No return-2 Part-71 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-૭૧

Featured Books
Categories
Share

નો રીટર્ન-૨ ભાગ-૭૧

નો રીટર્ન-૨

ભાગ-૭૧

એક ખામોશ સ્તબ્ધતાં વાતાવરણને ભરડામાં લઇને પડી હતી. જંગલમાંથી ઉઠતાં પશુ પક્ષીઓનાં અને વૃક્ષોનાં ફફડતાં પર્ણોનાં અવાજ સીવાય કશે બીજી હલચલ નહોતી. ક્રેસ્ટોએ પૂરી મગ્નતાંથી બધાં શવોને એક ઠેકાણે એકઠા કર્યા હતાં. એ ભયાનક કાર્ય હતું છતાં તેનાં ચહેરાની રેખા સુધ્ધા ફરકતી નહોતી. કાર્લોસ હાથમાં પિસ્તોલ રમાડતો એક પથ્થર ઉપર બેઠો હતો. એની નજરો દીશા હીન બની એકધારી ક્રેસ્ટો ઉપર મંડાયેલી હતી. એના અને જોશ તેની નજીક આવીને ઉભા હતાં. હું અનેરી અને વિનીત હજું હમણાં જ ત્યાં પહોંચ્યા હતાં અને અનેરી લોહી નિગળતી લાશો ભાળીને વોમીટ કરવાં ઝરણાનાં પાણી તરફ દોડી ગઇ હતી. કોઇને કશી ગતાગમ પડતી નહોતી કે આખરે આવું કેમ બન્યું...? એમેઝોનનાં જંગલમાં આદીવાસીઓની ઘણી પ્રજાતીઓ રહેતી હતી. એમાં અમુક પ્રજાતી ભયંકર હદે હિંસક પણ હતી. પરંતુ એ પ્રજાતીઓ તો ગહેરાં જંગલ વિસ્તારમાં... બહું ઉંડે... જ્યાં હજું સુધી કોઇ સભ્ય માનવ પ્રવેશ્યો જ નથી એવાં ઠેકાણે રહેતી હતી. આ એ પ્રજાતીનાં લોકો તો ન જ હોઇ શકે. તો પછી આ આદીવાસીઓ કોણ હતાં...? અને કેમ કશે તેનો ઉલ્લેખ નહોતો...? મારા દાદાએ જે નકશો બનાવ્યો હતો એમાં પણ આ પડાવ સુરક્ષીત હોય એવું દર્શાવ્યું હતુ. તો પછી આ લોકો ક્યાંથી આવ્યા...? ભયંકર અસંમજસ અને દુવીધામાં અમે બધાં અટવાતા હતાં.

ખાસ તો હવે આ જગ્યાં અમારા માટે બીલકુલ સુરક્ષીત એટલે અમારો પડાવ તુરંત બદલવો પડે એમ હતો. સાંજ ઢળવા આવી હતી એટલે એ કામ ખરેખર મુશ્કેલ સાબીત થવાનું હતું છતાં અમે સામાન સંકેલ્યો હતો અને રાત્રીની મુસાફરી કરવાનું ઠેરવ્યું હતું. અમને બધાને હજુંયે ડર હતો કે ક્યાંક એ આદીવાસીઓ ફરીથી અમારી ઉપર હુમલો ન કરે..! તેમનાં ઘણાં લોકોને અમે મોતને ઘાટ ઉતાર્યા હતાં એટલે વળતો બદલો લેવા જો એ લોકોએ હુમલો કર્યો તો આ વખતે ખબર નહી અમારી શી વલે થાય..!

ડેલ્સો કાર્લોસનો ખાસ માણસ હતો. ચહેરા ઉપરથી તો કળાતું નહોતું પરંતુ મને ખ્યાલ આવ્યો હતો કે ડેલ્સોનાં મોતથી કાર્લોસને ગહેરો ધક્કો લાગ્યો છે. મેં ડેલ્સોનાં કાતીલને માર્યો છે એ જાણીને એક આભાર સૂચક સ્મિત તેનાં ચહેરા ઉપર ફરકી ગયું હતું.

અમે ટીલા ઉપરથી સામાન સંકેલ્યો હતો અને રાત ઢળતાં મુસાફરી શરૂ કરી હતી. ચાર ઘોડા.. એક અદીવાસી સેવક.. એક કાર્લોસનો ગૂર્ગો.. ક્રેસ્ટો.. એના.. જોશ.. કાર્લોસ.. વિનીત.. અનેરી અને હું.. એમ કુલ નવ વ્યક્તિ અને ચાર મુંગા જાનવરની અજીબ સફર શરૂ થઇ. નક્કી એવું કરવામાં આવ્યું કે હવે જેમ બને તેમ જલદીથી ખજાના વાળા અંતીમ પડાવ સુધી પહોચી જવું. જરૂર જણાય ત્યાં જ રોકાવું નહિંતર એકધારી અવીરત સફર જારી રાખવી. ક્યાંય ખોટુ રોકાણ કરવું નહી. અને.. ખતરો જણાય એવાં સ્થળેથી દુર જ રહેવું.

પરંતુ... આ એમેઝોન હતું. દુનીયાનું સૌથી ખતરનાક અને રહસ્યમય જંગલ, અને એમાં પણ અમે એક એવાં ખજાનાની ખોજમાં નિકળ્યા હતા જે ખુદ મોતનાં દરવાજા સમાન હતો. એક એવી જગ્યાએ અમારે પહોચવાનું હતું જે “ અ નો રીટર્ન પોઇન્ટ “ તરીકે ઓળખાતી હતી. જ્યાંથી આજ સુધી કોઇ જિવિત પાછું આવ્યું જ નહોતું.

ઉપરાંત બીજો પણ એક ખતરો અમારી માથે સતત મંડરાઇ રહયો હતો જેનાથી અમે સાવ બે-ખબર હતાં. પેલા આદીવાસીઓ ફરીથી હુમલો કરવા સજ્જ થઇ રહયાં હતાં. પણ આ વખતે તેઓ પોતાનાં મૃત્યું પામેલાં સાથીદારોનો બદલો લેવાં ત્રાટકવાનાં હતાં. એ હુમલો અમારો કચ્ચરઘાણ કાઢી નાંખવાનો હતો.

@@@@@@@@@@@@

એમેઝોન ફોરેસ્ટ ભયંકર વિચિત્રતાઓથી ભરેલું છે એનો પ્રત્યક્ષ અનુભવ મને ઘણી વખત થઇ ચૂકયો હતો. ટીલા વાળા પડાવેથી ચાલ્યા એનાં બીજા દિવસે સાંજે એવાં જ એક વિચિત્ર સ્થળે અમે આવી પહોચ્યાં હતાં. ગાઢ જંગલની વચ્ચેથી પસાર થતાં અચાનક જ અમે એક ઉંડી ખીણની ધારે આવી પહોચ્યાં. મને જબરૂ આશ્વર્ય ઉદભવ્યું. અચાનક જ જાણે જંગલ પુરું થયું હતું અને સીધી ખીણ શરૂ થઇ જતી હતી... લાંબી.. ઉંડી.. ગહેરી ખીણ.. દૂર સુધી ફેલાયેલી હતી. અમે એ ખીણની ધારે આવીને અટકયા. અહીથી સીધાં નીચે લગભગ પાંચસો મીટર ઉંડી ખીણ હતી. એ ખીણમાં પણ જંગલ ઉગી નિકળ્યું હતું.

દુર ક્ષિતિજમાં ઢળતાં સૂર્યનાં ત્રાંસા કિરણો સમગ્ર ખીણમાં પથરાઇને એક અદભૂત નજારો પેશ કરતાં હતાં. ખીણની ધારે... ઉંચા ખડકની કોરે અમે બધાં લાઇનસર ઉભા હતાં. અસ્ત થતાં કિરણોનો છેલ્લો ઉજાસ અમારા ચહેરા ઉપર પથરાઇને એક સોનેરી આભા ફેલાવતો હતો. આ સંધી કાળનો સમય હતો. દિવસ વિદાઇ લેવાનો હતો અને રાતનું આગમન થવાનું હતું. અમે નક્કી કર્યું કે આ ખીણની ધારે જ પડાવ નાંખવો અને રાત્રી દરમ્યાન ખીણ કેવી રીતે વટાવવી એ વીશે નિર્ણય લેવો. કારણકે નકશા મુજબ અમારે સીધા જ જવાનું હતું... અને એ માટે ખીણ વળોટવી પડે એમ હતું.

તંબુ તણાયાં અને રાતનાં ભોજનની તૈયારીઓ શરૂ થઇ. ભોજનમાં ખાસ કંઇ કરવાનું નહોતું. અમારી પાસે પર્યાપ્ત માત્રામાં ફૂડ પેકેટ હતાં. અગ્નિ પેટાવી એ પેકેટને ફકત ગરમ જ કરવાનાં હતાં અને અમારૂં ભોજન તૈયાર. ફટાફટ એ બધું પત્યું હતું. ગઇકાલ રાતથી એકધારૂ ચાલતાં હતાં એટલે સખત થાકથી મારૂં તો આખુ શરીર તૂટતું હતું. બીજાની તો ખબર નહીં પરંતુ મને સખત ઉંધ આવતી હતી. છેલ્લા કેટલાય સમયથી હું બેચેન હતો. મને આ સફર કોઇ દીવાસ્વપ્ન સમાન ભાસતી હતી. જો અનેરી મને મળી ન હોત તો...? તો શું હું આ સફરમાં જોડાયો હોત..? આ સવાલનો જવાબ કદાચ હું પણ નહોતો જાણતો. આવા કેટલાય વિચારો સતત મનમાં ઉદભવતાં હતાં અને એ દશામાં જ હું તંબુમાં ઘૂસીને સૂઇ ગયો હતો.

પથારીમાં પડતાં વેંત જ મને ઉંધ આવી ગઇ હતી. ખબર નહી કેટલો સમય હું ઘોર્યો હોઇશ..! પણ એકાએક જ જબકીને હું જાગી ગયો હતો. તંબુની બહાર જબરો દેકારો મચ્યો હોય એવું લાગ્યું. મારી આંખો ઉંઘથી બોઝીલ હતી એટલે તરત સમજાયું નહી કે એ દેકારો શેનો છે. સફરમાં નિકળ્યાં ત્યારથી કોઇનેકોઇ ઉપાદી સતત અમારો પીછો કરતી રહી હતી એટલે હવે મને એની નવાઇ લાગતી ન હતી. જરૂર કોઇ જંગલી પ્રાણી અમારા તંબુમાં ઘૂસી આવ્યુ હશે એમ વિચારીને હું ઉભો થયો અને બહાર નિકળ્યો.

રાતનાં ઘનઘોર અંધકારમાં પહેલાં તો કંઇ દેખાયું નહી. હોકારા પડકારાનાં અવાજો ઘણે દૂરથી સંભળાતા હતા અને ધીરે ધીરે વધુંને વધું દૂર જઇ રહયાં હોય એવું લાગ્યું. મારા તંબુની આસપાસ કોઇ નહોતું. મને આશ્વર્ય થયું કે કેમ અમારો કોઇ માણસ દેખાતો નથી..? ક્યાં ગયાં બધા...? કદાચ તંબુમાં ઘૂસી આવેલા જાનવરને તગેડવા મોટા અવાજે પડકારો નાંખતાં જંગલ ભણી દોડી ગયાં હશે એવું વિચારીને મેં અવાજની દીશામાં પગ ઉપાડયાં. આગળ સંપૂર્ણપણે અંધકારમય વાતાવરણ હતું. દુર... ઘણે દુર... નાના નાના પ્રકાશનાં બે ત્રણ ટપકા કળાતા હતાં. એ ટપકા ભારે તેજીથી એની જગ્યાં બદલી રહયાં હતાં. હું તંબુમાં પાછો ફર્યો અને થેલામાંથી ટોર્ચ લાઇટ કાઢી ફરી બહાર આવ્યો.

“ યા હોઇ... કોઇ છે અહી...? “ મેં બુમ પાડી. સામેથી કોઇ જવાબ આવ્યો નહી. મતલબકે અમારા તંબુમાં કોઇ નહી હોય. અને કદાચ હશે તો એ ગહેરી ઉંઘમાં સુતું હોવું જોઇએ. મને આ સમયે તંબુમાં તપાસ કરવાનું યોગ્ય લાગ્યું નહી. પેલાં પ્રકાશનાં ટપકાં હવે ભારે વેગથી હલતાં હતાં. મેં એ તરફ દોટ મૂકી. ખબર નહી મેં એવું શું કામ કર્યું, પરંતુ મારા અચેતન મનમાં કંઇક ખટકો ઉદભવ્યો હતો જે મને એ ટપકા પાછળ દોડવા જણાવતો હતો. ટોર્ચ લાઇટનાં સહારે હજું હું થોડુક જ આગળ વધ્યો હોઇશ કે અચાનક સામેથી ભારે વેગમાં કોઇ દોડતું આવ્યું અને મારી સાથે જોરથી અથડાઇ પડયું. એ વ્યક્તિ એટલો વેગમાં દોડતો હતો કે એનાં ધક્કાથી મારા પગ જમીન પરથી ઉખડયાં હતાં અને હું પીઠ ભેર પાછળ જમીન ઉપર પડયો હતો. મારી સાથોસાથ એ વ્યક્તિ પણ મારી ઉપર પડયો.

“ વોટ ધ હેલ... “ મારા મોં માંથી ગાળ નિકળી ગઇ અને મારી છાતી ઉપરથી તેને મેં નીચે ધકેલ્યો. ધક્કાથી એ બાજુમાં ચત્તોપાટ પડયો. મેં એનાં મોં ઉપર ટોર્ચ લાઇટનો પ્રકાશ ફેંકયો. અને... મારા ગળામાં એક ચીખ આવીને અટકી પડી.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.

બની શકે તો કોમેન્ટ પણ કરજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.