તમને ઈશ્વરનો ભય લાગે ખરો...
ખરેખર માણસજાતને જોઈએ તો ખ્યાલ આવશે કે લોકો ઈશ્વર પાસે ભિક્ષુકની જેમ જ ઊભા હોય છે. કેટલાક મંદિરોની બહાર તો કેટલાક મંદિરોની અંદર. બહાર બેસનારમાં તો એટલી હિંમત છે કે, તે ખુલ્લેઆમ ભીખ માંગે છે. મંદિરની અંદર ઊભા રહેનાર તો ધીમેથી, કોઈને સંભળાય નહીં એમ મનોમન ઈશ્વરને લાંચ આપવાની શરતે ભીખ માંગતો હોય છે. (પેટા)
ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.
સૌમ્ય જોશીની આ પંક્તિ માણસ અને ઈશ્વરના સંબંધને સુપેરે રજૂ કરે છે. માણસ જ્યારે મુશ્કેલીમાં હોય, તકલીફ હોય, દુઃખ હોય ત્યારે ઈશ્વરને શોધે અને તે ઓછું કરવા નીતનવા ગતકડાં કરતો હોય છે. તેનું કારણ છે કે, માણસને ઈશ્વરમાં શ્રદ્ધા કરતા તેનો ભય વધારે લાગે છે. તાજેતરમાં જ બાબા રામરહિમને એક હત્યા કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી. બળાત્કાર કેસમાં જેલમાં પુરાયેલા ધર્મગુરુને હવે હત્યાકેસમાં આજીવન કેદની સજા થઈ. ઘણા લોકોના ભગવાન, ઈશ્વર અને ધર્મની ધજાના રક્ષક થઈને ફરતા આવા ઘણા બાબાઓ, સાધુઓ, ધુતારાઓ આજે જેલમાં છે. આવા પાખંડીઓ ઉપર જ્યારે કાયદાના કોરડા વિંઝાય છે ત્યારે તેમના ચમત્કાર, તેમનું આધ્યાત્મ, ઈશ્વર સાથેનું કનેક્શન ક્યાં જાય છે એ ખબર નથી પડતી. ખેર આ વાતો તો ધુતારાઓની છે, પણ આજે વાત કરવી છે લોભીયાઓ અને ડરપોક લોકોની.
ઈશ્વર સાથે સીધો સંબંધ બાંધવાને બદલે આપણે તેના માટે પણ એજન્ટો શોધીએ છીએ. લાઈસન્સ કઢાવવાનું હોય, કોર્પોરેશનમાંથી કામ કઢાવવાનું હોય, સરકારી ફાઈલ આગળ વધારવાની હોય અને તેના માટે દલાલો અને લાંચીયાઓ શોધીએ તેમ આપણે ઈશ્વર સુધી પહોંચવા માટે લાંચીયા શોધતા થઈ ગયા છીએ. આપણને જ્યારે મુશ્કેલી પડે ત્યારે ઈશ્વરને શોધવા નીકળીએ છીએ. ધર્મનું જ્ઞાન મેળવવા માટે ગુરુની જરૂર પડે પણ ઈશ્વર સાથે સંબંધ જોડવા ગુરુની જરૂર ન જ પડે. તેમ છતાં આપણે ઈશ્વર સાથે જોડાવા સ્પિરિચ્યુઅલ એજન્ટોનો સંપર્ક સાધીએ છીએ. આવા સ્પિરિચ્યુઅલ એજન્ટો સમયજતાં જેલની પાછળ જોવા મળે છે કે પછી આપણને લૂંટીને વિદેશ જતા રહે છે.
આપણા માટે ઈશ્વર માતા-પિતા, દોસ્ત, મિત્ર કે દૈવિ શક્તિ કરતાં પ્રોડક્ટ જેવો વધારે બની ગયો છે. આપણે ઈશ્વરમાં શ્રદ્ધા કે આસ્થા રાખવાને બદલે તેના પારખાં કરીએ છીએ. આપણે બાધાઓ રાખીએ છીએ કે, મને સારી નોકરી નહીં મળે ત્યાં સુધી ટોપરું નહીં ખાઉં, મારો બિઝનેસ સેટ નહીં થાય ત્યાં સુધી ભાત નહીં ખાઉં, ચંપલ નહીં પહેરું, વગેરે વગેરે.. જો કામ થાય તો ઠીક નહીંતર આપણે ઈશ્વર બદલીએ છીએ. પહેલાં ગણેશજી કે કૃષ્ણ કે મહાદેવમાં માનતા હતા અને કામ ન થયું એટલે હવે અંબાજી, બહુચરાજી કે મહાકાળીને માનવાનું શરૂ કરી દીધું. તેનું કારણ એટલું જ છે કે બધા પોતપોતાની રીતે ઈશ્વરને જોતાં અને મૂલવતાં થઈ ગયા છે. નરસૈયો કહેતો કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરી અને સાઈબાબા પણ સબકા માલિક એક કહેતા હતા. તેવી જ રીતે શિખ ધર્મમાં પણ એક ઓમ્ કારની વાત કરવામાં આવી છે. બીજી તરફ ઈસ્લામમાં ખુદાનો ચહેરો પણ નથી અને દેહ પણ નથી. બૌદ્ધ અને જૈન ધર્મો શાંતિ અને પ્રેમને ઈશ્વર અને સદગતીનો માર્ગ માને છે. આ તમામ ધર્મો, સંપ્રદાયોનો એક જ સિદ્ધાંત છે કે, આ પૃથ્વી પરનું સરકસ ચલાવતી એક દૈવી શક્તિ છે જેને આપણે જુદા જુદા નામે ઓળખીએ છીએ. તેનામાં શ્રદ્ધા રાખો અને પોતાનામાં વિશ્વાસ રાખો એટલે બધા કામ પૂરા થાય જ.
ઈશ્વર ભલે ગમે તે નામે, દેહે, અદેહે કે કોઈપણ સ્વરૂપે પૂજાતો પણ એક વાત નક્કી છે કે, તેને માનનારા અને નહીં માનનારા બે સ્વરૂપે હોય છે જે તેના અસ્તિત્વને તો સ્વીકારે જ છે. આપણે ત્યાં ઈશ્વરએ પિતાંબર પહેરેલો, હાથમાં ધનુષ, ગદા, ચક્ર ધારણે કરેલો, પુર્ણપુરષોત્તમ કે પછી મહિસાસુરનો વધ કરનાર વાઘની સવારી કરનાર જગદંબા સમાન છે. તેને પુરુષ કે જાતી સાથે પણ લેવાદેવા નથી. બસ વ્યક્તિની આસ્થા તેની સાથે જોડાયેલી છે. આપણે તેને મંત્રોચ્ચાર, આરતી, હોમ હવન વગેરે કરીને રિઝવવાનો પ્રયાસ કરીએ છીએ અથવા તો કામ પતે કમિશન આપવા જેવી બાધાઓ રાખીએ છીએ. બધું ખરેખર પાર પડે તો આપણે ઈશ્વરને કરેલો વાયદો પૂરો કરીએ છીએ. ક્યારેક વાયદો રહી જાય અને કંઈક ખોટું થાય તો ઈશ્વરે પરચો આપ્યો કે પછી બાધા પૂરી નથી કરી તેથી આમ થયું તેમ માનીને ડરી પણ જઈએ છીએ.
આ ડર આપણને ઈશ્વર સાથે સીધું જોડાણ કરવા દેતો નથી અને ધર્મના નામે ફરતા ધુતારા એજન્ટોનો ધંધો સરસ ચાલે છે. તમારે શનિની દશા ચાલે છે, ગુરુ વક્રી છે, મંગળનો દોષ છે, રાહુની ચાલ આડી છે વગેરે ગ્રહદોષ ગણાવીને તમારી પાસે વિધી કરાવશે, મંત્રી કરાવશે, તાવીજ પહેરાવશે, ઘરમાં વાસ્તુદોષ છે કહીને જાતભાતની વસ્તુઓ મુકાવશે. આવા લોકો એમ નહીં કહે કે યાર ભગવાન પાસે જા અને બે હાથ જોડીને એમ કહે કે હું સાહસ કરું છું તું મદદ કરજે. આપણે ઈશ્વર સાથે મિત્રતા, દોસ્તી, પ્રેમનો સંબંધ કેળવતા જ નથી. આપણને ઈશ્વરનો ભય લાગે છે. ભયથી જ પ્રિતિ ઊભી કરી છે.
આપણે પાપ અને પુણ્યના આધારે જીવીએ છીએ અને જીવનને મુલવીએ છીએ. ભુતકાળના પાપ ધોવાનો અને ભવિષ્ય સારુ રહે તે માટે પુણ્ય કરવાનો સતત પ્રયાસ કરતા રહીએ છીએ. આપણામાં શ્રદ્ધા કરતાં ઈશ્વરનો ભય વધારે હોય છે. ઈશ્વરથી ડરવું પડે તેવા કામ આપણે કરવાં જ શા માટે પડે. ઈશ્વરથી ડરવાનું જ હોય તો તેમાં આસ્તિકતા કે આસ્થા નથી માત્ર ગણતરીઓ છે. પોતાના કામ કઢાવવાની અને સ્વર્ગમાં સ્થાન મેળવવાની. પરોપરકારમાં પણ ક્યાંક લાલચ છે કે હું ગરીબોને દાન કરું છું તેથી મારું નામ સ્વર્ગમાં વેઇટિંગ લિસ્ટમાં તો આવી જ ગયું હશે. આગામી દસ વર્ષ દાન કરીશ તો કદાચ ટિકિટ ક્નફર્મ થઈ જશે. આ આપણો ધર્મ અને આ આપણી સદગતી.
ખરેખર માણસજાતને જોઈએ તો ખ્યાલ આવશે કે લોકો ઈશ્વર પાસે ભિક્ષુકની જેમ જ ઊભા હોય છે. કેટલાક મંદિરોની બહાર તો કેટલાક મંદિરોની અંદર. બહાર બેસનારમાં તો એટલી હિંમત છે કે, તે ખુલ્લેઆમ ભીખ માંગે છે. મંદિરની અંદર ઊભા રહેનાર તો ધીમેથી, કોઈને સંભળાય નહીં એમ મનોમન ઈશ્વરને લાંચ આપવાની શરતે ભીખ માંગતો હોય છે. મારે બિઝનેસ સેટ થઈ જશે તો તારા વાઘા કરાવીશ, મારી દીકરીનું ગોઠવાઈ જશે તો 1001 મૂકી જઈશ. તને સુખડી ધરાવીશ, લાડુ ધરાવીશ, દસ ગરીબોને જમાડી દઈશ. આવા અનેક પ્રલોભનો સાથે આપણે ઈશ્વર સાથે સોદા કરીએ છીએ. કામ થાય તો લાંચ આપી જવાની અને ન થાય તો જુની કોઈ લાંચ બાકી હશે તેનો ભય રાખવાનો.
ક્યારેય એમ થયું છે કે ચાલો આજે કંઈ કામ નથી, અમસ્તા જ લટાર મારવા નીકળ્યા છીએ તો કૃષ્ણને મળતા આવીએ, ગણેશજીને જોતા આવીએ, મહાદેવને મળતા આવીએ કે પછી માતાજીના ખરબ અંતર લઈએ કે જિસસ મજામાં છે કે નહીં તે પૂછતા આવીએ. આપણે ઈશ્વર, અલ્લાહ, ગોડ કે જે નામે એને પૂજતા હોઈએ તેને ક્યારેય એમનેમ મળવા જઈએ છીએ. ક્યારેય ભગવાનને કહ્યું કે યાર થેન્ક્યુ હો, આજે તે મને સવારે સમયસર જગાડ્યો, મારા હાથ-પગ અને હૈયુ બરાબર કામ કરે છે. દોસ્ત મારા શ્વાસ સરસ ચાલે છે, મને હજી કોઈ રોગ થયો નથી. તે મને મોટા નુકસાનમાંથી બચાવી લીધો. ઈશ્વર મારે કંઈ જોઈતું નથી પણ તે આપ્યું છે તેનો આભાર માનવા આજે આવ્યો છું. જે દિવસે મનમાં આવો ભાવ આવશે તે દિવસે ઈશ્વર પ્રત્યેનો ભય સદંતર નાશ પામશે.
ખરેખર આપણે ઈશ્વર સાથે આવો જ સંબંધ રાખવાનો છે. મનમાં ક્યાંય ભય નહીં માત્ર સ્નેહ અને પ્રેમ રાખવાના છે. તે આપણને શું આપશે કે ક્યારે આપશે તેના કરતા તે આપણે પડખે છે તે બહુ છે. ઈશ્વર તારે આપવી હોય તો હિંમત આપજે, મારામાં વિશ્વાસ કેળવવાની શક્તિ આપજે. ઈશ્વરને મિત્ર માનીને જીવનારા લોકો માટે અર્જુન શ્રેષ્ઠ ઉદાહરણ છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે યુદ્ધ થવાનું નક્કી થઈ જાય છે ત્યારે કૃષ્ણ કોના પક્ષે યુદ્ધ લડશે તે જાણવાનું હતું. ભીષ્મ પર્વમાં તેનું સરસ વર્ણન છે. એક દિવસ કૃષ્ણને મળવા માટે દુર્યોધન અને અર્જુન જઈ ચડે છે. કૃષ્ણ આરામ કરતા હોય છે. અર્જુન જઈને કૃષ્ણના પગ પાસે બેસે છે. દુર્યોધન માથા પાસે જઈને બેસે છે. કૃષ્ણની આંખ ખુલે છે ત્યારે તેમની નજર અર્જુન ઉપર પડે છે. કૃષ્ણ કહે છે કે, હું શસ્ત્ર ઉપાડવાનો નથી, યુદ્ધ કરવાનો નથી. એક તરફ મારી સેના છે અને બીજી તરફ હું છું. અર્જુન કહે છે મારે તો કૃષ્ણ જોઈએ. કૃષ્ણ કારણ પૂછે છે અને અર્જુન કહે છે, यतो धर्मस्ततो कृष्ण: यत: कृष्णस्ततो जय:।
જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે અને જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. મારે સેનાની કે હથિયારોની કોઈ જરૂર જ નથી. ઈશ્વર સાથે આવી દોસ્તી રાખનાર અર્જુનનો ખરેખર વિજય થાય છે. આપણે પણ ઈશ્વર સાથે ભયનો કે લાંચનો સંબંધ રાખવાના બદલે, મિત્રતાનો, સ્નેહનો સંબંધ રાખીએ અને જીવનમાં દરેક તબક્કે વિજયી થઈએ.
- ravi.writer7@gmail.com