લાગણીઓ વ્યક્ત કરવાની સાચી રીત કઈ?
સ્ત્રીઓ અને પુરુષોની લાગણીઓ જુદા સ્તર પર કામ કરતી હોય છે. સ્ત્રી માટે લાગણીની અભિવ્યક્તિ અનિવાર્ય છે જ્યારે પુરુષ માટે લાગણીનો અનુભવ. સ્ત્રીને સતત એવું થતું હોય છે કે સામેની વ્યક્તિ તેના પ્રત્યેની લાગણીને વ્યક્ત કર્યા કરે. પુરુષ માટે આ બાબત ઘણી મુશ્કેલ છે. (પેટા)
મિહિર અને પ્રિયાના લગ્નની એનિવર્સરી હતી. એકબીજામાં રચ્યું પચ્યું રહેતું આ યુગલ તેમના લગ્નના એક દાયકાની ઉજવણી માટે થોડું ઉત્સાહમાં હતું. ખાસ કરીને પ્રિયાને ખૂબ જ ઉત્સાહ હતો. તેની દીકરી પણ તેના જેવી જ ઉત્સાહિત હતી. તેમના માટે જન્મદિવસ અને એનિવર્સરીની ઉજવણી ભવ્ય રીતે જ થવી જોઈએ તેનું ખાસ મહત્વ હતું. વારે-તહેવારે એકબીજાને ગિફ્ટ આપવી, સરપ્રાઈઝ આપવી જેવું તેમને વધારે ગમતું. સ્થિતિ એ આવી કે કામકાજના ભારણ નીચે દબાયેલા મિહિરે તેમના લગ્નજીવનના એક દાયકાની ઉજવણી ખાસ નહીં કરવાનું સુચન જાહેર કર્યું. થોડીક આર્થિક સંકડામણ અને એડજસ્ટમેન્ટ હતા, તે સ્પષ્ટ રીતે કહી શકતો નહોતો પણ સતત ટાળ્યા કરતો કે કોઈપણ રીતે ભવ્ય ઉજવણી ટળી જાય. તેના કેટલાક આયોજનો હતા, કેટલીક પ્રાથમિકતાઓ હતી જેને પૂરી કરવા માટે તેને આર્થિક વ્યવસ્થા કરવાની હતી. તેને એમ હતું કે, આટલા વર્ષ પૂરતો ઘરમાં થતો ગિફ્ટની આપ-લેનો રિવાજ અટકાવવામાં આવે.
આ મુદ્દે તેણે રજૂઆત કરી તેની સાથે જ ઘરમાં યુદ્ધના મંડાણ થઈ ગયા. તમને તો મારા માટે પ્રેમ જ નથી, માણસની કદર જ નથી, કાયમ બધુ એડજસ્ટ જ કરવાનું, તેમને તો આઈ લવ યુ કહેવામાંય તકલીફ પડે છે. તમને ગિફ્ટ આપવી ગમતી જ નથી, પહેલાં તો બધું કરતા હતા, હવે કેમ બંધ કરી દીધું. તમે યાદ કરો છેલ્લે તમારી જાતે મારા માટે ક્યારે ગિફ્ટ લાવ્યા હતા. તમે સામેથી ક્યારે મને આઈ લવ યુ કહ્યું હતું.
આ ઘટના ચિરપરિચિત લાગશે, જોઈ, જાણી કે અનુભવી હોય તેવી પણ લાગશે અથવા તો આવાનારા સમયમાં તેનો અનુભવ થશે તેવું પણ બને. લગ્ન પછી સૌથી મોટો સવાલ એક જ આવતો હોય છે કે તેઓ ક્યારેય મને આઈ લવ યુ કહેતા નથી કે લાગણી રજૂ કરતા નથી. તેઓ મને ગિફ્ટ આપતા નથી અથવા તો તેમને કોઈ ગિફ્ટ લાવતા આવડતું જ નથી. મોટાભાગે આ બાબત સ્ત્રીઓ દ્વારા જ કહેવાતી હોય છે. તેમની ઈચ્છા હોય છે કે તેમનો જીવનસાથી સમયાંતરે શબ્દો દ્વારા લાગણી વ્યક્ત કરે. બીજી તરફ પુરુષને એવું ઓછું ફાવતું હોય છે. તેના માટે સ્પર્શ, સંવેદના, ચિંતા અને વ્યવહાર બધું એક જ હોય છે. ઘણી સ્ત્રીઓ ફરિયાદ કરતી હોય છે કે, પહેલાં તો બધું લાવતો હતો, ગિફ્ટ શોધતો હતો, સરપ્રાઈઝ આપતો હતો, હવે કેમ નથી કરતો. તેઓ ત્યારે એ નથી સમજતા કે જ્યારે તમે પ્રેમમાં હતા ત્યારે પૈસા બાપા આપતા હતા અને હવે પોતાની આવકમાંથી પ્રેમ અને પરિવાર બંને ચલાવવાના છે. પહેલાં ગિફ્ટ આવતી હતી અને અપેક્ષા કરતા વધારે સારી કે મોટી આવતી હતી કારણ કે, ત્યારે બીજી કોઈ પ્રાયોરિટી નહોતી. હવે પ્રેમ વ્યક્ત કરવાની સાથે પરિવારનું ભરણપોષણ કરવાનું છે. લાઈટબિલ, મોબાઈલ બિલ, ગેસનું બિલ, ઈન્સ્યોરન્સનું પ્રિમિયમ, ફ્લેટમાં રહેતા હોવ તો તેનું મેઈન્ટેન્સ, ગાડી કે ટૂ વ્હિલરના ઈન્સ્યોરન્સનું પ્રિમિયમ, છોકરાઓની સ્કૂલ ફી, ટ્યૂશન ફી, સાજા-માંદા પડ્યાના ખર્ચા જેવી અનેક જાણી કે અજાણી સરપ્રાઈઝ તેના માટે સજ્જ હોય છે. જ્યારે સંઘર્ષ કરીને ઉપર આવતો પુરુષ હોય તેના મનમાં પ્રેમની સરપ્રાઈઝ કરતા આ સરપ્રાઈઝના ભય વધારે હોય છે.
આપણે જાણીએ છીએ છતાં એ વાસ્તવિકતા સ્વીકારી શકતા નથી કે સ્ત્રીઓ અને પુરુષોની લાગણીઓ જુદા સ્તર પર કામ કરતી હોય છે. સ્ત્રી માટે લાગણીની અભિવ્યક્તિ અનિવાર્ય છે જ્યારે પુરુષ માટે લાગણીનો અનુભવ. સ્ત્રીને સતત એવું થતું હોય છે કે સામેની વ્યક્તિ તેના પ્રત્યેની લાગણીને વ્યક્ત કર્યા કરે. પુરુષ માટે આ બાબત ઘણી મુશ્કેલ છે. અહીં દલીલ એવી થાય છે કે સ્ત્રીને પામવાની કે પરણવાની વાત આવે ત્યારે પુરુષ બધું જ કરતો હોય છે. એસએમએસ મોકલે, પત્રો લખે, ગિફ્ટ લાવે, દરેક તહેવાર, દરેક પ્રસંગ અને લગભગ બધું જ યાદ રાખતો હોય છે તે પછી લગ્ન બાદ બધું કેમ ભુલાઈ જાય છે. એક સમયે દિવસમાં પચાસ વખત આઈ લવ યુ કહેનાર પુરુષ હવે દિવસમાં એક વખત પણ કહી શકતો નથી. અહીંયા એ માની લેવું ભુલ ભરેલું છે કે પુરુષને હવે તે સ્ત્રીમાં રસ નથી કે પ્રેમ નથી. હા એવું કહી શકાય કે હાલમાં તે પ્રાયોરિટીમાં નથી. સ્ત્રી સાથે આવ્યા બાદ સ્થિતિ બદલાય, જવાબદારી બદલાય તો પ્રાયોરિટી પણ બદલાય.
સ્ત્રી માટે રોમાન્સ અત્યંત જરૂરી છે. તે રોમાન્સને પોતાના જીવન સાથે જોડે છે. તેના માટે લાગણીઓની અભિવ્યક્તિ જ જીવનની સાર્થકતાને રજૂ કરનારા હોય છે. તેની સતત એવી અપેક્ષા હોય છે કે તેના પ્રત્યેની લાગણી શબ્દો દ્વારા રજૂ થવી જ જોઈએ. બીજી તરફ પુરુષને એવું નથી હોતું. તેના માટે માત્ર ભેટવું, સ્પર્શ કરવો કે પછી કાળજી રાખતા હોઈએ તે બતાવવું તેમાં જ પ્રેમ અને અભિવ્યક્તિ બધું જ આવી જાય છે. પત્ની ફોન ના ઉપાડે અને પતિ ગુસ્સો કરે એ પ્રેમ જ છે... બિમાર પત્નીને ડોક્ટર પાસે જવા માટે ધમકાવતો પતિ પણ પ્રેમ અને ચિંતા જ વ્યક્ત કરતો હોય છે... તે નવું મકાન કે કાર ખરીદી પત્નીને આપે તેમાં પણ પ્રેમ જ છે.
પુરુષ ઘરેથી નીકળે પછી અનેક પ્રકારના કામ, ટેન્શન, જવાબદારીઓ અને એડજસ્ટમેન્ટ હોય છે. તે આ બધામાં અટવાયેલો ફરતો હોય છે. બીજી તરફ સ્ત્રીઓને ઘરની જવાબદારી, સંતાનોની ચિંતા, સાસુ-સસરાની સંભાળ, ઘણું બધું હોય છે. દિવસના અંતે બંને મળે ત્યારે સ્ત્રી પ્રેમ અને ચાહતની ઈચ્છા રાખતી હોય છે જ્યારે પુરુષ માત્ર આરામની. આપણે ત્યાં વેલેન્ટાઈન ડે આવે એટલે પ્રેમીઓનો દિવસ માનવામાં આવે છે. આપણે ક્યારેય એકબીજાને સમર્પિત પતિ કે પત્નીને વેલેન્ટાઈન તરીકે સ્વીકારતા જ નથી. આપણે ત્યાં પ્રેમ અને પરિણયને અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. આપણે પત્નીને પ્રેમિકા તરીકે અથવા તો પતિને પ્રેમી તરીકે સ્વીકારી શકતા જ નથી. જેની સાથે જીવનના દરેક તબક્કા પસાર કર્યા છે અથવા તો કરવાના છે તેનાથી મોટું કોઈ પ્રિય પાત્ર હોઈ જ ન શકે. ખાસ કરીને પ્રેમને અભિવ્યક્ત કરવાની વાત આવે ત્યારે સ્ત્રી અને પુરુષે પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ જઈને રહેવું પડે તો જ પરિણય અને પ્રેમને એક કરી શકાય.
. આપણે લગ્ન પછી આવતી એનિવર્સરીમાં અથવા તો જન્મ દિવસે એકાદ ભેટ ઓછી આપીશું અથવા તો નહીં આપીએ તો ચાલશે પણ એકબીજાને ગમતા રહીશું તો વધારે આનંદથી રહી શકીશું. માત્ર પ્રેમની અભિવ્યક્તિ કે ગિફ્ટથી સંબંધ ટકી રહે અને ટકવો જોઈએ તેવું માનતા લોકો પ્રેમ નહીં બાર્ટર કરતા હોય છે. સ્ત્રી અને પુરુષ પરિણય બાદ કહેવાતા શબ્દો કરતા જીરવાતા મૌનને સમજી જાય તો પણ લાગણીઓ અભિવ્યક્ત થઈ જાય છે. હું તને ચાહું છું સતત કહેવા કરતા તેનો અનુભવ થવો વધારે જરૂરી છે. આ અનુભવ જ સાચા સ્નેહને ઉજાગર કરે છે. એકબીજા પ્રત્યે રહેલું માન, જવાબદારી, ફરજ પણ પ્રેમના જ એક પ્રકાર છે. તેને સમજીને એકબીજા સાથે એડજસ્ટ થવું અને જિંદગીને નવા મુકામ સુધી લઈ જવી તે પણ એકબીજાને આપેલી સુંદર ભેટ જ ગણી શકાય. એકબીજાને સમજીને સ્નેહની સફર ખેડવી તે પણ લાગણીઓ અભિવ્યક્ત કરવાની જ એક રીત છે.
- ravi.writer7@gmail.com