કર્મયોગી કાનજી-૨
જિંદગીની સફરમાં સમયના સકંજામાં સપડાયેલા બંને ખેડૂત દોસ્તારોની ધર્મસંકંટમાં પડેલી પરિસ્થિતિ આપણે જોઈ સાથે સમયે કેવું પાનું ફેરવ્યું એ પણ આપણે જોયું. વિજય શહેરમાંથી અચાનક આવે છે અને બધી જ ચર્ચાનો ભાગ બને છે સાથે ઈંસ્પેક્ટર વાકાણી અભિવાદન કરીને પોતાને કામે જાય છે હવે આગળ.
'કાનજી, આજે તો તારો જ દિવસ છે દોસ્ત, મન ભરીને માણી લે. જમીનનું કામ ઉકેલાયું સાથે દીકરો પણ આજે જ આવ્યો અને સૌથી વધારે સારું તો એ થયું કે તારા સારા વિચારની ચમક માનનાં કોઈક ઊંડા ખૂણામાં થઇ અને બીજી વ્યક્તિના વિચારોને સારી દિશામાં ગતિ મળી. આનાથી વધારે સારું શું હોઈ શકે?'
'વાત તો સાચી છે સોમા, સારા અને સાચા વિચારોનો મહિમા તો ઘણો છે એ વાત સાંભળી હતી આજે નજરો-નજર જોઈ પણ લીધી. ધન-દોલત, રાજ-પાઠ અને જાહોજલાલી સામે આપણા સારા-સાચા વિચારો અને કર્મોની જીત થાય ત્યારે થતો આનંદ આજે હું અનુભવી રહ્યો છું. આ બધું જ મારા 'બા'ના સંસ્કારોનું સિંચન છે જે આજે મને જીવનની સંજીવનીબુટિ સમાન લાગ્યું છે. જેની પત્ની 'સતી સીતા' જેવી, દીકરો 'વિજય' જેવો હોય અને દોસ્ત તારા જેવો હોય એના જીવનમાં વળી દુઃખ શું??', કાનજી ગળગળો થઈને બોલ્યો.
'પપ્પા, સોમજીકાકા, હવે મારુ પેટ આ વાતોથી તો નહિ જ ભરાય, ચાલો આજે આપણે સાથે જમવા બેસીએ. સોમજીકાકા હાલો, આજે તમારે પણ ઘરે નથી જવાનું. હવે, જમીને જ જજો નિરાંતે.', વિજય વચ્ચે જ બોલ્યો.
આ બાજુ વિજયની 'માં' રોટલા ઘડે અને કંસાર બનાવે છે અને સામે બધા જમવા બેઠા છે આજે તો વિજયની 'માં'ને પણ અનેરો આનંદ આવતો હશે. કેટલો સુખી પરિવાર લાગે ને! એમાં ક્યાં કોઈ પૈસા કે જાહોજલાલીની માંગ છે સાહેબ!
'ભાભી, તમારા હાથનું જમવાનું એટલે જાણે સાક્ષાત અન્નપૂર્ણાનો પ્રસાદ. મોજ પડી ગઈ! હવે ઘર તરફ પ્રયાણ કરીએ તમારા ભાભી વાટ જોતા હશે. હાલ, કાનજી મળીએ રાતે. દીકરા વિજય, આવજે ઘરે. હજી તો રોકવાનો હોઈશ ને??'
'હા કાકા, આવીશ. આવજો..તમે ધ્યાન રાખજો.', વિજય બોલ્યો
'સોમા, ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્ત, તું હર-હંમેશ મને સાથ આપે છે..',કાનજી બોલ્યો
'અલા, તું ક્યારથી આમ શહેરી થઇ ગયો?? વાત-વાતમાં ધન્યવાદ કહે છે! દોસ્ત પાસે તો હકથી કામ લેવાય. ચાલ હવે મળીએ.', સોમજી વાત કરી ઘર ભણી ગયો.
'વિજય, તું ઘણા સમયે આવ્યો છે ને ચાલ હું તને ખેતરે લઇ જઉં. આ વખતે સફલ ખૂબ સારી થઇ છે અને પ્રભુ જોગે જો માર્કેટમાંથી ભાવ સારા મળ્યા તો આપણને સારો એવો ફાયદો થશે.', કાનજી અને વિજય ચાલ્યા જાય છે.
'સાચી વાત છે પપ્પા. બધું સારું થશે. બહુ સમયે આજે ગામ આવી, તમને બંનેને હસતા-રમતા જોઈને ખૂબ આનંદ થયો. ગામનો આ ચોરો અને ત્યાં બેઠેલા વડીલો, ઝૂલે રમતા અમે બધા નાના ભૂલકાઓ, ગામની આ એક જ શાળામાં અમે બધાએ લીધેલું પ્રાથમિક શિક્ષણ, સાથે કરેલી મસ્તી-મઝાક અને તોફાન, મમ્મીના હાથનો રોટલો અને છાશ પણ કેટલા મીઠા હતા!!!! શહેરમાં જિંદગી એટલી ઝડપથી ભાગે છે કે સમયનો તકાજો જ નથી રહેતો.',વિજય બોલતો જાય છે અને બંને ખેતરે આવી પહોંચે છે.
'વાત સાચી હો દીકરા તારી! પરંતુ તને ત્યાં સારું શિક્ષણ મળ્યું, સમય સાથે ચાલવાની તને તાકાત મળી અને સાથે તું આનંદથી વધારે ખુલી શક્યો આ બધું જ શહેરના વાતાવરણમાં રહીને જ થયું છે. સમય સાથે તારે તો આગળ વધવું જ રહ્યું ને! જ થાય એ સારા માટે થાય દીકરા. થોડા સમય આપણે બધા આગળ રેહવું પડશે એ જ ને? ચાલશે... તું તારે નિરાંતે તારું શિક્ષણ લઇ લે અને ડોક્ટર બની જાય એટલે અમારી મહેનત સફળ. આવ બેસ, ખાટલો ઢાળીએ....', કાન્જીભાઈ બોલ્યા.
'વિજય, આ જે દેખાય છે ને એ જ આપણી જમાપૂંજી. આ જમીનના સથવારે આપણે જીવનના દરેક પ્રવાસો ખેડ્યાં. 'માં'ને જેટલા દીકરા વ્હલા હોય એટલી એક ખેડૂતને એની જમીન વ્હલી હોય એટલે જ આ બધી જમીનની તકરારે મારા મગજ પર વધારે ઊંડો ઘા કરી દીધો હતો. તું તો બધું જાણે જ છે ને આપણે આપણી દરેક પરિસ્થિતિમાં સમય અને સિદ્ધાંતોને સાથે રાખીને જ ચાલ્યા છીએ એટલે આપણને ખોટું કરવાનું કે કોઈની સાથે જીભાજોડી કરવાનું ગાંઠે નહિ પરંતુ અત્યારે તો બધું થાળે પડ્યું છે આગળ જોઈએ હવે સમય શું લઈને આવે છે.'
આ બાજુ બધું શાંત ચિતે ચાલે છે અને બીજી બાજુ શેઠ ધરમચંદને આખી વાતની જાણ થઈ છે અને બધી જ વાતમાં આ પોલીસ અધિકારીએ ચમચાગીરી કરીને કોર્ટનો લેટર બનાવી આપ્યો છે એ વાતથી શેઠ ભડકી ઉઠે છે અને સીધા પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે.
'આ બધું શું માંડ્યું છે વાકાણી સાહેબ?? હવે તમે અમારી વિરુદ્ધ જઈને લોકોસેવા કરશો?? આટલા સમયથી કોઈએ આવી હિમ્મત નથી કરી અને તમે તો બહુ બહાદુરી બતાવીને કઈ?', શેઠ ધરમચંદ ગુસ્સામાં બરાડ્યા.
'અરે! શેઠ સાહેબ... આવો. બેસો, અચાનક અમારી યાદ આવી ગઈ?? શું કામ પડ્યું?? સરકારી કામમાં આપણે કોઈ દિવસ ઢીલ કરતા નથી. બોલો કેવી રીતે તમારી મદદ કરી શકું?? અમને સરકારે આપ સહુની મદદ માટે જ અહીંયા તૈનાત કર્યા છે.', ઈંસ્પેક્ટર બહુ પ્રેમથી બોલ્યા.
'વધારે ડાહ્યા બનીને અમારી સામે ભલા માણસની એકટિંગ કરવાની જરૂર નથી તમારે વાકાણી. શું તમને નથી ખબર કે હું અહીંયા કેમ આવ્યો છું?? વધારે સારી રીતે સમજાવવા માટે સાથે બીજી સામગ્રી પણ લાવ્યા છીએ. બોલો કેહતા હોય તો બતાવું ?????????'
'અરે! ના એ સામગ્રીની જરૂર નથી. તમે જ કામ માટે આવ્યા છો એ કામ કહો એટલે વાર્તા પતે. અમે પણ સરકારના માણસો છીએ અમે કામ પણ સરકારના જ કરીએ છે. કામમાં વધારે દાખલ દીધા કરતા શાંતિ થી જે કામ માટે આવ્યા છો એ બોલો.' ઈંસ્પેક્ટર વાકાણી થોડા બગડ્યા.
'સાંભળ્યું છે કે તમે કોર્ટમાંથી લેખિત કરાર કરાવ્યો છે કે જમીન કાનજીભાઈના નામની છે અને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાનો એ જમીન પર હક રહશે નહિ સાથે બીજા સરકારી કાગળોની થોકબંધ વાર્તા તમે કોર્ટ સામે કરીને બધું જ સુરક્ષિત કરી લીધું છે.', શેઠ બોલ્યા.
'આ રહી કાનજીભાઈની લેખિતમાં કરેલી ફરિયાદ. એ ફરિયાદ અંગે અમે તાપસ કરી અને જે યોગ્ય કાનૂની કાર્યવાહી અમારા તરફથી કરવી જોઈએ એ અમે કરી છે. એક પોલીસ અધિકારી તરીકે લોકોની સેવા કરવી એ અમારું કામ છે અને એ જ અમે કરીએ છે. આપશ્રીને વિનંતી છે કે આપ પોલીસ સ્ટેશનમાં શાંતિ જાળવો અને આપની કોઈ તકલીફ હોય તો એ જણાવો અમે મદદ કરવા તૈયાર છીએ.'
જોવાની વાત અહીંયા છે સાહેબ! તમારા સારા કર્મોની અસર તમારા જીવન પર પડે છે એમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી પરંતુ એ અસર તમારી આસપાસ થતી દરેક ઘટના પર પડે છે અને એ જ સારા કર્મોના કોઈક પુણ્યને કારણે ઈંસ્પેક્ટર વાકાણી આજે કાનજી સાથે રહીને પ્રામાણિકતાથી પોતાના કાર્ય કરી રહ્યા છે.
આગળ શેઠ અને વાકાણી વચ્ચે શું થશે?
કાનજી અને વિજય આગળ કેવા સંજોગો આવશે?
શું હજી કોઈ નવું ટવીસ્ટ આવશે?
મળીએ આગળના ભાગમાં ત્યાં સુધી આપના અભિપ્રાયની રાહ.
-બિનલ પટેલ