Turtle beach, oman
------+++-++++----------
ઓચિંતું નક્કી કરી 8.3 ના બપોરે 3.45 ઘેરથી નીકળી 4 વાગે પેટ્રોલ પમ્પ છોડી 210 કિમિ દૂર સુર શહેર સાંજે 5.45 ના પહોંચ્યા. પહેલા બીચ પર પ્લેગ્રાઉન્ડમાં પૌત્રને રમાડી, પગ બોળી 6.20 ના ત્યાંની korniche એટલે મરીન ડ્રાઈવ જેવા ગોળાકાર કિનારે સુર નો વાહનો માટેનો ઝૂલતો પુલ વટાવી પહોંચ્યાં. કોરનીશ પર હોડીઓ , ધો એટલે ખાસ હોડી જે આગળથી ઊંચી હોય અને દૂર જવા વપરાય એ, વ. જોયું. ત્યાંની બજાર ફર્યાં. જેઠાલાલ આશર, પરમાનંદ, લખુ એક્સચેન્જ જેવી ગુજરાતી દુકાનો જોઈ. ત્યાંની સ્ત્રીઓના પોશાક અબાયા માં પણ બુટિક ને ડિઝાઈનર ડ્રેસ હોય છે. લેડીઝ, જેન્ટ્સ અને જનરલ ગુડ્સ ની અલગ બજારો હતી. એક ગુજરાતી લોજ હતી જે બંધ હોઈ ઝાઈકા રેસ્ટોરન્ટ માં જમ્યા અને સાવ અંધારા નિર્જન રસ્તે ડ્રાઈવ કરી જવાહર અલ હદ હોટેલ એપાર્ટમેન્ટ રાત્રે સાડા દસે પહોંચ્યા.
સવારે 3.45 ના ઉઠી વળી 30 કિમિ turtle beach resort 4.30 સવારે રિપોર્ટ કર્યું. 5 પછી એન્ટ્રી બંધ. ટિકિટ ઓમાંની માટે 3 રિયાલ, વિદેશી માટે 5 રિયાલ. ગાઈડ ઘોર અંધારામાં માત્ર એના એકલાના મોબાઈલ ની ટોર્ચ આગળ ફેંકતો 20 મિનિટ ચલાવી ટરટલ બીચ લઈ ગયો. કોઈ વાત નહીં કરવાની, અવાજ નહીં, ફ્લેશ પણ નહીં. ગાઈડ લાલ લાઈટ ફેંકી ઇશારાથી કે અત્યંત ધીમેથી બતાવે. અવાજ થાય તો કાચબા ભાગી જાય કે ડરી જાય. ઈંડા માંથી નીકળી દરિયા ભણી દોટ મુકતું કાચબા શિશુ, કૂતરા થી સહેજ મોટી કાચબી જે પાંખોથી ધૂળ ઉડાવી ખાડો ખોદી ઈંડા મુક્તી હતી, ખાડામાંથી દરિયે જતો કાચબો વ. જોયું.
સૂર્યોદય થતા 7.30 ના હોટેલ આવી 1 કલાક આરામ કરી નજીકના બીચ પર નહાવા ગયાં. અહીં જાહેરમાં કપડાં બદલવાની મનાઈ જે ધરપકડ ને પાત્ર છે તેથી હોટેલથી જ અંદર ફૂલ બરમુડા ચડાવી નહાવા ગયા. આ બીચ પર લાલ રેતી છે. છીપ પણ લાલ, ડુંગળીના છીલકા જેવાં મળે.
પરત આવી ચેક આઉટ કરી નજીક રેસ્ટોરાંમાં ચા જેને અહીં 'કરક' કહે છે તેનો ઓર્ડર આપ્યો. આ ગામ અલ હદ interior હોઈ મસ્કતમાં ચા શબ્દ સમજાય અહીં નહીં. કદાચ આપણો 'કડક' ચા શબ્દ અહીંથી કે અહીંનો શબ્દ આપણે ત્યાંથી આવ્યો હશે. સાથે આમલેટ જેમાં કહો નહીં તો બીફ, મટન પણ ભેળવે તેથી 'વેજ આમલેટ' (!) નો ઓર્ડર આપી કહ્યુકે ટામેટા મરચાં ડુંગળી સિવાય નાખે નહીં. એણે તરત પૂછ્યું 'ગુજરાતી આમલેટ' જેમાં ડુંગળી ન નાખે એ? એટલે શું જૈન આમલેટ જેવી વસ્તુ હશે? એને 'ગુજરાતી આમલેટ' શબ્દ ખબર હતી અને આવું હોઈ શકે એ અમને ખબર ન હતી.
આમલેટ સાથે પીતા રોટી અને ટામેટા કાકડી કેપ્સિકમ લીંબુ નો સેલાડ ફ્રી. પણ પાણી ની નાની બોટલના પણ પૈસા.
અહીં પેટ્રોલ 198 બૈસા એટલે 35 રૂ. જેવું, પાણી 150 બૈસા એટલે 28 રૂ. લીટર જેવું. કોણ ફ્રી આપે? આમલેટ સાથે મેંદાના ફુલકાં જેવી પીતા રોટી એ પણ મફત ખાવાની મઝા આવી.
સુર માં નેશનલ મરિન મ્યુઝિયમ જેમાં વહાણોના મોડેલ હોકાયંત્રો વ. છે એ જોવા જેવું.
પહાડો વચ્ચે, ખૂબ વાળ વાળા જંગલી બકરા, રખડતા ઊંટ વ. જોયા. અહીં એક પણ અપવાદ વિના કાળા જંગલી ગધેડા પહાડ પર ચરતા જોયા. ઘોડા થઈ સહેજ જ નાના. હૃષ્ટપુષ્ટ. સાડા દસે એ અલ હદ ગામ છોડી 1 વાગે મસ્કત પરત. સુર છોડો એટલે 30 કી.મી. પછી એક બાજુ ઘૂઘવતો લીલો અને એકદમ ભૂરો દરિયો નીચે અને બીજી બાજુ પર્વતો. લીલા, બ્રાઉન, લાલ, કાળા અને ખાખી કે પીળા રંગના પથરાળ ખડકો એક સાથે દેખાય. સતત 110 ની સ્પીડ ક્રુઝ કંટ્રોલ પર કાર મૂકી દઈ રાખેલી.
આ ક્રુઝ કંટ્રોલ પર કાર હોય તો ડ્રાઈવરે માત્ર સ્ટિયરિંગ પર હાથ રાખવાનો. સતત એક્સેલરેટર , ક્લચ પર પગ અને સ્ટિયરિંગ પર હાથ હોઈ જે દુખે એ ન થાય. એક સરખી સ્પીડ એટલે 240.કિમિ અઢી કલાકમાં કાપ્યા.
મહત્તમ માન્ય સ્પીડ 120 અને ક્યાંક 100. બેયમાં ચાલે એટલે 110 રાખી.
યાદગાર અનુભવ.
ઓમાન ની મુલાકાત લો તો સહુને જોવા લાયક સ્ત્થળ છે.
એ જાણવું રસપ્રદ રહેશે કે આપણું દ્વારકા અને ઓમાન દેશનું સુર શહેર સાવ સામસામે છે.