નો રીટર્ન-૨
ભાગ-૬૫
કોઇ મવાલી વ્યક્તિની જેમ સાવ બેશર્મ રીતે નીચે પડયો પડયો હું હસતો હતો અને અનેરી ગુસ્સા અને આઘાતથી ધ્રુજતી મને કાચોને કાચો ફાડી ખાવાની હોય એમ તાકી રહી હતી. બરાબર એ જ સમયે વિનીત તંબુમાં અંદર દાખલ થયો. કોણ જાણે અચાનક એ ક્યાંથી ટપકી પડયો હતો. તેની નજર પહેલાં અનેરી ઉપર પડી. અનેરીની આંખોમાંથી ઉભરાતું પાણી અને ભયાનક ગુસ્સાથી તરડાયેલો ચહેરો જોઇને તે સમજી ગયો કે જરૂર તેની સાથે કશુંક અજૂગતું બન્યું છે. અને પછી નીચે ફર્શ ઉપર મને પડેલો જોઇ તેની એ ધારણાંની સાબીતી પણ મળી ગઇ.
“ અનેરી... અહીં શું થયું છે...? ” વીનીતે અનેરીની નજીક જઇ તેને હડબડાવતાં પુંછયું. એ દરમ્યાન હું ઉભો થયો હતો. અનેરી કંઇ બોલી નહી, ફક્ત ગુસ્સાભર્યા ચહેરે મને તાકી રહી. વિનીત ક્ષણવારમાં સમજી ગયો કે જરૂર મેં અનેરી સાથે કોઇ બદતમીઝી કરી છે. તે મારી તરફ લપકયો અને એકદમ જ નજીક આવીને ખૂખાંર નજરે મારી આંખોમાં ઝાંકયું.
“ આઇ શ્વેર પવન... જો તે અનેરી સાથે કોઇ બદતમીઝી કરી હશે તો એનું પરીણામ તારે ભોગવવું પડશે...” તેની નજરોમાં આગ ઝરતી હતી. તે હમણાં જે બોલ્યો એ કરી દેખાડવા સક્ષમ હતો અની મને જાણ હતી. “ હું તને પુંછું છું...? શું કર્યું તે અનેરી સાથે...? “ લગભગ રાડ નાંખી તેણે.
“ કંઇ નહીં, જસ્ટ મારા પ્રેમનો ઇજહાર...” હું સાહજીકતાથી બોલ્યો. સાવ અનાયાસે જ મારા હદયમાંથી એ શબ્દો નિકળ્યાં હતાં. સાચું કહું તો મને ખુદને હમણાં અનેરી સાથે મેં જે વર્તન કર્યું તેનું આશ્વર્ય ઉદભવતું હતું. મારી પ્રક્રૃતિ એવી નહોતી જ..પણ ખબર નહી કેમ, અનેરીને જોતાં જ હું વિહવળ બની જતો હતો.
“ હી કિસ્ડ મી... “ અનેરીએ આખરે બોલી જ નાંખ્યું. અને... તંબુમાં જાણે ધરતીકંપ સર્જાયો. વિનીતની મુઠ્ઠીઓ વળી. તેની આંખોમાં લાલાશ તરી આવી. હજું હું કંઇ સમજું... એ પહેલાં તો વિનીતનો એક જોરદાર મુક્કો મારા ચહેરા ઉપર પડયો. મને ખબર નહોતી કે વિનીત આટલી જલ્દી કોઇ પ્રતિક્રિયા કરશે. હું સાવ અસાવધ સ્થિતિમાં હતો એનો તેને ભરપુર લાભ મળ્યો. તેનાં એક જ પ્રહારે મારા પગ હેઠળની ધરતી ખળભળી ગઇ. ચહેરા ઉપર જાણે કોઇએ ભારેખમ હથોડાનો વાર કર્યો હોય એમ ક્યાંક ખટાકો બોલ્યો, અને મોઢામાં લોહીની ખારાશ છવાઇ. હું બે ડગલાં પાછળ ધકેલાયો. મારી જીભ મારાં જ દાંત વચાળે દબાઇ હતી અને તેમાં ચીરો પડયો હતો, જેમાથી લોહી વહેવા લાગ્યું હતું. મારું મોઢું લોહીથી ઉભરાયું અને આંખોમાં ઝળઝળીયા આવી ગયાં. વિનીતનાં એક જ પ્રહારે હું પસ્ત થઇ ગયો હતો. પણ તે એટલેથી અટકયો નહી. તે આગળ વધ્યો અને ફરીથી વાર કરવા હાથ ઉગામ્યો. આ વખતે હું અસાવધ નહોતો. જેવો તેણે વાર કર્યો એ સાથે જ હું નિચો નમ્યો હતો અને મારા બન્ને હાથ પહોળાં કરી તેને કમરેથી પકડી લીધો હતો. એ જ સ્થિતિમાં મેં તેને પાછળ ધકેલ્યો. તેનો વાર ખાલી જવાથી તે ક્રોધે ભરાયો. નિચા વળીને હું તેને પાછળ ધકેલવામાં પરોવાયો હતો અને તે મારી પીઠ ઉપર મુક્કા વરસાવા લાગ્યો. મને લાગ્યું કે મારી પીઠનાં ભૂક્કા બોલી જશે. વિનીત ખરેખર શક્તિશાળી હતો. તેનાં શરીરમાં અસીમ તાકાત ભરેલી હતી. તેનાં સ્નાયુબધ્ધ કસરતી શરીરની સામે મારી તો કોઇ વિસાત જ નહોતી. પરંતુ અનેરીની નજરો સમક્ષ હારી જવાનાં ખ્યાલે મેં તેની સાથે બાથ ભીડી લીધી હતી. હું કોઇ વાતે પાછો પડવા માંગતો નહોતો, અનેરીની દેખતાં તો નહિં જ...! આખરે મેં પેંતરો બદલ્યો અને વિનીતને ધક્કો મારી મારાથી અળગો કર્યો. અળગો થતાં જ તે ફરી વખત મારી ઉપર ધસી આવ્યો. પગ ઉલાળીને તેણે મને ફેંટ મારવાની કોશિશ કરી, તેનો હવામાં ઉછળેલો પગ અધવચ્ચેથી જ મેં પકડી લીધો અને પાછળની તરફ ઉલાળી દીધો. એનાંથી તેનું સંતુલન હતું ખોરવાયું અને હડબડાટમાં તે પોતાને સંભાળે એ પહેલાં તો ધડામ કરતો તંબુનાં થાંભલા સાથે તે અથડાય પડયો. તંબુમાં જાણે ભૂકંપ આવ્યો હોય એમ આખો તંબુ હલબલી ગયો. એ દરમ્યાન ફરીથી હું વિનીત ઉપર ઝપટયો હતો. હવે તેને સંભળવાનો સમય આપવો મતલબ મોતને આમંત્રણ આપવા બરાબર હતું. અને એવી મુર્ખામી હું કરવા માંગતો નહોતો. ભારે વેગથી ધસી જઇને સીધાં જ તેની ઉપર મેં રીતસરનું પડતું મુકયું. ગણતરીની સેકંન્ડોમાં અમે બન્ને તંબુની ધરતી ઉપર પથરાયા હતાં અને એકબીજાની ઉપર આળોટવા લાગ્યાં હતાં. મેં તેનાં વાળ મારી મુઠ્ઠીમાં ભરીને ખેંચ્યાં.. સાથોસાથ મારા બન્ને પગની આંટી તેનાં પગ ઉપર વાળી દીધી હતી.
સામેપક્ષે વિનીતે મને તેનાં લાંબા હાથોની ભીંસમાં દબાવ્યો હતો. મારી પીઠ પાછળ બન્ને હાથ ભેગા કરીને તે મારી છાતીનાં પાંસળા ભીસવા લાગ્યો. એક ખૂંખાર લડાઇ અમારી વચ્ચે જામી પડી હતી. કોણ કોને માત દે, અને આ લડાઇમાં કોની જીત થશે એ નક્કી કરવું મુશ્કેલ બન્યુ હતું. પણ સાચું કહું... હું વિનીત જેવા બાહુબલીને બરાબરની ટક્કર આપી રહયો હતો. તેને પણ કદાચ એ વાતનું આશ્વર્ય જરૂર થતું હશે.
ચંદ મિનિટોમાં જ અમે બન્ને હાંફી ગયાં હતાં. હું જનૂનભેર તેનાં વાળ ખેંચતો હતો અને તે દાંત ભીસીને બન્ને હાથોથી જ જાણે મને મારી નાંખવાં માંગતો હોય એમ મને દબાવી રહયો હતો. કોઇ ખતરનાક સાપોની લડાઇ જામી હોય એમ અમે બન્ને એકબીજામાં ગૂંચવાઇને પડયા હતાં.
અનેરી સ્તબ્ધ આંખોએ અમને જોતી ઉભી હતી. વિનીત હાંફી રહયો હતો. તેનાં માથાનાં ઘણાબધાં વાળ મારી મુઠ્ઠીમાં ખેંચાઇ આવ્યાં હતાં. પારાવાર દર્દથી તેની આંખોમાં પાણી વહેવા લાગ્યું હતું. મારી હાલત પણ એવી જ હતી. છાતીનાં પાટીયા ભીંસાવાથી મારા શ્વાસાશ્વાસ ધીમાં પડતાં જતાં હતાં. એવું લાગતું હતું કે હમણાં જ હું મરી જઇશ.
“ સ્ટોપ ઇટ...! આઇ સે સ્ટોપ ઇટ..... “ અનેરીને અચાનક ભાન થયું હતું કે જો આ લોકોને રોકવામાં નહીં આવે તો ચોક્કસ બે માંથી એકનું મોત થશે. તે ચિલ્લાઇ ઉઠી અને આગળ વધીને અમને છોડાવવાની કોશિશ કરવાં લાગી. પણ એ તેનાં બસ ની વાત નહોતી. એ દરમ્યાન તંબુની અંદર મચેલી ધમાચકડી સાંભળીને બહારથી માણસો દોડી આવ્યાં હતાં. કાર્લોસનાં પઠ્ઠાઓ તો અમારી લડાઇ જોઇને જ દંગ રહી ગયાં. મહા મુસીબતે તેમણે અમને છોડાવ્યાં. મારા મોં માંથી એકધારું લોહી વહીને ખુલ્લા ડિલ ઉપર રેલાતું હતું. તેનાંથી મારો દેખાવ વિચિત્ર બન્યો હતો. વિનિતની હાલત પણ ખસ્તા થઇ હતી. તેનાં માથામાં સણકા ઉઠતાં હતાં. મેં તેનાં વાળ પકડયા હતાં એ જગ્યાએથી સારા એવા પ્રમાણમાં વાળનો જથ્થો ઉખડયો હતો અને ત્યાં તેને ભારે બળતરા થતી હતી. તે હજુંપણ ખૂંખાર નજરે મને જોઇ રહયો હતો. તેનું ચાલ્યું હોત તો તેણે મને જિવીત ન રહેવા દીધો હોત. પણ સામા પક્ષે મેં પણ જોરદાર ટક્કર જીલી હતી એ વાતથી તે ઇનકાર કરી શકે તેમ નહોતો. અમારી વચ્ચે માત્ર થોડી મિનિટો જ લડાઇ ચાલી હતી પણ એ ચંદ મિનિટો એક લાંબા કાળખંડ સમાન વીતી હતી. અમે બન્ને એકબીજા સામું ઘૂરકતાં હાંફતાં ઉભા હતાં.
“ પ્લીઝ... લીવ ધ પ્લેસ...! “ અનેરીએ મારી તરફ ફરીને હુકમ કર્યો. મેં તેની સામું જોયું. તેનાં હોઠ થોડા સૂઝી ગયાં હોય એવું મને લાગ્યું. હસવું નહોતું છતાં મારા લોહીયાળ ચહેરા ઉપર મંદ હાસ્ય છવાયું. અનેરીએ એ જોયું... તેની આંખોમાં ફરીથી ગુસ્સો તરી આવ્યો. પણ આ વખતે એ ગુસ્સામાં પારાવાર આશ્વર્ય પણ ભળેલું હતું. કદાચ તેને વિશ્વાસ નહોતો થતો કે આટલો બધો ઘવાયો હોવાં છતાં હું હસતો હતો.
“ મિ. પવન જોગી, આ છોકરી માટે મરવું પણ સાર્થક છે..” હું જાણે મને જ કહેતો હોઉં, એમ બબડતો બહાર નિકળી ગયો.
( ક્રમશઃ )
મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.
બની શકે તો કોમેન્ટ પણ કરજો.
જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.
લેખકઃ- પ્રવિણ પીઠડીયા
આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..
નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..
પણ વાંચજો.
નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.
આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.
ફેસબુક- Praveen Pithadiya search karo.