પૂજનને નાનપણથી જ કોઈક એને લાડ લડાવે એ ગમતું. એને સતત એવું થતું કે કોઈ આખો દિવસ એના ગાલ પર આમ હળવી હળવી ટપલી મારતું રહે. કોઈ પ્રેમથી કાલી કાલી બોલીમાં એની જોડે વાત કરે. એની આ ટેવ કહો કે કુટેવ એની ઉમરની સાથે મોટી થતી જતી હતી. સ્કૂલમાં શિક્ષકો એણે લાડ લડાવતા ત્યાર સુધી એની ઇચ્છાઓ પૂરી થતી રહી. કોલેજનો વાયરો જરાક અલગ હતો, અંહી કોઈને કોઇની પડી નહોતી. હા, ફ્રેંડશિપ ડે ખૂબ જોર શોર થી મનાવવામાં આવતો પણ ગાલે ટપલી? એ અંહી નહોતું શકય. પૂજન આવતા અને જતાં જાણે હિજરાતો હોય એમ જીવી રહ્યો હતો. કપલને જોઈને એની અંદર જ્વાળાઓ સળગતી હતી,એ શાંત થવાનું કોઈ ઠેકાણું દેખાતું નહોતું. પેરેન્ટ્સને એમકે હવે પૂજન બાળક થોડો રહ્યો છે? પણ દાઢી મૂછના ધણી બનેલા પૂજનના મગજમાથી હજુયે લાડકા થવાનું અને ચારેય બાજુથી આકર્ષણથી ઘેરાઈને રહેવાનુ ઘેલું ભૂલાયું નહોતું. એને સતત એવું થાતું કે બાળપણ કેવું સારું હતું નહીં, દર સેટરડે ઘરમાં પાર્ટી જેવો માહોલ. અલગ અલગ લોકોના ખોળામાં બેસવાની મજા, અલગ અલગ લોકો આવીને ગાલ પર કિસી કરે. આ પ્રકારના વિચાર આવતા તો પૂજન અંદરથી હચમચી જતો હતો. એક પ્રકારનું કંપન એના શરીરમાં અનુભવાતું હતું. દિવસો સૂકા સૂકા વીતી રહ્યા હતા અને એક દિવસ વાદળ જામ્યા. દિશા સ્ટેન્ડ પર ઊભી બસની રાહ જુએ છે અને એકલો પૂજન પોતાના બાઇક પર બાજુમાંથી નીકળે છે.જેવી દિશા એ બૂમ પાડી કે તરત જ બ્રેક વાગી,પૂજનના બાઇક પર પણ અને સૂકા સૂકા દિવસો પર પણ. દરરોજનો સિલસિલો ચાલુ થયો. સ્ટેન્ડ પરથી દિશાને પિકઅપ કરીને ઘરે મૂકવાની અને ઘરેથી પિકઅપ કરીને સ્ટેન્ડ પર મૂકવાની. દિશા બી.એ ના પ્રથમ વરસમાં હતી. એનો રસ્તો ક્લિયર હતો, કશુંક બનવું તો માત્ર લેખક જ. પણ એની શરૂઆત હજુ થઈ નહોતી. એને શું લખવું છે એ પણ એ નહોતી સમજી શકી. સ્કૂલ લાઈફ થી જ ફ્રેંડ્સ માટે બર્થડે કાર્ડ બનાવવા, દિવાળી કાર્ડ બનાવવા અને એના પર અલગ અલગ શાયરીઓ લખવી એ એનો શોખ હતો. આધુનિક યુગ ના લેખકોના માન મોભા જોઈને મનમાં લેખક બનવાનું નક્કી કર્યું. જ્યારથી પૂજન એની લાઈફમાં આવ્યો ત્યારથી એણે એક એક કહાની દરરોજ મળતી જતી. પૂજન એને આજ સુધી જોયેલા પુરુષોમાં કંઈક અલગ જ હતો. રસ્તામાં ઝગડો ચાલુ હોય તો પણ પૂજન જઈને ટોળામાં નહીં પણ ટોળાંની વચ્ચે જઈને ઊભો રહેતો. એ પોતેતો વચ્ચેના ઓબ્જેક્ટને જુએ જ પણ એની સાથે સાથે લોકો એને પણ જોતો જુએ. આઇસ્ક્રીમ ખાતી વખતે એ પોતાની જાતને જરૂર કરતા થોડીક વધુ એક્ઝાગરેટ કરે. ક્યારેક ક્યારેક તો એના આવા પ્રયત્નો થી એનું શર્ટ પણ ખરાબ થતું. પણ ચાલક એટલો કે શર્ટ ખરાબ થતાં જ બે લોકો જુએ એવી રીતે ટીશ્યુ માંગીને લાવીને સાફ કરે. દિશા માટે આ બધી વસ્તુઓ સાવ અલગ હતી. એણે એનાથી મતલબ નહોતો કે લોકો એને જુએ છે કે નહીં? જ્યારે પૂજનને એનાથી જ મતલબ હતો. રસ્તામાં વળાંક તો ત્યાં આવ્યો જ્યારે પૂજનને જાણતા અજાણતા દિશા જોડે પ્રેમ થઈ ગ્યો. હવે દિશાને છોડવા અને લેવા જવી એ જાણે એની ફરજ બની ગઈ હતી. દિશા આ વાતથી કોષો દૂર હતી પાછી. એને પૂજન ગમતો હતો, પણ આમ સાવ એવી રીતે નહોતો ગમતો. એને પૂજનની કંપની ગમતી, એની સાથે મૂવી જોવું એની સાથે લંચ-ડિનર, ક્યારેક ક્યારેક સિગારેટના એકાદ બે કશ પણ ચાલી જતાં. દિશા ને લગભગ દરરોજ એક વાર્તા પૂજન તરફથી મળતી. વાર્તા નો નાયક પૂજન જ રહેતો, એણે એવું થતું કે દરરોજ દિશા જે લખે એ એને સાંભળાવે પણ દિશા ક્યારેય એવું કરતી નહીં, એને આખો વાર્તાસંગ્રહ બનાવવો હતો. રોજ ચાલતા સિલસીલાથી કંટાળી એક દિવસ પૂજન એ મન મક્કમ કર્યું કે આજે તો મન ખાલી કરી જ નાખવું. એક સરસ રૂપાળી રેસ્ટોરન્ટ, સાંજનો રોમેન્ટીક સમય, અને હેન્ડસમ લાગવા માટેની થઈ શકે એ બધી જ કોશિશ કરીને એણે દિશાને પૂછી લીધું, "દિશા, વિલ યૂ પ્લીઝ મેરી મી." દિશા પહેલા તો એકીટસે જોઈ જ રહી. પછી પરિસ્થિતિનો વિચાર કરતાં એણે ઘૂંટણીયે પડેલા પૂજનને ઊભો કર્યો. "પૂજન તારે આ બધુ કરવાની જરૂર નહોતી. આ બધુ તો ઇમ્પ્રેસ કરવા માટે કરવાનું હોય. હું તો તારાથી પહેલેથી જ ઇમ્પ્રેસ છુ. મને તું ગમે છે સાચે જ." પૂજનના ખભા ઊંચા થઈ ગયા. ખુશી સમાઈ જ નહોતી રહી. ચહેરો લાલ ટામેટાં જેવો થઈ ને રહ્યો. થેન્ક યુ કહેવા જ જતો હતો કે દિશા એ કંટીન્યુ કર્યું, સાચે જ તું મને ગમે છે પણ માત્ર કહાનીઓમાં જ. રિયલ લાઈફ માં નહિ. લાલ ચહેરો અચાનક પિડો પડતો ગયો. થોડી વાર પહેલા ઘૂંટણે હતો એ પૂજન હવે સાવ જમીન પર હતો. ઊભો થાઉં કે ના થાઉં, અને થાઉં તો થઈને કરું શું? કોઈ જ પ્રશ્ન નો જવાબ ના મળતા તે બેસી જ રહ્યો માત્ર. દિશા જાણે કંઈ જ ના થયું હોય એમ ડાઈનિંગ ટેબલ પર જ પોતાની ડાયરી પેન કાઢીને ઘસી....ટૂ બી કંટીન્યુ।
લેખક - રોહિત પ્રજાપતિ
પ્રતિભાવ આવકાર્ય
@rhtprajapati92@gmail.com