કહાનનું અણછાજતું વર્તન જોઇને દેવને ક્યારનું અજુગતું લાગતું જ હતું પણ તે જાણતો હતો કે કહાન જ્યાં સુધી પોતે આવીને વાત ના કરે ત્યાં સુધી એને કંઇજ પૂછવું યોગ્ય નહોતું. અને તે જાણતો હતો કે કહાન તેને કંઈ કહ્યા વગર નહિ જ રહે એટલે જ એ તેને સમય આપવા માંગતો હતો અને તેણે ધાર્યું હતું એવું જ બન્યું. કહાનનું આવીને સીધું વળગી પડવું જ સાબિતી હતું કે તે કેટલો મૂંઝાઈ રહ્યો હતો.
પણ કહાને જેમ જેમ વાત કરવાની શરુ કરી તેમ તેમ દેવનું લોહી ઉકળતું ગયું. દેવ હંમેશાથી ખુબ શાંત જ રહેતો પણ કહાનની વાતો સાંભળી તેનું મગજ રીતસરનું છટક્યું
“તને ખબર છે તે શું કર્યું છે? ઉર્વાને ખબર પડી તો એ શું કરશે તારું એનો તને જરા પણ અંદાજો છે... અને આ એક વાતને લીધે હજી શું થઇ શકે એની ખબર પડે છે તને??” દેવ શક્ય તેટલો પોતાને કાબુમાં રાખતા બોલ્યો પણ દરેક શબ્દ સાથે તેનો અવાજ ઉંચો થઇ રહ્યો હતો.
“ડેડ, ઉર્વિલે જે રેવા સાથે કર્યું એનો બદલો આપણે લઈએ કે રઘુભાઈ શું ફેર પડે... બસ કામ થાય છે ને... ઉર્વાનું જોયું જશે” કહાન પોતે પણ ખુબજ ગભરાઈ રહ્યો હતો પણ જેમ જેમ વાતને ખતમ કરવાની કોશિશ કરતા તે બોલ્યો. દેવને ક્ષણભર થઇ આવ્યું કે કહાનને એક લાફો ચોડી દે પણ એનાથી કોઈ જ ફરક પડે એમ નહોતો. વાત અત્યારે હાથમાંથી નીકળી ચુકી હતી.
“ઉર્વા ક્યાં છે?” અચાનક મનમાં કંઇક ખયાલ આવતા દેવ પૂછી રહ્યો
“ઘરે હશે... મેં ફોન નથી કર્યો...” કહાને ઉડતો જવાબ આપ્યો
“ફોન નથી કર્યો, તું આટલો કેરલેસ કેમ થઇ શકે??” દેવથી લગભગ રાડ પડાઈ ગઈ. તેણે સીધો જ બાજુમાં પડેલો ફોન ઉપાડ્યો અને ઉર્વાને જોડ્યો. અને જેવું તેણે ધાર્યું હતું તેમજ આખી આખી ત્રણ રીંગ પૂરી થઇ જવા છતાં કોઈએ ફોન ના ઉપાડ્યો. કહાનની ગભરાહટ દરેક રીંગ સાથે વધતી જતી હતી
“ઉર્વાનો ફોન કદાચ ઘરે હશે, એ કદાચ બહાર ગઈ હશે.”કહાને મગજ દોડાવ્યું અને તેને બીજી જ ક્ષણે ઝબકારો થયો કે કદાચ ઉર્વા ઘરે જ ના ગઈ હોય તો... આખો દિવસ વીતી ગયો છે... ક્યાં હોઈ શકે એ...
“એની પાસે તારો ફોન હતો ને?” દેવને રીંગ કરતા કરતા જ યાદ આવ્યું અને તેણે સીધો જ ફોન કટ કરી કહાનનો નંબર ડાયલ કર્યો. તેણે ઝડપથી સામે દીવાલ પર ટીંગાડેલી ઘડિયાળમાં જોયું તો રાતના દસ વાગી રહ્યા હતા. તેની અકળામણ વધી રહી હતી ત્યાં જ સામે છેડેથી હેલોનો અવાજ આવ્યો.
***
ઉર્વાના શબ્દો “મારી પાસે ટાઈમ નથી ઉર્વિલ, યુ મેં લીવ” ઉર્વિલની અંદર શુલની જેમ ભોંકાયા. તે પોતે જ નહોતો સમજી શકતો કે ઉર્વા તેને બચાવવા આવી હતી કે જીવતે જીવ મારી નાંખવા... તેણે જેમ તેમ પોતાની જાતને ઉભી કરી અને લગભગ પોતાને ઘસડતો બહાર નીકળવાની કોશિશ કરતો રહ્યો. તેના મોઢામાંથી અનાયાસે જ સિસકારા નીકળી ગયા અને ઉર્વાએ તરત જ તેનું બાવડું પકડી તેને સંભાળી લીધો.
“સંભાળજો, થોડું વધારે વાગ્યું છે તમને” સાવ કોરા લાગણીવિહોણા અવાજે ઉર્વા કહી રહી તેમાં છૂપેલી લાગણીઓની ભીનાશ ઉર્વિલ સુધી સ્પર્શ મારફતે પહોંચી જરૂર ગઈ. તેના હોઠ પર એક નાનકડું સ્મિત રમી ગયું.
“ઉર્વા, તને કેમ ખબર આ બધું... જે કંઈ થયું એ? રઘુભાઈ કેમ મને મારી નાખવાના હતા? તું પ્લીઝ કંઈ કહી શકીશ મને?” ઉર્વિલ દરવાજો ખોલતા ઉર્વાની સામે જોઈ પૂછી રહ્યો
“ધ્યાન રાખજો ઉર્વિલ. આવજો” ઉર્વા તેનું બાવડું છોડી દેતા બોલી
“પણ મને જવાબ તો આપ. મને કંઇક ખબર તો પડે...” ઉર્વિલથી હવે આ સસ્પેન્સ નહોતું સહન થતું
“તમે ય કોઈકને જવાબ નથી જ આપ્યા ઉર્વિલ.” ઉર્વાની આંખમાં તિખારા થઇ રહ્યા.
ઉર્વિલ એ આંખો જીરવી ના શક્યો તેણે તરત જ નજર નીચી કરી લીધી અને કારથી ઉતરી બાજુમાં જ પડેલી કેબમાં બેસી ગયો. તેના કેબમાં બેસતા જ તેની નજર સામેથી વેગેનાર સડસડાટ નીકળી ગઈ.
“કઈ બાજુ જવાનું છે સાહેબ?” કેબમાં બેસતા જ ડ્રાઈવરે તેને પૂછ્યું
ઉર્વિલ વિચારી રહ્યો કે આવી રીતે મનસ્વી આ રીતે પોતાને જોશે તો શું જવાબ આપશે, એની સામે હજી કેટલુક જુઠાણું ચલાવશે?? તેણે ખિસ્સામાં હાથ નાંખીને જોયું તો ફોન હજી સલામત હતો તેની પાસે પણ તેમાં ટફન ગ્લાસ તૂટી ચુક્યો હતો અને બેટરી બહુ ઓછી હતી.
તેણે ઝડપથી મનસ્વીને ફોન લગાડ્યો
“ઉર્વિલ ક્યાં છો તમે? હું ક્યારની અહિયાં રાહ જોઉં છું. ખાલી કહેતા તો જાવ કે ક્યારે આવવાના છો એ... મને ચિંતા ના થાય?” મનસ્વી લગભગ રડમસ અવાજે બોલી રહી
“મનસ્વી નાનો કીકલો નથી હું... બહુ ચિંતા નહિ કરવાની ખોટી.” ઉર્વિલ બનાવટી રુક્ષતા લાવતા બોલ્યો અને પછી ઉમેર્યુ, “અને સાંભળ થોડુક કામ આવી ગયું છે રસ્તામાં, હું બરોડા રોકાઈ ગયો છું. કાલે કે પરમદિવસે આવી જઈશ.”
“ઉર્વિલ એવું કયું કામ અટકી જાય છે તમારે?? કેમ આવું કરો છો?? ઉર્વિલ ક્યારેક તો વિચારતા જાવ મારું...” મનસ્વીથી ફોન પર ડૂસકું છૂટી ગયું
ઉર્વિલનું મન પણ આવી રીતે મનસ્વીને રડતા જોઈ દુખી થઇ ગયું તેને પણ કહેવાનું મન થઇ ગયું કે પાગલ તારા માટે જ તો વિચારું છું એટલે જ આ ઝીંદગી થઇ છે મારી... પણ ફરીથી પોતાની લાગણીઓને કઠોરતાના આવરણમાં વીંટતા ઉર્વિલે રોકડું પરખાવ્યું
“મનસ્વી ખોટી લપ નહિ ને આ રોવાનું બંધ કર. કાલે આવી જઈશ” આટલું કહી જવાબની રાહ જોયા વિના જ ઉર્વિલે ફોન કાપી નાંખ્યો અને આંખો મીંચી ગયો
થોડી ક્ષણો પસાર થઇ હશે કે ડ્રાઈવરે ફરી પૂછ્યું
“સાહેબ કઈ બાજુ લઉં?”
ઉર્વિલને કહેવું તો હતું કે જ્યાં રસ્તો લઇ જાય ત્યાં પણ તે તો શક્ય નહોતું તેણે પોતાના પેન્ટના જમણા ખિસ્સામાં હાથ નાખી ચાવીને એકવખત સ્પર્શી જોઈ
“પ્રહલાદ નગર...” મીંચેલી આંખો સાથે ઉર્વિલ બોલ્યો અને ડ્રાઈવરે કાર રેવાના ઘર તરફ હંકારી મૂકી
***
લો ગાર્ડન પાસેના શંભુઝમાં ઉર્વા ચુપચાપ કોફી પી રહી હતી. તેની મસ્તિષ્કની રેખાઓ સતત બદલતી હતી પણ તે છેલ્લી અડધી કલાકથી “ચોકલેટ કોફી” સિવાય એક શબ્દ પણ બોલી નહોતી. કારમાં પણ નહિ અને કોફીશોપમાં પણ નહિ. રચિતને ઉર્વાના આવા મૌનથી અકળામણ થતી હતી. તેણે આ ૪ મહિનાના સંબંધમાં ઉર્વાને હંમેશા બોલતા જોઈ હતી. તે ઝગડો કરતી, ગુસ્સો કરતી, રાડો નાખતી, સમજાવતી, રડતી, ડ્રામા કરતી જોઈ હતી પણ આટલી ચુપ ક્યારેય જોઈ નહોતી.
“ઉર્વા હવે આગળ શું કરવું છે?” રચિત ધીમેથી પૂછી રહ્યો
“દક્ષિયન સારું દેખાય છે, ત્યાં જમવા જઈએ થોડીવાર પછી” ઉર્વા તેની સામે જોયા વગર જ બોલી
“એમ નહી પણ અમદાવાદથી ક્યારે નીકળવું છે. શું કરવું છે?” રચિત હજી તેના મનનો તાગ મેળવવા મથી રહ્યો હતો
“હા નહિ તારે કાલે સવારે ઓફીસ હશે ને... તું કહે તારે ક્યારે નીકળવું છે” ઉર્વા હજી પણ તેની સામે નહોતી જોઈ રહી અને એ જ રચિતને વધુ અકળાવતું હતું
“ઓફીસનું થઇ જશે ઉર્વા એને મુક સાઈડમાં” રચિત ચીડાતા બોલ્યો અને પછી ધીમેથી પોતાનો હાથ ઉર્વાના હાથ પર મુકતા બોલ્યો “પણ આપણે શું કરશું હવે આગળ? અત્યારે જ નીકળી જવું છે કે થોડો રેસ્ટ કરવો છે તારે?”
“હું નથી આવવાની રચિત, હું તો અહિયાં જ રોકાઇશ...”
***
(ક્રમશઃ)