આજકાલ ડિપ્રેશન ની બિમારી ભારતીયોમાં વાયુવેગે પ્રસરી રહી છે. આમ તો આ બિમારી અગાઉ વિદેશોમાં જ વધુ જોવા મળતી હતી પરંતુ વિદેશી માલ અને ફેશન ની જેમ હવે ભારતીયો ત્યાંની બિમારી પણ લેવા માંડ્યા છે.
ડિપ્રેશન ઘણાં પ્રકારના હોય છે તેમ તેના તબક્કા પણ અનેક હોય છે. જો ડિપ્રેશન શરુઆતના તબક્કામાં હોય તો તેમાંથી બહાર આવતાં વધુ સમય જતો નથી. જો ડિપ્રેશનની અસર વધુ હોય તો કોઈ મનોચિકિત્સક અને ફેમિલી મેમ્બર ના સહકાર અને ઉપચાર થી તેમાંથી ધીરે ધીરે બહાર આવી શકાય છે પરંતુ જો આ બીમારી તેના અંતિમ તબક્કા સુધી પહોંચી ગઈ હોય અને તે વ્યક્તિ ને સહયોગ અને કોઈ ઉપચાર નહિ મળે તો તે માણસને અયોગ્ય પગલું લેવા માટે મજબૂર કરે છે. તમારી સાથે આવું ન થાય અને બીમારી અંતિમ તબક્કા સુધી પહોંચે એ પહેલાં તેના લક્ષણો અને ચિહ્નનો પારખીને તુરંત સારવાર કરી લેવી જોઈએ.
તમે પોતે અથવા તમારી આસપાસના કોઈ વ્યક્તિ ડિપ્રેશન માં છે કે નહીં તે જાણવા માટે અહીં જણાવવામાં આવેલા ચિહ્નનો પર એક નજર કરી લેજો અને હાથમાંથી સમય સરકી જાય તે પૂર્વે સારવાર પણ ચાલુ કરી દેજો.
૧. નિરાશાવાદી અભિગમ
મારુ નસીબ જ ખરાબ છે. મારી સાથે જ કેમ આવું થાય છે. કંઈ મજા નથી આવતી જો તમે આવા વાક્યો વાંરવાર બોલતા હોવ અથવા તમારી આસપાસ ના લોકો પાસેથી આવા વાક્યો અવારનવાર સાંભળવા મળતાં હોય તો સમજી જજો કે ડિપ્રેશન તેની જાળ પાથરી રહ્યું છે.
૨. લોકોથી અળગા રહેવાં ના ખોટા બહાના કાઢવા
ડિપ્રેશન માંથી પસાર થનાર હમેશાં દુનિયાથી દૂર રહેવાની કોશિશ કરતાં હોય છે તેમજ તેઓ જાહેર જીવનમાં બધાની સાથે મળવાનું પણ પસંદ કરતાં નથી. કોઈ તેમને પાર્ટીમાં બોલાવે અથવા બહાર ફરવા કહે તો તેઓ ખોટા બહાના કાઢી ને ટાળી દેતાં હોય છે.
૩. લાગણી શૂન્ય બનીને રહેવું
ગમે તેટલી સારી ચર્ચા થતી હોય તો પણ તેમાં સહભાગી થવું નહીં અને પોતાના વિચારો માં જ ખોવાયેલા રહેવું આ ઉપરાંત જોક્સ, ગંભીર ચર્ચા અથવા વાદવિવાદ ના પ્રસંગોમાં પણ નો એક્સપ્રેશન વાળા ચહેરે ફરવું
૪. પોતે બહુ બિમાર છે એવું વાંરવાર દર્શાવવું
ડિપ્રેશડ વ્યક્તિ પોતાને અંદર થી અને બહારથી ઘણો જ નબળો અને અશક્ત સમજે છે. જેથી તેને વારંવાર કશે ને કશે શારીરિક તકલીફ થતી રહે છે એવું અનુભવે છે. તેમજ તેની બિમારીઓના આખો દિવસ ગુણગાન ગાતા રહે છે. દુઃખી રહે છે.
૫. બેદરકાર કાર્યશેલી
ડીપ્રેશન થી પીડાતાં લોકો દરેક બાબતે બેદરકારી રાખતાં હોય છે કારણ કે તેમને કઈ પણ કરવામાં રસ પડતો નથી. ઘરમાં સાફસફાઈ થી માંડી ખાવાની બાબતે પણ એટલી જ બેદરકારી રાખે છે અને બધું અસ્તવ્યસ્ત રાખે છે. અહીં સુધી પોતાની સંભાળ પણ નથી રાખતા.
૬. કામકાજ અસ્તવયસ્ત થવું
ડીપ્રેશન ને લીધે વ્યક્તિ વિચારો ના વમળમાં એવો ખોવાઈ જાય છે કે તેને કરવાના જરૂરી કાર્ય પણ તે ભૂલી જાય છે ઑફિસ માં પણ તેની કાર્ય કરવાની શક્તિ ક્ષીણ થતી જાય છે. કઈ યાદ રહેતું નથી. થાક થાક લાગ્યા રાખે છે જેને લીધે નિરાશા વધતી જાય છે.
૭. પોતે બહુ ખુશ છે એવું બતાવવું
આવી વ્યક્તિ હમેશા પોતે ખુશ છે અને સકારાત્મક વિચારધારા ધરાવે છે એવું બતાવવાની કોશિશ કરે છે તેમજ જોર જોર થી ખોટું હસી બતાવે છે.
શું કરવું ?
ડિપ્રેશડ વ્યક્તિ એ વિચારો ને લાંબા સમય સુધી મગજમાં લાવવા નહીં. તરત જ અન્ય પસંદગીના વિષય પર ચર્ચા કરવાની અને વિચારવાની શરૂઆત કરી દેવી જોઈએ.
મન મારીને પણ બહાર જવું સકારાત્મક લોકો અને જગ્યા એ જવું. મનગમતી પ્રવૃત્તિ કરવી. ખુલ્લી અને તાજી હવામાં ફરવું. એકાંત માં બેસી રહેવું નહિ. બધાંની સાથે ખુલ્લા દિલથી વાત કરવી. જેટલું તમે બહાર હળશો મળશો જેટલી વધુ સારી ચર્ચા કરશો એટલા જલ્દી તમે તેમાંથી બહાર આવી શકશો. નકારાત્મક અને નિરાશાવાદી થી દુર રહો. સારી ચર્ચા માં સામેલ થવાના પ્રયત્ન કરવા. ચર્ચા દરમિયાન વારંવાર અભિગમ આપવાની કોશિશ કરવી. જો વ્યક્તિ ડિપ્રેશડ હોય તો તેના ખભા પર હાથ મૂકીને તેની સાથે ચર્ચા કરવી જેથી તેને આત્મતિયતા નો અનુભવ થઈ શકે અને પોતાને હળવો અનુભવે.
સામાન્ય રીતે તમે માનસિક પ્રોબ્લેમ થી પીડાતા હોવ તો તેની અસર તમારા શરીર પર પડે જ છે ડિપ્રેશડ વ્યક્તિના વિચારની ગતિ અન્ય સામાન્ય લોકો કરતાં ઘણી ઝડપથી ચાલતી હોય છે વધુ વિચારવાને લીધે મગજને થાક લાગે છે અને નસો પર દબાણ આવે છે જે શરીરના અન્ય અંગો ની સાથે જોડાયેલી હોય છે જેથી શરીર થાક અનુભવે છે આવા સમયે નિરાશાવાદી વ્યક્તિને એવો જ અનુભવ કરાવવો જોઈએ કે તેને કોઈ બિમારી નથી તેમજ આના કરતાં પણ વધુ બીમારી ધરાવતાં વ્યક્તિ કેટલા સુખેથી રહે છે તેના દાખલા આપવા જોઈએ.
ડીપ્રેશન એક બીમારી છે રોગ નથી એટલે તેની સામે ઘૂંટણીયે થઈ જવાને બદલે તેની સામે લડો અને જીતો. જો માનવી કેન્સર ના છેલ્લા સ્ટેજ પર પહોંચીને પણ ખુશ રહી શકે છે તો ડિપ્રેશડ વ્યક્તિ કેમ નહિ? મજબૂત મનોબળ દરેક ગંભીર માં ગંભીર બીમારી અને રોગમાંથી બહાર કાઢી શકે છે. તેમજ દરેક બાબતનું કોઈને કોઈ સોલ્યુશન હોય જ છે માત્ર ઈશ્વર પર ભરોસો રાખો અને કોઈ પણ ખોટું પગલુ ભરતાં પહેલાં તમારાં ઘરના સભ્યોનો વિચાર કરજો.
લેખક : દર્શિની વશી