વાત કંઈ એટલી જૂની પણ નથી.લગભગ બે વર્ષ પહેલા કે જ્યારથી મેં સપના જીવવાના ચાલુ કર્યા.હા પણ એ મારા નહિ બીજાના! urvi તો હજી મારા જીવનમાં આવી જ ન હતી. આમ જોઈએ તો ઘણું સારું જીવન જીવી રહ્યો હતો સારી નોકરી,સારી સગવડો અને સૌથી સારો પરિવાર! બસ આવી અવિરત ચાલતી ગાડીમાં તેની સાથે પહેલી મુલાકાત થઈ. તમારા મનમાં શાહરૂખ-કાજોલ આવે પહેલા કહી દવ કે ના એવું તો કંઈ નહોતું થયું. વાત જાણે એમ હતી કે રવિવારનો દિવસ હતો એ હું મારા પિતાશ્રીના કહેવા પર પહોંચી ગયેલો ગવર્મેન્ટ ની પરીક્ષા આપવા.પરીક્ષાનું કેન્દ્ર એક જૂની જર્જરિત થયેલી સરકારી સ્કુલ. હું અંદર પ્રવેશ્યો કે મારી નજર દરવાજાની બરોબર બાજુમાં ઊભેલી એક યુવતી પર પડી. જોઈને લાગ્યું કે હમણાં જ આંખોમાં ઘોડાપુર આવશે. પરીક્ષા શરૂ થવાને થોડી જ વાર હતી. ફક્ત મદદ કરવાના ઇરાદા સાથે મે પૂછ્યું કે' કંઈ પ્રોબ્લેમ?' કંઈક બે સેકન્ડ ના ત્રાટક પછી ભીની આંખે તેમણે પરિસ્થિતિ વર્ણવી.વાત એમ હતી કે બેન સીધા એમના ફ્રેન્ડ ના લગ્ન માંથી આવ્યા હતા. એટલે હોલ ટિકિટ પ્રિન્ટ કરાવવાજેટલો સમય જ નહોતો મળ્યો. અહીં પહોંચ્યા બાદ ખબર પડી કે પ્રિન્ટ તો શું ઝેરોક્ષ ની પણ વ્યવસ્થા થઈ શકે તેમ નથી. તેમના વસ્ત્રો પરથી મને ના લાગ્યું કે તેઓ લગ્ન માંથી આવ્યા હોય. છતાંય તમામ શંકાઓ બાજુએ મૂકી તેમની પાસેથી પેનડ્રાઈવ લઈને મેઇન રોડ પરથી પ્રિન્ટ કરાવી લાવ્યો, ધન્યવાદ મારા બાઈક ને. એમના હાથમાં હોલ ટિકિટ આપી કે તરત જ તે વર્ગખંડની દિશામાં દોડી ગયા. આગળના બે કલાક મારે પણ ત્યાં જ પસાર કરવાના હતા. મારી જગ્યા લઈને મેં આમતેમ નજર ફેરવી તો જોયું કે એ જ વ્યાકુળ ચહેરો છેલ્લી સીટ પર આરામ ફરમાવી રહ્યો છે. મને તું ના ગમ્યું!.તેમણે આભાર વ્યક્ત નહોતો કર્યો એટલે થોડો અહમ ઘવાયો હતો. પેલો નાનો કાંટો બે પ્રદક્ષિણા કરી ચૂક્યો હતો. બગાસા ખાતા હું ક્લાસ રૂમ ની બહાર આવ્યો મારી બેગ શોધવા આમતેમ ફાંફા મારતો હતો કે પાછળથી કોઈ એક્સ્ક્યુઝ મી કહીને મને રોક્યો. પહેલાં સોરી અને પછી થેન્ક્યુ કઈને વાત તેમણે પૂરી કરી. પહાડ જેવો મારો ઈગો એક કાંકરી બનીને ખરી ગયો. મેં પણ સામે મારો પરિચય આપ્યો અને જવાબમાં તેમણે ફક્ત એક નામ 'ઉર્વી'. સાત ના ટકોરે તો હું ઘરે પહોંચી ગયો હતો. પપ્પા કંઈ પૂછે એ પહેલા જ જલ્દીથી ફ્રેશ થઈને મારા રૂમમાં ભરાઈ ગયો. લગભગ ત્રણેક મિનિટ માં તો ફેસબુકના હોમ પેજ પર. લગભગ 30 એક જેવા નોટિફિકેશન્સ અને 2 નવી ફ્રેન્ડ રિક્વેસ્ટ. જેમાંની એક _urvi_ હતી. તેને તો હું લગભગ ભૂલી ચૂક્યો હતો. તેની પ્રોફાઈલ ચેક કરી, રિક્વેસ્ટ એક્સેપ્ટ કરીને મેં લેપટોપ બંધ કર્યું અને વિસ્તાર પર લંબાવ્યું. સોશિયલ મીડિયા નુ મને પહેલેથી જ આકર્ષણ ન હતું પણ હા 'ટેકનિકલી પછાત' ની પદવી ન મળે એટલે ક્યારેક સમય મળે વાપરી લેતો હતો. હારબંધ મેસેજના ટોને મારી કીમતી ઊંઘમાં ખલેલ પહોંચાડી. જોયું તો સ્ક્રીન પર '4 new messages' ની નોટિફિકેશન હતી. બહાર જમવા ની મારી કોઈ જ ઈચ્છા નહોતી એટલે તમામ મેસેજીસ ને ' No' રીપ્લાય ફોરવર્ડ કરી દીધો.
વિચારશૂન્ય મગજ સાથે ફરી પાવર બટન પ્રેસ કર્યું.ઉર્વી ઓનલાઇન હતી. થયું કે લાવ પરીક્ષા વિશે વાત કરી લઉં.
'પરીક્ષા કેવી રહી?' મેં લખ્યું. લગભગ બે મિનિટ સુધી કોઈ રીપ્લાય ના આવ્યો.ચેટબોક્સ બંધ કરતો જ હતો કે 'Urvi is typing' વંચાયું.
'ઠીક હવે! એટલું કંઇ ખાસ નહીં. તમારે ?'
'બસ એવું જ તૈયારી પણ કાંઈ વધુ હતી નહીં પણ હા મેથ્સ ઈંગ્લીશ આવડ્યું છે ઘણું ખરું'
'same here?'
બરાબર યાદ છે એ દિવસ મને સવારથી ઘણી બધી તૈયારી કરી ચૂક્યો હતો. અરીસાને ઘણો વ્યસ્ત રાખ્યો હતો તે દિવસે. અચાનક આવેલા પરિવર્તનને નિહાળી મમ્મી મનમાં જ મલકાઈ રહ્યા હતા, કદાચ તેઓ સમજી ગયા હશે. ઉર્વી સાથે આ મારી બીજી મુલાકાત હતી... ફક્ત મુલાકાત. બરાબર એક મહિના પહેલા આવાજ એક રવિવારે સંજોગોવસાત અમે પહેલી વાર મળ્યા હતા. બસ ત્યાર બાદ દરરોજ રાત્રે નવના ટકોરે ઓનલાઈન આવતી. આડીઅવળી રોજબરોજની ઘણી વાતો કરતા. ભારતની આર્થિક મંદી લઈ ધોનીની રિટાયરમેન્ટ સુધીના તમામ મુદ્દા ઉપર વિશેષ ટીપ્પણી કરી ચૂક્યા હતા. નંબરની આપ-લે હજી સુધી થઈ ન હતી અને થવાની પણ ન હતી. કદાચ એક વણલખ્યો કરાર હતો અમારી વચ્ચે. છતાં અમે 'તમે' માંથી 'તું' પર આવવામાં સફળ રહ્યા હતા.
કંઈક અજુગતો અનુભવ હતો એ. પહેલીવાર કોઈ યુવતી સાથે ટેબલ શેર કરી રહ્યો હતો. શબ્દોની અછત બંને છેડે વર્તાઈ રહી હતી. અત્યાર સુધી ક્યારેય પર્સનલ થયા જ ન હતા એટલે એકબીજા વિશે ઘણું ઓછું જાણતા હતા. કંઈ કોમન હોય તો તે હતું તે 'પ્રશ્નપેપર'. શરૂઆતથી અમે ફરી શરૂઆત કરી. લગભગ કલાક સુધી અમે એમ જ વાતોએ વળગી રહ્યા અને નમતા સુરજ સાથે છુટા પડ્યા.
એવું ન હતું કે સુતા જાગતા બસ તે જ વિચારોમાં રમતી. પણ હા નવ વાગ્યા ની રાહ હવે હું પણ અધીરાઈથી જોવા લાગ્યો હતો. છએક મહિના બસ એમ જ વીતી ગયા. એકબીજા વિષે હવે અમે ઘણું ખરું જાણતા હતા. પણ હા સવાલો હંમેશા મારા લાંબા રહેતા અને જવાબો તેના સંક્ષિપ્ત. હંમેશા મને એવું લાગ્યા કરતું કે મનમાં તેના કંઈક ખચકાટ છે પણ અફસોસ કે ક્યારેય તેના વિશે વાત ના કરી.
રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યા હતા ધાર્યા પ્રમાણે હું ઉતીર્ણ ન થઈ શક્યો. પણ ઊર્વી મેઇન્સ માટે ક્વોલિફાઇ કરી શકી.એ જોઈને મને થોડું આશ્ચર્ય જરૂર થયું. નવ વાગ્યા ને હજી અડધો કલાકની વાર હતી. "જીવનના વણ- ઉકેલ્યા પ્રશ્ન"જેવી વિચિત્ર પોસ્ટ તેણે લગભગ 10 મિનિટ પહેલાં જ શેર કરી હતી અને તે રાત્રે ઓનલાઈન ના આવી.
બીજા દિવસે જાહેર રજા હતી. હાથમાં ચાનો કપ લઇ ન્યૂઝ પેપરના પાના ઉઠી રહ્યો હતો કે અચાનક જ હું અટક્યો. "ડિપ્રેશન ને વશ થઈ યુવતીએ નદીમાં ઝંપલાવ્યું".
વધુ કંઈ વિગત ન હતી પણ હા ઉર્વિના એક નાનકડા ફોટાને જરૂર જગા મળી હતી. પછીના સતત ત્રણ દિવસ કેસ ચર્ચામાં રહ્યો. તેના પરિવાર તરફથી જાણવા મળ્યું કે છેલ્લા સાત મહિનાથી તે સતત તણાવમાં રહેતી હતી. ક્યારેક કોઈ અજાણ્યા મિત્રને મળવા ઘરથી બહાર નીકળતી.ઘણું કઠિન પ્રશ્નપત્ર તે મૂકતી ગઈ.અને હા અજાણ્યા શખ્સ ની શોધ હજુ ચાલુ છે.