બેઈમાન
કનુ ભગદેવ
પ્રકરણ - 13
દિલીપની જાળ
દિલીપની કાર વિશાળગઢ તરફ દોડતી હતી.
કાર દિલીપ ચલાવતો હતો.
પાછળની સીટ પર શાંતા અને જાનકી બેઠાં બેઠાં વાતો કરતાં હતાં.
દોઢ કલાક પછી કાર વિશાળગઢમાં દાખલ થઇ.
દિલીપે મહારાજા રોડ પર એક નાના પણ સ્વતંત્ર અને આધુનિક મકાન પાસે પહોંચીને કાર ઉભી રાખી.
આ મકાન મોતીલાલની માલિકીનું હતું અને ઘણાં વખતથી ખાલી જ પડ્યું હતું.
દિલીપે થોડા વખત માટે મોતીલાલ પાસેથી તેની ચાવી લઇ લીધી હતી.
ડેકીમાંથી જાનકીની સૂટકેસ કાઢીને દિલીપ મકાન તરફ આગળ વધ્યો.
જાનકી તથા શાંતા તેની પાછળ જ હતાં.
એ જ વખતે બારણું ઉઘડ્યું.
બારણું ઇન્સ્પેક્ટર વામનરાવે જ ઉઘાડ્યું હતું.
તે એક તરફ ખસી ગયો.
દિલીપ,શાંતા અને જાનકી મકાનમાં દાખલ થઇ ગયાં.
વામનરાવે બારણું બંધ કરી દીધું.
ત્યારબાદ દિલીપે વામનરાવ સાથે જાનકીનો પરિચય કરાવ્યો.
બંનેએ એકબીજાને નમસ્તે કર્યા.
દિલીપ એક સોફા પર ઢગલો થઇ ગયો.
‘ભાઈ વામનરાવ...!’ એણે વામનરાવને ઉદ્દેશીને કહ્યું, ‘પેલા ખૂનીના શું ખબર-અંતર છે?’
‘એના પર ચાંપતી નજર રખાઈ રહી છે.’ વામનરાવે જવાબ આપ્યો, ‘એની એક એક મિનિટનો હિસાબ રાખવામાં આવે છે. એ ક્યાં ગયો? કોને મળ્યો, વિગેરે...! એણે ઓફિસમાંથી રજા લીધી છે. આજે સવારે જ એ મિસ જાનકીના ફ્લેટ પર ગયો હતો. પરંતુ ત્યાં તાળું જોઇને એ એમ.જે. એક્સપોર્ટ-ઈમ્પોર્ટની ઓફિસે ગયો. ત્યાં એણે, મિસ જાનકી ક્યારે આવવાની છે, એ બાબતમાં કેટલાંય લોકોને પૂછ્યું હતું.’
‘હું...’ દિલીપે હુંકાર કર્યો.
‘આમેય હજુ તે નિશ્ચિંત-બેફિકર છે. કારણ કે મિસ જાનકીએ વીસ દિવસની રજા લીધી હતી અને હજુ તો તેમની રજાના અઢાર દિવસ જ વીત્યા છે. અત્યારે એ પોતાને ઘેર જ છે. દર એક કલાકે એની હિલચાલ વિશેનો રીપોર્ટ મને મળે એવી વ્યવસ્થા મેં કરી છે.’
‘ગુડ...!’ દિલીપે સંતોષથી માથું હલાવ્યું.
પછી એ કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો.
‘મિસ જાનકી...!’ થોડીવાર સુધી વિચાર્યા બાદ એણે જાનકી સામે જોતાં કહ્યું, ‘તમને મુસાફરીનો થાક લાગ્યો હશે એટલે થોડી વાર આરામ કરી લો.’
‘ના...મારે આરામ નથી કરવો.’
‘કેમ...?’
‘જ્યાં સુધી માધવીના ખૂનીના હાથમાં હાથકડી ણ પડી જાય ત્યાં સુધી તો હું આરામનો વિચાર પણ કરી શકું તેમ નથી.’ જાનકીએ મક્કમ અવાજે જવાબ આપ્યો.
‘સરસ...!’ દિલીપ ચપટી વગાડતા બોલ્યો, ‘તો સૌથી પહેલાં, માધવીએ તમને જે પત્ર લખ્યો હતો, એ પત્ર મને આપો.’
‘જરૂર...’ કહીને જાનકીએ સૂટકેસને પોતાની તરફ ખેંચી.
ત્યારબાદ એણે તેનું તાળું ઉઘાડી,તેમાંથી એક આંતરદેશીય પત્ર કાઢીને દિલીપ સામે લંબાવ્યો.
દિલીપ એના હાથમાંથી પત્ર લઈને ગંભીરતાપૂર્વક વાંચવા લાગ્યો.
પછી એણે પત્ર વામનરાવના હાથમાં મૂકી દીધો.
વામનરાવે પણ એ પત્ર વાંચ્યો.
છેવટે શાંતાએ પણ પત્ર વાંચ્યો.
રૂમમાં થોડી પળો સુધી ચુપકીદી છવાઈ ગઈ.
‘દિલીપ...!’ વામનરાવે દિલીપ સામે જોઇને ચુપકીદીનો ભંગ કરતાં પૂછ્યું, ‘હવે શું કરવું છે? શું એની ધરપકડ કરી લઉં ? એનો સંકેત ખૂની તરફ હતો.
‘ના...! દિલીપે કંઇક વિચારીને જવાબ આપ્યો, ‘આ પત્ર ઉપયોગી તો છે. પણ કોર્ટમાં તેને સજ્જડ પુરાવો બની શકે તેમ નથી.’
‘ઉપરાંત ધરપકડ કર્યા પછી પણ એના ઘરમાંથી ચોરીની રકમ મળશે જ તેની કોઈ ખાતરી નથી.’ શાંતા બોલી.
‘હા, એ તો છે.’ વામનરાવે સહમતિસૂચક ઢબે માથું ધુણાવતા કહ્યું.
‘બસ, આ કારણસર જ તેને જાળમાં ફસાવવાની હું સલાહ આપું છું.’ દિલીપ બોલ્યો, ‘આમ કરવાથી બે લાભ થશે.’
‘શું ?’
‘એક તો રેડ્ડ હેન્ડ પકડાઈ જશે અને ચોરીની રકમ પણ તેની પાસેથી કબજે થઇ જશે.’
‘ઠીક છે...જેવી તારી મરજી...!’
‘વામનરાવ...હું મારી કારને આ મકાનથી દુર મૂકી આવું છું. તું તારા માણસોને જરૂરી સૂચનાઓ આપી દે.’
વામનરાવ હકારમાં માથું હલાવીને ટેલીફોન તરફ આગળ વધી ગયો.
‘અને શાંતા...!’ દિલીપ શાંતા તરફ ફર્યો, ‘તું, મિસ જાનકીને તેમની કાર્યવાહી વિશે સમજાવી દે.’
‘જરૂર...!’
દિલીપ ઉભો થઇને બહાર નીકળી ગયો.
પંદરેક મિનિટ પછી એ પાછો ફર્યો.
આ દરમિયાનમાં શાંતાએ, જાનકીને શું કરવાનું છે, એ સમજાવી દીધું હતું.
વામનરાવે પણ ફોન કરીને પોતાના માણસોને જરૂરી સૂચનાઓ આપી દીધી હતી.
બધી તૈયારીઓ પૂરી થઇ ગયા પછી દિલીપે જાનકીને રિસીવર ઊંચકવાનો સંકેત કર્યો.
જાનકીએ આગળ વધીને ધબકતા હૃદયે રિસીવર ઊંચક્યું.
દિલીપે તરત જ એક નંબર મેળવ્યો.
સામે છેડેથી ઘંટડી વાગવાનો અવાજ જાનકીને સંભળાયો.
પછી સામે છેદથી રિસીવર ઊંચકાયું.
જાનકીએ નર્વસ ભાવે દિલીપ સામે જોયું, પછી હિંમતભેર કહ્યું, ‘હલ્લો મિસ્ટર ખૂની ! કેમ છે તમારી તબિયત ?’
‘શું...? શું કહ્યું તમે ..? મિસ્ટર ખૂની ?’સામે છેડેથી કોઈકનો ચમકતો-ગભરાયેલો અવાજ તેના કને અથડાયો.
‘હા, મિસ્ટર ખૂની...!’
‘ક...કોણ છે તું...? તારે શું જોઈએ છે ?’
‘પૈસા...!’ જાનકીએ અદાથી કહ્યું.
‘પૈસા ?’
‘હા...હું એ રકમમાંથી ભાગ માંગું છું કે જે નથી તારી, નથી મારી...કોઈક બીજાની જ છે અને જેને ખાતર અત્યાર સુધીમાં તું ત્રણ નિર્દોષ માણસોના ખૂન કરી ચૂક્યો છો તથા જરૂર પડ્યે ચોથું ખૂન પણ કરી શકે તેમ છો.’
‘ચ...ચોથું ખૂન...?
‘હા...ડીયર...ચોથું ખૂન...!’
‘તારું દિમાગ ફરી ગયું લાગે છે. તારી આ ધડ-માથા વગરની વાતનો અર્થ હું સમજી નથી શકતો. આ તું શું બકે છે ?’
જાનકી ખડખડાટ હસી પડી.
‘મિસ્ટર ખૂની...!’ એણે એક એક શબ્દ પર ભાર મૂકતા કહ્યું, ‘મારી વાતનું ધાડ અને માથું બંને છે. એટલું જ નહીં, મારી વાતનો અર્થ પણ તું બરાબર સમજે છે. હું બકતી નથી. પણ સાચું કહું છું એ વાતની ચાડી, તારા અવાજમાં રહેલો થોથવાટ,ગભરાટ અને ભય ફૂંકે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, મેં જે કંઈ કહ્યું છે, એ બધું જ તેં કર્યું છે. અર્થાત્ ચોરી અને ત્રણ નિર્દોષ માનવીના ખૂન...?
‘મેં કંઈ જ કર્યું નથી...આ બધું ખોટું છે...!’
‘જો ભાઈ ખૂની...વાતની ગંભીરતાને સમજ ! જો હું પોલીસ પાસે જઈશ તો તારે ફાંસીને માંચડે લટકવું પડશે. ચોરીની રકમ તું તારી છાતી સાથે બાંધીને જ ઉપર ઈશ્વરના દરબારમાં લઇ જજે. કદાચ ત્યાં તું એનો ઉપયોગ કરી શકીશ ! કદાચ જો તને જન્મટીપની સજા થાય તો એ રકમ તારી સાથે જેલમાં નથી આવવાની ! તું એમાંથી એક રૂપિયો પણ નહીં વાપરી શકે. માટે તારી હઠને પડતી મૂકીને મારી સાથે સમજૂતી કરવામાં જ તારું શ્રેય છે.’
‘પણ..પણ તું છે કોણ ?’
‘જાનકી...જાનકી અચરેકર !’
‘ઓહ...તો તું છો એમ ને ?’
‘હા...માધવીની ખાસ બહેનપણી ! હવે એક ખાસ વાત સાંભળ ! મારી પાસે માધવીનો લખેલો એક પત્ર છે. અને આ પત્ર સહેલાઈથી તને ફાંસીના માંચડે પહોંચાડી શકે તેમ છે.’
‘તેં કોઈ ખોટા માણસને ફોન કર્યો છે એમ જો હું કહું તો ?’ સામે છેડેથી આવતા અવાજમાં કારમી ઠંડક હતી.
‘તો હું એમ કહીશ કે આ દુનિયામાં તારા જેવો મોટો મૂરખ બીજો કોઈ નહીં હોય !’ જાનકીએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો.
‘જરૂર તારી કંઇક...’
‘જો ભાઈ ખૂની...!’ જાનકી વચ્ચેથી જ તેની વાતને કાપી નાંખતા બોલી, ‘બસ, હવે બહુ મજાક થઇ ગઈ. તેં મારી જીગરજાન બહેનપણીને મારી નાંખી છે છતાંય હું તને માફ કરવા માટે તૈયાર છું. મારી ધીરજ હવે ખૂટી જાય એ પહેલાં જ હું જે કહું છું તે ધ્યાનથી, kan સરવા કરીને સાંભળ ! આજ રાત્રે બરાબર દસ વાગ્યે તારે એક બ્રીફકેસમાં પૂરા દસ લાખ રૂપિયા રોકડા ભરીને મારી પાસે આવવાનું છે. સમજ્યો ?’
‘શું...? પૂરા દસ લાખ...?
‘હા...’
‘કેમ...? શાની ખુશાલીમાં...? સાંભળ મારા પિતાજી મારે પૈસાનું ઝાડ નથી ઉગાડી ગયા કે ખંખેરીને તને આપી દઉં !’ સામે છેડેથી આવતા અવાજમાં કટાક્ષ હતો.
‘મારે તારો કોઈ બકવાસ નથી સાંભળવો. હું જેમ કહું એમ જ તારે કરવાનું છે. દસ લાખમાંથી તને કેટલા આપવા એ હું જ નક્કી કરીશ સમજ્યો ?’
‘પણ...’
‘અને એક વાત કાન ખોલીને સાંભળી લો...જો દસ લાખમાં એક રૂપિયો પણ ઓછો હશે ને તો તારી ખેર નથી. બધી રકમ હું એકલી જ જમી જઈશ. અને હા...ચોથું ખૂન કરવાનું તો તું ભૂલેચૂકેય વિચારીશ નહીં. કારણ કે મારું ખૂન તારી જિંદગીનો સૌથી મોટો સોદો હશે મારા ખૂનની કિંમત તારે ફાંસીના માંચડે લટકીને ચૂકવવી પડશે એટલું યાદ રાખજે.’
‘તું વાતો તો બહુ ભયંકર કરે છે. તું માણસ છો કે...’
‘તારે જેમ માનવું હોય તેમ માન...! હવે હું ક્યાં ઊતરી છું એ સાંભળ ! હું મહારાજા રોડ પર કૉલેજ વાડીની બરાબર સામે ત્રણ નંબરના મકાનમાં ઊતરી છું. મારી પાસે રિવોલ્વર નામનું એક નાનકડું પણ ઘડીના છઠ્ઠા ભાગમાં સ્વર્ગની ટિકિટ કપાવી દે એવું હથિયાર પણ છે. માટે કોઈ જાતની તીડીબાજીનો પ્રયાસ કર્યા વગર પૂરી ઈમાનદારીથી આવજે. ફરીથી સાંભળી લે. મહારાજા રોડ કોલેજ વાડીની સામે...! ત્રણ નંબરનું મકાન ! ગુડ બાય મિસ્ટર ખૂની...!’ કહીને જાનકીએ રિસીવરને ક્રેડલ પર મૂકી દીધું. પછી દિલીપ સામે જોઇને બોલી, ‘કેમ મિસ્ટર દિલીપ, મેં એને બરાબર રીતે હેન્ડલ કર્યો છે ને ?’
‘મિસ જાનકી !’ દિલીપે પ્રશંસાભર્યા અવાજે કહ્યું, ‘તમે જે રીતે, જે હિંમત દાખવીને એની સાથે વાતચીત કરી છે એ ખરેખર કાબિલે તારીફ છે.’
‘મિસ્ટર દિલીપ...!’ જાનકી સહેજ શરમાઈને બોલી, ‘કોલેજ દરમ્યાન હું ઘણી વખત નાટકોમાં કામ કરી ચૂકી છું. એટલે...’ કહીને એણે પોતાનું વાક્ય અધૂરું મૂકી દીધું.
દિલીપે વામનરાવ સામે જોયું.
‘વામનરાવ...!’ એ બોલ્યો, ‘હવે આપણે અહીંથી ક્યાંય બહાર નથી જવાનું. અહીં ખાવા-પીવાની વ્યવસ્થા છે ને ?’
‘પીવાની બાબતમાં જો તારો સંકેત શરાબ હોય તો એ નથી. હા, પાણી જરૂર મળશે. હવે રહી વાત ભોજનની...તો ત્રણ દિવસ સુધી ભોજન માટે કોઈ વાંધો આવે તેમ નથી.’
‘ભગવાન તારું કલ્યાણ કરે. અને ઝડપથી તને વૃદ્ધાવસ્થાની નજીક પહોંચાડે ! હવે પહેલાં આપણે પેટ પૂજા કરી લઈએ.’
શાંતા અને જાનકી કીચનમાં ચાલી ગઈ.
થોડીવાર પછી સૌ ડાયનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયા.
ચારેયે ભોજન કર્યું.
વામનરાવ હાથ લૂછતો હતો ત્યાં જ સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઊઠી.
એણે આગળ વધીને ઝડપથી રિસીવર ઊંચકીને કને મૂક્યું.
ત્યારબાદ તે થોડી પળો સુધી સામે છેડેથી કહેવાતી વાતો સાંભળતો રહ્યો.
પછી એણે રિસીવર મૂકી દીધું.
‘કોનો ફોન હતો ?’ કહીને દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.
‘સબ-ઇન્સ્પેક્ટર અમરજીનો ?’
‘હા...બહુ આનંદના સમાચાર છે.’ વામનરાવ પ્રસન્ન અવાજે બોલ્યો, ‘આપણો શિકાર એક વૃદ્ધ માણસનો વેશ ધારણ કરી, પોતાના સ્કૂટર પર બેસીને મહારાજા રોડ તરફ આવવા માટે રવાના થયો છે.
‘ઓહ...તો એનો અર્થ એ થયો કે તે પોતાનું હવે પછીનું પગલું ખુબ જ સમજી-વિચારીને ભરવા માગે છે.’ દિલીપે કહ્યું.
‘તો તો પછી આપણે આપણું સ્થાન સંભાળી લેવું જોઈએ.’ શાંતાએ કહ્યું.
સૌ બીજી રૂમમાં ચાલ્યા ગયા. બે મિનિટ પછી દિલીપ ભિખારીના મેકઅપમાં બહાર નીકળી ગયો.
ડ્રોઈંગરૂમમાં હવે જાનકી એકલી જ હતી.
***
બપોરે લગભગ બે વાગ્યે મહારાજા રોડ પર આવેલા ત્રણ નંબરના મકાન સામેથી એક સ્કૂટર પસાર થયું.
સ્કૂટર એક વૃદ્ધ માણસ ચલાવતો હતો.
એ સ્કુટરને થોભાવ્યા વગર ત્રણ નંબરના મકાન તરફ પાછો આવ્યો અને પહેલાંની જેમ જ આજુબાજુમાં નજર દોડાવીને પસાર થઇ ગયો.
મહારાજા રોડ પર સડકની બંને તરફ થોડા થોડા અંતરે સ્વતંત્ર મકાનો હતાં. બધા મકાન એક સરખા ઘાટના હતાં.
અત્યારે લગભગ બધા મકાનો બંધ હતાં.
એમાં રહેતા લોકો કાં તો પોત-પોતાના કામ-ધંધે ગયા હતાં અથવા તો પછી આરામ ફરમાવતા હતાં.
થોડેક દૂર જઈને વૃદ્ધે સ્કૂટર ઉભું રાખ્યું. પછી તે આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરવા લાગ્યો.
સામે જ પાન-સિગારેટની એક દુકાન હતી. દુકાનની બહર બે-ત્રણ માણસો ઊભા હતાં.
બીજી તરફ એક ઓટો ગેરેજ હતું. ત્યાં એક માણસ પોતાના સ્કૂટરનું પંચર સંધાવતો હતો. ગેરેજથી થોડે દુર એક વૃક્ષ નીચે, એક ભિખારી જેવો લાગતો માણસ બંને પગ લાંબા કરીને બેઠો બેઠો માળા ફેરવતો હતો. એની બાજુમાં જૂની-પુરાણી લાકડી તથા પિત્તળનો વાટકો પડ્યો હતો. વાટકામાં થોડું પરચુરણ હતું.
વૃદ્ધે એ ભિખારી તરફ સ્કૂટર આગળ ધપાવ્યું. એની નજીક જઈને એણે સ્કૂટર ઊભું રાખ્યું.
એણે સ્કૂટરને ઊભું રાખ્યું કે તરત જ ભિખારીએ પોતાનો કઠ તેની સામે લંબાવ્યો.
‘મોટા સા’બ...!’ એણે કરગરતા અવાજે કહ્યું, ‘હું બે દિવસથી ભૂખ્યો છું...આ ભૂખ્યાને પાંચ-દસ પૈસા આપો તો ભગવાન તમારું કલ્યાણ કરશે.’ કહીને આશાભરી નજરે વૃદ્ધ સામે તાકી રહ્યો.
વૃદ્ધે પોતાના ગજવામાંથી એક રૂપિયાનો સિક્કો બહાર કાઢ્યો.
‘જો તું મારા એક સવાલનો જવાબ આપીશ તો આ રૂપિયો હું તને આપી દઈશ.’ એણે સ્કૂટર પર બેઠાં બેઠાં જ તેની સામે સિક્કો લહેરાવતા કહ્યું.
‘એક રૂપિયો...?’ વૃદ્ધે એક રૂપિયો નહીં, પણ એક હજાર રૂપિયા આપવાની વાત કરી હોય તેવો આનંદ ભિખારીના ચહેરા પર છવાઈ ગયો.’
‘હા...’
‘તો પછી રાહ કોની જુઓ છો સાહેબ...!’ એણે અધિરાઈથી કહ્યું, ‘જલ્દીથી જે કંઈ પૂછવું હોય તે પૂછીને એક રૂપિયો આપી દો. ભૂખથી મારાં આંતરડા મરડાય છે.’
‘પેલા મકાનમાં કોણ રહે છે ?’ વૃદ્ધે ત્રણ નંબરના મકાન તરફ સંકેત કરતાં પૂછ્યું.
એનો સવાલ સાંભળીને ભિખારીના ચહેરા પર રમતિયાળ સ્મિત ફરકી ગયું.
‘વાહ સાહેબ...!’ એ પોતાના બંને હાથ નચાવતા બોલ્યો, ‘આવડી ઉંમરે અવ લક્ષણ ?’
‘એટલે...? સહસા વૃદ્ધનો અવાજ કઠોર થઇ ગયો, ‘તારે રૂપિયો જોઈએ છે કે નહીં ?’
‘જોઈએ છે સાહેબ, જોઈએ છે...! રૂપિયો નહીં મળે તો મારે ભૂખ્યા જ રહેવું પડશે.’ ભિખારીએ તરત જ જવાબ આપ્યો.
‘તો પછી જવાબ શા માટે નથી આપતો? બોલ, એ મકાનમાં કોણ રહે છે ?’ વૃદ્ધે ફરી પૂછ્યું.
‘સાહેબ...એ મકાનમાં એક સુંદર મજાની યુવતી રહે છે. બહુ ભલી છોકરી છે. કાલે એણે મને જલેબી તથા ગાંઠિયા ખવડાવ્યા હતાં.’
‘એ ક્યારથી ત્યાં રહે છે ?’
‘હજુ તો પરમ દિવસથી જ આવી છે. રૂપિયો આપોને સાહેબ !’
‘તે એકલી જ છે કે પછી એની સાથે બીજું કોઈ પણ છે ?’
‘એકદમ એકલી જ છે...! રૂપિયો આપોને સાહેબ !’
‘વારુ, એને મળવા કોઈ આવે છે ખરું...?’
‘આજ સુધી તો કોઈ નથી આવ્યું. રૂપિયો આપોને સાહેબ !’ ભિખારી ડર વખતે પોતાની માંગણી રજૂ કરતો જતો હતો.
‘અર્થાત્ અત્યારે પણ તે એકલી જ છે ખરું ને ?’
‘હા...રૂપિયો આપોને સાહેબ !’
વૃદ્ધ એની સામે સિક્કો ફેંકીને પછી એ સ્કૂટર સહીત આગળ વધી ગયો.
ભિખારીએ સિક્કાની સામે જોયું પણ નહીં, વાસ્તવમાં એ દિલીપ પોતે જ હતો.
‘મિસ્ટર ખૂની...!’ એ સ્વગત બબડ્યો, ‘હવે હું જોઉં છું કે તું કેવી રીતે બચી શકે છે ?’
વૃદ્ધ સીધો ગેરેજવાળા પાસે પહોંચ્યો.
ગેરેજનો કારીગર એ વખતે એકલો જ હતો. જે માણસ પંચર સંધાવતો હતો, એ ચાલી ગયો હતો.’
‘ભાઈ...’ વૃદ્ધે તેને ઉદ્દેશીને પૂછ્યું, ‘આટલામાં કોઈ મકાન ખાલી છે ?’
ગેરેજવાળાએ એની સામું જોયું.
‘મને શી ખબર પડે સાહેબ ?’ એક બીડી સળગાવીને એણે જવાબ આપ્યો, ‘હું તો ધોબી ઘાટની ઝુંપડીમાં રહું છું. પાકા મકાનમાં રહેવાનું મને પોષાય તેમ નથી.’
‘પેલું મકાન ખાલી છે, એવું મેં સાંભળ્યું છે.’ વૃદ્ધે ત્રણ નંબરના મકાન સામે સંકેત કરતાં કહ્યું.
‘બરાબર છે...પહેલાં એ જરૂર ખાલી હતું. પણ હવે નથી.’ કારીગર બોલ્યો.
‘અરે...ક્યારે ભાડે અપાયું ?’
‘બે દિવસ જ થયા છે સાહેબ !’
‘બસ, બે જ દિવસ ?’
‘હા...’
‘તો તો હું મોડો પડ્યો એમ ને ?’
‘હા, સાહેબ...!’
‘હવે મારે શું કરવું ?’ વૃદ્ધ જાણે મૂંઝવણમાં મુકાઈ ગયો હોય એ રીતે સ્વગત બબડ્યો, ‘ખેર, ત્રણ નંબરના મકાનમાં કોઈ સાહેબ રહેવા આવ્યા છે ?’
‘સાહેબ તો કોઈ નથી. માત્ર એક મેમસા’બ છે.’
‘આ તું શું કહે છે ભાઈ...?’
‘હું સાચું જ કહું છું.’
‘માત્ર એક સ્ત્રી જ આવી છે ? બીજું કોઈ એની સાથે નથી આવ્યું ?’
‘ના...’
‘આવડા મોટા મકાનમાં તે એકલી રહે છે ?’
કારીગરે બીડીના ઠુંઠાને એક તરફ ફેંકીને હકારમાં માથું હલાવ્યું.
‘ઓહ...!’ વૃદ્ધ નિરાશાથી બબડ્યો.
પછી એ આગળ વધીને પાનવાળાની દુકાન તરફ પહોંચ્યો.
સ્કૂટર ઉભું રાખીને એ નજીક ગયો.
‘એક ફોરસ્ક્વેર આપજે ભાઈ...!’ એણે કહ્યું.
પાનવાળાએ ફોરસ્ક્વેરના પેકેટમાંથી એક સિગારેટ કાઢીને તેને આપી દીધી.
વૃદ્ધે ગજવામાંથી પાંચની નોટ કાઢીને ગલ્લા પર મૂકી દીધી.
પાનવાળાએ સિગારેટના પૈસા લઈને બાકીના પૈસા પાછા આપ્યા.
વૃદ્ધે પૈસાને ગજવામાં મૂકી,લાઈટર વડે સિગારેટ સળગાવીને એક ઊંડો કસ ખેંચ્યો. પછી નિરાશાથી માથું હલાવીને બોલ્યો, ‘મોટા શહેરોની આજ તો મોટી મુશ્કેલી છે.’
પાનવાળાએ તેની સામે જોયું.
ત્યાં ઉભેલા બંને ગ્રાહકો પણ એની સામે તાકી રહ્યા હતાં.
‘આ કઈ મુશ્કેલીની વાત કહો છો કાકા ?’ એક ગ્રાહકે પૂછ્યું.
‘મકાનની બીજા શેની ?’
‘કેમ ?’
‘મોટા શહેરમાં તમને બધું જ મળી રહશે પણ સારું મકાન નહીં મળે. કમસેકમ સહેલાઈથી તો નહીં જ મળે.’
‘તમારી વાત સાચી છે કાકા...!’ પાનવાળાએ એની વાતને સમર્થન આપતા કહ્યું, ‘અત્યારે તો ભાડાના મકાનના પણ નામ નથી લેવાતા ! શહેરથી આઠ-દસ કિલોમીટર દુર પણ નાના મકાનનું ઓછામાં ઓછું ભાડું આઠસો-હજાર પડે છે. હું છેક જી.ટી રોડ પર રહું છું. છતાંય મારા મકાનનું ભાડું નવસો રૂપિયા છે.’
‘અરે...ભાડાને કોણ રડે છે ...! નજીકમાં મળતું હોય તો હું અઢી હજાર રૂપિયા ભાડું આપવા પણ તૈયાર છું.’ વૃદ્ધ મોં મચકોડતાં બોલ્યો, ‘હવે..આ જુઓ ને, માંડ માંડ કેટલાંય માણસોને પૂછ્યા પછી હું અહીં પહોંચું છું, સામે ત્રણ નંબરનું મકાન ખાલી છે એવું મને કોઈકે કહ્યું હતું. અહીં આવીને જોઉં છું તો એ પણ ભાડે અપાઈ ગયું છે.’
‘કાકા...આપ બે-ત્રણ દિવસ પહેલાં આવ્યા હોત તો એ મકાન તમને મળી જાત. અત્યાર સુધી એ ખાલી જ હતું. પરમ દિવસે જ એક સુંદર સ્ત્રી એમાં રહેવા આવી છે.’
‘એકલી જ આવી છે ?’
‘હા... કાકા ! એની સાથે કોઈ નથી આવ્યું.’
‘હવે તમે જ કહો...એકલી સ્ત્રીને આવડા મોટા મકાનની શી જરૂર છે ? એ તો એક રૂમ,કિચનના બ્લોકમાં પણ રહી શકે છે. જો એકલાં માણસો આવડું મકાન રોકી લે તો મારા જેવા મોટા કુટુંબવાળા માણસો ક્યાં જાય ?’
‘કાકા...એ સ્ત્રી ખુબ જ પૈસાદાર હોય અથવા તો પછી એના કુટુંબીજનો બે-ચાર દિવસ પછી આવવાના હોય તે બનવાજોગ છે.
‘હશે ....મારે શું...? હું તો અહીં મકાન શોધવા માટે આવ્યો હતો. પણ મારા નસીબમાં કદાચ ધર્મ ધક્કો જ લખ્યો હશે. ખેર, તમારા ધ્યાનમાં તો બીજું કોઈ ખાલી મકાન નથી ને ?’
‘ના...પણ મારે ત્યાં દરરોજ સાંજે જમીન-મકાનનો એક દલાલ પાન ખાવા માટે આવે છે. તે આવું મકાનો લે-વેચ તથા ભાડે આપવાનું કામ-કાજ કરે છે. એ જરૂરથી તમને મકાન શોધી આપશે. તમે જો સાંજે છ-સાડા છ વાગ્યે આવો તો એની સાથે મુલાકાત કરાવી દઉં.’ પાનવાળાએ કહ્યું.
‘જરૂર...’ કહી સિગારેટના ઠૂંઠાને બૂટ નીચે મસળી, સ્કૂટર પર બેસીને એ રવાના થઇ ગયો.
પેલો ભિખારી ચાલ્યો ગયો હતો. પરંતુ એ તરફ વૃદ્ધનું ધ્યાન નહોતું.
સ્કૂટરની સાથે સાથે એની વિચારધારા પણ આગળ ધપતી હતી.
-આ પોલીસની જાળ નથી.
-પોલીસને મારા પર જરા પણ શંકા નથી. જાનકી એ મકાનમાં એકલી જ છે અને રૂસ્તમની જેમ એ પણ બ્લેકમેઈલ કરવા માંગે છે.
-જાનકી બે દિવસ પહેલાં જ વિશાળગઢ આવી ગઈ છે. આ બે દિવસ એણે માધવીના ખૂનના સમાચાર જાણ્યા પછી એને વિશે વધુ માહિતી એકઠી કરવામાં જ વિતાવ્યા છે. નહીં તો તે આવતાં વેંત જ મને આવો ફોન કરત. માહિતી એકઠી કર્યા પછી હવે તે બ્લેકમેઈલ કરીને મોં માંગી રકમ વસુલ કરવા માંગે છે.
-પોતે અત્યારે જ જી, જાનકીનું ખૂન કરીને પત્ર કબજે કરી લે એવો વિચાર પણ તેને આવ્યો.
-પરંતુ પછી એણે મહામહેનતે આ વિચારને મનમાં જ દબાવી દીધો. કારણ કે જાનકી રુસ્તમ જેવી મૂરખ નહિ, પણ ખૂબ જ બુદ્ધિશાળી અને ચાલાક છે, એ વાતની તેને ખાતરી થઇ ગઈ હતી.
-અને આવી ચાલાક સ્ત્રી સાથે કામ પર ઉતારવામાં પૂરેપૂરી સાવચેતી રાખવાની જરૂર હતી.
-વિચારધારાનો કોઈ અંત નથી હોતો.
***