Sachi sundarta in Gujarati Moral Stories by Pallavi Gohil books and stories PDF | સાચી સુંદરતા

Featured Books
Categories
Share

સાચી સુંદરતા

                        પુષ્ટિ મેટરનિટી હોસ્પિટલમાં લેબર રૂમની બહાર મંથન ચિંતા તથા ઉત્સુકતાના મિશ્ર ભાવ સાથે બેઠો હતો. નર્સે જણાવ્યું કે લોહી ઓછું હોવાથી લોહી ચઢાવ્યા બાદ જ ઓપરેશન ચાલુ થશે તેથી બહાર બેસી રાહ જુઓ.અંદર મંથનની પત્ની વિશ્વા હતી જેની ડિલિવરી થવાની હતી.મંથન અને વિશ્વા બંને જામનગરના રહેવાસી હતા પરંતુ મંથનને સારી એવી કંપનીમાં જોબ મળી તેથી તેઓ બંને સેલવાસમાં સેટલ થઇ ગયા. પાંચ વર્ષ થયા હતા બંનેના લગ્નને અને આજે એમના ઘરે પારણું બંધાવાનું હતું. મંથન જૂની યાદોને વાગોળી રહ્યો હતો. તેને તેની પ્રિયતમા અક્ષરા યાદ આવી ગઈ. કેવી સરસ રુડી રૂપાળી હતી અક્ષરા , રૂપ રૂપનો અંબાર હતી એ.કોલેજના સમયથી બંને વચ્ચે પ્રેમ પાંગરેલો. કોલેજ પુરી કરી સારી જોબ મેળવીને પછી બંનેએ પોતપોતાના ઘરમાં પોતાના સંબંધનો વિસ્ફોટ કર્યો.અક્ષરા એના પિતાની એકની એક દીકરી અને એક જ સોસાયટીમાં રહેતા હોવાથી બધા એકબીજાને સારી રીતે જાણતા હતા. એના પિતા ડોક્ટર હતા અને પોતાનું મોટું હોસ્પિટલ હતું પરંતુ સમાજમાં નામ ખરાબ. પૈસાદાર હોવાથી થોડા ઘમંડી સ્વભાવના હતા જેથી પોતાના કુટુંબમાં પણ કોઈની સાથે બનતું નહતું.આથી મંથનના મમ્મી-પપ્પાને આ સંબંધ મંજુર નહતા. સામી બાજુ અક્ષરાના પપ્પાએ એને ઇમોશનલી દબાણ કરી એના લગ્ન એક ડોક્ટર છોકરા સાથે કરી દીધા. અક્ષરા પણ એક  દીકરી હતી આખરે મા-બાપને ખાતર તેણે તેના પ્રેમનો ત્યાગ કરી દીધો અને આવતા સાત જન્મ માટે બીજાની થઇ ગઈ.   
                         

                               મંથન આ જાણીને પણ બીજી સાથે લગ્ન કરવાની ના પડતો હતો. તે તો બસ અક્ષરા નહિ તો કોઈ નહિ આખી જિંદગી કુંવારો જ રહીશની જીદ લઈને બેઠો હતો. આખરે એની મમ્મીએ બ્રહ્માસ્ત્ર ચલાવ્યું...ઘરમાં જણાવી દીધું કે જો મંથન મારા કહ્યા પ્રમાણે નહિ પરણે તો હું હમણાં જ અગ્નિદાહ કરીશ... અને આમ કહી પોતાના શરીર પર કેરોસીન છાંટી દીધું. હંમેશની જેમ બ્રહ્માસ્ત્રએ પોતાનું કામ કર્યું. મંથન મમ્મીની વાત માની લગ્ન કરવા તૈયાર થઇ ગયો પણ એની એક શરત હતી કે એ સીધો માંડવામાં જ વધુને જોશે. આ શરત સહુએ માન્ય રાખી.
                       

                              જોતજોતામાં મંથનના લગ્નનો દિવસ આવ્યો. જાન માંડવે પહોંચી અને મંથને ચોરીમાં આવતી વિશ્વાને જોઈ. વિશ્વાને જોતાં જ મંથનનું મ્હોં પડી ગયું. વિશ્વા થોડી મધ્યમ કદની , રંગે ઘઉંવર્ણી , અને દેખાવડી પણ નહતી.એને તો થયું કે હમણાં જ ઉઠીને ચાલ્યો જાય પણ મમ્મીનું બ્રહ્માસ્ત્ર યાદ આવતા વિચાર માંડી વાળ્યો અને છેવટે મંથન અને વિશ્વા લગ્નગ્રંથીથી જોડાઈ ગયા. લગ્નની પહેલી રાતે જ મંથને મનમાં વિચારી લીધું કે આને ભલે પરણીને લાવ્યો પણ ક્યારેય મનથી નહિ અપનાવું. વિશ્વા  પણ બધું સમજી ગઈ.વિશ્વા સ્વભાવે સમજુ અને સહનશીલ હતી તેણે મંથન તરફ મૈત્રીનો હાથ લંબાવ્યો અને ધીરે ધીરે તેની નજીક જવા લાગી. બંને વચ્ચે પતિ-પત્નીના સંબંધ તો બંધાઈ ગયા પરંતુ વિશ્વાના દેખાવને લીધે મંથન અંદરથી ક્યારેય ખુશ નહતો થતો. એને તો દેખાવડી , ગોરી , આધુનિક છોકરી જોઈતી હતી પણ હવે થાય શું...??? વિશ્વા પણ મનોમન જાણતી હતી અને એકલામાં રડી લેતી.     
                       

                             અચાનક મંથનના કાને નર્સનો અવાજ પડ્યો અને સ્મૃતિઓ સંકેલાઇ ગઈ.નર્સના હાથમાં ગુલાબી રૂમાલમાં વીટળાયેલ ગુલાબી ટોપી પહેરેલ એક પરી હતી. એ આપતા નર્સે કહ્યું અભિનંદન...!!! લક્ષ્મી અવતરી છે. મંથન ખુબ ખુશ થઇ ગયો. એણે એની પરીને હાથમાં લઇ લીધી.ક્યાંય સુધી એને નિહાળતો રહ્યો અને આખા હોસ્પિટલમાં પેંડા વહેંચ્યા. બાળકીનું નામ શીખા રાખવામાં આવ્યું.શીખા ત્રણેક મહિનાની થઇ. એક દિવસ મંથન શીખાને રમાડી રહ્યો હતો અને અચાનક તે રડવા લાગી કેટલુંય કર્યું પણ શાંત ના થાય. કેટકેટલી સુંદર મઝાની ઢીંગલી બતાવી પણ માને જ નહિ.ત્યાં અચાનક શીખાએ દૂરથી વિશ્વાને આવતી જોઈ અને એકદમ ખુશ થઇ ગઈ. એટલી ખુશ જાણે એની મમ્મી આગળ દુનિયાની સુંદરમાં સુંદર ચીજોનું પણ કોઈ મૂલ્ય નહતું. મંથન આશ્ચર્ય સાથે આ દ્રશ્ય જોઈ રહ્યો. જે સ્ત્રીનો દેખાવ એને બિલકુલ ગમતો નહિ એને જોઈને ત્રણ મહિનાની નાની બાળકી કેટલી ખુશ થઇ રહી રહી હતી.
                       

                                     મંથન આજે  સુંદરતાની સાચી પરીભાષા સમજી ચુક્યો હતો. આ ત્રણ મહિનાની શીખાએ એને જીવનની અણમોલ શીખ આપી હતી.એણે વિશ્વાનો હાથ પકડીને એની તમામ ભૂલ માટે માફી માંગી અને કહ્યું ,  "આજથી તું જ મારી માટે દુનિયાની સૌથી સુંદર સ્ત્રી છો" અને ઘૂંટણિયે પડી હાથ લંબાવી વિશ્વાને પ્રપોઝ કરતો હોય એમ ફિલ્મી અંદાજમાં કહ્યું , "હું તને ખુબ પ્રેમ કરું છું શું તને મારો પ્રેમ મંજુર છે...???" વિશ્વાએ શરમથી માથું હકારમાં હલાવી મંથનના હાથમાં હાથ મુક્યો.મંથને બંનેને બાથમાં લઇ લીધા અને શીખા સાથે બંનેએ નવા જીવનની શરૂઆત કરી.... 
          *-*-*-*-*-*-*-*-*-*-*-*
                  

                -પલ્લવી ગોહિલ (PAL RAKESH)