Andhari raatna musafaro in Gujarati Horror Stories by DharmRaj A. Pradhan Aghori books and stories PDF | અંધારી રાતના મુસાફરો - એક સત્ય ઘટના

Featured Books
Categories
Share

અંધારી રાતના મુસાફરો - એક સત્ય ઘટના

          *આજે 05-માર્ચ-2019 8:55am એ હું આ ન્યુ સ્ટોરી લખવાની✍️ શરૂઆત કરું છું.*


*_પ્રસ્તાવના_*


          મારી પહેલી સ્ટોરી 'રહસ્યમય ટેનામેન્ટ-એક સત્ય ઘટના' ને વાચકમિત્રો દ્વારા સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે તે બદલ હું આપ સૌનો આભારી છું અને જેણે તે સ્ટોરી ના વાંચી હોય તેમને વિનંતી કરું છું કે તેઓ એકવાર એ સ્ટોરી વાંચે, રેટિંગ આપે અને કાંઈક ખૂટતું હોય તો પણ જણાવે. આશા રાખું છું કે તેની જેમ જ હું મારી આ 2nd સ્ટોરીથી પણ વાચકોને ન્યાય આપી શકીશ. આ સ્ટોરી મેં જાતે તો નઈ પરંતુ મારા જ એક નજીકના સગા જેમને હું દાદા કહેતો હતો તે દાદાના એક મિત્ર એ અનુભવી હતી. આજે તો તે બંને વ્યક્તિ અમારી વચ્ચે હયાત નથી. પણ તેમની કહેલી વાત તેમનો અનુભવ હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું.

          મારા તે દાદાના મિત્રના જ શબ્દોમાં કહું તો આજથી લગભગ દસ-બાર વર્ષ પહેલાંની આ વાત છે. જ્યારે હું પિયાગો રીક્ષાના ફેરા મારતો હતો. ઉજાલા થી બાવળા, નળસરોવર બાજુના રૂટ પર મારી રીક્ષા ચલાવતો હતો. આમ તો રોજ સવારે જ ફેરા મારીને રાત્રે ઘરે આવી જતો હતો. પરંતુ અમુક વખત મારે નાઇટના ફેરામાં પણ જવું પડતું હતું. રોજ સવારે વહેલો ઊઠીને હું ભગવાનને પ્રાર્થના કરી રીક્ષા આગળ અગરબત્તી કરીને જ બહાર નીકળતો હતો. મને વર્ષોથી આ જ રૂટ પર રીક્ષા ચલાવવામાં ક્યારેય કોઈપણ પ્રકારનો ખરાબ અનુભવ થયેલો નહોતો. જેથી કોઈપણ સમયે હું આ રૂટમાં રીક્ષા લઇને ફેરા મારવામાં ખચકાતો નહોતો.

          શિયાળાની એક સાંજે મારે નળસરોવર તરફ નાઇટનોં ફેરો આવ્યો હતો. આ રસ્તાઓનોં અનુભવ હોવાથી મને રાત્રીના ફેરામાં કોઈ જ ડર નહોતો. હું તે સાંજે સરખેજથી પેસેન્જર ભરીને નળસરોવર તરફનાં એક ગામડા તરફ જવા નીકળ્યો હતો. પેસેન્જર ફુલ હોવાથી મેં સારા ભાડાંની આશાએ સાંજે તે ફેરો નક્કી કર્યો હતો. પણ મને નહોતી ખબર કે આ ફેરો મને કેટલો મોંઘો પાડવાનો છે. જો મને જરાય અણસાર હોત તો હું આ ફેરો લેતો જ નઈ. પરંતુ મારે આ આફતનોં સામનો કરવાનું જાણે લખ્યું જ હતું.

          હું અને બીજા પેસેન્જર નળસરોવર રૂટ પર આવેલા એક ગામ તરફ જઈ રહ્યા હતા. શિયાળો હોવાથી રીક્ષામાં ઠંડી લાગી રહી હતી તેથી મેં શોલ ઓઢી હતી. અત્યારે તો આ રૂટના રસ્તાઓ પર લાઇટ આવી ગઈ છે. તે વખતના રસ્તાઓ એકદમ સુમસામ અને અંધારા વાળા હતા. રાત્રે જતાં પણ બીક લાગે એવો માહોલ રહેતો હતો. રાત્રે ધુમ્મસને કારણે 25-30 ફૂટથી આગળ જોઈ શકાતું નહોતું. જેમતેમ કરીને આ અંધારપટ રોડથી અમે ગામ તરફ વળ્યા ત્યારે રાતના દોઢ વાગતા હતા. ગામમાં પણ ખાસ અજવાળું નહોતું. ગામના પાદરથી સહેજ અંદર બધાજ પેસેન્જરને ઉતાર્યા, ભાડું લીધું અને તે લોકો ધીરે ધીરે ત્યાં આવેલા એક રસ્તાથી જતા રહ્યા. તેમણે મને ગામ પાસે મંદીરમાં રાત રોકાવા કહ્યું હતું પણ મેં તેમને ના પાડી અને કહ્યું કે હું જતો રહીશ, મારે તો આ રોજનું છે. તે વખતે તેમની વાત માનીને હું રોકાયો હોત તો આ ઘટના બનતી જ નહી, પણ આ અનુભવ પણ કિસ્મતમાં લખ્યો હશે.

          રાતના બે વાગ્યે હું એકલો મારી પિયાગો રીક્ષા લઈને નળસરોવર બાજુના એક ગામડાથી સરખેજ જવા નીકળ્યો. રસ્તો ખુબ જ અંધારાંવાળો હતો. ઠંડીને કારણે ધુમ્મસ પણ બહુજ હતું રસ્તામાં લાઇટ પણ નહોતી, સુમસામ રસ્તો હતો જેથી તે ઓર ભેંકાર દ્રશ્ય લાગતું હતું. ગામથી નીકળીને માંડ અર્ધો કલાકનો સમય થયો હશે ને રસ્તામાં ખેતર પાસે એક ઝાડ નીચે મને કોઈક સફેદ પહેરવેશવાળો માણસ દેખાયો. તેણે મને હાથ લાંબો કરીને રીક્ષા રોકવા કહ્યું, આજુબાજુનોં એરિયા જંગલ જેવો હતો અને થોડાક ખેતરો પણ હતા, દૂર દૂર સુધી કોઈ રહેણાંક વિસ્તાર દેખાતો નહોતો. મને એમ કે આસપાસ ના કોઇક ખેતરમાં કામ કરતો કોઈક ખેડૂત હશે અને ખેતર ના કામમાં મોડું થયું હશે એટલે મેં રીક્ષા રોકી. તે વ્યક્તિની ઉમર 55-60 આસપાસ હશે. એની આંખો ઊંડી ઉતરેલી હતી ચેહરા પર કોઈપણ ભાવ વિના તેણે મને થોડેક આગળ સુધી સાથે લઈ જવા કહ્યું, તેનો અવાજ પણ વિચિત્ર લાગ્યો મને પણ તે ઉમરલાયક છે એટલે એવું હશે એમ વિચાર્યું અને મેં પણ રીક્ષા ખાલી હોવાથી તેને સાથે લઈ જવાનું નક્કી કર્યું કેમ કે મને પણ એકલા એકલા કંટાળો આવતો હતો. કોઈ સાથે હોય તો રસ્તો જલ્દી કપાઇ જાય. તે મારી પિયાગો રીક્ષામાં વચ્ચેની સીટ પર બેઠો. મેં તેની સાથે વાત કરવા કોશિશ કરી પણ તે કઈ બોલતો નહોતો. હજુ તો માંડ પાંચ મિનિટ આગળ ચાલ્યા ને એ વીરાન રસ્તા માં બે સ્ત્રીઓ દેખાઈ. હું વિચારમાં પડી ગયો કે આટલી રાત્રે અંધારામાં આવી જગ્યા પર આ સ્ત્રીઓ શું કરતી હશે. ભૂતપ્રેતમાં હું માનતો નહતો એટલે એવો કોઈ વિચાર મેં કર્યો જ નઈ. તેમની પાસે જઈને મેં રીક્ષા રોકી, તેં બંને એ લાલ કલરના કપડા પહેર્યા હતા. હાથમાં લાલ બંગડીઓ પહેરી હતી. મેં તેમને પૂછ્યું કે આટલી રાત્રે આવી જગ્યા એ તમે શું કરો છો? મારી વાતનોં જવાબ આપ્યા વગર તેમણે કહ્યું કે તે બંનેને થોડેક આગળ સુધી જવું છે. તેમનો અવાજ વિચિત્ર લાગતો હતો. મેં પણ વધારે મગજમારીમાં પડ્યા કરતાં તેમને આગળ સુધી ઉતારવાનું વિચાર્યું. તે બંને પીયાગોમાં છેક પાછળ બેઠા.
        
          મારી રીક્ષા અંધારું ચીરતી આગળ વધી રહી હતી. હેડ લાઇટ માંડ અજવાળું આપી શકતી હતી. ઘોર અંધારામાં રસ્તો ઓર ભેંકાર ભાસી રહ્યો હતો. રિક્ષામાં કોઈપણ એકબીજા સાથે વાતચીત કરી રહ્યું નહોતું. ખાડા-ટેકરા વાળા રોડ પર થોડીક થોડીક વાર માં તે સ્ત્રીની ઝાંઝર અને બંગડીઓ અવાજ કરતી હતી જે વાતાવરણને ઓર ડરાવનુ બનાવી રહી હતી. એક કિલોમીટર આગળ જતાં જ પાછળથી તે બંને સ્ત્રીઓનોં અવાજ આવ્યો કે અહીંયા રોકો. હું વિચારમાં પડી ગયો કે આટલી વેરાન જગ્યા પર આ બંને સ્ત્રી કેમ ઉતારવા માગે છે. તોય મેં રીક્ષા રોકી, તે બંને બીજી જ સેકંડ એ મારી બાજુમાં આવીને ઊભી રહી. હું આમ અચાનક તેમને આગળ આવેલા જોઈને ચોંકી ગયો. જાણે તે બંને અચાનક હવામાં પ્રગટી હોય એટલી ઝડપથી પાછળથી ઉતરીને આગળ આવી હતી. મને મનમાં અજાણ્યો ભય થવા લાગ્યો. મેં વિચાર્યુ કે નક્કી આ બંનેમાં કાંઈક તો છે. હું આમ વિચારતો હતો ને તે બંને એ રહસ્યમય મુસ્કાન આપી, તેમનો અર્ધો ચહેરો ઘુઘટથી ઢંકાયેલ હતો ફક્ત તેમના હોઠ દેખાઇ રહ્યા હતા. તે બંને રીક્ષાની આગળ તરફથી વગડામાં જવા લાગી. હું અજાણ્યા ભયથી કઈપણ બોલ્યા વિના તેમને તાકી રહ્યો. અચાનક મારી નજર તેમના પગ પર પડી. બંનેના પગનાં પંજા મારી તરફ હતા અને તે મારી વિરુધ્ધ દિશામાં  જઇ રહી હતી. આ જોઈને જ મારા તો ગોત્ર ઠરી ગયા. મારા શરીરમા ભયથી રીતસર કંપારી છૂટી ગઈ. હું કાંઈપણ બોલી શકતો નહોતો. મનમાં મેં ભગવાનને પ્રાર્થના કરી કે મને આમાંથી બચાવી લે. હજુ હું માંડ ત્યાથી રીક્ષા ભગાવાની તૈયારી કરતો હતો તેમાં તે વૃધ્ધ જે મારી પાછળ બેઠો હતો તે પણ તેમની પાછળ ઉતારવાં લાગ્યો. મેં તેનો હાથ પકડીને તેને પાછો ખેંચીને બેસાડયો. તેનો હાથ બરફ જેવો ઠંડો હતો. તેને અડીને મને અલગ ડર લાગી રહ્યો હતો. તે સ્ત્રીઓ માંડ થોડાક પગલા ચાલીને દૂર ગઇ હશે. રિક્ષાની લાઇટમાં સ્પષ્ટ દેખાય તેમ આગળ તરફ તે બંને ચાલી રહી હતી. તે વૃધ્ધ વ્યક્તિએ મારી આંખોમાં આંખ નાખીને મને તેના ભારે અને અજીબ આવાજમાં પૂછ્યું કે મેં કેમ તેને રોક્યો. મેં ધ્રુજારી સાથે તરત જ તેને આગળ ચાલી રહેલી સ્ત્રીઓ તરફ જોવાનો ઇશારો કર્યો. તોય ત્યાં નજર કરવાને બદલે તે મારી સામે એકટસ જોઈ રહ્યો હતો. ફરી તેને મને કહ્યું કે મેં કેમ તેને રોક્યો. મેં ગળેથી થૂંક ઉતરતા તેને કહ્યું કે તે બંને સ્ત્રીઓના પગ ઊંધા છે, તે બંને ચૂડેલ છે. મારી વાત સાંભળીને તે જોર જોરથી હસવા લાગ્યો. તેનો અવાજ સ્ત્રી જેવો થવા લાગ્યો, તેના હાસ્યથી ચારેબાજુ પડઘા પાડવા લાગ્યા. હું સખત ડરી ગયો હતો. પછી તેણે પોતાનો પગ ઉઠાવીને મારી તરફ કર્યો અને કહ્યું કે 'આ રીતે?. તેના પગ પણ તે બંને સ્ત્રીઓ જેમ જ ઊંધા હતા. મારામાં તો જાણે જીવ જ ના રહ્યો હોય હું ભયથી કાપવા લાગ્યો. તે ભયાનક રીતે હસતો હસતો ઉતરીને પેલી સ્ત્રીઓ તરફ જતો રહ્યો અને હું ડરથી આઘાતમાં ત્યાં જ બેભાન થઈને રીક્ષાથી રોડ પર ઢળી પડ્યો.

          મારા મોં પર પાણી પડયુ અને હું સફાળો બેઠો થઈ ગયો. નજર કરી તો જોયું તો હું રોડ પર પડ્યો હતો અને સવાર પડી ચૂકી હતી. આંખ ખુલી ત્યારે મારી આસપાસ ગામડાના વેશમાં સફેદ પાઘડી ધોતી અને ઝભ્ભો પહેરેલા ત્રણચાર જણા ઊભા હતા. તેમણે મને જગાડવા મારા મોં પર પાણી નાખ્યું હતું. હું સખત કંપી રહ્યો હતો. તેમણે મને પૂછ્યું કે શું થયું હું કેમ રસ્તા વચ્ચે આમ બેભાન થયેલો પડ્યો હતો. ત્યારે મેં તેમને ગઇ રાત્રે બનેલી પૂરી ઘટના જણાવી. તે જાણીને તેમણે કહ્યું કે હા અહીંયા અમુક વખત આવા અનુભવ લોકોને થયા કરે છે એટલે આ તરફ રાત્રે બાર એક વાગ્યા પછી કોઈ આવતું નથી. હું ફટાફટ ઊભો થઈને રીક્ષા ચાલુ કરવા લાગ્યો. સવારના સાડા સાત વાગી રહ્યા હતા. તે લોકો પણ નજીકના ખેતરોમાં કામ કરવા ગયા. હું હજુ પણ સખત ભયથી કંપી રહ્યો હતો. રીક્ષા ચાલુ કરીને મારા ઈષ્ટ દેવનું સ્મરણ કરવા લાગ્યો અને જેમતેમ પોતાના ઘરે પહોંચ્યો. આખા રસ્તે મેં એક પણ પેસેન્જર બેસાડયા નહોતા. ઘરે પહોંચતા જ મેં મંદીર પાસે જઈને ભગવાનને હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો કે તેમણે મને આવાં સંજોગોમાં કોઈપણ પ્રકારની હાનિ પહોંચવા દીધી નહોતી. ડરથી મને તાવ આવી ગયો હતો. ત્રણ ચાર દિવસ બાદ મારી તબિયતમાં સુધારો આવ્યો પછી મેં ઘરમાં પુરી વાત જણાવી. ઘરનાં પણ આ વાત જાણીને ડરી ગયા હતા. તે પછી તેમણે મને નાઇટમાં રીક્ષા ચલાવવાની સ્પષ્ટ ના પાડી દીધી. મેં પણ તેમની વાતનોં વિરોધ ના કર્યો. થોડાક દિવસ આરામ કરીને ફરીથી હું રાબેતા મુજબ રીક્ષાના ફેરા મારવા લાગ્યો. હા પરંતુ આ વખતે ફેરા દિવસોમાં જ મારતો હતો.

          આ વાત મારા દાદાના મિત્ર એ તેમને જણાવી હતી કે રોજ એકબીજા મળતા હતા અને અઠવાડિયા બાદ તેઓ કેમ દેખાયા હતા. આ અનુભવ હતો મારા સબંધી એક દાદાના મિત્રનોં. હાલમાં તે બંને હયાત નથી. ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે. દુનિયામાં ઘણીબધી ઘટનાઓ આમ બનતી હોય છે જેના પર જલ્દી વિશ્વાસ મૂકી શકવું આપણા માટે અઘરું હોય છે. પરંતુ આ ઘટનાઓ જેની સાથે બની હોય તે તો અનુભવ થતાં જ વિશ્વાસ કરવા લાગે છે.

          અહીંયા આ રિયલ સ્ટોરી પૂર્ણ કરું છું. આશા રાખું છું કે મારી ફર્સ્ટ રિયલ સ્ટોરી "રહસ્યમય ટેનામેન્ટ" ની જેમ જ આ રિયલ સ્ટોરી પણ તમને ગમશે. લખવામાં કોઈ ભૂલ થઈ હોય તો કોમેટ કરીને જણાવવા વિનંતી. રેટિંગ ચોક્કસ આપજો. અને ઓછા રેટિંગનું કારણ પણ કોમેટમાં જણાવો જેથી હું સુધારા કરીને તમને 5 સ્ટાર રેટિંગ સુધી લાવી શકું.......ધન્યવાદ....

          *આજે 10- માર્ચ - 2019 11:35am એ આ સ્ટોરી પૂર્ણ કરું છું.*


Dharmraj A. Pradhan "અઘોરી"
-9033839226