Ruh sathe ishq return - 3 in Gujarati Horror Stories by Disha books and stories PDF | રૂહ સાથે ઈશ્ક રિટર્ન 3

The Author
Featured Books
Categories
Share

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 3

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 3

શિવગઢમાં પોતાની પ્રથમ રાત પસાર કર્યાં બાદ કબીર જ્યારે સવારે ઉઠ્યો ત્યારે આઠ વાગવા આવ્યાં હતાં..કબીરને નીચે રસોડામાંથી અવાજ આવી રહ્યો હતો જે સાંભળી એને અનુમાન લગાવ્યું કે જીવકાકા આવી ચુક્યાં હતાં.

"કાકા,નીચે તમે છો ને..?"નીચે જીવકાકા જ હાજર હતાં એની ખાતરી કરવાનાં ઉદ્દેશથી કબીરે ઊંચા અવાજે પૂછ્યું.

"હા સાહેબ હું જ છું..તમે બ્રશ કરીને નીચે આવો..ચા-નાસ્તો તૈયાર છે."નીચેથી જીવકાકાનો અવાજ કબીરનાં કાને પડ્યો.

"હા કાકા..આવું દસેક મિનિટમાં.."કબીરે પ્રત્યુત્તરમાં કહ્યું.

થોડીવારમાં કબીર નીચે પહોંચ્યો એટલે જીવા કાકા એ ગરમાગરમ નાસ્તો અને ચા એને આપી..કબીર ચા-નાસ્તો કરી રહ્યો એટલે જીવકાકા એ કબીરને ઉદ્દેશીને પૂછ્યું.

"સાહેબ,રાતે કોઈ તકલીફ તો નહોતી પડી ને..?"

જીવકાકાની વાત સાંભળી કબીરે પહેલાં તો વિચાર્યું કે પોતે અડધી રાત વીતી ગયાં બાદ સાંભળેલાં વિચિત્ર અવાજ વિશે વાત કરું પણ પછી પોતાનાં આ વિચારને મનમાં જ મારીને કબીરે કહ્યું.

"અરે કાકા અહીં તો ઉપરથી શહેરનાં એર કંડીશનર રૂમ કરતાં પણ વધુ મજા આવી.."

ત્યારબાદ કબીર પોતાનાં રૂમમાં ગયો અને સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કરી પાછો નીચે આવ્યો..આજે સમય પસાર કરવાં કબીર શિવગઢ ની શેર કરવા પોતાની ફોર્ચ્યુનર લઈને નીકળી પડ્યો.

કબીર ની કાર જેવી શિવગઢ માં એન્ટર થઈ એની જ સાથે જ લોકોનાં અહીં તહીં બેસેલાં ટોળાં કારને નીરખી નીરખીને જોઈ રહ્યાં હતાં.શિવગઢ ગામ આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતાં લોકોની વસ્તી ધરાવતું હોવાનું કબીરને પ્રથમ નજરે જ સમજાઈ ગયું.

કબીરે એક શાકભાજીની લારી ઉપરથી પોતાને ભાવતું થોડું શાકભાજી ખરીદી લીધું જેથી જીવકાકા એનાં પસંદનું ખાવાનું બનાવી શકે.શિવગઢ નાં લોકો માટે કબીર નો પહેરવેશ અજાયબી જેવો હતો એટલે એ લોકો એકીટશે કબીરને આમ તેમ શિવગઢનો ફરતો જોઈ રહ્યાં હતાં.પ્રમાણમાં નબળી સ્થિતિ ધરાવતાં લોકો માટે કબીર ની ભવ્ય ગાડી અને એનો દેખાવ જોઈ એ કોઈ અંગ્રેજ હોય એવી લાગણી થઈ રહી હતી.

નાના બાળકોનું એક ટોળું કબીરની ગાડી જ્યાં જઈ રહી હતી એની પાછળ પાછળ દોડી રહ્યું હતું..કબીર ને બાળકો પ્રત્યે કૂણી લાગણી હતી એટલે એને પોતાની ગાડી રોકી અને બાળકોને ગાડીમાં બેસવા કહ્યું..પહેલાં તો બધાં બાળકો એ આનાકાની કરી પણ જ્યારે કબીરે એમને કહ્યું કે એ બાળકોને પોતે આખા ગામનું ગાડીમાં બેસાડી ચક્કર મરાવશે તો બાળકો અતિ પ્રસન્ન થઈ ગયાં અને ફટાફટ ગાડીમાં સવાર થઈ ગયાં.

કબીરે ગાડી ચલાવતાં ચલાવતાં વારાફરથી એ બાળકોનાં નામ પૂછયાં અને એમને નર્મદા નદીનાં કિનારા સુધીની ગાડીમાં બેસાડીને શેર કરાવી.ગરીબ બાળકોનાં ચહેરા પરની ખુશી જોઈને કબીરને પણ આનંદ પ્રાપ્ત થયો.બાળકોને ગામમાં ઉતાર્યા બાદ કબીર પાછો પોતે જ્યાં રોકાયો હતો એ વુડહાઉસ તરફ જવા નીકળ્યો જ હતો ત્યાં એની નજર એક મંદિર ની ધજા પર પડી.ૐ નમઃ શિવાય લખેલી એ ધજાને જોઈને કબીરે એક્સીલેટર પર મુકેલો પોતાનો પગ પાછો લઈ લીધો.

એ ધજા જાણે કબીરને પોતાની તરફ બોલાવી રહી હતી..એ મંદિરની ધજા પરથી કબીર સમજી ચુક્યો હતો કે એ કોઈ શિવ મંદિર હોવું જોઈએ.કબીર શિવજીનો પરમ ભક્ત હતો એટલે શિવ મંદિર જતાં એ પોતાની જાતને રોકી ના શક્યો.કબીરે પોતાની ફોર્ચ્યુનર નો યુટર્ન લીધો અને એ શિવમંદિર તરફ પોતાની ગાડીને ભગાવી મુકી.

કબીર જેમ-જેમ એ શિવ મંદિર તરફ આગળ વધી રહ્યો હતો એમ-એમ એનાં મગજમાં ઘણી બધી વસ્તુઓ દોડવા લાગી હતી.કોઈ વીતેલી ક્ષણ જાણે એનાં મનમાં વારંવાર જોરજોરથી દસ્તક આપી રહી હતી..શિવગઢ ની ગલીઓને કબીર બહુ પહેલાંથી ઓળખતો હોય એવો એને ભાસ થવા લાગ્યો હતો..ગાડી ને ધીરે-ધીરે ચલાવી કબીરે દૂરથી જે ધજા એને જોઈ હતી એ ધ્વજા જે મંદિર પર ફરકતી હતી ત્યાં લાવીને ઉભી કરી દીધી.

કબીરે ગાડી ને મંદિરનાં પટાંગણમાં મૂકી અને ગાડીમાંથી ઉતરી મંદિર તરફ આગળ વધ્યો..આ મંદિર જમીનથી દસેક પગથિયાં ઊંચું હતું..આમ કરવાનું કારણ શક્યવત આ મંદિર નર્મદા નદીથી ઓછાં અંતરે આવ્યું હોવાનું હોઈ શકે છે..કેમકે ચોમાસામાં વધુ વરસાદ દરમિયાન પાણી મંદિરમાં ના પ્રવેશ કરે એનું પહેલેથી જ નક્કર આયોજન કરી મંદિરને જમીનથી પાંચેક ફૂટ ઊંચું બનાવાયું હતું.

પગથિયાં ચડીને કબીર જેવો મંદિરમાં પ્રવેશ્યો એ સાથે જ એનું માથું ભમવા લાગ્યું..એની આંખો કોઈ વધારાનો ભાર સહન કરી રહી હોય એમ ખેંચાવા લાગી.કબીર પોતાનાં બંને હાથને માથે રાખીને આમ તેમ ચાલવા લાગ્યો અને આખરે ચક્કર ખાઈને નીચે પડ્યો.કબીરને જ્યારે ભાન આવ્યું ત્યારે પૂજારી જેવાં વસ્ત્રોમાં સજ્જ એક વૃદ્ધ વ્યક્તિ અને બીજાં બે લોકો એની ફરતે હાજર હતાં.

કબીર ને હોશ આવતાં જ એ વૃદ્ધ વ્યક્તિ એ કહ્યું.

"શું થયું હતું તને દીકરા..આ મંદિરમાં આવતાં મેં તને જોયો અને એ સાથે જ તને કંઈક થઈ ગયું અને તું નીચે પડી ગયો..તારી તબિયત તો ઠીક છે ને..?"

"હા મને સારું છે..શાયદ વાતાવરણ બદલાવને લીધે ચક્કર આવી ગયાં હશે..તમે આ મંદિરના પૂજારી લાગો છો..?"કબીરે સાચવીને ઉભાં થતાં કહ્યું.

"હા દીકરા હું આ મંદિરનો પૂજારી છું..મારું નામ હરગોવન ભાઈ છે.પણ તને આજે પ્રથમ વખત આ ગામમાં જોયો..તમારી ઓળખાણ..?"એ વ્યક્તિએ પોતાની ઓળખ આપી કબીરની ઓળખ વિશે પૂછતાં કહ્યું.

"વડીલ,મારું નામ કબીર રાજગુરુ છે..હું એક નવલકથાકાર છું..અને અહીંનાં શાંત વાતાવરણમાં મારી નવી નોવેલ લખવા આવ્યો છું.શિવગઢથી થોડે દુર પ્રતાપસિંહનું જે મકાન આવ્યું છે ત્યાં રોકાયો છું."કબીરે પોતાની ઓળખ આપતાં જણાવ્યું.

"ખૂબ સરસ..મહાદેવ કરે તું તારી દરેક ઈચ્છા પૂરી કરી શકે.."કબીર નાં માથે હાથ મૂકી હરગોવનભાઈ એ કહ્યું.કબીર નાં માથે હાથ મુકતાં કબીરે જે રીતે ગરદન ઝુકાવી એમમાં ચરણ સ્પર્શ કર્યાં એ સાથે જ એમનાં દેહમાં એક ઝબકારો થયો.જાણે કોઈ અજાણી શક્તિનો સ્પર્શ એમને થઈ રહ્યો હતો.

ત્યારબાદ કબીરે દેવો નાં દેવ એવાં મહાદેવ નાં દર્શન કર્યાં અને પછી હરગોવન મહારાજ જોડે થોડી ઘણી વાતચીત કર્યાં બાદ મંદિરમાંથી બહાર નીકળી પોતાની ગાડીમાં જઈને ગોઠવાયો.કબીર ને હજુ એ નહોતું સમજાઈ રહ્યું કે એને ચક્કર કેમ આવ્યાં હતાં કેમકે આજ સુધી એની સાથે આવું કંઈપણ થયું જ નહોતું.

મગજમાં ચાલતાં વિચારોને બ્રેક મારી કબીરે પોતાની ફોર્ચ્યુનરનું એક્સીલેટર દબાવ્યું અને એ સાથે જ ગાડી ભાગી પડી શિવગઢમાંથી પસાર થઈને વુડહાઉસ તરફ જતી સડક પર.હરગોવન મહારાજ ને કબીર પ્રથમ વખત જ મળ્યો હતો છતાં એમની સાથે એને એક ગજબની આત્મીયતા બંધાઈ જરૂર ગઈ હતી.

કબીર જ્યારે પાછો વુડહાઉસ પહોંચ્યો ત્યારે બપોરનાં એક વાગી ગયાં હતાં..કબીર નાં ઘરમાં પ્રવેશતાં જ જીવકાકા એ એને કહ્યું.

"સાહેબ થોડું મોડું થઈ ગયું..ચાલો જલ્દી હાથ-પગ ધોઈને તૈયાર થાઓ એટલે ગરમાગરમ દાળ-ઢોકળી પીરસી દઉં.."

ત્યારબાદ કબીરે બપોરનું ભોજન લીધું અને પોતાનાં રૂમમાં જઈને પથારીમાં આડો પડ્યો..જમ્યાં બાદ એને થોડી આળસ આવી રહી હતી અને એ ઉપરાંત એને તબિયત પણ થોડી ઠીક લાગતી હતી એટલે એ સુઈ ગયો.સાંજે કબીર ની ઊંઘ ખુલી ત્યારે ચાર વાગી ગયાં હતાં.આજે તો પોતાની નવી પુસ્તક નો બેઝ તૈયાર કરશે એવું નક્કી કરીને કબીર પછી પોતાનું લેપટોપ ખોલીને બેઠો.

બીજાં લેખકોની માફક કબીર માટે પણ પોતાની પ્રથમ હોરર જોનરની બુકનું ટાઈટલ નક્કી કરવામાં વધુ માથાકુટ કરવી પડી..કેમકે દરેક લેખક ઈચ્છે કે એની બુકનું ટાઈટલ એટલું આકર્ષક હોય કે ટાઈટલ વાંચીને જ બુક ને વાંચવા બેતાબ બની જાય.ઘણું વિચાર્યા બાદ કબીરે પોતાની નવી હોરર સસ્પેન્સ બુક માટેનું ટાઈટલ નક્કી કર્યું અને લેપટોપમાં વર્ડ ફાઈલ ઓપન કરીને લખ્યું.

"અમાસ:the revange of soul."

પોતાની આ નવી બુક માં કબીર કઈ રીતે સ્ટોરીને આગળ ધપાવશે એની પૂર્વતૈયારી રૂપે પોતાની જોડે પડેલાં ઘણાં હોરર થિસીસ વાંચવાની અને ભૂત-પ્રેત વિશેની વીડિયો જોવાની કામગીરી બખૂબી કરી રહ્યો હતો.કેમકે લોકોને ભલે એવું લાગતું હોય કે કોઈ પુસ્તકની રચના બસ એમજ થઈ જતી હોય તો એમની જાણ ખાતર જણાવી દઉં કે એક નોવેલની રચના માટે કોઈ લેખકની મહીનાઓની મહેનત અને સમય નો ઉપયોગ થતો હોય છે.

આખરે ત્રણેક કલાક જેટલી જરૂરી રિસર્ચ બાદ કબીરે લેપટોપ બંધ કર્યું અને નીચે આવ્યો..જીવકાકાએ ત્યાં સુધી જમવાનું બનાવી રાખ્યું હતું.કબીરે જમવાનું પૂર્ણ કર્યું અને જીવકાકા નાં ત્યાંથી નીકળતાં જ પુનઃ પોતાનાં રૂમમાં આવ્યો અને પોતાની નવી નોવેલ નો પ્લોટ તૈયાર કરવાનું નક્કી કરીને મુદ્દાસર પ્લોટ લખવાનું શરૂ કર્યું.

કબીર થોડું લખતો અને પાછું કંઈક યોગ્ય ના લાગતાં કોમ્યુટર નું બેકસ્પેસ નું બટન દબાવી બધું ડીલીટ કરી દેતો.આવું તો ચાલતું જ રહે કેમકે થોડું લખીને પછી સ્ટોરીનો આગળ નો પ્લોટ નક્કી કરીએ ત્યારે પહેલાનું લખેલું આગળની સ્ટોરી સાથે વ્યવસ્થિત રીતે સંલગ્ન ના થતું હોય તો એને નવેસરથી લખવું પડે.અને કબીર માટે તો આ બુક પરફેક્ટ લખવાની કોશિશ ચાલુ હતી કેમકે હવે આ બુક માટે એવોર્ડથી ઓછું કંઈ ખપે એવું નહોતું.

આખરે કબીરને થોડો કંટાળો આવવા લાગ્યો એટલે એને આગળ લખવું ઉચિત ના સમજ્યું અને લેપટોપ ને બંધ કર્યું અને નીચે રસોડામાં આવ્યો.કબીરે નીચે આવી પોતાનાં માટે કોફી બનાવી અને કોફીનો મગ ભરીને પાછો પોતાનાં રૂમમાં આવ્યો..શીલાની બહુ યાદ આવી રહી હતી પણ મોબાઈલ નું નેટવર્ક ઉપલબ્ધ નહોતું અને વધારામાં 12 વાગવા આવ્યાં હતાં એટલે કબીરે શીલાને લેન્ડલાઈન પરથી પણ કોલ કરવાનો વિચાર પડતો મુક્યો.

કોફી પીધાં બાદ કબીરે કોફીનો મગ ટેબલ પર મુક્યો અને પછી પથારીમાં લંબાવ્યું..કોઈ કામ કરવાનું ધારતાં હોઈએ ત્યારે ઊંઘ આવ્યાં પહેલાં એનાં જ વિચારો આવે એ મુજબ કબીરને પણ અત્યારે પોતાની નવી નોવેલ માટેની સ્ટોરીનાં પ્લોટનાં વિચારો આવી રહયાં હતાં.આજ વિચારોમાં કબીરને ક્યારે નીંદર આવી ગઈ એની એને ખબર જ ના પડી.

અચાનક રાતનાં અઢી વાગ્યાં અને ગઈકાલની માફક જ કબીર નાં કાને કંઈક અવાજ આવ્યો..પહેલાં તો કબીર ગાઢ ઊંઘમાં હોવાથી કબીરે એ તરફ વધુ ધ્યાન ના આપ્યું પણ ધીરે-ધીરે આ અવાજ કોઈનાં પગરવમાં તબદીલ થઈ ગયો હોય એવું લાગતાં કબીર ઝબકીને જાગી ગયો..અવાજ ક્યાંથી આવી રહ્યો હતો એનો ક્યાસ લગાવવાની કોશિશ કબીરે કરી જોઈ પણ એ વિશેનો ક્યાસ લગાવવામાં કબીર સફળ ના થયો.

એકાએક કબીરને ઘરની પાછળનાં ભાગમાં કોઈ દોડતું હોય એવો અવાજ કાને પડ્યો.કબીરે તાત્કાલિક પોતાની સેફટી રિવોલ્વર ને બહાર નીકાળી અને વુડહાઉસ ની પાછળ તરફ ખુલતી બારી ખોલીને ત્યાં રહેલ ઝાડી-ઝાંખરા તરફ નજર કરીને જોયું પણ એને ત્યાં કોઈ નજરે ના ચડ્યું.

"કોણ છે ત્યાં..જે હોય એ બહાર આવો.."કબીરે રિવોલ્વર એ તરફ તાકીને કહ્યું.રિવોલ્વર જોઈને જે કોઈપણ ત્યાં મોજુદ હશે એ ડરી જશે એ ઉદ્દેશથી કબીરે બારીમાંથી રિવોલ્વર ને બહાર કાઢી.

કબીરે પોતાની વાત ત્રણ-ચાર વાર ઉચ્ચારી જોઈ પણ સામે કોઈ પ્રતિભાવ ના મળતાં કબીરે ઘરની બધી બારીઓ અને બારણાં વ્યવસ્થિત ચેક કર્યાં અને પુનઃ પોતાનાં રૂમમાં આવ્યો.સળંગ બીજે દિવસે પોતાને સંભળાયેલો અવાજ પોતાનો કોઈ ભાસ હતો કે પછી સાચેમાં આ વુડહાઉસ ની ફરતે કોઈ ચક્કર લગાવી રહ્યું હતું..આવી કેટલીક શંકા-કુશંકાઓ સેવતો કબીર સુઈ ગયો.કબીરે પોતાની લોડ કરેલી રિવોલ્વર આ દરમિયાન પોતાનાં તકિયા નીચે છુપાવી રાખી હતી..!!

★★★★★

વધુ આવતાં અંકમાં.

કબીર ની જીંદગી જોડે જોડાયેલ સચ્ચાઈ અને શિવગઢમાં શું થવાનું હતું એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.

જો તમે રેટિંગ ઓછું આપો તો એનો કોઈ વાંધો મને નથી પણ જોડે જોડે એમ કરવા પાછળનું કારણ લખો તો હું આગળ જઈને વધુ સારું લખવાનો પ્રયત્ન કરી શકું.અમુક વાંચકો સતત બધી નોવેલ વાંચ્યા બાદ પણ બીજાં વાંચકોથી વિપરીત ઉતરતી કક્ષાનું રેટિંગ આપે ત્યારે મનોબળ ને ધક્કો જરૂર લાગે છે..છતાં એમનો પણ આભાર કેમકે એ લોકો વાંચે તો છે.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ