Hashtag Love - 12 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | હેશટેગ લવ ભાગ-૧૨

Featured Books
Categories
Share

હેશટેગ લવ ભાગ-૧૨

"હેશટેગ લવ" ભાગ -૧૨

બીજા દિવસે કૉલેજ પહોંચી. ભણવામાં તો મન લાગ્યું જ નહીં. છતાં કૉલેજ છૂટવા સુધીની રાહ જોવામાં ધ્યાન વગર લેક્ચર ભરતી રહી. સુજાતાની નજર વારંવાર મને ઘેરી રહી હતી. મારા ચહેરાના ભાવ પણ ચોખ્ખા તરી આવતા હતાં. પણ મેં એ તરફ કોઈ ધ્યાન આપ્યું નહિ. કલાસ છૂટતાં સીધી લાઈબ્રેરી તરફ ચાલી નીકળી. થોડીવાર ત્યાં બેસી બરાબર ૧:૩૦ કૉલેજના ગેટ પાસે જઈને ઊભી રહી ગઈ. અજયને આમતેમ શોધી રહી હતી ત્યાં જ મારા ખભા ઉપર એક હાથનો સ્પર્શ થયો. પાછા વળીને જોયું તો અજય સામે ઊભો હતો. હું કઈ બોલું એ પહેલાં જ એણે કહ્યું :
"સોરી કાવ્યા, એક દિવસ મોડો પડ્યો. કામ પૂરું નહોતું થયું એટલે મારે ત્યાંજ રોકાઈ જવું પડ્યું. આજે સવારે જ આવ્યો. ફ્રેશ થઈ સીધો તને મળવા આવી ગયો."
"વાંધો નહિ. કામ પહેલા." હું બસ એટલું બોલી શકી. અજયને હેમખેમ પાછો આવેલો જોઈને મને ખુશી હતી. 
એના સ્કૂટર ઉપર બેસી જમવા ગયા, અને ત્યાંથી બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ. ત્યાં એક પથ્થર ઉપર અમે બંને એકબીજાનો હાથ પકડી મોડા સુધી બેસી રહ્યા. અજયે ઘણીવાર મને ચુંબન કરવાના પ્રયત્નો કર્યા પણ મને શરમ આવી રહી હતી. વારંવાર એ તેના હોઠને મારા હોઠની નજીક લાવતો અને હું હસતાં હસતાં વચ્ચે હાથ લાવી એને રોકી લેતી. મારી પણ ઈચ્છા થઈ જ ગઈ હતી અજયને ચુંબન કરવાની પણ આ પહેલા ક્યારેય મને ચુંબનની અનુભૂતિ નહોતી. સુસ્મિતાના બેડ નીચેથી મળેલા પુસ્તકમાં મેં વાંચ્યું જરૂર હતું. પણ મારી શરમના કારણે અજયને મેં રોક્યો. પણ અજય માને એમ નહોતો. ઊભા થવાની દસ મિનિટ પહેલા જ એને મારા બંને ખભા કસીને પકડી લીધા. અને એના હોઠને મારા હોઠ ઉપર ટેકવી દીધા. મને પણ એના હોઠનો સ્પર્શ થતા એક અલગ રોમાંચનો અનુભવ થયો. મારુ શરીર એની નજીક જવા લાગ્યું. ખભા ઉપર રહેલો અજયનો હાથ મારી પીઠ પર પહોંચી ગયો અને એક ઝાટકે તેને મને પોતાની નજીક ખેંચી લીધી. એના એક હાથ મારી પીઠ પર પ્રસરી રહ્યો હતો અને બીજો મારા મારા માથાના વાળને સહેલાવી રહ્યો હતો. એના હોઠ મારા હોઠને કોઈ જાદુની માફક નીચોવી રહ્યાં હતાં. હું મારું બધું જ ભાન ભૂલી એ ક્ષણોના આનંદને લૂંટી રહી હતી. મને અજયનો સ્પર્શ, એના અધરરસ ગમી રહ્યો હતો. 
ચુંબન કરી છૂટ્યા પડ્યા બાદ મારી આંખોમાં શરમ હતી તો અજયની આંખોમાં રોમાંચ. હું સરખી રીતે અજયની સામે જોઈ પણ ના શકી. "હવે જઈશું, મોડું થઈ ગયું છે." એટલું જ નીચી નજરે બોલી શકી. અજય "ઓકે" કહી જવા માટે ઊભો થયો. હું પણ તેની સાથે તેનો હાથ પકડી ચાલવા લાગી. હોસ્ટેલ પહોંચી ત્યારે મારી આંખોમાં એક જુદી ચમક અને થોડી શરમ પણ હતી. રૂમમાં જઈ મારા ચહેરા અને હોઠને બારીકાઈથી જોતી રહી. એકલી એકલી ઝૂમતી રહી. સાચું ખોટું શું છે એ મને ખબર નહોતી. પણ અજય સાથે વિતાવેલી ક્ષણો મારામાં એક નવો રોમાંચ જરૂર ભરી દેતી હતી. હા, એ ક્ષણોમાં હું ખૂબ જ ખુશ રહેવા લાગી હતી. એ દિવસોમાં પણ. મારા સ્વભાવમાં અને વર્તનમાં પણ ઘણો બદલાવ આવવા લાગ્યો હતો. દરેકની સાથે હસીને વાત કરવા લાગી. એકલા એકલા પણ અજય સાથે વીતેલી પળોને યાદ કરી હસી લેતી. જાણે એક પાગલપન મારી અંદર જન્મી ગયું હોય એમ લાગવા લાગ્યું હતું.
      અઠવાડિયામાં બે-ત્રણ વાર હું અજયને મળતી. દર વખતે અમે બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ જ જતાં. અજયના ચુંબનનો હવે હું વિરોધ નહોતી કરતી. કેટલીકવાર હું સામેથી પણ હવે એને ચુંબન આપવા લાગી હતી. પણ અજય તો હવે ચુંબનથી આગળ વધી ગયો હતો. ચુંબન કરતી વખતે તેનો હાથ મારા ઉરોજ ઉપર પણ ફરવા લાગતો. પણ મેં એને રોક્યો નહિ. બેન્ડ સ્ટેન્ડ પર બેઠેલા મોટાભાગના કપલો ખુલ્લે આમ આ પ્રકારની ક્રીડાઓ કરતાં હોય છે. એમને કોઈની શરમ હોતી નથી. શરૂઆતમાં મને થોડી શરમ હતી. પણ વખતો વખત અહીંયા આવ્યા બાદ મારી એ શરમ તૂટી ગઈ અને હું પણ હવે એમાની એક બની ગઈ.
ઘરે લેન્ડ લાઈન ફોન આવી ગયો હતો. જેના કારણે સાંજે જ રૂમ પરથી કોઈની સાથે નીચે જઈ ફોન કરી આવતી. પણ ડાયરી લખવાની નિયમિતતા ખોરવાઈ ગઈ. અજય સાથેની મુલાકાતોના વિસ્તૃત વર્ણન કરવાની જગ્યાએ ટૂંકમાં જ બધુ લખતી. અજય સાથે વિતાવેલી પળોને લખવામાં પણ મને શરમ લાગતી હતી. માટે કેટલીક બાબતો જાણી જોઈને લખવાનું ટાળતી. ઘરે ફોન કરતી ત્યારે મમ્મી પપ્પા "ભણવાનું કેવું ચાલે છે ?" એમ પૂછતાં પણ એનો સાચો જવાબ મને જ ખબર હતી. પણ હું "બરાબર" નો ટૂંકો જવાબ આપી વાત પૂર્ણ કરી દેતી.
કૉલેજમાં વિસ દિવસની રજાઓ આવવાની હતી. ઘરે મેં એ રજાઓમાં આવવા વિશેની જાણ કરી જ હતી. પણ અજય વગર હું એ વિસ દિવસ કેમ કરી પસાર કરીશ એજ ચિંતા સતાવી રહી હતી. અજયને પણ મેં એ વાતની જાણ જ્યારે કરી ત્યારે એને પણ આટલા દિવસ  દૂર રહેવાનું દુઃખ વ્યક્ત કર્યું. મારા ઘરનો લેન્ડલાઈન નંબર અજયને આપી ફોન ઉપર વાત કરીશું એમ જણાવ્યું. 
ઘરે જવાના આગળના દિવસે જ હું અજયને મળી. બેન્ડસ્ટેન્ડના એ પથ્થરો ઉપર દિવસ આથમતા સુધી એની સાથે સમય વિતાવ્યો. એ દિવસે ચુંબનોની તો કોઈ હદ જ ના રહી. અજય આજે તો બધી જ હદો વટાવવા ઉપર આવી ગયો હતો. તેના આવેગો એના કાબુમાં નહોતા. જો એ જાહેર સ્થળના હોત તો ત્યાં જ બધી હદ એને વટાવી લીધી હોત. હું પણ ભાન ભૂલી એના સ્પર્શમાં ખોવાયેલી હતી. મારા શરીર પર ફરતો એનો સ્પર્શ મને એના તરફ વધુ આકર્ષી રહ્યો હતો. પણ મેં મારી જાત ઉપર કાબુ કરી અજયને થોડો દૂર કર્યો. અને કહ્યું : 
"અજય, બસ હવે. આટલા સુધી જ રહેવા દે. આપણે હવે આગળ નથી વધવું. મને ડર લાગે છે."
"શેનો ડર ? કંઈ નહી થાય !" અજય મને સમજાવવા લાગ્યો.
પણ મને છેલ્લી હદ પાર કરવાની કોઈ ઈચ્છા નહોતી. મેં એક પુસ્તકમાં કૌમાર્ય (Virginity) વિશે વાંચ્યું હતું. અને સંભોગ બાદ જ ગર્ભ રહે છે તેની પણ જાણ હતી. માટે અજયને એમ ન કરવાનું જણાવ્યું. અજય થોડો ગુસ્સે થયો. મેં એના ચહેરાની લગોલગ જતાં કહ્યું  :
"આપણાં લગ્ન થશે તો બધું તારું જ છે ને અજય. પછી હું તને ક્યારેય નહીં રોકુ !"
"લગ્ન થવામાં તો હજુ વર્ષો નીકળી જશે કાવ્યા. મારી તડપ વધતી જાય છે. પ્લીઝ, એકવાર બસ એક જ વાર, તારા વગર હું નથી રહી શકતો." એને મને પોતાની બાહોમાં બરાબર જકડીને કહ્યું. 
અજયની તીવ્ર ઈચ્છા હોવા છતાં મેં એને રોકી રાખ્યો. એને ગુસ્સો પણ આવતો હતો. છતાં હું એને પ્રેમથી સમજાવતી રહી. મોડું થઈ ગયું હોવા છતાં મેં જવાની ઉતાવળ ના કરી. પણ ગુસ્સામાં અજય જ ઉભો થઇ અને ચાલવા લાગ્યો. હું પણ તેની પાછળ ચાલવા લાગી. એ કઈ બોલી રહ્યો નહોતો. મારી કોઈ વાતનો જવાબ આપતો નહોતો. સ્કૂટર ઉપર બેસી હોસ્ટેલ પહોંચવા આવ્યા ત્યાં સુધી પણ એને મારી સાથે કોઈ વાત ના કરી. વાત ના કરવાનું કારણ પણ મને ખબર હતી. મેં સેક્સ માટે એને પાડેલી ના જ એના ગુસ્સાનું કારણ હતું. પણ હું એ અજયને આપી શકું એમ નહોતી. મને હોસ્ટેલથી થોડે દુર ઉતારી એ ગુસ્સામાં જ પોતાનું સ્કૂટર વળાવી ચાલવા લાગ્યો.
હોસ્ટેલ પર પહોંચી ત્યારે શોભના, સુસ્મિતા અને મેઘના પણ આવી જ ગયા હતા. મારા મોડા આવવા વિશેનું કારણ એ લોકોએ પૂછ્યું પણ મેં કૉલેજથી જ એક ફ્રેન્ડની સાથે બહાર ગઈ હોવાનું જણાવી વાત પૂરી કરી. જમ્યા બાદ કોઈ આજે ટીવી જોવા માટે રોકાયું નહિ. બધી જ કૉલેજમાં રજાઓ હોવાથી બધી જ છોકરીઓ પોતાના ઘરે જવાની હતી. ઘણાં લાંબા સમય બાદ ઘરે જવાનું હોય સૌ ઉત્સાહિત હતાં. પોતાનો સામાન તૈયાર કરવા માટે સૌ પોત પોતાના રૂમમાં જ ચાલ્યાં ગયાં. શોભના, સુસ્મિતા, મેઘના અને હું એક જ ટ્રેનમાં ઘરે જવાના હતાં. શોભના સુરત સુધી અમારી સાથે રહેવાની હતી,  હું નડીઆદ ઉતરીશ બાદ મેઘના અને સુસ્મિતા અમદાવાદ સુધી સાથે જશે અને પછી સુસ્મિતા એકલી જ જામનગર સુધી જવાની હતી. સવારે ૮:૨૦ ની સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં અમારી ટિકિટ શોભનાએ જ બુક કરાવી હતી.
રૂમમાં આવી બધા પોતાની બેગ તૈયાર કરવા લાગી ગયા. પણ મારા મનમાં અજય વિશેના વિચારો ઘુમરાવવા લાગ્યા હતાં. "અજયે આજે પહેલીવાર મારા ઉપર ગુસ્સો કર્યો હતો. અને હું એને મનાવી પણ ના શકી. હવે થોડા દિવસ સુધી અમે મળી પણ શકવાના નહોતા. કેમ કરી અજયને મનાવીશ ?" એ વિચારોમાં જ ખોવાયેલી હતી. સુસ્મિતાએ મને પીઠ ઉપર ટપલી મારતા વિચારોમાંથી બહાર લાવી અને કહ્યું :
"ક્યાં ખોવાઈ ગઈ ડિયર ? ઘરે જવાની ઈચ્છા નથી કે શું ?"
"ક્યાંય નહીં, બહુ દિવસે ઘરે જાવ છું તો તો થોડું મન વ્યાકુળ બની રહ્યું છે." મેં હળવા સ્વરે સુસ્મિતાને કહ્યું.
"ઓકે, હવે મારા પહેલાં તો તું ઘરે પહોંચી જઈશ. બહુ વ્યાકુળ ના બન અને સમાન પેક કરી લે." સુસ્મિતા એટલું બોલી પોતાના કબાટ તરફ ચાલવા લાગી.
કબાટ માંથી મારી બેગ કાઢી કપડાં અંદર મુક્યાં. કેટલાક જરૂરી પુસ્તકો પણ બેગમાં રાખી બધો સામાન વ્યવસ્થિત પેક કરી દીધો. અમારા ચારેયનો સમાન પેક થયો ત્યાં સુધી સાડા અગિયાર વાગ્યા હતાં. સવારે વહેલું  ઉઠવાનું હતું. અને ઘરે જવાનો સૌને આનંદ હતો. હોસ્ટેલથી સ્ટેશનનું અંતર પણ પોણા કલાક જેટલું હતું. ત્યાં પહોંચવા માટે સીટીબસમાં જવું પડે એમ હતું. એટલે ૬:૩૦ સુધીમાં નીકળવાનું નક્કી કરી સુઈ ગયા.
મને તો રાત્રે મોડા સુધી ઊંઘ ના આવી. અજયનો ગુસ્સો ક્યારે શાંત થશે એજ ચિંતા સતાવતી હતી. પણ અજયને મેં ઘરનો ફોન નંબર આપ્યો હતો. એટલે એ ફોન જરૂર કરશે એવી આશા રાખી આંખ મીંચી. પણ આંખ મીંચતાની સાથે જાણે તરત ખુલી ગઈ. શોભના સુસ્મિતાને ઉઠાડી રહી હતી. ઘડિયાળમાં જોયું તો પાંચ અને ઉપર દસ મિનિટનો સમય થયો હતો. ઉઠી ત્યારે મને લાગ્યું કે ઊંઘ તો બરાબર આવી જ નથી.  પણ હવે સુવાનો કોઈ મતલબ નહોતો. ઉઠવાનો સમય થઈ ગયો હતો. 
તૈયાર થઈ હોસ્ટેલથી થોડેદુર આવેલા સિટીબસના બસસ્ટેન્ડ જવા માટે ચાલીને અમે નીકળ્યા. મને મનમાં હતું કે અજય મારા નીકળવાના સમય પહેલાં મને જોવા માટે હોસ્ટેલની બહાર જરૂર આવશે. મારી નજર પણ એને આમતેમ શોધી રહી હતી પણ એ ક્યાંય દેખાયો નહિ. બસ સ્ટેન્ડ પહોંચ્યા. થોડી જ વારમાં બેસ્ટ બસ સર્વિસની બે માળની બસ આવીને ઊભી રહી. બે માળની બસ મુંબઈમાં આવ્યા બાદ ઘણીવાર જોવા મળી હતી પણ આજે એ બસની મુસાફરી કરવાનો પણ મોકો મળ્યો. અમે ઉપરના માળે જ જઈને બેઠા. મેં બારી તરફની સીટ ઉપર બેસી મુંબઇના રસ્તા ઉપર અજયને શોધવાનો નિરર્થક પ્રયાસ કર્યો. 
સ્ટેશન પહોંચ્યા ત્યારે સાડા સાત વાગ્યા હતાં. અમારે ચારેયને પોત પોતાના ઘરે ફોન પણ કરવાનો હતો. સ્ટેશન પાસે રહેલા STD બુથમાં જઈ પોત પોતાના ઘરે ફોન કરી સ્ટેશન પહોંચી ગયા હોવાનું જણાવી દીધું. મેં પણ પપ્પાને ટ્રેન આવવાના સમયે સ્ટેશન લેવા આવવા માટે જણાવી દીધું. 
સ્ટેશન પર આવ્યા ત્યારે અમારી ટ્રેન તેની નિર્ધારિત જગ્યા ઉપર ઉભી હતી. અમારો ડબ્બામાં જઈ અમારી સીટ ઉપર ગોઠવાઈ ગયા. શોભના સામાન મૂકી નીચે જઈ અમારા બધા માટે વડાપાવ લઈ આવી. હોસ્ટેલ ઉપર સવારે નાસ્તો કે ચા કઈ કર્યા વિના જ નીકળ્યા હોવાના કારણે ભૂખ પણ લાગી હતી. ડબ્બામાં "ચાય ચાય ચાય"ની બુમો પાડતાં એક કાકા પાસેથી ચા પણ લઈ લીધી. બરાબર ૮:૨૦ મિનિટ અમારી ટ્રેન સ્ટેશન છોડી ચાલવા લાગી. છેલ્લા કેટલાય સમયથી મુંબઈની ભીડભાડમાં રહેતા અમને આજે મુંબઈ છોડીને બહાર નીકળવાનો આનંદ પણ હતો. ટ્રેને જ્યારે મુંબઈ વટાવ્યું ત્યારે લીલીછમ હરયાળીના દર્શન પણ થયા. વાતો કરતાં મસ્તી કરતા સમય ક્યાં પસાર થયો એની પણ ખબર ના રહી. સવા બે વાગે ટ્રેન સુરતના પ્લેટફોર્મ પર ઊભી રહી. અને શોભનાએ "ફરી મળીએ" કહી વિદાય લીધી.  થોડા જ કલાકો બાદ હવે મારી સફર પણ પૂર્ણ થવાની હતી. મેઘના પણ અમદાવાદ ઉતરી જશે પછી સુસ્મિતાને એકલા જ જામનગર સુધી જવાનું હતું. વાતો માં સફર જલ્દી પૂરો થઈ જાય. પણ સુસ્મિતાને એનો રસ્તો ખૂબ લાંબો લાગવાનો હતો. સુસ્મિતાને મેં અને મેઘનાએ અમારા ઘરે રોકાઈ જવાનું કહ્યું પણ એને ઘરે જવાની ઉતાવળ હતી. અને કોને ના હોય ઉતાવળ આટલા બધા દિવસો બાદ ઘરે જવાની ! રાત્રે તેના પપ્પા સ્ટેશને લેવા આવવાના હતાં. અને અમારી બાજુમાં બેઠેલો એક આખો પરિવાર પોરબંદર સુધી જવાનો હતો એટલે ચિંતા જેવું નહોતું.
સાડા છ વાગે નડીઆદનું સ્ટેશન આવ્યું. મેઘના અને સુસ્મિતાને "બાય" કહી મારો સમાન લઈ નડીઆદની ધરતી ઉપર ઘણાં દિવસે પાછો પગ મૂક્યો. મનમાં એક અજબ જ શાંતિ છવાઈ ગઈ. સ્ટેશનની બહાર નીકળી હું આમતેમ નજર નાખી પપ્પાને શોધવા લાગી.

(શું અજયની માંગણી કાવ્યા સંતોષશે ? શું અજય પોતાનો ગુસ્સો, પોતાની કામેચ્છા છોડી કાવ્યા સાથેનો સંબંધ જીવંત રાખશે ? જાણવા માટે વાંચતા રહો "હેશટેગ લવ" ના હવે પછીના રોમાંચક પ્રકરણો...)

લે. નીરવ પટેલ "શ્યામ"