પ્રેમચંદજીની
શ્રેષ્ઠ વાર્તા
(3)
ઓનરકનો રસ્તો
રાત્રે ‘‘ભક્તમાળા’’ વાંચતાં વાંચતાં કોણ જાણે ક્યારેય ઊંઘ આવી
ગઇ. કેવા કેવા મહાત્મા હાતા એ! એમને માટે ભગવત પ્રેમ સર્વસ્વ હતો.
આવી ભક્તિ તો ભારે તપ કરવાથી જ પ્રાપ્ત થાય. શું હું એવું તપ કરી ના
શકું? અને આ જીવનમાં હવે એવું કયું સુખ બચ્યું છે? મને હવે ઘરેણાં પ્રત્યે
વિરક્તિ જાગી છે. ધનદોલતનું નામ સાંભળતાં જ મારે શરીરે બળતરા થાય
છે. સુશીલાએ હજુ તો કાલે જ કેટલા ઉલ્લાસથી મને શણગારી હતી, મારા
ચોટલે ફૂલ ગૂંથતાં કેટલી હરખાતી હતી એ? મેં ઘણીય ના પાડી પણ એ તો
માની જ નહીં. આખરે મને બીક હતી એમ જ થયું. જેટલી વાર એની સાથે
હસી હતી. એકી શ્વારે રડી. પત્નીનો શણગાર જોઇ પગથી માથા સુધા બળી
ઊઠે એવી પત્નીની કમનસીબીની શી વાત કરવી?‘‘તું મારો પરલોક ધૂળમાં
મેળવી દઇશ. તારા રંગઢંગ જ એની ચાડી ખાય છે.’’ એવા પતિના મોંઢે
બોલાયેલા શબ્દો કઇ સ્ત્રીનું કાળજું કોરી ના નાખે? દુનિયામાં એવાય પુરુષો
હોય છે. છેવટે હું નીચે જઇને ‘‘ભક્ત માળા’’ વાંચવા લાગી. હવે વૃંદાવન
બિહારીની જ સેવા કરીશ, અને એમને જ મારો શૃંગાર બતાવીશ. એ તો
જોઇને નહીં બળે ને! એ તો મારા મનની સ્થિતિ જાણે છે.
ભગવાન, શી રીતે સમજાવું મારા મનને હું! તમે તો અંતર્યામી છો,
સર્વજ્ઞ છો, મારા મનની વાત તમારાથી અજાણી નથી. હું તો ઇચ્છું છું કે
એમને મારા ઇષ્ટ દેવ માનું, એમનાં ચરણોની સેવા કરું, એમની આશા
પ્રમાણે ડગ માંડું, એમને મારી કોઇ વાતથી લેશમાત્ર પણ દુઃખ થાય નહીં. એ
નિર્દોષ છે. મારા નસીબમાં હતું તે થયું. એમનો શો દોષ? માતા પિતાનો
પણ મને દોષ જણાતો નથી. બધો દોષ એકલા મારા નસીબનો છે. આટલું
જાણ્યા છતાં એમને આવતા જોઇને મારું હૈયું હતાશા અનુભવે છે, માથું ભારે
થઇ જાય છે થાય છે કે એમનું મોઢું જ ના જોઉં! એમની સાથે વાત કરવાનું
જ મન થતું નથી. એમના આગમન ટાણે હૈયું હચમચી જાય છે. એક બે
દિવસ, માટે એ બહાર જાય છે ત્યારે કાળજે ટાઢક વળે છે. જીવનમાં
આનંદનો અનુભવ થાય છે. પણ એમના આવવાના સમાચાર સાંભળતાં જ
પાછો સર્વત્ર અંધકાર વ્યાપી જાય છે.!
મારા મનની આવી દશાનું કારણ મને સમજાતું નથી. મને લાગે
છે કે પૂર્વજન્મનું અમારા વચ્ચેનું વેર હશે! એ વેરનો બદલો લેવા જ આ જન્મે
એમણે મારી સાથે લગ્ન કર્યું છે! પૂર્વજન્મના સંસ્કારોનું જ ફળ છે. નહીં તો
મને જોઇને શા માટે એ બળવા લાગે? અને મને પણ એમના પ્રત્યે શા માટે
તિરસ્કાર થાય? લગ્નનો આવો હેતુ તો ના હોઇ શકે ને?
આના કરતાં તો પિયરમાં હું વધારે સુખી હતી. કદાચ આખો
જન્મારો ત્યાં વધારે સુખથી રહી શકી હોત! પણ સમાજની આવી ખરાબ
રૂઢિનું સત્યાનાશ જજો, કે જે સ્ત્રીઓ ને કોઇક પુરુષને ગળે વળગાળી દેવાનું
જરૂરી સમજે છે. એને શી ખબર કે રિવાજના કૂવામાં ડૂબેલી કેટલીય
કોડભરી યુવતીઓનાં જીવન એણે ચગદી નાખ્યાં છે! વાસ્તવમાં યુવતીને
માટે પતિ એ કેવી સુમધુર કલ્પનાઓનું ઝરણું હોય છે. પતિ શબ્દની કલ્પના
કરતાં જ એક ઉત્તમ, સજીવ, અને દર્શનીય પુરુષનું કલ્પનાચિત્ર સતીની
માનસપાટી પર અંકિત થઇ જાય છે. પણ મારે માટે તો ‘‘પતિ’’ શબ્દ
અભિશાપ બની ગયો છે. ‘પતિ’ શબ્દનું સ્મરણ થઇ આવતાં જ હૈયું ચીરાઇ
જાય છે.
સુશીલાને હું હંમેશા હસતી જ જોઉં છું. તેને તેની ગરીબાઇ માટે
કશી જ ફરિયાદ નથી. નથી તો બિચારી પાસે ઘરેણાં, નથી તો કપડાં,
ભાડાના એક નાના મકાનમાં રહે છે એ. એ એના હાથે જ ઘરનું બધું કામ
કાજ કરે છે. આમ છતાં મેં એને ક્યારેય રડતી જોઇ નથી. જો એનું ચાલતું
હોત તો પોતાની સઘળી સંપત્તિનો એ સુશીલાની દરિદ્રતા સાથે બદલો કરી
લેત. એનો પતિ ઘરમાં આવે છે ત્યારે એ એનું સઘળું દુઃખ ભૂલી જાય છે
એની છાતી ગજ-ગજ ફૂલે છે. ત્રણેય લોકનું સુખ કુરબાન કરી નાખવાનું
મન થઇ આવે એવું સુખ એના પ્રેમાલિંગનમાંથી પ્રાપ્ત થાય છે. આજે હું
સહન કરી શકી નહીં. મેં પૂછ્યું - ‘‘તમે મારી સાથે લગ્ન જ શા માટે કર્યાં
હતાં?’’ મારા મનમાં દિવસોથી આ પ્રશ્ન પડઘાયા છે. પણ મન મારીને બેસી
રહી છું. આજે મારાથી રહેવાયું નહીં અને મારાથી પૂછાઇ ગયું. મારો પ્રશ્ન
સાંભળી એ અકળાઇ ગયા. કહ્યું - ‘‘ઘર સાચવવા, કુટુંબનો ભાર વેંઢારવા.
શું કઇ ભોગવિલાસ કે એશઆરામ કરવા?’’
ગૃહિણી વિના ઘર ભૂતિયા મહેલ જેવું લાગતું હતું. નોકર ચાકર
ઘરની મિલકત રફેદફે કરી નાખતા હતા. કોઇ વસ્તુ વ્યવસ્થિત રહી શકતી
ન હતી. એની કાળજી રાખનાર ઘરમાં કોઇ ન હતું.
તો હવે સમજાયું કે મને ઘરની નોકરડી તરીકે લાવવામાં આવી છે!
આ ઘરની દેખભાળ કરીને મારે મારા જીવનને ધન્ય કરી દેવાનું છે. મારે હવે
માનવાનું છે કે આ ઘર મારું છે. ઘરની દોલત મારી છે. અને એ દોલતને
મારે ચોકીદાર બની સાચવવાની છે. આગ લાગે એવા ઘરમાં! આજ સુધી તો
જાણે અજાણે મેં ઘર સાચવ્યું. પણ આજથી આ ઘરની કોઇ પણ વસ્તુને
ભૂલથીયે અડવાના સોગંદખાઉં છું. હું બરાબર જાણું છું કે પુરુષ ઘરની ચોકી
માટે કોઇ સ્ત્રી સાથે લગ્ન કરતો નથી. સુશીલા સાચું જ કહે છે - ‘‘જેમ
પોપટ વગર પાંજરું ખાલી ખાલી લાગે છે તેમ એમને તો સ્ત્રી વિના ઘર
ખાલી ખાલી લાગે છે.’’
શી ખબર એમને મારા પર આટલી શંકા શા માટે છે! આ ઘરમાં
આવી છું ત્યારથી એમને મારી તરફ સંદેહયુક્ત કટાક્ષબાણ મારતા જ મેં
જોયા છે. શું કારણ હશે એનું? માથું ઓળીને બેસું જરાક કે એ આગલા જ
દાંત કચકચાવવા માંડે. ના ક્યાંય જવું આવવું કે ના કોઇની સાથે વાતચીત
તોય આટલી શંકા! આ અપમાન હવે સહેવાતું નથી. શું મને મારી આબરૂ
વહાલી નહીં હોય? મને એ આટલી વેવલી કેમ સમજતા હશે? કાણો માણસ
બીજાને હસતાં જોઇ એમ જ વિચારે છે કે તેઓ પોતાને જ હસે છે. કદાચ
એમને એવી ખાતરી થઇ છે કે શું એમને ચિઢાવા જ આમ કરું છું. પોતાના
અધિકાર બહારનું ક્ષેત્ર કામ કરવાથી આપણા મનની વૃત્તિ કદાચ એવી થઇ
જતી હશે. ભિખારી રાજગાદી ઉપર બેસી નિરાંતે ઊંઘી શકે ખરો? એને તો
એની ચારેબાજુ શત્રુઓ દેખાય છે મને લાગે છે કે લગ્ન કરનાર દરેક
વૃદ્ધોની આજ દશા હોય છે.
સુશીલાના કહેવાથી આજે ભગવાનની ઝાંખી જોવા જતી હતી હું.
કુવડની જેમ બહાર જાઉં તો તો લોકો મારી મશ્કરી કરે, મને જોઇને હસવા
લાગે. હું બરાબર તૈયાર થઇ જવા વિચારતી હતી ત્યાં જ કોણ જાણ એ
ક્યાંયથી ટપકી પડ્યા અને પૂછ્યું - ‘‘ક્યાં જવાની તૈયારી ચાલે છે?’’
‘‘ઠાકોરજીની ઝાંખીનાં દર્શને જવું છે!’’ મેં કહ્યું. અને એમણે ભવાં
ઊંચે ચઢાવતાં છણકો કર્યો. ‘‘તારે ત્યાં જવાની જરૂર નથી. જે પત્ની
પોતાના પતિની સેવા નથી કરતી તેને તો દેવદર્શનથી પુણ્યને બદલે પાપ જ
મળે છે. મારી આગળ બહાનું બતાવે છે. મને તો બૈરાંની નસેનસની
જાણકારી છે, સમજી?’’
મને પારાવાર ગુસ્સો ચઢ્યો. મેં કપડાં બદલી નાખ્યાં ને પ્રતિજ્ઞા
કરી કે ક્યારેય દેવદર્શને જવું નહીં. આવો તે અવિશ્વાસ હોય? પણ હુંય કોણ
જાણે શું વિચારીને રોકાઇ ગઇ! એનો ખરો જવાબ તો, એમની ના હોવા
છતાં દેવદર્શને જવામાં જ હતો. પછી જોઇ લેત કે એ મને શું કરી લે છે!
મારી ઉદાસી બદલ એમને આશ્ચર્ય લાગે છે. એ મને એમના
મનથી કૃતઘ્ન સમજે છે. આટલી અઢળક સંપત્તિની સ્વામિની હોઇને તો મને
આનંદ થવો જોઇએ. એમ એમનું માનવું હતું. એ માનતા કે મારે આઠે પહોર
એમનાં ગુણગાન ગાવાં જોઇએ. પણ હું તો એમ ના કરતાં મોં ચઢાવીને જ
બેસી રહું છું. કોઇકોઇક વાર મને દયા આવે છે બિચારા ઉપર પણ એમને
એ નથી સમજાતું કે સ્ત્રીના જીવનમાં કોઇક એવી પણ વસ્તુ છે કે જેને
ગુમાવી બેસતાં એની દ્રષ્ટિમાં સ્વર્ગ પણ નર્કથીયે બદતર થઇ જાય છે.
ત્રણ દિવસથી એ ગંભીર માંદગીમાં સપડાઇ ગયા છે. ન્યૂમોનિયા
થઇ ગયો છે. ડૉક્ટરનું કહેવું છે કે હવે બચવાની કોઇ આશા નથી. પણ કોણ
જાણે કેમ મને એનું દુઃખ નથી, હું એવી કઠોર કાળજાની પણ નથી. મારી
કોમળતા ક્યાં ચાલી ગઇ? કોઇ માંદા માણસને જોઇ મારુ હૈયું કરુણાથી
ચંચળ થઇ ઊઠતું હતું. મારાથી કોઇનું રૂદન સહી શકાતું ન હતું. એ જ હું છું
આજેય ત્રણ દિવસથી મારી બાજુના ઓરડામાં એમને કણસતા સાંભળું છું.
પણ એકવારેય એમની ખબર કાઢવા જતી નથી. હું એમની પાસે. અરે! મારી
આંખમાં એક આંસુય નથી આવતું. મને એવી લાગણી થાય છે કે મારે
એમની સાથે જાણે કશો જ સંબંધ નથી. ભલે મને કોઇ ચૂડેલ કહે, કહઇ કહે,
મને તો એમની માંદગીથી એક જાતનો ઝેરીલો આનંદ થાય છે.
એમણે મને એમના ઘરમાં કેદ કરી હતી. હું એને લગ્ન કહી જ ના
શકું. હું એવી ઉદાર નથી કે મને નરકમાં નાખનારની હું પૂજા કરું, મને લાતો
મારનારનાં હું ચરણ ચૂમું. મને તો ખાતરી છે કે ઇશ્વર એને એના એ પાપની
જ સજા કરી રહ્યો છે. હું સંકોચ વગર કહું છું કે એની સાથે મારાં લગ્ન
થયાં જ નથી. પ્રેમથી સ્ત્રી પુરુષનાં હૃદય પુલકિત થઇ જાય એવું જોડાણ જ
લગ્ન કહી શકાય. મહાશય દુઃખથી કણસતા કણસતા મને ભાંડી રહ્યા છે એ
હું સ્પષ્ટ સાંભળી રહી છું. પણ મને એની કશી પરવા નથી. જેની ઇચ્છા
હોય તે ધન દોલત, માલમિલકત કે જમીન જાગીર સ્વીકારે, મારે તો એની
જરા જેટલી પણ જરૂર નથી.
મારે વિધવા થયે ત્રણ મહિના થઇ ગયા. લોકો મને વિધવા કહે
છે. મારે શું એમાં? લોકોને જે કહેવું એ કહે. પણ હું મારી જાતને જે સમજું છું
એ જ સમજું છું. મેં બંગડીઓ ભાંગી નથી. શું કરવા ભાંગું? અને સેંથામાં
સિંદૂર તો હું પહેલેથી જ પૂરતી નહીં. ઘરડા બાપની ક્રિયા એના સુપુત્રએ
કરી. હું તો પાસેય ગઇ નથી. ઘરમાં મારા વિશે મનફાવે એમ બોલે છે બધાં.
મારા વાળ ગૂંથેલા જોઇ મોંઢું ચઢાવે છે. કેટલાંક તો મારાં ઘરેણાંને તાકી
તાકીને જોયા કરે છે. મને એની કોઇ ચિંતા નથી. અને હોય પણ શું કામ?
એમને બધાંને અકળાવવા હું રંગીન સાડીઓ પહેરું છું. અને બનીઠનીને
હરુફરું છું. મને લેશમાત્ર દુઃખ નથી. હું તો જાણે છૂટી જેલમાંથી!
કેટલાક દિવસો બાદ હું સુશીલાને ઘેર ગઇ. એક નાનું સરખું ઘર,
ખાસ કશી સજાવટ નહીં, અરે, સૂવા માટે ખાટલો શુદ્ધાં ના મળે. પણ એ તો
ચેનથી રહેતી હતી એ ઘરમાં. એનો આનંદ જોઇને મારા મનમાં જાતજાતની
કલ્પનાઓ ઊઠે છે. - ‘‘શા માટે એમને નિંદાપાત્ર કહું? હું પોતે જ ક્યાં એ
બધું નિંદાપાત્ર માનું છું?’’ સુશીલાના જીવનમાં કેટલો આનંદ છે! કેટલો પ્રેમ
છલકાય છે! આવા પ્રેમથી તો જીવન ધન્ય બની જાય. ભલે એવો પ્રેમ ક્ષણિક
હોય તોય એની સ્મૃતિ ચિરંજીવ બની જાય છે. નખલીનો એક માત્ર ટકોરો
હૃદયવીણાના તારોને અંતકાળ સુધી મધુર સ્વરોથી સ્પંદિત રાખી શકે છે.
એક દિવસ મેં સુશીલાને કહ્યું - ‘‘સુશીલા, જો તારા પતિદેવ
કદાચ પરદેશ ચાલ્યા જાય તો શું તું રડી રડીને મરી જાય?’’
ગંભીર સ્વરે સુશીલાએ જવાબ આપ્યો - ‘‘ના, બહેન, મરી તો
ના જાઉં, પણ એમની સ્મૃતિ સદાય મને આનંદ આપતી રહે. પછી ભલેને
એ વરસો સુધી પરદેશમાં રહે.’’
‘‘હું આવો પ્રેમ ઇચ્છું છું. આ પ્રેમબાણના ઘા માટે તડપતી રહી છું
હું. પણ એવું મીઠું સ્મરણ ઝંખું છું કે જેનાથી મારા દિલની જંત્રી ઝણઝણતી
રહે.’’
રડી રડીને રાત વીતાવતી હતી. હૈયું ભરાઇ આવતું હતું. નજર
સામે જીવન સહારાના રણની જેમ ફેલાઇને પડ્યું હોય એમ લાગતું હતું.
હરિયાળીનું નામ નિશાન ના મળે. ઘર હવે બચકાં ભરતું હતું. મનની સ્થિતિ
એવી થઇ ગઇ હતી કે જાણે ક્યાંક ઊડી જવાની ઇચ્છા થઇ આવતી હું જ
મારી જાતને સમજી શકતી નથી. પણ મને જેની ખબર નથઈ એ મારું રોમ
રોમ જાણતું હતું. હું મારી ભાવનાઓની જીવતી જાગતી પ્રતિમા છું. મારું
પ્રત્યેક અંગ મારી આંતરિક વેદનાનો આર્તનાદ બની ગયું છે.
મનુષ્યને નિંદાનાં ભય કે લજ્જા ના રહે એવી અંતિમ દ્રષ્ટિએ
મારા મનની ચંચળતા પહોંચી ગઇ છે. જે લોભી અને સ્વાર્થી મા બાપે મને
કૂવામાં ધકેલી મૂકી હતી એ માતાપિતા માટે મારા મનમાં વારંવાર,
દુરેચ્છાઓ જન્મતી હતી. હું એમની ફજેતી કરવા ઇચ્છું છું. હું પ્રાણત્યાગ
કરીને એમને પ્રાણદંડ દેવા ઇચ્છું છું. હું મારું નારીત્ત્વ મરી પરવાર્યું છે. મારા
હૃદયમાં પ્રચંડ વડવાનલ સળગી ઊઠ્યો છે.
ઘરમાં બધાં સૂઇ રહ્યાં હતાં. હું ધીમેથી નીચે ઉતરી. બારણું
ઉઘાડ્યું, ને ઘરની બહાર નીકળી ગઇ. એ ઘરમાં મારા શ્વાસ રૂંધાતા હતા.
સડક સાવ શાંત અને નિર્જન હતી. દુકાનો બંધ થઇ ગઇ હતી.
ઓચિંતી એક વૃદ્ધા આવતી દેખાઇ. મને બીક લાગી કે ચૂડેલ ના હોય!
વૃદ્ધાએ પાસે આવીને મને જોતાં જ પૂછ્યું - ‘‘કોની રાહ જુએ છે?’’
ગુસ્સે થઇને મે કહ્યું - ‘મોતની.’
‘‘તારા ભાગ્યમાં જિંદગીમાં મોટાં મોટાં સુખ ભોગવવાનું લખ્યું
છે. અંધારી રાત વીતી ચૂકી છે. હવે પ્રભાતની, ઉષાનો અજવાસ પથરાવાની
તૈયારી છે.’’
હસીને મે કહ્યું - ‘‘તમારી આંખો એવી પાણીદાર છે કે અંધારામાં
પણ મારા નસીબનું લખાણ વાંચી શકે છે?’’
‘‘હું આંખોથી વાંચતી નથી, અક્કલથી વાંચું છું, બેટા, આ માથની
બાબરી તડકામાં ધોળી નથી થઇ કંઇ. તારા ખરાબ દિવસો પૂરા થયા છે.
હવે સારા દિવસોની શરૂઆત થવા આવી છે. હસીશ નહીં બેટી, આ કામ
કરતાં જ આખું આયખું વીતી ગયું છે. આ ડોસીને કારણે જ નદીમાં ડૂબી
મરવા તૈયાર થયેલી કેટલીયે આજે ફૂલોની સોડમાં પોઢી રહી છે. ઝેર પીવા
તૈયાર થયેલી આજે દૂધના પ્યાલા ગટગટાવે છે. એટલે જ તારા જેવી
અભાગણીઓના ઉદ્ધાર માટે મોડી રાતે નીકળું છું. કોઇની પાસે હું કશુંય
માગતી નથી. ભગવાનનું આપ્યું બધું જ ઘરમાં છે. બસ થાય ત્યાં સુધી સેવા
કરવી એ જ એકમાત્ર ઇચ્છા છે મનની. ધનની ઇચ્છાવાળી ને ધન,
સંતાનની ઇચ્છા હોય તેને સંતાન, પતિની ઇચ્છા હોય એને પતિ બીજું શું
કહું? જેને જે મેળવવું હોય એ માટેનો મંત્ર બતાવી દઉં છું. અને જેની જે
ઇચ્છા એ પૂરી થઇ જાય છે.’’
મે કહ્યું - ‘‘મારે ધન નથી જોઇતું કે નથી જોઇતું સંતાન મારી
આશા હવે તમારા હાથની વાત નથી.’’
વૃદ્ધા હસી - ‘‘તારી ઇચ્છાની મને ખબર છે. તું એવી વસ્તુ ઇચ્છે
છે કે જે આ જગતમાં હોવા છતાં સ્વર્ગની છે. દેવોના વરદાન કરતાં પણ
વધુ આનંદદાયક છે. એ આકાશનું પુષ્પ છે. અને અમાસનો ચાંદો છે. પણ
મારા મંત્રમાં એ તાકાત છે. જે ભાગ્યને પણ પલટાવી શકે છે. તું તો પ્રેમની તરસી છે ને? હું તને પ્રેમનૈયા પર સેર કરાવી શકું એમ છું.’’
મેં જિજ્ઞાસાથી પૂછ્યું - ‘‘મા, તમારું ઘર ક્યાં છે?’’
‘‘આ રહ્યું. પાસે જ. તારે આવવું હોય તો તને હું મારી પાંખો ઉપર બેસાડીને લઇ જાઉં.’’
મને એ આકાશની દેવી લાગી. એની પાછળ પાછળ હું ચાલી નીકળી.
અરે! હું જેને સ્વર્ગની દેવી સમજતી હતી એ વૃદ્ધા તો નર્કની ચૂડેલ નીકળી. મારું સર્વસ્વ નાશ પામ્યું જાણે! હું અમૃત શોધતી હતી અને મને ઝેર મળી ગયું. સ્વચ્છ પ્રેમની પ્યાસી એવી હું ગંદી ગોબરી ગટરમાં આવી પડી. જે વસ્તુ મને મળી ન હતી, તે ના જ મળી. હું તો સુશીલા જેવું સુખ ચાહતી હતી. કુલટાઓ જેવી વિષય વાસના નહીં. પણ જીવનમાં એકવાર ખરાબ રસ્તે ચઢી ગયા પછી સાચા રસ્તે પાછા ફરવું મુશ્કેલ હોય છે.
મારા અધઃપતન માટે જવાબદાર હું નથી, મારાં મા બાપ છે. પેલો ઘરડો માણસ છે કે જેને મારો પતિ થવાની લાલસા હતી. મારે આ લીટીઓ ન હતી લખવી જોઇતી પણ મારી આત્મકથા વાંચીને લોકોની આંખો ઊઘડે એટલા માટે જ મારે એ લખવી પડી છે. હજુ આજેય હું કહું છું કે તમે તમારી દિકરીઓ માટે ધન, સંપત્તિ, જમીન જાગીર કે ખાનદાન જોશો નહીં. જો જોવું જ હોય તો એકમાત્ર માટે છોકરો જોજો. જો તમે તમારી દિકરીને યોગ્ય વરના મેળવી શકો તો તેને કુંવારી રાખજો, ઝેર આપજો, એનું ગળું દબાવી દેજો, પણ કોઇ ઘરડા આખલા સાથે એને પરણાવશો નહીં. સ્ત્રી બધું જ સહન કરી શકે છે પણ એના યૌવનના ઉમંગો ચગદાઇ જાય એ દુઃખ કોઇ કાળે સહન કરી શકતી નથી.
મારે માટે હવે જીવનમાં કોઇ આશા બચી નથી. જે સ્થિતિમાંથી છૂટકારો મેળવીને હું આવી છું એ સ્થિતિ કરતાં કદાચ મને આ સ્થિતિ હવે સારી લાગે છે. મારે મારી આ દશા બદલવી નથી.
***