ભાગ ૨૭
સાંજે હોસ્ટેલમાં પહોંચ્યા ત્યારે ભુરીયો તેના પલંગ પર સુઈ રહ્યો હતો. જીગ્નેશે જયારે તેને ઉઠાડ્યો તો ભુરીયો ચમકી ઉઠ્યો અને ધ્રુજવા લાગ્યો અને રાડો પાડવા લાગ્યો, “મને મારશો નહિ હું કઈ નહિ કરું!!!” સોમ સમજી ગયો કે ઉપરાછાપરી વારને લીધે ભુરીયાનું માનસિક સંતુલન હલી ગયું છે. એટલામાં સોમનો મોબાઈલ રણક્યો. ફોન પાયલની મમ્મીનો હતો. તેમની વાત સાંભળીને સોમ જમીન પર બેસી પડ્યો. તેમણે સોમને તરત હોસ્પિટલ પહોંચવા કહ્યું. પાયલ પર પાગલપણ સવાર થઇ ગયું હતું. સોમ અવઢવમાં પડી ગયો. ભુરીયાને આવી સ્થિતિમાં મૂકીને પાયલ પાસે દોડી જવું તેને યોગ્ય ન લાગ્યું.
સોમને ફરી એક ફોન આવ્યો. નંબર અજાણ્યો હતો તે વ્યક્તિએ કહ્યું, “મને ખબર છે અત્યારે તમારો મિત્ર અને તમારી પ્રેમિકા મુસીબતમાં છે, પણ આપ ચિંતા ન કરશો હમણાં બે વ્યક્તિ તમારી પાસે આવશે તેમની સાથે આપ અને આપનો મિત્ર નીકળી જજો સાથે ત્રીજો મિત્ર છે, તેને લાવવાની જરૂર નથી અને આપની પ્રેમિકાને પણ હોસ્પિટલમાંથી બીજે હટાવાની વ્યવસ્થા કરવામાં આવી છે.” સોમે પૂછ્યું, “આપ કોણ છો?” સામેની વ્યક્તિએ કહ્યું, “હું આપનો મદદગાર છું. પણ સમય ઓછો છે આપ નીકળો અને બાકી વાતો આપણે મળીશું પછી.” એટલી વારમાં રૂમના બારણે ટકોરા પડ્યા. દરવાજો ઉઘાડ્યો તો બે વ્યક્તિઓ હતી, તેમણે કહ્યું, “આપ ભુરીયાને લઈને મારી સાથે ચાલો.” જીગ્નેશે કહ્યું, “હું પણ આવું છું.” સોમે કહ્યું, “હું આને લઈને દવાખાને જાઉં છું, તું પ્રોફેસર અનિકેતને મળીને સ્થિતિ સમજાવજે.” સોમ અને ભુરીયો ગયા પછી જીગ્નેશ જોરજોરથી હસવા લાગ્યો જાણે તેના પર પાગલપણ સવાર થઇ ગયું હોય. તે મનોમન બબડ્યો, “હવે કેવી રીતે બચશે સોમ?”
સોમે માંડ ભુરીયાને કાબુ કર્યો અને ગાડીમાં બેસાડ્યો અને ગાડી નીકળી. આ દ્રશ્ય દૂરથી એક વ્યક્તિ જોઈ રહી હતી. તે દોડીને પોતાની ગાડી પાસે ગયો અને ગાડીમાં બેસીને સોમ અને ભુરીયો જે ગાડીમાં ગયા તેનો પીછો કરવા લાગ્યો.પીછો કરનાર રામેશ્વર હતો. સોમે ભુરીયાને ગળા નજીકની એક નસ દાબીને બેહોશ કર્યો અને આગળ બેસેલી વ્યક્તિને પૂછ્યું, “આપણે ક્યાં જઈ રહ્યા છીએ?” આગળની વ્યક્તિએ કહ્યું, “આપણે સુરક્ષિત જગ્યા પર જઈ રહ્યા છીએ.” સોમ પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને પરસેવો લુછવા લાગ્યો.
પરેસેવો લૂછતાં લૂછતાં ડ્રાઇવિંગ સીટ પર બેસેલી વ્યક્તિના ગળા પાસે દોરેલા વીંછીના ટેટુ પર ધ્યાન ગયું .સોમને યાદ આવ્યું કે જે વ્યક્તિનું તેના હાથે મૃત્યુ થયું, તેના ગળા ઉપર પણ આવું જ ટેટુ ચીતરેલું હતું. હવે સોમનું મગજ હરણફાળ ભરવા લાગ્યું. આ વ્યક્તિ તો જટાશંકરે મોકલેલી છે, સોમે પોતાના ગાળામાંનું લોકેટ કાઢ્યું, જેનો ઉપયોગ તે સંમોહન કરવા માટે કરતો. ડ્રાઈવરની બાજુમાં બેસેલી વ્યક્તિ સામે લોકેટ ધર્યું, તો તેણે પિસ્તોલ કાઢીને સોમ સામે ધરી અને કહ્યું હું કઈ નાનો બાળક નથી, જેને તો હિપ્નોટાઈઝ કરી નાખે, હું પણ સાધક છું.
સોમ જોરથી બરાડ્યો આગળ જો ટ્રક આવે છે. એક ક્ષણના ધ્યાનભંગનો લાભ લઈને સોમે તે વ્યક્તિના કાંડા પર પકડ જમાવી અને ઝપાઝપી કરવા લાગ્યો. આ ઝપાઝપીમાં પિસ્તોલમાંથી ગોળી છૂટી અને ડ્રાઈવરના માથામાં વાગી જેના લીધે ગાડીનું બેલેન્સ ગયું અને તે રોડ ડિવાઈડરને ટકરાઈને ઉંધી વળી ગઈ. સોમ માંડ ગાડીમાંથી બહાર નીકળ્યો અને ભુરીયાને ખેંચીને બહાર કાઢ્યો. સોમના માથામાંથી લોહી વહી રહ્યું હતું.
તેની પાસે રામેશ્વરની ગાડી ઉભી રહી. રામેશ્વર બહાર નીકળ્યો અને કહ્યું, “સોમ, જલ્દી અહીંથી નીકળ.” સોમે પોતાના હાથની પિસ્તોલ રામેશ્વરના માથા પર મૂકી અને કહ્યું, “હવે!! તું કોણ છે?” રામેશ્વરે કહ્યું, “તું ફક્ત એટલું સમજ હું મદદગાર છું, બાકી ઓળખાણ પછી આપીશ.” સોમે કહ્યું, “આ ગાડી ચલાવનાર પણ મદદગાર હતો.” રામેશ્વરે કહ્યું, “તું ધ્યાનથી જોઇશ તો તને ખબર પડશે કે તું હોસ્ટેલમાંથી આવતા જતાં જે ભિખારીને ભીખ આપે છે, તે હું જ છું.” સોમે પોતાના મગજ પર ભાર આપતા ધ્યાનમાં આવ્યું કે આનો અને પેલા ભિખારી નો ચહેરો મળતો આવે છે.
એટલામાં દૂરથી પોલીસ સાઇરનનો અવાજ આવ્યો એટલે રામેશ્વરે કહ્યું, “અત્યારે ઝડપ રાખ અને પિસ્તોલ ખિસ્સામાં મૂકી દે, જો હું કઈ ખોટું કરવા જાઉં, તો બેઝીઝક ગોળી મારી દેજે.”સોમ ભુરીયાને લઈને રામેશ્વરની ગાડીમાં બેસી ગયો . રામેશ્વરે પોતાના મોબાઈલથી ફોન લગાડ્યો અને પૂછ્યું, “આ બંનેને લઈને ક્યાં જાઉં?” તો સામેથી એક અડ્રેસ કહેવામાં આવ્યું. રામેશ્વરે ગાડીને સર્કલ રોડ પર લીધી અને પછી બાવળા તરફ લઇ લીધી . સોમના માથામાંથી લોહી વહી રહ્યું હતું. રામેશ્વરે વચ્ચે એક જગ્યાએ ગાડી રોકીને મેડિકલમાંથી ફર્સ્ટ એઇડ કીટ લઇ લીધી અને સોમના માથે પટ્ટી બાંધી દીધી. આટલા મોટા એક્સીડેન્ટમાં પણ ભુરીયાને કંઇ વાગ્યું ન હતું . રામેશ્વર તે બંનેને લઈને એક બંગલામાં પહોંચ્યો . ચોકીદારે ગેટ ખોલ્યો એટલે રામેશ્વરે ગાડી અંદર લીધી અને ભૂરિયાને ઉંચકીને અંદર સોફા પર સુવડાવીને રામેશ્વરે કિચનમાંથી પાણી લાવીને સોમ ને આપ્યું.
સોમ શાંતિથી બેઠા પછી આજે રાત્રે એક પછી એક બનેલી ઘટનાઓનો વિચાર કરવા લાગ્યો. તેના મગજમાં ઝબકારો થયો તેણે પોતાનો ફોન કાઢીને પાયલની મમ્મીનો નંબર જોડ્યો. તેણે કહ્યું, “આંટી, હું હોસ્પિટલમાં આવતો હતો, તે વખતે નાનો એક્સીડેન્ટ થયો તેથી હું પહોંચી શક્યો નથી. પાયલને હવે કેમ છે?” જવાબમાં પાયલ ની મમ્મીએ જે કહ્યું તે સાંભળીને સોમના પગ નીચેની જમીન ખસી ગઈ. તેમણે કહ્યું, “તેની ટ્રીટમેન્ટ જે ડોક્ટર કરતા હતા તે આવ્યા અને બેહોશીનું ઇન્જેક્શન આપ્યું અને કહ્યું કે આને બીજા વોર્ડ ખસેડવી પડશે એમ કહીને લઇ ગયા અને હું સામાન સમેટતી હતી, તે વખતે તે ડોક્ટર પાછા આવ્યા અને મને પૂછ્યું કે પાયલને કેમ છે? તો મેં તેમને કહ્યું કે હમણાં તમે જ આવીને લઇ ગયા, તો તેમણે કહ્યું હું હજી હમણાંજ ડ્યુટી પર આવું છું. અમે આખું હોસ્પિટલ શોધી લીધી પણ પાયલ ક્યાંય નથી. કોઈએ પાયલનું અપહરણ કર્યું છે.”
ક્રમશ: