ભેદી ટાપુ
ત્યજાયેલો
ખંડ બીજો
(16)
બાર વરસનો વનવાસ
હા! તે દુર્ભાગી માણસ રડતો હતો. કોઈક સ્મરણોએ તેને રડાવ્યો હતો. એ આંસુથી તે ફરીવાર માણસ બન્યો હતો.
બધાએ તેને થોડીવાર એકલો રહેવા દીધો. બધા તેનાથી થોડા દૂર જઈ ઊભા રહ્યા. એથી કંઈ ફાયદો ન થયો. હાર્ડિંગ તેને ગ્રેનાઈટ હાઉસમાં પાછો લાવ્યો, બે દિવસ આગંતુક બધાની સાથે ભળવા લાગ્યો. તે સાંભળતો હતો અને સમજતો હતો; પણ ન બોલવાનો તેણે વિચિત્ર નિર્ણય કર્યો હતો. એક સાંજે પેનક્રોફ્ટે તેના ઓરડામાંથી નીચેના શબ્દો સાંભળ્યાં.
“ના! અહીં! હું! કદી નહીં!”
ખલાસીએ પોતાની સાથીદારોને આ શબ્દો અંગેનો અહેવાલ આપ્યો.
“આ માણસના જીવનમાં કોઈ ઊંડી વેદના છુપાયેલી છે!” હાર્ડિંગે કહ્યું.
આગંતુક હવે સાધનોનો ઉપયોગ કરતો હતો. તે બગીચામાં કામ વળગતો હતો. ક્યારેક તે કામ કરતો કરતો વચ્ચે અટકી જતો હતો. તે વખતે બધા એનાથી દૂર રહેતા હતા. પણ જો કોઈ એની પાસે જાય તો તો પાછો ફરી જતો હતો અને જોરદાર ડૂસકાં ભરવા લાગતો હતો. એના મગજ ઉપર કોઈ ભારે ઓથારનું વજન હતુ.
શું તે પસ્તાવો કરતો હતો? બધા એમ માનતા હતા. એક દિવસ સ્પિલેટે પોતાનો અભિપ્રાય આપ્યોઃ
“તે બોલતો નથી કારણ કે તેને બહુ ગંભીર વાત કહેવાની છે.”
તેમણે ધીરજપૂર્વક વાટ જોવી રહી.
થોડા દિવસ બાદ, 3જી નવેમ્બરે આગંતુક ખેતરમાં કામ કરતો હતો. એકાએક તે કામ કરતો અટકી ગયો. તેના હાથમાંથી કોદાળી જમીન પર પડી ગઈ. હાર્ડિંગે થોડે દૂર ઊભો ઊભો આ બધું જોતો હતો. તેણે જોયું કે આગંતુકની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી.
હાર્ડિંગ તેની પાસે ગયો અને ધીમેથી તેના હાથને અડ્યો.
“મિત્ર!” હાર્ડિંગે કહ્યું.
આંગતુકે તેની સામે જોવાનું ટાળ્યું. પણ હાર્ડિંગે તેના હાથ પકડી ફરીવાર કહ્યું,
“મિત્ર! મારી સામે જુઓ! હું એમ ઈચ્છું છું!”
આગંતુકે ઈજનેર સામે જોયું. જાણે કેતે સંમોહિત થયો હોય એ રીતે એની સામે જોઈ રહ્યો. આગંતુક ભાગી છૂટવા ઈચ્છતો હતો પણ એકાએક તેના ચહેરામાં પરિવર્તન આવ્યું. તેની આંખો ચમકવા લાગી. તેના હોઠમાંથી શબ્દો બહાર નીકળવા મથામણ કરવા લાગ્યા. અંતે તેણ અદબવાળી અને પછી લુખ્ખા અવાજે કહ્યું...
“તમે કોણ છો?” આગંતુકે હાર્ડિંગને પ્રશ્ન કર્યો.
“તમારા જેવા તરછોડાયેલા!” ઈજનેરે જવાબ આપ્યો.
“અને તમને અહીં લાવ્યા છીએ, તમારા દેશવાસીઓ વચ્ચે.”
“મારા દેશવાસી!.... મારે કોઈ દેશવાસી નથી!”
“તમે મિત્રો વચ્ચે છો.”
“મિત્રો! -મારે માટે! મિત્રો!” આંગતુક બોલ્યો. તેણે તેનો ચહેરો પોતાના હાથમાં છૂપાવી દીધો હતો. “ના-કદી નહીં -મને એકલો રહેવા દો! મને એકલો રહેવા દો!”
પછી તે મેદાન તરફ દોડી ગયો. જ્યાંથી તે દરિયો જોવા લાગ્યો. ઘણી વાર સુધી તે ત્યાં સ્થિર થઈને ઊભો રહ્યો. હાર્ડિંગ તેના સાથીદારો પાસે આવ્યો અને જે ઘટના બની તેની વાત કરી.
“ હા! આ માણસના જીવનમાં કંઈ રહસ્ય છે.” સ્પિલેટે કહ્યું. “તને ભારે પસ્તાવો થાય છે.”
“જો તેણે કોઈ ગુનો કર્યો હશે,”હાર્ડિંગે કહ્યું, “તો તેણે તેની પૂરતી સજા ભોગવી લીધી છે. હવે તે આપણી દષ્ટિએ નિર્દોષ છે.”
બે કલાક સુધી આગંતુક કિનારે ઊભો રહીને દરિયા સામે જોતો રહ્યો. તેને તેનો ભૂતકાળ સાભર્યો. દૂર ઊભા ઊભા બધા તેના ઉપર નજર રાખતા હતા. બે કલાક પછી તે હાર્ડિંગને શોધતો આવ્યો. તેની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી. અત્યારે તે રૂદન કરતો ન હતો. તેના ચહેરા ઉપર ઊંડું દર્દ છવાયેલું હતું. તે ચિંતાતુર દેખાતો હતો. તેના ચહેરા ઉપર લજ્જાના ભાવો અંકિત થયા હતા. તે સતત નીચું જોઈ રહ્યો હતો.
“સાહેબ” તેણે હાર્ડિંગને કહ્યું. “તમે અને તમારા સાથીઓ અંગ્રેજ છો?”
“ના.” ઈજનેરે જવાબ આપ્યો. “અમે અમેરિકન છીએ.”
“ઓહ!” આગંતુકે કહ્યું. અને પછી તે ધીમેથી બોલ્યોઃ “એ મને ગમ્યું.”
“અને તમે, મિત્ર?” ઈજનેરે પૂછ્યું.
“અંગ્રેજ,” તેણે ઉતાવળે જવાબ આપ્યો.
આટલું એ બહુ મુશ્કેલીથી બોલ્યો. પછી તે કિનારા તરફ ચાલ્યો ગયો. ત્યાં તે મર્સી નદીના મુખથી ધોધ સુધીના ભાગમાં આંટા મારવા લાગ્યો. તે ખૂબ ઉશ્કેરાયેલો હતો.
પછી એકાએક તે હર્બર્ટ પાસે આવ્યો અને અટકી ગયો. પછી તેણે અચકાતાં પૂછ્યું.
“ક્યો મહિનો?”
“ડિસેમ્બર” હર્બર્ટે જવાબ આપ્યો.
“કઈ સાલ?”
“1866”
“બાર વરસ! બાર વરસ!” તેણે બૂમ પાડી.
પછી તે હર્બર્ટને છોડીને એકાએક ચાલ્યો ગયો.
હર્બર્ટે પોતાના સાથીઓને આ સવાલ જવાબની વાત કરી.
“આ દુર્ભાગી માણસને,” સ્પિલેટ બોલ્યોઃ “મહિનાનો અને વરસનો પણ ખ્યાલ નથી રહ્યો.”
“હા; તે બાર વરસથી એકલો ટાપુ પર સબડતો હતો.” હર્બર્ટે કહ્યું.
“બાર વરસ!” હાર્ડિંગ બોલ્યો, “બાર વરસના એકાંત વાસથી તો ગમે તેવો માણસ પશુ બની જાય.”
“હું માનું છું કે,” ખલાસી બોલ્યો, “આ માણસને કોઈ ગુનાની સજા તરીકે ટેબોર ટાપુ પર કેદ કરવામાં આવ્યો હશે.”
“તમારી વાત સાચી છે.” હાર્ડિંગે જવાબ આપ્યો. “અને જો એમ હોય તો જેણે તેને કેદ કર્યો એ લોકો તેને વહાણ લઈને પાછો લેવા આવે.”
“અને તેઓ આવે ત્યારે ટાપુ પર કોઈ ન હોય.” હાર્બર્ટે કહ્યું.
“તો પછી તેઓ પાછા ફરી જાય.” ખલાસીએ કહ્યું. “અને--”
“મિત્રો,” હાર્ડિંગ બોલ્યો, “આ પ્રશ્નની ચર્ચા અત્યારે કરવી નકામી છે આપણને આગંતુક વિષે વધારે જાણવા મળશે.તેણે અસહ્ય દુઃખો સહન કર્યાં છે. તે પોતાની આપવીતી કહેવા માગે છે. આપણે એ સામેથી પૂછશું નહીં. પણ તે જરૂર એની મેળે કહેશે. એ જાણ્યા પછી આગળ શું કરવું એની ખબર પડે સજા પૂરી થાય પછી તેને લેવા વહાણ આવવાનું હોય; એ વાત મારે ગળે ઊતરતી નથી.”
“શા માટે?” સ્પિલેટે પૂછ્યું.
“કારણ કે, એ પરિસ્થિતિમાં એ શીશામાં કાગળ ન મોકલે. ના, તેને ટાપુ પર મરવાની સજા થઈ હશે.”
“પણ,” ખલાસી કહ્યું, “આ માણસ તો ઘણા વખતથી જંગલી અવસ્થામાં છે. તેણે પત્ર મોકલ્યો હોય એ માનવામાં આવે તેમ નથી.”
“હા, એ ખરું,” હાર્ડિંગે જવાબ આપ્યો. “વળી કાગળ તાજેતરમાં જ લખાયેલો લાગે છે. જો કાગળ ઘણા વરસથી શીશામાં પુરાઈ રહ્યો હોય તો તેને ભેજ લાગી જાય. આ પત્રને જરાય ભેજ લાગ્યો નથી. એનો અર્થ એ થયો કે આમાં કંઈ રહસ્ય છુપાયેલું છે.”
બધાને લાગ્યું કે શીશો કદાચ આગંતુકે સમુદ્રમાં ન ફેંક્યો હોય, તેમાં ટેબોર ટાપુના ચોક્કસ અક્ષાંશ અને રેખાંશ આપેલા હતા. સામાન્ય ખલાસીને આવું જ્ઞાન ન હોય. નક્કી કંઈક રહસ્ય આ ઘટનાની આસપાસ ગૂંથાયેલું છે.
પછીના દિવસોમાં આગંતુક એક શબ્દ પણ બોલ્યો ન હતો. અને તે ખેતરની પાસે જ પડ્યો રહેતો. તે એક મિનિટનો પણ આરામ લીધા વગર સતત કામ કરતો રહેતો. પણ તે બધાથી દૂર રહેતો. જમવા વખતે પણ તે ગ્રેનાઈટ હાઉસ ન આવતો. તેને વારંવાર આમંત્રણ આપવા છતાં તે ખેતરમાં જ કાચાં શાકભાજી ખાઈને ચલાવી લેતો. રાત્રે સૂવા માટે પણ તેને આપેલાં ઓરડામાં તે ન આવતો પણ ઝાડ નીચે પડ્યો રહેતો. હવામાન ખરાબ હોય ત્યારે ખડકની તિરાડમાં ઘૂસીને સૂઈ રહેતો. આમ એ ટેબોર ટાપુમાં રહેતો હતો; એવું જંગલી જીવન અહીં પણ ગાળતો હતો.
તેને સમજાવવાના બધા પ્રયત્નો વ્યર્થ ગયા. તે પોતાનું જીવન સુધારવા માંગતો ન હતો. આમ છતાં, બધા ધીરજથી તેનું નિરીક્ષણ કરતા હતા. સમય નજીક આવી ગયો હતો કે, જ્યારે તે પોતાના ભૂતકાળના ભયાનક જીવન અંગે એકરાર કરે.
દસમી નવેમ્બરે રાત્રે આઠ વાગ્યે આગંતુક અણધાર્યા બધા પાસે આવ્યો. તેઓ બધા સરોવરના ઉચ્ચપ્રદેશના મેદાનમાં બેસીને વાતચીત કરતા હતા. આગંતુકની આંખો અંગારાની જેમ વિચિત્ર રીતે બળતી હતી, અને તેનું આગલું જંગલી સ્વરૂપ પ્રગટ થયું હતું.
હાર્ડિંગ અને તેના સાથીઓ આગંતુકને જોઈને નવાઈ પામી ગયા. તેનામાં લાગણીનો ભચંકર ઊભરો આવ્યો હતો. તેનાં દાંત ટાઢિયો તાવ આવ્યો હોય એમ કડકડતા હતા. આને શું થયું હતું? તેને માણસો ગમતા ન હતા? સભ્ય રીતભાતથી કંટાળ્યો હતો? શું તે ફરી જંગલી જીવન જીવવા ઈચ્છતો હતો? એવું જ લાગતું હતું. તેણે તૂટક તૂટક વાક્યોમાં રજૂઆત કરી.
“હું અહીં કેમ છું?....... મને મારા ટાપુ ઉપરથી અહીં ખેંચી લેવાનો તમને શો અધિકાર છે?....... તમે ધારો છે કે આપણી વચ્ચે કોઈ સંબંધ છે?..... હું કોણ છું એ તમે જાણો છો?..... મેં શું કર્યું છે? હું ત્યાં શા માટે હતો?... એકલો? અને તમન કોણે કહ્યું કે મારો ત્યાં ત્યાગ કરવામાં આવ્યો છે?...... મને ત્યાં મારવાની સજા થઈ છે?...... તમે મારો ભૂતકાળ જાણો છો?......... તમને કેમ ખબર પડી કે હું લૂટારો નથી, ખૂની નથી...... શાપિત આત્મા છું........ હું બધાથી દૂર જંગલી પશુની જેમ જીવવા માટે લાયક છું..... બોલો...... આ બધું તમે જાણો છો?”
“તમે સ્વતંત્ર છો.” ઈજનેરે જવાબ આપ્યો.
“તો સલામ.” એમ બૂમ પાડીને. તે ગાંડા માણસની જેમ ભાગ્યો.
નેબ, પેનક્રોફ્ટ અને હર્બર્ટ તેની પાછળ દોડ્યા. જંગલની સરહદ સુધી તેઓ આગળ ગયા. પછી એકલા પાછા ફર્યાં.
“આપણે હમણાં તેને એકલો ફરવા દઈએ.” હાર્ડિંગે કહ્યું.
“તે કદી પાછો નહીં આવે.” ખલાસી બોલ્યો.
“તે જરૂર પાછો આવશે.” હાર્ડિંગે જવાબ આપ્યો.
ઘણા દિવસો વીતી ગયા. હાર્ડિંગને શ્રદ્ધા હતી કે, આગંતુક વહેલો કે મોડો જરૂર પાછો ફરશે.
“તેના જંગલી સ્વભાવના આ છેલ્લાં ધમપછાડા છે.” હાર્ડિંગે કહ્યું. “તેને પસ્તાવો થયો છે. હવે તે એકલો નહીં રહી શકે.”
દરમિયાન બધી જાતની કામગીરી ચાલુ હતી. ખેતરમાં કામ ચાલુ હતું. પશુશાળામાં હાર્ડિંગ સુધારા-વધારા કરવા ઈચ્છતો હતો ટેબોર ટાપુ ઉપરથી લાવેલા છોડ અને બી વાવી દેવામાં આવ્યાં હતા. આ બધાં કામોમાં કોઈને ફૂરસદ ન હતી. દરેકની પાસે કંઈને કંઈ કામ હતું જ.
15મી નવેમ્બરે, ત્રીજો ઘઉંનો પાક એકઠો કરવામાં આવ્યો. અઢાર મહિનામાં એક દાણામાંથી અનેક દાણા થયા હતા. ત્રીજો પાક ઊતર્યો ત્યારે ઘઉંના ચાર હજાર કોઠળા ભરાય તેટલો પાક થયો હતો. એક દાણામાંથી અઢાર મહિનામાં પચાસ કરોડ દાણઆ થયા હતા.
લીંકન ટાપુ ઉપર અનાજની સમૃદ્ધ ખૂબ વધી ગઈ હતી. દર વરસે દસ કોથળા અનાજ વાવવા માટે પૂરતું હતું. એમાંથી જે પાક થાય તે માણસો અને પશુઓ બધાને પૂરો થઈ જાય એમ હતો. ઘઉંનો પાક લણાઈ ગયો. નવેમ્બરનું છેલ્લું પખવાડિયું ઘઉંને માણસના ખોરાક માટે યોજવામાં ગયું.
તેમની પાસે દાણા હતા. પણ લોટ ન હતો. લોટ બનાવવા ઘંટીની જરૂર હતી. એ માટે ધોધનો ઉપયોગ થઈ શકે એમ હતો. ઘણી વિચારણાને અંતે તેમણે સરોવરના ઉચ્ચપ્રદેશમાં પવનચક્કી નાખવાની યોજના તૈયાર કરી. પવનચક્કી ઊભી કરવામાં કંઈ ખાસ મુશ્કેલી પડે એમ ન હતું. લીંકન ટાપુ પર જોરદાર પવન વાતો હતો. એટલે પવનચક્કી નાખવી સગવડ ભરેલી હતી.
પેનક્રોફ્ટનો મત હતો કે પવનચક્કીથી ટાપુનું સૌદર્ય વધશે. તેઓ પવનચક્કીની મશીનરી અને માળખું તૈયાર કરવા માટે લાકડું શોધવાના કામમાં વળગ્યા. ઘંટી માટે મોટા પથ્થરો તો પાસે જ હતા.
હાર્ડિંગે પવનચક્કીનો નકશો તૈયાર કર્યો. મરઘા ઉછેર કેન્દ્રની જમણી તરફ પવનચક્કીનું સ્થળ નક્કી થયું. પવનચક્કીની ટોચ ઉપર એક લાકડાનું મોટું ચક્કર ગોઠવ્યું. તેની સાથે એવી ગોઠવણ કરી કે ઘંટીના બે પથ્થર પાસે એક બીજું ચક્કર ગોઠવ્યું. ઉપરનું ચક્કર પવનથી ફરે એટલે નીચેનું ચક્કર પણ ફરવા લાગે. અને તે ફરે એટલે ઘંટીનો પથ્થર ગોળ ગોળ ફરવા લાગે. અને તે ફરે એટલે ઘંટીનો પથ્થર ગોળ ગોળ ફરવા માંડે. તે પથ્થરને લાકડાના એક મોટા થાળામાં ગોઠવેલા હતા. આ કામમાં નેબ અને પેનક્રોફ્ટે સુતારીકામ કર્યું. તેમણે ઈજનેરે બનાવેલા નકશા પ્રમાણે કામ કરવાનું હતું.
થોડા વખતમાં પવનચક્કી તૈયાર થઈ ગઈ. લગભગ બધાને એ કામમાં સાથ આપવો પડ્યો. પહેલી ડિસેમ્બરે કામ પૂરું થયું. મિલનું ઉદ્દઘાટન કરવામાં વિલંબ કરવાની કોઈ જરૂર ન હતી. બધી ઘઉંના લોટમાંથી બનેલી રોટીનો સ્વાદ માણવા આતુર હતા. તે દિવસે સવારે ત્રણ કોથળા ઘઉં દળી નાખવામાં આવ્યા અને બીજે દિવસે નાસ્તામાં સુંદર રોટી ખાવા મળી. ગ્રેનાઈટ હાઉસના ટેબલ પર પડેલી રોટીને જોઈને બધાના આનંદનો પાર ન રહ્યો.
દરમિયાન આગંતુક દેખાયો ન હતો. ઘણીવાર સ્પિલેટ અને હર્બર્ટ પાસેના જંગલમાં તેની શોધ કરતા હતા પણ તેની કોઈ નિશાની મળતી ન હતી. તેની લાંબી ગેરહાજરીથી બધાને ખૂબ ચિંતા થતી હતી. ટેબોર ટાપુના જંગલી રહેવાસીને જંગલમાં જીવન વિતાવવામાં કંઈ મુશ્કેલી પડે એમ ન હતું. પણ વળી પાછો તે જંગલી બન્યો હતો? જોકે હાર્ડિંગને શ્રદ્ધા હતી કે તેનો આત્મા જાગશે.
“હા, તે જરૂર પાછો આવશે.” હાર્ડિંગે આત્મશ્રદ્ધાથી કહ્યું. પણ તેના સાથીદારો એ માનવા તૈયાર ન હતા. “ટેબોર ટાપુ પર તે એકલો રહેવા ટેવાયેલો હતો. અહીં આપણે એની રાહ જોઈએ છીએ. એ વાત એ જાણે છે. તેણે પોતાના થોડાક ભૂતકાળ કહ્યો છે. હવે સમગ્ર ભૂતકાળની વાત કરવા તે જરૂર પાછો આવશે; અને તે દિવસથી તે આપણી સાથે ભળી જશે.”
એક એવી ઘટના બની, જેણે હાર્ડિંગની આગાહી સાચી પાડી. 3જી ડિસેમ્બરે હર્બર્ટ સરોવરના દક્ષિણ કિનારે માછલી પકડતો હતો. તેની પાસે હથિયાર ન હતું. અત્યાર સુધી આ ભાગમાં ક્યારેય હથિયારની જરૂર ન પડી હતી.
દરમિયાન ખલાસી અને નેબ મરઘા ઉછેર કેન્દ્રમાં કામ કરતા. જ્યારે હાર્ડિંગ અને સ્પિલેટ ગુફામાં બેસીને કપડાં ધોવાનો સાબુ બનાવતા હતા.
“દોડો! દોડો!”
હાર્ડિંગ અને સ્પિલેટ ઘણે દૂર હતા એટલે તેમને શરૂઆતમાં બૂમ ન સંભળાઈ. ખલાસી અને નેબ તળાવ તરફ દોડ્યા. પણ તેઓ પહોંચે પહેલાં આગંતુક ત્યાં પહોંચી ગયો હતો. તે વૃક્ષ ઉપર ચડીને બેઠો હતો. તેની હાજરી અંગે કોઈને શંકા ન હતી. હર્બર્ટની બૂમ સાંભળી તે નદી તરીને જંગલમાંથી સીધો સરોવર કિનારે પહોંચી ગયો.
હર્બર્ટની સામે એક ભયાનક જેગુઆર ઊભું હતું. આ પહેલાં ગુફામાં સ્પિલેટે માર્યું હતું તેવું જ આ પ્રાણી હતું. હર્બર્ટ ગભરાઈને પોતાની પીઠ ઝાડને ઓથે ટેકવીને ઊભો હતો. જ્યારે જેગુઆર તેના પર તરાપ મારવાની તૈયારી કરતું હતું.
બરાબર એ વખતે આગંતુક ત્યાં પહોંચ્યો તેની પાસે ચાકૂ સિવાય બીજું કોઈ હથિયાર ન હતું. તે સીધો જ એ ભયંકર પ્રાણી ઉપર ધસી ગયો. જેગુઆર પોતાના નવા દુશ્મનનો સામનો કરવા એ બાજુ ફર્યું.
બહુ ટૂંકી અથડામણ થઈ. આગંતુકમાં અસાધારણ બળ અને ચપળતા હતી. તેણે એક બળવાન હાથથી જેગુઆરનું ગળું પકડ્યું; અને એ પ્રાણીના પંજા તેને ઘાયલ કરતા હતા તે તરફ જરાય ધ્યાન આપ્યા વિના બીજે હાથે તેણે ચાકુ જેગુઆરના હ્દયમાં ભોંકી દીધું.
જેગુઆર ઢગલો થઈને પડી ગયું. આગંતુકે તેના મૃતદેહને પગથી ઠોકર મારી દૂર હડસેલી દીધું. અને તે ભાગી જવાની તૈયારી કરતો હતો; તે વખતે બધા ત્યાં આવી પહોંચ્યા. પણ હર્બર્ટ આગંતુકને વળગી પડ્યો અને કહ્યું...
“ના, ના, તમને જવા નહીં દઉં!”
હાર્ડિંગ આગંતુક પાસે ગયો. આગંતુકે તેને આવતો જોઈ અણગમો વ્યક્ત કર્યો. તેના શરીર પરથી માંસના લોચી નીકળી ગયા હતા. તેના ખભામાંથી લોહી વહેતું હતું. પણ તેણે એ તરફ જરાય ધ્યાન ન દીધું.
“મારા દોસ્ત,” હાર્ડિંગે કહ્યું, “અમે તમારા ઉપકારના ભાર નીચે દબાયેલા છીએ. તમે અમારા છોકરાને જીવને જોખમે બચાવ્યો છે!”
“ જીવનુ જોખમ!” આગંતુક ધીમેથી બોલ્યો. “મારા જીવની શું કિંમત છે? એની કોડીની કિંમત નથી!”
“તમે ઘાયલ થયા છો!”
“કંઈ વાંધો નહી.”
“તમે તમારો હાથ મને આપશો?”
હર્બર્ટે આગંતુકનો હાથ પોતાના હાથમાં લેવા પ્રયાસ કર્યો; પણ આગંતુક અદબ વળી ગયો. તેની છાતી ઊંચીનીચી થતી હતી; તેના મુખ પર ઝાંખપ ફરી વળી હતી. તેની ઈચ્છા ત્યાંથી નાસી જવાની હતી. પણ એ ઈચ્છા તેણે દઢતાથી રોકી દીધી. પછી જરા વિચિત્ર અવાજમાં પૂછ્યું...
“તમે કોણ છો?” આગંતુકે પૂછ્યું. “અને તમારે મારી પાસેથી શું જોઈએ છે?”
આગંતુક આ બધા અહીં કઈ રીતે આવ્યા તે ઈતિહાસ જાણવા ઈચ્છતો હતો. પહેલીવાર તેણે આ માગણી કરી હતી. કદાચ આ ઈતિહાસ જાણ્યા પછી, તે પોતાનો ઈતિહાસ જણાવે.
હાર્ડિંગે થોડા શબ્દોમાં બધી ઘટનાઓ વર્ણવી રીચમંડમાંથી ક્યાં સંજોગોમાં બલૂનમાં નીકળ્યા, આ ટાપુ પર કેવી રીત આવી પડ્યાં, અને પરિશ્રમથી કેવી રીતે બધી વસ્તુનું નિર્માણ કર્યું..... આ બધું કહી સંભળાવ્યું.
આગંતુકે અત્યંત ધ્યાનપૂર્વક આ વાત સાંભળી.
પછી ઈજનેરે તેઓ કોણ હતા--- સ્પિલેટ, હર્બર્ટ, પેનક્રોફ્ટ, નેબ, એને પોતે-એ વિશે માહિતી આપી. અને અંતે ઉમેર્યું કે લીંકન ટાપુ પર ત્યાથી આજ સુધીમાં આગંતુકના આગમન પછી તેઓ સૌથી વધારે સુખી બન્યા હતા. એક મિત્રનો વધારો થવાથી તેમના સુખનો પાર રહ્યો ન હતો.
આ શબ્દો સાંભળીને આગંતુક શરમાઈ ગયો. તેનું માથું નીચું નમી ગયું. અને તેના ચહેરા પર ગૂંચવાડાના ભાવ પ્રગટ થયા.
“હવે તમે અમને ઓળખો છો.” હાર્ડિંગે ઉમેર્યું. “ તો તમારો હાથ આપો.”
“ના.” આગંતુકે કર્કશ અવાજમાં જવાબ આપ્યો; “ના, તમે બધા આબરૂદાર માણસો છો, અને હું તો....”
***