પહેર્યા કપડે આ ઘરને તાળું મારીને મકાનની કુંચી પેટીમાં મૂકીને પેટી ઉપાડી એ ચાલી, પેલે ધેર------
પચ્ચીસ ત્રીસ નાના બાળકોથી ઘેરાયેલી સવિતા સામે બાર વર્ષ જૂનો ભૂતકાળ ખડો થયો.
આ ઘર અને પોતાની જાતને પોતાના હાથે હીણી અને બજારૂ બનાવતા સોદાની રકમ પાછી આપી દેવા.
સાંજ વેળા હોવાથી પૂલિન,મનીષા અને પોતાનો લાડકવાયો વિક્રમ બધા ઘરે જ હતા, દરવાજો બંધ હતો, ઝાંપો ખોલી તેણે આંગણામાં પ્રવેશ કર્યો. છેલ્લીવાર તેને પુલીન અને મનીષા પર ગાળોનો વરસાદ વરસાવવાનું તેને મન થઈ આવ્યું
કેટકેટલા હેત અને ઉમળકાથી બગીચાના ફુલછોડને ઉછેયાઁ હતા,કાળજીથી એક એક વસ્તુની જાળવણી કરીને આ ઘરને સજાવ્યુ, પણ ધરતીકંપનો એક આંચકો અચાનક આવ્યો અને તેના પગ તળેની જમીન પણ આંચકી લીધી.
તેણે મનને મક્કમ કયુઁ,જેને એક સમયે ખૂબ ખૂબ મન ભરીને ચાહ્યો હતો એવા પુલિન, અને પોતાના લોહી માંથી જેના પિંડ રચાયા હતા એવા વિક્રમ ને એકવાર જોઇ લેવાની લાલચ રોકી, પેટીને પગથિયાં પર મૂકીને તે સડસડાટ નીકળી ગઈ.
મા મા આમ આવોને પાંચ વષૅ નો ભાસ્કર તેને પોતાની પાસે બોલાવી રહ્યો હતો, તેની વિચારમાળા તૂટી.સ્વસ્થ થઇ તે એની પાસે જઈને ઉભી રહી.
ગોરો ગોરો ગોળમટોળ ભાષ્કર દરિયા ની ભીની રેતીથી ઘર બનાવતો હતો,તેના શરીર પર રેતી ચોંટી ગઈ હતી. બનાવેલુ ઘર બતાવવા માટે તેને બોલાવી રહ્યો હતો.
તેણે ભાસ્કર ના માથે હાથ ફેરવ્યો, તેને વહાલ કરી આમતેમ રમતા બીજા બાળકો તરફ નજર કરી,રવિવાર હોવથી તે સૌ બાળકોને નજીકમાં આવેલા દરિયા કિનારે ફરવા લઇ આવેલી, સૌ પોતપોતાની મસ્તી માં હતા.કોઇક રેતીમાં ઘર બનાવતા હતા, તો કોઇક આંગળી થી ચિત્રો દોરતા હતા.
દરિયાનાં એક મોજામાં બધુ તણાઇ જશે, સવિતા વિચારી રહી અને સમુદ્રમાં જાણે નાહવા પડતો હોય એવા સૂયૅને તે જોઈ રહી.
ભૂતકાળ ની એ સાંજ તેને યાદ આવી, આજે ખબર નહીં કેમ સવારથી મન પાછુ પાછુ ભૂતકાળમાં જઈ ચડતું હતું.
મન એકદમ ક્ષુબ્ધ થઇ ગયુ હતું પોતે કયા રસ્તે ક્યાં જઈ રહી છે તેનુ પણ તેને ભાન ન હતું, મન અને શરીર બંને થાકયા ત્યારે એક પથ્થર પર બેસી પડી.પોતે કેટલું ચાલી તેનો પણ તેને ખ્યાલ ન હતો, સામે નજર કરી તો ખારોધખ સાગર ઘૂઘવતો હતો,અને સૂરજની લાલિમા સંકેલાઇ રહી હતી.
શીતળતા પ્રસરાવતો ચંદ્ર સ્વચ્છ નિર્મળ આકાશમા આગળ વધી રહ્યો હતો, સવિતાનું મન ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યું હતું, આત્મા પરનો બોજો હટી રહ્યો હતો.
ઘરે થી નિકળી ત્યારે તો બસ આપઘાત જ કરવો એવા મક્કમ નિર્ધાર સાથે નિકળી હતી પણ ચંદ્ર ની નિમૅળતા એ તેની જિજીવિષા જાગ્રત કરી, પોતે તો કઇ ખોટું કર્યું નથી, પછી આપઘાત શા માટે કરવો,
પણ જીવીશ શા માટે? કોના માટે?
દુ:ખી હદયોમાં શાતા પ્રગટાવવા- હદય માંથી જવાબ આવ્યો, મનની ગડમથલ દૂર થઈ ધ્યેય મળતા જ તેને સિદ્ધ કરવા ફરી શહેર તરફ ચાલવા લાગી. ક્યાં જવું, શું કરવું કંઇ જ ખબર ન હતી પણ આખોંમાં તેજ અને ચાલમાં સ્વમાન પ્રગટ્યુ,જાણે હવે જ ખરેખરો જીવનસંગ્રામ ,મન અને શરીર બંને મક્કમ બન્યા.
મા મા ઘર આવી ગયું, બૂમો પડતા બધાં બાળકો એક મકાન ના દરવાજા તરફ દોડ્યા, સવિતા આ નાના નાના ભૂલકાઓ ને જોઈ રહી, બે- ત્રણ વરસ થી માંડીને બાર -તેર વરસો ના કિશોરો, સમાજ દ્રારા તરછોડાયેલા આ બાળકો 'વાત્સલ્ય નિવાસ' ને જ પોતાનુ ધર માનતા અને સવિતા જ તેમની મા,તેમનુ સવૅસ્વ હતી.
બાળકોની પાછળ પાછળ તે પણ દરવાજામાં પ્રવેશી, દરવાન સામેથી તેની પાસે આવ્યો અને કહ્યું -કોઈ યુવાન આવ્યો છે,કહે છે મારી મા ને મળવા આવ્યો છુ, લેવા આવ્યો છું.
સવિતા ને લાગ્યું કદાચ વિક્રમ આવ્યો, પણ તેનુ મન કહે - અરે, આટલા વર્ષો બાદ કઈ એને તારી યાદ આવતી હશે.
તેણે ખાતરી કરવા દરવાન ને યુવક નુ નામ પુછ્યું
દરવાન કહે -વિક્રમ
નામ સાંભળતા જ સવિતાનું હૈયું માતૃત્વથી છલકાઈ ઉઠ્યુ, વાત્સલ્ય ના ધોધમાં દીકરાને નવડાવી દેવા, એેનુ મોં જોવા એણે ઝડપથી પગલાં ભર્યાં.
ત્યાં જ સામેથી આવતી વિધી તેને વળગી પડી, નાની વિધી જોતા જ વહાલ ઉપજે એવી હતી,જેને બે વર્ષ પહેલાં નવજાત જ કોઇ આશ્રમની બહાર મૂકી ગયેલુ અને સવિતા એ બીજા બાળકો ની જેમ તેને પણ અપનાવી લીધી હતી. સવિતા એ તેને ઉંચકી કે તરત જ વિધી એ તેના ગાલ પર ચુમ્મી કરી લીધી, સવિતા તેને જોઇ રહી.
એક -બે પળ એમ જ વિતી તેણે દરવાનને કહ્યુ - યુવક ને કહી દો અહીં તમારી માતા નથી રહેતી, અને વિદાય કરી દો.
આંસુ ભરી છતાં મક્કમ ચાલે વિધીને ઉચકીને તે બગીચામાં રમતાં બાળકો પાસે જઈને ઉભી રહી અને વાત્સલ્ય થી તેમને જોઇ રહી.