hati aek pagal - 15 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | હતી એક પાગલ - 15

Featured Books
Categories
Share

હતી એક પાગલ - 15

હતી એક પાગલ..!!:-ભાગ 15

"સમય પણ ઘા આપે છે એટલે જ ઘડિયાળમાં ફૂલની જગ્યાએ કાંટા હોય છે..અને લોકો સમય પુછવા માટે કહે છે કેટલાં વાગ્યાં.."

પોતાની માં નાં અકાળે થયેલાં અવસાન અને માહીનાં લગ્ન બીજાં કોઈ જોડે ગોઠવાઈ ગયાં છે એની જાણ થયાં બાદ શિવ એક અણધાર્યો નિર્ણય લે છે જે એની જીંદગી ને ધરમૂળમાંથી બદલી મુકનારો સાબિત થયો હયો.શિવનો એ નિર્ણય શું હતો એ વિશે મયુર પોતાની પત્ની સંધ્યાને જણાવી રહ્યો હોય છે.

"શિવ માટે એનો અભ્યાસ સૌથી વધુ મહત્વ ધરાવતો હતો કેમકે શિવ સારો અભ્યાસ કરી,કોઈ સારી કંપનીમાં યોગ્ય નોકરી શોધી પોતાની મમ્મી ની જીંદગી ને ખુશીઓથી ભરી દેવા માંગતો હતો..પણ હવે તો એ આ દુનિયામાં જ નહોતાં એટલે શિવે નક્કી કર્યું કે એ આગળ નહીં ભણે.. મેં અને કાળુ એ શિવ નાં આ નિર્ણયનો ખુબ વિરોધ કર્યો પણ શિવ એકનો બે ના થયો.

"આખરે શિવે આ વર્ષ M.com માં ડ્રોપ લેવાનું નક્કી કર્યું..એને સાથે એમ પણ કહ્યું કે એ આવતી સાલ ડાયરેકટ એક્ઝામ આપશે.માસી નાં સારવાર માં જે ખર્ચ થયો હતો એમાં પણ શિવ પોતાનાં એક પાડોશી જોડેથી પચ્ચીસ હજાર રૂપિયા ઉછીનાં લાવ્યો હતો.એને કોઈ સારી જગ્યા મળે તો ત્યાં એકાઉન્ટરની નોકરી કરવાનું મન બનાવી લીધું હતું."

"મહેસાણા ગંજ બઝારમાં શિવ એકાઉન્ટરની નોકરી માટે ઇન્ટરવ્યુ પણ આપી આવ્યો અને દસ દિવસ બાદ એને નોકરી શરૂ કરી દેવાનું પણ કહેવામાં આવ્યું..પણ ભગવાનને કંઈક બીજું જ પસંદ હતું..શિવનું નસીબ જાણે એક પછી એક ગુલાંટ મારી રહ્યું હતું.શિવને નોકરી જોઈન કરવાનાં ત્રણ દિવસ પહેલાં સ્ટેટ લેવલ ની કાવ્ય સ્પર્ધાનું પરિણામ જાહેર થયું અને એમાં રાજ્યભરમાંથી શિવ પ્રથમ નંબરે આવ્યો હતો."

"શિવ ને આ માટે એકાવન હજાર રૂપિયાની રોકડ રકમ અને ટ્રોફી એનાયત કરવામાં આવી..શિવે આ એકાવન હજારમાંથી પોતે જેમની જોડેથી ઉછીનાં પચ્ચીસ હજાર રૂપિયા લાવ્યો હતો એમને એ રકમ આપી દીધી.આ પરિણામ શિવ ની લાઈફનું ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું.કોલેજ પ્રિન્સિપાલ દ્વારા શિવનું બહુમાન કરવામાં આવ્યું અને ભવિષ્યમાં શિવ એ દિશામાં આગળ વધવા માંગતો હોય તો એનાં માટે બનતી બધી મદદ કરવાનું પણ વચન આપ્યું."

"બસ પછી તો શિવે નક્કી કરી લીધું કે એ હવે કવિતાઓ લખવામાં જ પોતાનું સઘળું ધ્યાન આપશે..ઇનામમાં જે નાણાં મળ્યાં હતાં એમાંથી ઉછીનાં લીધેલાં નાણાં ચૂકવ્યાં બાદ જે બીજાં નાણાં વધ્યાં હતાં એમાંથી 4-5 મહિના તો નીકળી જ જાય એમ હતું.આટલાં સમયમાં પોતે કોઈ ઉત્તમ કૃતિ રચીને જ રહેશે એવો શિવને વિશ્વાસ હતો..બસ પછી તો શું શિવ લાગી ગયો એનાં નવાં ધ્યેય તરફ."

"શિવ હવે કાળુ જોડે જ રહેતો હતો..ત્રણ મહિના સુધી તન અને મન થી દિલ દઈને શિવે એક કવિતા-સંગ્રહ ની રચના કરી જેનું નામ હતું સ્પર્શ..શિવની આ પહેલી જ બુક હતી એટલે એને છપાવવા માટે કોઈ પ્રકાશકની જરૂર હતી.શિવ માટે ક્યાં જવું અને શું કરવું એ મોટો પ્રશ્ન હતો પણ આવાં સમયે શિવની વ્હારે આવ્યાં ત્રિવેદી સાહેબ..એમને શિવની આ બુક વાંચી અને પોતાનાં એક પ્રકાશક મિત્ર ને મોકલાવી.ત્રિવેદી સાહેબનો એ મિત્ર પણ શિવનાં શબ્દોની ઊંડાઈ માં ડૂબી ગયો..એને ખબર પડી ગઈ કે આ બુક મોટી બ્લોકબસ્ટર સાબિત થવાની હતી."

"આખરે શિવ ને એક લાખ રૂપિયાનો સાઈનિંગ એમાઉન્ટનો ચેક અપાયો અને આ બુકની 4000 કોપીઓ પ્રથમ વખતમાં જ છાપવાનો નિર્ણય થયો.બસ પછી તો જે કંઈપણ થયું એ આખી દુનિયાને ખબર છે.પ્રથમ કાવ્ય-સંગ્રહ હોવાં છતાં એક જ મહિનામાં 5000 જેટલી નકલો વેંચાઈ અને શિવ સાહિત્ય જગતનું જાણીતું નામ બની ગયો."

"ત્યારબાદ શિવે પ્રિન્સિપાલ સરનાં કહેવાથી ઓનલાઈન બ્લોગ લખવનાં શરૂ કર્યાં.બ્લોગમાંથી પણ શિવ ને સારી એવી આવક થવા લાગી.એમાંથી પ્રેરણા મેળવી શિવે પોતાની યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી.જેમાં એ પોતાની કવિતાઓનું પઠન કરતાં વીડિયો બનાવીને અપલોડ કરતો.શિવ ની સફળતાની ગાડી ને હવે એવો ધક્કો લાગી ગયો હતો જેમાં હવે કોઈ બાધા એની ગતિને રોકી શકવાની નહોતી.સ્પર્શ પછી શિવે લખેલ "ઝરણું" અને "તરસ્યાં નયન" નામનાં કાવ્ય સંગ્રહ પણ સફળતા નાં નવાં આયામ સુધી પહોંચવામાં સફળ થયાં."

"મોટાં મોટાં સંમેલનમાં હવે શિવ ભાગ લેવા જતો..દુબઈ અને ન્યુયોર્ક પણ એ કાવ્ય પઠન માટે જઈ આવ્યો..શિવ ત્રણ વર્ષમાં તો સાહિત્યની દુનિયામાં એક ઉભરતો સિતારો મટીને દિવ્ય પ્રકાશ આપતો સૂર્ય બની ગયો હતો.એમાં પણ યુવા વર્ગ વચ્ચે એની લોકપ્રિયતા ખૂબ વધુ જોવા મળતી.બસ પછી શિવ મહેસાણા થી અમદાવાદ શિફ્ટ થઈ ગયો."

"Wow.. શિવ ભાઈની જીંદગી તો ખૂબ પ્રેરણાદાયી છે.આટઆટલું બન્યાં બાદ પણ શિવે જે રીતે પોતાનો કવિતા લખવા તરફ નો પ્રેમ ઓછો ના થવા દીધો અને ટૂંકા ગાળામાં એ સફળતા મેળવી લીધી જ્યાં પહોંચતા લોકોને વર્ષો નાં વરસ લાગી જાય છે."શિવ ની જીંદગી ની સફળતાનું પ્રકરણ સાંભળ્યા બાદ સંધ્યા ઉત્સાહમાં આવી બોલી.

"પણ,શિવ હજુપણ માહી ને નથી ભૂલી શક્યો..એની દરેક કવિતાઓમાં આજે પણ એની માહી મોજુદ છે.એ હજુ માહી નાં નામે જ જીવે છે.ખબર નહીં માહી ક્યાં હશે પણ જ્યાં હશે ત્યાં એને શિવની આ સફળતા જોઈ ગર્વ જરૂર મહેસુસ થતો હશે."કાળુ બોલ્યો.

"કાળુ તારી વાત સાચી પણ આજે પણ માહી નાં મતે શિવ એનો ગુનેગાર છે.એને તો શિવ ની સાથે કેવાં સંજોગો બન્યાં એની ખબર જ ક્યાં છે.માહીનાં બોલાવવા છતાં શિવ એને બિકાનેર લેવા ના આવ્યો માટે એ શિવને આજે પણ નફરત કરતી હશે."કાળુ ની વાત સાંભળી મયુરે કહ્યું.

"માહી શિવ ને નફરત કરે છે કે હજુપણ એ પોતાનાં શિવાય ને જ ચાહે છે એની ખબર તો એને મળીએ ત્યારે જ જાણી શકાય.."સંધ્યા ઘીમાં સાદે બોલી.

"ભગવાન કરે શિવ ને માહી ના મળે તો કંઈ નહીં પણ માહી ની જગ્યા લેવાવાળું કોઈ મળી જાય તો પણ સારું છે.."ઉપર આકાશ તરફ જોઈ કાળુ બોલ્યો.

કાળુ ની આ અરજ ભગવાન સાંભળી લે એવી મનોમન દુવા સંધ્યા અને મયુરે પણ કરી લીધી..ત્યારબાદ કાળુ એ ત્યાંથી પોતાનાં ઘરે જવાની રજા લીધી અને પોતાની કારને લઈને પોતાનાં ઘર તરફ નીકળી પડ્યો.

મયુર અને કાળુ તો શિવ ને માહીની હકીકત જણાવવાનાં નહોતાં પણ પોતે માહી ક્યાં છે એની તપાસ કરીને જ રહેશે એવો નીર્ધાર સંધ્યા મનોમન કરી ચુકી હતી.

************

આરોહી ને પોતાનાં લગ્ન અને ડાયવોર્સ ની જાણ કર્યાં બાદ માહી એકરીતે ઘણું સારું ફિલ કરી રહી હતી.આરોહી પણ હવે માહી ની સાથે પહેલાંની માફક જ સ્નેહ પૂર્વક વર્તી રહી હતી.આમ ને આમ બે મહિના જેટલો સમય પસાર થઈ ગયો.

આરોહી ની આ દરમિયાન અવારનવાર શિવ સાથે ફેસબુકનાં માધ્યમથી વાતચીત થતી રહેતી..શિવ પણ આરોહી સાથે વાત કરવાનું પસંદ કરતો હતો.જેનું એક કારણ હતું આરોહી દ્વારા પોતાને શિવાય કહીને બોલાવવું.

માહી પોતે ફેસબુક કે બીજી કોઈ સોશિયલ નેટવર્કિંગ સાઈટ યુઝ નહોતી કરતી એટલે એને ખબર નહોતી કે આરોહીની શિવ સાથે ફેસબુક પર વાત થતી રહે છે.ઘણીવાર તો એવું બનતું કે માહી અને આરોહી સામેસામે બેઠાં હોય ત્યારે આરોહી શિવની સાથે વાતો કરતી.એકબીજાની નજીક હોવાં છતાં શિવ અને માહી જોજનો દુર હતાં.

આ તરફ તુષાર હવે નજીકમાં USA ની ફાઈલ મુકવા માંગતો હતો એટલે એ આરોહી પર વહેલી તકે કોર્ટ મેરેજ કરવાનું દબાણ કરી રહ્યો હતો.કેમકે હવે લીગલી પ્રોસેસ માટે લગ્ન નોંધાવવા જરૂરી હતાં.આખરે આરોહી એ તુષારની સાથે વહેલી તકે લગ્ન કરવાનું મન બનાવી લીધું.

આરોહીનાં ઘરેથી કોઈ હાજર રહી શકે એમ નહોતું એટલે એને પોતાની રાધા દીદી ઉર્ફે માહીને પોતાની સાથે હાજર રહેવાનું સ્પષ્ટ જણાવી દીધું હતું.માહી માટે પણ આરોહી સિવાય નજીકનું કોઈ નહોતું એટલે એની વાત નો અસ્વીકાર કરવાનું કોઈ કારણ જ નહોતું.

તુષાર અને આરોહી એ જે દિવસે કોર્ટમાં જઈને લગ્ન કરવાનું નક્કી કર્યું એનાં ચાર દિવસ પહેલાં આરોહીની શિવ સાથે ફેસબુક મેસેન્જર પર વાતચીત થઈ રહી હતી.

આરોહી- "Hello,સર.."

શિવ-"Hi, આરોહી."

આરોહી-"કેમ છો સર,મજામાં..?"

શિવ-"બસ ચાલે જાય છે..દુઃખ નથી..નજીકમાં આવું છું સુરત"

આરોહી-"Oh..ગ્રેટ.વેલકમ.પણ સુરત આવવાનું કારણ..?"

શિવ-"મારી પ્રથમ નોવેલ "એક હતી પાગલ" નું લોન્ચિંગ છે..માટે ત્રણ દિવસ પછી સુરત આવું છું."

આરોહી-"એ માટે એડવાન્સમાં congrats.. કેમકે એ બુક બેસ્ટ સેલર બનશે એમાં કોઈ શક નથી.."

શિવ-"thanks.. તું બોલ,શું કરે છે તારો બોયફ્રેન્ડ..?"

આરોહી-"હવે અમે નજીકમાં ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ નો સંબંધ પૂર્ણ કરીએ છીએ.."

શિવ-"મતલબ બ્રેકઅપ..પણ કેમ..?"

આરોહી-"બ્રેકઅપ નહીં પણ પેચ અપ.. હું અને તુષાર મેરેજ કરવાનાં છીએ.."

શિવ-"Oh..તો તો એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.."

આરોહી-"જો તમે ત્રણ દિવસ પછી એટલે કે બુધવારે સુરત આવવાનાં છો..બરાબર ને..અને અહીં કેટલાં દિવસ રોકાવાનું..?"

શિવ-"હું બુધવારે આવીશ અને શનિવારે રાતે રિટર્ન અમદાવાદ.."

આરોહી-"તો શિવાય સર,તમે મારાં મેરેજમાં હાજરી આપવા આવજો ને.હું અને તુષાર આ ગુરુવારે કોર્ટમાં મેરેજ કરીએ છીએ.મારાં વતી તો રાધા દીદી સહી કરવા આવશે,તમે તુષાર વતી આવીને સહી કરી જજો.."

શિવ-"Ok.. જોઈએ..100% નથી કહેતો પણ 99% તો જરૂર આવીશ.."

આરોહી-"Its top class news.. હું હમણાં જ તુષાર ને આ વિશે જાણ કરું છું કે આપણાં મેરેજમાં સાક્ષી બનીને આવશે ગુજરાતનાં સૌથી મોટાં કવિ mr.શિવ પટેલ.."

શિવ-"બહુ વખાણ સારાં નહીં..આરોહી"

આરોહી-"વખાણ નથી..પણ જે કહ્યું છે એ સત્ય જ છે.તમે શ્રેષ્ઠ કવિ છો એમાં કોઈ મીનમેખ નથી.."

શિવ-"સારું..સારું..ચલ હવે શુભ રાત્રી.."

આરોહી-"તમને પણ શુભરાત્રી સર.."

આરોહી એ શિવ સાથે વાત પૂર્ણ કર્યાં બાદ ફટાફટ તુષાર ને કોલ કરી શિવ એમનાં લગ્નમાં હાજરી આપવાનો હતો એ વિશે જણાવી દીધું.તુષાર પણ એ સાંભળી હરખાઈ ગયો કે શિવ પટેલ જેટલાં મોટાં કવિ અને સાહિત્યકાર એમનાં કોર્ટ મેરેજમાં ના કેવળ હાજરી આપવાનાં હતાં પણ લગ્ન માટે નાં સાક્ષી માં એમની સાઈન પણ કરવાનાં હતાં.

આરોહી એ આ વાત માહીથી છુપાવી કેમકે એ માહી ને સપ્રાઈઝ આપવા માંગતી હતી..આ પાછળનો એનો ઉદ્દેશ હતો કે જે માહી કવિઓ અને લેખકોથી વગર કારણે આટલી બધી નફરત કરે છે એ શિવ ને મળે તો એનાં મનમાં કવિઓ અને લેખકો માટે જે ગેરસમજ હતી એ દૂર થઈ જાય..

હકીકતમાં આરોહીનું આમ વિચારવું જ ગેરસમજ હતી..જે આગળ જતાં એક મોટું સ્વરૂપ ધારણ કરવાની હતી.શિવની આ વખતની સુરતની સફર એની જીંદગી ને ખુબસુરત બનાવવાની હતી કે પછી બદસુરત એતો સમયમાં ગર્ભમાં છુપાયેલું હતું.આગળ શું થવાનું હતું એની તો કોને ખબર..પણ આ પ્રસંગ પર રમેશ પારેખ ની કવિતાની પંક્તિઓ યાદ આવે.

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?

એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,

એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?

એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,

ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

★■■■■■■■■★

વધુ આગળનાં અધ્યાયમાં.

દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ લઘુનવલ દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.

વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

~જતીન.આર.પટેલ (શિવાય)