Sukhni chavi krushno Karmyog - 5 in Gujarati Mythological Stories by Sanjay C. Thaker books and stories PDF | સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 5

સુખની ચાવી

કૃષ્ણનો કર્મયોગ

સંજય ઠાકર

પ - માનસિક સ્તલ

માનસિક સ્તલ પણ પ્રકૃતિના ત્રણ ગુણોથી વિંટાયેલું છે, માનસિક સ્તલ ઉપર સત્વ, રજસ અને તમસ રૂપી ત્રણ ગુણોની ઓળખ ભિન્ન છે. મનની ઓળખ આપતા શાસ્ત્રો કહે છે.

‘સંકલ્પો વિકલ્પો જાયતે ઈતિ મનાઃ’ અર્થાત જે સંકલ્પો અને વિકલ્પોને જન્માવે છે તે ‘મન’ છે તેવી વ્યાખ્યા શાસ્ત્રોએ કરી છે. ફીઝીકલ ભાષામાં આપણે જેને બ્રેઈન (મગજ) કહીએ છીએ તે મગજ તો શરીરનો હિસ્સો છે. સંકલ્પો અને વિકલ્પો જન્માવતા મનનું સ્થૂળ શરીર એટલે મગજ. મગજની આપણે મેડીકલ પરીભાષામાં વ્યાખ્યા કરી શકીએ તેમ છીએ. પરંતુ મનની વ્યાખ્યા શાસ્ત્રોએ જે કરી છે તેથી વિશેષ વ્યાખ્યા થઈ શકે તેમ નથી. મનથી જન્મતા સંકલ્પો અને વિકલ્પોના આધારે આપણને મનના પ્રકૃતિક ગુણોની ઓળખ મળી શકે. મન પોતાની સહજ પ્રાકૃતિક અવસ્થામાં સત્વ ગુણવાળું છે. રજોગુણ અને તમોગુણ તેના મૂળ સ્વભાવના વિક્ષેપો છે. રજોગુણ અને તમોગુણથી વિક્ષેપિત થયેલું મન સત્વગુણમાં તેના મૂળ સ્વભાવને પામીને શાંત અને પ્રસન્ન થાય છે.

મન વિવિધ વસ્તુઓ અને વિષયોમાં ભમતું રહે છે. જે વિષયો અને વસ્તુઓથી મનને સામાન્યતઃ વિકલ્પો મળે છે. જેમકે તમે કોઈ માર્કેટ કે શોપીંગ મોલમાં જાઓ ત્યારે તમારા મને સેવેલા વિષયોના સંદર્ભે તમારી સમક્ષ હજારો વસ્તુઓ ઉપલબ્ધ હોય છે. કોઈ વ્યક્તિ આંખ માટે સારા ગોગલ્સ લેવા નીકળે તો એક જ શોપીંગ મોલમાં અલગ-અલગ કંપનીની સંખ્યા બંધ દુકાનો હોય છે. તેમાંથી કઈ દુકાનમાં જવું ? વળી એ દુકાનમાં ગયા પછી પણ એક જ કંપનીના અનેક ગોગલ્સ હોય છે કે જેમાંથી તેના ગ્લાસ, કલર, શેપ વિ. અને તે તમામ પસંદ આવે તો તેમાં તમને પોસાતી હોય તેવી પ્રાઈસ સટ કરવી પણ જરૂરી છે.

બજારમાં કે મોલમાં રહેલી દુકાનો અને દુકાનોમાં રહેલા વિવિધ પ્રકારના ગોગલ્સ એ સર્વ મનની વિકલ્પ રૂપ પરિસ્થિતિ છે. જ્યારે કોઈ વ્યક્તિ તે વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરે છે ત્યારે તે સંકલ્પ રૂપ બને છે. વિકલ્પોમાંથી સંકલ્પ ન બને ત્યાં સુધી કોઈપણ વિકલ્પ સફળ થઈ શકતો નથી. બની શકે કે તમે એકની બદલે એક સાથે પાંચ ગોગલ્સની ખરીદી કરો. અને જોયેલા પાંચસો ગોગલ્સમાંથી પાંચને સંકલ્પ બનાવો. પણ વિકલ્પોની ગમોગુણ રૂપ અવસ્થા જ્યાં સુધી સંકલ્પ રૂપી રજોગુણને ન મળે ત્યાં સુધી કોઈ કાર્ય કે સફળતા સિદ્ધ થઈ શકતી નથી.

વિકલ્પોથી સંકલ્પ તરફ ગતી કરતું મન સંકલ્પોથી ફરી વિકલ્પ તરફ ગતી કરે છે. પાંચસોમાંથી પસંદ કરાયેલા પાંચ ગોગલ્સ થોડા સમય બાજ જુના થઈ જશે. ખરી હકીકતે જૂના ગોગલ્સ નહીં થાય પરંતુ મનની સંકલ્પથી વિકલ્પ તરફ અને વિકલ્પોથી સંકલ્પ તરફની બદલતી ધારાઓ તેને જૂના બનાવી નાખશે. કદાચ પાંચેય ગોગલ્સ ખરીદીને તમે તેને એક બંધ કબાટમાં લોક કરીને રાખી દો તો પણ થોડા સમય બાદ તે તમને જૂના લાગશે કારણ કે વિકલ્પોની બદલતી ધારાઓ મનને ફરી જૂના સંકલ્પોમાંથી નવા વિકલ્પો આપી દેશે.

પત્નીએ પતિને કહ્યું કે તમે આ વર્ષે મારા માટે કોઈ જ નવી સાડી કે ડ્રેસ લીધા નથી. આખું વર્ષ વીતવા છતાં મારી પાસે કોઈ નવો ડ્રેસ કે સાડી નથી. પતિએ કહ્યું કે મે તને ગયાં વર્ષે જ પાંચ નવી સાડીઓ અને બે ડ્રેસ લઈ આપેલા છે. જે તે ગયા વર્ષમાં એક પણ વાર પહેર્યા જ નથી તો નવા સાડી અને ડ્રેસ લેવાનું શું પ્રયોજન ? પત્ની એ જવાબ આપ્યો. તમે ગયાં વર્ષે લઈ દીધેલા ડ્રેસ અને સાડીઓ તો જૂના થઈ ગયા છે. પતિએ ગુસ્સો ભર્યા સ્વરે કહ્યું, શું એક પણ વખત ડ્રેસ અને સાડીઓ પહેર્યા વગર પણ જૂના થઈ શકે ? પત્નીએ કહ્યું, જી, માર્કેટમાં છેલ્લા એક વર્ષમાં સાડીઓ અને ડ્રેસમાં આવેલી નવી ડીઝાઈન અને પેટર્નથી બધી જ સાડીઓ અને ડ્રેસો જૂના થઈ ગયા છે. હવે તો મારી જેવી નવોદિત મહિલાને એ જરા પણ શોભા આપે એવા રહ્યા નથી.

લોકો અકારણ ઘરના ઈન્ટીરિયર ડેકોરેશનમાં, નાની મોટી ચીજ વસ્તુઓમાં બદલાવ કરતા રહે છે. વસ્તુઓની ફેરબદલ સુધી તો વાત કાંઈક અંશે ઠીક છે. પણ હવે તો લોકો સંબંધ અને વ્યક્તિઓ પણ બદલાવી નાખે છે. પશ્ચિમના દેશોમાં ભાગ્યે જ કોઈ યુગલ હશે જેણે બે ત્રણ પતિ કે પત્નીઓ બદલી ન હોય. હવે ભારત પણ પશ્ચિમના માર્ગે છે.

મારી પાસે એક અસીલે આવીને સલાહ માગી કે વકીલ સાહેબ, હું મારી પત્નીને છૂટાછેડા આપવા માગું છું મારે શું કરવું ? તે હિંદુ હતા એટલે મેં તેમને કહ્યું કે હિંદુ મેરેજ એક્ટની કલમ-૧૩માં જે કારણો બતાવ્યા છે તે મુજબ તમને છુટા છેડા મળી શકે. બોલો તમારું કારણ શું છે ? તેમણે કહ્યું કે બસ, મને હવે પત્ની થોડી જૂની લાગે છે. નવી પત્ની લાવવાની ઈચ્છા થાય છે. મે તેમને કહ્યું ભાઈ, કાયદામાં આવા કોઈ કારણને સ્થાન નથી. તેથી તમારા આવા કારણોસર છૂટાછેડા ન મળી શકે. તેમણે મને અફસોસ સાથે કહ્યું શું આપણે ત્યાં કાયદાઓ આટલા બધા ખરાબ છે ?

સંકલ્પો અને વિકલ્પોમાં ભમિ રહેલા મનની એક સ્થિતિ છે નિર્વીકલ્પતા. વિકલ્પોના અભાવમાં, વિકલ્પોના સંકલ્પ રૂપ બનવાના સમયે તથા સંકલ્પમાંથી ફરી વિકલ્પ તરફની યાત્રા કરતા મનને નિર્વિકલ્પતા સ્પર્શક કરતી રહે છે. માનો નિર્વિકલ્પતા એ આકાશ છે કે જેમાં વિકલ્પો અને સંકલ્પોની માનસ યાત્રા સંભવી શકે છે. બીજા અર્થમાં કહીએ તો નિર્વિકલ્પતા એ કેન્દ્ર છે જેની આસપાસ સંકલ્પ અને વિકલ્પ ફરી શકે છે. જેથી સંકલ્પ અને વિકલ્પમાં જેનો કેન્દ્રસ્થ નિર્વિકલ્પ જેટલો મજબૂત હશે તેટલા જ તેના વિકલ્પો અને સંકલ્પોની યાત્રા યોગ્ય હશે.

બાળક જેટલું ઝડપથી સંકલ્પબદ્ધ થઈ શકે છે તેટલું બીજાથી નથી થવાતું કારણ કે બાળકના સંકલ્પ અને વિકલ્પોની સાથે તેની નિર્વિકલ્પતાનું કેન્દ્ર પણ તેટલું જ મજબુત છે. બાળક અનેક રમકડાથી રમે છે. આો રમકડાઓ પૈકી તે ક્યારેક કોઈ એકની સાથે ખુબજ લગાવ ધરાવે છે તો ક્યારેક તેને છોડી દે છે. ક્યારેક જો તેને જોઈતું રમકડું ન મળે તો બાળક તે રમકડું લેવાની જીદ કરે છે. તેની જીદ તેનો મજબુત સંકલ્પ છે. તેની જીદ આગળ જો નમતું જોખવામાં ન આવે તો બાળકને સમજાવવું મુશ્કેલ છે. ક્યારેક તો બાળક આકાશનો ચંદ્ર લઈ આવવાની પણ જીદ કરી બેસે છે. જો આકાશના ચાંદને લઈ આવવાની અસંભવનાઓનું તેની પાસે વર્ણન કરવામાં આવે તો તે પણ સ્વીકારવા તેની કોઈ તૈયારી હોતી નથી.આવા સંજોગોમાં કોઈપણ રીતે તેના મજબુત થયેલા સંકલ્પને શાંત કરવાના પ્રયાસો જ કામ આવે છે. બાળ હઠ સામે લડવું મુશ્કેલ છે.

બજારમાં સાથે આવેલું બાળક બજારની હજારો વસ્તુઓ ખરીદી લેવાની ઈચ્છાઓ કરે છે. જે કાંઈ નવું જુવે તે લઈ લેવાની તેની ઈચ્છા છે. કદાચ તેની ખરીદીને મહત્વ આપો તો અરધું માર્કેટ ઘરે લઈ આવવું પડે તેટલા વિવિધ વિકલ્પોની તેની પસંદ હોય છે કારણ કે તેના સંકલ્પો અને વિકલ્પો બંને મજબુત છે.

બાળકના મજબુત સંકલ્પ અને વિકલ્પ પાછળ કામ કરે છે તેના જ માનસનો નિર્વિકલ્પ. સંકલ્પ અને વિકલ્પની વચ્ચે રહેલા નિર્વિકલ્પ કેન્દ્રની સાથે બાળક જે સંબંધ ધરાવે છે તે યોગમય છે. એક બાળક અને યોગીના માનસમાં બહુ તફાવત નથી. યોગીઓ ધ્યાન અને સમાધિ યોગથી જે નિર્વિકલ્પતામાં પ્રવેશ કરે છે તે બાળકને પ્રકૃતિ સહજ ઉપલબ્ધ છે. બાળકને આપણે નિર્દોષ કહીએ છીએ. તેનું કારણ તેના સંકલ્પ અને વિકલ્પ નથી. પણ તેનું કારણ તેની નિર્વિકલ્પતા છે.

નિર્વિકલ્પતા એ સત્વગુણમય કેન્દ્રસ્થ બિંદુ છે. મનના સંકલ્પ અને વિકલ્પ તેની નિર્વિકલ્પતાના પરિઘમાં ન ભમતા હોય તે મન કંટાળો, ઉદ્વેગ, ગ્લાનિ અને અશાંતિથી ભરાતું રહે છે. બાલ્યાવસ્થામાં પ્રકૃતિ સહજ જે નિર્વિકલ્પતા હતી તે ફરી પ્રાપ્ત કરવા માટે સંકલ્પ અને વિકલ્પની આચરાયેલી અતિશયતા અને હિનતાથી બહાર લાવવા માટેના પ્રયાસો કરવા પડે છે. જે માટે સારું વાંચન, સારા વ્યક્તિઓનો સંગ, ધ્યાન, પ્રાણાયમ વિગેરે ઉપચારો કરવા જરૂરી છે.

નિર્વિકલ્પતા આત્માનો સહજ સ્વભાવ છે. મન તેની પ્રાકૃતિક સ્થિતિમાં આત્મસંગથી જોડાઈ છે ત્યારે નિર્વિકલ્પતાનો અનુભવ કરે છે. સંકલ્પ અને વિકલ્પમાં ભમી રહેલા મનને નિર્વિકલ્પતાથી જોડી રાખવા માટે જે લોકો પ્રયાસ કરતા નથી અને માત્ર સંકલ્પ અને વિકલ્પથી જ સુખી થવાના પ્રયાસોમાં લાગ્યા રહે છે તેના સંકલ્પો અને વિકલ્પો પણ તેને ઉબાવી નાખે છે. દુનિયામાં નાના મોટા પ્રમાણમાં ઉભરાઈ રહેલી પાગલતાઓ તેનું જ પરિણામ છે.

મેં સાંભળ્યું છે કે એક બાળક તેનાં માતા સાથે મેળો માણવા મેળામાં ગયું હતું. માતાની આંગળી પકડેલું તે બાળક જે જે નવી-નવી ચીજો જોતું હતું તે લઈ આપવાની તેની માતા પાસે માંગ કરતું હતું. માતા તેને આ ન લેવાય, તે ન લેવાય કીને ના પાડતી રહેતી હતી અને તે રીતે તે માતા અને તેનું બાળક મેળામાં ફરી રહ્યા હતા. તેવામાં એક જગ્યાએ બાળકને સુંદર લાગેલા એક રમકડામાં તેનું મન એટલું ખેંચાયું કે માતાની આંગળી છુટી ગઈ અને તે માતાથી વિખુટું પડી ગયું. થોડીવારે જ્યારે તેને ખ્યાલ આવ્યો કે તેની માતાથી અળગું થઈ ગયું છે ત્યારે બાળક ખુબ દુઃખી થઈ ગયું. તે રડતા બાળકને સમજાવવા એકઠા થયેલા લોકો તેને છાનું રાખવા વિવિધપ્રયાસો કરવા લાગ્યા અને એવા એવા રમકડાઓ પણ આપવા લાગ્યા કે જે રમકડા મેળવવા તેની માતા પાસે જીદ કરતું હતું. તેની માતાની આંગળી જ જે રમકડાઓની લાલચે છુટી હતી તેવા રમકડાઓ પણ તે બાળકને શાંત કે સુખી કરી શક્યા નહીં. બધા જ ઈચ્છીત રમકડાઓની વચ્ચે તે બાળકને ફક્ત તેની માતા જ જોઈતી હતી. બાળકને શોધતી તેની માતા જ્યારે બાળકને મળી ત્યારે જ બાળક શાંત થયું.

માતાની આંગળી પકડીને મેળામાં ફરી રહેલા બાળકને વિવિધ રમકડાઓ લલચાવે છે, મળે તો થોડી ક્ષણો માટે સુખી પણ કરે છે. પણ તે જ રમકડાઓ માતાની આંગળીથી અળગા થયેલા બાળકને સુખી કરવા સમર્થ રહેતા નથી. તે જ રીતે દુનિયામાં સંકલ્પો અને વિકલ્પો મનુષ્યના મનને ત્યાં સુધી જ સુખપ્રદ છે જ્યાં સુધી તે નિર્વિકલ્પતાની આંગળીએ ફરે છે. નિર્વિકલ્પતાને કબીર અને ઓશો જેવા તત્વચિંતકો એ ‘અમનિ’ અવસ્થા તરીકે ઓળખાવી છે. એવી અવસ્થા કે જ્યાં મન જ ન હોઈ. વ્યક્તિનું ચૈતન્ય માત્ર સાક્ષીત્વ અનુભવતું હોય તેવી સ્થિતિ. પરંતુ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી અમનિ અવસ્થામાં પણ મન સંપૂર્ણ મરતું નથી, પરંતુ મન ઉપર આત્મીક સ્વભાવની, નિર્વિકલ્પતાની છાયા એ રીતે બને છે કે મન આત્મભાવમાં નહીવત જણાય છે.

કૃષ્ણ કહે છે ‘‘મનઃસંયમ્ય મતચિતૌ યુક્ત આસિતમત્પર’’ મનને આત્મસ્થ બનાવવા માટેના પ્રયાસો જ સંકલ્પ અને વિકલ્પોથી ઉભા થયેલા રોગોને હણી શકે છે. જો સંકલ્પ અને વિકલ્પની મનની સ્થિતિઓને સમયક્તા પૂર્વક નિર્વિકલ્પતા સાથે જોડવામાં આવે તો મન સહજ રીતે સ્વસ્થ બને છે. સંકલ્પ, વિકલ્પ અને નિર્વિકલ્પની સમાનાવસ્થાથી મન યોગમાં જોડાઈ છે. આ ત્રણે અવસ્થાનું ઈમ્બેલેન્સ મનને ઈમ્બેલેન્સ કરે છે. તેથી માનસિક સ્તલ ઉપર આ ત્રણેય અવસ્થાઓનું સમ્યકપણું માનસિક યોગ માટે આવશ્યક છે. ‘‘સમત્વમ યોગમ્‌ ઉચ્યતે’’નું મહાવાક્ય માનસિક સ્તલ ઉપર પણ સાર્થક છે. નિર્વિકલ્પતાને કેન્દ્ર બનાવીને જેનું મન સંકલ્પ અને વિકલ્પમાં રમણ કરે છે તેના સંકલ્પો અને વિકલ્પો યોગમય બની શકે છે. કૃષ્ણને ભગવદ્‌ ગીતાના પદેપદે નિર્વિકલ્પભાવની પ્રશંસા કરી છે. કૃષ્ણ કહે છે :-

मयिसर्वाण कर्माण्ी संन्यस्य अध्यात्मचेतसा

निराशीनिर्मितो भूत्वा युद्धस्व विगतज्वर (ગી.અ.૩-૩૦)

त्यकत्वा कर्मफलासंगम नित्यतृप्तो निराश्रय

कर्मण्याभिप्रवृतोअपि नैव किंचित्करोति सः (ગી.અ.૪-ર૦)

કૃષ્ણના આ કથનોમાં નિરાશી એટલે કે આશાઓ રહિત, નિર્મમ એટલે કે મમત્વ રહિત અને નિરાશ્રય એટલે કે કોઈપણ આશ્રય વગરની સ્થિતિઓ મનની નિર્વિકલ્પતાને જ વર્ણવે છે. આશા રહિત થયેલા મનમાં ન કોઈ સંકલ્પ બચે છે ન તેનો કોઈ વિકલ્પ. મમત્વ રહિત થયેલા મનમાં પણ મારાપણાની ભાવનાઓ નહીં બચતી હોવાથી અહંકાર જનિત ન તો કોઈ સંકલ્પ બચે છે કે ન તેનો કોઈ વિકલ્પ. તેવી સ્થિતિમાં મન કોના આશ્રયે રહી શકે ?

સામાન્ય વ્યક્તિ તો મનને બચાવવા માગે છે. મનને રાજી રાખવા માગે છે. મન જેમ કહે તેમ કરીને મનને રાજી રાખવા માટેના લાખ-લાખ ઉપાયોનું જતન કરવા માગે છે. તેમ છતાં લાખો-લાખો ઉપાયો પણ મનનો આશ્રય બની શકતા નથી. જે ઉપાયો મનનો આશ્રય બનવાની હૈયાધારણાઓ આપતા હતા તે ઉપાયો તેની સફળતાઓ સાથે જ નિષ્ફળ થઈ જાય છે. જે મનની આશાઓ પુરી કરી તે આશાઓ પૂર્ણ થતા જ મન તેને છોડીને નવી આશાઓ સાથે બંધાઈ જાય છે. માનો મનને જે મળ્યું છે તે માટી સમાન અને જે નથી મળ્યું તેમાં જ તેને સોનું દેખાઈ છે. ‘‘દુનિયા જીસે કહેતે હૈ જાદુ કા ખિલોના હૈ, મિલ જાયે તો મીટ્ટી હૈ લેકીન ખો જાયે તો સોના હૈ’’

સિકંદર ભારત જીતવાની ઈચ્છાથી તેનું વિશાળ સૈન્ય લઈને ભારત ઉપર ચડાઈ કરવા આવતો હતો ત્યારે કોઈએ તેને કહ્યું કે એક ડાયોઝનીઝ નામનો ફકીર છે તેના આશીર્વાદ મળી જાય તો તમે સરળતાથી ભારત જીતી શકશો. જેથી તે એ ફકીર પાસે આવ્યો અને જીતના આશીર્વાદ માગ્યા. ડાયોઝનીઝે કહ્યું કે સિકંદર ભારત જીતીને શું કરીશ ? ત્યારે સિકંદરે જવાબ આપ્યો કે ભારતના જીતવા સાથે હું સમગ્ર દુનિયાને જીતનારો એક શાસક હોઈશ. પછી હું નિરાંતે રાજ કરીશ.

ડાયોઝનીઝ હસવા લાગ્યો. તેણે સિકંદરને કહ્યું કે સિકંદર, તારું મન તને ધોખો દઈ રહ્યું છે. તું ભારત જીતીને પણ એટલો જ કંગાળ હોઈશ જેટલો ભારતની જીત માટે આજે છો કારણ કે ભારતની જીત તારી વાસ્તવિક જરૂરીયાત નથી. જે ભારતની જીત માટે તારા મને તને ઉકસાવ્યો છે તે ભારત જીત્યા પછી બીજા કોઈ કારણે ઉકસાવતું રહેશે અને તું જે મનના માર્ગે છે તેમાં ઈચ્છાઓની અધુરપ જ પ્રારંભ છે અને ઈચ્છાઓની અધુરપો જ અંત પણ છે.

જે લોકો મનને કામનાઓ જનિત સંકલ્પો અને વિકલ્પોના આશ્રયો આપીને રાજી રાખવા માગે છે તે લાખ કોશિશો છતાં મનને રાજી રાખી શકતા નથી. લાખો પ્રયાસોના અંતે પણ જો કોઈ બુદ્ધિમાન વ્યક્તિને ખ્યાલ આવે કે આ તો મનનો જ ધોખો છે તો તે મહાભાગ્યશાળી છે. સંકલ્પ અને વિકલ્પોના આશ્રયરૂપ સ્થાનોમાં મનની સ્થિતિ કરાવવાની બદલે મનને જે નિરાશ્રય છોડી દે છે તે જ માનસિક સ્તલ ઉપર યોગને પ્રાપ્ત કરી શકે છે. આવી સ્થિતિમાં નિરાશ્રયે રહેલા મનને પણ પરીસ્થિતિ અને સંજોગો મુજબના સંકલ્પો અને વિકલ્પો તો મળેલા જ હોય છે. પરંતુ તેવા સંકલ્પો અને વિકલ્પોની વચ્ચે તેની નિર્વિકલ્પતા મજબુત હોવાથી મન એક યોગવાહી પરીસ્થિતિનો અનુભવ કરે છે. તેવી પરીસ્થિતિમાં સુખ-દુઃખ, માન-અપમાન, હર્ષ-શોક વિગેરે બાહ્ય પરીસ્થિતિઓમાં પણ એક સમત્વ ઉભુ થાય છે. જેથી તેવા વ્યક્તિનું મન સુખમાં છકી જતું નથી કે દુઃખમાં ઉદ્વેગ પામતું નથી. માનસિક સ્તલ ઉપર સંકલ્પ અને વિકલ્પની વચ્ચે નિર્વિકલ્પ સ્થિતિ જ્યારે સંકલ્પ અને વિકલ્પની સમત્વતાને ઉભી કરે છે ત્યારે મન યોગનું આશ્રયભૂત થઈ મનોયોગના પરમ સુખનો અનુભવ કરે છે.

જે વ્યક્તિ સંકલ્પો અને વિકલ્પોની વચ્ચે મનની નિર્વિકલ્પતાને ઉપલબ્ધ થાય છે તે ભીડમાં રહેવા છતાં એકાંતિક છે. સંસારની મધ્યમા રહીને પણ સંન્યાસી છે બધુ જ ભોગવતો હોવા છતાં પણ ત્યાગી છે. બધુ જ ખાતો હોવા છતાં ઉપવાસી છે. અને બધા જ કર્મ કરતો હોવા છતાં નિષ્કર્મી છે.

કથા છે કે એક વાર દુર્વાસા ગોકુળ આવવા નીકળ્યા. પરંતુ યમુના બે કાંઠે વહેતી હતી તેથી ગોકુળમાં આવી ન શક્યા. તેમણે યમુનાના સામા કિનારે જ પડાવ કર્યો. ગોકુળવાસીઓને ખબર પડી કે દુર્વાસા આવ્યા અને તેમને બપોરનું ભોજન ન પહોંચાડ્યું તો આવી બનશે. કોઈને કોઈ શ્રાપ આપીને જશે. લોકો ગભરાયા. ગભરાયેલા ગોકુળ વાસીઓએ શ્રીકૃષ્ણને પૂછ્યું કે આ સમસ્યાનું સમાધાન શું કરવું ?

કૃષ્ણએ કહ્યું કે તમે યમુનાને જઈને કહો કે ‘‘કૃષ્ણ સદાકાળ બ્રહ્મચારી હોય તો હ યમુનામૈયા અમને માર્ગ કરી આપો.’’ ગોકુળવાસીઓને આશ્ચર્ય થયું કે આ નટખટ કૃષ્ણ અને સદાકાળ બ્રહ્મચારી ? પરંતુ બીજો કોઈ રસ્તો ન હતો તેથી તેમણે યમુનાને કૃષ્ણના કહેવા મુજબ કહ્યું અને યમુનાએ માર્ગ કરી આપ્યો.

ગોપીઓ ભોજન લઈને દુર્વાસા પાસે પહોંચી અને દુર્વાસાએ તેના શિષ્યો સાથે ભરપેટે ભોજન કર્યું. ફરી પણ પ્રશ્ન એ જ હતો કે યમુના ફરી બે કાંઠે વહેતી હતી. તેથી ગોપીઓએ પાછા જવાનો માર્ગ દુર્વાસાને પૂછ્યો. દુર્વાસાએ કહ્યું કે તમે યમુનાને કહો કે ‘‘હે યમુના, દુર્વાસા સદાકાળના ઉપવાસી હોય તો અમને માર્ગ કરી આપો.’’ ગોપીઓને ફરી આશ્ચર્યસ થયું કારણ કે દુર્વાસા તેમની નજર સામે ભરપેટ જમ્યા હતા. છતાં ગોપીઓ પાસે પાછા જવાનો બીજો માર્ગ ન હતો. તેણે યમુનાને દુર્વાસાએ કહ્યું હતું તે મુજબ કહ્યું અને ફરી યમુનાએ માર્ગ કરી આપ્યો.

કથા પ્રતિકાત્મપણે ખુબજ તથ્ય સભર છે. જેણે નિર્વિકલ્પતા સિદ્ધ કરી છે તેવા વ્યક્તિને કર્મો બાધારૂપ નથી. જેના મનમાં સંકલ્પો અને વિકલ્પોના રાગદ્વેષ નથી કે તેના પ્રત્યેની કોઈ આસક્તિ નથી તેનું મન આત્મશ્રયથી હજારો સંકલ્પો અને વિકલ્પોની વચ્ચે પણ નિર્વિકલ્પ રહે છે તેવો કૃષ્ણનો મત છે.

ઘણા લોકો કહે છે કે મનને માર્યા વગર શાંતિ નથી. ઘણા મનને મારવાને બદલે મનને વાળવાની વાત કરે છે. ઘણા લોકો મનને સ્થિર કરવાની વાત કરે છે તો ઘણા મનને નહીવત જેવું કરી અ-મનની સ્થિતિ બનાવવાની વાત કરે છે. પરંતુ મન દુનિયાની મહાપ્રભાવી શક્તિઓ પૈકીનું એક છે. જેથી વાતો એ વાતો જ રહી જાય છે અને મન ઉપર કોઈ કિમિયાગીરી ફાવતી નથી.

સામાન્ય માણસ તો મનની અથાગ શક્તિ સામે ઝૂકીને મનચલુ થવાનું જ પસંદ કરતો હોય છે. પરંતુ આ બધામાં કૃષ્ણ ‘‘ઈન્દ્રિયાણાં મનસ્ચાસ્મિ’’ કહીને મનને પોતાની જ વિભૂતિ રૂપ ગણાવે છે. કૃષ્ણ કહે છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી મન છે, જ્યાં સુધી મન છે ત્યાં સુધી સંકલ્પો અને વિકલ્પો છે અને જ્યાં સુધી સંકલ્પો અને વિકલ્પો છે ત્યાં સુધી તેની કામનાઓ છે.

મનને મારવાની, વાળવાની, નહીવત જેવું શૂન્ય બનાવવાની વિગેરે તમામ કોશિશો જીવનને વધુ પીડાદાયક બનાવે છે. જેથી મનના પ્રાકૃતિક હલન-ચલનમાં બાઘા રૂપ ન બનતા મનને તેનું સહજ કાર્ય કરવા દો.

‘‘સહજમ્‌ કર્મ કૌન્તેય સદોષમ અપિ ન ત્યજેત’’ (ગી.અ.૧૮-૪૮)

કૃષ્ણ કહે છે કે પ્રકૃતિના જે કર્મો સહજ હોય તે દોષરૂપ હોય તો પણ તે ન છોડતા તેની સહજતાને સ્વીકારી લ્યો. બસ, ફક્ત મનના સંકલ્પો અને વિકલ્પોમાં રાગ અને દ્વેષ સાથે નહીં જોડાયેલા સંકલ્પ અને વિકલ્પ પ્રાકૃતિકપણે ઉભા થાય છે અને પ્રાકૃતિકપણે જ શમી જાય છે. જેથી પ્રકૃતિના સહજ સ્વભાવ પ્રમાણે ઉઠતા સંકલ્પો અને વિકલ્પો તેના રાગ-દ્વેષના અભાવમાં સહજતાથી નિર્વિકલ્પ થઈ જશે.

કૃષ્ણના આ મતથી ઘણાને ખતરો દેખાઈ છે. જો મનને સહજ રીતે કાર્ય કરવા દો અને સહજપણે મન કામ તરફ જાય તો શું કરવું ? જો કૃષ્ણનો મત સ્વીકારવામાં આવે તો મનને કામ તરફ જતું અટકાવી નહીં શકાય અને પછી બરબસ ધારણ કરેલા બ્રહ્મચર્યનો અકાળે જ અંત આવશે તેમ માનતા અનેક લોકો છે. તેઓ સાધુ, સંન્યાસી અને બ્રહ્મચારી બનીને તેમના ચરણ દુનિયાને પૂજાવી રહ્યા છે તેનું શું થાય ?

શ્રીમદ્‌ ભાગવદ્‌ના નવમ સ્કંધના છઠ્ઠા અધ્યાયમાં કથા છે કે સૌભિરી નામના ઋષિ એક હજાર વર્ષથી તપસ્યા કરી રહ્યા હતા અને એક દિવસ સવારના સમયે યમુનામાં સ્નાન કરવા ગયા ત્યાં એક મતસ્યને માછલી સાથે ક્રીડા કરતા જોઈને ઋષિના મનમાં પણ કામ જાગ્યો. સૌભિરીએ વિચાર્યું કે આટલી તપસ્યા પછી પણ સહજ રીતે જન્મેલા આ કામનો ઉપાય તો કરવો પડશે. અન્યથા મન જેવી પ્રભાવી શક્તિના સહજ કાર્યને રોકીને કોઈ ઈષ્ટકાર્ય થઈ શકશે નહીં. સહજપણે કામને ભોગવી લેવાના સંકલ્પને લઈને ઋષિ રાજા માન્ધાતા પાસે ગયા અને તેમની પચાસ કન્યાઓ પૈકીની એક કન્યા આપવા માગણી કરી. પરંતુ અત્યારના આધુનિક ઋષિઓની જેમ કામને દબાવવાની કે છુપાવવાની કોશિશમાં ન પડ્યા કારણ કે તે સૌભિરી હતા આશારામ ન હતા.

પરંતુ ઋષિનું વૃદ્ધ થઈ ગયેલું શરીર જોઈને રાજાએ કહ્યું કે ઋષિરાજ મારી જે કન્યા આપને સ્વયંવરમાં પસંદ કરી લે તે કન્યા હું આપને આપવા રાજી છું. રાજાની વાતથી ઋષિ રાજાનો અભિપ્રાય સમજી ગયા કે રાજા મારા વૃદ્ધ થયેલા અને કરચલીઓ પડી ગયેલા શરીરના કારણે સ્પષ્ટ ના પાડવાની બદલે ગર્ભીતપણે મને ના પાડી રહ્યો છે. જેથી ઋષિએ પોતાના તપોબળથી શરીરને નવયુવાન બનાવવાનો સંકલ્પ કર્યો અને થોડા સમયમાં નવયુવાન થઈને પાછા આવ્યા. કથા એવી છે કે ઋષિના નવયુવાન થયેલા શરીરને જોઈને માંધાતાની પચાસેય કન્યાઓ સૌભિરીને પરણવા તૈયાર થઈ ગ તમામ કન્યાઓનો અભિપ્રાય જાણીને સૌભિરીએ પણ પચાસેય કન્યાઓની સાથે લગ્ન કર્યું અને એક-એક કન્યામાં સો-સો પુત્ર ઉત્પન્ન કરીને કામને ભોગવ્યો. એમ વર્ષો વીત્યા પછી સહજપણે ઉત્પન્ન થયેલા કામની શક્તિઓને જાણી અને કામે જ તેના તપ અને તેજનો નાશ કર્યો છે એવું સહજ જ્ઞાન મેળવ્યા પછી ફરી ઋષિને સહજ વૈરાગ્યભાવ થયો અને ફરી યોગ માર્ગમાં જોડાઈને સાધના ક્રમથી મુક્તિ પામ્યા. તેમજ તેમની પચાસેય પત્નીઓએ પણ ઋષિના માર્ગનું અનુગમન કરીને મુક્તિ મેળવી.

કૃષ્ણ પ્રકૃતિના સહજ કાર્યોને સહજ રીતે જ વધાવવા કહે છે. જો વ્યક્તિ સહજ થાય તો સહજતા જ ધાર્મિક્તા છે. સહજતા પ્રમાણિક છે. તેથી તુરત ધર્મ ધારણ કરી શકે છે, પણ આડંબરો અપ્રમાણિકતા હોવાથી ક્યારેય ધર્મને ધારણ કરી શકતા નથી. આડંબરો ધર્મનો ડોળ જરૂરી કરી શકે છે, પણ સાચો ધર્મ અપનાવી શકતા નથી. જો કોઈ પ્રકૃતિ સાથે સહજ થઈ જાય તો પછી વ્યભિચારને મોકો નહીં મળે. પણ, સહજતાઓને દબાવવાની અને છુપાવવાની કોશિશો કરશે તો તે અનેક વ્યભિચાર અને બળાત્કાર કરાવશે. વળી વ્યભિચાર અને બળાત્કાર રાગદ્વેષ પૂર્વકના કૃત્યો છે તેથી મનને બંધનથી છૂટવાનો ક્યારેય મોકો નહીં આપે.

મનની સંકલ્પ-વિકલ્પ ભરેલી સ્થિતિઓમાં સહજતાથી જીવેલો મનુષ્ય રાગ-દ્વેષથી ન બંધાઈને સહજતાપૂર્વક નિર્વિકલ્પતાના કેન્દ્રને પામી શકે છે. જે માટે પણ કૃષ્ણએ સ્પષ્ટ મત આપ્યા છે કે જ્યારે કોઈ રાગ-દ્વેષથી મુક્ત થઈને કોઈ ઈન્દ્રીયોના વિષયોને ભોગવે છે ત્યારે વખત વીતતા જ મનુષ્ય ઉપરામ થઈને આત્મશાંતિ મેળવી લ્યે છે. રાગ અને દ્વેષ સહજ નથી. રાગ ઈન્દ્રીયોના સુખોને અહંમથી પકડવાની કોશિશ છે. જે વ્યક્તિ મનના સંકલ્પ વિકલ્પમાં રાગ-દ્વેષથી છુટી જાય છે તે વખત જતા સંકલ્પો અને વિકલ્પોથી પણ છુટે છે અને ત્યારે મનના યોગનું કેન્દ્રબિન્દુ એવી નિર્વિકલ્પતાને સહજપણે પ્રાપ્ત થઈ જાય છે તેમ પણ શ્રીકૃષ્ણનું કહેવું છે.

***