ભેદી ટાપુ
ત્યજાયેલો
ખંડ બીજો
(20)
વહાણ દેખાયું
પેનક્રોફ્ટની આગાહી પ્રમાણે પવનનું તોફાન ઉપડ્યું. પવનની ગતિ કલાકે ચાલીસથી પિસ્તાલીસ માઈલ હતી. ખુલ્લા સમુદ્રમાં વહાણ આવા પવનના ઝપાટાથી હાલક-ડોલક થવા માંડે. સવારે છ વાગ્યે વહાણ અખાત પાસે પહોંચી ગયું હતું. પણ ભરતી હોવાથી અખાતમાં પ્રવેશવું મુશ્કેલ હતું.
સદ્દભાગ્યે પવન જોરદાર હતો. પણ જમીનની ઓથ હોવાથી પડતી ન હતી. સમુદ્રનાં મોટાં મોટાં મોજાંઓ તેના તૂતક ઉપર જોરથી અથડાતાં હતા. રાત્રિ દરમિયાન, હાર્ડિંગ અને સ્પિલેટને વધારે વાતચીત કરવાનો મોકો મળ્યો ન હતો; પણ ઈજનેરે કાનમાં જે કહ્યું એટલાથી સ્પિલેટને ઘણો બધો ખ્યાલ આવી ગયો હતો. આ ટાપુના ભેદભરયુક્ત વાતાવરણ વિષે એ મનમાં વિચારતો હતો.
સ્પિલેટના મનમાં આ રહસ્ય ઘટના ધોળાયા કરતી હતી. ટાપુ ઉપર તાપણું દેખાયું હતું એ ચોક્કસ! પોતે, હર્બર્ટે અને ખલાસીએ ત્રણેય જણાએ સગી આંખે એ જોયું હતું. અંધારી રીતા એ તાપણાએ દીવાદાંડીનું કામ આપ્યું હતું; અને ઈજનેરે જ એ તાપણું સળગાવ્યું એમ તેઓ એ વખતે માનતા હતા, અને ઈજનેર પોતે તાપણું સળગાવ્યાની સ્પષ્ટ ના પાડે છે.
સ્પિલેટે મનમાં સંકલ્પ કર્યો કે આ સફરમાંથી પાછા ફર્યાં પછી કપ્તાન હાર્ડિંગને વિનંતી કરવી કે આ વિચિત્ર ઘટનાઓથી બધા સાથીદારો વાકેફ કરવા. એથી કદાચ આખા ટાપુની ઝીણવટભરી તપાસ કરવાનું નક્કી થઈ શકે.
એ ગમે તે હોય, આજની રાતે આ અજાણ્યા કિનારા પર કોઈએ તાપણું સળગાવ્યું નહીં; અને વહાણને આખી રાત અખાતની બહાર ઊભા રહેવું પડ્યું.
જ્યારે પશ્વિમ ક્ષિતિજમાં સૂર્યનું પહેલું કિરણ દેખાતું ત્યારે પેનક્રોફ્ટ ખૂબ સહેલાઈથી અખાતમાં લઈ જઈ શક્યો. સવારે સાત વાગ્યે આનંદથી પાણી પર રમતું હતું. ખલાસીએ હાર્ડિંગને કહ્યું.
“આ અખાતમાં વહાણનો આખો કાફલો સહેલાઈથી રહી શકે એમ છે.”
“હા,” કપ્તાને જવાબ આપ્યો; “ગમે તેવા તોફાનમાં કોઈ વહાણને અહીં જરાય આંચ આવે એમ નથી. સમુદ્ર અહીં સરોવરના પાણી જેવા શાંત છે.”
“આપણે વહાણને આખું વરસ અહીં રાખીએ તો એ જરાય હલ્યાચાલ્યા વિના પડ્યું રહે.” ખલાસીએ કહ્યું.
“આ નાના વહાણ માટે અખાત જરા મોટો પડે!” સ્પિલેટ કહ્યું.
“હા, એ ખરું!” ખલાસીએ જવાબ આપ્યો; “પણ અમેરિકાના નૌકાકાફલાને અખાત ઉપયોગી બને એવો છે!”
“આ અખાતની ઊંડાઈ કેટલી હશે?” ઈજનેરે ખલાસીને પૂછ્યું.
“એ શોધી કાઢવું અઘરું નથી.” ખલાસીએ જવાબ આપ્યો.
ખલાસીએ એક લાંબી દોરીને છેડે લોઢાનો ટુકકો બાંધ્યો. 300 ફૂટની દોરીનું ગૂંટળું છોડ્યું, પણ તળિયા સુધી ન પહોંચ્યું. હર્બર્ટનું માનવું હતું કે ત્રણસો ફૂટ તો શું, એથી પાંચ કે છ ગણી લાંબી દોરી હોત તો પણ અખાતનું તળિયું ન આવત!
પેનક્રોફ્ટે ચારે તરફ જોયું. પ્રવાસીઓ વહાણમાંથી કાંઠે ઊતરી શકે એવી જગ્યા જ ક્યાંય ન હતી.
બપોરે બે વાગ્યે અખાતમાંથી બહાર નીકળ્યા, અહીંથી મર્સી નદીનું મુખ આઠ માઈલ દૂર હતું. વહાણને ગ્રેનાઈટ તરફ હંકાર્યું. પવન અનુકૂળ હતો. વહાણ કાંઠે કાંઠે ઝડપથી ચાલવા લાગ્યું. આ કિનારે એક બખોલમાંથી ઈજનેર મળી આવ્યો હતો.
સાંજે પાંચ વાગ્યે વહાણ મર્સી નદીના મુખમાં લાંગર્યું.
પાંચેય જણા ત્રણ દિવસથી ગેરહાજર હતા, આયર્ટન કિનારે તેની રાહ જોતો ઊભો હતો. જપ પણ આનંદપૂર્વક તેમને મળવા આવ્યો. તે ખુશી પ્રગટ કરવા ઓછાં ઘૂરકિયાં કરતો હતો.
હવે આખા બેટની પ્રદક્ષિણા થઈ ગઈ હતી. સમગ્ર કિનારે કંઈ શંકાસ્પદ દેખાયું ન હતું. જો કંઈ હોય તો તે માત્ર સર્પદ્વીપકલ્પના ગાઢ જંગલોમાં હોઈ શકે. માત્ર એ ભાગ તપાસવો બાકી રહ્યો હતો.
સ્પિલેટે ઈજનરે સાથે ચર્ચા કરી, અને એવું નક્કી થયું કે, તેમણે પોતાના સાથીદારોનું આ ટાપુ ઉપર બનતી વિચિત્ર ઘટનાઓ તરફ ધ્યાન દોરવું. પરિણામે થોડા દિવસ પછી, 25મી એપ્રિલે સાંજે બધા ઉચ્ચપ્રદેશના મેદાનમાં બેઠા હતા ત્યારે હાર્ડિંગે પોતાના સાથીદારોને કહ્યું....
“મિત્રો, આ ટાપુ પર બનતી કેટલીક ઘટનાઓ તરફ તમારું ધ્યાન ખેંચું છું. અને તમારી સલાહ માગું છું. આ ઘટનાઓ અલૌકિક છે!”
“અલૌકિક!” ખલાસીએ પૂછ્યું. “આ ટાપુ અલૌકિક છે?”
“ના, પેનક્રોફ્ટ! પણ ભેદી તો છે જ! ઈજનેરે જવાબ આપ્યો.” “ઘણી ઘણી ઘટનાઓનો ખુલાસો મળતો નથી.”
“હં!” ખલાસીએ કહ્યું“ બોલો!”
“જુઓ!” ઈજનેર બોલ્યો.“ અત્યાર સુઘીની ઘટનાઓ તપાસો. હું સમુદ્રમાં પડ્યો પછી કિનારાથી એક માઈલ દૂર બખોલમાં શી રીતે આવ્યો હોઈશ? બખોલથી પાંચ માઈલ દૂર કૂતરાએ તમને શી રીતે શોધી કાઢ્યા હશે? ડ્યુગોંગને કોઆ ઘાયલ કર્યું, અને કૂતરાને સરોવરના પાણીની બહાર કોણ ફેંક્યો હશે? બંદૂકની ગોળી ભૂંડના બચ્ચાના પેટમાં ક્યાંથી આવી હશે? બે પીપ સાથે સામાનની ભરેલી પેટી કિનારાની રેતીમાં કઈ રીતે આવી? શીશામાં બંધ કરેલો પત્ર તરતો તરતો આપણા હાથમાં શી રીતે આવ્યો? આપણે હોડી મર્સી નદીના મૂળ પાસે બાંધી હતી, ત્યાંથી દોરડું તોડાવીને તે નદીના મુખ સુધી કેવી રીતે પહોંચી? વાંદાઓની ઘૂસણખોરી વખતે સીડી ગ્રેનાઈટ હાઉસમાંથી નીચે કોણે ફેંકી? અને છેલ્લે શીશામાં બંધ કરેલો પત્ર આયર્ટને લખ્યો નથી, તો કોણ લખ્યો હશ?”
સાયરસ હાર્ડિંગે જરા પણ ભૂલ્યા વિના આ બધી ઘટનાઓ ગણાવી હર્બર્ટ, નેબ અને પેનક્રોફ્ટ એકબીજા સામે જોઈ રહ્યા. તેમને કંઈ જવાબ આપવાનું સૂઝ્યું નહીં. બધા નવાઈ પામી ગયા.
“આ બધાનો ખુલાસો કરવો મુશ્કેલ છે.” ખલાસી બોલ્યો.
“આ ઉપરાંત એક છેલ્લી વાત આમાં ઊમેરવાની છે.”
હાર્ડિંગ આગળ બોલ્યો, “તમે ટેબોર ટાપુથી પાછા ફરતા હતા ત્યારે રાત્રે તમે ટેકરી ઉપર તાપણું જોયું હતું.?”
“ચોક્કસ.” ખલાસીએ જવાબ આપ્યો.
“સળગતા તાપણાને આપણે ન ઓળખીએ એવું બને?” સ્પિલેટે કહ્યું, “તાપણું ભડભડ બળતું હતુ.”
“હા, હા! બરાબર,” હર્બર્ટ બોલ્યો; “તાપણું ટેકરી ઉપર સળગતું હતું.”
“તો, જુઓ!” કપ્તાન હાર્ડિંગે જવાબ આપ્યો.“19મી ઓકટોબરની રાત્રે હું નેબ બહાર નીક્ળ્યા ન હતા, અને અમે કોઈ તાપણું સળગાવ્યું ન હતું.”
“તમે નહોતુ સળગાવ્યું!” પેનક્રોફ્ટની નવાઈ નો પાર ન હતો.
“તે રાત્રે ગ્રેનાઈટ હાઉસની બહાર નીકળ્યા જ ન હતા.”
હાર્ડિંગે જવાબ આપ્યો; “એ તાપણું અમે નહોતું સળગાવ્યું, પણ કોઈ બીજીએ જ સળગાવ્યું હતું!”
પેનક્રોફ્ટ, હર્બર્ટ અને નેબ અવાચક જેવા બની ગયા.
હા! તેમને સ્વીકાર્યા વિના છૂટકો જ ન હતો કે, અહીં કોઈ રહસ્યમય માનવી વસે છે. એ માનવી ખરે વખતે તેમની મદદે આવે છે. પણ એ કોણ છે તે જાણવું જરૂરી હતું. એ ક્યાંક સંતાઈને બેઠો છે. તેને શોધી કાઢવો જોઈએ.
હાર્ડિંગે ટોપના ભસવાની અને જપના ઘુરકાટની યાદ પણ આપી. આ બંને પ્રાણીઓનું કૂવાની આસપાસનું વર્તન શંકાને દૃઢ કરે એવું હતું. પોતે એકવાર કૂવામાં ઊતરી તપાસ કરી હતી, એ વાત પણ તેણે બધાને જણાવી. આ ચર્ચાને અંતે એવું નક્કી થયું કે, સારી અનુકૂળ ઋતુ આવે ત્યારે એક વખત આખા ટોપની પૂરેપૂરી શોધખોળ કરી લેવી.
ખલાસી અને નેબ નવરા પડે ત્યારે આ જ વિષયની ચર્ચા કરતા. લીંકન ટાપુમાં કોઈ અલૌકિક તત્વનો વાસ છે એમ તેઓ બંને માનવા લાગ્યા.
દરમિયાન ખરાબલ ઋતુ શરૂ થઈ. મે મહિનાથી શિયાળાનો પ્રારંભ થયો. અહીંનો મે માસ તે ઉત્તર ગોળાર્ધના નવેમ્બર માસ જેવો હોય છે. આ વખતે શિયાળામાં કડકડતી ઠંડી પડશે એવું લાગતું હતું. આથી શિયાળાનો સામનો કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ.
ગમે તેવો આકરો શિયાળો આવે, તેમને મુશ્કેલી પડે એવું નહોતું. તેમની પાસે પુષ્કળ ગરમ કપડાં હતાં. આયર્ટનને પણ એ ગરમ કપડાં આપ્યાં હતા. શિયાળા દરમિયાન ગ્રેનાઈટ હાઉસમાં રહેવાનું હાર્ડિંગે તેને આમંત્રણ આપ્યું હતું. અને આયર્ટને તે સ્વીકારી લીધું હતું.
એપ્રિલના મધ્યભાગમાં તે ગ્રેનાઈટ હાઉસમાં રહેવા આવી ગયો હતો. એ બધાની સાથે ભળતો, બધાને ખૂબ ઉપયોગી થતો, પણ આમ છતાં તે હજી ઉદાસ રહેતો હતો. તે પોતાના સાથીઓના આનંદમાં ક્યારેય ભાગ લેતો ન હતો.
ત્રીજો શિયાળો મોટે ભાગે તેમણે ગ્રેનાઈટ હાઉસમાં ગાળ્યો. મોટાં તોફાનો અને વાવાઝોડાં થયાં. કોઈવાર તો ગ્રેનાઈટ હાઉસના ખડકો હચમચવા લાગતા હતા. ડુંગર જેવડાં મોજાંઓ લીંકન ટાપુને ગળી જશે એવું લાગતું હતું. આ વખતે કિનારે જો કોઈ વહામ લાંગરેલું હોય તો તેના ભૂક્કા બોલી જાય! બે વખત મર્સી નદીમાં એટલું પાણી ચડ્યું કે તેના ઉપર બાંધેલા પુલ તણાઈ જશે એવી બીક લાગી.
આવાં ભયાનક તોફાનોને કારણે ખેતર, પવનચક્કી, મરઘાંઉછેર કેન્દ્ર, પશુશાળા- -બધાને વત્તેઓછે અંશે નુકસાન થયું હતું. આથી વચ્ચે વચ્ચે સમારકામ કરવું પડતું હતું. આવા ખરાબ હવામાનમાં જેગુઆર અને બીજાં હિંસક પ્રાણીઓ પશુશાળા સુધી ચડી આવતાં હતા. નદી ઉપર બરફ જામી ગયો હોવાથી અંદર પ્રવેશવું સહેલું પડતું હતું. આવે પ્રસંગે બંદૂકો, વગેરેથી એનો સામનો કરવાની ફરજ પડતી હતી.
આ રીતે જૂન, જૂલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર-એ શિયાળાના ચાર મહિના પસાર થઈ ગયા. એકંદરે ખરાબ હવામાનને કારણે ગ્રેનાઈટ હાઉસને બહુ સહન કરવું પડ્યું નહોતું. ખેતરને અને પશુશાળાને થતા નુકસાનનું આયર્ટન ઝડપથી સમારકામ કરી લેતો હતો.
આ શિયાળા દરમિયાન ખાસ કોઈ વિચિત્ર ઘટનાઓ બની ન હતી. ટોપ કૂવાની આજુબાજુ ભસતો ન હતો. જપ પણ જરાય અસ્વસ્થ બનતો ન હતો. એના ઉપરથી લાગતું હતું કે અલૌકિક ઘટનાઓનો ક્રમ તૂટ્યો હતો. ગ્રેનાઈટ હાઉસમાં ઘણી વાર રહસ્યમય ઘટનાઓ અંગે ચર્ચા થતી હતી.
પણ એક અતિ મહત્વની ઘટના બની, જેણે બધાનું ધ્યાન એ બાજુ વાળી દીધું. એ ઘટનાનાં પરિણામો ખતરનાક આવી શકે એમ હતાં. આથી બધાનું ધ્યાન એ ઘટના ઉપર કેન્દ્રિત થયું.
એ વખતે ઓકટોબર મહિનો હતો. હવામાન સુંદર બનતું જતું હતું. વૃક્ષો ઉપર નવાં પાન ફૂટતાં હતાં.
17મી ઓકટોબરે, બપોરે ત્રણ વાગ્યે હર્બર્ટે એક દૃશ્ય ઝડપી લેવા ગ્રેનાઈટ હાઉસની બારીમાં કેમેરાને ગોઠવ્યો હતો. તેનો ઈરાદો સમુદ્રનું દૃશ્ય લેવાનો હતો. ફોટો લઈને હર્બર્ટ નેગેટીવ ધોવા ગ્રેનાઈટ હાઉસના એક અંધારા ખૂણામાં ગયો. પ્રકાશમાં આવીને જોયું તો નેગેટીવમાં ક્ષિતિજ ઉપર એક માંડ દેખાય એવું કાળું ધાબું નજરે પડ્યું. તેણે ફરીવાર નેગેટીવ ધોઈ છતાં ધાબું ગયું નહીં.
તેણે સૂક્ષ્મદર્શક કાચ દ્વારા એ ધાબાનું નિરીક્ષણ કર્યું. તેના હાથમાંથી કાચ પડી ગયો. તેના મુખમાંથી ચીસ નીકળી ગઈ.
તરત જ તે હાર્ડિંગના ઓરડામાં દોડ્યો; તેના હાથમાં નેગેટીવ અને સૂક્ષ્મદર્શક કાચ આપ્યાં, અને કાળા ધાબા પ્રત્યે તેનું ધ્યાન દોર્યું.
હાર્ડિંગે નેગેટીવનું ઝીણવટથી નિરીક્ષણ કર્યું. પછી દૂરબીન લઈને તે એકદમ બારી પાસે ગયો. તેણે દૂરબીન માંડીને ક્ષિતિજમાં જોવા માંડ્યું. દૂરબીન ફરતું ફરતું એક જગ્યાએ કેન્દ્રિત થયું. પછી સાયરસ હાર્ડિંગે દૂરબીન નીચે નમાવીને, એક જ શબ્દ ઉચ્ચાર્યો...
“વહાણ!”
અને હકીકતમાં લીંકન ટાપુથી દૂર દૂર એક વહાણ નજરે પડતું હતું.
(ખંડ બીજો સમાપ્ત)
***