hati aek pagal - 17 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | હતી એક પાગલ - 17

Featured Books
Categories
Share

હતી એક પાગલ - 17

હતી એક પાગલ..!!:-ભાગ 17

"મારી આ મુલાકાતને ચાહે તો મુસીબત કહેજે,

તારી આ દ્રષ્ટિને મારા પ્રત્યેની નફરત કહેજે,

પરંતું એકાંતમાં આ અશ્રું ભરી મારી વિદાય,

યાદ આવીને રડાવે તો તેને મહોબ્બત કહેજે…."

તુષારે પોતાની કારને પાર્ક કરી અને પોતાની થનારી પત્ની આરોહી અને માહીની સાથે બકુલભાઈ ની કોર્ટમાં જ્યાં બેઠક હતી એ તરફ આગળ વધ્યો.તુષાર અને આરોહીને આવતાં જોઈ બકુલભાઈ હરખભેર ઉભાં થયાં અને એમને હાથ જોડી સ્તકાર્યા.

"તો તુષાર કેવું લાગી રહ્યું છે..?"તુષાર નાં પિતાજી બકુલભાઈ નાં મિત્ર હોવાથી એ તુષારને સારી રીતે ઓળખતાં.. માટે એને રમૂજ ખાતર પૂછ્યું.

"તમે પણ બકુલ કાકા..કેવો સવાલ કરો છો..?કોઈ આત્મહત્યા કરવા જતું હોય અને એને થોડું પુછાય એને કેવું લાગે છે..?"તુષાર આરોહીને હેરાન કરવાનાં ઉદ્દેશથી બોલ્યો.

તુષારની વાત સાંભળી આરોહીએ મીઠાં ગુસ્સામાં તુષાર ને ધીરેથી માર માર્યો..અને બોલી.

"તું મારી સાથે લગ્ન કરી આત્મહત્યા કરવાનો છે..એમને..?તો સારું બીજી શોધી લેજે હું ઉપડી..?"

આરોહીનું આ નાટક જોઈ તુષારે એનો હાથ પકડ્યો અને ફિલ્મી સ્ટાઈલ માં બોલ્યો.

"અબ તો એ હાથ તભી છુટેગા જબ એ સાંસે સાથ છોડેગી."

તુષાર ની આવી જ હરકતો પર તો આરોહી મોહી ગઈ હતી..આજે પણ તુષારનું આમ બોલવું એનાં ગુસ્સાને હવામાં ઓગાળી ગયું હતું.એ બંને નો આ પ્રેમ જોઈને બકુલભાઈ પણ ખુશ થઈ રહ્યાં હતાં.જ્યારે માહી ને આ નવદંપતિ બનનાર યુગલ ની આવી પ્રેમ ચેષ્ઠાઓ કોઈકની યાદ અપાવી રહી હતી.

"તમારાં બીજાં સાક્ષી ક્યાં છે..?"બકુલભાઈ એ હવે કોર્ટમેરેજ નાં ડોક્યુમેન્ટ ચેક કરતાં તુષાર અને આરોહીને ઉદ્દેશીને સવાલ કર્યો.

"બસ એ બે મિનિટમાં આવતાં જ હશે..મેં મેસેજ કરી એમને અહીં આવવાનું કહી તો દીધું હતું."આરોહી એ બકુલભાઈ નાં સવાલોનો જવાબ આપતાં કહ્યું.

"સારું..આવવા દો ત્યારે.."બકુલભાઈ બોલ્યાં.

અચાનક કોઈનાં પગરવનો અવાજ સંભળાયો.. બધાનું ધ્યાન એ તરફ ગયું.ગ્રે કલરનો રેયમંડ નો શૂટમાં સજ્જ અને પગમાં gucci નાં લેઘર શૂઝ પહેરેલાં,જોડે હાથમાં રોલેક્સ વોચ અને beard લૂક ધરાવતાં આવનાર આગંતુક ને જોતાં જ આરોહી બોલી પડી.

"આ રહ્યાં અમરાં બીજાં સાક્ષી..mr. શિવ પટેલ..the famous poet."

શિવ આરોહી અને તુષાર ની તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં એની નજર આરોહીની જોડે ઉભેલ માહી પર પડી.માહી પણ શિવ ની તરફ જોઈ રહી હતી.દરેક સેકંડ હજારો યાદોને ફરીવાર રિવાઈન્ડ કરી રહી હતી.સમય જાણે વેન્ટિલેટર પર હોય એમ ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો.બધું જ જાણે થંભી ગયું હતું.

શિવ અને આરોહીની મુલાકાત થઈ હતી એની તો માહીને ખબર હતી પણ એમની વચ્ચેની એ મુલાકાત એ હદે આગળ વધશે કે તુષાર તથા આરોહીનાં લગ્નમાં સાક્ષી બનવા શિવ આવી પહોંચશે એવું તો માહી હરગીઝ વિચારી શકે એમ નહોતી.છતાં પણ માહી 1% જેટલી તૈયાર હતી આ ઘટનાને ફેસ કરવા એવું કહેવું ખોટું નહીં કહેવાય..કેમકે આરોહી અને શિવ વચ્ચેની મુલાકાત નું એને તો ખબર હતી.

પણ બીજી તરફ શિવ હતો જેનાં માટે તો માહી USA પોતાનાં પતિ સાથે રહેતી હોવાનું જ અનુમાન હતું.બે સેકંડ પહેલાં એને ખ્યાલ જ નહોતો કે માહી સુરતમાં તો શું ઇન્ડિયા માં પણ છે.શિવ અને માહી ની નજરો મળી..આંખોથી એકસાથે પુછાયેલાં હજારો મૌન સવાલો જાણે બે બ્રહ્માસ્ત્ર અથડાય એમ અથડાઈ રહ્યાં હતાં.

"દીદી..આ છે શિવ પટેલ..એમનું નામ તો તમે સાંભળેલું જ હશે.અને આ છે મારી જાન, મારી ગાઈડ,મારી ફિલોસોફર રાધા દીદી.."શિવ અને માહી વચ્ચે ઈન્ટરોડક્શન કરાવતાં આરોહી બોલી.

શિવે માહી ની તરફ હાથ લંબાવ્યો પણ માહી એ હાથ મિલાવવાની જગ્યાએ બે હાથ જોડી ફક્ત નમસ્તે કહ્યું.આરોહી ને માહી નું આમ કરવાનું કારણ એની કવિઓ અને લેખકો પ્રત્યેની નફરત લાગી રહી હતી..પણ એ વાતથી આરોહી અજાણ હતી કે શિવ બીજું કોઈ નહીં પણ માહી નાં લેખકો અને કવિઓને નફરત કરવા પાછળનું કારણ હતો.

એકવાર તો માહી ને થયું કે ત્યાંથી નીકળીને ઘરે પહોંચી જાય..પણ અત્યારે એનું આમ કરવું આરોહી નાં સંપૂર્ણ મૂડ અને પ્રસંગ ને બગાડી મુકશે.આ સાથે માહીનાં ઘણાં સવાલો હતાં જે અત્યારે તો એ ખુદ ને જ પૂછી રહી હતી.

"શું શિવ ને ખબર હતી કે હું જ આરોહીની રાધા દીદી છું..?જો નહોતી ખબર તો હું સુરતમાં છું એ જાણ્યાં બાદ હવે શિવ મને મળવાનો પ્રયત્ન કરશે.?"

હજુ શિવ અને માહી આ બધું વિચારી રહ્યાં હતાં ત્યાં બકુલભાઈ એ મેરેજ માટેનાં ડોક્યુમેન્ટ ખોલી કહ્યું.

"તો આરોહી અને તુષાર તમે હવે અહીં સાઈન કરવાનું શરૂ કરો એટલે જલ્દી જલ્દી નવદંપતિ બની જાઓ.."

બકુલભાઈ ની વાત સાંભળી માહી એ અત્યારે શિવ વિશે વિચારવાનું પડતું મુકી પોતાની બહેન આરોહીનાં જીવનનાં આ સુંદર પ્રસંગ પર ધ્યાન આપવાનું ઉચિત સમજી આરોહીનાં ખભે હાથ મુકીને કહ્યું.

"ચાલ,આરોહી હવે સહી કરી ને આ તુષાર ને લગ્નની સાંકળમાં બાંધી દે.."

આરોહીએ માહી ની તરફ જોયું અને મીઠું સ્મિત વેરી બકુલભાઈએ જ્યાં જ્યાં કહ્યું ત્યાં પોતાની સહી કરી દીધી..તુષાર પણ આરોહીને અનુસર્યા અને એને પણ બકુલભાઈએ જ્યાં જ્યાં કહ્યું ત્યાં સહી કરી દીધી.

"ચલો હવે બંને સાક્ષીઓ પણ અહીં પોતપોતાની સિગ્નેચર કરી દો..એટલે મેરેજ ની પ્રોસેસ પુરી થાય."બકુલભાઈ એ પહેલાં માહી અને પછી શિવની તરફ જોઈને કહ્યું.

આ સાથે જ શિવે માહીની તરફ જોયું અને એજ ક્ષણે માહીની નજર પણ અનાયાસે શિવ પર પડી ગઈ.માહી ની એ નજરમાં પોતાનાં પ્રત્યે કોઈ ભાવ નહોતો દેખાઈ રહ્યો..હા માહી જરૂર કોશિશ કરી રહી હતી કે નફરત ની નજરથી શિવને જોવે પણ શાયદ દિલમાં ઊંડે ધરબાયેલો પ્રેમ એ નફરત ને શૂન્ય કરી એનાં ભાવ નો સરવાળો શૂન્ય કરી રહ્યો હતો.માહી ની આ નજર બાદ શિવનાં મનમાં બરકત અલી વિરાણી સાહેબની એક સુંદર રચના સ્ફુરી ઉઠી.

"હજી પણ એમને ખાના ખરાબીની ખબર ક્યાં છે,

હજી પણ એ મને પુછી રહ્યાં છે કે તારું ઘર ક્યાં છે…

મને પણ કોઇ શક પહેલી નજર ના પ્રેમ પર ક્યાં છે,

મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યા છે…"

એકબીજા સાથે જન્મોજન્મ ની કસમો ખાનારા બે વ્યક્તિ આજે કોઈ અન્ય યુગલનાં લગ્નમાં સાક્ષી બની મોજુદ હતાં એ કુદરતની લીલા હતી કે ક્રૂર મજાક હતો એ તો કુદરત જ જાણે.બકુલભાઈ એ કહ્યું ત્યાં શિવ અને માહી ની સાઈન લેવાઈ ગઈ એટલે બકુલભાઈ તુષાર અને આરોહી સાથે હાથ મિલાવી બોલ્યાં.

"Congrats to both of u..તો હવે તમે બંને આજથી પતિપત્ની છો..કાલે સવારે મેરેજ સર્ટિફિકેટ પણ તમને મળી જશે."

તુષાર અને આરોહીએ બકુલભાઈ નો આભાર માન્યો અને પછી આરોહી માહી ને અશ્રુભીની આંખે વળગી પડી.આરોહીનાં આંસુ લૂછતાં માહી બોલી.

"એ ઢીંગલી કેમ રડે છે..અરે પાગલ આતો તારી જીંદગી નો સૌથી વધુ ખુશીનો સમય છે..તારે તો એ વિચારી ખુશ થવું જોઈએ કે તને તુષાર જેવો લવિંગ અને કેરિંગ હસબંડ મળ્યો છે.બાકી અમુક લોકો તો ખાલી સમય પસાર કરવા પ્રેમ કરતાં હોય છે અને જ્યારે નિભાવવાનો સમય આવે ત્યારે પાછી પાની કરી લેતાં હોય છે."

આ બોલતી વખતે માહીની નજર શિવ તરફ હોય છે..અને શિવને પણ એવું લાગે છે કે માહી એને ઉદ્દેશીને આમ કહી રહી હતી..પણ આવું કહેવું તો એને જોઈએ કેમકે સમય આવે પોતાનું વચન તોડી માહી કોઈ અન્ય સાથે પરણી ગઈ હતી જ્યારે એને તો આજે પણ માહી ની યાદમાં જ પોતાની દરેક રચનાઓ લખી છે.શિવ ને માહીની આ વાત નો જડબાતોડ જવાબ આપવાની ઈચ્છા થઈ પણ એ મૌન રહ્યો.કેમકે ઘણીવાર મૌન રહેવું બોલવા કરતાં વધુ યોગ્ય હતું એ સમય સાથે શિવ સમજી ચુક્યો હતો.

શિવે પણ તુષાર અને આરોહીને લગ્નજીવન ની શુભેચ્છાઓ પાઠવી.સામે તુષાર અને આરોહીએ પણ પોતાનાં આટલાં વ્યસ્ત શિડ્યુલમાંથી એમનાં માટે સમય કાઢવા બદલ અંતઃકરણથી શિવનો આભાર માન્યો.

તુષાર અને આરોહીનાં કહેવાથી શિવ અને માહી એ એમની સાથે અમુક ફોટો ક્લિક કર્યાં.એક નવ દંપતી ની સાથે આજે બે જુનાં પ્રેમીપંખીડા પણ એક જ ફોટોફ્રેમમાં સમાઈ ગયાં હતાં.

માહીથી હવે શિવની હાજરી વધુ સમય જીરવી શકાય એમ નહોતી એટલે એને આરોહીને પોતાને ઓફિસમાં થોડું કામ છે એવું બહાનું બતાવી ત્યાંથી નીકળી ગઈ.શિવ ને એવું લાગ્યું કે પોતે શિવ જોડે કરેલી બેવફાઈ શાયદ માહી જીરવી નથી શકી એટલે વધુ સમય પોતાનો સામનો કરવાનું સામર્થ્ય એનામાં નહોતું માટે એ ત્યાંથી ચાલી

ત્યાંથી જઈ રહેલી માહી પોતાની સાથે હજારો અધૂરાં સવાલો મૂકીને ગઈ હતી.ઘણું બધું શિવ એને પુછવા માંગતો હતો પણ માહી એ તો શિવનો હાલ પણ નહોતો પુછ્યો.. આવું માહી એ કેમ કર્યું હશે એ વિશે ગહન વિચારતાં શિવ જઈ રહેલી માહીની પીઠ તાકતો જડવત ઉભો હતો.શિવ ને આમ ઉભેલો જોઈ આરોહી બોલી.

"Mr. શિવ,મારાં રાધા દીદી આવાં જ છે.એમનાં આવાં વ્યવહાર પાછળનું કારણ છે એમનાં પ્રથમ લગ્ન જીવનમાં પડેલું ભંગાણ.આવું થયું એટલે એમને આ દુનિયાથી નફરત થઈ ગઈ છે..એમાં પણ પ્રેમની અને દુનિયાદારી ની વાત કરતાં લોકોથી તો વધુ પડતી.એટલે જ તમને જોઈને એમને આવું વર્તન કર્યું હશે.મને એમ કે તમારાં જેવાં મૃદુ વ્યક્તિને મળીને એમનાંમાં થોડો તો ફરક આવશે પણ લાગતું નથી આવ્યો હોય."

આરોહી આટલું બોલી રહી ત્યાં તુષાર બોલ્યો.

"પણ શિવાય,દીદી દિલનાં બહુ સારાં છે.આટલાં મોટાં શહેરમાં મારી આરોહીનો એમને કોઈ પણ ઓળખાણ વગર નાની બહેનથી વધુ ખ્યાલ રાખ્યો છે.હું અને આરોહી આજે અહીં એકમેકનાં થઈ શક્યાં એમનું કારણ પણ દીદી જ છે.."

માહી દિલની સારી છે એતો શિવથી વધારે કોને ખબર હોય..?છતાં પણ વર્ષો બાદ માહી ને આમ અચાનક જોવી અને કોઈ અન્ય નાં મોંઢે એનાં વખાણ સાંભળવા શિવને અનહદ પસંદ આવી રહ્યું હતું.શિવે તો હવે એની માહી સાથે ક્યારેય મુલાકાત થશે એવું સપનામાં પણ વિચાર્યું નહોતું પણ આજે આમ માહી સાથેની અણધારી મુલાકાત એનાં હૃદય નાં મરુસ્થલ પર વાદળી બની વરસી જવાનું કામ ચોક્કસ કરી ગઈ હતી.

શિવે તુષાર અને આરોહી સાથે માહી અને પોતાનાં સંબંધની જાણ કરવી ઉચિત ના સમજ્યું એટલે એ ફક્ત એટલું બોલ્યો"its ok.. ક્યારેક સમય માણસને જે હોય એનાંથી વિપરીત વ્યવહાર કરવા મજબુર કરી મૂકે છે."

"ચાલો સર અમારી સાથે લંચ લેવા.."તુષારે શિવ ની આગળ પોતાની સાથે જમવાનો પ્રસ્તાવ મુક્યો.

આમ તો શિવને એક બીજી જગ્યાએ જવાનું હતું પણ પોતે તુષાર અને આરોહી સાથે જશે તો શાયદ એ માહી સાથે જોડાયેલી બીજી વાતો પણ જાણવા મળશે એ વિચારી શિવે તાત્કાલિક જ તુષારે મુકેલો પ્રસ્તાવ સ્વીકારી લીધો.

ત્યારબાદ એ લોકો એક રેસ્ટોરેન્ટમાં ગયાં.. તુષારે જમવાનું ઓર્ડર કર્યું એ દરમિયાન શિવે આરોહીને પૂછ્યું.

"તમારાં આ દીદી આવ્યાં હતાં એમનાં લગ્ન તૂટવાનું કોઈ કારણ..?"

શિવ એ એ કળવા ના દીધું કે એ માહી ને ઓળખે છે..એટલે આરોહી એ માહી નાં USA સ્થિત આશુતોષ નામનાં વ્યક્તિ સાથે થયેલાં લગ્ન અને એની કુટેવોનાં કારણે એનાં થયેલાં ડાયવોર્સ અને અત્યારે એનાં એકલતા ભર્યા જીવનની સ્ટ્રગલ વિશે બધું જ જણાવી દીધું.

આરોહી ની વાત સાંભળ્યા બાદ જમતાં જમતાં શિવ મનમાં ઘણાં વિચારો ને પણ મમરાવી રહ્યો હતો.

"માહી એ પોતાની મરજીથી લગ્ન કર્યાં હતાં તો પછી એનાં લાઈફમાં આવેલી તકલીફનું કારણ એ પોતાની જાતને કેમ ગણાવી રહી હતી..?મારે હવે માહી ને પુનઃ મળવું જોઈએ કે નહીં..?"

આ બધાં વિચારોની સાથે જ જમવાનું પૂર્ણ થયું એટલે ફરીવાર તુષાર અને આરોહીને લગ્નજીવન માં સુખી રહેવાની શુભેચ્છાઓ પાઠવી શિવે ત્યાંથી વિદાય લીધી.શિવે જતાં જતાં તુષાર અને આરોહીને પોતાની આવતીકાલે પબ્લિશ થનારી બુક "હતી એક પાગલ"ની પોતાનાં ઓટોગ્રાફ વાળી નકલ પણ આપી.

હવે માહી સાથે ફરીવાર ક્યારે મુલાકાત થશે એ વિચારતાં વિચારતાં શિવે પોતાની કારનું એક્સીલેટર દબાવ્યું અને કારને પબ્લિકેશન હાઉસની તરફ ભગાવી મુકી. આ સમયે કાર માં કૈફી આઝમી સાહેબની કલમથી લખાયેલું અને મુકેશ નાં કંઠે ગવાયેલું હીર-રાંઝા ફિલ્મનાં ગીત વાગી રહ્યું હતું જેની આ પંક્તિઓ શાયદ શિવની મનોસ્થિતિ ને દર્શાવવા કાફી હતી.

"किसको सुनाऊँ हाल-ए-दिल बेक़रार का

बुझता हुआ चराग़ हूँ अपने मज़ार का

ऐ काश भूल जाऊँ मगर भूलता नहीं

किस धूम से उठा था जनाज़ा बहार का

अपना पता मिले न खबर यार की मिले

दुश्मन को भी ना ऐसी सज़ा प्यार की मिले

उनको खुदा मिले है खुदा की जिन्हे तलाश

मुझको बस इक झलक मेरे दिलदार की मिले"

★■■■■■■■■★

વધુ આગળનાં અધ્યાયમાં.

દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ લઘુનવલ દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.

વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

~જતીન.આર.પટેલ (શિવાય)