશે ત્યારે બધુ જ વેરાન, એ વિચારે બળપૂર્વક
આંખો ખુલ્લી રખવા પ્રયત્ન કર્યો.
      વ્યથૅ,,,,,
      દરિયાના ઘસમસતા મોજાઓ માં તે આમથી તેમ ફંગોળાતી હતી. કંઇક હાથમાં પકડી લેવા મથતી હતી, પણ હાથમાં તો આવતા હતા દરિયાના ખારાઉસ પાણી.
એજ દરિયો જે તેને ખૂબ ખૂબ વ્હાલો વ્હાલો અને પ્રિય હતો. તે જ જાણે આજે જનમ જનમનો વેરી બની બેઠો હતો.
તે જોશપૂવૅક પકડવા આગળ વધતી હતી. પણ દરિયાના પ્રચંડ મોજાઓ,
          તે કંઈક, દૂર દૂર ચાલ્યું ગયું અદશ્ય થઇ ગયું. જશુ તરફડિયા મારી રહી.
         મારી નાખીશ, મારી નાખીશ.
      આ શબ્દો જાણે તેને ચારે તરફથી ઘેરી વળ્યા, તેણે બેઉ કાનમાં આંગળા ઘોચ્યા. પણ શબ્દો તો વધુ ને વધુ જોશથી સંભળાવા લાગ્યા.
      અચાનક -
      આંખો ઉઘાડી, ઘેરી નિદ્રા માંથી ઉઠી. શરીર પરસેવે રેબઝેબ થઇ રહ્યું હતુ.
      સપનું એટલું ભયાવહ, અને એટલું જ વાસ્તવિક!
જશુએ આમતેમ જોયું, સામે જ પ્રશાંત ઉભો હતો.
અત્યાધુનિક વસ્ત્રોમાં સજ્જ પ્રશાંત પી.એચ.ડી કરી સુરત શહેરની ખ્યાતનામ કોલેજમાં ગુજરાતી વિષયનો લેક્ચરર હતો.પોતાના આધુનિક વલણ અને પ્રભાવી વ્યક્તિત્વના કારણે વિધાર્થીઓમાં પ્રિય અને સહ કમૅચારીઓમાં પ્રશંસનીય હતો.
પ્રશાંત જશુની પાસે આવી તેના બરડે હાથ ફેરવવા લાગ્યો.જશુને જાણે સો સો શૂળભોંકાયા હોય તેવી વેદના થઇ રહી.
      પાંચ વર્ષની દીકરી અક્ષિતાના મોં સામે જોયું આંખોમાં વેદના તરી આવી.
      દિલમાં હજારો વીછીંના ડંખથી પણ વધુ તીક્ષ્ણ ટીસ ઉઠી.
આધુનિકતાવાદી પ્રશાંતનાં શબ્દો યાદ આવ્યા,બે દીકરી_ _ _ ના_ _ _ _ ના ન જ જોઇએ, નઇ તો અવતરનાર નું ગળું જ ઘોંટીશ.
     ફાટી આંખે જશુ રૂમમાં પડેલા ખાલી પારણાંને જોઇ રહી.
તેના અંશ રૂપ બાળકને લઇને નસૅ દરવાજે આવી ઉભી રહી, જશુ ટીકી ટીકીને તેને જોઈ રહી.
     જશુના બરડે ફરતો પ્રશાંતનો હાથ અચાનક અટકી ગયો.

(૨) નિકાલ

       વરસાદી રાતમાં તે પથારીમાં પડખા ઘસતી પડી હતી, ઉંઘવા માટે નાં બધા જ પ્રયાસો નિષ્ફળ જતાં તે બેઠી થઈ ગઈ.
          દૂર થી દેડકાઓ નું ડ્રાઉ ડ્રાઉ જાણે કોઈ મશીન ચાલતું હોય એટલી જોરથી સંભળાતુ હતુ ,અને તેમાં તમરાં ઓ નો અવાજ ઉમેરાઇને રાતની ભયંકરતામાં વધારો કરતાં હતાં.
તે ભયભીત થઈ ગઈ.
         નળિયા પર પડતાં વરસાદ ની ઝીણી છાંટ તેને ઘરમાં પણ મહેસૂસ થવા લાગી.
         ઘરમાં સળગતો દીવો અને બહાર વારંવાર ઝબકી ઊઠતી વિજળી થી તે ડરીને ચમકી ગઈ.
         ધીરે ધીરે પથારી માંથી ઉભી થઇ અને દરવાજા ને ખોલી બહાર નીકળી, આમતેમ નજર ફેરવી, બધે સ્મશાનવત્ શાંતિ હતી.
          આગળ વધીને રસ્તા પર દૂર દૂર સુધી નજર દોડાવી પણ કોઇ અણસાર ન વરતાયો,ખાલી નજરે તે ઘરમાં પાછી ફરી.
       હજી બે દિવસ પહેલા જ તેની ત્રીજી પ્રસુતિ થઇ હતી, ગાંમડાગામ ની દાયણે જ્યારે દીકરી હોવાની વધામણી ખાધી હતી ત્યારે જે પીડાનો અનુભવ થયો હતો તે પ્રસુતિની પીડા કરતા પણ વધુ હતો.
       તે જઈ ને સીધી ખાટલામાં આડી પડી, ચારેબાજુ થી ભીંતો તેને ભીંસમાં લેવા આગળ વધી રહી હોય તેમ તેને લાગ્યું, બાળકીનો માસુમ ચહેરો તેના સામે કરૂણાથી જોઇ રહ્યો હતો ,ધીમે ધીમે તે ચહેરો ઝાંખો થઇ ગયો,અને બાળકીનાં બધાં અંગો હાથ, પગ ,આંગળી ઓ, મોઢુ, નાક, કાન અને એક સુંદર વિશ્વ ને નિહાળવા આવેલી એવી જ સુંદર આંખો તેની નજર સામે જાણે તાંડવ કરવા લાગ્યા, તેને ચારે તરફથી ઘેરી વળ્યા.
        તે ફ્ટદેતીક ખાટલામાં બેઠી થઇ ગઇ.
        ફળિયામાં કૂતરાંનો ભસવાનો અવાજ આવ્યો,
તેણે કાનને વધુ સરવા કર્યા,આછો પગરવ સંભળાયો.
સાંકળ ખખડવાની રાહ જોયા વિના તેણે ઝટ થી દરવાજો ખોલી દીધો.
       તેના પતિ એ એક મંદ સ્મિત આપ્યું અને ખાટલામાં જઈ પડ્યો.
       તે સામે જઇ ઉભી રહી, પૂછ્યું -નિકાલ થઇ ગયો?
        હા
        આછા અજવાળામાં દેખાતુ તેનું હાસ્ય અંધારી રાત કરતાં પણ વધુ ભયાનક હતુ.