મનોજભાઈ ની મુસાફરી....
મનોજભાઈ માસ્તર આજે વાસી ઉત્તરાયણ કરી ને સ્કૂલે થી ફટાફટ નીકળ્યા. બસ મળશે કે નહીં એ નક્કી નોહતું એટલે ગુજરાત એસ ટી નું એડવાન્સ બુકીંગ કરાવ્યું નોહતું. બીજા દિવસે નજીક ના સગા માં લગ્ન હતા અને છતાં એક દિવસ ભરવા માટે પણ એમને છેક મહીસાગર થી અમરેલી આવવું પડ્યું એ વાત નો રંજ હતો. ઉતાવળે સ્કૂલ માંથી નીકળ્યા અને એ વખતે ગરમી હોવાથી જેકેટ ઉતારી ને રૂમ માં મૂકેલું એ બિચારું ત્યાંજ પડ્યું રહ્યું એ વાત નો ખ્યાલ છેક બસ ઉપડ્યા ના અડધા કલાક પછી આવ્યો. દાહોદ તરફ જતી બસ હોય એટલે એમા બેસવા માટે જગ્યા મળે એય નસીબ કહેવાય. બાકી બીજા રૂટ ની બસો માં 52 સીટ માં માત્ર વિસ પચીસ મુસાફર હોય અને દાહોદ બાજુ ના રૂટ હોય ત્યાં પંદર મુસાફર તો ડ્રાઇવર ના કેબીન માં હોય. પરંતુ ધારી ઉપાડવાનું જ સ્ટેશન હોઈ મનોજભાઈ ને જગ્યા મળી ગઈ. બસ ઉપડી ત્યાં સુધી માં ઠીક ઠાક ભરાઈ ગઈ હતી. કલાક એક વીત્યો ત્યાં બસ અમરેલી પોહચી, અને બીજા મુસાફરો પણ બસ માં ચઢવા લાગ્યા. દાહોદ ની બસ ની એક ખાસિયત એ પણ હોય કે મુસાફરો જરૂરિયાત ની તમામ વસ્તુઓ સાથે રાખી મુસાફરી કરતા હોય. એટલે મોટા મોટા પોટલાં વિથ માણસો અથવા માણસો વિથ પોટલાં. કંડકટર પણ કન્ફ્યુઝ થઈ જાય કે ટિકિટ કેટલી આપુ. છતાં પણ દાહોદ બાજુ ના મુસાફરો ની એડજસ્ટ થવાની રીત જ એટલી જોરદાર કે ગમે એટલી ભીડ હોય તોયે એડજસ્ટ થઈ જાય. અને ટેસ થી ઊંઘે પણ ખરા. મનોજભાઈ ત્રણ ની સીટ પર કોર્નર પર બેઠા હતા ને વિન્ડો સીટ પર એક બેન એના દોઢેક વર્ષ ના બાળક ને લઈ ને બેઠા હતા. વચ્ચે હજી પણ એક સીટ ખાલી હતી. મનોજભાઈ ને લગભગ 400 કિમિ જેટલી મુસાફરી કરવાની હોઈ એ નોહતા ઇચ્છતા કે કોઈ "સોમરસ" ધારણ કરેલી વ્યક્તિ એમની પાસે આવી બેસે એટલે એક બે લોકો એ પૂછ્યું કે અહીંયા કોઈ આવે છે ? તો તરત મનોજભાઈ કહેતા કે " રિઝર્વેશન છે" અને પેલા ભાઈ પાછળ જતા રહ્યા. હવે ઢસા થી ઉપડી ને બસ ગઢડા ડેપો માં પ્રવેશી ત્યાં રીતસર દરવાજા પર હલ્લાબોલ થયો, ને લોકો બસ માં બેસવા ધક્કામુક્કી કરી રહ્યા હતા. લોકો એકબીજા ના સામાન પર પોટલાં પર પગ મૂકી મૂકી ને પોતાની મંજીલ (સીટ) શોધતા આગળ વધી રહ્યા હતા. ને દરવાજા માંથી એક ભાઈ એ બૂમ પાડી " એ વિપુલ પાસળ જા! પાસળ જગ્યા હે" અને મનોજભાઈ એ જોયું તો એક છોકરો ધક્કાથી જ સહેજ પણ પોતાની તાકાત વાપર્યા વીના એમની બાજુ આવી રહ્યો હતો.
મનોજભાઈ એ તરત જ કહ્યું એ વિપુલ અહીંયા આવી જા અહીંયા જગ્યા છે, વિપુલ આશ્ચર્ય થી મનોજભાઈ સામુ જોઈ રહ્યો આ ભાઈ મને કેમના ઓળખતા હશે? જે હોય તે પણ વિપુલ મનોજભાઈ ની સીટ પર વચ્ચે ગોઠવાઈ ગયો. ને વિપુલ ના પપ્પા છેલ્લે બાલ્કની માં કોઈક ના પોટલાં પર ગોઠવાઈ ગયા. મનોજભાઈ ને વિપુલ વિદ્યાર્થી જેવો લાગ્યો એટલે એમણે હવે એમનો ટાઈમપાસ કરવા વિપુલ સાથે વાતચીત શરૂ કરી.
"તને થતું હશે ને કે આ ભાઈ ને મારૂ નામ ક્યાંથી ખબર?" દરવાજા માં તારા પપ્પા બુમ પાડતા મેં સાંભળ્યું હતું, કેટલામું ભણે છે? અને જવાબ માં વિપુલે કહ્યું નવમું, સરકારી માં કે પ્રાઈવેટ માં ભણવા જાય છે? ત્યાંજ કંડકટર આવ્યો અને વિપુલ ના પપ્પા એ કહ્યું દોઢ બાલાસિનોર આપજો, એટલે મનોજભાઈ ચૂપ રહ્યા અને વિપુલ ને કહ્યું હમણાં તારી સ્કૂલ ની વાત ન કરતો નહીતો તારા પપ્પા ને આખી ટિકિટ લેવી પડશે. કંડકટર બુકીંગ પુરૂ કરીને એની સિંગલ સીટ તરફ ગયો ને હવે મનોજભાઈ એ વિપુલ સાથે નો વાર્તાલાપ આગળ વધાર્યો. મોબાઈલ માં ફેસબુક જોતા જોતા મનોજભાઈ એ સમાચાર જોયા અમેરિકા માં શટર ડાઉન સરકારી કર્મચારીઓ ને પગાર પણ બંધ ને અસ્થાયી મુદતે નોકરી પણ બંધ. એ સમાચાર બતાવતા વિપુલ ને કહ્યું આ વાંચ તો! મને ખબર તો પડે કે નવમા ધોરણ માં ભણતા વિદ્યાર્થી ને કેટલું વાંચતા આવડે છે? અને વિપુલે તુટીફૂટી ગુજરાતી માં એક બે વાક્ય વાંચ્યા.
એટલે મનોજભાઈ બોલ્યા જો વિપુલ હું પ્રાથમિક શાળા માં શિક્ષક છું, "લાગતું નથી ને?"
પણ છું. જો આ મારી સ્કૂલ ના ફોટા. આજે અમે પતંગોત્સવ ઉજવ્યો. આમ મનોજભાઈ વિપુલ ને મોબાઈલ ના ફોટા બતાવતા હતા. ત્યાં નવી વાદળી કલર ની 100 રૂ ની નોટ સાથે મનોજભાઈ ની સેલ્ફી હતી. મનોજભાઈ એ વિપુલ ને કહ્યું જો આ આપડા મોદી સાહેબે નવી 100 ની નોટ લોન્ચ કરી તે જોઈ છે? આ નોટ ની પાછળ રાણકી વાવ છે જે આપડા ગુજરાત નું ગૌરવ છે. પછી મનોજભાઈ એ એમનું ચલણી જ્ઞાન વિપુલ ને પીરસવાનું શરૂ કર્યું. જો 10 રૂ ની નવી નોટ ની પાછળ કોણાર્ક નું સૂર્યમંદિર છે, 50 ની નવી નોટ પાછળ હમ્પી છે. આ હમ્પી ક્યાં આવ્યું ખબર? વિપુલ જોઈ જ રહ્યો એટલે મનોજભાઈ એ કહ્યું તામિલનાડુ રાજય માં હમ્પી આવ્યું, પછી જો 200 ની નોટ પાછળ સાચી નો સ્તૂપ જે મધ્યપ્રદેશ માં આવ્યો 500 ની નોટ પાછળ દિલ્લી નો લાલ કિલ્લો અને 2000 ની નોટ પાછળ મંગલયાન આમ મનોજભાઈ એ પોતાના પાકિટ માંથી બધી ચલણી નોટો કાઢી વિપુલ ને પરિચય કરાવ્યો. અને કહ્યું દરેક જગ્યાએ નોલેજ મળતું રહે છે, પછી એ લગ્ન પ્રસંગ હોય કોઈ જાહેર સભા હોય કે પછી બસ ની મુસાફરી. આપણ ને બધે જ કંઈક ને કંઈક જાણવા મળતું હોય છે. આપડે એ માહિતી મેળવતી રહેવી જોઈએ જે ભવિષ્ય માં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં કામ લાગે. હું કોલેજ કરતો ત્યારે કોલેજ થી છૂટી ને બસસ્ટેન્ડ પર આવું ત્યારે બધી બસો ના બોર્ડ વાંચતો અને પછી સર્ચ કરતો કે આ ગામ કે આ શહેર ક્યાં આવ્યું? આજે મને મોટાભાગ ના ગામડા ના તાલુકા જિલ્લા ખબર છે બોલ. આ એસ ટી બસ માં ય ઘણું શીખવા મળે. જો આપણી બસ માં 6 થી 10 નંબર સ્ત્રીઓ માટે એવું લખ્યું છે પણ ત્યાં કોઈ સ્ત્રી બેઠેલી છે? ધક્કા મારી બસ માં ચઢો અને જ્યાં જગ્યા મળે ત્યાં બેસે આપડે હજી એટલા પાછળ છીએ.... જ્યારે જાપાન માં ટ્રેન આવે ત્યારે એના ડબ્બા આગળ બધા લાઈનસર ઉભા હોય. આપડી બસો માં બે સીટ ધારાસભ્ય માટે છે એના પર રોજ નવા નવા ધારાસભ્યો બેસે કારણ કે આપડા હાચા ધારાસભ્યો તો ધારાસભ્ય થયા પછી બસ તો જોતા જ નથી. પણ અહીંયા મહત્વ ની એક બીજી વાત છે આપડી બસો માં 1 અને 2 નંબર સ્વાતંત્ર્ય સેનાની માટે હોય તને ખબર છે? હવે આ 2019 ચાલે છે અને 1947 માં આપણો દેશ આઝાદ થયો. હજી કોઈ સ્વાતંત્ર્ય સેનાની જીવિત હોય ખરૂં?
પણ તોયે એમના માટે સીટ તો હોયજ. કહેતા કહેતા મનોજભાઈ અને વિપુલ બંને ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. મોડી રાત્રે બસે હોલ્ટ કર્યો મનોજભાઈ ફ્રેશ થઈ પાછા બસ માં ગોઠવાયા હવે વિપુલ ની સહનશક્તિ નોહતી કે આગળ વધુ જ્ઞાન સ્વીકારી શકે અને મનોજભાઈ પણ ઊંઘવાના મૂડ માં આવી ગયા હતા. પછી તો છેક લુણાવાડા આવ્યું ને કંડક્ટરે મનોજભાઈ ને જગાડ્યા ત્યારે એ થેલો લઇ ઉતરી ગયા. રાત્રી ના અઢી થયા હશે મનોજભાઈ એ પોતાના ગામ જવા માટે બીજી બસ ની રાહ જોતા ત્રણ વાગ્યે બસ આવી મનોજભાઈ બસ માં ગોઠવાયા અને ટિકિટ લેવા ખિસ્સામાં હાથ નાખ્યો તો પાકિટ ગાયબ. નવી ચલણી નોટો નું જ્ઞાન પીરસવું મનોજભાઈ ને ભારે પડી ગયું હતું. હવે તેમણે બાજુ માં બેઠેલા એક ભાઈ ને જગાડ્યો અને કહ્યું ભાઈ હું તમને ઓનલાઈન ટ્રાન્સફર કરી આપુ મને 100 રૂ આપશો? પેલો ભાઈ તૈયાર થયો પણ આ શું? બીજા ખિસ્સા માં રેડમી નોટ 5 મિસ્ટર ઇન્ડિયા થઈ ગયો હતો. હવે મનોજભાઈ બરાબર મૂંઝાયા કંડકટર ને આપવીતી કહી એટલે કંડક્ટરે કહ્યું તમારા ગામ ઉતરનારા બે મુસાફર પાછળ ઊંઘે છે મનોજભાઈ એ જોયું તો પાછળ સુનિલ માસ્તર ઊંઘતા હતા એમના ગામનાજ જે બીજા જિલ્લામાં નોકરી કરતા હતા ને ભરૂચ થી વતન આવી રહ્યા હતા, સુનિલભાઈ એ ટિકિટ કરાવી અને મનોજભાઈ ઘરે પોહચ્યા. મનોમન બોલ્યા પણ ખરા મારો બેટો વિપુલિયો ઉસ્તાદ નો દીકરો નીકળ્યો. સારું થયું એને ચાલુ બસે નેટ બેન્કિંગ ન શીખવાડ્યું.
- મેહુલ જોષી
બોરવાઈ, મહીસાગર