Aghor Aatma - 9 Ughaadi Peeth in Gujarati Horror Stories by DHARMESH GANDHI (DG) books and stories PDF | અઘોર આત્મા (ભાગ-૯) ઉઘાડી પીઠ

Featured Books
Categories
Share

અઘોર આત્મા (ભાગ-૯) ઉઘાડી પીઠ

અઘોર આત્મા

(હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા)

(ભાગ-૯ : ઉઘાડી પીઠ)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

---------------------

(ભાગ-૮ માં આપણે જોયું કે...

કોઈપણ સંજોગોમાં એ પૂતળીને વેદીમાં હોમી દેતા કલ્પ્રિતને અટકાવવાનો હતો. પુસ્તકમાં એ બધું હૂબહૂ વર્ણવ્યું હતું જે મારી સાથે ઘટી રહ્યું હતું. તિમિરે બીલીપત્રો તોડીતોડીને શિવલિંગ ઉપર પધરાવવા માંડ્યા. કલ્પ્રિતનો વિકૃત અને દુષ્ટ આત્મા કાળું ગંધાતું વાદળું બનીને આકાશ ભણી એક ચક્રવાતની ઝડપે ઉડી ગયો. પુસ્તક મારી જ કથની બયાન કરતું હતું. અને કાલા ડુંગરની તળેટી તરફ આવેલી ભદ્રકાલીની અવાવરુ ગુફાનો નિર્દેશ કરી રહ્યું હતું...

હવે આગળ...)

----------------

અમે પાંચેય જણ ભારે દુવિધામાં હતાં. મારા તિમિરને મૃતાત્માલોકમાંથી પરત લાવવા માટે મારે ભદ્રકાલીની ગુફામાંથી નાગમણિ પ્રાપ્ત કરવાનો હતો. આ પુસ્તક મારી કથની બયાન કરતું હતું. અને કાલા ડુંગરની તળેટી તરફ આવેલી ભદ્રકાલીની અવાવરુ ગુફાનો નિર્દેશ કરી રહ્યું હતું. પરંતુ, અમે ભયભીત હતાં કે – ‘કાલી ખાડીના તટ પર અમારી રાહ જોઈ રહેલી યુવાન સ્ત્રીની ‘પાછળ’ જે છે એ એની ‘આગળ’ નથી...’ –નો મતલબ શું?

અમારા કદમ આપોઆપ કાલી ખાડી તરફ ઉપડ્યા...

નદીના તટ ઉપર પહોંચતાં જ મારી નજર દૂર દૂર સુધી છવાયેલાં પીપળાના હારબંધ વૃક્ષો ઉપર જઈને ચોંટી ગઈ. ઘણા બધા વૃક્ષના થડ ઉપર જુદીજુદી તસવીરો લટકી રહી હતી. મેં નજીક જઈને જોયું તો મારી આંખો વિસ્ફારિત થઈ ઊઠી. એ દરેક તસવીરોમાં હું જ હતી! તસવીરોમાં, સંપૂર્ણપણે નિર્વસ્ત્ર હું... પાણીથી ભીંજાયેલી હું... નદીના તળિયે ડૂબેલી હું... હું... અને માત્ર હું જ! અને હેરતની વાત તો મારા માટે એ હતી કે આવી તસવીરો મેં ક્યારેય ખેંચી જ નહોતી. તો પછી...

એટલામાં મારા કાને કોઈકના તીણા રુદનનો અવાજ સંભળાયો. હું એ અવાજની દિશામાં આગળ વધી. કાલી ખાડીના તટની સામે પાર એક ઘેઘૂર વૃક્ષના થડની ઓથે કોઈક યુવતી બેઠી હોવાનો મને ભાસ થયો. મેં એ તરફ નજર કરી. મારી આંખો પહોળી થઈ ગઈ. યુવતી ઉંધી દિશામાં ચહેરો રાખીને બેઠી હતી. હું માત્ર એની ઉઘાડી પીઠ જોઈ શકતી હતી. એની સુડોળ પીઠ એકદમ લીસી અને ગોરી હતી. સૂરજના તાજા કિરણોમાં એક ગજબનું પોત જાણે કે એ પીઠ ઉપરથી પ્રકાશી રહ્યું હતું. કમર તરફ મરોડદાર આકાર ધરાવતી એ યુવતીની ચમકતી પીઠ ઉપર જમણી તરફ એક પતંગિયું ચિતરાયેલું હતું. એ જાણે કે હમણાં પોતાની નાજુક અને રંગબેરંગી પાંખો ફેલાવીને ઉડી જવા મથતું હોય એમ વિહ્વળ જણાતું હતું. એની સંપૂર્ણપણે ખૂલ્લી પીઠ ઉપર એક માત્ર એના કાળા ભમ્મર લાંબા વાળને સરસ રીતે ગૂંથેલો ચોટલો લંબાયેલો હતો. એ યુવતીના શરીરથીયે વધુ લંબાઈ ધરાવતો એનો ચોટલો જમીન ઉપર સાપ જેવા આકારમાં વક્રાકારે ફેલાયેલો હતો. એ યુવતીને પાછળથી જોતાં પણ સાફ અનુમાન લગાવી શકાય એમ હતું કે એ સૌંદર્યથી ભરપૂર એક બેહદ ખૂબસૂરત જુવાન સ્ત્રી હોવી જોઈએ!

મારે કાલી ખાડી પાર કરીને ત્યાંથી જમણી તરફના કાલા ડુંગરની તળેટી તરફ વળી જવાનું હતું, જ્યાં ભદ્રકાલીની અવાવરુ ગુફા આવેલી હતી.

મેં નદીના પાણીમાં પગ અડાડતા પહેલા એક નજર એના વહેતા પાણી ઉપર માંડી. ગંભીરતાથી વહેતું કાલી ખાડીનું પાણી એકદમ સાફસૂથરું જણાતું હતું. ચોખ્ખા કાચ જેવું બિલકુલ સ્વચ્છ પાણી એના તળિયાની ઝીણી રેતી, શંખલા, છીપલાં શુદ્ધાં દેખાડી શકતું હતું. મને સહેજે વિચાર આવી ગયો કે આટલું નિર્મળ પાણી ધરાવતી રેવા જેવી ઉછળતી કૂદતી નદીને લોકો ‘કાલી ખાડી’ના કલંકિત નામે કેમ ઓળખતા હશે!

નદી પાર કરવા માટે જેવો મેં એ નીતર્યા પાણીમાં મારો જમણો પગ મૂક્યો કે મને એક ભયંકર ઝટકો લાગ્યો. જાણે કે મારા આખા શરીરમાંથી એક ઇલેક્ટ્રિક કરંટ પસાર થઈ ગયો ન હોય! બીજી જ ક્ષણે પાણીમાંથી પગ બહાર ખેંચી કાઢવા માટે મેં જોર લગાવ્યું. પરંતુ, હું તો જાણે કે એકદમ જડ થઈ ચૂકી હતી. મારી અંદરની ચેતના સાવ મરી પરવારી હતી. પીછેહઠ કરવી મારા સ્વભાવમાં ન હતું. મેં મક્કમતાથી મારો બીજો પગ પણ પાણીમાં મૂકી દીધો. નદી પાર કાર્ય સિવાય મારાથી કાલા ડુંગર પહોંચી શકાય એમ ન હતું, કોઈ બીજો માર્ગ પણ નહોતો. મેં ધીરે ધીરે કાલી ખાડીમાં આગળ વધવા માંડ્યું...

નદીનો રેતાળ ઢાળ મને પાણીમાં ઊંડે ઊંડે ઉતારી રહ્યો હતો. જેમજેમ હું નદીમાં આગળ વધતી ગઈ તેમતેમ મેં મહેસૂસ કર્યું કે ખાડીનું બરફ જેવું ઠંડું પાણી ધીમે ધીમે કાળું થઈ રહ્યું હતું. એક તીવ્ર દુર્ગંધથી મારા માથામાં સણકા ઉપડી રહ્યા હતા. કશેકથી માનવ-માંસ બળવાની તીખી તીખી વાસ મારા નાકમાં પ્રવેશી રહી હતી. મેં ડરતા ડરતા પાણીમાં નજર ફેલાવી તો મારા ગળામાંથી એક ચિત્કાર સરી પડ્યો. મારી આસપાસ પાણીમાં સર્વત્ર મડદાં તરી રહ્યાં હતાં. હું પાછળ ફરીને નદીની બહાર નીકળી જવા માગતી હતી. કાલી ખાડીના આ કાળા પાણીથી જોજનો દૂર...

પરંતુ, હું એ માટે અસમર્થ હતી. ખાડીનું પાણી મને સજ્જડ રીતે જકડી રહ્યું હતું. હું જેટલું જોર પાણીની બહાર નીકળવા માટે લગાવી રહી હતી એનાથી બમણું જોર પેદા કરતી કોઈક અજ્ઞાત શક્તિ મને પાણીમાં ઊંડે ઊંડે સુધી ધકેલવા માટે કામે લાગી ગઈ હતી. કોઈક જાણે કે મારા માથા ઉપર ટનબંધ વજન મૂકીને મને પાણીની સપાટીની અંદર ધકેલી રહ્યું હતું. હું આખી ભીંજાઈ ચૂકી હતી. મારું મોં, ચહેરો, માથું – બધું જ ધીમે ધીમે ખાડીના તળિયા ભણી જઈ રહ્યું હતું. હું શીતળ પાણીમાં ગરકાવ થઈ રહી હતી. પરંતુ, મારી જીજીવિષા અનહદ હતી. કમોતે મારવાનું મને પસંદ નહોતું. મારા લક્ષ્ય સુધી પહોંચવા માટે આવતાં આવા ઝંઝાવાતો સામે પડકાર ઝીલવાનું મને જનૂન ચઢ્યું હતું. મારા વસ્ત્રો મારા શરીરેથી અળગાં થઈને પાણીના વહેણમાં તણાઈ ચૂક્યા હતા. હું ખુદને તદ્દન નિર્વસ્ત્ર મહેસૂસ કરી રહી હતી!

ડૂબેલી અવસ્થામાં કાળાશ ધરાવતા એ પાણીની સપાટીની નીચે તરફથી મેં આંખો ખોલી. ઘેરા પાણીના કુંડાળા વચ્ચેથી પણ મેં કિનારા તરફ નજર કરી તો...

મને તિમિર નજરે પડ્યો. મારા ભીંજાયેલા ગાલ ઉપર ખુશીના ઝાકળબિંદુઓ ખીલખીલાટ કરવા માંડ્યાં. પરંતુ એ ખુશી પણ મને ક્ષણભરનો સક્ષાત્કાર કરાવીને કાળા પાણીમાં ગૂંગળાઈ ગઈ. મેં જોયું તો તિમિર પેલી સામે પાર બેઠેલી સૌંદર્યવાન યુવતીની લગોલગ રેતીમાં જઈને બેસી ગયો હતો. યુવતીનો ચહેરો હજીયે મારાથી ઉંધી દિશામાં હતો. એની ફક્ત ઉઘાડી પીઠ હું જોઈ શકતી હતી. મેં કાળા પાણીની સપાટીની નીચેથી જોયું કે તિમિર પેલી યુવતીની પીઠ ઉપર પોતાનો હાથ પસવારી રહ્યો હતો. એની પાતળી કમરે દોરાયેલા પતંગિયાના ટેટૂને મારો તિમિર સહેલાવી રહ્યો હતો, મારો તિમિર... આ મારો જ તિમિર હતો! પછી એણે હળવે રહીને એ યુવતીનો કાળો ભરાવદાર ચોટલો એક તરફ કર્યો. અને પોતાના બંને હાથ એ યુવતીના ગળામાં ભરાવીને એની લીસી પીઠને ચૂમવા લાગ્યો. હું બરફ જેવા ઠંડા પાણીના ઊંડાણમાં પણ એક જલદ બળતરા અનુભવી રહી હતી.

નદીમાં ઉતરવા પહેલાં પીપળાના વૃક્ષના થડ સાથે લટકતી જોયેલી મારી એ સંખ્યાબંધ તસવીરો મને યાદ આવી ગઈ... એ દરેક તસવીરો મારી સાથે બની રહેલી ઘટનાનું જાણે કે પ્રતિબિંબ હતી! મને હવે ભાન થઈ રહ્યું હતું. તસવીરોમાં સંપૂર્ણપણે નિર્વસ્ત્ર હું... પાણીથી ભીંજાયેલી હું... નદીના તળિયે ડૂબેલી હું..! અને એ દરેક અવસ્થામાંથી હું પસાર થઈ રહી હતી!

હું મહામહેનતે કાળા ગંધાતા પાણીમાંથી બહાર આવી રહી હતી. ધીરે ધીરે કાલી ખાડી પાર થઈ ચૂકી હતી. ફૂલી ગયેલાં અને સડી ચૂકેલા શરીરવાળા તરતા મડદાંઓને પાણીનું ધસમસતું વહેણ દૂર દૂર ખેંચી ગયું હતું. હું ખાડી પાર કરીને સામા તટ ઉપર પહોચી ચૂકી હતી. મારા વસ્ત્રો ફરી મારા શરીર ઉપર આવી ચૂક્યા હતા. મેં ઝડપભેર એ તરફ મારા કદમ ઉપડ્યા જ્યાં પેલી ઉઘાડી પીઠવાળી યુવતી બેઠી હતી. મેં ત્વરાથી એક ઝટકા સાથે તિમિરને પેલી યુવતીથી અલગ કરી દીધો.

યુવતી રણકતા અવાજે બોલી, ‘તપસ્યા... એય તપસ્યા... તું આવી ગઈ?’ અને એણે એક નિસાસો નાખ્યો હોવાનું મેં અનુભવ્યું.

‘તું જાણે છે ને, તપસ્યા..?’ એ રહસ્યમય સ્વરે બોલી.

હું મૂંઝાઈ રહી હતી. અકળામણથી મારો ચહેરો વિકૃત થઈ રહ્યો હતો.

‘-તારા માતા-પિતા સહિત તમે ત્રણેય જણ એક અકસ્માતમાં...’ યુવતી જાણે કે મારો ભૂતકાળ ખોતરવા માંડી.

હું સ્તબ્ધતાથી ઘેરાઈ ગઈ. ‘અકસ્માત..?’ હું નખશિખ ધ્રૂજી ઊઠી. આગળ સાંભળવાની મારી હિંમત તૂટીને ચૂરેચૂરા થઈ રહી હતી. આમ છતાં, મારે એ જાણવું હતું, ભલે એ ડર પેદા કરનારું કેમ ન હોય! મારા કપાળે પરસેવો વળી રહ્યો હતો. ગળા ઉપરથી ઉતરતું પરસેવાનું એક ટીપું મારા રેશમી ગાઉનમાં ગોંધાયેલા ઉરોજો વચ્ચેથી સપાટ પેટ તરફ ઝડપથી સરકી ગયું. મેં કંપતા અવાજે પૂછ્યું, ‘માતા-પિતા સહિત.. .અકસ્માતમાં... શું..?’

‘ત્રણ વર્ષની વયે જ તારું તો મૃત્યુ થઈ ચૂક્યું હતું, તપસ્યા!’ ઉઘાડી પીઠવાળી એ યુવતી પોતાનો ચોટલો રમાડતા બોલી. અને મને એનો હસવાનો ધીમો રણકાર સંભળાયો.

હું થરથર કાંપી રહી હતી. મેં પેલું પીળું પડી ગયેલું પુરાણું પુસ્તક ઉથલાવ્યું. અમુક વાક્યો સ્પષ્ટ થયાં હતાં- ‘કાલી ખાડીના તટ ઉપર રાહ જોઈ રહેલી યુવતીની ‘પાછળ’ જે છે એ એની ‘આગળ’ નથી... પાછળથી ખૂબસૂરત અને સાવ ઉઘાડી પીઠ દેખાડતી સ્ત્રી, એ કોઈ સ્ત્રી નથી... એક ચૂડેલ છે!’

એટલામાં જ એ યુવતીએ એક કારમી ચીસ પાડી. પોતાનું ડોકું બસો સિત્તેર ડીગ્રીએ ઘુમાવ્યું. એનો બિહામણો ચહેરો મારી તરફ તકાયેલો હતો! એની ગોરી અને લીસી પીઠની સુંદરતાને મહાત કરતી ભયાનક કદરૂપતા એના ચહેરા ઉપર રાજ કરી રહી હતી...

*****

(ક્રમશઃ) દર મંગળવારે...

(અઘોર આત્મા : ભાગ-૧૦ વાંચવાનું ચૂકશો નહિ.)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------