વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-45
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
આકૃતિની યાદો વિહાનને કોરી ખાય છે,માનસિક તણાવ દૂર કરવા વિહાન ટહેલવા માટે રિવરફ્રન્ટ જાય છે જ્યાં અવારનવાર એ જતો,ત્યાં પણ એ જ પરિસ્થિતિ રહે છે.અંતે થાકી હારી વિહાન ખુશીને કૉલ કરી બોલાવે છે.
બીજી બાજુ ખુશી પાસેથી આકૃતિ વિશે માહિતી મેળવી દ્રષ્ટિ દહેરાદુન જવા તૈયાર થાય છે.હવે આગળ…
એક દિવસની મુસાફરી બાદ દ્રષ્ટિ દહેરાદુન ખુશીએ આપેલ એડ્રેસ પર પહોંચી ગઈ.ખુશીએ વિક્રમના ઘરનું એડ્રેસ આપ્યું હતું.દ્રષ્ટિએ દરવાજા બહાર નેમપ્લેટ વાંચી.આ ઘર કોઈ ‘સમ્રાટસિંહ ભવાની’નું હતું.નીચે એક્સ આર્મી ઓફિસર લખેલું પણ દ્રષ્ટિએ વાંચ્યું. થોડીવાર વિચાર કર્યા બાદ દ્રષ્ટિએ ડૉરબેલ મારી.
થોડીવાર પછી એક પચાસેક વર્ષની સ્ત્રીએ દરવાજો ખોલ્યો.
“જી?”એ સ્ત્રીએ પૂછ્યું.
“આકૃતિ અગરવાલ”દ્રષ્ટિએ કહ્યું.
“તમે કોણ?”દ્રષ્ટિને ચૅકઆઉટ કરતાં એ સ્ત્રીએ પૂછ્યું.
“હું..હું..”દ્રષ્ટિને શું કહેવું એ સમજાયું નહિ, “હું તેના દોસ્તની દોસ્ત”
“આવો અંદર આવો”વિક્રમના મમ્મીએ આવકરો આપતા દ્રષ્ટિને અંદર બોલાવી લીધી.દ્રષ્ટિએ અંદર જઈ સોફા પર બેઠી.વિક્રમના મમ્મી તેના માટે પાણી લઈ આવ્યા.
“આકૃતિ ક્યાં છે અત્યારે?”પાણી પીને દ્રષ્ટિએ સીધું પૂછી લીધું.
“સિંગાપોર, મારા દીકરા સાથે”શાંત સ્વરે વિક્રમના મમ્મીએ કહ્યું.
“સિંગાપોર?”દ્રષ્ટિએ આશ્ચર્ય સાથે પૂછ્યું,ખુશીએ તો દહેરાદુન જવા કહ્યું હતું.
“હા તેની બીમારીના ઈલાજ માટે વિક્રમ તેને સિંગાપોર લઈ ગયો હતો,હવે બંનેને ત્યાં ફાવી ગયું છે,ચાર મહિના પછી બંને લગ્ન કરવાના છે,તું આવજે તારા દોસ્ત સાથે”
“હા ચોક્કસ”દ્રષ્ટિએ કહ્યું, “આકૃતિને શેની બીમારી થઈ હતી?”
“ ‘કંજેસ્ટિવ હાર્ટ ફેઈલિયર’.આ કેસમાં વ્યક્તિના જીવવાના ચાન્સ ખૂબ ઓછા હોય છે પણ વિક્રમના પ્રેમે તેને મરવા ના દીધી ઉલ્ટાનું વિક્રમને જ્યારે આકૃતિની બીમારી વિશે ખબર પડી હતી ત્યારે વિક્રમે મને કહી દીધું હતું કે આકૃતિ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી એ આકૃતિને ખુશ રાખશે,હવે જ્યારે આકૃતિ આ બીમારીમાંથી મુક્ત થઈ ગઈ છે તો બંને લગ્નગ્રંથિમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.”
દ્રષ્ટિને વિક્રમના મમ્મીની વાત ગળે ના ઉતરી.જો આકૃતિને ખબર હતી કે તેને આ બીમારી છે તો પોતાનો સમય વિહાન સાથે પસાર ન કરવા કરતાં એક નવા છોકરાં સાથે નવો સબંધ શા માટે શરૂ કરે?
“હું આકૃતિના રિપોર્ટ વાંચી શકું જો તમારી પાસે હોય તો?”દ્રષ્ટિએ પૂછ્યું.
“હા મારી પાસે છે પણ સ્ટોરરૂમમાં શોધતાં વાર લાગશે તું ફ્રેશ થઈને જમી લે,પછી આરામ કર.હું સવાર સુધીમાં એ શોધી આપીશ.”
દ્રષ્ટિને આંટીની વાત સાચી લાગી.પૂરો દિવસ મુસાફરી કરવાના કારણે તેને થાક પણ લાગ્યો હતો. ગરમ પાણીએ સ્નાન કરી દ્રષ્ટિએ આંટીએ બનાવેલા પરોઠા અને સુકી ભાજી ખાધી.દ્રષ્ટિને વિક્રમના પપ્પા ના દેખાયા એટલે તેના વિશે પૂછ્યું.
“તેઓ તેના દોસ્તો સાથે દક્ષિણ ભારતનાં પ્રવાસે ગયા છે, તેઓનું પહેલું પોસ્ટિંગ એ સાઈડ થયું હતું પછી ગુજરાતમાં અને અંતે અહીં દહેરાદુન…”વિક્રમના મમ્મીએ કહ્યું.
“અંકલનું નેટિવ પ્લેસ?”દ્રષ્ટિએ પૂછ્યું.
“જયપુર,રાજસ્થાન.”
દ્રષ્ટિએ જમવાનું પૂરું કર્યું સાથે વાતોનો દોર પણ. આજે દ્રષ્ટિને વ્યવસ્થિત નિંદર આવવાની હતી કારણ કે એ આકૃતિને શોધવામાં એક કદમ આગળ વધી હતી.
‘આવતી કાલે આંટી રિપોર્ટ દેખાડે એટલે એડ્રેસ જોઈને ત્યાં પૂછપરછ કરવી છે, આંટી સાચું બોલે છે કે પછી ખોટું એ વાતની પૃષ્ઠી કરવી જ રહી.કદાચ એ ડૉકટરે સિંગાપોરમાં ક્યાં ડોકટરનું સજેશન આપ્યું એ વાત ખબર પડી જાય તો…’દ્રષ્ટિએ આંખો મીંચી દીધી.આજે તેની સામે કોઈ ભૂતકાળ નોહતો,માત્ર હતું તો વિહાનનું ભવિષ્ય,જેને સજાવવા દ્રષ્ટિએ સિંગાપોર જવું પડે તો ત્યાં જવા પણ મન બનાવી લીધું હતું.
***
ખુશીને જે વાતનો ડર હતો એ જ થઈ રહ્યું હતું.અચાનક આવેલા વિહાનના કૉલને લઈ ખુશીના ચહેરા પર ચિંતાને કારણે પ્રસ્વેદ વળી ગયો હતો.આવું પહેલીવાર નોહતું થયું.ચાર વર્ષ પહેલાં આવું અવારનવાર થતું,વિહાન અચાનક ખુશીને કૉલ કરતો,ખુશી તેને મળતી ત્યારે મુક બની તેને ભેટીને રડતો.ખુશી રડવાનું કારણ ના પૂછતી,એક સાથે બે વ્યક્તિને ગુમાવનાર વ્યક્તિને રડવાનું કારણ પૂછવું એ મુર્ખતા જ કહી શકાય.
સમય જતાં વિહાને પોતાને સંભાળી લીધો હતો.ધીમે ધીમે ખુશીને કૉલ આવતા ઓછાં થઈ ગયા.ખુશી સામેથી મળવા જતી ત્યારે પણ વિહાન એટલી જ સ્વસ્થતા જાળવતો.આજે પણ વિહાને સ્વસ્થતા જળવવાની કોશિશ કરી જ હતી પણ તેના અવાજમાં છુપાયેલી એકલતાં ખુશીથી છુપાઇને નોહતી રહી.
ખુશી રિવરફ્રન્ટ પર પહોંચી,વિહાન સાબરમતીના કાંઠે સિમેન્ટની પાળી પર બેસીને સિગરેટ પી રહ્યો હતો.ખુશી તેની પાસે જઈ ઉભી રહી. વિહાનના પગ પાસે ત્રણ-ચાર સિગરેટના સ્પંચ પડ્યા હતા.
“ખુશી…”વિહાને ફરિયાદ કરતાં કહ્યું, “મને શું થઈ રહ્યું છે યાર?”
“શું થાય છે?”ખુશી અદબવાળીને ઉભી રહી.તેના અવાજમાં સહેજ પણ સિમ્પથીની લાગણી નોહતી.
“મારા શરીરમાં કોઈએ ગરમ લાવા રેડી દીધો હોય એવું મને લાગે છે, લોહીનું એક એક ટીપું મારી ચામડીને બાળીને બહાર આવવા મથે છે.ચહેરો સોજી ગયો હોય એવો અહેસાસ થાય છે અને અત્યારે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.”વિહાનની આંખો ભીંની થઈ ગઈ હતી.પણ ખુશીની આંખો કોરી હતી,અવાજ પણ.
“ક્યાં કારણથી આવું થાય છે?
“આકૃતિ ..”વિહાને ડૂસકું ભર્યું, “આકૃતિ અને વિક્રમના લગ્ન થવાના છે અને મને આમંત્રણ આપવામાં આવ્યું છે”
“આમંત્રણ તો મને પણ મળ્યું જ છે અને આ તો થવાનું જ હતું”ખુશી અટકી વિહાનનો ચહેરો ઊંચો કર્યો અને આંખો મેળવી, “તને નોહતી ખબર?”
“ખબર હતી,પણ હમણાં એક બાવાજી એ આવીને કહ્યું કે એ તારી રાહ જુએ છે”
“તું ક્યારથી આ ભવિષ્યવાણીમાં માનવ લાગ્યો વિહાન,જો એ તારી રાહ જોતી હોત તો છેલ્લાં પાંચ વર્ષમાં કેમ એક પણ કૉલ ના કર્યો,તું જીવતો છે કે મરી ગયો એની પણ એને ખબર હતી?”
“એ તને તો કૉલ કરે છે”
“તું જો એવા વહેમમાં જીવતો હોય કે આકૃતિ તારા હાલચાલ પૂછવા મને કૉલ કરે છે તો તું ખોટો છો, હું સામે ચડીને તારું નામ લઉં તો પણ એ કૉલ કટ કરી નાખે છે..એક મિનિટ.એક મિનિટ..તું ક્યાંક સિંગાપોર જવા તો…..ભૂલી જજે એ વાત હો”ખુશીનો અવાજ ઊંચો થઈ ગયો.
“એ વાતની ચર્ચા કરવા જ મેં તને અહીં બોલાવી હતી”વિહાને અચકાતા અચકાતા કહ્યું.
“હા તો મેં કહ્યુંને તારે નથી જવાનું,જે વ્યક્તિને તારી નથી પડી એવી વ્યક્તિ પાછળ તારો સમય બગાડવાનું છોડી દે વિહાન”ખુશી વિહાન પાસે બેઠી.વિહાને પણ એક ઊંડો શ્વાસ લીધો,લાચારીને ખંખેરી.
“આપણે લગ્ન કરી લેવા જોઈએ”વિહાને શાંત અવાજે કાહ્યું.
“આ તારો અહમ બોલે છે વિહાન,આકૃતિ લગ્ન કરે તો તારે લગ્ન કરી જ લેવા એવું જરૂરી નથી”ખુશીએ વિહાનનું માથું બે હાથ વચ્ચે લીધું, “આપણે સારા દોસ્ત છીએ,હું નથી ઇચ્છતી કે કોઈ ત્રીજી વ્યક્તિના માટે આપણી દોસ્તી તૂટે,હું હંમેશા તારું ભલું ઇચ્છતી આવી હતી અને ભવિષ્યમાં પણ ઇચ્છીશ.”
વિહાને સ્મિત કર્યું અને ખુશીને ભેટી ગયો.
***
દ્રષ્ટિનું માથું ભમતું હતું.થોડીવાર પહેલા જ એ ડૉ. વિશ્વનાથને મળીને બહાર નીકળી હતી.ડૉ. વિશ્વનાથના જણાવ્યા મુજબ આકૃતિના બચવાના ચાન્સ બહુ ઓછા હતા એટલે વિક્રમ તેને સિંગાપોર લઈ જવાની સલાહ લેવા આવ્યો હતો.સિંગાપોરમાં આધુનિક-અધ્યતન સાધનોને પગલે તેની આકૃતિની ટ્રીટમેન્ટ ત્યાં શરૂ કરવામાં આવી હતી.આકૃતિને આમ તો કોઈ પ્રોબ્લેમ નોહતી પણ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા દર અઠવાડિયે તેને એક ઇન્જેક્શન લેવું પડતું હતું.આ ઇન્જેક્શન જ તેનો ઓક્સિજન બની ગયેલું. જો ઇન્જેક્શન ના લેવામાં આવે તો આકૃતિનું બ્લડપ્રેશર વધી જતું જેના કારણે તેને ચક્કર આવતા,ક્યારેક બેભાન પણ થઈ જતી.
‘હું સિંગાપોર જઈશ’મનોમન દ્રષ્ટિએ નક્કી કરી લીધું અને વિહાનને કૉલ લગાવ્યો.એ સમયે વિહાન પોતાની કેબિનમાં રોલિંગ ખુરશી પર બેઠો હતો.
“આકૃતિના કોઈ સમાચાર?”દ્રષ્ટિનો કૉલ રિસીવ થતા જ વિહાને પૂછ્યું.
“હા સર,તમે જેવું વિચારો છો આકૃતિએ એવું કંઈ જ નથી કર્યું”દ્રષ્ટિએ સ્વસ્થતાથી કહ્યું, “એ તો તમારુ હિત ઇચ્છીને દૂર થઈ છે”
“તું આમ પહેલી ના બુજાવ, જે વાત હોય એ ક્લિયર કહે”
“સર,આકૃતિને હાર્ટ ફેઈલિયરની બીમારી હતી,તેની પાસે કેટલો સમય હતો એ ડોક્ટરને પણ નોહતી ખબર”દ્રષ્ટિએ કહ્યું.
વિહાન ખુરશી પરથી ઉભો થઇ ગયો,
***
દહેરાદુનના ઍરપોર્ટ પર દ્રષ્ટિ રાહ જોઈ રહી હતી.વિહાન અમદાવાદ-દિલ્લી-દહેરાદુન ફ્લાઈટમાં આવી રહ્યો હતો.વાતાવરણ ખરાબ હોવાને કારણે ફ્લાઇટ દિલ્લીથી જ એક કલાક મોડી હતી.દ્રષ્ટિનો ફૉન રણક્યો.
“વિહાનને કૉલ નથી લાગતો,તને ખબર છે એ ગયો?”ખુશીએ ચિંતાયુક્ત અવાજે પૂછ્યું.દ્રષ્ટિએ બે સેકેન્ડ વિચાર કર્યો,વિહાને આ વાત ખુશીને જણાવવાની ના પાડી હતી.
“હું તો દહેરાદુન છું,કાલે રવિવાર છે તો પૂરો સ્ટાફ વડોદરા આજવા-નિમેટા જવાનો હતો”દ્રષ્ટિએ કહ્યું, “તૈયારીમાં લાગ્યા હશે”
“ત્યાં તને જે પણ માહિતી મળે એ વિહાનને ના કહેતી” એમ કહી ખુશીએ કૉલ કટ કરી દીધો એટલે દ્રષ્ટિએ રાહતનો શ્વાસ લીધો.થોડીવારમાં ફ્લાઇટ લેન્ડ થઈ અને સામેથી વિહાન દ્રષ્ટિ તરફ આવતો દેખાયો.
(ક્રમશઃ)
વિહાન શા માટે દહેરાદુન આવ્યો હશે?તેનું પ્રારબ્ધ તેને અહીં ખેંચી લાવ્યું હશે?ખુશી શા માટે વિહાનને દહેરાદુનની વાતોથી દુર રાખે છે?શું થશે જ્યારે આકૃતિ અને વિહાન આમને સામને આવશે?જાણવા વાંચતા રહો.વિકૃતિ.
28 જાન્યુઆરીથી મેઘા ગોકાણીની કલમે ‘લવ,લાઈફ અને કન્ફ્યુઝન’ નામે નવી નૉવેલ રજૂ થઈ છે, અચૂક વાંચજો.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)