Vikruti - 47 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-47

Featured Books
Categories
Share

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-47

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-47
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
     વિહાનને આકૃતિની બીમારી વિશે ખબર પડે છે પછી તેણે આકૃતિને મળવાની આશા છોડી દે છે.ત્યારબાદ બાવાજી વિહાનને બીજીવાર મળવાની કોશિશ કરે છે પણ વિહાન તેને મળતો નથી.વિહાન જ્યારે ઑફિસેથી ઘરે જતો હોય છે ત્યારે બાવાજી સાથે તીખી વાતો થાય છે.હવે આગળ…
     ખુશી રડી રહી હતી,પોતે ખોટું કર્યાનો દોષ તેને રહી રહીને સતાવી રહ્યો હતો.
‘મેં વિહાન સાથે ખોટું તો નથી કર્યુંને?”ખુશી પોતાની જાતને પૂછતી હતી.
‘ના,જો એક વાત છુપાવવાથી કોઈનું સારું થતું હોય તો એ ખોટું નથી’
‘અને લગ્ન પછી?ક્યારેક તો વિહાનને ખબર પડશેને?ત્યારે શું થશે?આકૃતિ તો વાત છુપાવવાનું ખોટું કારણ આપી વિહાનથી દૂર થઈ હતી,અહીં તો વિહાન પાસે સાચું કારણ હશે’
‘પણ વિહાન એ વાત સહન કરી શકશે?જો એ વાત વિહાનને ખબર પડી તો…?’
‘ના હું કહી જ નહીં..મરીશ ત્યાં સુધી નહિ કહું’
‘એક દિવસ તો કહેવું જ પડશે ખુશી’
    ખુશીએ આંખો બંધ કરી-ખોલી,ફરી બંધ કરી-ખોલી અને વિક્રમને કૉલ લગાવ્યો.
“યાર આપણે વિહાનને આકૃતિથી દુર કરીને ખોટું તો નથી કરતાંને?”ખુશીને ગભરામણને કારણે કપાળે પરસેવો વળી ગયો હતો.
“કેમ શું થયું?”વિક્રમે પૂછ્યું.
“મને સતત ડર લાગે છે યાર,આજ નહિ તો કાલે વિહાનને આ વાતની ખબર પડીને જ રહેશે અને જ્યારે આ વાતની ખબર પડશે ત્યારે ‘આપણે આટલા બધા વર્ષ તેને છેતરતા રહ્યા’ એ જ બાબત તેને દુઃખી કરશે”
“તો હવે અત્યારે એમ કહીશ કે સૉરી વિહાન તારાથી અમે પાંચ વર્ષ વાત છુપાવી અને હવે ડર લાગે છે એટલે કહીએ છીએ”
“એ મને નથી ખબર પણ હવે હું આ બોજ સહન નથી કરી શકતી, મારા અને વિહાનના નવા સંબંધને હું એક જુઠથી શરૂ કરવા નથી માંગતી”
“મને ટાઈમ આપ,આમ પાંચ વર્ષથી ચાલ્યું આવતું જુઠ એમ સામે ના લવાય, હું તને હમણાં કૉલ કરું”કહી વિક્રમે કૉલ કટ કરી દીધો.
                      ***
     વિહાનની બાવાજી સાથે મુલાકાતને સાત દિવસ થઈ ગયા હતા.રોજે એ બાવાજી પાર્કિંગની બહાર ઉભા રહેતાં અને સામે નીકળતી વિહાનની ફોર્ચ્યુનરને જોયા કરતા,વિહાન પણ એ બાવજીને અવગણીને એક્સીલેટર પર ભાર આપી દેતો.પણ આજે કદાચ દિવસ પશ્ચિમમાંથી ઉગ્યો હતો.
      વિહાને નિત્યક્રમ મુજબ કામ સમેટી ફોર્ચ્યુનર પાર્કિંગમાંથી બહાર કાઢી,આજે સ્નેહાએ વિહાન સાથે બ્રેડ મંગાવ્યા હતા એટલે તેણે ઑફિસમાં બ્રેડ મંગાવી લીધા હતા,જે તેણે સ્ટિયરિંગ પાસે મ્યુઝિક સિસ્ટમની ઉપર કાચ પાસે રાખ્યા હતા.બહાર નિકળતાની સાથે જ વિહાને જોરથી બ્રેક મારી અને કાચ નીચે કર્યો.છેલ્લાં સાત દિવસથી વિહાનની રાહ જોઇને ઉભા રહેતાં બાવાજી આજે એ જગ્યા પર નોહતા ઉભા.
‘કંટાળી ગયાં લાગે બાવાજી”મનમાં હસી વિહાન કાચ ઉપર કરવા જતો હતો ત્યાં સામેના કાચ પર બે ટકોરા પડ્યા.વિહાને એ કાચને પાર બાવજીનો સ્મિતવત ચહેરો જોયો.વિહાન હસ્યો અને દરવાજો ખોલી નાખ્યો.બાવાજી ફોર્ચ્યુનરમાં બેસી ગયા.
“તમે હાર ના માની નહિ બાવાજી!!!”હસતાં હસતાં વિહાને કહ્યું.બાવજીએ બત્રીસી દેખાડી.તેઓની વધેલી ઘેઘુર મૂછ ઉપરના હોઠને છુપાવીને દાંત પાસે પહોંચતી હતી.
“સ્થિતિપ્રજ્ઞને મન હાર શું અને જીત શું?હું તો મારું કર્મ કરું છું”બાવજીએ સસ્મિત સાથે કહ્યું.
“ચાલો આજે જણાવી જ દો તમારું કર્મ..”
“ગાડી સાઈડમાં લગાવ”બાવજીએ સુચનાત્મક અવાજે કહ્યું. વિહાને ફોર્ચ્યુનર સાઈડમાં લીધી અને બંધ કરી દીધી.
“જુઓ બાવાજી,સાડા આઠ થયા છે, નવ વાગ્યા પછીનો સમય હું મારી મમ્મી અને બહેન સાથે વિતાવવાનું પસંદ કરું છું તો આશા રાખું છું કે તમારું કર્મ ત્યાં સુધીમાં પૂરું થઈ જશે”
“ હું તો તારી પાંચ મિનિટ જ માંગતો હતો વિહાન”બાવજીએ કહ્યું.વિહાને પ્રશ્નાર્થત્મક નજરે બાવાજી સામે જોયું.
“પહેલા તું મને વચન આપ કે હું જે પૂછીશ એનો તું સાચો જ જવાબ આપીશ”
“હું સાચું બોલું કે ખોટું,તમે તો અંતર્યામી છો ને,તમને ખબર નહિ પડી જાય?”
“મારે તારા શબ્દોમાં સાંભળવું છે”
“હું બધું સાચું કહેવા બંધાયો,ચાલો આગળ વધો”
“તો ચાલ આંખો બંધ કર”બાવજીએ કહ્યું એટલે વિહાને કારને લોક કરી ચાવી પોકેટમાં રાખી અને આંખો બંધ કરી”બાવાજી સહેજ હસ્યા.
“પહેલો સવાલ, તે આટલી કોશિશ કરી છતાં આકૃતિને મળી શક્યો નહિ, શું તું એને મળવાની આશા ખોઈ બેઠો છે?”
“આશા અમર છે બાવાજી,જ્યાં સુધી મારા છેલ્લાં શ્વાસ ચાલશે ત્યાં સુધી મારી આશા બંધાયેલી રહેશે”વિહાનનો અવાજ દિલથી નીકળતો હતો.
“બીજો સવાલ,તે આકૃતિને મળવાના દિલથી પ્રયાસ કર્યા હતા કે દિમાગથી?”
“દિમાગથી બાવાજી,એ કારણ આપ્યા વિના મને છોડી ગઈ અને કારણ આપ્યું તો એ મારા પર ખોટા આક્ષેપો હતા,મારે તેને મળીને સમજાવવું છે કે તેણે ભૂલ કરી છે.”
“છેલ્લો સવાલ,હવે તું આકૃતિને મળીને શું કહેવા માંગે છે?”
“હું તેને હવે કંઈ કહેવા નથી માંગતો,બસ તેને બાથ ભીડી રડવા માંગુ છું અને જો સાચો પ્રેમ હશે તો અમે ચોક્કસ મળશું”વિહાનની બંધ આંખોમાંથી આંસુની ધાર થઈ ગઈ.
“તો સાંભળ”બાવજી કોઈ ભવિષ્યવાણી કરતાં હોય એવા ઘેરા અને ઉંચા અવાજે બોલ્યા,“મેહુલો એની હેલીએ વરસશે,વરુણદેવ કોપાયમાન થશે અને વીજળીના નાદથી પૂરું ગગન ગુંજશે,તારી અને આકૃતિની પહેલી મુલાકાત જેવા હાલત હશે,તું પહેલી મુલાકાત યાદ કરતો હશે અને ત્યારે એક ઘટના બનશે.બસ એ ઘટના ઘટયાના થોડાં સમયમાં જ તારું અને આકૃતિનું મિલન થશે”બાવજીએ વિહાનના માથાં પર હાથ રાખ્યો,લીધો અને દરવાજનો લૉક ખુલવાનો અવાજ આવ્યો.
     વિહાને એ જ સેકેન્ડે આંખો ખોલી તો ફોર્ચ્યુનરમાં કોઈ નોહતું.વિહાને દરવાજો ખોલવાની કોશિશ કરી પણ દરવાજો લૉક હતો.તેણે પોકેટમાંથી ચાવી કાઢી અને દરવાજો ખોલી બહાર આવ્યો.આજુબાજુ નજર કરી,બાવાજી ના દેખાયા.
    વિહાન ફરી ફોર્ચ્યુનરમાં ઘૂસ્યો,બધી વસ્તુઓ તપાસી.બધી વસ્તુઓ સહીસલામત હતી બસ એક બ્રેડ સિવાય.મ્યુઝિક સિસ્ટમ ઉપર રહેલા બ્રેડનું પેકેટ ગાયબ હતું.
“હાહાહા,બાવાજી તેની દક્ષિણા લઈ ગયા”વિહાન જોરથી હસતાં બોલ્યો,બાવજીની વાત બીજા કાનેથી કાઢીને આગળની બેકરીએ બ્રેડ લેવા ફોર્ચ્યુનર હંકારી.
     વિહાનની ફોર્ચ્યુનર તો આગળ વધી ગઈ પણ હજી બ્રેડનું પેકેટ એ જ જગ્યાએ રોડની સાઈડમાં પડ્યું હતું.
                    ***
      પછીના દિવસે વાતાવરણ પલટાયું હતું.સતત બે દિવસના તાપ બાદ આજે કાળા ધુમાડાના ગોટા જેવા વાદળો અમદાવાદ પર તોળાય રહ્યા હતા.આ સમય વિહાન માટે કપરો હતો,કારણ આકૃતિ જ હતી.જ્યારે પણ વાદળોમાંથી છૂટતું નિલ ધરતીને સ્પર્શતું ત્યારે વિહાનનું હૃદય પણ ભીંજાતુ.રેડ ટોપમાં ભીંજાતી અજાણ્યી છોકરી હોય કે ચાની કિટલી પર પ્રેમ વિશે ચર્ચમાં ઉતરી છોકરી,આકૃતિ સાથે જોડાયેલી એક એક વાત તેને યાદ આવતી.
      વિહાનના આશ્ચર્ય વચ્ચે આજે એવું કંઈ જ નોહતું થયું. વિહાન પોતાનાં કામમાં વ્યસ્ત રહેતા શીખી ગયો હતો.કદાચ જો વરસાદ આવે તો કાચ પર બાજતાં ટીપાં જોવાનો પણ તેની પાસે સમય નોહતો.વરસાદ આવે અને આકૃતિની યાદ ન આવે એ વાતથી વિહાન ખુશ હતો પણ ખુશીના આવેલા એક કૉલે વિહાનની ખુશીને ઓસરાવી દીધી.એ સમયે વિહાન એક પાર્ટી સાથે કૉલમાં વાત કરતો હતો અને ખુશીનો કૉલ આવ્યો.
“ખુશી હું પાર્ટી સાથે ડિલ કરું છું પછી કૉલ કરું તને”વિહાન કૉલ કટ કરવા જતો ત્યાં ખુશી બોલી,
“ઇમરજન્સી છે વિહાન”
“એક મિનિટ”કહી વિહાને પેલી પાર્ટીને પછી વાત કરવાનું કહી ખુશી સાથે વાત કરી.
“વિહાન, આકૃતિની હાલત બગડતી જાય છે”ખુશીએ નરમ અવાજે કહ્યું.
“વિક્રમ છે ને તેની સાથે”વિહાને કહ્યું, “આપણે તેના વિશે ચર્ચા નહિ કરીએ એમ નક્કી કર્યું હતું”
“વિહાન..”ખુશીએ ડૂસકું મૂક્યું, “તેની પાસે હવે બિલકુલ સમય નથી”
      એક સમયે દ્રષ્ટિના કૉલે પણ વિહાનને આમ હચમચાવી મુક્યો હતો અને આજે ખુશીના કૉલે એ જ કર્યું હતું પણ આશ્ચર્ય વચ્ચે એ સમાચાર કરતાં આ સમાચાર વધુ દુઃખદાયી હોવા છતાં વિહાન સ્વસ્થ રહ્યો.
“પણ આકૃતિ મારો ચહેરો સુધ્ધાં જોવા નથી માંગતી”
“એ ધીમે ધીમે મરી રહી છે વિહાન,ભલે એ તારાથી ગમે તેટલી નારાજ હોય પણ એકવાર તારો ચહેરો જોઈ લેશે તો….”ખુશીનો રડવાનો અવાજ મોટો થતો ગયો.વિહાનની આંખમાંથી ક્યારની ગંગા-યમુના વહી રહી હતી.
“આપણે કાલે જશું”રૂંધાતા અવાજે વિહાને કહ્યું.
“મેં અત્યારે છ વાગ્યાની ફ્લાઈટમાં બુકીંગ કરી નાખ્યું છે.”ખુશીએ કહ્યું, “તું અત્યારે જ ઘરે જા અને અડધી કલાકમાં ઍરપોર્ટ પહોંચ”
“હા હું નીકળું જ છું”કહી વિહાને કૉલ કટ કર્યો અને બધું છોડી ઘર તરફ ફોર્ચ્યુનર દોડાવી.
     ખુશીએ કૉલ કટ કરી વિક્રમને કૉલ કર્યો.
“તે જેમ સમજાવ્યું હતું એમ મેં વિહાનને ‘આકૃતિ પાસે હવે સમય નથી’ એમ કહી છ વાગ્યાની ફ્લાઈટમાં આવવા તૈયાર કરી લીધો છે. બોલ આગળ શું કરવાનું છે?”
“હવે તે આપેલા સમયે વિહાન પાસે પહોંચી જા અને આકૃતિનું દુઃખ છે એવું ચહેરા પર બતાવજે નહિંતર એ કળી જશે”
“હાહાહા”ખુશી ફિક્કું હસી, “છેલ્લાં પાંચ વર્ષથી દેખાડતી આવી છું અને આજે પકડાઈ જઈશ?તું ફોન રાખ મારે ઘણાબધા કામ છે”
       બંને બાજુથી કૉલ કટ થઈ ગયા.ખુશી તૈયાર થઈને ચાર વાગ્યે એરપોર્ટ જવા નીકળી ગઈ.વિહાન પણ સમયસર એરપોર્ટ પહોંચી ગયો હતો. ફોર્મલિટીઝની પ્રોસેસ પુરી કરી બંને વેઇટિંગ રૂમમાં બેઠા હતા.છ વાગવામાં હજી અડધી કલાકની વાર હતી.
      પાંચને પાંત્રીસે વિહાનનો કૉલ રણક્યો.ડિસ્પ્લે પર 62 વાળો નંબર અને ઉપર ‘વિક્રમ’ નામ લખાયેલું આવ્યું.
(ક્રમશઃ)
      શું વિહાન આકૃતિને મળી શકશે કે આ વિક્રમ અને ખુશીની કોઈ ચાલ હશે?બાવજીએ કહ્યું હતું એ સત્ય હતું કે પછી કોઈ ઢોંગી હતાએ?
         વિક્રમે શા માટે વિહાનને કૉલ કર્યો હશે?વિહાનને કૉલ કરવા પાછળ વિક્રમની કોઈ ચાલ હશે?જાણવા વાંચતા રહો,વિકૃતિ.
      28 જાન્યુઆરીથી મેઘા ગોકાણીની કલમે ‘લવ,લાઈફ અને કન્ફ્યુઝન’ નામે નવી નૉવેલ રજૂ થઈ છે, અચૂક વાંચજો.

Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)