સેલ્ફી:-the last photo
Paart-27
મેઘા અને શુભમને શોધતી શોધતી રુહી એવી જગ્યાએ પહોંચી ગઈ હતી જ્યાં એક માસ્ક પહેરેલો માણસ મેઘા ની હત્યા કરી રહ્યો હતો.રુહીની નજરો ની સામે જ એ ખૂંખાર હત્યારા એ મેઘા ને રહેંસી નાંખી.મેઘાની કપાયેલી બોડી નો ખાત્મો કર્યા બાદ એ હત્યારા એ પોતાનાં ચહેરા પરનો માસ્ક જેવો દૂર કર્યો એવો જ એનો ચહેરો રુહીએ જોઈ લીધો.
એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ શુભમ હતો..રુહી જેને સાચાં દિલથી પ્રેમ કરતી હતી એ જ શુભમ આ બધી હત્યાઓ પાછળ સામેલ છે એ જાણ્યાં બાદ રુહી ને ઘણો આઘાત લાગ્યો હતો.આ આઘાતમાં જ રુહી દ્વારા અવાજ થતાં શુભમ એને જોઈ ગયો.રુહી પોતાનો જીવ બચાવવા ભાગી અને શુભમ હાથમાં મીટ કટર લઈને એની પાછળ ભાગ્યો.
જીવ બચાવવાની હવે જોરદાર જદોજહદમાં રુહી લાગી હતી.શુભમ પણ એની પાછળ ને પાછળ ભાગી રહ્યો હતો.
"રુહી ઉભી રે.."રુહીને ઉભી રહેવાનો આદેશ આપતો હોય એમ બોલી.
શુભમનો અવાજ સાંભળી રુહીએ એક વાર પાછળ ફરીને જોયું પણ એ અત્યારે શુભમની કોઈ પ્રકારની વાત સાંભળવા તૈયાર નહોતી.જે વ્યક્તિ એ પોતાની નજરોની સામે એક હત્યા કરી હોય અને ક્રૂરતાપૂર્વક એની લાશનાં ટુકડા કર્યાં હોય એની કોઈ વાત સાંભળવી પણ સામે ચાલે મોતને નિમંત્રણ આપવા સમાન છે.
રુહી દોડીને રોહન જ્યાં સૂતો હતો ત્યાં પહોંચવા માંગતી હતી..કેમકે રુહી જાણતી હતી કે શુભમથી એને અત્યારે ત્યાં વેરાન જંગલમાં કોઈ બચાવી શકે એવું હોય તો એ રોહન જ છે.
"રુહી..પ્લીઝ એકવાર મારી વાત સાંભળી લે.."શુભમ રુહી ને ઉભી રહેવાનું કહી રહ્યો હતો.
અચાનક દોડતાં દોડતાં શુભમને ઠેસ વાગી અને એ છાતીનાં બળે નીચે જમીન પર પડી ગયો..નીચે પડવાથી એનાં હાથમાં રહેલું મીટ કટર નીચે પડી ગયું.શુભમને થોડું વાગ્યું પણ હતું પણ એ એની પરવાહ કર્યા વગર ઉભો થઈ ગયો.
શુભમે ઉભાં થઈને આમતેમ નજર દોડાવી પણ રુહી એની નજરોથી ઓઝલ થઈ ગઈ હતી.એ નીચે પડી ઉભો થયો એટલાં સમયગાળામાં રુહી સમય ની તક વાપરી ક્યાંક છુપાઈ ગઈ હતી.રાત્રી નાં અંધકારમાં શુભમ આમ થી તેમ આંટા ફેરા મારી રુહી ને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો..પણ બધું વ્યર્થ.ઘોર અંધકાર અને ઝાડી ઝાંખરા ને લીધે રુહી એને દેખાઈ નહોતી રહી.
"રુહી..પ્લીઝ તું એકવાર મારી વાત સાંભળ મારે તારી સાથે ઘણી એવી વસ્તુઓ છે એ ક્લિયર કરવી છે."રુહી ને શોધતાં શોધતાં શુભમ બોલી રહ્યો હતો.
શુભમનાં દસેક મિનિટનાં પ્રયત્ન છતાં રુહી ની કોઈ ભાળ ના મળી એટલે એ થોડો અકળાઈ ગયો.એટલામાં ઝાડીઓમાં થોડી સરવરાટ થતાં એનું ધ્યાન એ તરફ ગયું.
શુભમ પોતાનાં શ્વાસોશ્વાસ પર કાબુ મેળવતો દબાતાં પગલે એ તરફ અગ્રેસર થયો.ત્યાં રુહી છુપાયેલી છે એવો અંદાજો શુભમને મનોમન આવી ગયો હોવાંથી એ રુહી ને અવાજ આપતાં બોલી રહ્યો હતો.
"રુહી..મને ખબર છે તું ત્યાં છે.બહાર નિકળ મારે તારી સાથે બધી વસ્તુ ક્લિયર કરવી છે.."
શુભમની વાત નો કોઈ પ્રતિભાવ ના આવ્યો એટલે એ અવાજની દિશા સુધી પહોંચી ગયો અને ત્યાં ઝાડીઓ દૂર કરી એને ખસેડતાં બોલ્યો.
"રુહી..મારી વાત તો.."
પણ ત્યાં રુહી નહોતી એટલે શુભમની વાત એનાં ગળામાં જ અટકી ગઈ.રુહી ત્યાં નહોતી એ જોઈ શુભમને આશ્ચર્ય મીશ્રીત આંચકો લાગ્યો.
"રુહી અહીં નથી તો ગઈ ક્યાં.."મનોમન આટલું વિચારતાં શુભમ પાછો વળ્યો.
અચાનક રુહી એની સામે પ્રગટ થઈ..શુભમ કંઈ બોલે કે વિચારે એ પહેલાં રુહીએ પોતાનાં હાથમાં રહેલું લાકડું બળપૂર્વક શુભમનાં ચહેરા પર ફટકારી દીધો..આ બધું ઘડી નાં છઠ્ઠા ભાગમાં બન્યું હોવાથી શુભમ પ્રતિકાર કરવામાં અસમર્થ હતો.રુહી એ કરેલો ઘા એટલો જોરદાર હતો કે શુભમને તમ્મર આવી ગયાં અને એ બેહોશ થઈને જમીન પર ઢળી પડ્યો.
શુભમનાં કપાળમાંથી અત્યારે લોહી આવી રહ્યું હતું..રુહી નાં શ્વાસોશ્વાસ અને હૃદય નાં ધબકારા બમણી ગતિએ ચાલી રહ્યાં હતાં.પોતે જેને એક નખ વાગે તો પણ દુઃખી થઈ જતી એને પોતાનાં જ હાથે આ રીતે ઈજા પહોંચાડવી પડી એનાં લીધે રુહી નું મન રડી રહ્યું હતું.એની આંખો ભરાઈ આવી હતી અને આખો ચહેરો પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો.
પોતાનાં હાથમાં રહેલ લાકડાંને નીચે ફેંકી રુહી રોહનને બોલાવવા ત્યાંથી નીકળી ગઈ.કેમકે એ એનાંથી વધુ ઈજા શુભમને પહોંચાડવાનું સામર્થ્ય નહોતી ધરાવતી.
આ તરફ રોહન પણ નીંદરમાંથી જાગી ગયો હતો..મેઘા,શુભમ અને રુહીને ત્યાં ના જોઈને એ ચિંતિત બની એ લોકો ને આમ થી તેમ શોધી રહ્યો હતો.એક ડર નું લખલખું એનાં શરીરમાંથી વારંવાર પસાર થઈ જતું હતું.મેઘા અત્યારે મોટી મુસીબતમાં હોવી જોઈએ એ વાત એ શાયદ જાણતો હતો.
રોહન ની નજર અચાનક સામેથી દોડીને આવતી રુહી પર પડી..રુહીનો ચહેરો તો એને દૂરથી સાફસાફ ના દેખાયો પણ કદકાઠી પરથી રોહનને અંદાજો આવી ગયો હતો કે એ રુહી જ હોવી જોઈએ.રોહન પણ દોડીને રુહી આવી રહી હતી એ તરફ દોડતો આગળ વધ્યો.
રોહનને સામે જોઈ રુહી રડતાં રડતાં એને વળગી ગઈ અને બોલી.
"રોહન..મેઘા.."
"શું થયું મેઘા જોડે..અને શુભમ ક્યાં..??તારી આવી હાલત કોને કરી..?"રુહીને શાંત કરતાં રોહન બોલ્યો.
"રોહન..મેઘા ની હત્યા થઈ ગઈ છે અને હત્યારો..ત્યાં.."પોતાનાં શ્વાસ પર કાબુ મેળવતાં રુહી માંડ આટલું બોલી શકી.
મેઘા ની હત્યા થઈ ગઈ હતી એ વાત રુહીનાં મોંઢે સાંભળી રોહનનાં પગ નીચેથી જમીન સરકી ગઈ.એનું સઘળું એક પળમાં લૂંટાઈ ગયું હોવાંની લાગણી એને થઈ રહી હતી.એનાં મનમાં દુઃખ અને ગુસ્સા ની બેવડી લાગણી અત્યારે ચક્રવાત મચાવી રહી હતી.
"કોને કરી મેઘા ની હત્યા..??અને કોણ છે એનો હત્યારો..?"રુહીની તરફ જોઈને રોહન ગુસ્સા સાથે બોલ્યો.
"રોહન..મને કહેતાં દુઃખ થાય છે કે શુભમ જ મેઘા નો હત્યારો છે..એને મારી આંખો સામેજ મેઘાની કરપીણ હત્યા કરી અને એની લાશનાં ટુકડે ટુકડા કરી નદીમાં નાંખી દીધી.એ મને મારવા પણ મારી પાછળ આવ્યો પણ હું જેમતેમ કરી મહાપરાણે જીવ બચાવી ભાગી આવી."રુહી સપાટ સ્વરે ઉતાવળાં બધું એકશ્વાસે બોલી ગઈ.
"શું.. શુભમ..તારી કોઈ ભૂલ તો નથી થતી ને..?"શુભમ જ હત્યારો હોવાંની વાત રોહનને ગળે નહોતી ઉતરી રહી એટલે રુહી જે પણ કહી રહી હતી એની ખરાઈ કરતાં એ બોલ્યો.
"રોહન,મારી કોઈ ભૂલ નથી થતી મેં મારી સગી આંખે શુભમનો ચહેરો જોયો છે..અને તને વિશ્વાસ ના આવતો હોય તો ચાલ મારી સાથે.હું એને બેહોશ કરીને આવી છું."રુહી બોલી.
"રુહી ચાલ હું તારી સાથે આવું છું.."રોહન બોલ્યો.
રોહનને રુહી ની આંખો અને વાતોમાં સચ્ચાઈ ની રણકાર સ્પષ્ટ જણાતાં એ રુહીની સાથે ચાલવા તૈયાર થઈ ગયો.પોતે જે વ્યક્તિ ને પ્રેમ કરતી હોય એને જ કાતિલ કહી રહી હતી એટલે એ ખોટું તો નહોતી જ બોલી રહી.
ત્યાં ગયાં પહેલાં રોહને પોતાની બેગમાંથી રિવોલ્વર કાઢી એને લોડ કરી પોતાનાં પેન્ટ માં ભરાવી દીધી.ત્યારબાદ રુહીની પાછળ પાછળ એ શુભમ જ્યાં બેહોશ પડ્યો હતો એ તરફ સાચવી સાચવી આગળ વધી રહ્યો હતો.
જતાં જતાં રોહનનાં મનમાં એક જ સવાલ હતો કે પોતાનો ખાસ મિત્ર શુભમ આવું કરે કેમ..??શુભમ ની પાસે એવું તે શું કારણ હતું જેને એને પોતાનાં જ દોસ્તો નો હત્યારો બનાવી દીધો..??જેનો જવાબ એને ફક્ત એક જ વ્યક્તિ આપી શકે એમ હતો અને એ હતો 'શુભમ'.
★★★★★★★
વધુ આવતાં ભાગમાં.
શુભમ પોતાનાં જ દોસ્તોની હત્યા કેમ કરી રહ્યો હતો..??મેઘા અને રોહન શું સત્ય છુપાવી રહ્યાં હતાં..??જેડી અને મેઘાને બતાવેલાં ફોટો નું રહસ્ય શું હતું??દામુ સાથે શું થયું હતું..??પૂજા એ ચોરેલાં એ આભૂષણો આખરે કોની જોડે હતાં..??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.
આ નોવેલ હવે પોતાનાં અંત ભણી આગળ વધી રહી છે..હોરર લખવાની સાથે સસ્પેન્સ નો મસાલો એડ કરવાનો આ મારો પ્રથમ અનુભવ આ હદે સફળ રહેશે એની આશા નહોતી.આવી જ અન્ય નોવેલ જેનું નામ શક્યવત Mr.shadow:ભયની દુનિયા હોઈ શકે છે.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક
ડણક
અનામિકા
The haunted picture...પણ વાંચી શકો છો.
-દિશા.આર.પટેલ