“અલા, પત્નીથી ડરી ગયા?”(હાસ્ય લેખ)
લે.-ફિરોઝ એ મલેક (ખોલવડ)
ડર કહો ભય કે ભીતિ.આ ભયનો સામનો આપણે સૌએ ક્યારેક ને ક્યારેક તો કરવો જ પડે છે.ભયના પણ વિવિધ પ્રકાર હોય છે.કોઈને અંધકારનો, તો કોઈને અકસ્માતનો,કોઈને મૃત્યુનો,તો કોઈને અમુક તમુક પ્રકારનો ભય સતાવતો જ હોય છે.આ સૌમાં સૌથી વિઘાતક અને મહાપ્રલયકારી ભયંકર ભય તે પત્નીનો ભય. લગ્ન પહેલાં કામણગારી લાગતી કન્યા લગ્ન બાદ ’તારા કરતા તો ડાકણ સારી’કહેવા આપણને પ્રેરે છે.આમ જુઓ તો દરેક પ્રકારના ભયના ઈલાજ માટે સારામાં સારા મનોચિકિત્સક આપણા શહેરમાં ઉપલબ્ધ છે.જે દર્દીની વાત ધ્યાનથી સાંભળી દવાઓ લખી આપતાં હોય છે.પરંતુ પત્ની ભય-પીડિત દર્દી તો કોઈ પણ ક્લીનિક માં જતાં અચકાતા હોય છે.પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય છે ને સાહેબ! પરંતુ આ પત્નીપીડિત દર્દીને ક્યાંથી ખબર હોય કે કાગડા બધે કાળા જ હોય છે.’તુજ સમો સમદુ:ખિયો દીઠો ન કોઈ’ ના ન્યાયે સૌ પરિણીત પુરુષ પત્ની ભયથી પીડાતા જ હોય છે. ભલ ભલા રાજા મહારાજાની હેકડી પણ આ ‘પત્ની’ નામના ભયે ઉતારી નાંખી છે.તો ડોક્ટર અને આપણા જેવા પામર જીવોની તે શી વિસાત! અને ધારો કે પત્ની ભયથી કોઈ દર્દી મનોચિકિત્સક પાસે પહોંચી પણ જાય તો દર્દીની કથા સાંભળી કદાચ ડોક્ટરો પણ થથરી જતાં હશે અને દવાની જ્ગ્યાએ દર્દીને સાંત્વના આપતા કહેતાં પણ હશે ખરા કે-“ભાઈ! મારા હાલ પણ તારાથી ભિન્ન તો નથી જ.મારી પાસે તો આનો કોઈ ઉપાય નથી.તારી પાસે હોય તો તું જ બતાવી મને આભારી કર મારા ભાઈ.”આ પત્ની ભયથી બચવા આયુર્વેદ,એલોપેથી કે હોમિયોપેથી પાસે પણ કોઈ દવા, જડીબુટ્ટી કે ઉપચાર હોય એવું જાણવા મળ્યું નથી.
બિચારો દરેક પતિ લગ્ન પહેલા તો પોતાની જાતને પેલી ઐશ્વર્યાની પાછળ દોડતો શાહરુખખાન જ માની લે છે.પેલી હિરોના માથા પરથી સાડીનો પાલવ ફરકાવતી-સરકાવતી ભાગી જતી હોય અને હિરો આંખ મીંચી મનમાં કહેતો જાય-“હાશ કેવી રૂડી રૂપાળી! તારા તો પાલવમાં પણ કેટલી પરમ શાંતિ અને ખુશ્બુ!” પણ એ જ ખુશ્બુભર્યો પાલવ લગ્ન પછી જીવતે જીવત કફન ઓઢાડવાનું કામ કરશે એ બિચ્ચારા પતિને શાની ખબર હોય! વળી પેલી ઐશ્વર્યા જેવી લાગતી પત્ની પણ પાલવ ફરકાવી હંસતી હંસતી વિચારતી હશે ને કે- ‘આ તો સાવ એક નંબર નો ગાંડો ઘેલો,પાક્કો ગધેડો, ઉલ્લુનો પઠ્ઠો અને ચામાચીડિયો છે.આ તોફાન પહેલાંની શાંતિ છે.અત્યારે તારે મીંચવી હોય એટલી આંખો મીંચી લે અને હાશકારો લઈ લે. પછી તારી ઉંઘ હારામ કરું છું.અને આ પાલવનો પરચો બતાઉં છું.મારા નખરા અને ખર્ચા સામે આમ જ તારી આંખો મીંચાઈ જવાની છે,એટલે કર તુ તારે કરવી હોય એટલી આંખો મીંચવાની પ્રેક્ટીસ કરી લે.’ પતિની આ તો કેવી ભૂંડી અને દયનીય હાલત! કહેવાયુ છે ને કે ‘પતિ’ થયો એટલે પતી ગયો .’એ સાંભળો છો?.....’ આ વાક્ય આગળ બધા પતિ પોતાના હથિયાર નાંખી દઈ શરણાગતિ સ્વીકારી લેતા હોય છે.પતિની ગમે એવી વેદના, તકલીફ કે દુ:ખ હોય પણ પત્નીનો આ કાળમુખો ‘બરાડો’ કહો કે ‘રાગડો’ પતિના સઘળા દુ:ખો કે તકલીફોના પોટલા બંધાવા લાગે છે.અને એ જ પોટલું ભારે ભરખમ બની આપણા જ ડાચામાં જોશભેર વાગે છે.અને અકલ્પ્ય-અકઠિત પત્ની ભય આપણા ચહેરે,ડિલે અને દિલે તરવળવા લાગે છે. આપણે ગભરુ બકરીની જેમ ‘બેં એં બેં એ...’નો બેંકારો પણ ના કરી શકીએ.કેવો અમાનુષી સિતમ કહેવાય આ તો?
આપણી પુરુષ જમાતના કુંવારાઓને આ દુ:ખની પ્રતીતિ ન થઈ શકે.તેના માટે કુંવારાપણાના પદ પરથી સ્વૈચ્છીક નિવૃત્તિ લેવી પડે. અને ‘લગ્નપણા’ના પદ પર આરૂઢ થવા લગ્ન મંડપમાં ખેંચાવું પડે.માથાના વાળ માથા પરથી ખાલી કરવા પડે.આપણા કુંવારા હોંશેથી લગ્ન પણાના પદપર બિરાજ્માન થઈને હાથે કરીને મુશીબત નોતરે છે.અને રોજ સજા ભેગવે ‘પત્નીભય’ની. તૌબા! તૌબા! આ પત્નીભયના પનોતા શબ્દથી.