Beiman - 11 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બેઈમાન - 11

Featured Books
Categories
Share

બેઈમાન - 11

બેઈમાન

કનુ ભગદેવ

પ્રકરણ - 11

રુસ્તમ પણ ગયો !

સાંજે બરાબર છ વાગ્યે રૂસ્તમની ઊંઘ ઉડી ગઈ.ઝપાટાબંધ તૈયાર થઈને એ નીચે આવ્યો.મેટ્રો હોટલ એના ગેસ્ટ હાઉસથી નજીકમાં જ હતી.એ પગપાળા જ ત્યાં પહોચી ગયો. પોતાને કોઈ ઓળખી ન જાય એટલા માટે અવારનવાર તે રૂમાલથી ચહેરો લૂછવાનું નાટક કરતો હતો.એ મેટ્રો હોટલના વિશાળ હોલમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં ચિક્કાર ભીડ હતી.આ હોટલનો માલિક એક મારવાડી હતો. અને એમાંથી તેણે સારી એવી કમાણી થતી હતી.રૂસ્તમે હોલમાં એક ખૂણાથી બીજા ખૂણા પર નજર દોડાવી. હોલમાં ઉપસ્થિત એક એક માણસનું નિરીક્ષણ કર્યું.પરંતુ પોલીસ હોય એવો એકેય માણસ તેણે ન દેખાયો.અપરાધની દુનિયામાં દસ વર્ષ વિતાવ્યા પછી, પોલીસના માણસને ઓળખી કાઢવા માટે એની આંખો ટેવાઈ ગઈ હતી.એણે મનોમન છૂટકારોનો શ્વાસ લઈને ચાર નંબરની કેબીન તરફ જોયું.કેબીનના બારણાં પર લટકતા પડદા પરથી થતું હતું. કે એ ખાલી નહોતી. એમાં કોઈક મોજુદ હતું.રુસ્તમને પોતાની જાત પર ખુબ જ ક્રોધ ચડ્યો.શા માટે પોતે અગાઉથી જ આવીને કેબીન કબજે ન કરી લીધી?હવે...?હવે શું કરવું...?તે આ વાતનો વિચાર કરતો હતો ત્યાં જ કેબીનનો પડદો એક તરફ સરક્યો.રુસ્તમની આંખોમાં આશાની ચમક પથરાઈ ગઈ.વળતી જ પળે કેબિનમાંથી એક એક કરીને ચાર માણસો લથડતી ચાલે નીકળીને કાઉન્ટર તરફ આગળ વધી ગયા.રૂસ્તમ રાહતનો શ્વાસ લઈને ઝપાટાબંધ કેબીનમાં દાખલ થઇ ગયો. એણે પડદો ઢાંકી દીધો.દસ બાય દસ ફૂટની એ કેબીનની બરાબર વચ્ચેના ભાગમાં એક સનમાઈકાજડિત ટેબલ તથા તેને ફરતી ચાર ખુરશી પડી હતી. ટેબલ પર ફૂલદાની તથા એશ –ટ્રે પડી હતી.રુસ્તમ આરામથી એક ખુરશી પર બેસી ગયો.અચાનક પડદો ખસેડીને એક વેઈટર અંદર આવ્યો.‘સાહેબ....!’ એણે વિવેકભર્યા અવાજે કહ્યું, ‘આ કેબીન ચાર જણના ગ્રુપ માટે છે અને.... આપ એકલા છો.’રૂસ્તમે સ્મિત ફરકાવી, ગજવામાંથી પાંચ રૂપિયાની એક નોટ કાઢીને વેઈટર સામે લંબાવી. પછી બોલ્યો, ‘મારા મિત્રો હજુ આવવાના બાકી છે. અહીં બેસીને તેમની રાહ જોઉં છું.’પાંચની નોટ જોઇને વેઈટરની આંખો ચમકી ઉઠી.એણે રુસ્તમના હાથમાંથી નોટ લઈને ગજવામાં સરકાવી દીધી.‘સાહેબ...!’ એણે અદબભેર કહ્યું, ‘આપ નિરાંતે જ્યાં સુધી બેસવું હોય, ત્યાં સુધી બેસો. બોલો, આપને માટે શું લઇ આવું?’‘હાલ તુરત તો માત્ર બીયર જ લઇ આવ.’‘ભલે સાહેબ....’ વેઈટરે અદબભેર માથું હલાવ્યું.બે મિનીટ પછી એ બીયરની બોટલ, એક પ્લેટ તળેલાં કાજુની તથા એક ખાલી ગ્લાસ લઇ આવ્યો.એ બધી સામગ્રી ટેબલ પર મુકીને તે ચાલ્યો ગયો.રુસ્તમ પડદો ખસેડી, પુનઃ ખુરશી પર બેસીને બોટલમાંથી જ ઘૂંટડા ભરવા લાગ્યો.એ ધીમે ધીમે ઘૂંટડા ભરીને કાજુ ખાતો રહ્યો.બોટલ પૂરી કરવામાં એણે ઘણી વાર લગાડી.એણે વેઈટરને બોલાવીને વધુ એક બોટલ લાવવાની સૂચના આપી.વેઈટર બીજી બોટલ પણ મૂકી ગયો.આ બોટલ પણ રૂસ્તમે ધીમે ધીમે જ ખલાસ કરી.ત્યારબાદ પડદો ખસેડીને એણે કાઉન્ટર પાછળની દીવાલ પર લટકતી ઘડિયાળમાં સમય જોયો.સાડાસાત વાગી ગયા હતા.તે એકદમ ધૂંધવાઈ ગયો. કારણકે એનો શિકાર હજુ સુધી નહોતો આવ્યો.અંદર આવીને એણે રોષભેર ટેબલ પર હાથ પછાડ્યો.પરંતુ ગમે તેમ તો ય હજુ તેણે અડધો કલાક સુધી રાહ જોવાની હતી.એણે પોતાના શિકારને આઠ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો.ત્યાર બાદ સમય પસાર કરવા માટે એક સિગારેટ સળગાવીને તે ધીમે ધીમે કસ ખેંચવા લાગ્યો.ખુરશી પર પાસાં બદલતાં બદલતાં એણે સિગારેટના ઠુંઠાને એશ-ટ્રેમાં પધરાવીને ઘંટડી વગાડી.વળતી જ પળે વેઈટર અંદર આવ્યો.રૂસ્તમે તેને વધુ એક બોટલ બીયરની લાવવાનું કહ્યું.પાંચ રૂપિયાની નોટ મેળવીને વેઈટર સ્ફૂર્તિમાં આવી ગયો હતો. અને હજુ પણ ટીપ રૂપે બીજા પાંચ-દસ રૂપિયા મળશે એવી તેની આશા હતી.એ તરત જ જઈને બીયરની બોટલ તથા તળેલા કાજુની પ્લેટ લઇ આવ્યો.રૂસ્તમે ત્રીજી બોટલ પૂરી કરી ત્યારે આઠ વાગીને ઉપર પાંચ મિનીટ પસાર થઇ ગઈ હતી.મનોમન ધૂંધવાઈને એણે વધુ દસ મિનીટ પસાર કરી નાંખી. પરંતુ એનો શિકાર ન આવ્યો તે ન જ આવ્યો.સવા આઠ વાગ્યે તે ઉભો ઉભો થઈને જાણે જમીનને કચડી નાંખવા માંગતો હોય એ રીતે ક્રોધથી પગ પછાડતો કાઉન્ટર તરફ આગળ વધી ગયો.ત્રણ પેગ બીયરના ગટગટાવ્યા પછી એ થોડો નશો પણ અનુભવતો હતો.બીલ ચૂકવી, બહાર નીકળીને એ પોતાના ગેસ્ટ હાઉસ તરફ ચાલવા લાગ્યો.હવે શું કરવું? આ એક જ વાતનો તે વિચાર કરતો હતો.પોલીસ પાસે જઈને બધું જણાવી દેવાની તેની જરા પણ ઈચ્છા નહોતી.છેવટે, કાલે પોતે જ સામેથી પોતાના શિકાર પાસે જઈને એ જ વખતે બે લાખ રૂપિયા આપવા માટે તેને ફરજ પાડશે એવા નિર્ણય પર એ આવ્યો.એ ગેસ્ટ -હાઉસની નજીક પહોચ્યો. ત્યાંજ અચાનક પાછળથી કોઈ કે તેના ખભા પર હાથ મૂક્યો.ક્યાંક પોલીસ તો નથી ને ?આ વિચાર આવતાં જ એનું હદય બે-ત્રણ ધબકારા ચુકી ગયું. એનું પેન્ટ ભયથી બે-ત્રણ ઈચ જેટલું નીચે સરકી આવ્યું.એણે ચમકી, પીઠ ફેરવીને જોયું તો, તે જે માણસની મેટ્રો હોટલની,ચાર નંબરની કેબીનમાં બેસીને રાહ જોતો હતો, એ જ માણસ ઉભો હતો.અર્થાત એનો શિકાર...એ જ પુરુષ.....!સામે જ એનો શિકાર ઉભો હતો. પરંતુ અત્યારે કોઈક અજ્ઞાત ભયથી રુસ્તમ કંપી ઉઠ્યો. ભયનું એક ઠંડુ લખલખું વિજળીવેગે એના દેહમાં પગથી માથા સુધી ફરી વળ્યું.એનો શિકાર અગાઉના જેવા જ વેશમાં સજ્જ હતો. એણે ઘૂંટણ સુધીનો લાંબો ઓવરકોટ પહેર્યો હતો. ઓવરકોટના કોલર ઊંચા ચડાવેલા હતા. માથા પર ફ્લેટ હેટ હતી ફ્લેટ હેટ કપાળ સુધી નમેલી હતી. પગમાં એડી સુધીના બૂટ પહેરેલા હતા.રાતનો સમય હોવા છતાંય એણે ગોગલ્સ ચશ્માં પહેર્યા હતા. અત્યારે એણે ચામડાના હાથમોજા ચડાવેલા હતા.‘ત...તમે ..અ..આપ...?’ રૂસ્તમે થોથવાતા અવાજે પૂછ્યું.‘હા...હું...!’ ઓવરકોટધારી હસ્યો, ‘તમે તો નાહક જ ગભરાઈ ગયા.’‘હું કોઈ રાજા-બાદશાહ નથી કે તમારે ગભરાવું પડે.’‘ના...એવી કોઈ વાત નથી.’ રુસ્તમ સ્વસ્થ થવાનો પ્રયાસ કરતા બોલ્યો.‘હું કેટલીયે વારથી મેટ્રો હોટલની આજુબાજુમાં ચક્કર મારતો હતો.’‘કેમ..?’‘તું ક્યાંક પોલીસ સાથે તો ભળેલો નથી ને એની ખાતરી હું કરવા માંગતો હતો.’ ઓવરકોટધારી તેને એકવચનમાં સંબોધતાં બોલ્યો.‘મારા પર ભરોસો રાખો...’ રૂસ્તમની હેડકી કોણ જાણે ક્યાં ઊંડી ગઈ હતી. એણે ફોન પર જે રીતે વાત કરી હતી, અને અત્યારે જે રીતે વાત કરતો હતો, તેમાં જમીન-આસમાનનો ફર્ક હતો, ‘પોલીસ સાથે....’‘હા....હા...’ ઓવરકોટધારીએ એની વાતને વચ્ચેથી જ કાપતાં કહ્યું, ‘પોલીસ સાથે ભળેલો નથી એની મને પૂરી ખાતરી થઇ ગઈ છે. એટલું જ નહીં, હું તને રાજીખુશીથી બે લાખ રૂપિયા આપવા માટે પણ તૈયાર છું.’‘ખરેખર....?’ રૂસ્તમે આંનદભર્યા અવાજે પૂછ્યું. એની આંખોમાં લાલચભરી ચમક પથરાઈ ગઈ હતી. પોતાનો ઘા આ રીતે સીધો પડી જશે એની તો એણે કલ્પના પણ નહોતી કરી. એમાં કલ્પનાચક્ષુ સમક્ષ બે લાખ રૂપિયાની નોટોના બંડલ તરવરતા હતા.‘હા...પણ એ પહેલા હું તારી સાથે થોડી વાતો કરવા માંગુ છું.’‘વાતો?’‘હા...’‘પણ...પણ...!’ રુસ્તમ એકદમ ગભરાઈને બોલી ઉઠ્યો, ‘હું તમારી સાથે ક્યાંય આવવા નથી માંગતો.’‘તું આટલો ગભરાય છે શા માટે એ જ મને તો નથી સમજાતું.’ ઓવરકોટધારી કોમળ અવાજે બોલ્યો, ‘તારે જરા પણ ફિકર કરવાની જરૂર નથી. હું તને મારી સાથે કંઈ જંગલમાં આવવાનું નથી કહેતો. આપણે તો બસ, આ સામેની ડીલકસ ક્લબમાં જ જવાનું છે. ત્યાં જઈને નિરાંતે વ્હીસ્કી પીતાં પીતાં વાતો કરીશું.’ઓવરકોટધારીની વાત સાંભળીને રુસ્તમને થોડી રાહત થઈ.તે એની સાથે ડીલકસ ક્લબ તરફ આગળ વધ્યો.બંને ક્લબમાં દાખલ થઈને એક ખાલી કેબીનમાં ઘુસી ગયા.ઓવરકોટધારીએ વેઈટરને બોલાવીને જોની વોકર બ્લેક લેબલ વ્હીસ્કીનો ઓર્ડર આપ્યો.વેઈટર વિચિત્ર નજરે તેના રહસ્યમય પહેરવેશ સામે જોઇને ચાલ્યો ગયો.થોડીવાર પછી જોની વોકરની બોટલ તથા બે ખાલી ગ્લાસ મૂકી ગયો.રુસ્તમ લાલચભરી નજરે બોટલ સામે તાકી રહ્યો. કોણજાણે કેટલા વખત પછી એણે આવી ઉમદા વ્હીસ્કીના દર્શન કર્યા હતા. એની જીભ અનાયાસે જ હોઠ પર ફરવા લાગી.ઓવરકોટધારીએ બોટલનું સીલ તોડીને બંને ગ્લાસમાં વ્હીસ્કી રેડી.‘લે, ભાઈ...પીવા માંડ ....!’ એણે એક ગ્લાસ રુસ્તમ સામે સરકાવતાં કહ્યું. રૂસ્તમે ગ્લાસ ઊંચકીને એકી શ્વાસે ખાલી કરી નાખ્યો.‘રુસ્તમ....!’ સહસા ઓવરકોટધારીએ પૂછ્યું. ‘ચોરી અને ખૂનની આ વાત તેં બીજા કોઈને તો નથી જણાવીને?’‘ના, સાહેબ....!’ વ્હીસ્કીનો એક પેગ પેટમાં જતાં જ રુસ્તમ મગરૂરીમાં આવી ગયો, ‘તમે મને મૂરખ સમજો છો? મારે શા માટે કોઈને આ વાત જણાવીને મને મળતી રકમમાં તેને ભાગીદાર બનાવવો જોઈએ. મારી કુલડીનો ગોળ હું પોતે જ ચોળી ખાવા માગું છું.’‘જરૂર...જરૂર...એમ જ હોવું જોઈએ.’ ઓવરકોટધારીએ તેણે પાનો ચડાવતાં કહ્યું, ‘મને તારા જેવા માણસો ખુબ જ ગમે છે. મારો સ્વભાવ પણ તારા જેવો જ છે. ભાગીદારીની હાંડલી તો ચોકમાં પહોંચીને જ ફૂટે છે.’ કહીને ઓવરકોટધારીએ રુસ્તમનો ખાલી ગ્લાસ ભરી આપ્યો.રૂસ્તમે ગ્લાસ ઊંચકી લીધો.‘જો ભાઈ રુસ્તમ...!’ ઓવરકોટધારી બોલ્યો, ‘આજે તો હું માત્ર તારી માંગણીના દસ ટકા જ રકમ જ તને આપીશ.’‘દસ ટકા એટલે કે વીસ હજાર ?’‘હા...’‘બાકીના ક્યારે આપશો?’‘આવતીકાલે...!’‘ઠીક છે...લાવો વીસ હજાર ....! ‘ રુસ્તમ અધીરાઈથી બોલ્યો.ઓવરકોટધારીએ ગજવામાંથી સો રૂપિયાવાળી નોટોની એક થપ્પી કાઢીને તેની સામે લંબાવી.બધી નોટો છૂટી જ હતી. અર્થાત બંડલના રૂપમાં નહોતી.રૂસ્તમે આટલી મોટી રકમ એકી સાથે આજ પહેલાં ક્યારેય નહોતી જોઈ.સો...બસો...પાંચસો કે બહુ બહુ તો એક-બે હજાર...! આનાથી વધુ રકમ આજ સુધીમાં એક ચોરી દરમિયાન તે નહોતો મેળવી શક્યો.તે આશ્ચર્યચકિત નજરે નોટો સામે તાકી રહ્યો.એણે ગ્લાસમાંથી એક ઘૂંટડો ભરીને તેને ટેબલ પર મૂકી દીધો. પછી ઓવરકોટધારીના હાથમાંથી નોટો આંચકી લીધી.‘ગણી લે.... પુરા વીસ હજાર છે.....!’ ઓવરકોટધારીએ કહ્યું. ‘એમાં ગણવાની શું જરુર છે? મને તમારા પર પૂરો ભરોસો છે તમે કહો છો કે વીસ હજાર છે એટલે વીસ હજાર જ હશે.’‘ના રુસ્તમ...! ‘ઓવરકોટધારી બોલ્યો, ‘આપણને બંનેને એકબીજા પર પૂરો ભરોસો છે એ વાત સાચી. પણ ‘આહારે-વ્યવહારે સ્પષ્ટવકતા સુખી ભવો’ એમ આપણા વડીલો કહી ગયા છે. એટલે તારે નોટો તો ગણવી જ પડશે. પાછળથી કોઈ મનદુઃખ થાય એમ હું નથી ઈચ્છતો.’‘ઠીક છે...તમે કહો છો તો ગણી લઉં છું. બાકી મને તો એની કંઈ જરૂર નથી લાગતી.’ રૂસ્તમે નોટો ગણવાની શરુઆત કરતા કહ્યું.એ નોટો ગણવામાં એટલોબધો મશગુલ થઇ ગયો કે ઓવરકોટધારીએ ગજવામાંથી બે સફેદ ટીકડી કાઢીને એના ગ્લાસમાં નાંખી દીધી એની પણ તેને ખબર ન પડી.એક તરફ રુસ્તમ નોટો ગણતો હતો તો બીજી તરફ ટીકડી શરાબમાં ઓગળતી જતી હતી.ઓવરકોટધરીની નજર રુસ્તમના ગ્લાસ તરફ જ સ્થિર થયેલી હતી.‘પુરા વીસ હજાર છે....’ પાંચેક મિનીટ પછી નોટો ગણી લીધા બાદ રૂસ્તમે સંતોષથી માથું હલાવતા કહ્યું.આ દરમિયાન ઓવરકોટધારીએ એના ગ્લાસમાં નાખેલી ટીકડી પુરેપુરી ઓગળી ગઈ હતી.‘લે...તારો ગ્લાસ ખાલી કરી નાખ...! એણે તેની સામે ગ્લાસ સરકાવતાં કહ્યું.‘જરૂર...બાકીની રકમ કાલે અહીં, આ સમયે જ પહોંચાડી દેજો.’ રુસ્તમ નોટોને ગજવામાં મુકીને પોતાનો ગ્લાસ ઉચકતા બોલ્યો.સાલ્લા...કમજાત...કાલે તું જીવતો હોઈશ તો ને ...?’ ઓવરકોટધારી મનોમન બબડ્યો. પછી પ્રત્યક્ષ એણે કહ્યું. ‘ચોક્કસ....કાલે બાકીના એક લાખ ને એંસી હજાર તને મળી જશે.’ત્યારબાદ રૂસ્તમે પોતાનો ગ્લાસ ખાલી કર્યો કે તરત જ એણે તેને ફરી ભરી આપ્યો.ઉમદા વ્હીસ્કી તથા વીસ હજારની નોટો તથા આવતી કાલે મળનારી બીજી રકમની કલ્પનાથી રુસ્તમનો નશો બેવડાયો હતો.એણે એ પેગ પણ પેટમાં ઠાલવી દીધો.એક મિનીટ...બે મિનીટ ...ત્રણ મિનીટ...ચાર મિનીટ...!બરાબર પાંચમી મીનીટે રુસ્તમનું માથું ટેબલ પર નમી ગયું.હવે એ શરાબના નશામાં ચકચુર એક જીવતો-જાગતો માણસ નહીં. પણ મૃત્યુની ગોદમાં પોઢી ગયેલો મૃતદેહ માત્ર જ હતો.એ મૃત્યુ પામ્યો હતો.ઓવરકોટધારીએ એના ગજવામાંથી નોટો કાઢીને પોતાના ગજવામાં મૂકી દીધી.ત્યારબાદ બધું વ્યવસ્થિત જોઈ, સંતોષથી માથું હલાવીને એ બહાર નીકળ્યો.હોલમાં આવીને એણે ત્યાંથી પસાર થતાં એક વેઈટરને ઉભો રાખ્યો.‘બોલો સાહેબ....!’ કહીને વેઈટરે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. ઓવરકોટધારીએ ગજવામાંથી દસ રૂપિયાની નોટ કાઢોને તેના હાથમાં મૂકી. પછી રુસ્તમવાળી કેબીન તરફ સંકેત કરતાં કહ્યું, ‘અંદર જે સાહેબ બેઠા છે તેમને ડીસ્ટર્બ કરતો નહીં. આરામથી પીવા દેજે.’વેઈટરે હકારમાં માથું હલાવ્યું.*** સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.દિલીપની ઊંઘ ઉડી ગઈ.એણે ઘડિયાળમાં સમય જોયો.સવારના સાત વાગ્યા હતા.થોડી પળો સુધી જાણે ટેલીફોન પોતાનો સાત ભવનો વેરી હોય એ રીતે તે એની સામે તાકી રહ્યો.‘હેલ્લો... !’ છેવટે આગળ વધી રિસીવર ઊંચકીને કાને મૂકતા એણે કહ્યું.‘દિલીપ...!’ સામે છેડેથી ઇન્સ્પેકટર વામનરાવનો પરિચિત સ્વર તેને સંભળાયો, ‘હું વામનરાવ બોલું છું.....!’‘રામ...રામ...રામ...!’ દિલીપ બોલ્યો. ‘આજે સવારના પહોરમાં ઉઠતાંવેંત જ તારો અવાજ સાંભળ્યો છે એટલે ભગવાન જાણે આજે ભોજન મળશે કે નહીં.!’‘મળશે...જરૂર મળશે...!’ વામનરાવે કહ્યું, ‘ ભોજન તો શું ..ચા...નાસ્તો...પાન...સિગારેટ વિગેરે બધું જ મળશે.’‘ખેર, એ તો જોયું જશે. બોલ શા માટે ફોન કર્યો છે ?’‘દિલીપ...રુસ્તમનું ખૂન થઇ ગયું છે.’‘શું....?’ દિલીપના હાથમાંથી રિસીવર છટકતું છટકતું રહી ગયું.‘હા...હઠીસિંહ રોડ પર આવેલા ડીલક્સ કલબની એક કેબિનમાંથી તેનો મૃતદેહ મળ્યો છે.’‘ઓહ...!’ દિલીપ લાચારીથી બબડ્યો, ‘પોતાની મુર્ખાઈને કારણે જ એને જીવ ગુમાવવો પડ્યો છે. એની લાલચે જ તેને ડુબાડી દીધો છે.’ ‘તારી વાત સાચી છે દિલીપ ! જેવી કરણી તેવી ભરણી...!’ વામનરાવે કહ્યું, ‘એણે જે કંઈ કર્યું એનું ફળ તેને ભોગવવાનું જ હતું.’‘વામનરાવ...!’ દિલીપ ધૂંધવાતા અવાજે બોલ્યો, ‘વાત તો તારી મુદ્દાની છે. પણ ખુનીએ ચોકીદાર, માધવી અને હવે આ રુસ્તમનું ત્રીજું ખૂન કરી નાંખ્યું છે. આપણે હાથ ઘસીને તમાશો જોવા સિવાય બીજું કશું એ નથી કરી શક્યા એનું શું ?’‘તારે કશી યે ફિકર કરવાની જરૂર નથી દિલીપ...!’ સામે છેડેથી વામનરાવે આશ્વાસનભર્યા અવાજે કહ્યું. ‘કાયદાના હાથ ખૂબ જ લાંબા છે એ તો તું જાણે જ છે ! કાયદાનો હાથ એક ને એક દિવસ તો જરૂરથી ગુનેગારની ગરદન સુધી પહોંચી જાય છે.’‘ખેર, ખૂન કેવી રીતે થયું છે ?’ દિલીપે પૂછ્યું.‘પૂરી માહિતી તો પોસ્ટમોર્ટમ થયા પછી જ મળશે. પોલીસ ડોકટરના કહેવા મુજબ રુસ્તમને શરાબમાં ઝેર પીવડાવી દેવામાં આવ્યું હશે.’‘ઓહ...!’ દિલીપ બબડ્યો.લાઈન પર થોડી પળો સુધી ચુપકીદી છવાઈ ગઈ.દિલીપ વાત કરતો હતો એ દરમ્યાન શાંતા ત્યાં આવી પહોંચી હતી.એ ચૂપચાપ દિલીપને વાતો કરતી તાકી રહી હતી.‘દિલીપ...!’ થોડી પળો બાદ વામનરાવ બોલ્યો, ‘મારી પાસે રુસ્તમના ખૂન વિશે જે કંઈ માહિતી છે, એ લઈને હું તારી પાસે આવું છું. આપણે ચર્ચા-વિચારણા કરી જોઈએ.’‘ભલે આવ...ત્યાં સુધીમાં હું પણ તૈયાર થઇ જઉં છું.’ કહીને દિલીપે રિસીવર મુક્યું. પછી એ બબડ્યો, ‘બિચારો રુસ્તમ...!’‘તો શું રુસ્તમ પણ પરલોક સિધાવી ગયો ?’ શાંતાએ એની સામે જોતાં પૂછ્યું.‘હા...એની લાલચને કારણે જ તે માર્યો ગયો છે. એ ચોર તથા ખૂનીને ઓળખી ચૂક્યો હોવા છતાં પણ ચૂપ રહ્યો. ખૂની વિશે પોલીસને કંઈ ન જણાવ્યું. એ ખૂનીને બ્લેકમેઈલ કરીને તેની પાસેથી દસ લાખની રકમમાંથી ભાગ પડાવવા માંગતો હતો. ભાગ તો એને ન મળ્યો પણ મોત જરૂરથી મળી ગયું.’ દિલીપે જવાબ આપ્યો.‘માણસ જેવા કર્મ કરે છે, એવું જ ફળ તેને મળે છે.’ શાંતા બેદરકારીભર્યા અવાજે બોલી.‘તારી વાત સાચી છે...’ દિલીપે કહ્યું, ‘મેં પણ ગયા જનમમાં કોઈક પાપ કર્યા લાગે છે.’‘કેમ...?’ શાંતાએ મૂંઝવણભરી નજરે તેની સામે જોતાં પૂછ્યું.‘કેમ, શું ? હું સાચું જ કહું છું....!’‘પણ શા માટે ?’‘ગયા જનમમાં મેં પાપ કર્યા છે એટલે તો આ જનમમાં મને તારા જેવી....’દિલીપની વાત પૂરી થાય એ પહેલાં જ શાંતાએ ટેબલ પરથી ફૂલદાની ઊંચકી લીધી.‘અરે, બાપ રે...!’ કહીને દિલીપ છલાંગો મારતો બાથરૂમમાં ભરાઈ ગયો.તેની આ હરકતો દેખીને શાંતા હસી પડી.‘શાંતા...!’ થોડી પળો બાદ બાથરૂમમાંથી દિલીપની બુમ તેને સંભળાઈ, ‘તું ફટાફટ ચા-નાસ્તો તૈયાર કરી નાંખ...!’શાંતા એને જવાબ આપીને કિચનમાં ચાલી ગઈ.દિલીપ સ્નાનાદિથી પરવારી, ડ્રોઈંગરૂમમાં બેસીને અખબાર વાંચવા લાગ્યો.સહસા વામનરાવ વાવાઝોડાની જેમ ડ્રોઈંગરૂમમાં આવ્યો.દિલીપે અખબારની ગડી કરીને બાજુમાં મૂકી દીધું. ‘આવ ભાઈ વામનરાવ...!’ એણે કહ્યું, ‘હું વાઘના ડોળે...ભૂલ્યો, કાગના ડોળે તારી જ રાહ જોતો હતો.’ ત્યારબાદ એણે ગજવામાંથી સિગરેટનું પાકીટ કાઢી, તેમાંથી એક સિગારેટ સળગાવીને લાંબો કસ ખેંચ્યો. પછી નાક વાટે ધુમાડો કાઢતા બોલ્યો, ‘આવ્યો તો ભલે આવ્યો...પણ નાસ્તો-પાણી કરીને આવ્યો છે ને ?’‘ના...!’ વામનરાવે પણ એક સિગારેટ સળગાવીને સ્મિત ફરકાવતાં કહ્યું.‘કેમ નથી કર્યો ? કોઈ કાળી બિલાડી આડી ઉતરી હતી કે શું ?’ દિલીપે એની સામે ડોળા તતડાવતાં પૂછ્યું.‘ના...’‘તો કોઈ કૂતરો આડો ઉતર્યો હશે...’‘ના, એવું કશું જ નથી.’‘તો શું પોકેટમાર તારું ગજવું હળવું કરી ગયો છે ?’‘ના...એવું કશું પણ નથી બન્યું !’‘તો શું કારણ છે કે આજે તું નાસ્તો કરીને નથી આવ્યો ?’ દિલીપે પૂછ્યું, પછી સહસા કંઇક યાદ આવ્યું હોય એમ એ બોલ્યો, ‘સમજ્યો ...!’‘શું...?’ વામનરાવે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં પૂછ્યું.‘આજે તારે ઉપવાસ છે ખરું ને ..?’‘ના રે ના...!’ વામનરાવે ડચકારો કરતાં કહ્યું, ‘એવો છત્તે ધાને ભૂખ્યા રહેવાનો ધંધો હું નથી કરતો. આ તો મને એમ કે ચાલ, આજે તો દિલીપને જ, નાસ્તો કરાવવાનો લાભ આપી દઉં. બસ આ કારણસર જ હું ઘેરથી નાસ્તો કર્યા વગર નીકળી ગયો છું.’‘મેં અહીં સદાવ્રત નથી ખોલ્યું સમજ્યો ?’‘સદાવ્રત ખોલ્યું હોત તો તો સારું જ થાત !’‘કેમ..?’‘તો હું દરરોજ તારા સદાવ્રતનો લાભ લેવા માટે આવત ! હોટલની કાચી-પાકી રસોઈ જમી જમીને મારા પેટનું સત્યનાશ નીકળી ગયું છે.’‘બસ ? માત્ર પેટનું જ સત્યનાશ નીકળ્યું છે ?’ દિલીપે ઠાવકાઈથી પૂછ્યું.‘કેમ ?’‘તપ પછી મારે હજુ કેટલી રાહ જોવી પડશે ?’‘કઈ બાબતમાં ?’‘તારા આ આખા દેહનું સત્યનાશ નીકળી જાય એ માટે !’ દિલીપે જવાબ આપ્યો.‘દિલીપ...!’ સહસા શાંતા અંદર આવતાં બોલી. એના હાથમાં ટ્રે જકડાયેલી હતી. એણે કદાચ દિલીપનું છેલ્લું વાક્ય સાંભળી લીધું હતું, ‘જરા શરમ તો રાખ...! વામનરાવ જેવા જીગરી દોસ્તનું સત્યનાશ નીકળી જાય એમ તું ઈચ્છે છે ?’‘અરે, અમે તો બે ઘડી મજાક કરતાં હતાં...!’ દિલીપને બદલે વામનરાવે જવાબ આપતા કહ્યું, ‘ગુડ મોર્નિંગ મેડમ !’ કહીને એણે શાંતાના હાથમાંથી ટ્રે લઈને સ્ટૂલ પર મૂકી દીધી.‘ગુડ મોર્નિંગ...!’ શાંતા સ્મિત ફરકાવતી બોલી.દિલીપે ઘૂરકીને શાંતા સામું જોયું.‘શાંતા...!’ એ બોલ્યો, ‘તેં ગુડ મોર્નિંગ તો કહ્યું ત્યાં સુધી તો બરાબર છે. પણ સ્મિત ફરકાવવાની શી જરૂર હતી.’ પછી સહસા ગંભીર થઈને જાણે પોતે કોઈક મોટો તત્વજ્ઞાની હોય એવા અવાજે બોલ્યો, ‘આપણા દેશની આ જ તો સૌથી મોટી કમનસીબી છે.’‘કેમ...?’ વામનરાવે પૂછ્યું.‘એટલા માટે કે આ દેશમાં માણસો પાસે હસવા માટે, મન ફાવે તેમ લવારો કરવા માટે તો સમય છે, પણ કામ કરવા માટે સમય નથી. સરકારી ઓફિસોમાં દસ વાગ્યાનો સમય હોવા છતાં પણ કર્મચારીઓ અગિયાર વાગ્યે આવે છે. હાજરીપત્રકમાં સહી કરે છે અને બાર વાગ્યે જમવા માટે ચાલ્યા જાય છે, નહિ તો ટેબલ પર ટાંટિયા લાંબા કરીને વાતોના ગપાટા મારતા મારતા છ વગાડી દે છે અને પછી ફરીથી સહી કરીને ઘરભેગા થઇ જાય છે. હા, પગારને દિવસે તેઓ દસ વાગ્યે નહીં પણ બરાબર પોણા દસ વાગ્યે જ ઓફિસે પહોંચી જાય છે અને જાણે ઓફીસના બધા કામનો ભાર પોતાને માથે હોય એ રીતે ગંભીર થઈને કામે વળગી જાય છે. મારી વાત ખોટી હોય તો કહો.’‘તારી વાત સોળ આના સાચી છે.’ શાંતા સ્મિત ફરકાવીને બોલી. વામનરાવ પણ હસતો હતો.‘હવે આ વામનરાવનો જ દાખલો લે....!’ દિલીપે ડીશમાંથી પેસ્ટ્રીનો એક ટૂકડો ઊંચકીને મોમાં મુકતા કહ્યું, ‘આ મહાશય અહીં કામ માટે આવ્યા છે. પરંતુ નાસ્તાની સુગંધ આવતાં જ એ કામની વાત ભૂલી ગયો છે. એની ગીધ નજર નાસ્તાની ડીશ પર જ છે.’‘તું એકદમ સાચું જ કહે છે દિલીપ!’ વામનરાવ સ્મિત ફરકાવીને બોલ્યો, ‘કોઈક મોટા કવિએ કહ્યું છે કે પહેલા પેટપૂજા પછી કામની પૂજા...! પેટ ભરેલું હોય તો કામ કરવાની મજા આવે છે.’‘બસ...બસ...હવે ચૂપચાપ નાસ્તો કરી લે....!’ દિલીપે કહ્યું. વામનરાવ આરામથી નાસ્તો કરવા લાગ્યો.નાસ્તો પૂરો કર્યા પછી દિલીપ તરત જ ગંભીર થઇ ગયો.અને ગંભીર શાંતા તથા વામનરાવે રાહતનો શ્વાસ લીધો.‘હા, હવે બોલ...!’ દિલીપનો અવાજ ગંભીર હતો, રુસ્તમના ખૂન વિશે તું શું કહેવા માંગતો હતો?’‘રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે રુસ્તમ એક પુરુષ સાથે ડીલક્સ ક્લબમાં દાખલ થયો.’ વામનરાવે ગળું ખંખેરીને વાતની શરુઆત કરતાં કહ્યું, ‘રૂસ્તમની સાથે રહેલા પુરુષના દેખાવનું વર્ણન, આબેહુબ માધવીના સાથીદાર સાથે મળતું આવતું હતું. અર્થાત ઓવરકોટ, ફ્લેટ હેટ અને આંખો પર ગોગલ્સ ચશ્માં! હવે ડીલક્સ કલબનો કોઈ કર્મચારી તેના ચહેરાથી પરિચિત હોવાનો દાવો ન કરી શકે એ તો સ્પષ્ટ જ છે. કોઈ તેની ઓળખ કરી શકે તેમ ન હતું. બંને એક ખાલી કેબીનમાં જઈને બેસી ગયા. ઓવરકોટધારીએ વેઈટર પાસે જોની વોકર બ્લેક લેબલ વ્હીસ્કીની એક બોટલ મંગાવી. ત્યારબાદ અડધા કલાક પછી ઓવરકોટધારી કેબિનમાંથી બહાર નીકળ્યો. એણે એ કેબીનમાં સેવા આપતા વેઈટરને દસની નોટ પકડાવીને, અંદર બેઠેલા સાહેબ એટલે કે રુસ્તમને ડીસ્ટર્બ ન કરતા આરામથી પીવા દેવામાં આવે એવી સુચના આપી. વેઈટરને એમાં શું વાધો હોય? એણે તેની વાત માની લીધી. ત્યારબાદ ઓવરકોટધારી બીલ ચૂકવીને ચાલી ગયો. ત્યારબાદ લગભગ દસ વાગ્યે વેઈટરે કેબીનમાં નજર કરી.એ વખતે રુસ્ત્મનું માથું ટેબલ પર નમેલું હતું. નશાના અતિરેકથી એ ચકચૂર થઈને સુઈ ગયો છે એમ એણે માન્યું. એ ચુપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. પછી રાત્રે અગિયાર વાગ્યે જયારે ક્લબ બંધ કરવાનો સમય થયો ત્યારે એણે કેબીનમાં જઈને રુસ્તમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ રુસ્તમ જીવતો હોય તો ઉઠે ને? એ તો ક્યારનો ય મૃત્યુ પામ્યો હતો. પુષ્કળ પ્રયાસો કર્યા પછી પણ રુસ્તમ ન ઉઠ્યો ત્યારે વેઈટર જઈને કલબના મેનેજરને બોલાવી લાવ્યો. મેનેજર ખુબ જ અનુભવી માણસ હતો. રુસ્તમ મૃત્યુ પામ્યો છે, એ વાત તે તરત જ સમજી ગયો. એણે જરા પણ વિલંબ કર્યા વગર એ વિસ્તારના પોલીસસ્ટેશને જાણ કરી દીધી. પોલીસ તરત જ ત્યાં પહોંચી ગઈ. એ વિસ્તાર સબ.ઇન્સ્પેકટર અમરજીના હાથમાં છે. એટલે તપાસ કરવા માટે એ જ ત્યાં ગયો હતો. રુસ્તમની ઓળખ થતાં જ એણે મને જાણ કરી. હું તાબડતોબ બનાવના સ્થળે પહોચી ગયો. અમરજીએ મને પ્રાથમિક જે રીપોર્ટ આપ્યો તે મુજબ રુસ્તમને શરાબમાં ઝેર પીવડાવીને મારી નાખવામાં આવ્યો હતો. કેબીનમાં ટેબલ પર વ્હીસ્કીની અડધી ભરેલી બોટલ તથા બે ગ્લાસ પડ્યા હતા. એક ગ્લાસમાં થોડી વ્હીસ્કી ભરેલી હતી જયારે બીજો ગ્લાસ ખાલી હતો. ખાલી ગ્લાસ પરથી વેઈટર તથા રુસ્તમના આંગળાની જ છાપ મળી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભરેલા ગ્લાસનો ઉપયોગ ખૂનીએ કર્યો હતો. ખાલી ગ્લાસ પોતાના હાથમાં મોજા પણ પહેર્યા હતા. પાછળથી આ વાતની સાક્ષી વેઈટર તથા અન્ય બે કર્મચારીઓએ પણ આપી. તેમના કહેવા મુજબ ઓવરકોટધારીએ હાથમાં મોજા પહેર્યા હતા.’‘હું...’ દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો, ‘પછી...?’‘રુસ્તમનુ મૃત્યુ કોઈક કાતિલ ઝેરથી થયું છે, એ વાત તો પોલીસ સર્જને મૃતદેહનું નિરીક્ષણ કર્યા પછી તરત જ જણાવી દીધી હતી.’ એક ઊંડો શ્વાસ લઈને વામનરાવે જવાબ આપતા કહ્યું, ‘મૃતદેહનું પોસ્ટમોર્ટમ આજે બપોરે થશે. ઉપરાંત જે ગ્લાસ પરથી રુસ્તમના આંગળાની છાપ મળી છે, તેણે પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે. વેઈટરને ઓવરકોટધારીએ બક્ષિસ તરીકે આપેલી દસની નોટ, તથા બીલ ચુકવતી વખતે આપેલી સોની નોટ પોલીસે કબજે કરી લીધી છે. બદલામાં પોલીસે એટલી જ રકમ તેમને ચૂકવી આપી છે.’‘દસની નોટનું તો જાણે સમજ્યો...પણ સોની નોટ વિશે તું આટલી ખાતરીથી કેવી રીતે કહે છે કે એ ઓવરકોટધારીએ જ આપી હતી? આવી તો ઘણી નોટો ત્યાં આવતી હશે.’ દિલીપે મુઝવણભરી નજરે વામનરાવ સામેં જોતા કહ્યું, ‘પોલીસે જે સો રૂપિયાવાળી નોટ કબજે લીધી છે, એ બદલાઈ ગઈ હોય એવું ન બને?’‘ના, એવું નથી બન્યું!’‘કેમ...?’‘કહું છું સાંભળ...! ગલ્લામાં હજાર રૂપિયા ભેગા થાય એટલે તેને રબ્બરની રીંગ ચડાવીને જુદા મૂકી દેવાની મેનેજરને ટેવ છે. છેલ્લે એણે આઠ વાગ્યે હજાર રૂપિયા આ રીતે જુદા બાંધીને મુક્યા હતા. ઓવરકોટધારીએ સાડાઆઠ વાગ્યે બીલ ચુકવ્યું ત્યાં સુધીમાં હજાર રૂપિયા ભેગા નહોતા થયા. બલ્કે ક્લબ બંધ થઇ, ત્યાં સુધી હજાર રૂપિયાનો મેળ નહોતો થયો. ઉપરાંત આઠ વાગ્યા પછી સો રૂપિયાવાળી એક જ નોટ આવી હતી કે જે ઓવરકોટધારીએ આપી હતી.’‘તો આનો અર્થ એ થયો કે...’ દિલીપ બોલ્યો, ‘અનેક લોકોની હાજરીમાં ખૂની આરામથી, ઠંડે કલેજે રુસ્તમનુ ખૂન કરીને ચાલ્યો ગયો અને કોઈને તેની ગંધ સુધ્ધા ન આવી કે ન તો કોઈ તેને ઓળખી શક્યું.’વામનરાવે હકારમાં માથું હલાવ્યું.‘વારુ, મેં ખાનને પ્રમોદ કલ્યાણી, રણજીત, અમિતકુમાર તથા મોતીલાલ જૈન પર સાદા વેશમાં પોલીસને નજર રાખવાનું કહ્યું હતું. આ બાબતમાં એણે શું કર્યું એની તને ખબર છે?’‘હા...’‘શું...?’‘આ કામ ખાને મને જ સોપ્યું હતું. મેં ચાર સિપાહીઓને એ ચારેય પર નજર રાખવા માટે મોકલ્યા હતા. પરંતુ ચારમાંથી ત્રણ જાણ ગધેડા પુરવાર થયા !’ વામનરાવે નિરાશાભર્યા અવાજે કહ્યું.‘ગધેડા...?’‘હા...ગધેડા...અર્થાત ડોન્કી....!’‘એમ...? એવું તે એ ત્રણેયે શું કરી નાખ્યું છે કે જેથી તારે તેમને આવી સરસ મજાની ઉપમા આપવી પડી છે?’ દિલીપે સ્મિત ફરકાવતાં પુછ્યું.‘માત્ર એક સિપાહીએ જ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. મોતીલાલ પોતાની કારમાં બેસીને નીકળ્યો તો એણે તરત જ એક ટેક્સીમાં બેસીને તેની કારનો પીછો શરુ કરી દીધો. અમિતકુમાર કોલેજમાંથી બહાર નીકળી, સ્કૂટર લઈને ચાલ્યો અને એના પર નજર રાખતો પોલીસ ચૂપચાપ તેને જતો જોતો રહ્યો. પ્રમોદ કલ્યાણી મહેતાની હોસ્પિટલમાંથી બહાર નીકળી, ટેક્સીમાં બેસીને ચાલ્યો ગયો. એના પર નજર રાખતાં સિપાહીએ તેની પાછળ જવાનો જરા પણ પ્રયાસ ન કર્યો અને આવું જ રણજીત સાથે થયું.’‘વાહ...ધન્ય છે તને અને તારા પોલીસ ડીપાર્ટમેન્ટને !’ દિલીપે કપાળ ફૂટતા કહ્યું, ‘ખેર, પછી શું થયું ?’ ‘થાય શું...?’ વામનરાવ મોં મચકોડીને બોલ્યો, ‘એ ત્રણેય નિરાશ થઈને સોગિયા મોં કરીને હેડ ક્વાર્ટર પાછા આવ્યા.’‘તો તારે એ ત્રણેય અર્થાત... કલ્યાણી, અમિતકુમાર તથા રણજીત પર નજર રખાવવાની બીજી કોઈક વ્યવસ્થા કરાવવી હતી ને?’‘એ વખતે હું હેડ કવાર્ટરમાં હાજર હોત તો જરૂર આવી વ્યવસ્થા કરાવત ! પરંતુ મારી ગેરહાજરીમાં કોઈને કંઈ કરવાનું સુઝ્યું જ નહીં.’ વામનરાવના અવાજમાં નિરાશાનો સૂર હતો.‘મારું ચાલે તો આખા પોલીસ વિભાગને તોપના મોએ બાંધીને ઉડાવી દઉં!’ દિલીપે રોષભેર હવામાં મુઠ્ઠી વિંઝતા કહ્યું. વામનરાવ સ્મિત ફરકાવીને રહી ગયો.’ઇન્સ્પેકટર....’ સહસા શાંતાએ કાંઈક વિચારીને પૂછ્યું, ‘પોલીસે ડીલક્સ કલબના મેનેજર પાસેથી કબજે કરેલી સો રૂપિયાવાળી નોટ, ચોરાયેલી રકમમાંથી જ હોય એવું ન બને?’‘આ બાબતમાં ખાતરીપૂર્વક કશું જ કહી શકાય તેમ નથી. કારણકે જે દસ લાખ રૂપિયાની ચોરી થઇ છે, એ રકમની નોટોનો નંબર અમારી પાસે નથી. ઉપરાંત એમાં પચાસવાળી નોટો પણ હતી.’ વામનરાવે નિરાશાથી માથું હલાવતાં જવાબ આપ્યો.‘વામનરાવ....!’ દિલીપ બોલ્યો, ‘ગુનેગાર ખુબ જ ચાલક છે એટલે તે આટલી જલ્દીથી ચોરીની રકમમાંથી નોટો ખર્ચવાનું શરુ કરી દે એવું મને તો નથી લાગતું.’‘બરાબર છે...પણ એવું થયું હશે એમ માની તો શકીએ છીએ ને?’ શાંતાએ પૂછ્યું.‘એનાથી શું ફર્ક પડવાનો છે? માની લેવાથી મારું, કે તારું વજન નથી વધી જવાનું.’શાંતાએ દિલીપની વાત પ્રત્યે ધ્યાન ન આપતા વામનરાવ સામે જોયું.‘ઇન્સ્પેકટર...! સો રૂપિયાવાળી એ નોટ દેખાવમાં કેવી છે? નવી કે જૂની ?’ એણે પુછયુ.‘દેખાવ પરથી તો નવા જેવી જ લાગે છે.’‘અર્થાત... નવી હોવાની શક્યતા પણ ખરું ને ?’‘હા...’ વામનરાવે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, વામનરાવનો જવાબ સાંભળીને વિચારમાં ડૂબી ગઈ.‘ક્યારેક ક્યારેક નાનકડી કડી પણ ગુનેગારને પકડવામાં મદદરૂપ થાય છે.’ થોડી પળો સુધી વિચાર કર્યા બાદ એણે કહ્યું,‘કદાચ એ નોટ આપણને ખુનીનું નામ જણાવી દેશે.’‘હું..’ .દિલીપે હુંકાર કર્યો. પછી શાંતા સામે જોઇને એણે પૃથ્વીરાજ કપૂરની જેમ કહ્યું, ‘શાંતા, અહી કોઈ કોયડાની સ્પર્ધા નથી ચાલતી સમજી ? તારે જે કઈ કહેવું હોય તે એકદમ સ્પષ્ટ રીતે કહે.’‘તો સાંભળો...!’દિલીપ તથા વામનરાવ પ્રશ્નાર્થ નજરે શાંતા સામે તાકી રહ્યા હતા.‘વચ્ચે હડતાળને કારણે કેટલાય દિવસો સુધી બેંકો બંધ હતી.’ શાંતા બોલી, ‘હડતાળ પૂરી થયા પછી બધી બેન્કોમાં કામનો બોજો એકદમ વધી ગયો હશે. રીઝર્વ બેન્કે પણ મોટી સંખ્યામાં નવી નોટો અન્ય બેન્કોને મોકલી હશે. હવે માની લો કે, પોલીસે કબજે લીધેલી સોની નોટો નવી હતી, તો આપણે રીઝર્વ બેંકમાં જઈને, એ નોટવાળું બંડલ કઈ બેન્કોને મોકલવામાં આવ્યું હતું. તે જાણી શકીએ તેમ છીએ અને....‘એક મિનીટ....એક મિનીટ....!’ સહસા દિલીપે વચ્ચેથી જ તેને આગળ બોલતી અટકાવીને કહ્યું, ‘ઘડીભર માટે માની લે કે રીઝર્વ બેંકે એ નંબરની નોટવાળું બંડલ બેંક ઓફ ઇન્ડિયાને મોકલ્યું હતું. તેની આપણને ખબર પડે છે એટલે આપણે એ બેકમાં જઈને પૂછપરછ કરીએ છીએ. તો ડીયર શાંતા, એનાથી પણ આપણને કોઈ લાભ નથી થવાનો. એ બંડલની નોટ કઈ તારીખે લોકોને આપવામાં આવી હતી, માત્ર એટલું જાણવા મળશે. કેશિયર ગ્રાહકને રકમ આપતી વખતે આપેલી નોટોનો નંબર નથી લખતો. એ તો બંડલ તોડીને રકમ ચૂકવવાનું શરુ કરી દે છે.’‘દિલીપ....તું આવડો મોટો જાસુસ છે. પણ તારામાં ધીરજ તો જરા પણ નથી. અરે, પહેલા મારી વાત તો સરખી રીતે સાંભળી લે.’ શાંતાએ સ્મિત ફરકાવતાં કહ્યું. ‘સંભળાવ ત્યારે....!’ જાણે શાંતા પર ઉપકાર કરતો હોય એવા અવાજે દિલીપ બોલ્યો.‘દિલીપ....કઈ તારીખે એ બંડલ અથવા તો એ નંબરવાળી નોટ બહાર આવી હતી એટલું જાણવા મળે તો પણ ઘણું છે. આપણે બેંકમાં જઈને એ તારીખે ક્યાં ક્યાં માણસોએ બેંકમાંથી પૈસા ઉપાડ્યા છે. તે જાણી શકીએ તેમ છીએ. માધવીનો સાથીદાર એટલેકે ઓવરકોટધારી, મોતીલાલ, પ્રમોદ કલ્યાણી, અમિતકુમાર અને રણજીત...આ ચારમાંથી જ કોઈક છે એ તો નક્કી જ છે. હવે જો એ તારીખે બેંકમાંથી પૈસા ઉપાડનાર તરીકે આ ચારમાંથી કોઈનું નામ નીકળે તો, એ જ સાચો ગુનેગાર છે તેની આપણને ખબર પડી જશે. માધવીનો સાથીદાર ઓવરકોટધારી એ માણસ જ છે તે નક્કી થઇ જશે.’વામનરાવે પ્રશંસાભરી નજરે શાંતા સામે જોયું.‘કમાલ કહેવાય...!’ એ બોલ્યો, ‘તમારું દિમાગ આટલી દૂરની વાત વિચારશે એવી તો મેં કલ્પના પણ નહોતી કરી.’એની આંખોમાં પણ શાંતા પ્રત્યે પ્રશંસાના હાવભાવ છવાયેલા હતા.‘આપણું કામ એકદમ સહેલું છે. જો નોટ નવી હોય અને સીધી બેંકમાંથી જ ઓવરકોટધારી પાસે પહોંચી હોય તો પછી એ કાયદાના પંજામાંથી નહીં બચી શકે.’‘વામનરાવ..!’ દિલીપે વામનરાવ સામે જોતા પૂછ્યું, ‘એ નોટ ક્યાં છે?’‘હેડક્વાર્ટરે ...!’ વામનરાવે જવાબ આપ્યો.‘માત્ર તું એકલો જ અહીં હાજર છો એમ ને?’ દિલીપે હિટલરની જેમ હાથ ઉંચો કરતા કહ્યું, ‘ચાલ, હેડક્વાર્ટરે જવાની તૈયારી કર!’‘એમાં વળી શું તૈયારી કરવાની બાકી છે....? હું તૈયાર જ છું. ચાલ....!’ વામનરાવ ઉભો થતાં બોલ્યો.ત્યારબાદ દિલીપ તથા વામનરાવ પોલીસ હેડક્વાર્ટર જવા માટે રવાના થઇ ગયા.

***