રસોઇમાં જાણવા જેવું
ભાગ-૫
સં- મિતલ ઠક્કર
* મગની દાળના દહીં પકોડા* બનાવવા સામગ્રીમાં ૨૫૦ ગ્રામ મગની દાળ, ૧/૨ કિીલો દહીં, ૧ મોટો ચમચો સૂકા ઘાણા અધકચરા વાટેલા, ૨૫૦ ગ્રામ કોથમીર, ૪ લીલાં મરચાં ઝીણાં સમારેલાં, ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર, સ્વાદાનુસાર મીઠું, ચપટી હીંગ,૧ ચમચી કાળા મરીનો પાઉડર, સંચળ પાઉડર, તળવા માટે તેલ લઇ લો. મગની દાળને છ કલાક પલાળીને અધકચરી પીસી લેવી. તેમાં મીઠું, કોથમીર, લીલાં મરચાં, અધકચરાં પીસેલા સૂકાં ધાણા નાખીને બરાબર ભેળવો. એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે પકોડા તળી લેવાં. હવે એક તપેલીમાં ગરમ પાણી કરીને તેમાં ચપટી હીંગ નાખીને તૈયાર વડાં પાણી ઠંડું થાય એટલે તેમાં મૂકવા. દહીંને ફેંટી લેવું. ત્યારબાદ તેમાં કાળા મરીનો પાઉડર, સંચળ પાઉડર, સ્વાદાનુસાર મીઠું નાખો. પકોડાને હીંગવાળા પાણીમાંથી બહાર કાઢીને અડધો કલાક બહાર રાખ્યા બાદ મસાલેદાર દહીંમાં મૂકો. થોડા સમય માટે ફ્રિઝમાં રાખીને ઠંડા પીરસો.
* ગાજરની કાંજી* બનાવવા ૨૫૦ ગ્રામ કાળા અથવા લાલ ગાજર, ૫૦ ગ્રામ બીટ, ૧૧/૪ લિટર ઉકાળેલું પાણી, ૧/૨ ચમચી લાલ મરચું, મીઠું સ્વાદાનુસાર, ૩ ચમચા વાટેલી રાઈની જરૂર પડશે. હવે ગાજર લાંબા અને પાતળા ટુકડામાં સમારો. એક કાચના જગ અથવા બોટલમાં ગાજર અને બાકીની સામગ્રી મિક્સ કરી ત્રણ-ચાર દિવસ તાપમાં રાખો. કાંજી તૈયાર છે. ઠંડી કર્યા પછી સર્વ કરો.
* મગ મસાલા પેકેટ * બનાવવા સામગ્રીમાં ૧ કપ મેંદો, ૨ ચમચા તેલ, મીઠું સ્વાદાનુસાર, ૧/૨ ચમચી સૂકું પીસેલું આદું, થોડાં લવિંગ લઇ લો. ભરવા માટેની રીતમાં મેંદામાં તેલનું મોણ નાખી કઠણ લોટ બાંધો. એક કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરી મગ અને બાકીના મસાલા મિક્સ કરી સાંતળો. મેંદાની પાતળી પૂરી વણો. કિનારી કાપીને ચોરસ આકાર આપો. વચ્ચે થોડી ભરવાની સામગ્રી મૂકી પેકેટની જેમ બંધ કરી દો. વચ્ચે એક લવિંગ લગાવો. ધીમા ગેસ પર ગુલાબી તળી લો.
* ઘીને દાણાદાર બનાવવા તે અડધું તૈયાર થઈ જાય ત્યારે તેમાં થોડું પાણી છંટકારવું.
* બટાકાની પેટીસ બનાવતી વખતે બાફેલા બટાકા ઠંડા થયા પછી જ છૂંદો કરવો. આનાથી પૂરણ ચીકણુ નહીં થાય.
* દહીંવડાં સફેદ અને સ્વાદિષ્ટ બનાવવા અડદની દાળમાં થોડો મેંદો મિક્સ કરવો.
* ભરેલા ટામેટાં* બનાવવા બનાવવા માટેની સામગ્રીમાં ૧૦ જેટલાં નાના લાલ કડક ટામેટાં, ૪ ચમચાં ઝીણું ખમણેલું લીલું કોપરું, ૪ ચમચા આખા ધાણાં, ૧૫ કાળા મરી, ૪ લવિંગ, ૩ તજ, ૨ તેજપત્તાં, ૪ આખાં લાલ મરચાં બધાં સાથે ભેગાં કરીને તેને બરાબર વાટી લો. ૧/૨ ચમચી હળદર, ૧/૪ ચમચી સાકર, ૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી જીરું, ચપટી હીંગ, ૧ ચમચો કોથમીર ઝીણી સમારેલી અને દોઢ ચમચો તેલ લઇ સૌ પ્રથમ ટામેટાંનો ઉપરનો કાળો ભાગ કાપીને તેને ઊભો ચીરો કરો. ત્યાર બાદ વાટેલા મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અને સાકર નાખીને ટામેટાંમાં તમે મસાલો ભરો. હવે એક સ્ટીલની કઢાઈમાં તેલને ગરમ કરી જીરા અને હીંગનો વઘાર કરો. આ વઘારમાં હળદર નાખીને બાદમાં ભરેલાં ટામેટાંને વઘારો. હવે વાસણને ઊંચું નીચું કરતાં ટામેટાં હલાવો. બાદમાં ઉપર થાળીમાં થોડુંક પાણી મૂકીને તેને ઢાંકી દો. હવે ૩થી ૪ મિનિટ પછી થાળીને લઈ લો. પછી ગરમ મસાલો નાખીને ટામેટાં પાછાં હલાવો. ત્યાર બાદ ૨ મિનિટ ઢાંક્યા વગર તેને ગેસ ઉપર રહેવા દો. પછી કોથમીર ભભરાવીને તેને ખાવા માટે ઉપયોગમાં લો. તમને સ્વાદ જો ડાઢે વળગે તો તેની ઉપર ક્રીમ પણ નાખી શકાય છે.
* ભોજન બાદ ૨૫ ગ્રામ રોજ ગોળ ખાવાથી ઉદર વાયુ, ઉદર વિકાર ઠીક થાય છે. મહેનત કર્યા પછી ગોળ ખાવાથી થાક ઉતરી જાય છે. મહેનતું લોકો માટે ગોળ પથ્ય ખાદ્ય છે. ગોળની સાથે અથવા ગોળના ચૂરમા કે લાપશી સાથે ઘી ખાવાથી ગોળ ગરમ નથી પડતો.
* સાદા તવાને નોનસ્ટિક બનાવવા તવા પર થોડીવાર નમક શેકવું. ત્યાર બાદ તેલ અથવા ઘી લગાડી કંઈ પણ બનાવો ચોંટશે નહીં.
* શાકની ગ્રેવીનો રંગ અને સ્વાદ વધારવા ગેસ પરથી ઉતારી લીધા બાદ ચપટી ભરીને કૉફી મિક્સ કરવી.
* ફેટસ આપણા ડાયટનો અત્યંત મહત્ત્વનો ભાગ છે. આપણા પાચનમાં એનો રોલ મહત્ત્વનો છે. માત્ર પાચનમાં નહીં, પોષણમાં પણ એની જરૃર પડે છે. કોઈ પણ ખોરાકનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફેટ્સ દ્વારા ઓછો થાય છે. જેમ કે તમે ખીચડી ખાઓ તો તે પેટમાં જઈને શુગર થઈને સીધી લોહીમાં ભળી જાય છે, પરંતુ તમે એમાં ઘી નાંખો કે તેલમાં વઘારેલી ખીચડી ખાવ તો એ ખીચડીનું પાચન ધીમે-ધીમે થાય છે. આ એક બેસ્ટ પરિસ્થિતિ છે. શુગર એકદમ વધશે નહીં. પોષણ શરીરમાં ધીમે ધીમે એબ્સોર્બ થશે. એટલે જો તમે સમજતા હો કે તેલ કે ઘી ખાવા જ નહીં તો એ ભૂલ ભરેલી માન્યતા છે. આમ ન કરવું. તેનાથી ઓવરઓલ હેલ્થને જ નુકસાન થશે.
* દહીં મેળવતી વખતે નાળિયેરના ટુકડા નાંખવાથી તે બે-ત્રણ દિવસ સુધી ખાટું નહીં થાય.
* રોટલી વણવાની થોડી મિનિટ અગાઉ વેલણને ફ્રીઝમાં મૂકવું. આનાથી વેલણ પર લોટ ચોંટશે નહીં.
* મકાઈના લોટમાં થોડો ઘઉંનો લોટ મિક્સ કરી ગરમ પાણીથી લોટ બાંધવાથી રોટલી વણતી વખતે તૂટી જશે નહીં.
* ઇડલી-ઢોસા સાથે ખાવાની નારિયેળની ચટણી*ને આ રીતે વધુ સ્વાદિષ્ટ બનાવો. એ માટે કાચુ નાળિયેર, ૨થી૩ ચમચી શેકેલી ચણાની દાળ, ૩ લીલા મરચાં, આદુના કપાયેલા ટુકડા, લીલી ૩ ચમચી કોથમરી, ૨ ચમચી દહીં, મીઠું સ્વાદ અનુસાર, ૧/૨ ચમચી રાઇ, ૧/૨ ચમચી જીરૂ, ૧/૨ ચમચી સફેદ અડદની દાળ, હીંગ એક ચપટી, ૨ ચમચી તેલ, ૧-૨ નંગ આખું લાલ મરચું, ૧૦-૧૨ કઢી-પત્તા લઇને એક જારમાં નારિયેળ, લીલી કોથમરી, લીલુ મરચુ, આદુ, ચણા દાળ, જીરુ, મીઠુ અને પાણી નાંખીને મિક્સ કરી નાંખો. તેને બહુ પાતળુ નહી થવા દો. હવે એક બાઉલમાં તેલ નાંખી ગરમ થવા દો. જ્યારે તેલ ગરમ થઇ જાય તો તેમાં રાઇ નાખી જીરુ નાંખીને 1 મિનીટ સુધી શેકી લો. હવે તેમાં અડદ દાળ, હીંગ, કરી પત્તા અને આખુ લાલ મરચું નાંખો. હવે તેને નારિયેળની ચટણી ઉપર નાંખીને 2 મિનીટ સુધી ઢાંકી દો. ચટણીને ઇડલી અથવા ઢોસા અથવા ઉત્તપમ સાથે સર્વ કરો.
* ઘરે રુમાલી રોટી બનાવવા રોટલીને પાતળી વણવી. કઢાઈને ઊલટી મૂકી ગરમ કરવી અને રોટલીને તેના પર શેકવી.
* ભીંડાને ક્રિસ્પી બનાવવા બે ચમચા છાશ અથવા થોડું દહીં નાંખીને તેજ આંચ પર રાંધવા.
* દેશી ઘીને લાંબો સમય તાજું રાખવા તેમાં ગોળ અને સિંધવ લૂણના ૧૧ ટુકડા નાંખવા.
* વડાં બનાવતી વખતે ખીરું પાતળું બની ગયું હોય અને તળવામાં તકલીફ થતી હોય તો તેલમાં એક ચમચો ઘી મિક્સ કરવું.
* આલૂ-પરાઠા બનાવતી સમયે તેમાં થોડી કસ્તૂરી મેથી નાંખવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે.
* પનીર ચિલી * બનાવવા માટે સામગ્રીમાં ૨૫૦ ગ્રામ પનીર, તેલ જરૂર પ્રમાણે, નાનો ટુકડો આદું, ૬ કળી લસણ, ચાર લીલાં મરચાં, બે ડુંગળી, બે કૅપ્સિકમ, બે ટી-સ્પૂન ચિલી સૉસ, એક ચમચી મરી પાઉડર, એક ટી-સ્પૂન સોય સૉસ, ૨૦૦ ગ્રામ મેંદો, ૫૦ ગ્રામ કૉર્નફ્લોર, એક ચમચી મીઠું લઇ એક કડાઈમાં ત્રણ ટેબલ-સ્પૂન તેલ લઈ એમાં આદું, લસણ અને મરચાં લાંબાં કાપીને સાંતળવાં. ડુંગળી અને કૅપ્સિકમ ઝીણાં સમારીને નાખવાં અને સાંતળવાં. એમાં ચિલી સૉસ, ટમૅટો કેચ-અપ, મરી પાઉડર, મીઠું, અડધો કપ પાણી અને સોય સૉસ નાખવાં. પનીર છીણીને એમાં મેંદો, કૉર્નફ્લોર અને મીઠું નાખીને પાણીથી ખીરું બનાવવું. એના પકોડા બનાવવા. ગ્રેવી ઊકળે એટલે એમાં પકોડા નાખવા. સરસ હલાવીને ગરમ-ગરમ સર્વ કરવું.
* બેસન કરી * માટે કપ બેસન, દોઢ કપ સમારેલા બટેટા અને કાંદા, ૧ બારીક સમારેલું લીલું મરચું, કોથમીર, અડધી ટી સ્પૂન લાલ મરચાની ભૂકી, ધાણા પાઉડર, હળદર અને આદું-લસણની પેસ્ટ, ૪ ટેબલ સ્પૂન તેલ, ૧ ટી સ્પૂન રાઈ, લીમડો, મીઠું સ્વાદ અનુસાર. રીતમાં પેનમાં તેલ ગરમ કરીને રાઈ અને લીમડાનો વગાર કરો. કાંદા અને બટેટા મિક્સ કરીને ૨ મિનિટ સુધી શેકી લો. આદું-લસણની પેસ્ટ, લીલાં મરચાં, લાલ મરચાંની ભૂકી, હળદર અને મીઠું મિક્સ કરીને ૫-૭ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો. એક બાઉલમાં બેસન અને જરૂર અનુસાર પાણી મિક્સ કરીને ઘટ્ટ ખીરું બનાવો. બેસનનું આ ઘટ્ટ ખીરું ઉમેરીનં ૨ મિનિટ સુધી રાંધો. ધાણા પાઉડર અને કોથમીર નાખીને ગરમ ગરમ સર્વ કરો.
* વેજિટેબલ જયપુરી * માટે ૨ ગાજર, ૨૫૦ ગ્રામ કોબી, ૧૦૦ ગ્રામ બાફેલા લીલા વટાણા, બાફેલા બટાટા, ૨ ટેબલ-સ્પૂન ઘી, ૩ ટમેટાં, ૩ લીલા મરચાં, સૂકો મસાલો, ૫ તજ, ૫ લવિંગ, ૭ મરી, અડધો ટી જીરું, અડધો ટી ખાંડ, અડધો ટી કોથમીર, મીઠું સ્વાદ અનુસાર, મસાલો, ૨ ટી-સ્પૂન કોપરાનું છીણ, ૧ ટી-સ્પૂન આખા ધાણા, ૧/૪ ટેબલ-સ્પૂન હળદર, ૧ ડુંગળી, પાંચ કળી લસણ લઇ લો. હવે ગાજરને ધોઈ, છોલી, વચ્ચેનો ભાગ કાઢીને નાના ટુકડા કરવા. કોબીને ઝીણી સમારવી. બાફેલા બટાટાને છોલીને નાના ટુકડા કરવા. વટાણા વરાળથી બાફવા. એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકી વાટેલો મસાલો સાંતળવો. સુંગધ આવે એટલે કોબી નાખીને હલાવવું. થોડુંક પાણી છાંટી, ઢાંકણ ઢાંકીને થોડી વાર ચડવા દેવું. ત્યાર બાદ બટાટા, વટાણા, ગાજર, ટમેટાંના ટુકડા, સૂકો મસાલો નાખીને સાંતળવું. લીલા મરચાંના કટકા, મીઠું, ખાંડ, લાલ મરચું નાખી ઉકાળીને નીચે ઉતારવું. કોથીમર અને ઘી નાખવું અને પીરસવું.
* ચોકલેટી પૂડલા* બનાવવા ૧ કપ દૂધ, ૩/૪ કપ મેંદો, ૧ ચમચી ખાંડ, ૧ મોટી ચોકલેટ, ૧/૪ ચમચી એલચી પાઉડર, સજાવવા માટે છીણેલું પનીર, તળવા માટે બટર લો સૌપ્રથમ ચોકલેટ છીણી લો. દૂધ ગરમ કરો. એમાં ખાંડ, ચોકલેટ અને એલચી પાઉડર નાખો. મેંદો મિક્સ કરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. નોનસ્ટિક પેનમાં બટર લગાવો અને થોડું ખીરું પાથરો. હવે બંને બાજુ બટર લગાવી શેકો. મીઠા જેમ અથવા મધ સાથે સર્વ કરો.
* કોર્ન પુલાવ* બનાવવા એક કપ પૂરો ભરીને બાસમતી અથવા ઘરમાં જે હોય તે ચોખા, ૧.૫ કપ મકાઈના તાજા દાણા, ૧/૨ કપ બારીક સમારેલો કાંદો, પા ચમચી હળદર અને મરચા પાવડર, અડધી ચમચી ધાણા પાવડર, બે કપ પાણી અને સ્વાદાનુસાર મીઠું લીલી ચટણી માટે - પા કપ કોથમીર, ૧ ચમચી ફુદીનો,એક ચમચી તાજુ ખમણેલું નારિયેળ , ૪ કળી લસણ સમારેલું, બારીક સમારેલું નાનો ટુકડો આદું, ૨-૩ લીલાં મરચાં(ઓછું તીખું ખાતા હો તો એક જ મરચું લેવું) બે થી ત્રણ ચમચી પાણી વાટવા માટે. આખો મસાલો - એક મીડિયમ તજપત્તું, એક ઈંચ તજ, બે લવિંગ, બે લીલી એલચી, ચાર દાણા કાળા મરી, એક બાદિયાન (સ્ટાર એનીસ), ૧/૨ ચમચી જીરું લઇ લો. પ્રથમ ચોખા ધોઈને તેને ૨૦-૨૫ મિનિટ પલાળીને રાખો. લીલી ચટણીની સામગ્રીને મિક્સીમાં પીસીને રાખો. નાળિયેરનું ખમણ ન હોય તો ચાલે. પેનમાં તેલ મૂકીને ગરમ આખા મસાલાને નાખો. પછી કાંદાને સાંતળો. ત્યારબાદ લીલી ચટણી નાખી સાંતળો. બે મિનિટ રહીને મકાઈના દાણા નાખી મિક્સ કરો. પછી ચોખા નાખી થોડું હલાવો. પાણી અને મીઠું નાખી તેને ઢાંકીને ધીમા તાપે થવા દો. પ્રેશર કૂકરમાં કરો તો પંદરેક મિનિટ ધીમા તાપે થવા દો. ગરમા ગરમ તેને દહીંના રાયતા, અથાણું, પાપડ સાથે પીરસો.
* બ્રેડનાં દહીંવડાં* બનાવવા ૧ પૅકેટ બ્રેડ મોટી સાઇઝ, ૧ કિલો દહીં, મીઠું સ્વાદ અનુસાર, અડધો ટી-સ્પૂન વાટેલાં આદું-મરચાં, અડધો ટી-સ્પૂન જીરું અને હિંગ, ૧ ટી-સ્પૂન ખજૂર-આમલીની ચટણી એકત્ર કરી બ્રેડની બાજુની કિનાર કાઢી એકસરખા નાના કટકા કરવા. એને તેલમાં તળીને કાઢી લેવા. પછી ૨૫૦ ગ્રામ દહીંની પાતળી છાશ બનાવી એમાં બોળી હાથથી દાબીને છાશ કાઢી નાખવી. દહીંને વલોવીને મીઠું, વાટેલાં આદું-મરચાં અને ખાંડ નાખી તૈયાર કરવું. એક ડિશમાં કટકા મૂકીને એના પર દહીં નાખો. થોડા તેલમાં જીરું, હિંગ અને લીમડાનાં પાન સમારીને વઘાર કરવો. પીરસતી વખતે ખજૂર-આમલીની ચટણી નાખવી.
* છોલે પુલાવ* માટે ૧૫૦ ગ્રામ બાફેલા છોલે, ૧ ટેબલ-સ્પૂન તેલ, ૧ ટી-સ્પૂન ઘી, ૧ ટી-સ્પૂન જીરું, બે નંગ તમાલપત્ર, પાંચ નંગ તમાલપત્ર, એક કાંદો, ૧ નંગ ટમેટું, ૧ ટી-સ્પૂન લાલ મરચું, ચપટી હિંગ, અડધી ટી-સ્પૂન, ગરમ મસાલો, ૧ કપ ચોખા, મીઠું પ્રમાણસર લઇ લો. સૌપ્રથમ છોલે બાફવા. ગૅસ પર એક વાસણમાં તેલ-ઘી મૂકી જીરું નાખવું. તમાલપત્ર અને મીઠો લીમડો નાખવાં. ઝીણા સમારેલા કાંદા નાખીને સાંતળવું. એમાં ટમેટું સમારીને નાખવું. મીઠું, લાલ મરચું, હિંગ, હળદર, ગરમ મસાલો નાખી છોલે નાખવા. બાસમતી ચોખા બે કલાક પલાળી છૂટો ભાત કરવો અને છોલે સાથે મેળવી દેવો.
*શેઝવાન સૉસ* બનાવવા સામગ્રીમાં ૮ લાલ આખાં મરચાં, ૪ કળી લસણ, ૪ ટેબલ-સ્પૂન તેલ, અડધો ટી-સ્પૂન આદું, ૧ નંગ કૅપ્સિકમ, ૮ ફણસી, બે કાંદા, બે ડાળખી સેલરી, ૨૫૦ ગ્રામ ટમેટાં, ૩ ટેબલ-સ્પૂન વિનેગર, ચપટી કૉર્નફલોર, બે ટેબલ-સ્પૂન ખાંડ, ચપટી લાલ રંગ, મીઠું સ્વાદ અનુસાર લઇ લો. પહેલાં અડધો કપ પાણીમાં લાલ મરચાં અને લસણ ઉકાળવાં. ઠંડું થાય પછી એને વાટવાં. પૅનમાં તેલ મૂકી આદું, કૅપ્સિકમ, ફણસી, કાંદા, સેલરી ઝીણાં સમારેલાં સાંતળવાં. ઝીણાં સમારેલાં ટમેટાં, મરચાં નાખી હલાવવું. મીઠું, વિનેગર અને કૉર્નફલોર પાણીમાં ઓગાળીને નાખવું. ઊકળે એટલે લાલ રંગ નાખી ઉતારી લેવું. ટમૅટો કેચપ જેવું જાડું રાખવું.
* દહીંથી બનતા શાકમાં મીઠું ત્યારે જ નાંખવુ જ્યારે શાક તૈયાર થઈ જાય. પહેલાથી મીઠું નાખવામાં આવે તો શાકનો સ્વાદ બરોબર નથી બનતો.
* રાયતું બનાવતી સમયે તેમાં મીઠાનો ઉપયોગ ન કરવો. જ્યારે રાયતું પીરસવામાં આવે ત્યારે મીઠું નાખવાથી તે ખાટું નહીં લાગે.
* ઈડલીને વધુ નરમ બનાવવા ખીરામાં થોડા સાબુદાણા અને અડદની દાળને પીસીને નાખવાથી ઈડલી નરમ બનશે.
* ખાંડના ડબ્બામાં વારંવાર કીડીઓ આવતી હોય તો તેમાં બે-ત્રણ લવિંગ મુકી દેવા. તેનાથી કીડીઓ નહીં આવે.
* ઈડલી, મેંદુવડા કે પછી ઢોસામાં સાંભારના પરફેક્ટ ટેસ્ટ માટે સાંભાર મસાલો બનાવવા અડધો વાટકો આખા ધાણા, બે ચમચી જીરૂ, ૧૫ થી ૧૭ સૂકાં લીલાં મરચાં, એક ચમચી સૂકી મેથી, એક ચમચી કાળામરી, બે મોટી ચમચી ચણાની દાળ, એક મોટી ચમચી અડદની દાળ, પા વાટકો મીઠા લીમડાનાં પાન, અડધી મોટી ચમચી હિંગ, અડધી ચમચી હળદર લઇને પહેલાં કડાઇમાં જરા પણ ઘી કે તેલ ઉમેર્યા વગર હિંગ અને હળદર સિવાયની બધી જ સામગ્રીને ધીમા તાપે શેકી લો. બધી જ સામગ્રીને વારાફરતી શેકો, કારણકે દરેક વસ્તુ શેકાતાં અલગ-અલગ ટાઇમ લાગતો હોય છે. લીમડાને ધોવો નહીં. કપડાથી સાફ કરી ગરમ કરવો. શેકાઇ જાય એમ એક ડિશમાં કાઢતા જાઓ. છેલ્લે ગેસ બંધ કરી હિંગ ઉમેરો અને થોડી સેકન્ડ્સ માટે શેકી લો. શેકેલી બધી જ સામગ્રી ઠરી જાય એટલે મિક્સરના ઝારમાં નાખો. અંદર થોડી હળદર ઉમેરો. હળદર ફક્ત કલર પૂરતી જ ઉમેરવી અને સરસ ઝીણું દળી લો. સુગંધીદાર સાંભાર મસાલો ઠંડો થઈ જાય એટલે એર ટાઇટ ડબ્બામાં ભરી લો. ફ્રિજ વગર પણ 3-4 મહિના સુધી સ્ટોર કરી શકાય છે.
* એક નાની ચમચી મધ લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. રાતના સૂતી વખતે દૂધમાં મધ એક ચમચી ભેળવી પીવાથી સારી ઊંઘ આવે છે. કેન્સર સામે ઉપયોગી છે. કેન્સર સામે લડવામાં સહાયતા કરે છે. હુંફાળા પાણી સાથે મધ લેવાથી શરીરમાંના વિષ બહાર ફેંકાઇ જાય છે.
* મલાઈમાં એક ચમચી ખાંડ નાખી ફીણી માખણ ઊતારવાથી માખણ વધુ પ્રમાણમાં નીકળે છે.
* રીંગણનું ભડથું બનાવતી વખતે રીંગણને શેકી લીધા બાદ તેની ઉપર ૫-૧૦ મિનિટ ઢાંકણ ઢાંકી દો. ત્યારબાદ રીંગણને ચારણીમાં લો. પાણીની ધાર નીચે રાખો. રીંગણની છાલ આપોઆપ નીકળી જશે.