ચલો અમેરિકા - વિના વિઝા
વિજય શાહ
પ્રકરણ – ૫
દુબાઇથી જરૂરી ઇંધણ પુરાવી વહેલી સવારે જહાજ દુબાઈ છોડી ચૂક્યું હતું. જગમાં લીંબુ, પાણી, કૉફી અને ચા તૈયાર હતાં. બટાકાપૌઆં વઘારાતાં હતાં ત્યારે બધાં ઊઠ્યાં અને માર્કને ચિઠ્ઠી મળી. નવો દિવસ ઊગ્યો. લગભગ બધાંને માથામાં દુખાવો હતો. પહેલાં લીંબુનું પાણી અને પછી ચા કૉફી જે પીવું હોય તે હતું. ફક્ત ગટુ નહોતો તે ચચરાટ હતો. સફર જારી હતી. નાનાશેઠ આવીને ગયા પણ કોઈને મળ્યા વિના જતા રહ્યા તે અફસોસ રહ્યો. ૧૨ વાગ્યે જમતી વખતે ઘારી હતી તે નાનાશેઠે મોકલાવી હતી તે જાણ્યું ત્યારે નાના શેઠ ના મળ્યા તે રંજ પણ જતો રહ્યો.
અંગ્રેજી શીખોની સીડી ઉપર તેમનું આગળ ભણવાનું કૅપ્ટને શરૂ કરાવી દીધું હતું તેથી અગિયાર વાગે હેલો, હાવ આર યુ અને ગુડ મોર્નિંગ જેવા ઉચ્ચાર શીખવાડાઈ રહ્યા હતા. પંદર દિવસમાં જેટલું નક્કી કર્યું હતું તેટલું શીખવાનું હતું. એકની એક સીડી ત્રણ વખત સાંભળવાની હતી અને છેલ્લે પરીક્ષા લેવાતી હતી.
સાંજે છ વાગ્યે નાના શેઠની વાતો કરીને ૪૫ મિનિટ્સની કેસેટો સંભળાવાતી, જેમા જરૂરી અંગ્રેજી ઉચ્ચાર અને વહેવારિક જગતની અમેરિકન વાતો કહેવાતી. આજની વાત હતી "કાયદાનો ભય."
નાના શેઠ વાત કરતા હતા તે વાતમાં તેમના અનુભવોનું જ્ઞાન વધારે હતું અને અમેરિકા સહિત દુનિયાભરનો અનુભવ હતો. અને કહેતા હતા, અમેરિકા એક જ એવો દેશ છે જ્યાં કાયદાને આટલું બધું માન છે. ભારતમાં આટલું માન અપાય તો ભારત પણ તેટલો જ ઉપર આવી જાય. સાથે સાથે તેમની મોટેલ ઇંડસ્ટ્રીમાં આટલી સફળતાનાં રહસ્યો તે કહેતા. કાયદાનું પાલન કરવાથી જ તેઓ વિવિધ તકલીફોમાંથી બચ્યા છે તેમ સમજાવતા હતા.
આ બાજુ ગટુ સુરત સવારે અગિયાર વાગે પહોંચ્યો અને પહેલું કામ ભક્તા અને માછીકોમમાં તારીખ આપી સમાચાર વહેતા કર્યા. મર્યાદિત સંખ્યામાં સહકુટુંબ તાબડતોડ લઈ જવાના છે. ચલો અમેરિકા, વિના વિઝા. અને આવી વાતો માટે જાહેરાતો ન અપાય તે વાત ગટુ સમજતો હતો. ગુરુવારે મિટીંગ અને શનિવારે હજીરાથી વહાણ ઊપડવાનું છે તે સમાચાર પણ સાથે સાથે વહેતા કરી દીધા.
ચોક્માં આવેલી તાપી રેસ્ટોરંટનો ગેસ્ટરૂમ બુક થઈ ગયો. સવારે ૮ વાગે ઘણા બધા પ્રશ્નચિહનો સાથે અમેરિકા જવા માટે ઉત્સુક સો કરતાં વધુ ચહેરા હતા. ગટુને ઓળખતા ચહેરાઓ આગળ પડી પડીને ગટુભાઈ, કેમ છો ? કેમ છો? કરતા હતા. સૌને ગરમાગરમ નાસ્તો અને ચા અપાયાં અને ગટુએ માઇક હાથમાં લીધું.
"તમારા સૌના પ્રશ્નનો જવાબ ટૂંકમાં આપી દઉં તો, આ “પહેલાં કમાવ અને પછી પૈસા ભરો” પ્રકારની યોજના છે. નાના શેઠની પેઢી માટે હું કામ કરું છું તેથી તમે લોકો નાના શેઠના મહેમાન બનીને તેમના જહાજમાં સમુદ્રી રસ્તે અમેરિકા પહોંચશો. ધ્યાન રહે કે ત્યાં જઈને તેમની મોટેલમાં કે તેમની ઓઇલ ફેક્ટરીમાં તમે અમેરિકન ધારાધોરણે કામ કરશો એટલે ડૉલરમાં તમને પગાર મળશે. ત્યારે તમારે આ ખર્ચો હપ્તે હપ્તે પરત કરવાનો છે. અને હા, તમારું ભાડું તમે રૂપિયામાં ભરશો, જ્યારે આવકો ડૉલરમાં થશે, જે તમારા પગારમાંથી કપાશે." થોડાક વિરામ પછી ગટુએ કહ્યું, "આ ટ્રીપમાં પત્ની અને એક સંતાન સાથે લઈ શકાશે."
ત્યાં કોઈક બોલ્યું, “હવે જોખમ તો કહો."
"આપને અમેરિકા પહોંચ્યાં પછી એક દિવસ જેલમાં રહેવું પડશે..જેને એસાયલમ કહે છે તેમાં નોંધણી થયા પછી આપને કાયદાકીય કાગળો કરવામાં નાનાશેઠનો વકીલ મદદ કરશે."
જેલનું નામ પડતાં જાણે સોંપો પડી ગયો.
ગટુ કહે, "આપને બે દિવસનો સમય છે. વહાણ શનિવારે સવારે છ વાગે હજીરા પૉર્ટ ઉપરથી છ વાગે ઊપડશે. પહેલી ૧૦૦ વ્યક્તિઓને ફર્સ્ટ કમ ફર્સ્ટ દાખલ કરાશે. તો ચાલો, આપણે સૌ મળીએ શનિવારે સવારે નાના શેઠના વહાણ ઉપર.
***
પ્રકરણ – ૬
હજીરાથી અઢી માઇલ દૂર નાના શેઠનું વહાણ લાંગર્યું હતું. નાનાં વહાણો થકી પેસેંજરને મુખ્ય વહાણમાં લઈ જવાતા હતા. આ ફેરી બોટના દસ આંટા બરાબર ૬ વાગ્યે પત્યા. ગટુ અને તેના સાથીઓએ ગણતરી પાકી પૂરી કરી. ૩૫ કપલ હતાં અને ૩૫ નાનાં બચ્ચાં સાથે ૧૦૫ માણસો હતા. પૉર્ટ અધિકારીને જરૂરી ફી ભરીને ફાટતા પહોરે નાના શેઠનું વહાણ દુબઈ તરફ રવાના થયું ત્યારે ૧૫ કપલ બાકી હતાં જેઓને જાણ કરશેના વાયદા સાથે છૂટા પડ્યા. આ ટોળકીમાં થોડા દોઢ ડાહ્યા પણ હતા. જેમને સમજાવતાં ગટુને ખાસી માથાકૂટ થઈ.
તે લોકોને જાણવું હતું કે નાના શેઠ ખરેખર નોકરી આપશે કે ત્યાં જઈને છોડી દેશે.
ગટુ એ જ સમજાવતો હતો કે છોડી દેવા હોય તો આટલું બધું રોકાણ શું કામ કોઈ કરે? સારા નસીબે બન્ને તે બૅચમાં દાખલ ન થઈ શક્યા. ગટુ માનતો હતો કે તે કોઈ પત્રકાર હતો અને સ્કુપ શોધતો હતો. આ સમાચારમાં તેને સ્કુપ નહોતો મળતો.
નવું વહાણ જૂના વહાણ કરતાં મોટુ હતું અને પેસેંજર ફેસિલિટી સારી હતી. સ્પીડ પણ વધારે હતી. પનામા કેનાલ ઉપર બંને વહાણ ભેગાં થવાનાં હતાં. ત્યાંથી ૧૫ સભ્યોએ મોટા વહાણ ઉપર ભેગા થઈને મેક્સિકો બોર્ડર ઉપર જવાનું નક્કી થયું.
આ ફેરફાર કરવાનું કારણ કૅપ્ટનને ખબર નહોતી પણ નાના શેઠ દૂરની વાત માપી ગયા હતા. અમેરિકામાં સત્તા પલટો થયો. નવી સરકાર મેક્સિકો અને અમેરિકા વચ્ચેની દીવાલ બાંધવાની વાત ઉપર બહુ સિરિયસ હતી. દક્ષિણ અમેરિકામાંથી સસ્તા મજદૂરો લાવી તેમને રોજીરોટી આપીને વોટર બૅન્કને મજબૂત કરવાની ચાલ આમ તો વરસો પુરાણી હતી. આ વખતે તેઓ સત્તામાં નથી અને જે સત્તામાં છે તે વહેવારિક વાતો કરે છે જેને પ્રજાનો ખયાલ છે. તેથી બહા્રથી આવતી પ્રજા વિકાસને આડે આવતી લાગે છે તેથી તેને રોક્વા મથે છે. તે એમ કહે છે, આપણા ઘરમાં આપણી મરજી વિના ઘૂસી આવતી પ્રજાને રોકવા ભીંત બાંધવી જોઈએ. સત્તાધીશ પક્ષ કહે છે, તમે અમેરિકા આવો પણ કાયદાથી. તમારી પહેલાં લાઇનમાં ઊભેલા લાખોને આવી જવા દો. તેઓની જેમ તમારી ઊલટ તપાસ થાય પછી આવો. તેઓનો હક્ક ડુબાડી તમને આ દેશમાં દાખલ થવાની પરવાનગી (વિઝા) ના મળે.
જે ૨૦૨૦ની ચૂંટણી નજીક જુએ છે તેઓને ગયેલી સત્તા પાછી જોઈએ છે તેથી તેમણે "ચલો અમેરિકા – વિના વિઝા"ની ઝુંબેશ ઉપાડી..તેઓ કહે છે, માનવતાવાદી વલણ અપનાવો. આપણે ઘેર મહેમાન આવે તો તેમને ગોળીએ ના દેવાય. નાના શેઠ જેવા વેપારીઓ આ આકડે મધ ભાળી ગયા અને ખંડિયા મજૂરો અને ગટુ જેવા ભાગિયાઓને ભોળવીને હ્યુમન ટ્રાફિકીંગ કરી અમેરિકામાં કેટલાય સસ્તા અને ટકાઉ મજ્દૂર ભરી દેશે. અને આમેય મોટેલમાં કાયમ સારા માણસોની જરૂર તો હોય જ છે ને? બીજા મજૂર કરતાં દેશી મજૂરોનો ફાયદો મોટો એ હોય છે કે તેઓ ટકાઉ હોય છે. એક મોટલ ચલાવતાં ચલાવતાં દસ મોટલ કરવાનાં સ્વપ્ન જોતાં હોય છે.
ગટુ નવી ખેપ તો લાવ્યો, સાથે સાથે ૩૫ કુટુંબોને અમેરિકામાં વસાવવાનું નાનાશેઠનું સ્વપ્ન પણ સાકાર કરતો આવ્યો. પનામા કેનાલ પાસે બેઉ વહાણ ભેગાં થયાં ત્યારે નાના શેઠ હાજર હતા. પેલાં પાંચ કુટુંબો પણ જોડાયાં. પનામા એક દિવસનું રોકાણ હતું અને અમેરિકા પહોંચવાના માર્ગે બરોબર અડધે પહોંચ્યા હતા. તેમની કેસેટો સાંભળતાં સૌના મનમાં નાના શેઠ માટેનો અહોભાવ ઊંચો હતો.
મોટા વહાણમાં બધા પ્રવાસીઓને એસાયલમ માટેના કાગળો કરવાના હતા. સૌના ફોટા અને અમેરિકન નામ સાથે ફોટા પડ્યા. ને આવનારી તકલીફોનો ચિતાર આપતાં નાના શેઠે કહ્યું, અમેરિકા જનાર માનસ શરૂઆતમાં આકરી જિંદગી ભોગવે છે પણ પછી આખી જિંદગી સુખ ભોગવે છે. જોકે ભારતમાં પણ આકરી જિંદગી ભોગવ્યા પછી પણ સુખ આવશે કે કેમ તેની શંકા રહે છે. જ્યારે અમેરિકામાં તો તે સુખ આવે જ છે.
***