પાછળ ના ભાગમાં આપણે જોયું કે અંગ્રેજી યુવતીનુ અપહરણ કરીને ચારેય મિત્રો પુરાની હવેલી માં લઇ આવે છે યુવતી દ્વારા પ્રતિકારમાં કાચ ની બોટલ એ લકો પર ફેંકાતાં એક મોટો બ્લાસ્ટ થાય છે ત્યાર પછી ચારેય મિત્રોમાંથી એક જણ ગાયબ હોય છે સાથે સાથે એ યુવતી પણ હવે આગળ)
રઘુએ તોતિંગ દરવાજાની મધ્યમાં ખુલી ગયેલા બાકોરામાંથી જે દ્રશ્ય જોયું એક ખૂબ જ ભયાનક હતું.
પેલી અંગ્રેજી યુવતીએ જૂનીપુરાણી એક ગ્લાસની બોટલનો જેવો ઘા કરેલો એવો જ મોટો બ્લાસ્ટ થયેલો. જબરજસ્ત ધમાકામાંથી જન્મેલા ધુમાડાના વિસ્તરી રહેલા સામ્રાજ્ય વચ્ચે બધાંની હાજરી જાણે વિલુપ્ત થઈ ગઈ.
આંખો પરસ્પરને જોવા ઓશિયાળી થઈ ત્યારે એક કારમી દર્દનાક ચીસ ચારેના કાનમાં ખૂપી ગઇ હતી.
ધુમ્મસ ઓસરતાં પોતાનો એક સાથી સુખો અને અંગ્રેજ મહિલા ગાયબ હતી. સુખાને ગોતવા નીકળેલા રઘુ અને યાદવને આમ અચાનક આવી હાલતમાં અંગ્રેજ મહિલા નજરે પડશે એવી એમણે કલ્પના નહોતી.
"એ આપણને અહીંથી ભાગી જવાનું કેમ કહેતી હતી..?"
ભાગી રહેલા યાદવે અધ્ધર જીવે રઘુને પૂછ્યું.
રઘુના ચહેરા પર બાર વાગેલા એણે જોયા.
"કેમકે એ આપણને બચાવવા માગે છે યાર .. ખબર નહિ કેમ પણ મને એવું ફીલ થયું. સુખાને ગોતવામાં આપણે કોઈ નવી મુસીબતમાં મુકાઈ જઈશું. મોત માથે તોળાતું હોય ત્યારે આપણો જીવ બચાવી બહાર નીકળી જવામાં શાણપણ છે..!"
ભાગતાં ભાગતાં રઘુ અટકી અટકીને બોલતો હતો..
"હવે ભગવાનને પ્રાર્થના કર એનો ભેટો ફરીવાર ન થાય..!
ગ્લાસની બોટલનો બ્લાસ્ટ થયા પછી જેટલી કરચો ઉડી હતી એ બધી જ ધારદાર કરચો એના આખા ચહેરા પર ચીપકી ગઈ હતી. આખો ચહેરો લોહીથી ખરડાયો હતો.
ખૂબ જ ભયાનક દેખાવ હતો એનો..!"
"શું એ મરી ગઈ છે..?"
યાદવના સ્વરમાં ચોખ્ખો ખૌફ વર્તાયો.
"કંઈ પણ કહેવું મુશ્કેલ છે..!" રઘુનું મન જાણે કે સત્ય સ્વીકારવા તૈયાર ન હતું.
અચાનક રઘુ અને યાદવે જોયું કે હવેલીની લાંબીમાં લેમ્પ ચાલુ બંધ થવા લાગ્યા.
હવેલીમાં લેમ્પ પણ હતા એ વાતનો એમને હવે ખ્યાલ આવ્યો.
"અહીં કોઈ છે યાર..? રઘુએ લબક -ઝબક થતી લાઈટ્સને જોતા કહ્યું.
"હું પણ તને એ જ કહેવા માગું છું.! જ્યારથી હવેલીમાં પ્રવેશ કર્યો છે ત્યારથી ફરી ફરીને રક્ત નજરમાં ચડી રહ્યું છે..!"
રઘુ કંઈક બોલવા જતો હતો પણ એકાએક કામલેની તરડાયેલી બૂમ સાંભળી ધ્રૂજી ઉઠ્યો.
"યા...દ...વ...!"
દૂર ખેંચાતા જતા અવાજથી યાદવની ઝડપ બેવડાઈ ગઈ.
ત્રીજી સેકન્ડે બંને જણા એ જગ્યાએ હતા જ્યાં કામલેને બેસાડ્યો હતો.
કામલેને એની જગ્યા પર ના જોતાં બંનેના પેટમાં ફાળ પડી.
મોબાઇલ ટોર્ચના ઉજાસમાં રઘુ એ જોયું left side જતી લાંબીમાં ખૂનના લિસોટા લંબાયા હતા.
"કામલેને આ તરફ કોઈ ખેંચી ગયું લાગે છે..?
મનોમન કોઈ અડગ નિર્ધાર કરી યાદવે રઘુનો હાથ ખેંચતા લિસોટા વાળી દિશામાં ભાગવા માંડયુ.
મોબાઇલ ટોર્ચથી લિસોટા જોવાની કોશિશ કરતો રઘુ યાદવ પાછળ દોરવાયો.
વર્ષો જૂનો ઇતિહાસ સમેટીને બેઠેલી હવેલી જાણે કે જીવંત બની ગઈ હતી.
ચિત્ર વિચિત્ર અવાજો આવી રહ્યા હતા.
કશોક ગણગણાટ થઇ રહ્યો હતો. ક્યાંક કોઈ હિંચકે ઝૂલી રહ્યું હોય એમ લોઢાની કડીઓનો કર્કશ કકળાટ કળાતો હતો.
ફર્શ પર ખેંચાયેલા આછા પાતળા લિસોટા એક શાહી ખંડના દરવાજે અટકી ગયેલા.
કલાત્મક દરવાજાની દશા જોઈ યાદવને ચીતરી ચડી. જાણે કે આખા એ દરવાજા પર કોઈએ લોહીમાં બોળેલુ પોતુ ફેરવી દીધું હોય..!
અસહાય નજરે રઘુએ યાદવ તરફ જોયું.
"કામલે આ ખંડમાં જ હોવો જોઈએ..!"
યાદવ બોલ્યો જરૂર હતો.
પરંતુ દરવાજા પરની રંગોળી જોઇ એની રહી સહી હિંમત પણ જવાબ દઈ ગઈ હતી.
સાવ બોદા અવાજે એણે કહ્યુ.
"ભાગ રધુ..! નહિતો આપણુ શરીર પણ ગોત્યુ હાથ નહિ લાગે..!"
ગોઝારી ઘટનાઓ ગાળીઓ કરીને ઊભી થઈ ગઈ હતી.
પવનવેગે ભાગી રહેલા રઘુ અને યાદવને મુખ્ય ગેટ તરફ પહોંચતા પહેલા અટકી જવું પડ્યું.
લાંબીની મધ્યમાં એક સ્ત્રી આકાર દેખાયો.
એના ખુલ્લા વિખરાયેલા વાળ અંગારાની જેમ ભભકતી આંખો જોઈ બંનેના મોતિયા મરી ગયા..!
લબક જબક થતાં લેમ્પના ઉજાસમાં એનો અછડતો ચહેરો દેખાયો.
આ તો એ જ અંગ્રેજ મહિલા હતી જેના દાહક રૂપની જવાળાઓમાં પોતાની જાતને ભૂંજી નાખવા ચારેય તૈયાર થયા હતા.
"ક.. કોણ..?" રઘુની જીભ થોથવાઈ.
"મેરે ઘર મે આકર મુજે હી પૂછતા હૈ તુમ કોન હો..?"
એ સ્ત્રી આકારનો અવાજ ઊંચો અને સમગ્ર હવેલીની દિવારોમાં પડઘાતો આવ્યો.
તુમ લોગો કી જુર્રત કેસે હુઈ મેરે ઘર મે મેરી આજ્ઞા કે ખિલાફ પ્રવેશ કરને કી..?
યાદવ સમજી ગયો હતો કે આટલું શુદ્ધ હિન્દી અંગ્રેજ મહિલાનુ તો નહોતુ જ..!
બે હાથ જોડી કરગરતો હોય એમ યાદવ બોલ્યો.
"અમારી ભૂલ થઈ ગઈ છે પ્લીઝ એકવાર અમને માફ કરી દો..!"
"ભૂલ નહીં હૈ..?" પેલી યુવતીનો અવાજ આક્રમક થયો. અક્ષમ્ય ભૂલ કી હૈ તુમ લોગો ને..? મહેલસે બેશકીમતી ચીજે ચુરાકર ઈન વિદેશનો કી હાથો મેં રખદી.. તુમ્હારે ગલતી માફી કે લાયક નહિ હૈ..! ઈસકી સજા મિલેગી તુમ્હે..!"
"હમ આપકી વો સારી ચીજે વાપસ લૌટા દેંગે..!"
"મેરી ચીજે વાપસ લેની મુજે આતી હૈ..! વૈસે ઓરતો કે લીયે તુમ્હારી લાલસા ને આજ તુમ્હે પુરી તરહ ફસા દિયા હૈ ! તુમ ચારોને ઈસ ઔરત કે સાથ યહાં આકર મેરા કામ ઔર ભી આસાં કર દિયા...!"
એટલુ બોલીને એ મુક્ત રીતે હસી. હવેલીના સૂનકારમાં પડઘાઈ રહેલું હાસ્ય બંનેના રૂંવાટા ઉભા કરી ગયું. એની ખૌફનાક ગર્જના ફરી સંભળાઈ.
"મૈ અબ અપની હવેલી કી રક્ષા કરના બખૂબી જાનતી હું સમજે તુમ..?"
એટલું કહીને એણે કાચની કરચો વડે રક્તથી રંગાઇ ગયેલો ચહેરો ઉચકયો. પોતાનો હાથ આગળ કરી લંબાવ્યો.
રબ્બરની જેમ લંબાએલા હાથે બંનેના ગળામાં ગાળીયાની ભીંસ વધારી.
યાદવ અને રઘુની આંખોના મોટા મોટા ડોળા બહાર નીકળી આવ્યા.
વીંજણો વિંજતી હોય એમ બેઉ શરીરને હવામાં ફંગોળી બહાર ફેંકી દીધા.
એક મોટી પછડાટ સાથે બે ભારેખમ શરીર પીટરની ઓરડીના દરવાજે ધમાકા સાથે અફળાયા.
દારૂની મોજ માણી રહેલો પીટર હજુ ઊંઘ્યો નહોતો.
દરવાજા પર ભારેખમ શરીર અથડાવાનો અવાજ એટલો જબરદસ્ત હતો કે પિટરનો બધો જ નશો ઉતરી ગયો.
સફાળા બેબાકળા બની વિસ્ફોટક ઘટનાનો તાગ પામવા પીટરે દરવાજો ઉઘાડી નાખ્યો.
પીટરના કમરાની આગળ જ યાદવ અને રઘુનાં શરીર કાળાંભઠ્ઠ બનીને પડ્યાં હતાં.
જાણે કે વિજલાઈટના થાંભલાના જીવતા તાર પકડી બન્ને ભૂંજાઈ ગયા હતા.
પીટરનું બંધ પડેલું ભેજુ કાર્યરત થઈ ગયું.
ચાર જણા ભીતર આવ્યાં હતાં.. બન્નેની ડેડ બોડી નજર સામે હતી.. બાકીના બે ભીતર હતા.!
પીટર સારી રીતે એ વાત જાણતો હતો કે ડેડબોડી પર કોઈની નજર પડવાનો મતલબ હતો આ લોકોના મૃત્યુનું રહસ્ય જાણવા સીધી યા આડકતરી રીતે પોલીસ દ્વારા પુરાની હવેલી તરફ શંકાની સોય ભોંકાવાની. પોલીસ તપાસનો આરંભ થશે તો ઘણા સમયથી ચોરાઈ રહેલાં પુરાતન અવશેષોની વાત છતી થઈ જશે.
લાશોને one by one નદીમાં પધરાવી દેવાનો વિચાર પીટરને યોગ્ય લાગ્યો.
પિટર ડેડબોડીને ઊંચકવા જેવો નીચે નમ્યો કે યાદવની ડેડ બોડીના બે હાથ વચ્ચે એ જકડાઈ ગયો.
એ સમયે હવેલીમાંથી બે ઓળા આવતા દેખાયા.
ગભરાઈ ગયેલો પીટર ટોર્ચ લાઈટ એ તરફ નાખી જોવા લાગ્યો.
અંગ્રેજ યુવતીના વિખરાયેલા વાળ ના લીધે એનો ચહેરો ઢંકાઈ ગયો હતો.
એનુ પડખે પડખું દાબી નત મસ્તકે ચાલતો સુખો રોબોટની જેમ પાછળ દોરવાઈ રહ્યો હતો.
ક્રઃમશ:
પ્રેતાત્મા આઝાદ થવા પાછળનું મૂળ કારણ શું હતું એ જાણવા વાંચતા રહો ચીસ..