સેલ્ફી:-the last photo
Paart-25
હવેલીની બનાવટમાં લાકડાનો મોટાપાયે ઉપયોગ થયો હોવાથી એમાં ફેલાયેલી આગ વધુ તીવ્રતાથી વધી રહી હતી.અડધા કલાકમાં તો આખી હવેલી જાણે મોટી જ્વાળામાં લપેટાઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું.
રુહી,શુભમ,રોહન અને મેઘા હવેલીથી નીકળી દરિયાકિનારે તરફ જતાં કાચા રસ્તે ધીરે-ધીરે આગળ વધી રહ્યાં હતાં..રોહન પાછો ફરીફરી હવેલી તરફ નજર કરતો જ્યાં એને બસ આગ ની જ્વાળાઓ સિવાય હવે કંઈ નજરે નહોતું પડી રહ્યું..હવેલીમાં લાગેલી આગનો કાળો ધુમાડો ઊંચે સુધી દેખાઈ રહ્યો હતો.
એ લોકો જ્યારે અહીં આવ્યાં ત્યારે કાચો રસ્તો ઉબળખાબળ જરૂર હતો પણ એની ઉપર કોઈ વિઘ્ન નહોતું આવ્યું.એ લોકોનાં અહીં આવ્યાં બાદ ત્રણ-ચાર રાતો પડેલાં સાંબેલાધાર વરસાદ નાં લીધે આખા રસ્તે ઠેર-ઠેર ખાબોચિયાં ભરાઈ ચૂક્યાં હતાં..તો ઘણી જગ્યાએ વરસાદ ની સાથે જે જોરદાર પવન હતો એનાં લીધે મસમોટાં વૃક્ષો પણ જમીનદોસ્ત થઈ ને રસ્તામાં પડ્યાં હતાં.
કાચા રસ્તે આવી રહેલ આવી અડચણો નાં લીધે એ લોકો ઘણું સાચવીને એકબીજાનાં હાથમાં હાથ રાખી આગળ વધી રહ્યાં હતાં. કોઈ વાર જો જરૂર પડે તો એ ચારેય લોકો કાચો રસ્તો ઉતરી નીચે ઝાડીઓમાં થઈને આગળ વધતાં અને યોગ્ય રસ્તો જણાતાં પાછા કાચા રસ્તે ચડી જતાં.. બપોરનો સમય હોવાંથી તીવ્ર ગરમી અને થકવી દેનાર ભેજભર્યું વાતાવરણ એમની આગળ વધવાની ગતિને ઓછું કરી રહ્યું હતું.
"રોહન હવે વધુ ચાલવાની હિંમત નથી યાર.."ચાર કિલોમીટર જેટલું આગળ વધ્યા હતાં ત્યાં મેઘા નીચે બેસી પગ પકડતાં બોલી ઉઠી.
"હા મારી પણ હાલત સારી નથી.."સતત ગરમીમાં ચાલવાના લીધે રુહી ને ઊલટીઓ થવા લાગી હતી.
"રોહન મને લાગે છે કે આપણે થોડો સમય અહીં કોઈ વૃક્ષ નો છાંયડો શોધી આરામ કરીએ..એકાદ કલાક પછી જેવું બંને છોકરીઓને ઠીક લાગશે પછી આગળ વધીશું.. અને આમ પણ આજે તો આપણે દરિયાકિનારે પહોંચી જઈએ એવી શક્યતા નહીંવત છે."શુભમે રુહી ની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું.
"હા તો ત્યાં પેલાં લીમડાનાં વૃક્ષ નીચે આરામ કરીએ પછી શાંતિથી નીકળીએ.."રોહન બોલ્યો.
રોહનની વાત સાંભળી એ લોકો રસ્તાની એક તરફ આવેલાં ઘટાદાર લીમડાનાં વૃક્ષની ટાઢકમાં જઈને બેઠાં.મેઘાનાં પગમાં ફોલ્લા પડી ગયાં હતાં.રોહને એક લાકડાંની સળી વડે એ ફોલ્લામાં ભરાયેલું પાણી કાઢી આપ્યું એટલે મેઘાને ઘણી રાહત થઈ.રુહી ને પણ ધીરે-ધીરે સારું લાગી રહ્યું હતું.લગભગ બધાં દોઢેક કલાક સુધી ત્યાંજ બેસી રહ્યાં.બંને છોકરીઓ તો ઘસઘસાટ સુઈ પણ ગઈ હતી જ્યારે રોહન અને શુભમ એમની નજીક આંખો બંધ કરી લીમડાનાં વૃક્ષ નાં ટેકે બેસી રહ્યાં.
"શુભમ,પાંચ વાગી ગયાં. હવે અહીંથી નીકળીએ તો રાત પડ્યાં સુધી સારું એવું અંતર કાપી આપણે એવી જગ્યાએ પહોંચી શકીશું જ્યાં મોબાઈલનું નેટવર્ક પકડાતું હોય જેથી ત્યાં જઈ કોઈને કોલ કરી જેમ બને એમ આપણને આ આઈલેન્ડ પરથી વહેલી તકે બહાર નીકાળી લે."પાંચ વાગતાં જ પહેલાં આકાશની તરફ અને પછી શુભમની તરફ જોઈને રોહન બોલ્યો.
"હા તું સાચું કહી રહ્યો છે..હવે વધુમાં વધુ આપણે આઠેક વાગ્યાં સુધી ચાલી શકીશું..કેમકે પછી તો રાત વધુ ઘનઘોર બનતાં આગળ વધવું શક્ય નહીં હોય."રોહનની વાત સાથે સહમતિ દર્શાવતાં શુભમ બોલ્યો.
શુભમે રુહીને અને રોહને મેઘા ને ઊંઘમાંથી જગાડ્યા એટલે એ લોકો એ પણ હવે પોતે ઠીક છે અને આગળ વધવા તૈયાર છે એમ જણાવ્યું એટલે બધાં ઉભાં થયાં અને ફરીથી દરિયાકિનારા સુધી પહોંચવાનો પોતાનો પ્રવાસ શરૂ કર્યો.
***************
"રોહન, મેં એવું સાંભળ્યું છે કે તમે કરેલાં કર્મોની સજા તમને આ જન્મમાં જ મળે છે.પણ મેં તો એવું કંઈપણ નથી કર્યું તો આવી વિકટ પરિસ્થિતિમાં ફસાવવાનું કારણ..?"ચાલતાં-ચાલતાં શુભમે એક સવાલ રોહનને પૂછી લીધો.
"સાચી વાત છે તારી બધાં એવું કહે છે કે કરેલું અહીં ભોગવવું પડે છે.."રોહને શુભમની વાતનો શાંતિથી જવાબ આપતાં કીધું.
"રોહન એક વાત પુછું સાચું બોલજે..?"શુભમ બોલ્યો.શુભમ અને રોહન વચ્ચે થતી આ વાતચીતમાં બંને છોકરીઓને પણ રસ પડતાં એમને પણ પોતપોતાનાં કાન સરવા કર્યાં.
"હા બોલને યાર..તારાં થી શું છુપાવવાનું.."રોહન બોલ્યો.
"તે ક્યારેય એવું કોઈ કૃત્ય કર્યું છે જેનો અપરાધબોધ આજેપણ તને સતાવી રહ્યો હોય..કોઈનું ખોટું કરેલાંની એવી ભાવના જે રાતે સુવા પણ ના દેતી હોય.?"શુભમે પૂછ્યું.
શુભમની વાત સાંભળી રોહને પહેલાં મેઘાની તરફ જોયું.શુભમ નાં પુછાયેલા સવાલની ત્વરિત અસર મેઘા નાં ચહેરા પર જોવાં મળી.મેઘા કંઈક કહેવા જતી હતી પણ એ ચૂપ રહી.રોહનની હાલત પણ એવી જ હતી..ભૂતકાળની કોઈક તો એવી વાત હતી જેને એ બંને છુપાવી રહ્યાં હતાં.એમનાં બદલાયેલાં હાવભાવ શુભમથી છુપાયેલાં ના રહ્યાં.
પોતાનો સવાલ સાંભળી રોહન ચૂપ હતો અને સાથે ગંભીર પણ એ જોઈ શુભમે કહ્યું.
"Sorry યાર..મેં ન પુછવાનું કંઈ પૂછી લીધું હોય તો.."
"અરે ના ના એવું કંઈ નથી..બસ આતો અચાનક આપણાં મૃત્યુ પામેલાં દોસ્તોની યાદ આવી ગઈ એટલે ઉદાસ થઈ ગયો.બાકી મેં આજ સુધી કોઈનું ખોટું થાય એવું કંઈપણ કાર્ય કર્યું જ નથી."સફાઈ આપતાં રોહન બોલ્યો.
રોહનની આ વાતથી શુભમને સંતોષ તો ના થયો પણ એને સંતોષ થયો હોય એવાં હાવભાવ પોતાનાં મુખ પર પ્રગટ કર્યાં. બસ પછી તો સળંગ બે કલાક સુધીની સફરમાં એ ચારેય લોકો ચૂપચાપ આગળ નો રસ્તો કાપે જતાં હતાં. રોહન રસ્તામાં થોડાં-થોડાં સમયે પોતાનાં મોબાઈલનું નેટવર્ક ચેક કરતો જતો હતો.પણ હજુ સુધી મોબાઈલમાં સિગ્નલ આવ્યું નહોતું.
સૂર્ય પૂર્ણપણે આથમી ચુક્યો હતો અને મધમ મધમ કરતી રાત ધીરા પગલે પોતાની ગતિ વધારી પોતાનાં મિત્ર અંધારા નાં સહકારથી પોતાની ભયાનકતા અને સ્થિતિ વધુ સુદૃઢ કરી રહી હતી.રાતની સાથે તમરાં ની ટીલમિલાટ જ્યારે કાને પડતી ત્યારે હૃદય સુધી ટીસ ઉઠે એવી વિચિત્ર લાગતી.
દૂરદૂરથી આવતી શિકારી કૂતરાં અને આ ટાપુ પર સૌથી વધુ વસ્તી ધરાવતાં પશુમાંનાં એક વરુઓની રહીરહીને આવતી લવારી સાંભળી શરીરમાં કંપારી છૂટી જતી..કેમકે રખેને હવે જો વરુઓનો ભેટો થઈ જાય તો એમનો સામનો કરવાની હિંમત કોઈનાંમાં બચી નહોતી.એટલે ચારેય મિત્રો મનોકામના કરી રહ્યાં હતાં કે એવું કંઈપણ થાય નહીં.
"આહહ.."અચાનક કારમી ચીસ સાથે શુભમ નીચે બેસી ગયો.
શુભમની ચીસ સાંભળી રુહી મેઘાની પાસેથી દોડતી શુભમ જોડે પહોંચી ગઈ અને એની જોડે નીચે બેસી બોલી.
"શું થયું શુભમ..?"
"ખબર નહીં પગ ખાડામાં પડી ગયો લાગે છે..નક્કી પગનું હાડકું મચકાઈ ગયું છે.."કરાહતાં કરાહતાં પોતાનાં પગની એડી પકડી શુભમ બોલ્યો.
"બહુ દુઃખે છે..?"રોહન પણ શુભમનાં પગ તરફ જોઈને બોલ્યો.
"હા.."શુભમે ટૂંકમાં પતાવ્યું.
શુભમની વાત સાંભળી થોડું વિચાર્યા બાદ રોહન બોલ્યો.
"આમપણ રાત ઘનઘોર બની ગઈ છે..આગળ વધવામાં દિશાભ્રમ થવાનું પણ જોખમ છે.આજની રાત અહીં ક્યાંક રોકાઈ જઈએ સવાર પડતાં આગળ નો સફર પૂર્ણ કરવા નિકળીશું."
"હા યાર એમ જ કરીએ..શુભમને આમ તકલીફમાં જવું મુશ્કેલ થઈ પડશે અને એની ઇજા વધુ ગંભીર થાય એ પહેલાં એ થોડો આરામ કરી લે એ જ યોગ્ય રહેશે"ચિંતિત સ્વરે મેઘા બોલી.
એ લોકોએ ત્યારબાદ નક્કી કર્યું કે ત્યાં જ કોઈ સારી જગ્યા શોધી આજની રાત વિશ્રામ કરવો.નક્કી થયાં મુજબ રસ્તાની ડાબી તરફ એક ખુલ્લી જગ્યા પડતી હતી ત્યાં એમને રોકાણની વ્યવસ્થા કરી રાખી. રુહી અને રોહન ટેકો આપીને શુભમને એ જગ્યાએ લઈ ગયાં. રુહીએ પોતાની બેગમાંથી પેઈન રિલીફ સ્પ્રે છાંટી દીધો. જેથી શુભમને થોડી રાહત થઈ.
રાતે સુવાની જગ્યા સાફ કર્યા બાદ રોહન થોડાં સૂકા લાકડાં વીણી લાવ્યો..એ લાકડાં માં આગ લગાવી બધાં એની ફરતે ગોઠવાઈ ગયાં. આગ નાં લીધે કોઈ જંગલી પશુ ત્યાં નહીં ફરકે એવી એમની ધારણા હતી.
જોડે લાવેલાં નાસ્તામાંથી થોડો ઘણો નાસ્તો કર્યાં બાદ બધાં એ પાણી પીવા માટે પોતાની બેગમાં રાખેલી બોટલ ચેક કરી..બોટલ જોતાં જ દરેકનાં મોંઢેથી ઊંડો નિઃસાસો નીકળી ગયો કેમકે કોઈની જોડે પીવાનું પાણી જ નહોતું.
"Oh..shit..પાણી છે જ નહીં એકપણ બોટલમાં.."મેઘા ગુસ્સામાં બોલી પડી.
"મારી જોડે બેગમાં બે બોટલ પડી છે..and i think બંને ભરેલી પણ છે."શુભમ બોલ્યો.
રુહીએ ઉભાં થઈ શુભમની બેગમાંથી બે બોટલ કાઢી અને એમાંથી એક બોટલ રોહનને આપી અને બીજી મેઘાને. રોહને પાણી પીને શુભમને બોટલ આપી દીધી જ્યારે મેઘા એ રુહીને.પાણી મળી ગયા બાદ એમને શીતળતા મળી.કેમકે જો અત્યારે પાણી ના મળ્યું હોત તો પાણીની શોધમાં ક્યાંય દૂર સુધી જવું પડત.
થોડી ઘણી વાતો કર્યા બાદ ધીરે ધીરે એક પછી એક બધાં સુઈ ગયાં.. દિવસભર નાં થાક ને લીધે ક્યારે એ બધાં ઘસઘસાટ સુઈ ગયાં એની પણ જાણ ના રહી.
રાત નાં ત્રણેક વાગ્યાં હતાં અને અચાનક રુહીની આંખ ખુલી ગઈ..રુહીને પડખું ફેરવી એ લોકો જ્યાં સૂતાં હતાં ત્યાં નજર કરી તો એને જોરદાર ઝાટકો લાગ્યો.
"શુભમ અને મેઘા ક્યાં ગયાં..?"આટલું બબડતાં રુહી પોતાની જગ્યાએથી ઉભી થઈ ગઈ.એને જોયું તો રોહન અત્યારે ઘોર નિંદ્રામાં સુઈ રહ્યો હતો જેનું પ્રતીક હતું એનાં જોરજોરથી વાગતાં નસકોરાં.
"મને લાગે છે બંને કોઈક તકલીફ માં મુકાયાં લાગે છે.."પોતાની જોડે જ વાતો કરતી હોય એમ રુહી બોલી.
રોહનને ત્યાં સૂતો મૂકી રુહી નીકળી પડી શુભમ અને મેઘાને શોધવા..જ્યાં ખબર નહીં એનાં હાથમાં શું લાગવાનું હતું..!!
◆◆◆◆◆◆◆
વધુ આવતાં ભાગમાં.
શુભમ અને મેઘા ક્યાં ગયાં હતાં..??એ લોકો સહીસલામત દરિયાકિનારે પહોંચી શકશે..??મેઘા અને રોહન શું સત્ય છુપાવી રહ્યાં હતાં..??જેડી ને બતાવેલાં ફોટો નું રહસ્ય શું હતું??દામુ સાથે શું થયું હતું..??પૂજા એ ચોરેલાં એ આભૂષણો આખરે કોની જોડે હતાં..??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક
ડણક
અનામિકા
The haunted picture...પણ વાંચી શકો છો.
-દિશા.આર.પટેલ