Bhent in Gujarati Short Stories by Niyati Kapadia books and stories PDF | ભેંટ

Featured Books
  • ખજાનો - 41

    ( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિય...

  • ભીતરમન - 40

    તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત...

  • ફરે તે ફરફરે - 22

    ફરે તે ફરફરે - ૨૨   જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હત...

  • નાયિકાદેવી - ભાગ 29

    ૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જા...

  • નિતુ - પ્રકરણ 34

    નિતુ : ૩૪ (લગ્ન)નિતુ કેબિનમાં પહોંચી તો વિદ્યા પોતાના કમ્પ્ય...

Categories
Share

ભેંટ

ભેટ (ગીફ્ટ)
*************

રોજ કરતાં આજે નિમિષ થોડો વહેલો જ ઓફિસથી ઘરે આવી   ગયેલો...! આજે સુમી ઘરે આવવાની હતી ! એના મનમાં કંઇ અજીબ લાગણી જનમી રહી હતી...સુમી સાત વિતાવેલા વરસોની કેટલીક યાગાર ક્ષણો એને આજે વાર વાર એની નજર સામેથી પસાર થઈ રહી હતી.  લગ્ન બાદ એ જ્યારે પણ આવતી એના પતિ સાથે જ આવતી થોડીવાર રોકાતી અને રાત પડતાં તો પાછી ચાલી જતી. અહીં નિમિષના  લગ્નને પણ ત્રણ વરસ પૂરાં થઈ ચૂકેલા અને એ હવે કહ્યાગરા કંથ જેવો પતિ બની ચૂકેલો એટલે એની સુમી સાથે બેસીને નિરાંતે વાતો કરવાનો વખત જ આવતો ન હતો...

છતાં આજે એ, સુમી આવવાની છે એમ જાણીને વહેલો ઘરે આવી ગયેલો. હજી તો ઘરનાં આંગણામાં પગ જ મૂક્યો તો કે સામે જ એ દેખાણી... તુલસીક્યારે એ સાંજનો દીવો મૂકી રહી હતી. વરસોની આ એની આદત હતી. બા સ્વર્ગે સિધાવી ત્યારબાદ રોજ એજ અહીં દીવો મૂકતી. એની પત્ની કોઈ ખાસ પ્રસંગે જ દીવો કરતી, રોજ રોજ ઘીનો દીવો ભગવાન થોડાં માંગે છે ? એ સવાલ કરતી. નિમિષ ચૂપ થઈ જતો.

નિમિષને થયું કે પહેલાંની જેમ દોડીને પોતે સુમી પાસે જાય અને એના બંને હાથ પકડીને એને ગોળ ગોળ ફુદરડી ફેરવે અને બંને જણાને બરોબર ચક્કર ચઢે એટલે નીચે બેસી પડી હસ્યા કરે...બંને જણાં પેટ દુઃખી જાય એટલું હસ્યાં જ કરે...એ હજી વિચારતો જ હતો કે સુમીના મોટી, કાળી મૂછોવાળા  પતિદેવ તરફ એની નજર ગઈ. એ આંગણામાં બિછાવેલ ઢોલિયા પર પહોળો થઈને બેઠો હતો. નિમિષને થોડો અણગમો થઈ ગયો એ માણસ પર છતાં સુમી તરફથી નજર હટાવી એ એના પતિ પાસે ગયો,

“ કેમ છો બનેવી ?"

ઔપચારિક વાતો ચાલતી રહી. વચ્ચે સુમી બે કપ ચા લઈને આવી. નિમિષના હાથમાં કપ આવતાં જ એમાંથી આવતી લીંબુના પત્તાની સુગંધ એના નાકમાં થઈ સીધી એના દિલમાં ઉતરી ગઈ. નિમિષને ચામાં લીંબુના પત્તાની ફ્લેવર ખૂબ ગમતી. જ્યારે જ્યારે સુમી ચા બનાવે ત્યારે અચૂક યાદ કરીને એ લીંબુના પત્તા નાખતી. નિમિશે એક વખત એની આ ટેવ વિશે એની પત્નીને કહેલું તો એતો હસી હસીને બેવળ વળી ગયેલી, કહે કોઈ ચામાં આદુ નાખે, એલચી નાખે, લવિંગ, મરી કે તુલસીના પાંદડા નાખે પણ, લીંબુના પત્તા કોણ નાખે.... હોહોહો... પછી ક્યારેય નિમિષ એ વાત ફરી એને ન કહી શક્યો. પણ સુમીને એ હજી યાદ હતું. બધું જ બરાબર યાદ હતું. ચાના ઘૂંટડે ઘૂંટડે નિમિષ અમૃત પી રહ્યો...એ ફક્ત ચા ન હતી એની વિચિત્ર ટેવને યાદ રાખી આજે પણ એને પ્રેમથી પૂરી કરનાર મોટી બહેનની એકના એક નાનાભાઈ પ્રત્યેની મમતા હતી !

નિમિષની આંખો સુમીના શરીર પર ફરી વળી. એ થોડી જાડી થઈ ગઈ હતી. અહીં હતી ત્યારે તો કેટલી પરેજી પાળતી. પોતાની સુંદરતાનું કેટલું ધ્યાન રાખતી. એના માટે ગુલાબજળ અને મુલતાની માટી વાળું ફેસપેક લેવા પોતે બજારમાં કેટલું રખડ્યો હતો. કેટલી સુંદર, નાજુક નમણી મારી સુમી અને આ બનેવી... સાવ જંગલી હાથી જેવો. સરકારી નોકરી કરતો હતો એટલે બાપુજીને ગમી ગયેલો અને સુમીએ તો રામ જાણે શું જોઈએ આને હા કહી હશે ? 

આજ વખતે સુમીની નજર સાથે એની નજર મળી હતી. બંને સામસામે હસી પડી. બીજી ઘણી નક્કામી વાતો ચાલતી રહી...! નિમિષને કહેવું હતું કે આ જાડિયાને ઘરે મોકલી દે અને હું ગુજરાતી નાટકની બે ટિકિટ લઈ આવું, આપણે બંને સાથે જોઈશું. આજે તારો ભાઈ કમાઈ લે છે તારી નાટક જોવાની ઈચ્છા પૂરી શકશે. પહેલાની જેમ બાપુજીને વિનંતીઓ નહીં કરવી પડે !  પછી ચાચાની પાણીપુરી ખાઈશું... પેલ્લાની જેમ જ કોણ વધારે ખાશે એની શરત લગાવીશું... પાછા ફરતી વખતે તું મારું બાઈક ચલાવજે હું પાછળ બેસીશ...મને ખબર છે તે ઘણીવાર એવું કરવાનું કહેલું પણ હું તને ચાવી જ નહતો આપતો. એ વખતે મને બાઈક પ્રિય હતું અત્યારે તારી ખુશીથી વધારે કંઈ નથી જોઈતું ! 

જમવાનું તૈયાર હતું. બીજી નક્કામી વાતો ચાલતી રહી. નિમિષનું વજન વધી રહ્યું હતું. એની પત્નીએ એની થાળીમાં બે કોરી રોટલી મૂકી. એ કંઇક લેવા અંદર ગઈ કે સુમીએ રોટલી બદલી દીધી...નિમિષને ઘીવાળી રોટલી જ જોઈએ એ એને યાદ હતું. નિમિષ ખાઈ ના શક્યો. ગળે ડૂમો બાઝી ગયો હતો. એક પળ એને ગુસ્સોય આવી ગયો સમાજની રીત રસમ પર !

કેટલા સુંદર દિવસો હતા એ ! એ, સુમી અને બાપુજી કેટલી મજાથી રહેતા હતાં. વારે તહેવારે જલસો પડી જતો. શું કરવા છોકરીઓને સાસરે વળાવી દેવાતી હશે ? એમના વગર આ ઘર કેટલું સુનું લાગે છે ! આખો દિવસ ચહેકતી રહેતી આ છોકરીઓ સાસરે જતાજ ઠરેલ, ઘરરખ્ખુ ગૃહિણી કેવી રીતે બની જતી હશે...? નિયતિ એમને આમ કેવી રીતે બદલી દેતી હશે ?

રાતના મોડેથી ઘરે જતી વખતે નિમિષ એની સુમી માટે અને બનેવી માટે જે ભેટસોગાદો લાવ્યો હતો એ તો આપી  સાથે એક નાનું બોક્સ પણ આપ્યું. એ આપતી વખતે એની નજરમાં એક પળ માટે બાળપણનો નાનો નિમિષ દેખાઈ રહ્યો. કેટલાય દિવસોથી એણે એ નાનું બોક્સ સાચવીને રાખ્યું હતું ! સુમીએ એ બોક્સ લઈ લીધું. એનેય એ બોક્સમાં શું હશે એ જાણવાની તાલાવેલી હતી. ઘરે પહોંચ્યા પછી તરતજ રસોડામાં જઈને એણે એ બોક્સ ખોલ્યું...,

એમાં પાંચ માટીની નાની કુકરીઓ હતી ! જે એ અને નિમિષ બાળપણમાં રમતાં. આ સુમીની લકી કુકરીઓ હતી. આ સાથે હોય ત્યારે એ નિમિષને હંમેશા હરાવી દેતી. એ ક્યારેય નિમિષને એ કુકરીઓ અડવા પણ ન દેતી. એ હંમેશા એને જીવની જેમ સાચવીને રાખતી. એનું સગપણ નક્કી થયું ત્યારે એણે આ કુકરીઓ નિમિષને આપી દીધેલી. ત્યારે એ કેટલો ખુશ થઈ ગયેલો... આજે એ આ કુકરીઓ એની મોટી બહેનને પાછી આપી હતી...અને એની સાથે સાથે બચપણની અસંખ્ય યાદો !!

Niyatikapadia.