taarak mehta ka ooltah chasma - safalta no x-ray in Gujarati Magazine by Sanket Shah books and stories PDF | તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં - સફળતાનો એક્સ-રે

Featured Books
Categories
Share

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં - સફળતાનો એક્સ-રે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં – સફળતાનો એક્સ-રે

હસી શકવું એ માણસજાતને મળેલી કળા છે, પણ હસાવી શકવું એ તો વરદાન છે. હાસ્ય એ કોઈ પણ આડઅસર વગરની અકસીર દવા છે. આજનો જમાનો ખુબ જ તનાવભર્યા માહોલ પેદા કરે છે તેની સાબિતી તો એ છે કે એક જમાનામાં સાસ-વહુના જોવાતા અને મન ભરીને મણાતા કકળાટ કરતા, શુદ્ધ હાસ્ય પીરસતી ચેનલ જોવા તરફ લોકોનો ઝોક વધ્યો છે. અધિકારી ભાઈઓએ ભેગા મળીને શરુ કરેલી એક ચેનલ Shri Adhikari Brothers એટલે કે SAB ટી.વી. આજે સફળતાનો પર્યાય છે. આખો પરિવાર બેસે એટલે તે ચેનલ આવતા જ રીમોટ બાજુ પર મુકાઈ જાય છે. SAB ટી.વી.ની આ સફળતાનો સૂર્યોદય જોકે ૨૮ જુલાઈ ૨૦૦૮ના દિવસે આસિતકુમાર મોદીના અથાગ પ્રયત્નોને કારણે જ થયો એમ હું માનુ છું. હા, એ દિવસે રાતના સાડા આઠ વાગ્યે જે સીટકોમ (Situational Comedy) પ્રસારિત થઇ તે SAB માટે કમાઉ દીકરો તો સાબિત થઇ જ પણ સૌની અપેક્ષાથી પરે છેલ્લા અગિયાર વર્ષથી ભારતીયો માટે ટોનિક બની ગઈ. આ શો એ લોકોને હસવાની આદત પાડી દીધી. આ શો ની તાકાત તો જુઓ કે, કોઈ પણ દ્વિઅર્થી સંવાદો કે અશ્લિલ હરકતો વગર પણ આ શો – તારક મહેતા કા ઉલટા ચશ્માં (TMKOC) લોકોને હસાવવામાં સફળ રહ્યો છે.

સૌ જાણે છે કે આ શો પ્રસિદ્ધ હાસ્યકાર તારક મહેતાની કલમનું નાના પડદે સંસ્કરણ છે. સમયને અનુરૂપ અમુક બદલાવો જેમ કે - ચાલી ને બદલે સોસાયટી, કે ચુપ રહેતી દયાબેનથી ચુપ ન રહી શકતી દયાબેન વગેરે.. ને કારણે શો આજના સમાજને આકર્ષવામાં સફળ રહ્યો છે. આમ જુઓ તો વિષય ખુબ જ સામાન્ય લાગે. ગોકુલધામ સોસાયટીમાં રહેતા પરીવારોની વાતો, તેમની તકલીફો અને તેમની જિંદગી… પણ તેમની એકતામાં આપણે પણ ક્યાંય એકતા શોધતા હોઈએ છીએ એ જ આ શોને જાનદાર બનાવે છે. તેમાં પણ કલાકારોનો beyond the box અભિનય, પાત્રો સાથે આપણને જોડી દે છે. જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી આ શો ના શાહરુખ ખાન છે, બેતાજ બાદશાહ. હવે આપણા માટે જેઠાલાલ કે મહેતા સાહેબ કે ભીડે એ માત્ર પાત્રો નથી, આપણને જેમના વિશે જાણવાનું ગમે છે તેવા parallel space માં રહેતા માણસો છે. હા, અમુક કલાકારોની ઓવરએક્ટિંગ છે જેમ કે અંજલી ભાભી, અબ્દુલ ભાઈ કે પછી ખુદ આસિત મોદી, પણ તે ઢંકાઈ જાય છે. આ શો આટલો સફળ છે કારણ કે તેણે દર્શકોની નાડ પારખી છે. વારંવાર મુસીબતોમાં ફસાઈ જતા જેઠાલાલ અને ચા.લુ. પાંડે સાથે થતી માથાકૂટ, ભીડે અને જેઠાલાલના બાપના માર્યા વેર (પણ અંદરથી એકબીજાની ફિકર ખરી), બબીતા પ્રત્યે જેઠાલાલનું આકર્ષણ અને તેનાથી ઐયર સાથે છત્રીસનો આંકડો, બાપુજીનો પડ્યો બોલ ઝીલવા જતા સર્જાતી રામાયણો, ‘સાળા શાંતિ હવન’ કરાવવા પડે તેવા સુંદર સાથેના સંબંધો અને આ બધામાં બોનસ હોય તો મુશ્કેલીનો સબબ બનતા બાઘા અને નટુકાકા. એક સામાન્ય માણસ પોતાની જાતને ક્યાંય ને ક્યાંય કનેક્ટ થઇ જ જાય તેવું તો ઘણું આ સિરિઅલના ભાથામાં છે.

આ સિરિઅલ વર્ષોથી સતત ટ્રેંડમાં રહી છે, TRP ચાર્ટમાં તે ટોપ 5 માં ન હોય તો તે ન્યુઝ બની જાય છે. ‘સહી બાત હૈ’, ‘દુનિયા હિલા દુંગા’, ‘જૈસી જિસકી સોચ’ જેવા વાક્યો રૂઢીપ્રયોગ બની શકે એ હદે લોકપ્રિય થઇ ગયા છે. કહેવાનો કેન્દ્રીય પોઈન્ટ એ છે કે જિંદગીમાં તમે કોઈ must do લિસ્ટ બનાવ્યું હોય તો આ સિરિઅલ ને તેમાં એડ કરી જ દો. ખાસ કરીને જુના એપિસોડ્સ તો હાસ્યનો ખજાનો છે. સિરિઅલમાં અમુક factual errors છે, પણ તે અવગણી શકાય એટલી મામુલી છે.

એક કહેવત છે કે દરેક સફળ વસ્તુને પોતાનો જ ભાર લાગે છે. મતલબ, સફળતા પચાવી શકવી એ દરેક સફળ વસ્તુ/વ્યક્તિના બસ ની બાત નથી. આટલા વર્ષોથી TMKOC જોઇને મને એમ લાગે છે કે એવી ઘણી જગ્યાઓ છે જે આ સિરિઅલમાં ન હોવી જોઈએ કે મર્યાદિતપણે હોવી જોઈએ. એવા અમુક મુદ્દા કે આ સિરિઅલને માણવાલાયક બનાવવાને બદલે બોરિંગ બનાવી દે છે તેના પર નજર કરીએ. ના, એક ક્રિટિકની નજરથી નહિ, એક દર્શકની નજરથી.

v અંધશ્રદ્ધા: આ સિરિઅલનો સૌથી મોટો પ્રશ્ન. તમે જોયું હશે કે જયારે પણ કોઈ ટોપિક રજુ કરવાનો હોય અને કોઈને કઈ તકલીફ આવવાની હોય ત્યારે ત્યારે રાશિફળ પ્રમાણે તેમનો દિવસ ભારે બતાવી દેવાય છે. કે પછી દયાબેનની મા ને પૂર્વાભાસ થતો બતાવવામાં આવે છે. અને અંતે થાય પણ તે રીતે જ છે. મતલબ, દયાબેનની મા ને પૂર્વાભાસ થાય( દરેક વખતે થાય પાછો) ત્યારે શરૂઆતમાં સૌ આને અંધશ્રદ્ધા ગણે પણ પછી તેઓ જાણે ખોટા હોય તેમ તે ઘટના તેમની સાથે થાય જ. જોકે, હાસ્ય ધારાવાહિકમાં થોડી છૂટ તો લેવી જ પડે,હાસ્ય ઉત્પન્ન કરવા માટે, પણ દરેક વખતે આમ જ થાય એમ બતાવવું જરૂરી નથી.

v અતિરેક: જે રોજના દર્શક હશે તેમને ખબર હશે કે આમાં દરેક તહેવાર, દરેક વાત માટે અતિરેક બતાવવામાં આવે છે. દાખલા તરીકે, કોઈ તહેવાર હોય તો બધાને જરૂર કરતા વધારે ઉત્સાહમાં બતાવાય, હોય તહેવાર પર બધા ખુશ હોય પણ લાફીંગ ગેસ સુંઘી લીધો હોય તેમ ના લાગવું જોઈએ ને! ધર્મ એકરૂપતા દર્શાવવા માટે મુસ્લિમ અબ્દુલને ફરજીયાત દરેક હિંદુ ધર્મના તહેવારોમાં હાજર રખાય અને ઈદ જેવા પ્રસંગે આખી સોસાયટી હાજર રહી સાંજે જયારે રોઝા છૂટે ત્યારે ખાય. પણ ધર્મ પ્રત્યે સહિષ્ણુતાનો આપણે બહુ જ ઉંધો મતલબ કાઢ્યો છે. દરેક ધર્મને આદર આપો, ધર્મના આધારે સામેવાળી વ્યક્તિના વર્તનમાં ફેર ન કરો એટલું પુરતું છે. પોતે સહિષ્ણુ છે તેમ બતાવવા માટે અન્ય ધર્મની રીતિ કે તહેવારોમાં ભાગ લેવો જ પડે તેમ નથી. ચાલો, તોય ધર્મનું સમજ્યા, જયારે કોઈ ફિલ્મ સ્ટાર આવે ત્યારે તે શાહરુખ હોય કે નામ પણ ન જાણતા હોય તેવો કોઈ વ્યક્તિ, બધા એટલા જ અહોભાવથી આવકારે. સૌને hyperactive કરી દેવાયા હોય તેમ ચીસાચીસ થઇ જાય. ટુંકમાં, ડર હોય કે પ્યાર બધું જ અતિમાત્રનું બતાવે છે. કુતરાથી તમે ય ડરતા હો અને હું પણ, પણ તેના લીધે એટલું તો ના જ કરીએ જેટલું જેઠાલાલ કરે છે. ત્યાર બાદ જયારે ડર દુર થાય છે ત્યારે, પ્યારના નામે પણ અતિરેક. નાનું છોકરું સૌને વહાલું હોય, પણ તેથી ‘ખુશી’ને કોઈ કાયદાથી વિરુદ્ધ છુપાવીને ઘરે ના લઇ આવે! બેશક, અમુક વાર્તા બેસાડવા માટે જરૂરી હોય પણ દરેક વખતે તે જરૂરી નથી હોતું.

v ઉપદેશક બનવાની કોશિશ: શરૂઆતમાં જ લખ્યું તેમ, સૌ આખા દિવસનો થાક દુર કરવા અને આ ટેન્શન વાળી જિંદગી માં હળવા થવા માટે જ TMKOCને પસંદ કરે છે. પણ જેમ જેમ તે સિરિઅલ સફળ થઇ તેમ તેમ તે વાર્તાકારમાંથી ઉપદેશક બનતા જાય તેમ લાગ્યું છે. અને ઘણી વખત આસ્થા ચેનલ ચાલતી હોય તે હદે ઉપદેશ આપે. સિરિઅલ સફળ એટલે છે કે ત્યાં વાર્તા બતાવાય છે કહેવાતી નથી. પહેલાના એપિસોડ્સ જુઓ તો સૌ ક્યાંય કશે થી થાકીને પાછા ફર્યા હોય કે લાંબુ ઝઘડીને અંતે ભેગા થયા હોય ત્યારે સાથે જમે કે સાથે કોઈ પ્રોગ્રામ કરે ત્યારે ‘ગોકુલધામ સોસાયટીની આ જ તો ખાસિયત છે’ એ અનુભવાતું હતું, અને તેની અસર થતી હતી. અને હવે ના એપિસોડ્સ જુઓ તો વારંવાર, બળજબરીથી જાણે આપણી પાસે મનાવતા હોય તેમ ‘ગોકુલધામ સોસાયટીની આ જ તો ખાસિયત છે’ એમ ‘કહેવાય’ છે. એટલું જ નહિ, આપણો જન્મ જાણે ઉપદેશ સાંભળવા જ થયો હોય અને ઉપદેશ વગરનું શુદ્ધ મનોરંજન જાણે પાપ હોય તેમ દર બીજા વિષય પર આદર્શવાદના ડોઝ અપાય છે. ગંદકી ન કરો, સ્વચ્છ ભારતમાં સહયોગ આપો, ધુમ્રપાન ન કરો, દરેક ધર્મને માન આપો, ગરીબોને કે જરૂરિયાતને મદદ કરો, વસ્તી ગણતરીમાં સહયોગ કરો… અને શું શું નહિ? દસ-બાર કલાક નોકરી કરીને થાકીને આવેલો કર્મચારી, ધંધાની મગજમારીને જરાક ગલ્લે મુકીને આવેલો વેપારી, આખા દિવસના ઘરકામમાંથી કંટાળેલી ગૃહિણી, ટ્યુશન-સ્કુલના ચક્કરમાંથી માંડ છૂટેલો વિદ્યાર્થી ઉપદેશ સાંભળવા તો બેશક નથી આવતો, કોઈ ઉપદેશ વગર અપાતું મનોરંજન એ સસ્તી કે હલકી વસ્તુ નથી. અહી હું મારી જાતને એક ખાસ ઘટનાનો ઉલ્લેખ કર્યા વગર રોકી શકતો નથી. નોટબંધી યાદ છે ને? ( ભૂલવું હોય તોય કોણ ભૂલી શકે, મિત્રોઓઓ…) હવે તે અરસામાં ચંપકચાચા અને ટપુસેના લાઈનમાં ઉભેલા લોકોને જ્યુસ, પાણી આપવા જાય છે. આટલી હદનો ઉપદેશ? અને તે ય માત્ર કરતા નથી, ‘આ આપણી ફરજ છે, માનવતાની વાત છે’ જેવા હોટ સેલિંગ હથોડા સાથે. હવે તમે જ વિચારો, આટલા હદ ના આદર્શવાદ જરૂરી છે? સૌ માણસ છે અને માણસ બરાબર છે, આદર્શવાદનો આગ્રહ દંભ લાવે છે.

v સ્ત્રી સશક્તિકરણનો અતિરેક -- અ ન્યુ ટોર્ચર ચેમ્બર: હા, એ વાત તમે અને હું સૌ નિશંકપણે માનીએ છીએ કે સ્ત્રી અને પુરૂષમાં જાતિગત કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. બંનેને સમાન તક મળવી જ જોઈએ. પણ એ માનતા હોય તેનો મતલબ એ નહિ કે દર બીજી ઘટનામાં આપણને એ યાદ કરાયા કરાય અને મેલ ચાઈલ્ડને સાવ જ અવોઇડ થાય. બેશક, ઘરમાં છોકરી આવે તો તે સારી વાત છે. પણ તેનો મતલબ એ નહિ કે સિરિઅલમાં બતાવવા ખાતર પણ છોકરો ન આવી શકે! મને ડર છે, કે કોઈ છોકરો આવું જોઇને એક સવાલ પૂછે કે કેમ, હું જન્મુ તે તમારા માટે ખુશીની વાત નથી? આપણે દરેક વસ્તુઓનો અતિરેક કરી નાખ્યો છે. જયારે કોઈ સ્ત્રી કોઈ ક્ષેત્રમાં આગળ વધે ત્યારે ‘જુઓ, સ્ત્રી સશક્તિકરણ, જુઓ, મહિલાઓનો જમાનો’ કહીને ઉન્માદ ઉભો કરી નાખીએ છીએ. પણ જયારે તે જ સ્ત્રી ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે તો કોઈ નથી કહેતું કે સ્ત્રી થઈને ભ્રષ્ટાચાર કર્યો. ના, એવું નથી કે ભ્રષ્ટાચાર માત્ર પુરૂષ જ કરી શકે પણ જે તે પદ પર આવેલી વ્યક્તિ તેની લાયકાતના કારણે આવી છે તેથી તે સ્ત્રી છે તેમ સતત હાઈલાઈટ કરી ને આપને ખોટું ઉદાહરણ બેસાડીએ છીએ.( આ જોકે એક અલગ લેખનો વિષય છે, અને તે લખવાનો વિચાર પણ છે). તો, મૂળ વાત પર પાછા ફરીએ તો… TMKOCમાં મેં ઘણી વાર જોયું છે કે કોઈ રીક્ષાવાળાને ચાલુ રીક્ષાએ ફોન આવે, કે કોઈ સાડીવાળો પોતાની બેગ મૂકી હોસ્પિટલ ભાગે… બંને બાપ બન્યા હોય છે, અને તેઓ એક છોકરાના બાપ બને કે છોકરીના તેનાથી વાર્તાને ફરક પડતો નથી પણ તો પણ, તે હમેશા છોકરીના જ બાપ બને છે. જાણે કે મને છોકરો થયો તેમ કહેવું ગુનો હોય તેમ! એટલું ઓછુ હોય તેમ આવા વખતે એક વાત તો આવે જ – છોકરી થવી તો ગૌરવ છે, તેને બોજ માનનારા પોતે જ બોજ છે. અરે ભાઈ, જેને માનવું જ છે તે તમારાથી સુધરવાના નથી અને જે આ છોકરા-છોકરી ભેદભાવમાં નથી માનતા તેમને આ કહેવાની જરૂર જ નથી. અને, બાય ધ વે, તમે એક હળવી સિરિઅલ બનાવો છો. કોઈ સંદેશ વાર્તાના સાર રૂપે મળતો હોય કે જે કહેવાયો ન હોય પણ બતાવ્યો હોય તે બરાબર છે, પણ દર વખતે એક નો એક સંદેશ ઘુસાડવાની જરૂર નથી. મને તો લાગે છે કે આ લોકો ૩૬૦0 બદલવા જાય છે. છોકરી થઇ તેવું સાંભળીને- અને તે પણ કોઈ ત્રાહિતને જેની સીધી ઓળખાણ પણ નથી – એવા રિએકશન આપે છે કે જાણે હાશ! છોકરો ના થયો.!!!

v દાન અને બચત: આ બંને આદત સ્વસ્થ સમાજ માટે જરૂરી જ નહિ આવશ્યક છે. જુઓ અહી હું આમાંની એક પણ પ્રવૃત્તિનો વિરોધ નથી કરતો પણ કેવી રીતે તેઓ અવાસ્તવિક અને અપ્રસ્તુત લાગે છે તેની વાત કરું છે. આપણે અક્સર જોયું હશે કે જેઠાલાલ પોતાના ગામ ભચાઉમાં જયારે ને ત્યારે ગૌશાળા બાંધવા, મંદિર બાંધવા, શાળા બાંધવા લાખોનું દાન કરે છે. તે સિવાય પોતાની પત્ની દયાબેનને અમદાવાદ સ્પેશિયલ હેલિકોપ્ટરમાં લઇ જાય છે. આ રીતની જિંદગી જીવનારા જયારે શાકના એક બે રૂપિયા માટે કચકચ કરે કે દયાબેન બીજા સામે બળાપો કાઢે – આ મોંઘવારી બહુ વધી ગઈ છે… તે શું સાબિત કરે છે? જે વ્યક્તિ મંદિરો બાંધવા અને અન્ય પ્રવૃત્તેઓમાં લાખોનું દાન કરી શકતી હોય તેને એક ગરીબ શાકભાજી વેચનારી કે ખેડૂતને આપવા બે ત્રણ રૂપિયા વધારે પડે છે? પછી બસ ‘જય જવાન, જય કિસાન’ બોલીને ફરજ પૂરી? તમને ખબર છે, વારંવાર સામાન્ય માણસ બનીને મોંઘવારીને કોસવાની એક ફેશન બની ગઈ છે. એમ કરીને તેઓ સામાન્ય માણસ સાથે પોતાની વેવલેન્થ મેચ કરવાનો પ્રત્યન કરે છે. બેશક તમે તમારી આસ્થા અને સંસ્કાર પ્રમાણે દાનધર્મ કરો, પણ પછી એકાદ બે રૂપિયા માટે રડવાનું નહિ.

v સજા અને માફી: ‘માફ કરના હર બાર સહી નહિ હોતા’ હાલમાં (૨૦૧૯) ‘બદલા’ મુવીનો આ સંવાદ બહુ ચર્ચામાં છે. કદાચ તે આદર્શવાદ બતાવવા માંગતા TMKOCમાં લાગુ પડતો નથી. હા, એમનો દ્રષ્ટિકોણ હોઈ શકે કે તેમને સમાજમાં પ્રેમની સ્થાપના કરવી હોય પણ શું દર વખતે માફ કરવાથી સમસ્યાનું સમાધાન થઇ જાય? યાદ હોય તો એક વખત વિકી નામના છોકરાએ ચંપકચાચા ગાંડા હોવાના પોસ્ટર ચિપ્કાવ્યા હતા અને પછી તો સીન થઇ ગયો હતો. અંતે, તેને શું સજા કરી તે મને યાદ નથી, પણ લગભગ માફ કરી દીધો. કેમ? શું ગુનાથી ઓછી સજા એ નવો ગુનો કરવાનું ઇજન નથી? તે સિવાય ઘણી વખત કોઈના લીધે ગોકુલધામ સોસાયટીમાં રહેતા લોકોને આર્થિક નુકશાન થાય તો પણ ‘ઉપદેશ’ આપીને ‘અમે ગોકુલધામ વાળા છે જ આવા’ કહીને માફ કરી દેવાય છે. અરે ભાઈ, તમે માણસ છો, ભગવાન નહીં, કાનૂની સજા ન કરો, પણ એટ લિસ્ટ નુકસાની તો પાછી લો. પોતાને થયેલી નુકશાની વસુલવામાં શરમ કેવી? આ આદર્શવાદ શું કામનો? તમે જોયું, આમાં તેઓ હાસ્ય પીરસવા કરતા કંઇક વિશેષ, કંઇક શિખામણ આપવાની કોશિશ કરે છે.

v ભગવાન કે ઘર ‘દેર હે’: આપણા સમાજમાં એક ખુબ જ ખોટી અવધારણા છે. અને તે એ કે જયારે આપણે કંઈ પણ સારું કરીશું ત્યારે તરત જ આપણી સાથે ભગવાન બોનસમાં કંઇક રીટર્ન કરશે. એવું જરૂરી છે? અને બદલાની ભાવના સાથે કરેલી ભલાઈ એ બુરાઈ જેટલી જ ખરાબ છે. તો કેમ આવી ખોટી માન્યતા આ સિરિઅલ માં નવું જીવન પામે છે? મેં ઘણી વખત જોયું છે કે જેઠાલાલ કે ભીડે કંઇક પૈસા દાન કરવા કે અન્ય રીતે કોઈને મદદરૂપ બનવા કતરાતા હોય, ત્યારે ચંપકચાચા કહે – તમે કોઈનું ભલું કરશો તો તમારું પણ ભલું થશે, તે બધું જોઈ રહ્યો છે. હવે જુઓ, આમ માની જેઠાલાલ તેના ઘરે આવેલા કોઈને કશી મદદ કરે છે, અને તે જેઠાલાલના ઘર છોડીને હજી સીડીઓ પર જ પહોંચ્યા હોય કે તરત જેઠાલાલને કોઈ મોટા ઓર્ડરનો ફોન આવે. સાચે? આ 10G કે પછી શું? આટલું જલ્દી? કેમ એવું બતાવતું નથી કે હવે તે સારું કર્યું, ભૂલી જા, સમય આવશે ત્યારે તને ફળ મળશે.

v બે અંતિમ વિરોધાભાસ: હવે મને ગંભીરતાથી ખબર છે કે એક સિરિઅલ બનાવવી એ કઈ ખાવાના ખેલ નથી. નાની-મોટી ઢગલો બાબતોનું ધ્યાન રાખવું જ પડે છે. તો પણ અમુક બાબતો જેને અહી ઉલ્લેખ કર્યા વગર રહી શકાતું નથી. પ્રથમ વાત સોઢી ની. હવે તમે ગમે તે ધર્મના હોય તો એવું બન્યું છે કે અન્ય ધર્મ વળી વ્યક્તિ તમારી મિત્ર ન હોઈ શકે? તમે જોશો કે સિરિઅલમાં સોઢીના જેટલા પણ મિત્રો બતાવ્યા છે બધા જ, ફરી કહું છું બધા જ શીખ હોય છે. એક વખત અમદાવાદ ગયા હોય અને ત્યાં વાહનની જરૂરત હોય ત્યારે સોઢી કહે છે કે અમદાવામાં મારો એક મિત્ર છે, તે મિત્ર પણ શીખ જ નીકળે છે. અહી મને શીખ લોકોથી કોઈ સમસ્યા નથી પણ તમે જુઓ અત્યાર સુધી સોઢીના જેટલા પણ મિત્રો બતાવ્યા છે તે બધા જ, ફરી, બધા જ શીખ છે. કેમ, શીખ સોઢીના મિત્ર શીખ ન હોય તેવું ન બની શકે? બીજો એક મુદ્દો – ઐયર. હવે સિરિઅલમાં ઐયરને અવકાશ વિજ્ઞાની બતાવે છે. હવે તે વિજ્ઞાની છે તેમ બતાવવા હમેશા તેને રસાયણવિજ્ઞાન ની પ્રયોગશાળામાં હોય તેમ માત્ર ને માત્ર એક કશનળી માંથી બીજીમાં ઠાલવતા જ બતાવાય છે. કોમ્પ્યુટર સામે બેસીને કામ કરતી વ્યક્તિ પણ વૈજ્ઞાનિક હોય શકે. બની શકે કે ખર્ચના ગણિત બેસાડવા માટે આમ કરાયું હોય પણ તો પણ તે પ્રોફેશનલ નથી જ લાગતું. અને ઐયર તેમની ઓફિસમાં હોય તેનો મતલબ એમ ન જ હોય કે હમેશા કામ કરતા જ બતાવવા પડે. કોઈ વાર કેન્ટીનમાં હોય, ઓફિસમાં કોઈની જોડે બેસીને ચર્ચા કરતા હોય, આવું પણ બતાવી શકાય.

લેખને ખતમ કરતા પહેલા હું કેટલીક જરૂરી વાત કહી દઉં. હું TMKOCને પસંદ કરું છું, મને તેનો વિરોધી ન સમજવો. પણ કોઈ સારી ચીજ સાથે કંઇક ખરાબ કે અણગમતું બને તો કહી જ શકાય. મારી ઈચ્છા છે કે આ સિરિઅલ વર્ષો સુધી ચાલતી રહે. પણ માત્ર આંકડા વધે તેમ નહિ, લોકોનો આખા દિવસ નો થાક ઉતરી જાય એ રીતે. લોકો તેની રાહ જોવા જોઈએ તે રીતે. આ સિરિઅલ મારા માટે વરદાન બની છે, કેટલાય એવા પ્રસંગો અને ઘટનાઓ તારક મહેતા નામ સાથે આંખો સામે પથરાઈ જાય છે કે વાત ન પૂછો. પ્રાર્થના બસ એટલી જ છે કે તેને કોઈની નજર ન લાગે, ખાસ કરીને પોતાની જ.

-સંકેત શાહ