18 મી જાન્યુઆરીની રાત્રે લખેલ પત્ર તેણે ફરીથી વાંચ્યો.
"આમાં ડિયર સંબોધન શોભતું નથી." તે બબડ્યો. "એણે ક્યાં હજી હામી ભરી છે કે આ શબ્દ વાપરવો જોઈએ ? બેવકૂફ દેખાઈશ "
તેણે એ શબ્દ પર ચેકચાક કરીને ખાલી 'નેહલ' એ સંબોધન રાખ્યું. પણ બીજી જ મિનિટે ભૂસેલું લખાણ તેને ખટક્યું. કાંઈક વિચારતા તેણે સુલેખનની સ્પર્ધામાં ઉતરવું હોય તેમ ફરીથી નવા પેજમાં પત્ર લખવો શરૂ કર્યો.
એક પેજમાં પંદર જેટલી લાઈન લખીને તેણે ફરીથી વાંચી. પછી સંતોષથી માથું હલાવ્યું. રાત્રીના સાડા દસ વાગ્યા હતા. પત્ર લખાઈ જતા તેણે દરવાજો ખોલ્યો. અને રોજની જગ્યાએ આવીને બેઠો.
સામેના દરવાજાની તિરાડમાંથી આવતો ઉજાસ બંધ થયો.
'પત્ર કાંઈ રીતે આપવો ?' તેનું દિમાગ અસમંજસમાં હતું. તે બહાર આવ્યો. હજી શેરીમાં રોનક હતી. શિયાળાની ટાઢ વાતાવરણમાં વર્તાઈ રહી હતી. ડાબી બાજુ શેરીના છેવાડે પાનના ગલ્લા તરફ નજર કરતા ત્યાં ચાર પાંચ નવરાઓનું ટોળું વાતોએ ચડ્યું હતું. એ વાતચીતોના અવાજ આવી રહ્યા હતા. અને એ ક્યારે શમે તે નક્કી નહોતું. તે અંદર આવ્યો.
પણ ત્યાં એની છાતી થડકી ઉઠી, કેમ કે નેહલના ઘરનો દરવાજો હળવેથી ખુલ્યો. અને અંદરની તરફ ઉભેલી નેહલ પ્રશ્નાર્થ ચહેરે એની સામે તાકી રહેલી જોવા મળી.
"આ બેવકૂફ ધજાગરા કરાવશે" હોઠ પીસતાં તે બબડ્યો. તેના કપાળ પર પરસેવાની નાની બૂંદો છલકાઈ આવી. ચહેરાના હાવભાવ સખત બનાવીને તેણે નેહલને દરવાજો બંધ કરવા ઈશારો કર્યો.
પણ સમજી ન હોય તેમ નેહલે હાથના ઇશારાથી "શું?" એમ પૂછ્યું. એક સેકન્ડ માટે પ્રશ્ન પૂછી રહેલા તેના ગોરા હાથની પાતળી આંગળીઓ પર તેની આંખો ચોંટી રહી. પછી પોતે નહિ સમજાવી શકે એવો વિચાર કરતા નિરવે પોતાનો દરવાજો બંધ કર્યો.
તરત જ સામેથી બારણું વસાવાનો અવાજ આવ્યો.
"આટલી વાર સમજાવ્યું છે કે પાનના ગલ્લે કોઈ ઉભું હોય ત્યાં સુધી દરવાજો નહિ ખોલવાનો." તેણે ગુસ્સાથી વિચાર્યું. થોડીવાર તે સુનમુન બેસી રહ્યો. પોતે પોતાના જ હ્ર્દયના ધબકાર વધી રહેલા અનુભવી રહ્યો હતો. પત્ર આવી જ દેવો છે, એ નીર્ધાર કરી જ લીધો હતો. પણ હવે રાહ જોવાતી હતી શેરીમાં સુનકાર વ્યાપે તેની.
પંદરેક મિનિટ થોભીને ફરીથી દરવાજો ખોલી ડાબી બાજુ નજર દોડાવી. જરાય ઉતાવળ ન હોય તેમ ત્રણેક છોકરાઓ ત્યાં ઓટલા પર નિરાંત કરીને બેઠા હતા. હજી તો એ બાજુથી નજર ફેરવે તે પહેલા ફરીથી નેહલે દરવાજો ખોલ્યો.
ભયથી તે સડસડાટ અંદર આવ્યો. 'આને કેમ સમજાવવી?' તે વિચાર એને અકળાવી ગયો. રોષથી તેણે હોઠ ફફડાવી ધીમા અવાજે બૂમ પાડી. "બારણું બંધ કર બેવકૂફ."
એ શબ્દો પેલીને સંભળાઈ ગયા હતા. પણ એ ય જાણે ગુસ્સે થઇ ગઈ હતી. તેણે ડોકું ધુણાવીને મક્ક્મતાથી 'ના' પાડી.
"નહિ સમજી શકે આ કમઅક્કલ." ગુસ્સાથી ફાટફાટ થતા દિમાગે વિચાર્યું. અને ફરીથી તેણે દરવાજો બંધ કર્યો. ને સોફા પર બેઠો.
લેટર હાથમાં લઈને ફરીથી વાંચ્યો. પોતાના બારણાની તિરાડમાંથી સામે નજર કરી. નેહલનું બારણું અર્ધખુલ્લું હતું. અને તેની ઉત્સુક નજર નીરવનાં દરવાજા પર ખોડાયેલી હતી. નિરાશાથી નિરવે માથું ધુણાવ્યું. અને ઊંડો શ્વાસ ભરતા તેની મુઠ્ઠી બીડાઈ ગઈ. બે-એક મિનિટ પછી કાંઈક રોષથી નેહલે ધડાકા સાથે દરવાજો બંધ કર્યો. એના પડઘા પોતાના મગજમાં ક્યાંય સુધી ગુંજતા રહ્યા.
ઝટકા સાથે તે ફ્લૅશબૅકમાંથી બહાર આવ્યો.
એના દિમાગમાં ધમાસાણ મચ્યું હતું. અને કાંઈક ખાલીપો સર્જાયો હતો. મુઠ્ઠીમાં ભીંસાયેલ અને પરસેવાથી ભીનો થઇ ચૂકેલ પત્ર જાણે એની માનસિક નિર્બળતાની મજાક ઉડાવી રહ્યો હતો.નેહલની સામે જઈને 'હું તને પ્રેમ કરું છું.' એટલા શબ્દો સેંકડો વખત તેના હોઠ સુધી આવીને પાછા વળી ગયા હતા.
(બસ અહીંથી આપણી સ્ટોરીનું પહેલું પ્રકરણ શરૂ થયું હતું. )
*****
નેહલનો જીવ ઉછળીને ગળે આવી ગયો હતો. પોતે બબ્બેવાર બારણું ખોલીને નીરવ તરફથી આવતા પ્રસ્તાવને વધાવવા તૈયાર થઇ ચુકી હતી. પણ પેલો ન જાણે શા માટે પોતાના ઉંબરેથી પાછો વળી જતો હતો ? પોતાના દિમાગમાં પણ શૂન્યાવકાશ સર્જાયો હતો. બહાર શેરીના છેવાડે કોઈ બેઠું હોઈ શકે એ વાત તેના દિમાગમાં નહોતી આવી રહી. બીજીવાર બારણું વાસીને તે કલ્પનાઓ કરતી રહી.
'એ કઈ રીતે પ્રસ્તાવ મુકશે ? આવીને સીધું પ્રપોઝ કરશે કે પત્ર આપશે ? અંદર આવવાની જીદ તો નહિ કરે ને? માય ગોડ. ! એ અંદર આવવા માંગતો હશે તો હું શું કહીશ ? પાછો વાળી દઈશ કે આવવા દઈશ ? પાછો તો કેમ વળાય ? પણ હું એને વિનંતી કરીશ કે પ્લીઝ અંદર ન આવ.'
પણ એક વખત એ મારા ઘર તરફ પગલાં તો માંડે. ! પછી હું બધું સંભાળી લઈશ. પણ આવીને એ સીધું "આઈ લવ યુ" કહી દેશે તો હું જવાબમાં શું કહીશ ? '
'આઈ લવ યુ ટુ, વિચારવું સહેલું છે. પણ એની સામે નજર મેળવીને આ શબ્દો તો મારાથી નહિ બોલી શકાય. બાપ રે ! એ કરતા તો નીરવ તરફથી પત્ર મળે તો વધુ સારું. પોતે નિરાંતે જવાબ આપી શકશે.
આવા કલ્પનાના ઘોડા તે ખેલવતી રહી.
દીવાલ ઘડિયાળમાં સવા અગિયારનો એક ટકોરો ઘરના સ્તબ્ધ વાતાવરણને ચમકાવી ગયો.
નીરવનાં ઘરનો દરવાજો ખુલવાનો તદ્દન ધીમો અવાજ પોતાના કાને પડ્યો. કાન સરવા રાખીને બેઠી ન હોત તો કદાચ ખ્યાલ પણ ન આવત. તે સફાળી બેઠી થઈને લેટરબોક્સની તિરાડમાંથી સામે દ્રષ્ટિ કરી.
પોતાના દરવાજાથી બે ડગલાં આગળ આવીને નીરવ ડાબી તરફ જોઈ રહ્યો હતો. પોતે સમજી ન શકી કે વારંવાર એ શા માટે એ તરફ જોતો હશે ? કદાચ અહીં સુધી આવવા માંગતો હશે એમ વિચારી હળવેથી અર્ધો દરવાજો ખોલી નાખ્યો.
અગાઉ બે વખત બન્યું હતું. તેવું જ રિએક્શન આવ્યું. લગભગ ઉછ્ળતી ચાલે નિરવ અંદરની તરફ ભાગ્યો. અને પછી લાલઘૂમ ચહેરે પોતાના પર આગ વરસાવતો નજરે ચડ્યો.
"બારણું બંધ કર મૂર્ખ." તેના અવાજમાં રહેલ ફૂફાડો નેહલને અંદર સુધી ધ્રુજાવી ગયો. પોતે કાંઈ વિચારી શકે તે પહેલા નિરવે ડાબી તરફ હાથ બતાવી ધીમા અવાજે કહ્યું, એ ત્રુટક શબ્દો એના કાને અથડાયા " ત્યાં....પાનના ગલ્લે..."
"અરે ભગવાન...!" પોતાના દિમાગમાં અચાનક વિસ્ફોટ થયો હોય તેમ નેહલને વિસરાયેલ ગલ્લો યાદ આવ્યો. આતંકથી એની આંખો ફાટી પડી. અને એક સેકન્ડના ય વિલંબ વગર તે દરવાજો ભીડવા ગઈ. પણ હવે અહીં સુધી પહોંચી ગઈ તો 'ચોખવટ કરી જ લેવી છે.' એ વિચારે પોતે થોભી.
નીરવ પોતાનો ઈશારો સમજી શકશે કે નહિ એની પરવા કર્યા વગર પોતે પોતાનું ડાબું કાંડુ ઉંચુ કરીને ઘડિયાળ બાંધવાની જગ્યાએ આંગળી મૂકી અને હાથથી જ પ્રશ્ન પૂછ્યો.
એનો પ્રશ્ન સમજી ગયો હોય તેમ નીરવ બંને હાથના દસ આંગળા બતાવી પછી ફરીથી બે આંગળીઓ બતાવી.
'ગ્રેટ... એ બાર વાગ્યાનું કહી રહ્યો છે,' એવું સમજતા પોતાને સેકન્ડ પણ ન લાગી. અને પોતે ત્વરાથી બારણું ભીડયું.
દરેક સેકન્ડ વીતવાની સાથે હ્ર્દયના ધબકાર વધતા રહ્યા.
હવે બાર વાગ્યા સુધી દરવાજો ખોલવાનો સવાલ જ નહોતો. પોતે પલંગ પર આવીને બેઠી. હૈયામાં કશોક અકથ્ય ભાર અને આનંદ ઉભરાઈ રહ્યો હતો. ઓશીકાનો ટેકો લઈને તે બેઠી. પણ પછી જાણે વિચારોમાં ખલેલ પડતી હોય તેમ બે પગને બેવડા વાળી ઘૂંટણની વચ્ચે માથું ગોઠવ્યું.
સાડા અગિયાર અને પોણા બારણાં ટકોરા પણ પોતે એ જ સ્થિતિમાં સાંભળ્યા.
'મારાથી સહન નથી થઇ રહ્યું નીરવ, પ્લીઝ હવે જલ્દી આવ.' તેના મનમાંથી પોકાર ઉઠ્યા.
*****
કોઈ અજબ ટેલિપથીથી એ પોકાર પોતાના હૈયામાં પડઘાયો હોય તેમ નીરવ સોફા પરથી સફાળો બેઠો થયો. બાજુમાં જ પડેલો પત્ર પંખાની હવામાં ધીમે ધીમે ફરફરી રહ્યો હતો. નેહલ હવે બાર વાગ્યા સુધી દરવાજો નહિ ખોલે એ તેને ખાતરી હતી. છેલ્લી વખત શેરીનું વાતાવરણ ચેક કરવા તે ઉભો થયો.
શેરીમાં પોતાના નામની જેમ જ નીરવ શાંતિ પથરાયેલી હતી. ઠંડીનું પ્રમાણ સહેજ વધ્યું હતું. પાનના ગલ્લે મિટિંગ વિખરાઈ ગઈ હતી. કોઈ માણસનો અણસાર સુદ્ધા નહોતો દેખાતો. કુતરાય જાણે જંપી ગયા હોય તેમ ક્યાંક ખૂણો પકડીને લપાઈ ગયા હતા.
પત્ર આપવાની આદર્શ સ્થિતિ.
દરવાજો બંધ કરી તે અંદર આવ્યો. સોફા પરથી પત્ર ઉઠાવી હાથમાં લીધો.
'તું બરાબર કરી રહ્યો છે ?' એના અંતરઆત્માએ છેલ્લી ઘડીએ એને પ્રશ્ન કર્યો. તે સહેજ ખચકાયો. આજ દિવસ સુધીની તમામ ઘટનાઓ તેની નજર સામે જીવંત થઇ ઉઠી. આ દિવસ માટે તેણે સાત મહિના રાહ જોઈ હતી. પણ હવે છેલ્લી ઘડીએ કેમ પગલાં પાછા પડે છે ? હજી કયો ખટકો બાકી રહ્યો છે ?
'નેહલ પ્રસ્તાવ નહિ સ્વીકારે તો તું શું કરીશ ?' એના દિમાગે ફરીથી એના હૈયામાં અજ્ઞાત ભયનો સંચાર કર્યો. 'પછી તું ક્યારેય એની સામે જઈ શકીશ ? એની રુક્ષતા કે અવગણના સહી શકીશ ?'
'એ ના નહિ કહે. ' પોતે જાણે પોતાની જાત સાથે દલીલ કરતો હતો. 'એ અત્યારે મારા માટે જાગી રહી છે. એ અત્યારે મારી જ રાહ જોઈ રહી છે. બસ..! હવે પાછું નથી હઠવું. કદાચ એ ના કહી દેશે તો ભલે એની મરજી. પણ આ રોજ-રોજની તડપનો હવે અંત આવવો જોઈએ.'
દ્રઢ નિર્ધારથી તેના ચહેરા પર એકાએક ગજબનો આત્મવિશ્વાસ પ્રગટ્યો. ઉત્તેજનાથી એ કાંપી ઉઠ્યો. જડબાની નસો તંગ બનીને ઉપસી આવી. નશીલા પદાર્થનો નશો કર્યા પછી જે હિંમત પ્રગટે એવી હિંમતનો એકાએક સંચાર થયો. હાથ પગ ખોટા પડી ગયા હોય તેમ પોતે યંત્રવત ક્યારે દરવાજો ખોલ્યો એ પણ ભાન ન રહ્યું.
એની રાહ જ જોતી હોય તેમ નેહલનો દરવાજો તદ્દન હળવેથી. જરા પણ અવાજ વગર ખુલ્યો.
પોતે પોતાના ઘરના બે પગથિયાં ઉતરી ચુક્યો હતો. નેહલના ઘરનો ખુલ્લો દરવાજો જોતા જરાય ફિકર વગર પોતે નેહલ સામે જોયું. અને હળવેથી કાંઈક કહેવા પ્રયત્ન કર્યો. પણ શબ્દો ગળામાં જ થીજી ગયા.
'દરવાજો બંધ... ! લેટર બોક્સ....!' તે દારૂડિયાની માફક શું બોલી રહ્યો હતો એનું પોતાને ય ભાન નહોતું. અચરજથી નેહલની આંખો પહોળી બની. અને તેણે દરવાજો ભીડ્યો. લેટર બોક્સમાંથી લેટર અંદર આવશે એટલું તે સમજી ચુકેલી. એના હ્ર્દયના થડકાર એને પોતાને સંભળાઈ રહ્યા હતા.
યાદદાસ્ત ભૂલી ગયેલ વ્યક્તિને કોઈ બીજું દોરીને લઇ જઈ રહ્યું હોય તેમ યંત્રવત પગલે નીરવ નેહલના દરવાજા સુધી પહોંચ્યો.
બંને વચ્ચે માત્ર એક બારણું હતું. બંને એકબીજાના વધી ગયેલા શ્વાસ સ્પષ્ટ સાંભળી રહ્યા હતા.
*****
પોતાના ઘર પાસે એ પગલાંનો આવાજ થંભ્યો એ પોતે ય સાંભળ્યું. બારણાંમાં પીઠ ટેકવીને તે જોરજોરથી હાંફી રહી હતી. આટલી ઠંડીમાં પણ તેનો શરીર પર અઢળક પરસેવો વળ્યો હતો. શું બોલવું એ તેને સુજ્યું નહિ. માત્ર દોઢ ફૂટના અંતરે બહાર ઉભેલા નીરવનાં ઊંડા શ્વાછોચ્છશ્વાસ તેને સંભળાઈ રહ્યા હતા. જાત પર કાબુ મેળવતા તે લેટરબોક્સની બરાબર સામે ઉભી રહી.
બહારથી લેટર નાખવાની તિરાડમાંથી પત્રની આછી ઝાંખી તેને દેખાઈ.
'નીરવ.....અત્યારે.. શું છે..!' પોતે શું બોલી રહી છે એનું ય એને ભાન નહોતું. લેટર અંદર સરક્યો. એટલે આંચકા સાથે તેણે એ લઇ લીધો.
બીજી જ સેકન્ડે નીરવનાં દૂર જઈ રહેલા પગલાં તેના કાને પડ્યા. અને પછીની બે સેન્કડ બાદ નીરવનો દરવાજો જોરથી ભિડાવાનો અવાજ.....
તે સ્તબ્ધતાથી ઉભી રહી. જેની આટલા મહિનાથી તે રાહ જોઈ રહી હતી એ પત્ર પોતાના હાથમાં હતો. દુનિયાની આઠમી અજાયબી પોતાના હાથમાં પકડીને ઉભી હોય તેમ એ ફાટી આંખે પત્રને તાકી રહી. તેના શરીરે મશીનની જેમ પરસેવો ઓકવો શરૂ કર્યો હતો.
પોતાની જાત પર કાબુ મેળવતા તેને એકાદ મિનિટ લાગી.
પત્રને પલંગ પર ફેંકતા તે પાગલની જેમ અંદર ભાગી. વોશબેસીનનો નળ ચાલુ કરીને મ્હોં પર પાણીની છાલક નાખી.
તેના ગોરા ચહેરા પર રતાશ ઉપસી આવી.
ડ્રેસની બાંયથી જ મ્હોં લૂછતાં તે અંદર આવી. બંને હાથ સલવારમાં લૂછ્યાં. અને પલંગ પર લગભગ પડતું જ મૂક્યું. ત્યારે એક કલાકની ડ્રાંમેટિક ઉત્તેજનાનો અંત આવ્યો હોય તેમ એના મ્હોંમાંથી એક રાહતનો લાંબો શ્વાસ છૂટ્યો.
પલંગ પર ઊંધા સુતા સુતા તેણે પત્ર ઉઠાવ્યો. અને નાક પાસે લઇ જઈ એક ઊંડો શ્વાસ લઇ નિરવની મહેકને અંદર ઉતારતી હોય તેમ આંખો મીંચી.
પછી હળવેથી પોતાની જિંદગીના પ્રથમ પ્રેમપત્રની ગડી ખોલી.
"હુહ ! લુખ્ખું નેહલ ?, અરે યાર કાંઈક ડિયર જેવું તો આગળ લખવું હતું ?" સંબોધન વાંચતા તેણે વ્હાલથી મ્હોં મચકોડ્યું. પછી વાંચવામાં પરોવાઈ.
"નેહલ.
શું લખવું મને સમજાતું નથી. મેં હજી સુધી ક્યારેય કોઈને પત્ર લખ્યો નથી. પણ છેલ્લા છ-સાત મહિનાની લામ્બી ગડમથલનો અંત તો લાવવો જ હતો. એ સિવાય આ તડપને ઓછી કરી શકાય તેમ નહોતી.
સાત મહિનાથી તું મારી જિંદગીમાં વણાઈ ચુકી છો. બસ એટલું જ કહેવું પૂરતું રહેશે. 'મને તારા વગર ક્યાંય ચેન નથી પડતું ને ખાવું પીવું ભાવતું નથી ને તું જ મારી જિંદગી છો. આવા ફિલ્મી ડાયલોગ લખતા મને નહિ ફાવટ. અને મને ખાતરી છે કે તને ય એ વાંચવા ન ગમત.
પણ મને એ ય ખાતરી છે કે આ પત્ર લખ્યા વગર હવે મારી સ્થિતિ દરરોજ અસહ્ય બની રહેત. એટલે હિંમત કરીને આજે લખી જ નાખ્યો.
હા. હું તને ચાહું છું....... મારા મનના ઊંડાણથી..... મારી જિંદગીમાં આવેલી તું પ્રથમ છોકરી છો. અને અંતિમ બની રહે તેવી ભગવાન પાસે દુવા માંગુ છું.
મને તારા પ્રેમને લાયક સમજતી હોય તો આ પત્રનો વહેલી તકે જવાબ આપજે. મારો આ પ્રસ્તાવ સ્વીકાર ન હોય તો ખાતરી રાખજે કે હું ક્યારેય તને મ્હોં નહિ બતાવું. કે તારા રસ્તામાં નહિ આવું.
તારા જવાબની રાહમાં અને તારો બનવા ઈચ્છતો...........
નીરવ.
"વાહ વાહ સાહેબજી ! ફિદા થઇ ગઈ તમારી અદા પર... "ઉછળી પડતા તે આવેશથી બોલી ગઈ. "મને તારા પ્રેમને લાયક સમજતી હોય તો આ પત્રનો વહેલી તકે જવાબ આપજે," વાહ, શું વાક્ય લખ્યું છે......ચોક્કસ લાયક સમજુ છું... શા માટે જવાબ ન આપું ડિયર....!" તે પાગલની માફક સ્વગત બબડતી હતી. આંખના એક ખૂણે નાનકડું અશ્રુબીંદ ધસી આવ્યું હતું. સાત મહિનાની તપશ્ચર્યા જાણે ફળી હતી. પત્રને તેણે વ્હાલથી પોતાની આંખો પર સ્પર્શ કરાવ્યો. છાતી સરસો ભીડ્યો. ફરીથી વાંચ્યો, ત્રીજી વખત...ચોથી વખત.. તેને ભાન ન રહ્યું કે કેટલી વખત વાંચ્યો. આનંદના અતિરેકમાં તે નાચતી કૂદતી ઉભી થઈને નોટ તથા પેન લઈને પલંગ પર પલાંઠી મારીને બેઠી. પેનનો છેડો ગાલ પર ટેકવી આંખો મીંચી, શું સંબોધન કરવું તે વિચારમાં મલક્તાં મ્હોએ ગરકાવ થઇ ગઈ.
*****
પોતાનો હાથ કઈ રીતે લેટર બોક્સ સુધી પહોંચ્યો એ પણ નિરવને ભાન ન હતું. પોતાના ઘરથી ત્રીસ ફૂટ દૂરનું અંતર કાપી નેહલના ઘર પાસે પહોંચવાથી લઈને પત્ર સરકાવવા સુધીની આ આખી ક્રિયા પોતે જાણે યંત્રવત કરી હતી.
પણ પોતે પત્ર સરકાવ્યો એ અંદર નેહલે પકડે તે પહેલા નેહલના મ્હોએથી ઉચ્ચારાયેલા ચાર શબ્દો ત્રુટક રીતે એના કાને અથડાયા 'નીરવ.....અત્યારે.. શું છે..!'
પરંતુ એ શબ્દોનો અર્થ કાઢવાનો અત્યારે સમય નહોતો. અંદરથી નેહલે પત્ર ખેંચ્યો. એટલે પોતે પત્ર પરની પકડ ઢીલી કરીને તરત જ પાછો ફર્યો.
ત્યારે શેરીનું સ્તબ્ધ વાતાવરણ અને સુનકાર જોઈને એ કંપી ઉઠ્યો.
'માય ગોડ.. માય ગોડ..' પોતે નેહલના ઘરના દરવાજે ઉભો હતો એ ભાન તેને અત્યારે થયું. ને તેણે લગભગ દોટ મૂકી.
આ આખી ક્રિયા માંડ ત્રણ સેકન્ડમાં બની.
ઉતાવળથી તેણે દરવાજો બંધ કર્યો. એનો મોટો અવાજ થયો
પણ હવે તેને પરવા નહોતી. હવે આખું ગામ જાગી જાય તો પણ વાંધો નહોતો. દરવાજો બંધ કરીને તે દરવાજાની બાજુમાં જ જમીન પર ફસડાઈ પડ્યો.
હા પોતે આજે નેહલને પત્ર આપી દીધો હતો. પરિણામ શું આવશે એ જાણ્યા વગર હિંમત કરી નાખી હતી. જમીન પર બેસીને જ તેણે સોફા પર માથું ઢાળ્યું. તેના હાથ પગ સુન્ન થઇ ગયા હતા, શરીરની સમગ્ર શક્તિ કોઈએ હણી લીધી હોય તેમ એ જોર-જોરથી હાંફી રહ્યો હતો. ભય, ઉત્તેજના, આવેશ અને ન જાણે કેટલીય લાગણીઓ મિશ્રિત બનીને તેના શરીરમાં વિદ્યુત વેગે દોડી રહી હતી.
શરીર તો જવાબ દઈ ચૂક્યું હતું પણ દસેક મિનિટે દિમાગ સક્રિય થયું. અને પોતે કરેલ આખી ક્રિયા એની નજર સામે જીવંત બની ઉઠી.
"નેહલ શું બોલી હતી ? 'નીરવ.....અત્યારે.. શું છે..!', વૉટ ધ હેલ ! અત્યારે શું છે નો મતલબ ?" તેના દિમાગની નસો સળવળી, અરે એ બેવકૂફને ખબર નહોતી કે હું તેને પત્ર આપવા ત્યાં ગયો હતો ?"
"કાંઈ રીતે ખબર હોય ?" એના સુષુપ્ત દિમાગે એને સચેત કર્યો.
"અરે ભગવાન... તો શું એના મનમાં કશું જ નથી ? આ વાક્યનો અર્થ તો એ થાય કે અત્યારે ત્યાં સોનલ નહોતી ને અહીંયા અનંત નહોતો તો પછી તું શા માટે આવ્યો અહીં ?" વિચારતા એનું શરીર ધ્રુજી ઉઠ્યું. અણગમતી કલ્પના ન કરવા માંગતો હોય તેમ જોરથી માથું ધુણાવ્યું.
"પણ તો પછી એના બોલવાનો બીજો શું અર્થ હોઈ શકે?" તેને પ્રશ્ન ઉઠ્યો. "જો મારી જેમ તે પણ આ સ્થિતિમાંથી પસાર થઇ રહી હોત તો કમ સે કમ 'કેમ છે ?' એટલું પૂછ્યું હોત. એના બદલે સરપ્રાઈઝ થઇ હોય તેમ 'અત્યારે શું છે ?' તેમ પૂછ્યું ?
અને આ સાથે જ દિમાગમાં નેગેટિવ વિચારોની આવક શરૂ થઇ.
"માય ગોડ..! પોતે આ શું કરી બેઠો ? મારે ઉતાવળ કરવાની જરૂર નહોતી....પણ હવે શું...? જે થવાનું હતું એ તો થઇ ગયું... !
એના દિમાગમાં વિચારોનો વંટોળ જાગ્યો. નેહલ જો પોતાને પ્રેમ ન કરતી હોય તો સવારે બનનારી ઘટનાઓની બિહામણી કલ્પનાઓ તેને થથરાવી રહી હતી.
"પહેલા તો એ પોતાની મમ્મીને જાણ કરે, પછી શું થાય ? એની મમ્મી મારા પપ્પાને કહે.. અને પપ્પા....! વેલ, પપ્પા શું કરે એ કલ્પના પણ તેનાથી ન થઇ શકી.
"બીજું, કદાચ એ કોઈને ન કહે, પણ મારી સામેથી જ મ્હોં ફેરવી લ્યે. આ સ્થિતિ પણ અસહનીય હતી. ખાસ તો મિત્રવર્ગમાં મજાક બનશે, એ કલ્પના વધુ ભયાવહ હતી.
"ત્રીજું, પેલા અનિલની માફક મને એકાંતમાં કાંઈક એવું કહે કે હું જીવનભર ન ભૂલી શકું...! હા, આ વાત વધુ બંધબેસતી હતી. પોતે અનંતનો ખાસ મિત્ર હોઈ કદાચ એ સંબંધે નેહલ જાહેરમાં આબરૂ ન ઉછાળે, પણ એકાંતમાં તો એ ચોક્કસ પરખાવી દેશે કે શું જોઈને પત્ર લખ્યો હતો ?"
પણ નેહલના મનમાં જે કાંઈ હોય એનો તાગ કેમ મેળવવો ? કાલે બપોરે અનંત પાછો આવશે ત્યારે એ પણ પોતાની ઉપર ગુસ્સે થશે જ કે' મને જાણ કર્યા વગર આટલું મોટું પગલું કેમ ભર્યું ?' અનંતને તો ઠીક પહોંચી વળાશે, પણ નેહલને શું જવાબ આપીશ ?
તેનું શરીર શિથિલ થઈને સાવ ગારાનું બન્યું હોય તેમ તે ચિથરાની જેમ સોફા પર માથું ટેકવી ભયાવહ કલ્પનાઓમાં ઉતરતો રહ્યો. શું કરવું એ તેને સુજી નહોતું રહ્યું. ઘડિયાળની ટીક ટીક તેને ડરાવી રહી હતી.
રાત્રીના એક અને પછી બે વાગ્યાના ડંકાનો અવાજ પણ જાણે દૂરથી આવી રહ્યો હોય તેવો તેને ભાસ થયો.
બે કલાકથી તે જમીન પર ઢગલો થઈને પડ્યો હતો. ઉભા થવાની હામ નહોતી રહી. સોફાનો ટેકો લઇ તે માંડ બેઠો થયો. મગજ પર મણ મણ વજનના પથ્થર મુક્યા હોય તેમ સખત ભાર વર્તાઈ રહ્યો હતો.
તે ઉભો થયો. કે આંખોમાં અંધારા આવ્યા. જાણે વર્ષોથી બીમાર હોય તેમ હાથથી દીવાલનો ટેકો લઇ તે અંદરની તરફ આગળ વધ્યો.
ન જાણે શું વિચારીને ફળિયામાં રાખેલી પાણીની ડોલ ઉઠાવી તેણે પોતાના માથા પર ઠાલવી દીધી. 20/21 -જાન્યુઆરીની એ ઠંડી રાત્રિમાં પણ ઠંડા પાણીની કોઈ અસર તેના શરીરને થઇ હોય તેવું અનુભવ્યું નહિ. પાણીના કારણે ભીના થયેલ કપડાં તેણે બદલ્યા. મેઈન રોડ પર પડતા ઓરડામાં ફરી વખત જવાનું મન ન થતું હોય, તેમ એ અંદરના ઓરડામાં આવ્યો. અને શરીરને પલંગ પર ફેંક્યું.
ઊંઘ એની આંખોથી જાણે રિસાઈ ગઈ હતી. એનું શરીર કામ નહોતું કરી રહ્યું, માત્ર દિમાગ જાગતું હતું. એક જ વિચાર તેને કનડી રહ્યો હતો. 'સવારે નેહલનું મન કેમ કળવું ?'
એ સમયે તેની બુદ્ધિએ જે સમજાવ્યું. એ જ સમજણ પોતાને બરાબર લાગી.
"જો સવારે નેહલનો ચહેરો હસતો હોય. તો સમજી લેવાનું કે એ પોતાના પત્રથી રાજી છે. અને તેને પોતાનો પ્રસ્તાવ સ્વીકાર્ય છે. અને જો નેહલનો ચહેરો ગુસ્સામાં કે ઉદાસ લાગે તો સમજી લેવાનું કે આ શેરીમાં પોતે હવે નેહલની સામે ક્યારેય જઈ શકશે નહિ."
કમ સે કમ એ વખતે એને પોતાનો આ નિર્ણય જ યોગ્ય લાગ્યો કે સવારે ઉઠીને નેહલના ચહેરાનું છુપાઈને નિરીક્ષણ કરવું. અને એ પરથી નેહલનો જવાબ શું હશે ? એ અનુમાન કરવું.
પણ એને ખબર નહોતી કે પોતાનો આ વિચાર પોતાને જ કેવી હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દેશે. અને ગોટાળાઓનું એવું ઘટનાચક્ર રચાશે કે જેની કલ્પના કદાચ કોઈએ ન કરી હોય, નિરવે ય નહિ ને નેહલે ય નહિ ને....."આ વાંચનાર વાંચકોએ પણ નહિ."
સવારે ચારેક વાગ્યે એની આંખ પર નિદ્રારાણીએ હળવેથી પીછું ફેરવ્યું.
ક્રમશઃ