premni pariksha in Gujarati Moral Stories by Kishor Chavda books and stories PDF | પ્રેમની પરીક્ષા.

Featured Books
Categories
Share

પ્રેમની પરીક્ષા.

   સાંજનુ એ દ્રષ્ય ખુબ જ રમણીય હતુ.પંખીઓના કલરવથી આકાશ ગુંજી રહ્યુ હતુ.પંખીઓ પોતાના માળામાં જવાની તૈયારીમાં હતા.સુરજ પણ ઢળવાની તૈયારીમાં જ હતો.પશ્ચિમનુ આખુ આકાશ સુરજના લાલ રંગથી ભરાઇ ગયુ હતુ.તળાવના કિનારે આવેલા મોટા લીમડાના વૃક્ષની નીચે આવેલા એ નાનકડા શિવમંદીરની શોભામાં આ દ્રષ્યથી આજે કઇંક ઓર જ વધારો થઇ રહ્યો હતો.આજે મહશિવરાત્રીનો તહેવાર હતો તેથી મંદીર પર લોકોની ભીડ જામેલી હતી.ગામની બહાર તળાવના કિનારે આવેલા આ મંદીર પર સાંજની આરતીમાં રોજ તો ખુબ જ ઓછા લોકો આવતા હતા પણ આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે લોકોની સારી એવી ભીડ જામી હતી. ગામનાં લોકોમાં આજે કઇક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.ભક્તિથી તરબોળ વાતાવરણ હતુ.આરતી થવાની તૈયારીમાં જ હતી.આરતીનો સમય થતાં સુધીમાં તો મંદીરના પ્રાંગણ અને પ્રાંગણની બહાર પણ લોકો એકઠા થઇ ગયા હતા.
   બધાના ચહેરા પર એક અદમ્ય શાંતિ અને ભક્તિના ભાવો જોવા મળી રહ્યો હતા.પણ આ બધા ચહેરામાં એક ચહેરો અલગ તરી આવતો હતો અને એ હતો રાકેશ.રાકેશના ચહેરા પર ચિંતાના ભાવો જોવા મળી રહ્યા હતા.તે તેના મિત્રોના આગ્રહના લીધે તેમની સાથે આરતી લેવા મંદીરે તો આવ્યો હતો પણ તે અહીંયા હોવા છતાં અહિંયા ન હતો.તેનુ મન ક્યાંક બીજે જ હતુ,તે કઇંક ચિંતામાં હતો,તેનુ ધ્યાન પણ બીજે જ હતુ.તેથી આરતી પત્યા પછી બધા પ્રસાદ લેવા માટે આગળ વધ્યા ત્યારે તે તેની જગ્યાએ જ ઉભો રહ્યો ત્યારે મહેશનુ ધ્યાન તેના તરફ ગયુ.તે તેના ચહેરાના ભાવો પરથી કળી ગયો કે રાકેશ કોઇ ટેંશનમાં છે.મહેશ એ રાકેશનો ખાસ મિત્ર હતો.સ્કુલના પહેલા ધોરણથી જ તેઓ ગાઢ મિત્રો બની ગયા હતા આજે તો તેમનો અભ્યાસ પણ પુરો થઇ ગયો હતો,મહેશ તેના પિતાની દુકાન સંભાળતો હતો અને રાકેશ શહેરમાં નોકરી કરતો હતો.તેથી નાનપણથી અત્યાર સુધી સાથે રહેલા આ બન્ને મિત્રો એકબીજાથી દુર થઇ ગયા.તહેવારોની રજાની તેઓ બન્ને આતુરતાથી રાહ જોતા કારણકે એ રજાઓ જ તેમને મળવા માટે બહાનુ અને સમય પુરાં પાડતા હતા.જેવી રજાઓ પડે કે તરત જ રાકેશ ગામડે પહોંચી જતો તેના મિત્ર પાસે.રાકેશ ઘરે ક્યારે આવવાનો છે તેની ખબર તેના ઘરનાં કરતાં પણ મહેશને પહેલા પડી જતી હતી.કારણકે આખરે તો બન્ને નાનપણના જીગરી દોસ્ત હતા.મહેશ અત્યારે રાકેશને તેની ચિંતા વિશે પુછવા માંગતો ન હતો કારણકે અત્યારે સમય અને સ્થળ બન્ને યોગ્ય ન હતા.તેથી તેને રાકેશને ઢંઢોળીને આગળ વધવા માટે કહ્યુ.રાકેશ પણ મહેશના ઢંઢોળવાથી અચાનક જ તેના વિચારોમાંથી બહાર આવ્યો.ત્યારબાદ તેઓ આરતી અને પ્રસાદ લઇને બહાર આવ્યા.
   ઘણા સમયે બધા મિત્રો મળ્યા હોવાથી બધા હસી મજાક અને એકબીજાની ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા હતા.જે પણ હાથમાં આવી જતો તેનુ તો આવી જ બનતુ કારણકે પછી તો બધા તેની પર તુટી પડતા અને તેને તેનો બચાવ કરવાનો પણ મોકો મળતો ન હતો.આજે વિનયનો વારો આવી ગયો હતો તે આજે બધા મિત્રોના નિશાના પર આવી ગયો હતો.બધા તેની મશ્કરી કરી રહ્યા હતા અને હસી રહ્યા હતા.પણ રાકેશ તો હજી તેની અવઢવમાં જ હતો.બધાની ખેંચવામાં અને મજાક ઉડાવવામાં આગળ રહેતો રાકેશ આજે ચુપ હતો.તેથી બધાને આ કઇંક અજુગતુ જ લાગ્યુ.તેથી બધાએ તેને પુછ્યુ પણ ખરુ પણ તેને બીજો જવાબ આપીને વાતને ટાળી દીધી.પણ મહેશ ચુપ જ રહ્યો તે જાણતો હતો કે રાકેશ જ્યારે એકલો હશે ત્યારે તેને વાત જણાવશે. ત્યારબાદ એકપછી એક બધા પોતાના ઘરે જવા લાગ્યા.તેથી રાકેશ પણ પોતાન ઘરે જવા માટે ઉભો થયો પણ મહેશે તેને હાથ પકડીને નીચે બેસડ્યો અને કહ્યુ બેસ આપણે જઇએ છીએ મારે તારુ થોડુ કામ છે એવુ બહાનુ બતાવીને તેને નીચે બેસાડ્યો.
    બધાના જતા રહ્યા પછી મહેશે રાકેશને કહ્યુ, “બોલ હવે શુ ટેંશન છે?” રાકેશે વાત છુપાવતા કહ્યુ, શેની વાત કરે છે! મને કોઇ ટેંશન નથી.મહેશે તેની નજીક જઇને તેને ખભાથી પકડીને કહ્યુ, ‘જો રાકેશ આપણે નાનપણના મિત્રો છીએ તુ કોઇ ટેંશનમાં હોય અને મને ખબર પણ ના પડે તો તો પછી આપણી દોસ્તી નકામી! છોડ હવે જે દિલમાં હોય તે બોલી નાખ.દોસ્તથી શું છુપાવવાનું અને ચિંતા ના કર ગમે તેવુ ટેંશન હશે તારો આ દોસ્ત તારો સાથ જરુર આપશે અને હવે અહીંયા બીજુ કોઇ નથી અહીંયા આપણે બે જ છીએ.’ મહેશની આ વાત સાંભળીને રાકેશ ટુટી પડ્યો.હવે તેનાથી વાત છુપાવી ન શકાઇ આખરે મહેશ તેનો નાનપણનો મિત્ર હતો તે આ વાત તેને ન કરે તો બીજા કોને કરે.કારણકે આ વાત હતી જ એવી કે ન’તો તે તેના ઘરનાં કોઇ સભ્યને કરી શકે એમ હતો કે ન બીજા કોઇને,એક મહેશ જ હતો જેને તે આ વાત કરી શકે તેમ હતો પણ તે અવઢવમાં હતો કે મહેશ તેની વાત સાંભળીને શુ કહેશે,તે તેની વાતને સમજશે કે નહી, પણ હવે જ્યારે મહેશે તેને દિલાસો આપ્યો ત્યારે તેની જીભ વાત કહેવા માટે ઉપડી.
    રાકેશે તેની વાત કહેવી શરુ કરી. હુ જે જગ્યાએ કામ કરુ છુ ત્યાં એક વર્ષ પહેલા એક છોકરી નોકરી કરવા માટે આવી.તેનુ નામ પ્રિયા છે.તેની સુંદરતા કોઇ પરીથી કમ ન હતી.ઓફીસનો દરેક પુરુષ પછી તે પરણેલા હોય કે કુવારા બધા તેની સાથે મિત્રતા કરવા માગતા હતા.આખી ઓફીસમાં તેની જ ચર્ચા હતી.પણ શરુઆતમાં તો તે કોઇની સાથે વધારે વાત જ કરતી ન હતી.જેનુ જેટલુ કામ હોય તેટલી જ વાત તે તેની સાથે કરતી.તેથી બધાને લાગવા લાગ્યુ કે આતો ખુબ જ ઘમંડી છોકરી છે અને તેને તેની સુંદરતાનુ ખુબ જ અભિમાન છે.પણ ધીરે ધીરે તેના વર્તનથી એ સાફ થઇ ગયુ કે તે ઘમંડી ન હતી કે ન તો તેને તેની સુંદરતાનુ અભિમાન હતુ પણ તેનો સ્વભાવ જ ઓછાબોલો હતો અને જલદીથી કોઇની સાથે દોસ્તી કરતી ન હતી.તેના વિશે આ બધુ જાણ્યા પછી બધાની શંકા દુર થઇ ગઇ.અને હવે ધીરે ધીરે તે બધા સાથે ભળી રહી હતી.એક દિવસ કેંટીનમાં બધાના જમી રહ્યા પછી હુ થોડુ મોડુ થવાથી એકલો જમી રહ્યો હતો ત્યારે પ્રિયા મારા ટેબલ પર આવીને ઉભી રહી.અને ખુબ જ સૌજન્યતાથી તેને પુછ્યુ, “શુ હુ અહીંયા બેસી શકુ?” પહેલા તો હુ થોડો ગભરાઇ ગયો કારણકે મારો સ્વભાવ તો તુ જાણે જ છે હુ છોકરીઓથી કેટલો શરમાઉ છુ.તેથી તો આખી ઓફીસમાં હુ એક જ હતો જેને તેની સાથે હજુ સુધી વાત જ કરી ન હતી.પણ ત્યારે અચાનક જ મારા મોંમાથી શબ્દો સરી પડ્યા, “હા બેસોને, પ્લીઝ.” મારામાં આટલી હિંમત ક્યાંથી આવી તેની મને જ ખબર ન પડી.જમતાં જમતાં અમે થોડી વાતો કરી અને એકબીજા વિશે થોડી વાતો જણાવી.ત્યારબાદ તો રોજ બધાના ગયા પછી જ અમે જમવા જતા અને અમારો સાથે જમવાનો જાણે રોજીંદો ક્રમ બની ગયો.અને રોજ થોડી થોડી વાતો એકબીજા વિશે જાણતા ગયા અને ધીરે ધીરે આ મુલાકાતો ઓફીસ પછીના સમયમાં પણ થવા લાગી.પછી તો સાથે ફરવા અને પિક્ચર જોવા અને ધીરે ધીરે અમારી દોસ્તી ક્યારે પ્રેમમાં પરીણમી તેની અમને જ ખબર ન પડી.તેનો અને મારો સ્વભાવ ઘણો મળતો આવતો હતો.તેથી જ અમારી વચ્ચે એક ખુબ જ ગાઢ બોંડ હવે બની ગયો હતો.
   રાકેશ તેની વાત કહેતા કહેતા થોડીવાર અટકી ગયો તેથી અત્યારે સુધી તેની વાત સાંભળવામાં મશગુલ થઇ ગયેલા મહેશે તેને પુછ્યુ, “હા પણ તુ અટકી કેમ ગયો પછી શુ થયુ તે તો બોલ?” રાકેશે ફરી વાત આગળ વધારતા કહ્યુ. હવે અમે એકબીજાને સારી રીતે જાણી ગયા હતા.તેથી જ અમે બન્નેએ લગ્ન કરવાનુ નક્કી કર્યુ.આમ તો તે આપણી જ્ઞાતિની નથી તેથી તે વાતનુ થોડુ ટેંશન છે પણ તે માટે તો હુ ઘરવાળાને મનાવી લઇશ અને આમ પણ મારા ઘરવાળા એ બાબતોમાં બહુ માનતા નથી તેથી તે વાતની મને ચિંતા ન હતી.કદાચ થોડી રકઝક થશે પણ અંતે તો બધા માની જ જશે.પણ તેને લગ્ન માટે મારી સામે એક શરત મુકી.અને આ વાત કહેતા જ રાકેશ ફરી અટકી ગયો અને વિચારોમાં ખોવાઇ ગયો.મહેશે ફરી તેને ઢંઢોળતા કહ્યુ, “હા પણ તેને તારી સામે શુ શરત મુકી એ તો કહે?” રાકેશે કહ્યુ, “તેને કહ્યુ કે આપણે લગ્ન એ જ શરત પર કરીશુ કે લગ્ન પછી તારે તારા પરીવારથી અલગ મારી સાથે રહેવુ પડશે.તેને કહ્યુ કે હુ લગ્ન કર્યા પછી કોઇ ઝગડા કરીને પછી અલગ રહેવા કરતા પહેલાથી જ અલગ રહેવા માગુ છુ તેથી તને આ વિશે પહેલા જ જણાવી દઉ છુ.જો તને આ શરત મંજુર હોય તો જ આપણા લગ્ન થઇ શકશે નહી તો નહી.” 
    રાકેશ તેની વાત પુરી કરી ને અટકી ગયો અને માથુ નીચુ નમાવીને બેસી ગયો.મહેશ પણ તેની વાત સાંભળીને થોડી વાર વિચારમાં પડી ગયો.પછી અચાનક તેને કોઇ આઇડીયા આવ્યો અને તેને રાકેશને કહ્યુ, “રાકેશ મારી પાસે એક આઇડીયા છે તુ એ પ્રમાણે કરે તો કદાચ તારી સમસ્યા હલ થઇ શકે.” રાકેશ તેની વાત સાંભળીને તરત જ ઉપર જોયુ અને હમણા થોડીવાર પહેલા જે ચહેરા પર ઉદાસીના વાદળો છવયેલા હતા તેના પર એક હલકી સ્માઇલ આવી ગઇ.તેને તરત જ કહ્યુ, “હા તો  બોલને એના માટે રાહ શેની જુએ છે હુ સાંભળુ જ છુ.” હવે મહેશે તેની વાત કહેવી શરુ કરી.જો રાકેશ કોઇપણ છોકરી લગ્ન પહેલા જ અલગ રહેવા માટે કહે છે તેના પરથી બે વાત ધારી શકાય છે એક તો તેનો સ્વભાવ જ સ્વાર્થી છે અને તે ફક્ત પોતના વિશે જ વિચારે છે અથવા તેના પરીવારમાં સંયુક્ત કુટુંબના લીધે કોઇ સમસ્યા આવેલી છે તેના લીધે તે તને પહેલાથી જ અલગ રહેવાનુ કહે છે હવે તે જે પ્રમાણે પ્રિયા વિશે જણાવ્યુ તેના પરથી તેને પહેલી સમસ્યા હોય એવુ લાગતુ નથી તેથી તેને બીજા નંબરની સમસ્યા જ હોઇ શકે છે.રાકેશે કહ્યુ, પણ તેના કુટંબમાં તો તે અને તેના મતાપિતા જ રહે છે તે લોકો ઘણા સમયથી શહેરમાં રહે છે તેથી સંયુક્ત કુટુંબની સાથે રહેવામાં તેને કદાચ તેના લીધે તકલીફ તો નહી હોયને?. મહેશે કહ્યુ, ના મારા મત પ્રમાણે કદાચ ભુતકાળમાં તેના કુટુંબમાં કોઇ સમસ્યા સંયુક્ત કુટુંબમા લીધે બની હોય તેના લીધે પણ તે આવુ વિચારતી હોય, તેથી તારે સૌથી પહેલા એ જાણવાની કોશીશ કરવી જોઇએ કે ભુતકાળમાં તેના પરીવારમાં સંયુક્ત કુટુંબના લીધે કોઇ સમસ્યા પેદ થઇ હતી કે કેમ? એ માટે તારે એને મળીને તેની પાસેથી આ વિશે વાત કઢાવવા કોશીશ કરવી જોઇએ.રાકેશ પણ મહેશની વાત સાંભળીને વિચારમાં પડી ગયો.તેને પણ લાગ્યુ કે મહેશની વાત સાચી પણ હોઇ શકે તેથી આ વિશે તેને પ્રિયા સાથે એકવાર મળીને તેની પાસેથી પ્રેમથી આ વિશે વાત કઢાવવા કોશીશ કરવી જોઇએ.તેથી તેને મહેશને કહ્યુ. હા,મહેશ મને પણ લાગે છે કે આ વિશે એકવાર મારે પ્રિયા સાથે વાત કરવી જોઇએ,પણ જો તેના અલગ રહેવા વિશે આ વાત ન હોય તો? તેની વાત સાંભળીને મહેશે થોડો ઉંડો શ્વાસ ભર્યો અને કહ્યુ.જો રાકેશ હુ તારો દોસ્ત છુ ભલે તને ખોટુ લાગે પણ હુ તારા હિતની વાત જ કરીશ જો તેના અલગ રહેવા વિશે આ કારણ ન હોય અને તે ફક્ત પોતાના વિશે વિચારતી હોય તો તે તારા માટે બિલકુલ લાયક છોકરી નથી. જો હુ તારો દોસ્ત છુ તારુ ઘર વસે તો સૌથી વધુ ખુશી મને થશે પણ જો કોઇ છોકરી ફક્ત પોતાના વિશે જ વિચારે છે અને પોતાની આઝાદી માટે જે માબાપે તને આટલા સમય સુધી તારી સાર-સંભાળ રાખીને પોતે દુ:ખો સહન કરીને તને મોટો કર્યો અને સમાજમાં તુ ગર્વથી રહી શકે તે લાયક બનાવ્યો તેનાથી અલગ કરવા માગતી હોય તો તે તારા માટે બિલકુલ લાયક છોકરી નથી.સોરી, જો તને મારી વાતનુ ખોટુ લાગ્યુ હોય તો. રાકેશે કહ્યુ, અરે! તારે સોરી કહેવાની જરુર નથી દોસ્ત.તારી વાત બિલકુલ સાચી છે.આ માટે તો ઉલટુ મારે તને થેંક્યુ કહેવુ જોઇએ તે મારી ખુબ જ મોટી મુશ્કેલી દુર કરી દીધી.બે દિવસથી હુ જે મુંઝવણમાં પડ્યો હતો જેના લીધે હુ છેલ્લી બે રાત્રીથી ઉંધી શક્યો નથી તેનો હલ તે માત્ર થોડી મિનિટોમાં જ મને આપી દીધો.હવે હુ નિશ્ચિત થઇને ઉંધી શકીશ.ત્યારબાદ બન્ને મિત્રો એકબીજાને ભેટીને છુટા પડ્યા.
   આગલા દિવસે જ રાકેશ શહેર જવા માટે નિકળ્યો.પણ આજે સવારે જ્યારે તે ઉઠ્યો ત્યારે જે વિષાદના વાદળો તેના ચહેરા પર હતા તે ન હતા તેના બદલે તે પ્રફુલ્લ ચહેરે વિદાય થયો.હવે તે નિશ્ચિંત બની ગયો હતો.નિકળતા પહેલા તે ફરીવાર મહેશને મળીને તેને આભાર કહેવા માગતો હતો.તેથી તે તેની દુકાન પર ગયો.ફરી બન્ને મિત્રો થોડીવાર વાતોએ વળ્ગ્યા અને ત્યારબાદ રાકેશ શહેર જવા માટેની બસમાં રવાના થયો.મહેશ તેને છોડવા માટે બસસ્ટેંડ સુધી ગયો.ત્યાં સુધી બન્નેની વાતો ચાલતી રહી.બસમા પણ આખે રસ્તે રાકેશ આ વિશે વિચારતો રહ્યો અને મનોમન મહેશનો આભાર માનતો રહ્યો.તેને હવે નક્કી કરી લીધુ કે તે પહોચીંને તરત જ પ્રિયાને મળીને આ વિશે વાત કરી લેશે.
   શહેરમાં પહોંચીને તેને તરત જ પ્રિયાને ફોન કર્યો અને તેને મળવા માટે બગીચામાં બોલાવી.સવારનો 10 વાગ્યાનો સમય હતો.પ્રિયા ઓફીસ જવા માટે નિકળવાની તૈયારીમાં જ હતી.પણ રાકેશે તેને કહ્યુ કે તેને ખુબ જ અગત્યની વાત કરવી છે તેથી તેઓ જે બગીચામાં રોજ મળતા હતા ત્યાં જ તેને આવવા માટે કહ્યુ. તે પણ સીધો ત્યાં પહોચી જશે તેવુ જણાવ્યુ.થોડી જ વારમાં તે બગીચામાં પહોંચી ગયો અને પ્રિયાની રાહ જોવા લાગ્યો.તેના પહોંચ્યાંની થોડી જ વારમાં પ્રિયા પણ ત્યાં આવી પહોંચી.ત્યારબાદ તેને પ્રિયાને બગીચાના ખુણે આવેલા બાંકડા પર બેસાડી અને ખુબ જ પ્રેમથી વાત કરવી શરુ કરી થોડી આમતેમની વાતો કર્યા પછી તેને સીધુ જ પ્રિયા લગ્ન પછી અલગ કેમ રહેવા માગે છે તે વિશે પુછ્યુ.પ્રિયાએ કહ્યુ કે મે તને કહ્યુ તો હતુ કે હુ લગ્ન પછી ઝગડા થાય તેના કરતા તે પહેલા જ સાવચેતી માટે અલગ રહેવા માંગુ છુ.રાકેશે કહ્યુ, પ્રિયા હુ તને જાણુ છુ આ કારણથી તુ અલગ રહેવા માંગતી નથી આ માટે બીજુ જ કઇંક કારણ છે પણ તુ મને તે જણાવતી નથી.જો તારે મને સાચુ કારણ જણાવવુ જ પડશે.અને ત્યારબાદ પણ પ્રિયા ન માની ત્યારે રાકેશે તેને કહ્યુ કે જો તુ નહી જણાવે તો તને મારા સોગન છે.હવે પ્રિયા મજબુર થઇ ગઇ.હવે તેને સાચુ કારણ જણાવવુ જ પડ્યુ.
   પ્રિયાએ હવે આખી વાત કહેવી શરુ કરી.રાકેશ અમે પહેલા ગામડામાં રહેતા હતા.મારા દાદાનુ ગામમાં ખુબ જ મોટુ નામ હતુ.અને અમારે ઘણી જ જમીન જાગીર હતી.મારા પપ્પા તેમાના ભાઇઓ સાથે ગામમાં જ રહેતા હતા.ત્યારબાદ તેઓ ભણવા માટે શહેરમાં આવ્યા અને ત્યાં જ તેમને કૉલેજમાં મારી મમ્મી સાથે પ્રેમ થઇ ગયો અને બન્નેએ ચોરીછુપીથી લગ્ન કરી લીધા.કારણકે મારા પપ્પા એક રુઢિચુસ્ત કુટુંબમાંથી આવતા હતા.મારા દાદાજી આ લગ્ન સ્વીકારે તેમ ન હતા કારણકે મારી મમ્મી બીજી કાસ્ટની હતી.અને વળી તે જમાનામાં તો આ ખુબ જ મોટો અપરાધ ગણાતો હતો.છતા મારા પપ્પાને લાગ્યુ કે લગ્ન કર્યા પછી આપણે તેમને જણાવીશુ તો તેઓ થોડા ગુસ્સે થશે પણ છેવટે બધા માની જશે.પણ.... આટલી વાત કરતા કરતા પ્રિયાની આંખો ભરાઇ આવી.રાકેશે તેની બેગમાંથી પાણી કાઢીને તેને આપ્યુ અને તેને ગળે લગાડેને સાંત્વન આપ્યુ.ત્યારબાદ પ્રિયાએ ફરી વાતનો દોર સાંધ્યો.પણ... તેઓએ મારા મમ્મી-પપ્પાના લગ્નને સ્વીકાર્યા નહિ અને તેમને ગામ અને જ્ઞાતિ બહાર કાઢી મુક્યા અને તેમને મારા દાદાની સંપત્તિમાંથી પણ બેદખલ કર્યા.મારા કાકાઓએ પણ આમાં મારા દાદાનો સાથ આપ્યો કોઇએ તેમની વાત સાંભળી નહી.આજ કરણથી હુ સંયુક્ત કુટુંબમાં રહેવા માંગતી નથી.હુ જાણુ છુ કે તારા પરીવારમાં તમે બધા સંયુક્ત કુટુંબમાં રહો છો.હુ તને એ બધાથી દુર કરવા માંગતી નથી.પણ મારી ફેમીલી સાથે એકવાર આવી ઘટના બની ચુકી છે તેથી જો ફરીવાર ક્યાંક મારીસાથે પણ આવુ થશે તો મારા મમ્મી-પપ્પા આ આઘાત સહન નહિ કરી શકે.અને આટલી વાત કહેતા કહેતા તે ફરીવાર રડી પડી.રાકેશે તેને શાંત પાડી.હવે રાકેશને આખી વાત સમજાઇ ગઇ.હવે તેને લાગ્યુ કે તેના માટે પ્રિયાને સંયુક્ત કુટુંબમાં સાથે રહેવા માટે મનાવવી ખુબ જ કપરુ કામ છે પણ તે એક છેલ્લો પ્રયાસ કરી લેવા માંગતો હતો.તે માટે તેના મનમાં એક પ્લાન હતો પણ તે વખતે તેને પ્રિયાને કઇંજ ન કહ્યુ.
      તે વાતના એક અઠવાડીયા પછી તેને પ્રિયાને કહ્યુ કે તે તેના માતાપિતાને મળવા માટે તેના ઘરે લઇ જવા માગે છે અને તેને એ વખતે તેને પ્રિયાને કહ્યુ કે, આપણે પહેલા એ જણાવીશુ નહી કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ પહેલા તુ ફક્ત મારી દોસ્ત તરીકે મારા પરીવારને મળ અને પછી જ આપણે આપણા પ્રેમની વાત તેમને જણાવીશુ.પ્રિયાને પણ તેની વાત યોગ્ય લાગી તેથી તે કોઇ વિરોધ વગર તે માટે તૈયાર થઇ ગઇ.બીજા દિવસે જ તેઓ રાકેશના ગામ જવા માટે નીકળ્યા.તેઓ જ્યારે ઘરે પહોચ્યાં ત્યારે ત્યાં તે વખતે તેને તેના ઘરનાં બધા સભ્યો હાજર હતા.બધાએ ખુબ જ પ્રેમથી પ્રિયાનુ સ્વાગત કર્યુ.અને એક છોકરીને છોકરાની દોસ્ત તરીકે તે લોકોએ જે સહજતાથી સ્વીકારી તે જોઇને પણ પ્રિયાને આશ્ચર્ય થયુ.પ્રિયાને અને રાકેશને આવેલા જોઇને બધા ખુબ જ ખુશ થઇ ગયા અને બધાએ ખુબ જ હર્ષ અને ઉમળકાથી તેનુ સ્વાગત કર્યુ.અને ઘરે આવેલા મહેમાનની સરભરામાં બધા લાગી ગયા.રાકેશના પરીવારના સભ્યોએ પ્રિયા તેમના પરીવારની જ સભ્ય હોય તે રીતે તેની સાથે વર્તાવ કર્યો.રાકેશનો પરીવાર સંયુક્ત કુટુંબમાં રહેવાથી કેટલો ખુશ હતો તે તેની નજરોથી તે જોઇ શકી.રાકેશના ઘરે ફ્ક્ત એક દિવસ રહીને જ તે એ જોઇ શકી કે અન્યની ખુશીમાં બધા કેટલા ખુશ હતા.તેથી પ્રિયાની આંખો પણ આટલો પ્રેમ જોઇને ભરાઇ આવી.હવે તેને સંયુક્ય કુટુંબનુ મહત્વ સમજાયુ.તેના મનમાં સંયુક્ત કુટુંબ વિશે રહેલા પુર્વગ્રહો દુર થઇ ગયા.અને જમાનાના બદલાવા સાથે લોકોના પહેલાના જમાનાના પુર્વગ્રહો પણ ક્યારના દુર થઇ ગયા છે તે વાત તે અહીંયા આવીને પ્રત્યક્ષ જોઇ શકી.  
    સાંજના તેઓને નીકળવાનુ હતુ.તેથી તેઓ થોડો સમય બહાર ગામમાં લટાર મારવા માટે નીકળ્યા.રાકેશને હવે પ્રિયા સાથે તે તેના પરીવાર સાથે કેટલો ખુશ છે તે જણાવવુ હતુ અને આ પરીવારને છોડીને તે તેની સાથે અલગ નહી રહી શકે તે જણાવવુ હતુ.પણ એ માટે તેને કોઇ એકાંત વાળી જગ્યાની જરુર હતી.તેથી તે પ્રિયાને ગામની બહાર આવેલા શિવમંદીર પર લઇ ગયો.હજુ આરતી થવામાં ખાસી વાર હતી તેથી મંદીર ખાલી હતુ.મંદીરની પાછળની બાજુ તળાવ તરફ પડેલા બાંકડા પર બંન્ને બેઠા.ત્યાંથી દેખાતા તળાવના એ શાંત અને સુંદર દ્રષ્યને નિહાળતા થોડી પળો એમ જ ગુજરી ગઇ.રાકેશ વાત શરુ કરવા માંગતો હતો પણ કેમ કહેવુ કેવી રીતે પ્રિયાને ના પાડવી એક વર્ષના સાથ પછી છુટા પડવાની વેળા આવી પહોંચી હતી પણ તેની જીભ આ વાત કહેવા માટે ઉપડતી ન હતી.થોડીવારના મૌન પછી પ્રિયાએ વાત કરવી શરુ કરી.રાકેશ મને ખબર છે તુ મને અહિંયા તારી દોસ્ત તરીકે કેમ લાવ્યો હતો.પ્રિયાની વાત સાંભળીને રાકેશ તેની તરફ આશ્ચર્યથી જોઇ રહ્યો.પ્રિયાએ તેની વાત ચાલુ રાખી. જેથી હુ આ ઘરની સભ્ય ન હોવા છતાં તારા ઘરના લોકો મારી સાથે કેવુ વર્તન કરે છે તે હુ જોઇ શકુ, સંયુક્ત કુટુંબમાં પણ બધા કેટલા પ્રેમથી રહી શકે છે તે હુ જોઇ શકુ અને જો હુ આ પરીવારનો હિસ્સો ના હોવા છતાં પણ જો તેઓ મને આટલો પ્રેમ આપે છે તો પછી હુ જ્યારે આ પરીવારનો હિસ્સો બનીશ ત્યારે મને કેટલો પ્રમ આપશે! હવે હુ તારી બધી વાત સમજી ગઇ.રાકેશ ચુપચાપ તેની વાત સાંભળતો રહ્યો અને આ બદલાયેલી પ્રિયાને જોઇ રહ્યો.તેના દિલમાં ખુશીના ફુવારા ફુટી રહ્યા હતા તેના મનમાં લગ્નની શરણાઇઓ વાગી રહી હતી.તેનુ મન જાણે મોર બનીને નાચી રહ્યુ હતુ તેની ખુશીની કોઇ સીમા ન હતી.પણ તેને વ્યક્ત કરવા માટે તેની પાસે કોઇ શબ્દો ન હતા.તેને ફક્ત પ્રેમથી પ્રિયાને માથે ચુમી લીધી અને તેને ગળે લગાવી લીધી.

-----------------------------  સમાપ્ત    ---------------------------