નો રીટર્ન-૨
ભાગ-૭૩
જોશ થંભ્યો એ સાથે જ તેનાં માથાનાં પાછળનાં ભાગે કોઇ વજનદાર ચીજ આવીને અથડાઇ. જોશનાં ગળામાંથી ચીખ ફાટી પડી. કોઇ બોટડ પદાર્થ તેનાં માથામાં વાગ્યો હતો અને તેને તમ્મર આવી ગયાં હતાં. અનાયાસે જ તેનો હાથ પાછળ ગયો અને તેની આંગળીનાં ટેરવે કશુંક ભીનું અનુભવાયું. ચોક્કસ એ તેનું લોહી હતું. એ બટકો જોશ હજું કંઇ સમજે એ પહેલાં તે હવામાં ઉચકાયો અને પછી કોઇનાં ખભે લટકી પડયો. એક ઉંચા પાતળા આદીવાસીએ જોડને ઉંચકયો હતો અને પોતાની સાથે લઇ જવાં ખભા ઉપર નાંખ્યો હતો. એવું કરવામાં જોશનાં માથીમાંથી વહેતું લોહીનાં થોડો છાંટા કાર્લોસનાં ચહેરા ઉપર પણ ઉડયાં હતા.
કાર્લોસે જોયું તો કોઇ વ્યક્તિ જોશને ઉઠાવીને જંગલ ભણી દોડવા લાગ્યો હતો. તે ઉભો થઇને તેનો પ્રતિકાર કરવાં માંગતો હતો પરંતુ તુરંત ખ્યાલ આવ્યો કે તેની આજુબાજું ઘણાં આદીવાસીઓ એકઠા થઇ ગયાં છે એટલે તે એમ જ ખામોશ પડયો રહયો. એ આદીવાસીઓએ કાર્લોસને ધ્યાન પૂર્વક નિહાળ્યો. કાર્લોસનાં લોહીયાળ ચહેરાને જોઇને એમને લાગ્યું કે એ મરી ચૂકયો છે. ઉપરાંત તેનાં ખભામાં હજું પણ પેલો ભાલો ખૂંપેલો હતો એટલે શક પાકો થતાં તેઓ કાર્લોસને છોડીને ફરીથી જંગલનાં ઉંડાણમાં ચાલ્યાં ગયા.
એ લોકો ગયાં કે તુરંત કાર્લોસ ઉભો થયો અને કેમ્પમાં હવે કોણ બચ્યું છે એ જોવા કેમ્પ ભણી દોડયો હતો. એ અફરાતફરીમાં એ મારી સાથે ટકરાઇ પડયો હતો અને અમે બન્ને ભોંય ભેગા થયાં હતાં.
@@@@@@@@@@@@@
જેટલી ઝડપથી હલ્લો થયો હતો એટલી જ ઝડપથી ખતમ પણ થયો હતો. અમારા કેમ્પમાં તબાહી મચી ગઇ હતી. કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં અને કેટલાય લોકો મરાયા હતાં. સૌથી વધું ખતરનાક એ હતું કે તેઓ છોકરીઓને ઉઠાવી ગયાં હતાં. કાર્લોસ પાસે હથીયાર હોવા છતાં એ તેમનો સામનો કરી શકયો નહોતો. પોતાની એ નાલોશી ઉપર તેને ખુદને જ શરમ ઉપજતી હતી. એક ખૂંખાર માફીયા ડોનને મેં આ પહેલાં ક્યારેય આટલો નિઃસહાય જોયો નહોતો. તે વારેવારે માથું ધૂણાવતો હતો અને કંઇક બબડતો હતો.
મને પોતાને પણ બહાર આટલી બધી ભાગદોડ મચી હોવાં છતાં જાગી ન શકયો એ બદલ શરમ ઉપજતી હતી પણ હું એ કોને કહેવા જાઉં...! અને હવે શું કરવું એની પણ કશી ગતાગમ પડતી નહોતી. જોશ, અનેરી અને એના ને તેઓ ઉઠાવી ગયાં હતાં. ક્રેસ્ટો અને વિનીતનો કોઇ પત્તો નહોતો. કાર્લોસનો બાકી બચેલો એક માણસ મરાયો હતો અને અમારા ઘોડા હજું તેનાં ખીલે બંધાઇને હણહણતાં હતાં.
અનેરી વગર મારું જીવન નકામું હતું. મારું જીગર વલોવાતું હતું. એ અત્યારે કેવી પરિસ્થિતિમાં હશે અને આદીવાસીઓ તેની સાથે કેવું વર્તન કરશે એ વિચારતાં જ મારા જીસ્મમાં ધ્રૂજારી ઉદભવતી હતી. કોઇપણ ભોગે હું અનેરીને એ લોકોનાં હાથમાંથી છોડાવા માંગતો હતો. એ માટે ગમેએવું જોખમ ઉઠાવવા પણ હું તૈયાર હતો. અને એમાં સહેજે સમય બગાડવા માંગતો નહોતો. મેં તુરંત એક ફેસલો કર્યો.
“ કાર્લોસ.. હું એ છોકરીઓને બચાવા જાઉં છું. તું આવે છે સાથે..? “ કાર્લોસનાં ચહેરાને અંધકારમાં જ તાકતા મેં પુંછયું. મને ખબર હતી કે એના અને જોશ ને એ તરછોડશે નહી. એટલે એ પણ તૈયાર થયો. હું જાણતો હતો કે જો અમે ગફલતમાં રહ્યાં ન હોત અને પહેલેથી જ વિચારીને કોઇ વ્યવસ્થા ગોઠવી હોત તો આદીવાસીઓ તેમનાં મનસૂબામાં સફળ થયાં ન હોત. પણ અમે સાવ બેફીકર રહ્યાં હતાં જેનો ભરપૂર લાભ તેમને મળ્યો હતો. પણ હવે એવી ગફલત કરવાનો કોઇ પ્રશ્ન જ ઉદભવતો નહોતો.
કાર્લોસ પાસે તેની ગન હતી. મારી પાસે ડેલ્સોની રાઇફલ હતી જે તંબુમાં પડી હતી. હું દોડીને એ લઇ આવ્યો. એ દરમ્યાન કાર્લોસ પણ મેગેઝીનનું આખું પાઉચ ઉઠાવી લાવ્યો હતો. તેણે મારી સામું જોયું.. એ નજરમાં અગ્નિ સળગતી હું જોઇ શકતો હતો. સાથોસાથ યા હોમ કરીને ફતેહ કરવાનો લલકાર પણ ભળેલો હતો. મારા હદયમાં પણ એવી જ કંઇક લાગણીઓ ઉછાળા મારતી હતી. અને... અમે બન્ને જંગલ ભણી ચાલી નિકળ્યાં. ઘોર અંધકારમાં જોવા ટેવાઇ ચૂકેલી અમારી આંખોએ આદીવાસીઓનાં પગ ચીન્હને બરાબર પકડયા હતાં. એક અંદાજ હતો કે તેઓ હજું જાજે દૂર નહી પહોચ્યાં હોય. બને એટલી સાવચેતી વર્તતા અમે જંગલમાં ઘૂસ્યા પણ અહી રાહ આસાન નહોતી. એક તો અડધી રાતનું ઘોર અંધારૂં, ઉપરથી આકાશમાં ચંન્દ્ર પણ ઉગ્યો નહોતો એટલે અંધકાર બેવડાયો હતો. એક બીજો ડર પણ હતો કે ક્યાંક કોઇ નીસાચર પ્રાણીની અડફેટે ન ચડી જવાય. સંપૂર્ણ ખામોશી અને સતર્કતાથી અમે આગળ વધતાં ગયાં.
@@@@@@@@@@
કશેક સળવળાટ થયો અને હું ચોંકયો. ક્યાંક કોઇ જાનવર અમારી આસપાસ હતું. “ શીશશશશ્........ “ સીસકારો કરી મેં કાર્લોસને અવાજની દીશામાં ઇશારો કર્યો. કાર્લોસે તેની ગન સાબદી કરી. થોડા નીચા નમીને સાવચેતી પૂર્વક અવાજ શેનો હતો એ જાણવા હું એક ડગલું આગળ વધ્યો. આગળ સહેજે દેખાતું નહોતું. જંગલ એટલું ગીચ હતું કે દસ ફૂટ દૂર શું છે એ જાણવું પણ અશક્ય હતું. એવામાં જો કોઇ જાનવર અચાનક અમારી ઉપર હુમલો કરી દે તો અમારૂં બચવું મુશ્કેલ થઇ પડે.
એ સળવળાહટનો અવાજ ફરીથી સંભળાયો. આ વખતે અવાજ એકદમ નજીક થયો હતો. મારી રાઇફલ એ દીશામાં તણાઇ અને આંખો ખેંચીને હું સતર્ક થયો. કાર્લોસ મારાથી થોડે દૂર ઉભો હતો. એની પિસ્તોલની નળી પણ આ તરફ જ તકાયેલી હતી. અમે બન્ને ફાયર કરવા એકદમ તૈયાર હતાં.
અને... અચાનક એક વિશાળકાય જાનવર અમારી સામે આવીને ખડું થઇ ગયું. “ સબૂર... ડોન્ટ શૂટ.... “ જાનવરનાં મોઢામાંથી અવાજ નિકળ્યો.
“ ઓહ ગોડ ક્રેસ્ટો.... હમણાં ગોળી છૂટી જાત...! “ હું મારા શ્વાસોશ્વાસ નિયંત્રીત કરતાં બોલ્યો. એ ક્રેસ્ટો હતો જે કોણજાણે ક્યાંથી એકાએક અમારી સમક્ષ પ્રગટ થયો હતો. મને જબરી તાજ્જૂબી થઇ કે આ ક્યાંથી ટપકી પડયો..! જો સહેજ ચૂક થઇ હોત કે ગભરાહટથી રાઇફલનું ટ્રીગર દબાઇ ગયું હોત તો ક્રેસ્ટોનાં રામ રમી ગયાં હોત. તેણે અચાનક જ પ્રગટ થઇને અમને ચોંકાવી નાંખ્યાં હતાં.
“ તું ક્યાં ગયો હતો...? “ કાર્લોસે નજીક આવતાં પુંછયું.
“ બોસ...! મેં એ લોકોનો પીછો પકડયો હતો. એ લોકો જંગલમાં ભાગી ગયા એટલે હું પણ તેમની પાછળ દોડયો હતો અને હાથમાં આવ્યાં એટલાંને વિણી-વિણીને સાફ કરી નાંખ્યાં. “ ક્રેસ્ટો જાણે ગાજર- મૂળા સૂધારીને આવ્યો હોય એમ બોલતો હતો. પણ મને બીજો વિચાર આવ્યો હતો.
“ તું જાણે છે એ લોકો કઇ તરફ ગયાં...? “ મેં પુંછયું. ક્રેસ્ટોએ જો એનો પીછો કર્યો હોય તો એ જાણતો જ હોવો જોઇએ એમાં બેમત નહોતો.
“ અહીંથી આગળ.... સામેની દીશામાં સીધા ભાગ્યાં છે જંગલીઓ.. “ ક્રેસ્ટોએ દક્ષીણ દીશા તરફ આંગળી ચીંધી.
“ ચાલ... “ કાર્લોસે તુરંત આદેશ આપ્યો.
“ પણ...! એક આદમી હજું છે. એને સાથે લેવો પડશે...” ખચકાતા સ્વરે એ બોલ્યો.
“ એક આદમી છે એટલે...? તું કોની વાત કરે છે..? “ અમને બન્નેને આશ્વર્ય ઉદભવ્યું હતું.
“ પેલી છોકરી સાથે હતોને... એ યુવાન..” ક્રેસ્ટો કદાચ તેનું નામ નહોતો જાણતો.
“ છોકરી સાથે...? કઇ છોકરી...? “ મને ધ્રાસ્કો પડયો.
“ અરે તારી સાથે આવી હતી એ છોકરી મેન. ”
“ વિનીત...!! “ ભારે આશ્વર્યનો ઝટકો લાગ્યો મને. વિનીત અને ક્રેસ્ટો સાથે હોઇ શકે એવું તો સ્વપ્નેય કોઇ વિચારી ન શકે.
“ હાં... એ જ... ! “
“ શું થયું છે એને...? ક્યાં છે એ...? અહી કેમ ન આવ્યો...? “ એકસાથે કેટલાય સવાલો મેં પુછીં નાંખ્યાં. મારી ઉત્કંષ્ઠા તેની ચરમસીમાએ હતી.
( ક્રમશઃ )
મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.
બની શકે તો કોમેન્ટ પણ કરજો.
પ્રવિણ પીઠડીયા.