Vikki virudhdh Vikram in Gujarati Drama by Niyati Kapadia books and stories PDF | વિક્કી વિરુધ્ધ વિક્રમ

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

વિક્કી વિરુધ્ધ વિક્રમ

                        વિક્રમ/ વિક્કી
_______________________________________

વિક્કી,  માબાપનું એકનું એક લાડકું સંતાન. ખૂબ હોંશિયાર અને ચબરાક એવો વિક્કી આધુનિકતાના રંગે પૂરે પૂરો રંગાયેલો છે. મોબાઈલ, લેપટોપ, ટીવી વગેરે જેવા ઉપકરણો વગર એને સહેજેય ચાલે એમ નથી. હવે વાત એમ બની કે એના માબાપને અચાનક ધંધાના કામે વિદેશ જવાની જરૂરિયાત ઊભી થયેલી અને વિક્કીને એ લોકો સાથે લઈ જઈ શકે એમ નહતા. એ જગ્યાનું વાતાવરણ વિક્કીને માફક નહતું આવતું એટલે વિકકીના માબાપ, ચેતનભાઈ પટેલ અને નંદિનીબેન પટેલે નક્કી કર્યું કે વિક્કીને દસ દિવસ એના દાદા પાસે ગામડે મૂકી આવવો. આમેય એની સ્કૂલમાં હાલ રજાઓ જ હતી એટલે એને વાંધો આવે એમ નહતું....
 
બાર વરસનો દેખાવે વહાલો લાગે એવો વિક્કી, જિન્સનું હાફ પેન્ટ અને ટીશર્ટ પહેરીને એના ઘરના દીવાન ખંડના સોફા પર પથરાઈને બેઠો છે, એના હાથમાં મોબાઈલ ફોન છે અને કાનમાં ઈયર પ્લગ ભરાવી એ કોઈ ગીત સાંભળવામાં તલ્લીન થઈ જરા જરા નાચી રહ્યો છે ત્યાં જ એને એની મમ્મી હલાવીને કહે છે, "અરે વિક્કી હું ક્યારનીય તને કંઈક કહી રહી છું અને તું સાંભળે છે કે નહીં?"
વિક્કીએ એના કાનમાથી ઈયર ફોન નિકાળી કહ્યું, "શું છે મોમી? ડિસ્ટર્બ નઈ કર યાર. તને ખબર છે જસ્ટિન બિબરનું લેટેસ્ટ સોંગ ચાલી રહ્યું છે." વિક્કીએ પાછું ઈયર પ્લગ કાનમાં ભરાવી ઊભા થઈ નાચવાનું ચાલુ કર્યું.
"જો બેટા હું અને તારા પપ્પા દસ દિવસ માટે યુરોપ જઈએ ત્યારે તને તારા દાદા પાસે મૂકીને જવાનો અમારો વિચાર છે. તને ફાવશે ને? કોઈ સંબંધી કે મિત્રના ઘરે દસ દિવસ તને એકલો મૂકવા કરતાં તારા દાદા પાસે રખવાનું જ વધારે સારું છે. તારું શું કહેવું છે?" નંદીનીબેને એમના પુત્રને કહ્યું હતું પણ એનું એમની વાતોમાં ધ્યાન જ ક્યાં હતું! એતો એના ગીતમાં જ મસ્ત બની ડોલ્યા કરતો હતો. એણે પોતાની મસ્તીમાં જ જુમતા જુમતા હકારમાં ડોકું ઘુણાવેલું અને નંદિનીબેન એને "હા" સમજીને ચાલ્યા ગયેલા.
એ સાંજે જમતી વખતે ડિનર ટેબલ પર ચેતનભાઈ વિક્કીને પૂછેલું, "તારી મમ્મી કહે છે તે ગામડે જવાની "હા" કહી! મને તો એમ હતું કે તું ત્યાં જવાની "ના" કહી દઇશ અને મારે તને સમજાવીને તૈયાર કરવો પડશે."
"વિક્કી તારા પપ્પા તને કંઈ કહી રહ્યા છે એમાં ધ્યાન છે તારું?" નંદીનીબેને ટકોર કરી.
ચમચી મોઢામાં મૂકવાને બદલે ખુલ્લા મોઢા આગળ ધરી રાખીને ફિલ્મ જોવામાં મશગુલ વિક્કીએ છેવટે ચમચી મોઢામાં મૂકીને કહ્યું, "હા, હવે બધુ ધ્યાન છે."
"તો તું રહી લઈશને દસ દિવસ," ચેતનભાઈ આગળ બોલે એ પહેલા જ વિક્કીએ કહ્યું,
"હા હવે બધુ રહી લઇશ! એ પપ્પા તમે મને નાનું ટેણિયું સમજો છો હજી. દસ દિવસ તમારા વગર રહેવામાં મને કોઈ પરેશાની નહીં થાય અને સાચું કહું તો તમે લોકો મારી ચિંતા છોડી તમારા પેકિંગ ઉપર ધ્યાન આપો."
જે દિવસે એ લોકોને જવાનું હતું ત્યારે વિક્કીના દાદા ત્યાં આવી ગયેલા એમના દીકરા અને વહુને એરપોર્ટ સુંધી છોડીને એ જ  ગાડીમાં પાછા ફરતી વખતે એ ઊંઘતા વિક્કીને લઈને એમના ગામ જવા નીકળી ગયેલા. સવારે વિક્કી ઉઠ્યો ત્યારે પોતાને કોઈ અજાણી જગ્યાએ જોઈને એને નવાઈ લાગેલી.
“હું ક્યાં છું?”ના જવાબમાં વિક્કીને એક એના જેવડી જ એક છોકરીએ જણાવ્યુ કે એ ગોપાલબાપા સાથે એના ગામડાના ઘરે આવી ગયો છે!
“વૉટ? ગામડામાં હું કેવી રીતે આવી ગયો? દાદાજી મને કીડનેપ કરીને લઈ આવ્યા? તમને લોકોને ખબર છે કે નહીં, આમ કોઈને જબરજસ્તી પકડીને લઈ જવું ગુનો છે! હું નથી રહેવાનો અહિયાં, હું એકલો પાછો જતો રહીશ.” ગુસ્સામાં બબડતો વિક્કી જેવો એના રૂમની બહાર નીકળે છે કે ત્યાં એના દાદાને ઘેરીને ઉભેલા માણસોનું ટોળું જોવે છે. બધા એમના દાદાને બાપા કહીને એમને પગે લાગી રહ્યા હતા અને એના દાદા એ બધાને ખભો થાબડી આશીર્વાદ આપી રહ્યા હતા. વિક્કી તરફ નજર જતાં જ ગોપાલબાપાએ હસીને કહ્યું, “ઉઠી ગયો દીકરા. કાલની આખી રાત ગાડીમાં સરખું સુવા નહીં મળ્યું હોય. રમા દીકરી ભાઈ માટે દૂધ અને રોટલો લઈ આવજે,” ગોપાલબાપા બોલતા બોલતા વિક્કીની નજીક આવી ગયા અને એનો હાથ પકડીને એને બાથરૂમ સુંધી દોરી ગયા, “અહિયાં તું નાહી ને પરવારી જા પછી આપણે સાથે ગામમાં ફરવા જઈએ!”
“પણ નાહીને હું શું પહેરીશ? તમે મને પૂછ્યા વગર અહિયાં કેમ લઈ આવ્યા?” આખરે વિક્કી એની અકળામણ ઠાલવી.
“તારી બેગ સાથે લાવ્યા છીએ ને. તારી મમ્મીએ તો પેક કરીને લીધેલી સાથે.” ગોપાલબાપાએ પણ નવાંઇથી કહ્યું.
વિક્કીને હવે થોડું થોડું યાદ આવી રહ્યું હતું. પોતે જસ્ટિન બીબરના ગીતમાં ખોવાઈને મમ્મી પપ્પાની વાત પૂરી સાંભળી જ નહતી અને પરિણામે એને દાદા સાથે રહેવાનુ એટલે દાદા એના ઘરે આવીને રહેશે એમ નહી પણ એને દાદા સાથે અહી આવીને રહેવું પડશે એ વાતની ચોખવટ કરવાનું રહી ગયેલું...
નાહીને આવેલા વિક્કી માટે દૂધ તૈયાર હતું સાથે ઘી ચોપડેલો બાજરીનો રોટલો. “આ શું એક વાડકો ભરીને દૂધ! એ પણ રોટલા સાથે!” વિક્કી હસી પડ્યો, “હું કોર્ન ફ્લેક્સ સાથે દૂધ લઉં છું એ પણ આલ્મોંડ અને હની ફ્લેવરમાં.”
“શું કહ્યું?” રમાએ નવાઈ પામીને પુછ્યું.
“અલ્મોંડ એટલે બદામ અને હની એટલે મધ, બંને આપણાં ઘરે છે તને એવું ભાવતું હોય તો એ બંને દૂધમાં મેળવી આપું.” ગોપાલબાપા શાંતિથી બોલ્યા.
“તમે લોકો કેવી વાતો કરો છો? હશે, મારો ફોન ક્યાં છે?” ગોપાલે એની બેગના ખાના તપાસતા પુછ્યું.
“એ અહી નથી લાવ્યા.”
“નથી લાવ્યા! કેમ નથી લાવ્યા? મારા ફોન વગર હું મારા મિત્રોનો કોંટેક્ટ કેવી રીતે કરીશ?ફેસબુક કેવી રીતે જોઇન કરીશ?” વિકકીના ચહેરા પર દુખ ડોકાઈ આવ્યું.
“આ ગામમાં હજી મોબાઈલ નેટવર્ક નથી આવતું. હા તું તારા મમ્મી પપ્પા સાથે વાત કરવા પેલા ખૂણામાં પડેલા ફોનનો ઉપયોગ કરી શકે છે.” ગોપાલબાપાએ ખુરસી નજીક પડેલા ટીપોય પરના મોટા ફોનના ડબલા તરફ આંગળી ચીંધી.
“ઓએમજી! મોબાઈલ નહી એટલે ઇન્ટરનેટ નહી અને ટીવીનું શું? એ છે કે નહીં?”
“ટીવી તો છે ને. હું જોવું છું રોજ,” રમાએ કહ્યું અને જટ જઈને ટીવી ચાલું કર્યું. એની ઉપર ગુજરાતીમાં કોઈ ગરબાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.
“મને હતું જ અહિયાં દૂરદર્શન જ નજીકથી જોવા મળવાનું. ઓહ ગોડ મને આ ક્યાં ફસાવી દીધો? દસ દિવસ અહિયાં કેમ કરીને જશે.” વિક્કી એના વાળ ખેંચતા કહ્યું.
“બેટા વિક્રમ તું હજી પહેલીવાર ગામ આવ્યો છે એટલે તને બધુ નવું નવું લાગે છે. મોબાઈલ, ટીવી એ બધું તો હમણાં આવ્યું દુનિયા એ પહેલા પણ ચાલતી હતી અને એના પછી પણ ચાલતી જ રહેવાની એ બધી વસ્તુનો  ખપ પૂરતો જ ઉપયોગ કરાય એના બંધાણી ના થવાય.” ગોપાલબાપાએ ગંભીર થઈને કહ્યું.
“મારૂ નામ વિક્કી છે!” વિક્કી પોતાને વિક્રમ કહીને બોલાવતા વિરોધ નોધાવ્યો.
“વિક્કી..? એટલે વળી શું? તારું નામ મેં મહાન રાજા વિક્રમ ઉપરથી રાખેલું એનું ટૂંકમાં વિક્કી કરીને એ સુંદર નામને તમે લોકોએ હાસ્યાસ્પદ બનાવી દીધું છે.”
“હાસ્યાસ્પદ તો વિક્રમ લાગે છે, વિક્કી નહીં! રાજા વિક્રમાદિત્ય! કોણ હતો એ? એની સાથે વેતાળ નામનું એક ભૂત રહેતું, ખોટી વાતો બધી.” વિક્કી તુચ્છકાર પૂર્વક કહ્યું.
“એ વાતો ખોટી નથી. એ વાર્તાઓમાં એ સમયના માનવીઓની વાત છે, જે આજે પણ એટલી જ સાચી છે. એ વખતની પરિસ્થિતી આજના કરતાં જુદી હશે પણ સચ્ચાઈ અને એનું મૂલ્ય હજી એનું એ જ છે. વિક્કીનો ખિતાબ પહેરી તું એક છેલબટાઉ છોકરો બનીને ફરે છે, કોઈક વખત વિક્રમ બનીને જોઈ જો તને તારામાં પણ એ રાજાના જેટલી જ શક્તિ અને બુધ્ધિનો અનુભવ થશે, તું જ વિક્રમ છે, રાજા વિક્રમાદિત્ય!”
દાદાની વાતો સાંભળી વિચારે ચઢેલો વિક્કી હવે નવરો ધૂપ હતો. એની પાસે કોઈ મનોરંજનનું સાધન ન હતું. સમય પસાર કરવા એ ગામડાના ઘરમાં બધુ જોઈ રહ્યો હતો ત્યાં જ એને એક કબાટમાં કેટલાક જૂના પુસ્તકો દેખાયા. એના ઉપરનું નામ વાંચતાં જ એ હસી પડ્યો, વિક્રમ વેતાળ, સિંહાસન બત્રીશી, રાજા ભોજ અને બત્રીશ પૂતળીઓ...! એને થયું કે આ બધુ વાંચી વાંચીને જ દાદાનું મગજ ફરી ગયું છે. છે શું આ વાર્તાઓમાં? લાવને એક નજર નાખી જોવું, એમ વિચારી એણે એક પુસ્તક હાથમાં લીધું અને ઘરના આંગણામાં આવેલા લીંબડા નીચે ખાટલામાં પડ્યા પડ્યા વાંચવાનું ચાલુ કર્યું. એને વાર્તામાં રસ પડ્યો અને ગંભીર થઈ એક પછી એક વાર્તા વાંચતો ગયો. જેમાં ખબર ના પડી કે મુંજાયો ત્યાં એના દાદાએ એની મદદ કરી અને સમજાવ્યો.... આમ ને આમ દસ દિવસ વીતી ગયા. મોબાઈલ વગર, ટીવી વગર ફક્ત રાજા વિક્રમ અને એના જેવી બીજી વાર્તાઓ વાંચીને!
થોડા દિવસ બાદ ચેતનભાઈ અને નંદિનીબેન વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. વિક્કી ત્યાં બેઠો સાંભળી રહ્યો હતો,
ચેતનભાઈ : “આખો પ્રોજેકટ મેં રેડી કર્યો. વિદેશમાં જઈને એક દિવસ પણ શાંતિથી બેસ્યો નહતો. અમારી કંપનીની હોટેલ પણ એ લોકોના જેવી જ ભવ્ય અને આલીશાન બનાવવા શું શું કરી શકાય એ જ હું શોધતો રહેલો અને શોધ્યું પણ ખરું. બધુ આ ફાઇલમાં લખ્યું, સરસ રિપોર્ટ તૈયાર કર્યો અને હવે પેલો જાડીયો અવિનાશ આવીને મારી પાસેથી આ ફાઇલની પ્રિન્ટ આઉટ લઈ જઈ બોસને હાથમાં આપશે. બોસ બધા આઇડિયા જોઈને ખૂબ ખુશ થશે અને પછી અવિનાશને પ્રમોશન આપશે. તરત જ પાછા પૂછશે પણ ખરા કે ચિંતન પટેલ તમે ત્યાં જઈને શું કર્યું? એટલે અવિનાશ તરત જવાબ આપશે, ‘સર એતો વાઈફ સાથે આવેલો, સમજી જાઓને...કંપનીના ખર્ચે હનીમૂન મનાવ્યું!’ બધા ખડખડાટ હસી પડશે અને હું એક ખૂણામાં મોઢું છુપાવતો ફરતો હોઈશ.
નંદિનીબેન : દરેક વખતે આવું જ થાય છે. મહેનત આપણે કરીએ અને ફળ અવિનાશ લઈ જાય છે.
ચેતનભાઈ : હોય હવે, એ બોસ છે. બધે આવું જ થતું હોય છે અને આવું જ થવાનું.
આ બધો વાર્તાલાપ વિક્કીએ એક વાર્તાની જેમ સાંભળ્યો. બધુ બરોબર હતું પણ અંત યોગ્ય ન હતો. રાજા વિક્રમની આ વાર્તા હોત તો એનો આવો અંત ના હોત! એ વિચારી રહ્યો...વિચારતા વિચારતા જ એને લાગ્યું જાણે એ રાજા વિક્રમ છે અને એની સામે કોઈ ફરિયાદ લઈને આવ્યું છે! આ અન્યાયનો સામનો પોતે કેવી રીતે કરશે? વિચાર... વિક્કી વિચાર, તું પણ વિક્રમ છે, તું પણ એની જેમ દરેક સમસ્યાનો ઉકેલ શોધી શકે છે...અને એને એક ઉકેલ મળી આવ્યો. એણે એના પપ્પાનું લેપટોપ લીધું અને એ ફાઇલમાં એક નાનનકડો સુધારો કર્યો.
બીજે દિવસે સાંજે એના મમ્મી પપ્પા ઘરે આવ્યા ત્યારે ખુશ હતા. એમના બોસે એમના કામના વખાણ કરી પ્રમોશન આપેલું અને અવિનાશની બદલી બીજી બ્રાંચમાં કરી નાખેલી.
ચેતનભાઈ : આજે તો કમાલ થઈ ગયો. ઓફિસમાં બધુ એમ જ થયું જેવુ મેં વિચારેલું. અવિનાશને પ્રમોશન મળ્યું અને હું મોઢું છુપાવવા જગ્યા શોધી રહ્યો હતો ત્યારે જ અચાનક બોસે કહ્યું, “આ આખી ફાઇલમાં દરેક પાને નીચે પેજ નંબરની સાથે ચેતન પટેલ ટાઈપ કરેલું છે, મતલબ સાફ છે આ પ્રોજેકટ ચેતન પટેલે બનાવ્યો છે અને અવિનાશે એ ખોલીને એકવાર વાંચ્યો પણ નથી...!”
વિક્કી આ સાંભળીને અત્યંત ખુશ થઈ ગયો. એ પણ રાજા વિક્રમ જેવા સારા કામ કરી શકે છે એ વાત પર એને વિશ્વાસ થઈ ગયો. થોડા દિવસો બાદ એમની સ્કૂલનું વેકેશન પૂરું થઈ ગયું અને બધા નવા વર્ગમાં, નવા શિક્ષક પાસે આવ્યા. નવા ક્લાસ ટીચર થોડા કડક હતા. વિક્કી અને એના કેટલાક તોફાની દોસ્તોએ ભેગા મળીને એમના ટીચરને હેરાન કરવા એક રસ્તો વિચાર્યો.
રવિ : અરે યાર આ ટીચર આપણને બહુ લડે છે એક વાર તો એમને સબક શીખવવો જ પડશે.
અશોક : અરે યાર તે તો મારા મનની વાત કહી. ઓયે વિકકીડા અને મનન તમારું શું કહેવું છે?
મનન : તમે લોકો જે કરો એ આપણે સાથે જ છીએ.
અશોક : સાબાશ મેરે શેર. વિકકીડા તું કેમ બોલતો નથી.
વિક્કી : તમારો પ્લાન શું છે?
રવિ : પ્લાન મેં વિચારી લીધો છે. આપણે ઘરેથી દિવાળીના બચેલા ફટાકડા સ્કૂલમાં લાવીશું અને એને એક પડિકામાં ભેગા કરીને એ પડીકું ટીચરના ટેબલના ખાનામાં છુપાવી દઈશું. એ પડિકા સાથે એક દોરી બાંધેલી હશે એને સગાવી દઈએ એટલે ધીરે ધીરે એ દોરી બળતી બળતી આગળ જશે અને પછી...
“ધડામ...” બધા એકસાથે બોલી ઉઠ્યા.
એ દિવસે વિક્કી ઘરે ગયો ત્યારે ફરીથી એનું મગજ એને કહી રહ્યું. તું જ વિક્રમ છે. વિચાર...વિક્રમ વિચાર.. કર જે તારા મિત્રો કરી રહ્યા છે એ બરોબર છે? પેલી વાર્તા યાદ છે ને, ત્રણ હોંશિયાર મિત્રો એમની વિધ્યા અજમાવવા એક મરેલા વાઘને જીવતો કરે છે...પછી શું થાય છે? વાઘ એ મિત્રોને જ ખાઈ જાય છે!
બીજે દિવસે સ્કૂલમાં જઈને વિક્કી એના દોસ્તોને એમનો પ્લાન પૂરો ના કરવા સમજાવ્યા. એ લોકો ઘરેથી પૂરી તૈયારી સાથે આવ્યા હતા અને એમાથી કોઈ પાછળ હટવા તૈયાર ના થયું. એ લોકોએ એક મોટું પડીકું ભરીને ફટાકડામાનો ગંધરપ ભેગો કરેલો અને એને સિફતથી ટેબલના ખાનામાં છુપાવી એમાથી એક દોરી બહાર લટકતી રાખેલી. જ્યારે ટીચર બોર્ડ ઉપર લખવા માટે ઉંધા ફર્યા ત્યારે અશોકે ધીમેથી ઊભા થઈને એ દોરીને લાઇટરથી સળગાવી હતી. દોરી સળગતી સળગતી આગળ વધેલી અને છેક ટેબલ સુંધી પહોંચી ગયેલી. હમણાં ધડાકો થશે અને ટેબલના ફુરચા ઊડી જશે એમ વિચારી બધા ખુશ થઈ રહ્યા હતા. એકલા વિક્કીને જ થતું હતું આ બરોબર નથી જ. ટીચરને વાગી જાય એવું તોફાન ના જ કરાય, પહેલી બેન્ચ ઉપર બેઠેલા છોકરાઓને પણ અસર થઈ શકે અને એ ઉભો થઈ ચિલ્લાયો,
“દૂર હટી જાઓ મેમ, ધડાકો થવાનો છે!” આખો ક્લાસ સ્તબ્ધ થઈને એની સામે જોઈ રહ્યો હતો. એણે ફરી બૂમ પાડી, “ટેબલની અંદર બોમ છે...” અને તરત બધા ટેબલથી દૂર ખસી ગયા. એક મિનિટ બધાએ બીતા બીતા પસાર કરી, કંઈ ના થયું!
રવિ : મેમ આ વિકકીડો ખોટું બોલે છે ક્યાં છે બોંબ બતાવતો.
રવિ સાથે અશોક અને મનન પણ ટેબલની પાસે ગયા. વિક્કી બૂમો પાડતો રહ્યો ખોટી બહાદુરી ના બતાવવા, એમની ટીચર પણ બધાને ટેબલથી દૂર જવા કહી રહી હતી અને એ જ સમયે અશોકે ટેબલનું ખાનું ખોલેલું, ધડામ.... હવા ના મળવાથી જે મિશ્રણ સળગી નહતું રહ્યું એ ખાનું ખોલતાજ ધડાકા સાથે સળગી ગયેલું. અશોક અને રવિ થોડા ઘાયલ થયેલા પણ વિક્કીની સૂજ બૂજ અને છેલ્લી ઘડીએ એણે દાખવેલી હિંમતથી જ આજે મોટી હાનિ થતી રોકી શકાઈ હતી.
વિક્કીને થયું કે ફક્ત દસ દિવસ જ થોડાક સારા પુસ્તકો વાંચવાથી પોતે આટલો બદલાઈ ગયો તો રોજ રોજ સારું વાંચન કરવાથી એ એક દિવસ એ આ દેશનો પ્રધાનમંત્રીએ બની કે એનાથી આગળ બીજું કંઇક કરીને આખો દેશ ચલાવી શકશે...!
નિયતી કાપડિયા.